ઝંખના - 3 Akil Kagda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

ઝંખના - 3

ઝંખના - ૩

લીલી બોલી, “રાઉલ, હવે તું બીજા મંગળવારે જ આવીશને?” તે મને રાઉલ જ કહેતી હતી.

“હા, કેમ?”

“કાલે કામ છે.”

“અરે સ્વીટી તારા માટે તો કઈ પણ.. કાલે પણ પાછો આવીશ, બોલને..”

“મારી સાથે કામ કરતી છોકરી કાલે સાંજે ફિલીપાઈન્સ જાય છે અને મારા બાજુના ગામની જ છે. હું વિચારું છું કે ડેડી માટે કઈ ગીફ્ટ મોકલું..”

“મોકલ, બહુ સારું.. બોલ શું મોકલવું છે? હું લાવી આપીશ.”

“સીકો-૫ ઘડિયાળ મોકલવી છે, તું લાવી આપીશ? પણ કાલે જ જોઈએ.”

“બહુ સારી ગીફ્ટ છે.. પણ સીકો ઘડિયાળ થોડી મોંઘી છે હોં.”

“હા, મને ખબર છે, ૧૮ દીનારની મળે છે, પણ વાંધો નહિ, ડેડીને પહેલીવાર તો કશું મોકલું છું.. તારું પૂરું શીડ્યુલ બગડશે, પણ પ્લીઝ મને કાલે આપી જઈશને?” કહેતા તે ડેડીને યાદ કરીને ઈમોશનલ થઇ.

“સ્યોર સ્વીટી, કાલે સવારે ૯ વાગ્યે તને મળી જશે.” લીલી ખુશ થઇ ગઈ અને મારો આભાર માનીને ઉછળીને મારે ગાલે કિસ કરી, ને બોલી, “થોભ, પૈસા લેતો જા.”

“છે મારી પાસે, કાલે લઇ લઈશ.”

તે સમયે ઓટોમેટીક કાંડા ઘડિયાળની ફેશન અને ખુબ ચલણ હતું. અને તેમાં પણ જાપાની સીકો-૫ ઘડિયાળનું ખુબ નામ હતું. લુકની દ્રષ્ટિ કઈ ખાસ નહિ, ડબ્બા જેવું ષટકોણ ડાયલ.. અને એક જ મોડલ.. પણ કવોલીટીમાં તેનો જોટો જડે નહિ.. એક જ મોડલ મળતું હતું એટલે પસંદગીનો પણ સવાલ નહોતો. અને લીલીને હું ના પાડી શકું એમ નહોતું. કાલે ફરી આવીશ, ભલે મારું શીડ્યુલ બગડે..

સાંજે હું અને કબીરે રોજની જેમ ખરીદી કરી. છેલ્લે મેં કહ્યું, “સીકોનો શોરૂમ ક્યાં છે? મને ઘડિયાળ લેવી છે.”

“કસ્ટમરે મંગાવી છે? જેન્ટ્સ કે લેડીસ ઘડિયાળ?”

“હા, મંગાવી છે, જેન્ટ્સ..” મેં જાણીજોઈને લીલીનું નામ લીધું નહિ, મને તેનું ભાષણ સાંભળવું નહોતું. કાલે મારે બીજા એરિયાનું શીડ્યુલ હતું, પણ ફક્ત એક ઘડિયાળ માટે હું દિવસ બગાડું છું એ કારણે તે ગુસ્સે થતો અને જાણે શું શું બોલતો.

“ખરીદવાની જરૂર નથી, મારી પાસે છે જ.. હું રાખું જ છું.”

ઘેર જતા જ કબીરે મને સીકો ઘડિયાળનું બોક્ષ આપ્યું, તે લઈને મેં મારી બેગમાં મુક્યું.

બીજે દિવસે હું ઘડિયાળ લઈને લીલીના ઘેર પહોંચ્યો, ઘરની બેલ વગાડી. ઇન્ટરકોમ પર જ તે મારો અવાજ સાંભળીને બોલી, “હું તારી જ રાહ જોતી હતી, ઘડિયાળ લાવ્યોને?”

