ઝંખના - 1 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - 1

ઝંખના

ભાગ – ૧

ડોરબેલના અવાજથી મારી આંખ ખુલી. ખુલતા જ મો પર પડતા તડકાને લીધી અંજાઈ.. હું ઝડપથી બેઠો થઇ ગયો. કેટલા વાગી ગયા છે? ફરી બેલ વાગી, દૂધવાળો હતો.

આઠ વાગ્યા હતા, હવે રોજ રાત્રે અલાર્મ મુકીને સુવું પડશે. મોની નથી... દૂધ લેવું, છાપું લેવું, ચા-નાસ્તો બનાવવો, વાસણ ધોવા, થોડી સફાઈ કરવી, કપડા પ્રેસ કરવા, અને કામ પર જવું. આ બધું મોની કરતી હતી, હા, લગ્ન પછી છેલ્લા દોઢ વર્ષથી તે જ બધું કરતી હતી. મને ઉઠાડતી પણ હતી. જોકે આ બધું કામ મારે માટે નવાઈ નથી કે અઘરું નથી. મોની સાથે લગન નહોતા થયા ત્યાં સુધી મારું બધું જ કામ હું જ કરતો જતો.

ઘરમાં સુનકાર લાગતો હતો.. લાગે જ ને.. મોનીની કચ કચ નથી... અને હવે લાગતું નથી કે ફરી મને તે સાંભળવા મળે. હવે તો તે નહિ જ આવે... દોઢ વર્ષમાં અમે દોઢસો વર ઝઘડ્યા હોઈશું, પણ કાલનો ઝઘડો જ જુદો હતો... પહેલીવાર મને અપરાધ ની લાગણી થઇ હતી. પહેલીવાર મને લાગ્યું હતું કે મોની સાચી છે. પણ મેં મારાથી બનતી કોશિશ કરી હતી, મનાવવાની, રોકવાની..

ફરીથી એકલો... મને તો આદત છે ૮ વર્ષથી એકલા રહેવાની.. પપ્પા સાથે ઝઘડીને ઘર છોડ્યું ત્યારથી જ હું એકલો છું, મોની સાથેના દોઢ વર્ષ સિવાય. ઘર છોડ્યા પછી ખુબ રખડ્યો, ઘણી જગ્યાએ રહ્યો, ઘણી નોકરીઓ, ધંધા કર્યા. કુવેટ પણ ત્રણ વર્ષ રહી આવ્યો. કુવેટ થી મને લીલી યાદ આવી.. આજે તો તે યાદ આવવાની જ હતી, કારણ? મોની જતી રહી છે.. મોની નથી તો મોની યાદ આવવી જોઈએ ને? કેમ લીલી યાદ આવી?? લીલી મારો પહેલો પ્યાર હતી, હું તેને પ્રેમ કરતો હતો. મોનીને પણ પ્રેમ કરું છું, સાચે જ?? તો તે યાદ આવતી નથી ને લીલી કેમ યાદ આવે છે?

આજે લીલી યાદ આવાનું કારણ એ હોઈ શકે કે તેણે પણ મને તરછોડ્યો હતો અને કાલે મોનીએ પણ.. આમ જોવા જાવ તો મોની અને લીલી વચ્ચે કશી જ સામ્યતા નથી કે કશું સામાન્ય નથી, સિવાય હું અને મારી કહેવાતી બેવકૂફી... લીલીને પણ હું મારી બેવકુફીને કારણે ખોઈ કાઢી હતી. અને કાલે પણ એવી જ બેવકૂફી કરીને મોનીને પણ જવા દીધી... બેવકૂફી જ કહેવાય, ભલે હું તેને મારી પ્રમાણિકતા માનતો હોઉં કે એવું રૂપાળું નામ આપતો હોઉં.

લીલી ફીલીપાઈન્સની હતી. નમણી, નાજુક, પાતળી, ગોરી અને સહેજ ચૂંચી આંખોવાળી. હા તેના હોંઠ પણ પાતળા હતા. એટલી નાજુક હતી કે હાથ લગાડતા જ તૂટી જશે એવું લાગતું.

