Premagni - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમાગ્નિ -15

મનસા તો ખુશીથી પાગલ થઈ ગઈ હતી. એણે તો હસુમામા જેવા રૂમની બહાર ગયા તરત મોક્ષને ફોન જોડ્યો. સામેથી મોક્ષે કહ્યું, “હું તને સાંજથી ફોન કરું છું પરંતુ તારો ફોન સ્વિચ ઓફ જ આવે છે ! શું થયું ? વિનોદાબાએ શું કહ્યું ? નારાજ છે ? ના પાડી ?” મનસા કહે, “શાંતિ રાખો. કાલથી આજે સવાર સુધી બધું નકારમાં જ હતું પરંતુ માએ હસુમામાને સવારે બોલાવ્યા. એમણે આવીને કહ્યું મોક્ષને બોલાવો મારે મળવું છે. તમારે અહીં જ જમવાનું છે. મા બાબાએ મારી પ્રાર્થના સાંભળી લીધી. તમે જલ્દી અહીં આવી જાવ.” અને ફોન બંધ કર્યો.

મોક્ષની ગાડી મનસાની વાડીમાં પ્રવેશી અને મનસાના ઘર પાસે ઊભી રાખી. હસુમામાનાં આમંત્રણથી મોક્ષ એમને મળવા આવ્યો. મનસાએ ફોન કર્યો તે બાદ પાઠમાળાથી પરવારીને તરત વાડીએ આવવા નીકળી ગયો હતો. ગાડી ઘર પાસે આવી અને હસુમામા તરત નમ્રતાપૂર્વક માન સાથે મોક્ષને આવકાર્યો અને કહ્યું આવો આવો, અંદર દીવાનખંડમાં જ બેસીએ.

મોક્ષને ગઈકાલ કરતાં આજે જુદું જ વાતાવરણ લાગ્યું. બધાના મોં પર આનંદ હતો. એને પણ સુખ લાગ્યું છતાં ઊંડે ઊંડે ડર પણ લાગતો હતો. એણે હસુમામાના આવકાર પ્રમાણે દીવાનખાનામાં બેઠક લીધી ને બધાને નમસ્કાર કર્યા. મનસા પાણી લઈને આવી અને મોક્ષને પાણી આપ્યું.

હસુમામાએ વાત આરંભ કરી. મોક્ષને કહ્યું, “અમને મનસાએ બધી વાત કરી છે. આપ કાલે અહીં આવી વિનોદાબહેનને બધી વાત કરી વિગત જાણી. બહેને મને ફોન કરીને બોલાવ્યો છે.” હસુમામાએ એમના મૂળવતન – ક્યાં બ્રાહ્મણ – કયું ગોત્ર એમ કુટુંબ અંગેની વિસ્તારપૂર્વક માહિતી પૂછી. મોક્ષે બધા જ જવાબ આપ્યા. પછી હસુમામાએ પૂછ્યું, તમારા પ્રથમ લગ્ન કઈ ઉંમરે થયા હતા અને તમારું લગ્નજીવન કેટલા વર્ષ ચાલ્યું ? તમારા પ્રથમ પત્નીનું મૃત્યુ કેવી રીતે થયું ? મોક્ષે સવિસ્તાર બધી વાત કરી અને કહ્યું શિખાનું મૃત્યુ થે લગભગ દોઢેક વર્ષ થયું છે. મનસા દીવાનખાનાની બહાર બારણા પાછળ ઊભી ઊભી બધું જ સાંભળી રહી હતી. મોક્ષે એને જે કહ્યું હતું એ બધું જ અક્ષરેઅક્ષર મામાને કહ્યું છે. હવે મામા શું કરશે ? શું પૂછશે ? અમારો સંબંધ માન્ય રાખશે ?

