ઝંખના ભાગ – ૨
નાનું-મોટું છુટું ઇલેક્ટ્રિક કામ હું કરી ખાતો હતો. એક દિવસ કબીરનો ફોન આવ્યો, “જલ્દી પૈસા કમાવવા હોય તો કુવેટ આવી જા...” અને તેણે વિસા મોકલી. કુવેટ એક એવો અરબ દેશ કે જેની કુલ વસ્તી આપણા બરોડા જેટલી પણ નહિ.. અને ત્યાના નાગરિકો કરતા વિદેશીઓની વસ્તી ડબલ જેવી.. તેલથી સમૃદ્ધ થયેલ અને રેગીસ્તાનમાં જાણે હરિયાળા ટાપુ જેવું શહેર. પૈસા, પૈસા અને પૈસાની રેલમછેલ... દરેક ક્ષેત્રમાં ઇન્ડિયનનુ ખુબ જ માન-સમ્માન. દારૂ બંધી છે, વિચારતો હતો કે પીવાનું છૂટી જશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે મને એરપોર્ટથી પોતાના રૂમમાં લાવતા જ કબીરે વાઈનનો ગ્લાસ પકડાવીને મારું સ્વાગત કર્યું. સૂંઘ્યો, ફ્રેશ અને હોમમેડ, વાહ! પછી મને જાણવા મળ્યું કે તેણે ઘેર કુકરમાં જ જુગાડ કરીને દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવી હતી, અને ત્યાં ખુબ મળતા ખજુરનો વાઈન ઘેર જ બનાવતો હતો.
હું પણ કબીર સાથે જ રહેતો હતો. મને એક કંપનીમાં ઈલેક્ટ્રીશિયન તરીકેની નોકરી પણ મેળવી આપી. સારું હતું, અને હું ખુશ હતો. ખુબ રખડતો હતો અને કુવેટને જાણવાની, સમજવાની કોશિશ કરતો રહેતો હતો હું. કબીર કહેતો હતો કે તે બીઝનેસ કરે છે, અને ખુબ કમાય છે. પણ મને તેનો બીઝનેસ સમજાતો નહોતો, જયારે જોઉં ત્યારે તે નવરો અને રૂમમાજ જોવા મળતો હતો.
દર શુક્રવારે કબીર વેશ્યા પાસે જતો હતો. મને નવાઈ લાગતી હતી, “ કબીર, અહી પણ એવું બધું ચાલે છે, અને મળી રહે છે?”
“અરે ઇન્ડિયા કરતા વધારે વેરાયટી અહી છે, તું માંગે એવી મળે.”
“ખરું કહેવાય...”
“તું પણ મારી સાથે આવજે, હવે બાથરૂમ બગાડીશ નહિ.” કહીને તે હસ્યો.
“આવીશ, પણ ફક્ત જોવા માટે જ.. બાકી મારે માટે તો બાથરૂમ અને હાથ જ સારા છે..”
અને શુક્રવારે બપોરે કબીર મને ફહાહીલ એરિયાના એક ફ્લેટમાં લઇ ગયો. કોઈએ આઈ ગ્લાસમાંથી જોઇને બારણું ખોલ્યું. બંગાળી હતો, અને મને લાગ્યું કે તે કબીરને ઓળખતો હતો. અમે હોલમાં આવ્યા, અને બંગાલીએ બેડરૂમ તરફ ઈશારો કર્યો. કબીરે બેડરૂમનું બારણું ખોલ્યું, બેડ પર શ્રીલંકન કાળી છોકરી બેઠી હતી, તેણે અમને સ્માઈલ આપ્યું. કબીરે બારણામાં ઉભા રહીને જ મને પૂછ્યું, “કેવી છે? બોલ, હજુય વિચારી લે.”