અને મોની? હુષ્ટ-પુષ્ટ, સહેજ જાડી કહી શકાય એવી. મોટી, ભરેલી છાતીઓ અને પહોળા નીતમ્બોવાળી. જાડા, ચાવી ખાવાનું મન થાય એવા હોંઠ.. મોની પણ ગોરી જ છે, પણ લીલીની સ્કીન સહેજ પીળાશ પડતી ગોરી હતી.

લીલી બહાર સાથે ફરવા માટે પરફેક્ટ હતી. અને મોની પથારી માટે બેસ્ટ છે. રાતે તે મારી પસંદની મોની બની જતી. હું બધું જ ભૂલીને એમાં ખોવાઈ જતો હતો... તેના કાળા ભમ્મર વાળવાળી પીંડીઓ મને બહુ જ ગમતી અને હું તેના પર હાથ ફેરવ્યા જ કરતો... મોની વેક્સિંગ નહોતી કરતી કારણકે મોની તેને ખોટો ખર્ચ માનતી, એવું હું માનતો હતો. ખર્ચ ગયો ભાડમાં.. મોની પણ જુવાન છે, તેને પણ બીજી બધી છોકરીઓ કરે છે અને રહે છે તેમ જ રહેવું જોઈએને??

એક દિવસ આમ જ તેની વાળવાળી અને માંસલ પીંડીઓ પર હાથ ફેરવતા હું બોલ્યો હતો, “મોની, તું વેક્સિંગ કેમ કરતી નથી?”

“વેક્સિંગ? ના બાબા, મને ખુબ ચચરે..”

“તો રેઝર વાપર..”

“હા એ ખરું, પણ આપણી પાસે રેઝર ક્યાં છે?”

“રેઝર નથી? પચાસ પડ્યા હશે..”

“એ નહિ, પણ લેડીસ માટે અલગ રેઝર આવે છે.”

“તો લઇ આવતી કેમ નથી?”

“લાવીશ... આવતા મહીને સેટિંગ કરીને લઇ આવીશ..”

મને ખુબ જ ખરાબ લાગ્યું, મને મારા પર જ ધિક્કાર છૂટ્યો. એક મામુલી ઇલેક્ટ્રિક રેઝર માટે પણ તેને સેટિંગ કરવું પડે છે?? બીજે દિવસે મેં કામ પર જતા પહેલા મોની માટે રેઝર ખરીદ્યું અને સાંજે તેને આપ્યું હતું. પણ તે રેઝર તેણે ક્યારેય વાપર્યું જ નહિ. હું જયારે પણ તેની પીંડીઓ પર હાથ ફેરવતા પૂછતો તો તે કહેતી, “કરીશ, કંટાળો આવે છે, ટાઈમ નથી, વગેરે કહીને તે ટાળી દેતી. એક દિવસ મેં ગુસ્સાથી કહ્યું, “જા હમણાં જ વાળ સાફ કર.. શું બેવકૂફ બનાવ્યા કરે છે...” તે ઉભી થતા બોલી હતી, “ક્યારનીયે કરી નાખતી.. પણ મને એમ કે તને એવા જ પગ ગમે છે, એટલે હું કરતી નથી.” કહેતા તે બાથરૂમમાં ગઈ. હું પણ તેની પાછળ જ ગયો ને તેનો હાથ પકડીને પાછો લાવતા બોલ્યો, “બરાબર છે, કોઈ જરૂર નથી, રહેવા દે.. અને તારે ક્યાં સ્કર્ટ પહેરવું છે?”

આવી વાતો સાંભળીને લાગે છે ને કે અમે ખુબ સુખી હતા? હતા જ.. અમુક વાતો અને આદતો બાદ કરતા મોની સારી જ હતી. અરે ત્રણ દિવસ પહેલા સુધી પણ અમે હેપીલી મેરીડ કપલ ની જ કેટેગરીમાં આવતા હતા. આજે પણ હોતા, જો ગઈકાલે હું સાચું ન બોલ્યો હોત તો... મોની મારી પ્રમાણિકતા પચાવી શકી નહિ.