“હા, એટલે જ તો આવ્યો છું.”

લીલી દોડતી બહાર આવી અને મારા હાથમાંથી ઘડિયાળનું બોક્ષ લઇ લીધું ને મને ગેરેજમાં લાવી. તેની ખુશી જોવા જેવી હતી. તે અંદર દોડી અને મારે માટે પ્લેટમાં પેસ્ટ્રી અને પેપ્સી લઈને આવી. ને બોલી “કેટલા પૈસા આપું?”

“રહેવા દે સ્વીટી, તારા ડેડીને મારા તરફથી ગીફ્ટ..”

“પાગલ... જલ્દી બોલ, આજે હું ખુશ છું.”

તે માનવાની નથી, એટલે મેં કહ્યું કે “૧૮ દીનારની છે.”

“હા, એ તો મને ખબર છે, તારા કેટલા?”

“મારે કશું ના જોઈએ.. બીજી વસ્તુમાં કમાવ જ છું ને...”

તેણે નાની પાકીટમાંથી ૨૫ દીનાર કાઢીને મારા શર્ટના ખિસ્સામાં નાખી દીધા. હું પૈસા કાઢતા બોલ્યો, “લીલી, ઘણા છે, મારે નફો નથી જોઈતો.” કહીને મેં ૧૮ રાખીને ૭ તેને પાછા આપ્યા. તે બોલી, “રાખીલે.. આજે હું ખુશ છું.” ના કહીને મેં ૭ દીનાર તેની નાની પર્સમાં મૂકી આપ્યા. નીકળતી વખતે તેણે ફરી મારો આભાર માન્યો અને ફરી ઉછળીને મારા ગાલે કિસ કરી. હા, હું સીધો ઉભો હોઉં તો તેણે મને કિસ કરવા માટે ઉછળવું જ પડે, અથવા મને ઝુકાવવો પડે.. લીલી અને મારી ઊંચાઈમાં ખાસ્સો ફરક જો હતો... આજે પહેલીવાર મેં લીલીને એટલી ખુશ જોઈ, અને તેની ખુશી માટે હું પણ કારણભૂત હતો, એટલે હું પણ ખુશ હતો. તેની ખુશીનું કારણ ઘડિયાળ હતી, જોકે તે માટે તેણે પોતાનો ચોથા ભાગનો પગાર ખર્ચી નાખ્યો હતો, પણ લાગણીઓ અને સબંધો સામે પૈસાની શું વિસાત?? લીલી મને વધારે ગમવા માંડી, કેટલી નાની વાત અને કેટલી ખુશી... નાની નાની વાતોથી ખુશ થઇ જવાનું મારે લીલીથી શીખવું પડશે,..

મેં મારા ગાલ પર હાથ ફેરવ્યો, અને ઝડપથી હાથ પાછો ખેંચી લીધો.. હાથ ફેરવવાથી ક્યાંક લીલીના નાજુક હોંઠનો સ્પર્શ ભૂંસાઈ ન જાય...મેં નક્કી કરી લીધું, આવતા મંગળવારે તો ગમે તે થાય પણ લીલીને પ્રપોઝ કરી જ લેવું છે.

રૂમમાં કબીર નહોતો. તેને કહેવું નથી. તે પૂરો પ્રોફેશનલ છે. હું અમારો બનાવેલ દેશી વાઈન લઈને ટીવી જોતો બેઠો. થોડીવારે કબીર આવ્યો ને સીધો બાથરૂમમાં જતો રહ્યો. તે નાહીને નીકળ્યો કે તરત જ મેં તેને સીકો ઘડિયાળના ૧૮ દીનાર આપ્યા, પૈસા લેતા તે બોલ્યો, “આપી આવ્યોને? બરાબર નફો લીધો છેને? ૨૫ થી ઓછામાં નથી આપીને?”

“હા, ૨૫ માં જ આપી છે.”