“સારી છે, પણ તું જ પતાવ, હું અહી બેઠો છું.” કબીર અંદર ગયો અને હું સોફા પર બેઠો. બંગાળી મને જ જોઈ રહ્યો હતો. ફલેટનો મુખ્ય ગેટ કોઈએ ચાવી ફેરવીને ખોલ્યો, બીજી એક શ્રીલંકન છોકરી અંદર આવી અને સીધી બીજા બેડરૂમમાં જતી રહી. બંગાળીએ મને હિન્દીમાં અંદર જવા કહ્યું, મેં કહ્યું કે ના, હું તો ખાલી મારા દોસ્ત સાથે આવ્યો છું. તે બંગાળીમાં કશું બોલ્યો, ગાળ જ હશે. તેણે મને કોલર પકડીને ઉભો કર્યો અને હિન્દીમાં કહ્યું કે ફુટ અહીંથી.. નીચે જઈને ઉભો રહે.
વર્ષ જેવું નીકળી ગયું હતું. હવે તો હું કુવેટને સારી રીતે સમજતો થઇ ગયો હતો અને ભાષા પર પણ મારી સારી પકડ આવી ગઈ હતી. એક દિવસ રાત્રે કબીર બોલ્યો, “તું અહી કેમ આવ્યો છે? પૈસા માટેને? તો ક્યાં સુધી નોકરું કરી ખાઇશ?”
“એટલે? સારું જ છે ને મને સંતોષ છે. મુંબઈ કરતા નોકરીમાં અહી મને ત્રણ-ચારગણા પૈસા મળે છે.”
“અરે ભાઈ, આ કુવેટ છે.. અહી કહેવત છે કે અહીના વેધર અને કાયદાઓનો કોઈ જ ભરોસો નહિ, ગમે ત્યારે બદલાય જાય.. એટલે ફટાફટ પૈસા બનાવો અને ઇન્ડિયા ભેગા થાવ... આ કઈ આપણો દેશ છે? કે અહી જીંદગી કાઢવાની છે? અને આ કઈ આપણી લાઈફ કહેવાય?”
“સમજાયું નહિ, તું કહેવા શું માંગે છે?”
કબીર મારા ખભે હાથ મુકીને બોલ્યો, “ભાઈ, નોકરું છોડ.. બાર મહિના હું કશું બોલ્યો નહિ, કેમકે તું નવો હતો. પણ હવે ઘણો માહિતગાર થઇ ગયો છે અને ખાસ તો ભાષા પણ આવડી ગઈ છે એટલે તું પણ મારી જેમ બિઝનેસમાં લાગી જા. આપણે ગુજરાતીઓ છીએ, ધંધો જ કરવાનો...” કહીને તે હસ્યો.
“સરસ, બીઝનેસ એટલે તું કરે છે એજ ને? રિસ્ક નથી ને?”
“બાબુ, રિસ્ક વગરના ધંધામાં કમાવાનું પણ કેટલું? થોડા રીસ્કવાળો ધંધો હોય તો જ તગડો નફો મળે.”
“ઓહો... ટૂંકમાં એમ કહેને કે ગેરકાનૂની કામ છે...”
“હા, અને ના.. હા એટલા માટે કે અહી તેની મનાઈ છે. અને ના એટલા માટે કે નેતિકતા કે તારા આદર્શની દ્રષ્ટીએ તે જરાય ખોટો નથી.”
મને રસ પડવા માંડ્યો હતો. “બરાબર કહે, પણ મને યોગ્ય લાગશે તો જ હું કરીશ.”
“યોગ્ય જ છે, કાઈ ડ્રગ નથી વેચવાનું.. સાંભળ, જેમ ઇન્ડીયામાં સેલ્સમેન અને ફેરિયાઓ ઘેર ઘેર ફરીને વસ્તુઓ વેચે છે એમ હું પણ અહી વેચું છું, અને હવે તારે પણ એ જ કરવાનું છે.”
“ઘેર ઘેર? અહીતો કેટલા મોલ અને સુપર માર્કેટો અને બજારો, દુકાનો છે, તો ઘેર જઈને શું વેચવાનું? અને કોને વેચવાનું?”