હસુમામે મોક્ષ સાથે બધી વાત કર્યા પછી હસતા હસતા કહ્યું, “અમારે તો અમારી દીકરીનાં સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ છે. એ સુખી થાય એ જ જોવાની અમારી ફરજ. મનસાનું ભવિષ્ય સુરક્ષિત અને સુખી હોય જ અમારી ભાવના છે. તમારા બીજા લગ્ન છે પરંતુ અમારી એકની એક દીકરીના પ્રથમ લગ્ન છે. એટલે વિચાર કરવાનું મન બનાવ્યું છે.” મામાએ બધાને જમવાના ટેબલ પર આવવા કહ્યું.

મોક્ષ સંકોચ સાથે ઊંભો થયો પરંતુ હસુમામાએ મોક્ષના ખભા પર હસતા હસતા હાથ મૂકતા કહ્યું, “અરે ભાઈ બિલકુલ સંકોચ ના રાખો, તમારું જ ઘર છે. હા હા હા આ તો કંઇ પણ નક્કી થયા પહેલાનું એક સમૂહભોજન છે. હા હા હા પછી તો... અરે પછી તો મનસા જ જમાડશેને !” એવું હિનામામીએ હસતા હસતા વચમાં કીધું. મોક્ષે હિનામામી સામે જોયું અને ખુરશી પર બેઠો. મોક્ષ, હસુમામા અને મનસા જમવા બેઠાં. હિનામામીએ મોક્ષને આગ્રહ કરી કરીને જમાડ્યો. વિનોદાબા અને શાંતાકાકી રસોઈઘરમાં જ રહ્યા. મનસાથી ખાસ ખવાયું નહીં.

જમવાથી પરવારી હસુમામાએ મોક્ષને કહ્યું, “ચાલો, વાડીમાં લટાર મારીને આવીએ. જમ્યા પછી ચાલવાનું સારું રહેશે.” એટલામાં મનસા મુખવાસ આપી ગઈ અને મોક્ષને સ્મિત કરાવી ગઈ. હસુમામા અને મોક્ષ વાડીમાં જવા લાગ્યા. આમ્રવૃક્ષોની હાર તરફ ચાલવા લાગ્યા હસુમામાએ કહ્યું, “આ વાડી મારા બનેવી ગોવિંદરામજીની મહેનત છે એમનાં ઉછેર અને સંસ્કાર છે. એમણે વૃક્ષોને પણ મનસાની જેમ સંતાન રૂપે જ ઉછેર્યા છે. કાળજી લીધી છે. આજે આ વૃક્ષો કુટુંબીજન સમાન છે. મનસા પણ અમારી એકની એક બહુ જ લાડકોડમાં ઉછરેલી દીકરી છે. મારી બહેનનો જીવ અને મારા બનેવીનો આત્મા છે. એના માટે તેમની ચિંતા હોય સ્વાભાવિક છે. મનસાનાં સુખમાં સુખી છે. મનસાને ખૂબ સારી રીતે સારા ઘર કુટુંબમાં પરણાવવાનાં ઓરતા છે. મોક્ષ, તમારું ચારિત્ર્ય સારું છે. તમે ભણેલા ગણેલા છો. સુખી છો મનસાને પસંદ કરો છો મનસા તમને પસંદ કરે છે. અમે જબરજસ્તીથી મનસાનો સંબંધ બીજે કરવા નથી માંગતા. મનસા ખુશ ના હોય આ ઘરમાં સુખ જ ના રહે.” અચાનક બોલતા બોલતા હસુમામા અટક્યા. મોક્ષના બન્ને હાથ પોતાના હાથમાં લઈને મોક્ષ સમક્ષ નીચે બેસી ગયા. મોક્ષ ખૂબ જ આશ્ચર્ય અને સંકોચ પામી ગયો. હસુમામાની આંખમાંથી આંસુ આવી ગયા અને કહ્યું, “મોક્ષ અમારા ઘર-કુટુંબનું મારી બહેનનું સુખ તમારા હાથમાં છે. મનસા અમારું કહ્યું નહીં માને, અમને તમારા પર વિશ્વાસ છે.” મોક્ષ કહે, “હું શું કરી શકું ? તમે કેમ આમ કહી રહ્યા છો ? મને શરમમાં નાખી રહ્યા છો.” હસુમામા કહે, “તમે જ કરી શકો એમ છો. તમે ખૂબ સારા ગુણિયલ છો, અમારી મનસાને લાયક પણ છો પરંતુ બીજવર છો તમે વિધુર છો. તમારા લગ્ન એકવાર થઈ ચૂક્યા છે. અમારી મનસા કાચી કુમળી છે. અમે સમાજમાં શું મોં બતાવીએ ? અમારા માટે શું ચર્ચા થાય ? એવી તો અમારી દીકરીમાં શું ખોટ હતી કે બીજવર સાથે પરણાવી ? એવું તો અમારી દીકરીએ શું પગલું ભર્યુ કે એક વિધુર સાથે ઉંમરમાં 6-7 વર્ષ મોટા પુરુષ સાથે પરણાવી ? એક ગુરુ એની શિષ્યાને કેમ પરણ્યો ? અમે અમારી મનસાને નહીં સમજાવી શકીએ. હું તમારા પગમાં પડું છું. અમારા કુટુંબને બચાવો. આ અમે સ્વીકારી શકીએ એવો સંબંધ નથી જ અમને માફ કરો. મનસાને તમારાથી મુક્ત કરો. હું તમારી ઋણી રહીશ.”