“સરસ.” કહીને તે કિચનમાં લંચ બનાવવા માટે ગયો. દરરોજ બંને ટાઈમ તે જ ખાવાનું બનાવે છે. મેં કબીર માટે પણ પેગ બનાવ્યો, અને કિચનમાં જઈને તેને આપ્યો, અને ત્યાં જ ઉભો રહ્યો. આમ તો હું બહુ ઓછું બોલવાવાળો છું, પણ આજે મારે ખુબ બોલવું હતું, લીલી વિષે.. અને કોઈ સાંભળ્યા જ કરે તો કેવું સારું... કબીર કામ કરતો રહ્યો, મારાથી કશું જ બોલી શકાયું નહિ. તે જ મારી સામે જોઇને બોલ્યો, “બોલ, પૈસા જોઈએ છે?”

“ના, ના.. હું તો એ કહેવા આવ્યો હતો કે ગુજરાતી દુનિયાની સવથી અઘરી ભાષા છે, નહિ?”

કબીર ચમચો હલાવતા બોલ્યો, “ના રે, મને એવું લાગતું નથી.”

“આપણા માટે તો સહેલી છે, પણ કોઈ બીજાને શીખવાડવી ખુબ જ કપરી છે નહિ?”

“હા, તેનું વ્યાકરણ ખુબ જ જટિલ છે, એ રીતે તો શીખવાડવામાં તો ૧૦ વર્ષ પણ ઓછા પડે, પણ તું ફક્ત સમજતા જ શીખવાડી દેજે.” કહીને કબીર હસ્યો, અને ફરી બોલ્યો, “સાલા, કામ-ધંધામાં ધ્યાન આપ.. બે પેગ જતા જ તારા પર લીલીનું ભૂતસવાર થઇ જાય છે.”

“મેં લીલીનું નામ લીધું? આ તો ખાલી કહું છું.”

“છોડ, ગુજરાતીનો પ્રોબ્લેમ મોટો નથી, પણ તેને ખાવા માટે કુતરા-બિલાડા પકડવા જવાનું તને વધારે અઘરું પડશે, હહાહાહા!!!!” કેહીને કબીર ખડખડાટ હસવા લાગ્યો, અને પછી બોલ્યો, “તારા પપ્પા સાથે સમાધાન થયું?”

“ના.”

“કેમ? કરી કેમ લેતો નથી?”

“હજુ એવી કોઈ જરૂર જ પડી નથી, અને શું સમાધાન? અમારી વચ્ચે એવો કોઈ ઝઘડો જ નથી.”

“તારો ભાઈ??”

“હા, તે મારી સાથે બોલે છે, મહીને, ૧૫ દિવસે ફોન કરીને મારી ખબર પૂછી લે છે.”

બપોરે જમીને મેં સુતા સુતા સિગરેટ સળગાવી. લીલી જ મારા દિમાગમાં રમી રહી હતી. લગન કરીને તેને મુંબઈ લઇ જઈશ.. થોડા સમયમાં તેને ગુજરાતી પણ શીખવાડી દઈશ.. હું મનમાં જ હસ્યો, લીલીને તો પૂછ્યું જ નથી.. તો? મંગળવારે પૂછી જ લઈશને.. અને મને વિશ્વાસ છે કે તે મને ના નહિ પાડે, તે પણ મને પ્રેમ કરે જ છે.

ખરીદી કરતા અમને રાત પડી ગઈ. માર્કેટથી બહાર નીકળતા કબીર બોલ્યો, “આજે બહાર જમીને જ આપણે જઈએ, શું કહે છે?”

“ના, કડકીમાં ક્યાં બહારની પત્તર ફાડે છે? તને કંટાળો આવતો હોય તો આજે હું ડીનર બનાવીશ, બસ?”

કબીર હસીને બોલ્યો, “કડકો તો તું કયા દિવસે નથી હોતો? અને આજ સુધી તેં ક્યારેય ખિસ્સામાં હાથ નાખ્યો છે?”

કબીરની વાત સાચી હતી, તે સાથે હોય ત્યારે મને ખિસ્સામાં હાથ નાખવાની જરૂર જ પડતી નહિ. તે બોલ્યો, “કેએફસીમા જઈએ, આજે પણ હું જ પૈસા આપીશ...”

જમીને બહાર આવ્યા, કબીર મારી તરફ પૈસા લંબાવીને બોલ્યો, “લે આ વધેલા પૈસા.” કહીને મારા હાથમાં ૮ ડીનર પકડાવી દીધા. હું આશ્ચર્ય થી બોલ્યો, “વધેલા? શેમાંથી વધેલા?”

તે હસતા હસતા બોલ્યો, “તારાજ વધેલા છે, આજે જમવાનું બીલ પણ તેં જ આપ્યું છે.”

“બરાબર કહેને ટોપા...”

“તેં મને સીકો ઘડીયાળના ૧૮ દીનાર નહોતા આપ્યા??”

“હા, તો?”

“૮ દીનારનું ખાધું, આ ૮ ડીનર મેં તને રોકડા આપ્યા, અને ૨ દીનારની ઘડિયાળ.. થઇ ગયાને ૧૮?”

“બે દીનારની ઘડિયાળ? સીકો-૫??”

“મેડ ઇન ચાઈના.. ડુપ્લીકેટ સીકો... તે બે દીનારની જ છે.”

“વ્હોટ? તું શું બકે છે? તે ડુપ્લીકેટ હતી??” હું ડઘાઈ ગયો હતો.

“હાસ્તો! કોણ ઓરીજીનલ વેચે છે? અને ઓરીજીનલ વેચીને શું કમાઈ લેવાનું??”

મારો મૂડ બગડી ગયો, મારે કેવી રીતે રીએક્ટ કરવું તે સમજાયું નહિ. હું લીલીને, મારી લીલીને નકલી ઘડિયાળ આપી આવ્યો હતો, ઓરીજીનલના પૈસા લઈને... બે દીનારની વસ્તુના અઢાર લાવ્યો હતો, એ પણ લીલી પાસેથી? કે જે આંખ મીંચીને મારા પર વિશ્વાસ કરે છે? ચીટીંગ, ચીટીંગ, ચીટીંગ, આ એક જ શબ્દ મારા માથામાં પડઘાઈ રહ્યો હતો. લીલી શું બીજી કોઈ સાથે પણ હું આવું ચીટીંગ કરી શકું નહિ.

“કબીર, તારે મને કહેવું હતું....”

“શું કહેવાનું? અને કહેતો કે બે દીનારની છે, તો તું ત્રણ કે ચારમાં જ વેચી આવતો, નહિ? હું તને ઓળખું છું.. તું પચીસ માંગી શકે? એટલું જીગર છે તારામાં? એટલે જ હું બોલ્યો નહિ, આવી વસ્તુઓમાં જ કમાઈ લેવાનું..”

હું ઉદાસ થઇ ગયો હતો, ધમાસાણ મચ્યું હતું. ઘેર આવીને મેં બેડ નીચેથી બોટલ કાઢી અને બે પેગ જેટલું પ્રવાહી એક જ શ્વાસે પી ગયો. કબીર? કબીર તેની જગ્યાએ સાચો હતો, હું પણ કશું જાણતો નહોતો. તો તો વાંક લીલીનો જ ને? કેમ તેણે મારા પર વિશ્વાસ કર્યો? તેણે સમજી જવું જોઈએને કે અમે ગુજરાતીઓ છીએ, ગમે તેને અને ગમે ત્યારે છેતરી, ઠગી જ લઈએ... એજ તો અમારું કામ છે, અને અમને ગર્વ છે કે અમે ગુજરાતીઓ વ્યાપારી છીએ... હાક થુ!!! માફ કરજો મને, ગુજરાતી સમાજમાંથી કાઢી મુકવો હોય તો ભલે કાઢી મુકજો, પણ હું વેપારી નથી અને આવા વેપારી બનવું પણ નથી... કાલે જ લીલીને બધું સાચું કહી આવીશ અને તેના પૈસા પણ પાછો આપી આવીશ. ફરી મેં ગ્લાસ ભર્યો અને ફરી એક જ શ્વાસમાં ખાલી કર્યો.