“આપણા કસ્ટમર છે ઘેર કામ કરતી હાઉસ મેડ... અહીના દરેક ઘરમાં બે થી ત્રણ મેડ હોય જ છે. બાળકો માટે એક, રસોઈ માટે એક અને કપડા-વાસણ અને ઘરની સફાઈ માટે એક.. તેઓ ત્યાં જ સર્વન્ટ કવાર્ટરમાં રહે છે અને ચોવીસે કલાક ઘરની ડ્યુટી હોય છે. શેઠ-શેઠાણી મોટેભાગે સરકારી નોકરો હોય છે. તે બધી મેડને કોઈ રજા હોતી નથી કે જેથી બહાર ફરી શકે, અને જોઈતી ખરીદી કરી શકે. પોતાના દેશથી આવે અને બે વર્ષે કરાર પૂરો ન થાય ત્યાં સુધી તે છોકરીઓએ ઘર અને ગલી સિવાય કુવેટને જોયું પણ હોતું નથી. બધી મેડ વિદેશી હોય છે, ફિલિપિનો, શ્રીલંકન, ઇન્ડિયન, ઇન્ડોનેશિયન, બંગાળી, નેપાળી, વગેરે. અને તે બધી આપણી કસ્ટમર છે.” કહેતા કબીર અટક્યો.
મેં કહ્યું, “સમજી ગયો, પણ વેચવાનું શું હોય?”
“બધુજ.. બધું એટલે કપડા, અંડર ગારમેન્ટ, મેકપ, તેમની ભાષાના ગીતોની કેસેટો, ઘડિયાળો, ટેપ રેકોર્ડર, પરફ્યુમ્સ, વગેરે અને તે જે મંગાવે કે ઓર્ડર આપે તે બધું જ લાવી આપવાનું. પોતાના દેશમાં લઇ જવા માટે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને હોમ એમ્પ્લાઈસીસ અને ગણી ગણાય નહિ તેટલી વસ્તુઓ..સારો નફો, ભાવની રકઝક નહિ, અને પસંદગી બાબતે પણ મગજમારી નહિ, તું આપે કે લાવી આપે તે લઇ જ લે...”
“બહુ સારું કામ છે, પણ તું કહેતો હતો તે રીસ્કની તો વાત કર...”
“રિસ્ક એટલું જ કે અહી ફેરિયા કે સેલ્સમેનની મનાઈ છે, એટલે પોલીસથી બચવું, અને શેઠ-શેઠાણી ઘેર ન હોય ત્યારે જ જવું, નહિ તો તે પણ ફોન કરીને પોલીસ બોલાવશે તો તારો ખેલ પૂરો..”
“શું સજા થાય??”
“આ કઈ એવો ગંભીર ગુનો નથી, એટલે સજા તો કશી નહિ.. તને પકડીને દેશમાં મોકલી આપશે, બસ... હવે મને કહે કે આ ખોટું કામ ગણાય??”
“કાયદાની દ્રષ્ટીએ ખોટું ગણાય, પણ મારી અંગત માન્યતાની વાત કરું તો હું ખોટું માનતો નથી.”
કબીર ખુશ થઈને બોલ્યો, “બસ તો પછી.. છોડ નોકરું અને કર કંકુના...”
“મને ફાવશે?”
“અરે હું છુને?? બે દિવસ મારી સાથે ફરજે, અને થોડા દિવસમાં તો તું ગીલીન્દર બની જઈશ.. નવા એરિયા અને નવા કાયમી તારા ઘરકો પણ બની જશે. અને એકવાર જામી જઈશ પછી તો બધી મેડ તારા આવવાના દિવસે તારી વાટ જોશે.. રોજ કલાક-બે કલાકમાં કામ પૂરું અને પછી ઘેર. સાંજે ખરીદી કરવી, બીજી ઓર્ડરની વસ્તુઓ લાવવી અને સવારે આપી આવવી, કામ પૂરું.”
“માલિક ઘરમાં છે કે નહિ, તે કેવી રીતે જાણવું?”