મોની શું? લીલીએ પણ એવું જ કર્યું હતું. ટૂંકમાં સ્ત્રીઓ એક જેવી જ હોય છે. ફીલીપાઈન્સની હોય કે દેશી....

માથું ઝાટકીને ઉભો થયો અને કપ-રકાબી સિન્કમાં નાખ્યા. ધોવા નથી, સાંજે વાત.. અને હું તય્યાર થઈને નીકળી ગયો.

બસ સ્ટોપ પર આવ્યો, ને મારો ફોન વાગ્યો, સુચેતા, મોનીની નાની બહેન હતી. “બોલ, તું ચેન્નાઈ પહોંચી ગઈને? ટ્રેનમાં કોઈ તકલીફ તો નહોતી પડીને?”

“હા પહોંચી ગઈ. મોની મારો ફોન નથી ઉપડતી, તેને ફોન આપો.”

“મોની તો જતી રહી છે, ઘર છોડીને..”

“શું? ક્યારે?”

“તારી સામે જ તો બધા નાટક થયા હતા. મોનીએ તને ધક્કો મારીને ઘર બહાર ધકેલી હતી, અને હું તને સ્ટેશને છોડી આવીને ઘેર ગયો તો મોની પણ બેગ પેક કરીને જ બેઠી હતી.”

સુચેતા રડવા લાગી, “સોરી રાહુલભાઈ.. મારે મુંબઈ, તમારે ઘેર આવવા જેવું જ નહોતું.. મારે લીધે બધું થયું.. મેં જ મારી બહેનનું ઘર ભાંગ્યું છે.” કહેતા તે રડવા લાગી. મને શું બોલવું તે સમજાયું નહિ. તે આગળ બોલી, “મારો જ વાંક છે, મેં ખુબ જ ખોટું કર્યું છે..”

“તેં નહિ, તું એકલી દોષ ન લે, હું પણ ભાગીદાર છું જ..”

“તમે તો પુરુષ છો, મારે વિચારવાનું હતું.. પણ.... હવે હું ક્યારેય મારી બહેન સાથે આંખ નહિ મિલાવી શકું, ક્યારેય તેની સામે જઈ નહિ શકું... મારે લીધે તેના સુખી સંસારમાં આગ લાગી ગઈ...” કહેતા તે ફરી રડવા મંડી. મને પણ કશુંક બોલવું જોઈએ, બોલ્યો, “ જે થયું એ હવે ન થયું થઇ શકતું નથી...” મારું એટલું બોલતા જ તે ભડકી ગઈ, “બધું તમે જાણી જોઇને જ કર્યું છે. જે કઈ થયું તે આપણા બે વચ્ચે થયું હતું, મોની જાણતી નહોતી કે તમે ન કહેતા તો તે ક્યારેય જાણી શકતી નહિ.. કેમ તમે ડહાપણ કર્યું? મને તો શક છે કે તમે જાણી જોઇને કહ્યું કે જેથી ઝઘડો થાય અને તમને મોનીથી છુટકારો મળી જાય...”

“સુચેતા, તું આરોપ લગાવી રહી છે, મનેય ગિલ્ટી ફિલ થતી હતી, હું મોનીને છેતરવા માંગતો નહોતો... બસ..”

“તો પછી મોનીને રોકી કેમ નહિ?”

“કહ્યું હતું, પણ તે માની નહિ.”

“કહ્યું હતું, બસ? તમે ગુનેગાર છો, મોટો અપરાધ કર્યો છે, અને મનાવવાની કોશિશ પણ ન કરી? કહ્યું કે રોકાઈ જા, બસ??”

“સુચેતા, તું કહે છે એટલો મોટો અપરાધ હું માનતો નથી..”

“હા, અપરાધી તો હું છું, મારું મગજ બહેર મારી ગયું હતું.. તમે તો દુધે ધોયેલા છો.”