મોક્ષે બધું જ સાંભળ્યા પછી હસુમામાને કહ્યું, “વડીલ હું તમારી દીકરીને દિલથી ચાહું છું. મારા જીવનના ભૂતકાળમાં કોઈ ઘટના બની એમાં હું ગુનેગાર નથી જ. મનસા પણ મને ખૂબ પસંદ કરે છે. હું ખૂબ સુખ આનંદમાં રાખીશ. હું જીવનભર હવે બીજા લગ્ન નહીં કરું, મનસા જ મારા દિલ-મન-ઓરામાં રહેશે પરંતુ જબરજસ્તી અને કુટુંબનાં વિરોધ અને તમારી ઇચ્છા વિરુદ્ધ હું એની સાથે લગ્ન નહીં જ કરું. હું આ ઘડી આ જ પળથી તમારા કુટુંબનાં સુખ આનંદ માટે મનસાનો ત્યાગ કરું છું. તમને વચન આપું છું. હું સામેથી ક્યારેય મનસાને હવે નહીં મળું. પરંતુ ઇશ્વરને અને આ વાડીના વૃક્ષોની સમક્ષ એમને મારા માતાપિતા – ગુરુ સમજીને પ્રાર્થના કરું છું કે હવે પછીનાં જન્મમાં મને મારો “મોક્ષ” થાય ત્યાં સુધી મારી જીવનસાથી મારી સંગિની પ્રિયતમા મનસા જ મળે. મારે તમારા બધાના જીવનમાં કુટુંબમાં અંધારું કરીને મારું ઘર અજવાળવું નથી. મારો અને મનસાનો પ્રેમ સાચો હશે તો અમને કોઈ રોકી નહીં શકે પરંતુ હું હવે સામેથી કોઈ પ્રયાસ નહીં કરું, આ વાડીમાં આ જ વૃક્ષો પાસે મારી આ ઇચ્છા મૂકીને જઉં છું. તમે મને બોલાવ્યો, સાંભળ્યો, તમારા કુટુંબીનજનની જેમ પ્રેમથી સાથે જમાડ્યો તમારો આભાર માનું છું. અને મને અને મનસાને તમારી કાબેલિયતથી જુદાં થવા સમજાવ્યા એના માટે તમારી બુદ્ધિમત્તાની કદર કરું છું.” એમ કહીને મોક્ષ હાથ જોડી નમસ્કાર કરી ઝડપથી વાડીમાંથી કાર લઈને ઘર તરફ જવા હંકારી ગયો.