“ગેરેજમાં કેટલી કાર પડી છે કે નથી તે જોઇને પછી બેલ વગાડવી, એ બધી ચિંતા ન કર, તું ટેવાઈ જઈશ.”
બીજે જ દિવસથી હું નોકરી છોડીને કબીર સાથે થઇ ગયો. કબીરે બે મોટી હેન્ડબેગ ખભે ભરાવી અને ટેક્સી પકડીને એક રેસીડેન્શીયલ એરિયામાં ઉતર્યા. હું પહેલી જ વાર કુવેટનો કોઈ રહેણાંક વિસ્તાર જોઈ રહ્યો હતો. પૂરું શહેર પ્લાન કરીને બનાવ્યું હોય અને સરકાર પાસે ખુબ પૈસા હોય તો કેવું બની શકે તેનું કુવેટ ઉદાહરણ છે. બધુજ સીધી રેખામાં અને પરફેક્ટ. સુનકાર, હરિયાળી અને હારબંધ બંગલાઓ. અમે એક ગલીમાં વળ્યા, મને અજીબ ડર લાગી રહ્યો હતો. ત્યાં ઝાડ નીચે યુનિફોર્મમાં અને લાંબી ઝાડું પકડીને બંગાળી સફાઈ કામદાર ઉભો હતો, તેણે કબીરને સલામ માર્યો, કબીરે તેને એક દિનારની નોટ આપી, અને અમે એક ઘર બહાર ઉભા રહ્યા. કબીરે બેલ વગાડી, ઇન્ટરકોમ પર પૃચ્છા થઇ ને કબીર બોલ્યો, “હું છું સ્વીટી..”
થોડીવારે બે શ્રીલંકન મેડ આવી અને મોટો ગેટ ખોલીને અમને ગેરેજમાં લઇ ગઈ. એક છોકરીના હાથમાં ત્રણેક વર્ષની બાળકી ઉચકેલી હતી. બંને છોકરીઓ કબીરના થેલા ફંફોસી રહી હતી અને બધી વસ્તુઓ કાઢીને જોતી અને ભાવ પૂછતી હતી. કબીર તેમની સાથે વાતો અને મજાક અરબીમાં કરતો રહ્યો. તેમને અમુક વસ્તુઓ ખરીદી, અને આવતા વીકે શું લાવવું તે ઓર્ડર પણ આપ્યો. અગાઉના પૈસા જમા કરાવ્યા અને આજના ડાયરીમાં કબીરે લખ્યા. આમ અમે ત્રણ ચાર ગલીમાં પાંચ-છ ઘરે ફર્યા. એક ઘરમાં તો મેડ જઈને આજુ-બાજુના ઘરની બીજી ચારેક મેડને પણ ત્યાં જ બોલાવી લાવી. કબીર ટોળા વચ્ચે ઘેરાયેલો હતો, હું બધું જોઈ રહ્યો હતો. દરેક ઘરમાંથી નીકળતા પહેલા કબીર મારી ઓળખાણ આપીને કહેતો હતો કે આવતા વીક થી આ આવશે, હું ઇન્ડિયા જઈ રહ્યો છું. બધા રાહુલને સપોર્ટ કરજો, તેના સિવાય બીજા પાસેથી ખરીદી કરશો નહિ.
બે કલાકમાં તો અમે પાછા ઘેર આવી ગયા હતા. રૂમમાં આવતા જ કબીર બોલ્યો, “જોયું? કામ પૂરું... હવે આરામ ને સાંજે કાલ માટેની ખરીદી, બસ.... કેવું લાગ્યું?”
“સારું છે, મજાની મજા અને પૈસા પણ.. અને તું કેમ બધાને કહી આવ્યો કે હું હવે નહિ આવું?”
“હા, હવેથી મારા બધા કસ્ટમર તારા.. તને સારો સ્ટાર્ટ મળશે અને વધારે મહેનત નહિ કરવી પડે.. હું તો જુનો છું, નવા એરિયા પકડીશ અને નવા કસ્ટમર બનાવી લઈશ. છ દિવસ સુધી મારી સાથે ફરજે, પછી તે બધા એરિયા અને કસ્ટમર તારા.”