મને ગુસ્સો આવ્યો, “સુચેતા, ફાલતું વાતો ના કર.. કહ્યું તો ખરું કે મનેય ગિલ્ટી ફિલ થાય છે, તો? હવે? થવાનું હતું તે થઇ ગયું.”

“તમે મોનીને પ્રેમ નથી કરતા ને??”

“અમથા અમે સાથે રહેતા હતા?”

“સાથે રહેવું અને પ્રેમ કરવો, તે બંને એક જ છે? સીધો જવાબ આપો, પ્રેમ કરો છો?”

“હાસ્તો વળી... એમ જ કહેવાયને...”

“એમ જ કહેવાય? ઓકે તો તેને મનાવવા કેમ જતા નથી? તેને પાછી લઇ આવો...”

“મારે વિચારવું પડશે.”

“રાહુલભાઈ, આઈ હેટ યુ....” કહીને સુચેતાએ ફોન કાપી નાખ્યો. હું ફોનમાં વાતો કરતો ખુબ આગળ નીકળી આવ્યો હતો. પાછો ફરીને બસ સ્ટોપ પર આવ્યો.

કામમાં મન લાગ્યું નહિ. સુચેતા હેટ મી... મોની પણ એવું જ બોલીને ગઈ હતી.. અને લીલી પણ છેલ્લું વાક્ય આ જ બોલી હતી. સ્ત્રીઓ સાથે મારું લેણું જ નથી. મા પણ મને નાનો મુકીને જતી રહી હતી. પહેલા મને લાગતું હતું કે સ્ત્રીઓ મને સમજી શકતી નથી, પણ ત્રણ ત્રણ અનુભવ થયા પછી આજે હું વિચારવા મજબુર હતો કે ક્યાંક મારામાં જ ખામી તો નથી? હું જ સ્ત્રીઓને સમજી શકતો નથી.

સુચેતા, મોનીની સગી બહેન અમારી મહેમાન... અને તેની સાથે મેં જે કઈ કર્યું... ના, ના, મેં નહિ, જે કઈ થયું તે અમે કર્યું હતું, મેં એકલાએ નહિ.. હા, તો અમે જે કર્યું તેને માટે મને પસ્તાવો છે, હા સાચે જ મને પસ્તાવો છે અને મોની માટે ખરાબ લાગ્યું હતું. અને એ પસ્તાવાને કારણે જ મોની સામે કબુલાત કર્યા વગર મારાથી રહેવાયું નહિ...

લંચ ટાઈમમાં કબીરને ફોન કર્યો, “આવ, લંચ માટે જઈએ.”

“કેમ? આજે ફરી મોનીએ ઝઘડો કર્યો?” કહીને તે હસ્યો.

રેસ્ટોરંટમાં જમતા કબીર મારી બધી વાત સાંભળીને બોલ્યો, “તારી કેપેસીટી મુજબના જ કાંડ કેમ નથી કરતો? અને કાંડ કર્યું તો કર્યું, કાંડ કર્યા પછી જ તને ઈમાનદારીનો હુમલો આવે છે? લૂલી કંટ્રોલમાં કેમ નથી રાખતો?” કહીને કબીર મને તાકી રહ્યો. હું કશો જવાબ આપ્યા વગર ખાતો રહ્યો. મારા બોલવાની વાટ જોઇને તે ફરી બોલ્યો, “કુવેટ માં પણ જો બોલીને ન બગાડતો અને પ્રમાણિકતાનું સર્ટીફીકેટ લેવા લીલી પાસે ન જતો તો?? તો આજે મારી જેમ ત્રણ બેડરૂમના ફલેટનો તું માલિક હોતો.. અને લીલી સાથે મજા કરતો હોત...”

“મનેય પૈસા કમાવવા હતા, પણ મારી રીતે. અને એટલે જ હું છોડીને આવી ગયોને?? મારે માટે સિંગલ રૂમ જ સારી છે, હા લીલીને ખોવાનો, તેને ન મેળવી શકયાનો અફસોસ જરૂર છે.”

“અફસોસ જ કરતો રહી જવાનો છે તું.. બીઝનેસ અને પ્રેમમાં થોડી બેઈમાની કરવી જ પડે.. અને બંનેમાં તું નિષ્ફળ રહ્યો. ઈમાનદારીનું પૂછડું ન પકડી રાખતો તો આજે લીલી સાથે બેઠો હોતો. જોકે મોની પણ કઈ જાય એવી તો નથી જ. તેના જેવી સ્ત્રી બેડ પર પાસે સુતેલી હોવી જ જોઈએ.. તે પણ ગઈ, હવે? તને હવે એકલા ફાવશે?”

મેં કશો જવાબ આપ્યો નહિ. થોડીવારે તે બોલ્યો, “હવે શું વિચાર્યું છે? મોની સાથે હું વાત કરી જોઉં? જો તને રસ હોય તો જ..”

“ના,જરૂર નથી.” કહીને હું હાથ ધોવા જતો રહ્યો. પાછો આવીને ખુરશી પર બેઠો. કબીરે મને સિગરેટ આપી અને લાઈટર ધરતા બોલ્યો, “તારી સાળી?? પરણેલી જ છે ને??”

“હા, ચેન્નાઈમાં... અને સુખી છે.”

“સાળીઓ તો સુખી જ હોય છે, જીજાજીને દુખી કરીને...” કહેતા કબીર હસ્યો. ”જે થયું તે, હવે હરિશ્ચન્દ્ર બનીને બધા આગળ તારા પરાક્રમની વાતો કરવા ન બેસી જતો. સાસરીમાં જાય કે જવું પડે તો પણ કેમ ઝઘડો થયો હતો તે બોલીશ નહિ.”

“સાસરીમાં તો મોનીએ તેની માને અને બધાને કહ્યું જ હશે ને કે શું થયું હતું.”

“ના, નહિ કહ્યું હોય.. મને લાગે છે ત્યાં સુધી તે આવી વાત અને ખાસ તો પોતાની સગી બહેનની વાત કરે એવી નથી જ... ચાલીમાં પણ પૂછે તો રડવા બેસતો નહિ કે ઝઘડીને જતી રહી છે.. એટલું જ કહેજે કે પિયર ગઈ છે.”

હું હસ્યો, “ચાલીવાળા તો સમજી જ જવાના છે.. અમારો ઝઘડવાનો અવાજ નહિ આવે તો...”

સાંજે ક્વાર્ટર લીધું અને બિલ્ડીંગની નીચેના ગલ્લેથી સિગરેટનું પેકેટ લઈને ઉપર આવ્યો. રૂમનું લોક ખોલતો જ હતો ને જાણે મારી જ વાટ જોતા હોય એમ બાજુવાળા સાલુભાભી બહાર આવીને બોલ્યા, “ક્યાં ગયા હતા? મોની પણ નથી, કામવાળી આવી હતી, મને ચાવી આપી જતા તો હું કામ કરાવી દેતી ને?”

“કાલથી આપી જઈશ.”

“અચ્છા, એટલે મોનીનો લાંબો પ્રોગ્રામ લાગે છે..”

“હા, પિયર ગઈ છે, થોડા દિવસ ત્યાં રહેશે.” કહેતા હું રૂમમાં આવી ગયો.

નાહીને નીકળ્યો અને પીવાની શરૂઆત જ કરી કે ફરી સાલુભાભીએ રૂમ નોક કર્યો, અને અંદર ઝાંકીને બોલ્યા, “રાહુલભાઈ, કશી ખટ-પટ કરશો નહિ, રાત્રે અમારે ત્યાં જમી લેજો.”

“આભાર ભાભી, પણ આજે તો દોસ્ત જોડે બહાર જમવા જવાનું છે.”

“હા, હા, બે-ચાર દિવસની આઝાદી મળી છે તો સેલીબ્રેટ તો કરશો જ ને...” કહેતા હસ્યા અને શંકાથી પૂછ્યું, “બે-ચાર દિવસ જ ને??” મેં જવાબ આપ્યો નહિ. તે જતા જતા કહેતા ગયા, “કંઈપણ કામ હોય તો સંકોચ રાખશો નહિ.”