કબીર આશ્ચર્યથી મને જ ક્યારનો જોઈ રહ્યો હતો. છેવટે તે બોલ્યો, “ધંધો છે, ધંધામાં બધું જ ચાલે... આમ રડવા બેસીને કે ઈમોશનલ થઈને ધંધો થાય નહિ, અમથા લખપતિ થવાય છે??”

“કોણ બે બાપનાએ કહ્યું કે મારે લખપતિ થવું છે? મને આ રીતે નથી જોઈતા પૈસા...” કહીને મેં હાથમાં રહેલ ખાલી ગ્લાસ નીચે પછાડ્યો.

“આટલી ઓવર એક્ટિંગ, નાટકો ના કર.. કોઈને ખબર પડવાની નથી કે તે નકલી છે... અને તને બહુ લાગી આવતું હોય તો બીજીવાર બીજી કોઈ વસ્તુમાં ફાયદો કરાવીને તેને સર-ભર કરી આપજે, વાત પૂરી.”

“અરે મારા બાપ, લીલીએ મંગાવી હતી, અને હું લીલીને છેતરી આવ્યો છું..” કહીને મેં બંને હાથે મારું માથું પકડ્યું.

“તારે પહેલા ભસવું જોઈએને કે લીલીએ મંગાવી છે... જે થયું એ, બીજા બે પેગ માર અને સુઈ જા.”

મેં નક્કી કર્યું, ને બોલ્યો, “કાલે જ તેને બધું કહીને પૈસા પણ પાછા આપતો આવીશ.”

“બીઝનેસ કરવો તારા બસનો નથી, તું નોકરું જ કરી ખા..” કહીને કબીર રૂમની બહાર જતો રહ્યો.

આખી રાત હું પડખા ફેરવતો રહ્યો. ક્યારે સવાર પડશે?? ભોળી, રમતિયાળ અને ગરીબડી લીલીના વિશ્વાસને હું લાયક નહોતો. મને રડવું હતું. આમ જોવા જાવતો મારો કશો જ વાંક નહોતો, પણ જયારે હવે મને જાણ થઇ છે તો તેની ચોખવટ કરવાની મારી જવાબદારી તો ખરી જ ને??

સવારે તય્યાર થઈને કશો સમાન લીધા વગર જ હું લીલીને ઘેર જવા નીકળ્યો. કબીર બોલ્યો, “થોભ, ક્યાં જાય છે?” મેં કશો જવાબ આપ્યો નહિ. તે થોડીવારે બોલ્યો, “લીલી પાસે જાય છે ને? મારી સલાહ માને તો લીલીને કશું જ કહેવાની જરૂર નથી. પૈસા માટે પણ તને ખટકતું હોય તો બીજી વસ્તુમાં ઓછા લઈને તેને વાળી આપજે.”

મેં કશો જવાબ આપ્યા વગર શુઝ પહેર્યા અને ઉભો થઈને દરવાજો ખોલ્યો. કબીર મને અટકાવતા બોલ્યો, “સાંભળ, તું લીલીને પ્રેમ નથી કરતો?”

“કરું છું.. એટલે જ તો જઈ રહ્યો છું.”

“ભૂલ કરી રહ્યો છે તું.. જો તેને પ્રેમ કરતો હોય અને તું તેને માટે સીરીયસ હોય તો તેને ઘડિયાળ વિષે કશું જ કહીશ નહિ, ભૂલી જા.. જાણે કશું થયું જ નથી.”

“ભૂલ નથી કરી રહ્યો હું... અને લીલીને ન કહીને મારે બીજી ભૂલ નથી કરવી.”