હસુમામા વાડીમાંથી ઘર તરફ આવ્યા તો મનસા દોડતી દોડતી આવીને પૂછ્યું, “મોક્ષ આમ અચાનક જ મને મળ્યા વિના કેમ ચાલ્યા ગયા ? શું થયું ? તમારી વચ્ચે શું વાતો થઈ ? મોક્ષ કંઈ બોલ્યા ? મોક્ષ નારાજ થઈને ગયા ? તમે મોક્ષને કંઇ કીધું ? મોક્ષ આમ મળ્યા વિના કેમ ગયા ?મારું દિલ ગભરાઈ રહ્યું છે. મામા, સાચું કહોને અત્યાર સુધી તો બધું સરસ ચાલી રહ્યું હતું અચાનક શું થયું ?”

હસુમામા કહે, “અરે મનસા કંઈ જ નથી થયું બધું સારું જ છે પણ એમના ફોન પર કોઈ કોલ આવ્યો અને એમણે મને કહ્યું હસુમામા મારે અરજન્ટ કોઈ જગ્યાએ જવું પડે એવું છે. પ્લીઝ તમે મારા વતી મનસાને કહી દેજો પછી વાત કરું છું હું કંઇ સમજુ એ પહેલાં તો એ નીકળી ગયા.” મનસાએ હસુમામા સામે જોયા કર્યું પછી દોડીને પોતાના રૂમમાં જતી રહી. રૂમમાં જઈને તરત મોક્ષને ફોન કર્યો પરંતુ મોક્ષનો ફોન સ્વિચ ઓફ બતાવતો હતો. એને ખૂબ અકળામણ થઈ રહી હતી. એ પછી બહાર વરંડામાં આવી. બહાર વરંડામાં જ બધા બેઠા હતા. હસુમામા-હિનામામી-વિનોદાબા-શાંતાકાકી બધા મોક્ષની જ વાતો કરતા હતા. હસુમામાએ કહ્યું, “કંઇ જ નથી થયું દીકરા ચિંતા ના કર. બધું જ સારું થશે.” મનસાના મનને ચેન નહોતું પાછી પોતાના રૂમમાં ગઈ અને બેડ પર પડતું નાખ્યું.

મોક્ષે જે કંઈ શબ્દો કીધા – હસુમામાને જે કાંઈ વાત થઈ મોક્ષને વિનતી કરી વગેરે, મોક્ષે આપેલી ખાતરી બધી જ વાત હસુમામાએ વિનોદાબા ને બધાને કહીં અને નિશ્ચિંત થવા કીધું. થોડોક સમય મનસાને પણ સાચવી લેવા સૂચના આપી અને બધાએ ખૂબ ધીરજ રાખવી પડશે એવું પણ સમજાવ્યું. વિનોદાબાને હસુભાઈના પ્રયાસથી અને આ કોયડાનો ઉકેલ લાવવા બદલ આભાર માન્યો. કહ્યું, “મનસા આ બધી વાતોથી અજાણ પોતાના રૂમમાં રડી રહી હતી.”