“હા જરૂર.. આભાર.”

પાડોશી સારા છે. મોનીએ સારી રીતે સબંધો સાચવ્યા છે.. મારું આટલું ધ્યાન રાખે છે તે મોનીને કારણે જ ને?? હું તો કોઈ સાથે બોલતો નહોતો કે હાઈ-હલ્લો પણ કર્યું નથી. પૂરું ક્વાર્ટર ગ્લાસમાં ખાલી કર્યું અને બરફના ક્યુબ નાખ્યા. પાણી કે સોડા મેળવી ને હું વ્હીસ્કીનું અપમાન કરતો નથી. મોની હોતી તો ભલે રિસાયેલી હોય તો પણ પ્લેટમાં કશું ખાવાનું મૂકી જતી. આજે તો મારે જ ઉઠવું પડશે... કિચનના ડબ્બા ફંફોળ્યા, ખારી શીંગ મળી.

રાત્રે હું એકલો જમી આવ્યો. રૂમમાં શાંતિ હતી, હા ટીવી બંધ હતું... મોની વગર બંધ જ રહેવાનું હતું. મોની સીરીયલો પાછળ ગાંડી હતી, તે સીરીઅલોના સમય પ્રમાણે જ ઘરનું અને કામનું ટાઈમ ટેબલ ગોઠવતી હતી. મને ખુબ ગુસ્સો આવતો, પણ તે ઝઘડો પણ સીરીયલ પૂરી થાય કે બ્રેક આવે ત્યારે જ શરુ કરતી હતી.. હું મનમાં જ હસ્યો, ઝઘડો કરવા માટે પણ તે બ્રેકની વેઇટ કરતી હતી... શું મોની ફક્ત ઝગડતી જ હતી? અને ટીવી જ જોતી હતી? ના, તે બધા જ કામ સારી રીતે કરતી હતી. ગમે તેટલા લડ્યા હોઈએ તો પણ તેની અસર તે બીજા કામ પર પડવા દેતી નહોતી. મને ભાવતું ખાવાનું બનાવવું, મારા કપડા કાઢીને પ્રેસ કરી આપવા, મારા બધા જ સમય સાચવવા, ટીફીન આપવું, વગેરે દરેક કામ પર અમારા ઝઘડાની અસર થતી નહિ. અને ખાસ તો રાત્રે.. રાતે તે મારા સપનાની મોની બની જતી, ને મને બધું જ ભૂલવાડી દેતી હતી.

એકલો બેડ પર પડ્યો. બેડ કેટલો મોટો છે...મોની વગરની બીજી રાત.. સિગરેટ લઈને બારી પાસે આવ્યો. નીચે હજુ ચહલ-પહલ હતી. કાલે કામ પર નહિ જાઉં.. રખડીશ, કે પછી થોડા દિવસ બહાર ફરી આવું? એક વાત તો નક્કી જ હતી કે મોની હવે ક્યારેય નહિ આવે કે મને માફ નહિ કરે અને હું પણ તેને હવે લેવા કે મનાવવા જવાનો નથી. સુચેતાએ કહ્યું એમ શું હું તેનાથી કંટાળી ગયો હતો અને છૂટવા જ માંગતો હતો?? ના, ના, મોની જો છોડીને ન જતી તો હું આમ જ નિભાવ્યે જતો, છુટા થવાનું વિચારતો પણ નહિ. પણ હવે તે જાતે જ ગઈ છે તો ભલે ગઈ... આઈ ડોન્ટ કેર.. મને નવાઈ નથી.. લીલીએ પણ એવું જ કર્યું હતું ને??

બેડ પર પડ્યો, અર્ધ જાગૃત અવસ્થા કે તંદ્રા કે સવ્પ્ન હતું, તે જાણતો નથી, પણ સાડાચાર વર્ષ પહેલાના ભૂતકાળની ફિલમ હું જોઈ રહ્યો હતો...

----- બાકી છે.