“વેઇટ, વેઇટ રાહુલ.. સમજ મારી વાત.. લીલી ઇન્ડિયન નથી... તે ઇન્ડિયન છોકરીઓ જેમ નહિ વિચારે, તું એમ માને છે કે તારી કબુલાતથી તે ઈમ્પ્રેસ અને ગદ ગદ થઇ જશે? તેમના સંસ્કારો અને બ્રીડીંગ અલગ છે, તેમને માટે ટ્રસ્ટ નું ખુબ મહત્વ છે. વિશ્વાસઘાત તેઓ સહન કરી શકતા જ નથી, એટલે હાથે કરીને ખાડામાં પડવાના ધંધા રહેવા દે.”

“એકઝેટ.. મારે મન પણ વિશ્વાસથી ઉપર કશું જ નથી, અને એટલે જ હું તેને બધું જ કહી નાખીશ..” કહીને હું નીકળી ગયો.

લીલીને ઘેર આવ્યો અને ઇન્ટરકોમનું બટન દબાવ્યું. મને આવેલો જોઈને તેને આશ્ચર્ય થયું, “રાઉલ.. આજે ફરી??”

“હા, જરૂરી કામ છે, બહાર આવ.”

“વેઇટ, પેસ્ટ્રી તો હું મંગળવારે જ તારે માટે રાખું છું, આજે તો ફક્ત પેપ્સી લઈને આવું છું.”

થોડીવારે લીલીએ ગેટ ખોલ્યો અને મને ગેરેજમાં લઈને મને પેપ્સી થમાવતા બોલી, “જલ્દી કહે શું કામ છે? હું ચુલા ચાલુ મુકીને આવી છું.”

મેં ખિસ્સામાંથી અઢાર દીનાર કાઢ્યા અને તેને આપતા બોલ્યો, “લે આ ઘડિયાળના પૈસા આપવા આવ્યો છું.” તે પૈસા હાથમાં પકડીને મને તાકતા બોલી, “ઘડિયાળના? તે તો મેં લઇ લીધી ને?”

“હા, પણ તે આટલા પૈસાની નહોતી.”

“સમજાય એમ જલ્દી બોલ, બુધ્ધો આવતો જ હશે...”

મેં ઊંડો શ્વાસ ભર્યો, ને બોલી નાખ્યું, “તે ઘડિયાળ ફક્ત બે દીનારની જ અને નકલી સીકો-૫ હતી...”

“શું?? એટલે મેં ડેડીને નકલી ઘડિયાળ મોકલી છે??” તે આંખો ફાડીને મને તાકી રહી હતી. વાત તેના મગજમાં ઉતરતા થોડીવાર થઇ, અને ગડ બેસતા જ તેની ચૂંચી પણ મને ખુબ ગમતી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.. લીલી રડી રહી હતી, જરાય અવાજ વગર. મેં નજીક જઈને જેવો તેનો હાથ પકડ્યો કે તે ઝટકાથી હાથ છોડાવીને પાછળ ખસી અને જાણે ગાંડપણનો હુમલો આવ્યો હોય એમ ચીસ પાડીને બોલી, “તેં?? તેં મને નકલી ઘડિયાળ આપી??”

“હા, સ્વીટી મારી વાત પૂરી સાંભળ....” કહીને હું એક ડગલું આગળ વધ્યો. તે પાછે પગલે ખસીને મારા આપેલ અઢાર દીનારનો ડૂચો કરીને મારા મો પર ફેંક્યા, અને આડો હાથ કરીને ચિલ્લાઈ, “જતો રહે..”

“લીલી પ્લીઝ, મારી વાત સાંભળ..”

તે બંને હાથ મોએ ઢાંકીને રડી પડી, ને બોલી, “બધા કહે છે કે ઈન્ડિયનોનો વિશ્વાસ કરવો નહિ, અને તે સાચું જ છે.. જા... હવે ક્યારેય તારું મોઢું મને બતાવીશ નહિ, આઈ હેટ યુ...” કહીને તે ઘરમાં દોડી ગઈ.

***

----- બાકી છે.