*

મોક્ષ હસુમામા સાથે વાતોથી પરવારી મનમાં એક નિશ્ચય કર્યો અને ગાડીમાં બેઠો. પ્રથમ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કર્યો. ગાડી ઘરે જવા માટે હંકારી ગયો. ગાડી વાડીમાંથી સડસડાટ બહાર નીકળી ગઈ. એ ઘર તરફ જઈ રહ્યો હતો. એની ગાડી જે દિશામાં જઈ રહી હતી અને જેટલી ઝડપથી જઈ રહી હતી, એટલી જ ઝડપથી બન્ને બાજુનાં વૃક્ષો વિરુદ્ધ દિશામાં જાણે જઈ રહ્યા હતા. મોક્ષને એહસાસ કરાવતા હતા કે આજે મોક્ષ તું એકલો જ જઈ રહ્યો છે, આ આખી સૃષ્ટિ તારી વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. તું કાયમ એકલો જ હતો, એકલો જ રહીશ. માબાપ છોડી ગયા – કાકા-કાકી છોડી ગયા – શિખા છોડી ગઈ અને જન્મોથી વિખૂટો પડેલો પ્રેમ પાછો મળ્યો હતો હવે કોઈ ખોટ-પીડા-વિરહ નહોતો એવો પ્રેમ મનસાને છોડવી પડી. બધા છોડી ગયા અને કોઈના માટે, કોઈના કુટુંબના સુખ માટે મનસાને મારે છોડવી પડી. સરવાળે તો હું એકલો જ રહ્યો. મોક્ષ ખૂબ દુઃખી થઈ ગયો હતો. કુદરત સાથે લડી રહ્યો હતો, ફરિયાદ કરી રહ્યો હતો. મારો શું વાંક ?શા માટે મને મારા પ્રેમને ત્યજવા માટે મજબૂર કર્યો ? કેમ એવી પરિસ્થિતિ ઊભી કરી ? અત્યાર સુધી હું એમ માનતો હતો કે જે કાંઈ થાય છે તે સારા માટે થાય છે ? આ કર્મમાં આ નસીબનો વળાંક મારું શું સારું કરશે ? આમાં શું સારું થયું ?

એનું લોહી ઠંડુ પડી રહ્યું હતું આગળ વિચારવાની એની શક્તિ જ હણાઈ ગઈ હતી. અત્યારે એ પોતાની જાતને એટલો અસહાય અને મજબૂર અનુભવી રહ્યો હતો કે એને થયું, વિધાતાએ મારી ક્રૂર મજાક કરી છે. જો મનસા મારી થવાની જ ના હોય તો એને મારી સાથે મિલાવી શા માટે ? મન આટલો પ્રેમ શા માટે કરાવ્યો ? એવો અહેસાસ કેમ કરાવ્યો કે આ જ જીવ છે જેના માટે હું તડપતો હતો આ જ મનસા છે જે મને સમજે છે. મારા વિચાર – મારી કલ્પનાઓને સમજીને પોષે છે. મારી સાથે ચાલવા તૈયાર થઈ છે, પગલે પગલે મને સાથ આપે છે. પ્રકૃતિને સમજવા મારી સાથે પ્રયત્ન કરે છે. એને ધનની કે કોઈ જ વાસના નથી, કોઈ લાલચ નથી. આટલો સમજદાર મને મળેલો જીવ પાછો વિખૂટો પડી ગયો. હું એને ખોઈ બેઠો. મારા શ્વાસ હવે કેવી રીતે ચાલશે ? હે ઈશ્વર, તે મારા ખોળિયામાંથી પ્રાણ જ કાઢી લીધો છે. તે મને મારા એવા કયા કર્મની સજા આપી છે ? તને સહેજ પણ દયા ન આવી ? મને સમજાવનાર સહાનુભૂતિનાં બે શબ્દ કહેનાર પણ કોઈ નથી મને આટલો નિરાધાર અને વિવશ કેમ બનાવી દીધો ?