હું કશું બોલી શક્યો નહિ. કબીર મારે માટે તેની વર્ષોની મહેનત અને કસ્ટમર છોડતો હતો. સાલો હું નસીબદાર તો ખરો જ, કબીર જેવા દોસ્તો મેળવવા માટે... આભાર માનવો કે લાગણીશીલ થવું મારા સ્વભાવમાં નથી, અને કબીરને તેની જરૂર પણ નથી. તોયે મેં કહ્યું, “હું નવા એરિયા અને નવા કસ્ટમર બનાવી લઈશ, તું તારો જમાવેલો બીઝનેસ મને કેમ આપે છે?”
”ચુપ કર, અને ધ્યાનથી ફરજે. આજે તને બધું સહેલું અને સારું લાગ્યું હશે, પણ હકીકતમાં એવું નથી. પકડાઈશ તો ઇન્ડિયા ધકેલી મુકશે.”
“સફાઈવાલાને કેમ પૈસા આપ્યા હતા?”
“તે કામના છે, તેમને ખુશ રાખવા.. તેઓ જ તને દરેક ઘરની માહિતી આપશે અને કયા ઘરમાં શેઠ હાજર છે કે નથી તે પણ કહેશે અને પોલીસ પેટ્રોલ-કાર આવશે તો તે કહી જશે, એટલે ઘરની બહાર નીકળવાનું નહિ જ્યાં સુધી પોલીસ જાય નહિ.”
“ઉધાર? તું તો દરેકને ઉધાર આપે છે..”
“આપવાનું, પૈસા જશે નહિ, પણ તારે તો હું નવો છું, માલ લાવવાના પૈસા નથી, વગેરે કહીને રોકડા જ ખેંચવા.”
“મને મજા આવશે.. છોકરીઓ અને પૈસા, વાહ... આટલી મજા હોવા છતાં પાછો તુ તો વેશ્યા પાસે પણ જાય છે.”
“ધંધાને ધંધાની રીતે જ કરજે. હળવી મજાકથી આગળ વધવું નહિ. અંતર જાળવી રાખજે, વધારે નજીક ગયો કે લપસ્યો તો પછી કડક ઉઘરાણી નહિ કરી શકે અને કોઈ વાતમાં વસ્તુમાં ના પણ નહિ પાડી શકે, એટલે ત્યા તો પ્રોફેશનલ જ રહેવું, બાકી માટે તો બજાર છે જ ને.”
“યેસ બોસ... સમજી ગયો, હવે શું કરવાનું છે?”
“કશું નહિ, સાંજે બધી હોલસેલ માર્કેટ બતાવીશ. જોકે સાંજે તો હું તારી સાથે જ હોઈશ અને આપણે સાથે જ ખરીદી કરવા જઈશું, એટલે તેની ચિંતા છોડ.”
“બીજી એક વાત, કસ્ટમર તરીકે કયા દેશની સારી?”
“પહેલા નંબર પર ફિલિપિનો અને બીજા નંબર પર શ્રીલંકન.. બોલ્ડ, મળતાવડી અને તેઓ પોતાની જાત પર પૈસા ખર્ચી જાણે છે અને વસ્તુની કદર કરી જાણે છે. ઇન્ડોનેશિયા કે નેપાળી ખરીદશે, પણ જરૂરી અને ન ચાલી શકે એવી વસ્તુઓ જ. ભાવમાં પણ કચ-કચ અને પૈસા પણ રડી રડીને આપશે. વધારે સમય બગાડવો નહિ કે લમણા લેવા નહિ. અને ઇન્ડિયન હોય તો તો તે ઘરમાં જવું જ નહિ, બોલાવે તો પણ આવું છું કહીને ભાગી જજે.. લેશે કશું નહિ, પણ ફેંદશે બધું જ, ભાવ પણ પૂછશે અને ટ્રાઈ પણ કરશે, પણ લેશે નહિ. એટલે ઇન્ડિયન થી તો દુર જ રહેજે.” કહીને કબીર હસ્યો.
અને ખરેખર કબીરના સપોર્ટ અને સલાહને લીધે છ મહિનામાં તો હું જામી ગયો. મને લગભગ બધું રેડીમેડ મળી ગયું હતું તેથી મને વધારે સંઘર્ષ કરવો પડ્યો નહિ. અને કબીરના કસ્ટમર મળી ગયા હોવાને કારણે હું પહેલે દિવસથી જ કમાતો થઇ ગયો હતો. નવા કસ્ટમર પણ બનાવ્યા, અમુક જુના કસ્ટમર છોડ્યા, અમુક કસ્ટમર એ મને છોડ્યો, પણ મજા પડતી હતી. આમતો હું કબીરની દરેક સલાહ માનવાની કોશિશ કરતો જ હતો, પણ અમુક મારા સ્વભાવને કારણે હું તેની સલાહ અવગણી કાઢતો હતો. તે કહેતો હતો કે દરેક મેડની એક કરુણ સ્ટોરી હોય જ છે. ક્યારેય પૂછવું કે ઊંડા ઉતરવું નહિ. તેમ છતાં હું લાગણીશુન્ય બની શકતો નહિ અને છોકરીઓની વાતો સાંભળીને ઈમોશનલ થઇ જતો, દયા આવતી, ભગવાનને ગાળો બોલતો. ઘર, ફેમીલી, દેશ સુધ્ધા છોડીને ઘરકામ કરવા કેમ આવવુ પડ્યું તે બધું સાંભળીને મને રડવું આવતું, ગુસ્સો આવતો અને ધીરે ધીરે હું ઈશ્વરને નકારતો થઇ ગયો...
બજારમાં ન જઈ શકવાની તેમની મજબુરીનો હું લાભ ઉઠાવી શકતો નહોતો. અને હું વાજબી અને મામુલી નફામાં તેમને વસ્તુઓ આપી દેતો હતો. હું અને કબીર એક સરખો અને લગભગ સરખું જ રોટેશન કરતા હોવા છતાં હું કબીર કરતા ચોથા ભાગનું જ કમાતો હતો એમ કહી શકાય. ગમે-તેમ, હું સંતુષ્ટ હતો અને મજબુરીનો લાભ ઉઠાવી લેવાની ગિલ્ટી પણ ફિલ કરતો નહોતો.
અને મને લીલી મળી. શેઠ ઘર બદલીને મારા એરિયામાં રહેવા ન આવતો તો મને ક્યારેય લીલી મળતી નહિ. ફિલિપિનો લીલી જોતા જ ગમી જાય એવી.. તીણો અવાજ અને નિખાલસ હસવું...
દોસ્તી થઇ, અમે ખુબ વાતો અડધું અરબી અને અડધું ઇંગ્લીશમાં કરતા. તે કુક તરીકે ઘરમાં કામ કરતી હતી. તેને ઘેર હું છેલ્લે જતો કે જેથી ધંધાની ચિંતા વગર શાંતિથી બેસીને તેની સાથે વાતો કરી શકું. લીલીને મળવા માટે હું મંગળવારની આતુરતાપૂર્વક રાહ જોતો. તે પણ મારો વેઇટ કરતી, અને પા-અડધો કલાક મોડું થતું તો તે ચિડાતી. તે મારે માટે ઘણી ખાવાની વસ્તુઓ રાખતી અને હું જાઉં કે તે બધું લઈને જ ગેરેજમાં આવતી હતી, પેસ્ટ્રી અને પેપ્સી કોમન હતા, તે સિવાયની વસ્તુઓ બદલાતી રહેતી.
અમે ખુબ મસ્તી-મજાક અને વાતો કરતા હતા. મને તે ગમતી હતી. તે તેના દેશ અને ઘરની વાતો કરતી અને હું રસથી સાંભળતો. તે કોઈવાર મને વસ્તુનો ભાવ પૂછતી નહોતી, હું માંગતો તેટલા પૈસા આપી દેતી હતી. હું વિચારતો કે જો લીલી જોડે લગન કર્યા હોય તો? તે મારી સાથે ઇન્ડિયા આવીને રહે? ન કેમ રહે, દેશ છોડીને કુવેટમાં રહે જ છેને?? મને ફાવે? અરે ફાવે શું લાઈફ બની જાય....
લીલી મારું ખુબ રાખતી હતી. તેના એવેન્યુના દરેક ઘરની મેડને તે મારી ભલામણ કરતી અને મારા સિવાય બીજા કોઈ સેલ્સમેન પાસેથી વસ્તુઓ ન ખરીદવાનું કહેતી. મેં ઘણીવાર તેને ગમતી વસ્તુઓ ગીફ્ટમાં આપવાની કોશિશ કરી હતી પણ તેણે ફ્રીમાં કશું જ લીધું નહિ, અરે કેસેટ સુધ્ધા પણ લેતી તો મને પૈસા આપીને જ છોડતી. અને ઉધાર પણ આજ સુધી કશું જ લીધું નહોતું.
કબીરને મેં વાત કરી, તે ખુબ હસ્યો. લીલી માટે હું ગંભીર હતો. કબીર બોલ્યો, “જો, તેમની સંસ્કૃતિ અલગ છે, આપણી અલગ છે, લગ્નજીવન સફળ થવાની કોઈ ગેરંટી નથી.”
“અચ્છા તો હિન્દુસ્તાની સાથે લગન કરું તો લગ્નજીવન સફળ થવાની તું ગેરંટી આપે છે??”
કબીરે હસીને મને ધબ્બો મારતા બોલ્યો, “સાચું, ગેરંટી તો દેશીમાં પણ નથી હોતી... પણ તેમના વિચારવાની રીત અને આપણા વિચારવાની રીતમાં ઘણો ફરક હોવાને લીધે કંકાસ અને મતભેદ થવાના ચાન્સ વધી જાય ખરા...”
“કોઈ વિચાર અલગ નથી.. હું દર મંગળવારે તેનાથી વાતો નથી કરતો? મને તો એવું કશું લાગ્યું નહિ.”
“અલગ જ છે, તારી વાતો પરથી જ હું કહું છું... તેમની સંસ્કૃતિ અલગ અને તેઓ બોલ્ડ કહી શકાય એવા હોય છે, તને અડકે, હાથ પકડે, તારો ગાલ ખેંચે કે ટપલી મારે, વાતો કરે, તારી પાસે બેસે, વગેરે દેશી કરતી નથી અને કરે તેને આપણે પ્રેમ કરે છે કે પસંદ કરે છે એવું માનીએ છીએ, અને લીલી માટે પણ તું એવું જ માને છે ને? પણ તેમને માટે આ બધું નોર્મલ અને નિખાલસ દોસ્તી માત્ર છે. તેઓ દરેક દોસ્તો સાથે આ રીતે જ વર્તાવ કરતા હોય છે, એટલે તે તને પ્રેમ કરે છે, એવા વહેમમાં રહેતો નહિ.”
હું નીચું જોઇને વિચારી રહ્યો હતો, કબીરની વાતો વિચારતો કરી મુકે એવી તો ખરી જ... થોડીવારે હું બોલ્યો, “તે ભલે મને પ્રેમ ન કરતી હોય અને તેને માટે હું દોસ્તથી વિશેષ કશું ન હોઉં, પણ હું તો કરું છું ને?”
“કર... પણ એકલો કરે તે કરતા લીલીને પુછી લે તે સારું નહિ? હા પાડે તો બંને મળીને પ્રેમ કરજો....” કહીને કબીર મોટેથી હસ્યો.
“હા, પૂછીશ.. જરૂર પૂછીશ.. યોગ્ય સમયે.
હું મારા દિલની વાત લીલીને કહું કે મારી લાગણીઓ દ્રશાવું તે પહેલા એ ગોઝારો દિવસ આવી ગયો.
---- બાકી છે.