મોક્ષે કમ્પાઉન્ડનો દરવાજો ખોલી ગાડી કમ્પાઉન્ડમાં પાર્ક કરી. એ ઘરનું તાળું ખોલતો હતો ત્યાં જ યશોદાબેન આવ્યા કહ્યું, “ભાઈ હું બેત્રણ વાર આંટા મારી ગઈ પણ તમે આવ્યા જ નહોતા.” મોક્ષ કહે હા હું બહાર ગયો હતો પરંતુ મારે બહારગામ જવાનું થયું છે. એટલે તમે સુરેશ પાસેથી ચાવી લઈને કામ કરી જજો. અને યશોદાબેનને વિદાય કર્યા. પોતે અંદર આવી સીધો ઘરમંદિરમાં જઈ મા બાબા સામે છૂટા મોંએ રડી પડ્યો. આ શું થઈ ગયું ? મારે કેમ આવું કરવું પડ્યું ? મા, હું મારા સ્વાર્થ એ ઘરમાં દુઃખનું અંધારું ના કરી શક્યો. મા, મને શક્તિ આપ. મારી મનસાને સુખી કરજે પરંતુ આવતા જન્મે છેક મોક્ષ સુધી અમને સાથે રાખવાના છે. મા, વચન આપ તું અમને ક્યારેય જુદા નહીં કરે. આ જન્મનું વ્રત તપ સ્વીકારી આશીર્વાદ આપ.

મોક્ષ આમ બોલતો બોલતો ક્યાંય સુધી ચોધાર આંસુએ રડતો જ રહ્યો. એણે મનોમન નિર્ણય કર્યો સ્વસ્થ થઈ પાણી પીને પોતાના રૂમમાં આવ્યો અને બેગ ઉતારી એમાં જરૂરી કપડાં અને વસ્તુઓ ગોઠવવા લાગ્યો. ઘરમાં જરૂરી સામાન ઠેકાણે મૂક્યો. અંદરનાં બારી દરવાજા બરાબર બંધ કર્યા અને એક પળ માટે ઘર તરફ દષ્ટિ કરી ઘરને લોક મારીને બહારના કમ્પાઉન્ડનાં દરવાજાને પણ લોક મારીને નીકળી ગયો. સોસાયટીના નાકે જઈ રિક્ષામાં બેસીને સીધો કોલેજ પહોંચ્યો. ત્યાં સુરેશને મળીને કહ્યું, “સુરેશ, મારે અચાનક બહારગામ જવાનું થયું છે એટલે આ ચાવી રાખ-અવારનવાર ઘરે જઈને ધ્યાન રાખજે, સાફસફાઈ રાખજે. હું ફોન પર તારો સંપર્ક કરીશ અને આ પૈસા રાખ.” એમ કહી પોતાનાં વોલેટમાંથી સો-સોની નોટ કાઢીને પૈસા આપ્યા. પછી સ્ટાફરૂમમાં જઈ મિસ પંડ્યાને મળવા ગયો. પ્રો. મોક્ષ મિસ પંડ્યાને કહ્યું, “મને એમ કે તમે નહીં મળો. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે એટલે.” મિસ પંડ્યા કહે, “ભાઈ પેપરો તપાસવાનું કામ અને બીજા કામ ચાલુ છે. આવવું તો પડે ને.” મોક્ષે પોતાની પાસેનો પેપર્સનો થોકડો આપ્યો ને કહ્યું, “મેં પેપર તપાસી લીધા છે. તમે માર્કશીટ અને રિઝલ્ટ શીટ બનાવો તો આમાં જોઈ લેજો. મારા વતી આટલું કામ તમે કરી લેશો ? મારે એક અગત્યના કામે બહાર જવાનું થયું છે અને ક્યારે પાછો આવીશ નક્કી નથી.” તો મિસ પંડ્યા કહે, “હું તમારું કામ તો પતાવી દઈશ પરંતુ તમારી સવારી ક્યાં ઉપડી ? એકલા જ જાઓ છો કે સાથે કોઈ છે ?” મોક્ષ ઈશારો સમજી ગયો. કહે, “ના ના. આ કામ માટે હું એકલો જ નીકળ્યો છું.” અને મિસ પંડ્યાને કામ બતાવીને બધું સોંપી દીધું પોતાનાં ટેબલની ચાવી પણ આપી દીધી અને એમના આભાર માનીને કોલેજની બહાર નીકળીને રિક્ષા ઊભી જ રાખેલી એને રેલવેસ્ટેશન જવા માટે સૂચના આપી. આમ, મોક્ષની બીજી સફર શરૂ થઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED