આજનું શિક્ષણ Kunalsinh Chauhan Kamal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજનું શિક્ષણ

આજનું શિક્ષણ

૨૧મી સદીમાં મધ્યમવર્ગને મારી નાખતા, બે યક્ષપ્રશ્ન –

આજનું શિક્ષણ અને તેનો ખર્ચો...

કુટુંબનું સ્વાસ્થ્ય અને તેનો દવાનો ખર્ચો...

વાત કરૂ છું, આજના શિક્ષણની. આજે બાળક ત્રણ વર્ષનું થાય, ત્યારે માં-બાપને જે પ્રશ્ન પરેશાન કરી મૂકે છે, એ છે, english medium કે ગુજરાતી મીડીયમ? ૯૯% મા-બાપ, “પોતાની જાત સાથે સમાધાન – કોમ્પ્રોમાઇઝ” કરીને જવાબ આપશે, english medium. શા માટે? કારણ કે આજે જમાનો વધારે પડતો સ્પર્ધાત્મક થયી ગયો છે. પછી તે હોય વેપાર-ધંધો કે ભણતર. મોટા ભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગ્રેજીમા લેવાતી હોય છે એટલે એની તૈયારી પણ તે જ માધ્યમમા અથવા તો તે ભાષામાં કરવી પડે, કારણ કે આવી બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી જ સારી કોલેજ કે યુનિવર્સીટીમા એડમિશન મળે છે, અને સારી નોકરી મળવાની તક મળે છે, અને મોટી MNC કંપનીમા સારી નોકરી અને સારો મોટો ઉંચો હોદ્દો કે પદ મળવાની તક રહે છે, એટલે કે સારી નોકરી મળવાની આશા રહે છે. આ એકનું એક વાક્ય, ત્રણ વાર થોડી અલગ રીતે એટલા માટે લખ્યું કે, આ વાત પર ખૂબ ભાર મૂકવાનો છે. સારી નોકરી મળવાની તક મળે છે, તક રહે છે, આશા રહે છે. અહીં, કોઈ ગેરન્ટી નથી. હા, કોઈ ગેરન્ટી નથી કે સારી નોકરી મળશે જ. એ આ બધા જ વાંચનારને સારી રીતે ખબર છે કે આપણા પરફોર્મન્સ અને પ્રતિભા – talent પર જ આપણને સારી નોકરી મળવાની છે. બીજો જવાબ છે, કે છોકરો કે છોકરી, દીકરો કે દીકરી અંગ્રેજીમા કાચો ન પડે, કે કાચી ન પડે. એટલે કે તેનામાં સારી communication skill develop થાય. આજે પણ મોટા ભાગના લોકો, એવા જ ભ્રમમાં છે કે જેનું અંગ્રેજી સારૂ હોય એની communication skill સારી હોય. અને સારૂ અંગ્રેજી એટલે કે કડકડાટ અંગ્રેજી બોલવું. આ એક મોટો ભ્રમ છે.

ટૂંકમાં જવાબ આપવો હોય તો જયારે મા-બાપને પૂછવામાં આવે છે કે હવે તમારા બાબા કે બેબીને કઈ સ્કૂલમા મૂકશો કે કયા માધ્યમમા ભણાવશો તો ફટ દઈને જવાબ આપશે કે ફલાણી-ઢીકણી ઈંટરનેશનલ સ્કૂલ અથવા તો english medium. અને જયારે આગળ પૂછવામાં આવે કે શા માટે english medium? તો જવાબ મળશે કે ભવિષ્યમાં એ “પાછો ન પડે” કે “પાછી ન પડે” એટલા માટે. “હોલી શીટ!” આ અંગ્રેજી રૂઢિપ્રયોગનો અહી એટલા માટે શબ્દપ્રયોગ કર્યો કે આ વાંચી રહેલા અંગ્રેજી મીડીયમનાં બાળકનાં મા-બાપને એમાં જ ખબર પડશે, એટલા માટે.

રમૂજમાંથી બહાર આવીને વાત કરૂ તો મને એ ખબર નથી પડતી કે ભવિષ્યમાં બાળક, દેશનો યુવાન નાગરિક થશે ત્યારે કોનાથી પાછો પડશે કે પાછી પડશે? આ પ્રશ્નનો જવાબ, આ વાંચનાર કોઈ મા-બાપ પાસે હોય, જે તર્કસંગત, I mean logical હોય તો પ્લીઝ મારો કોન્ટેક્ટ કરે અને મને જણાવે.

મને જે જવાબ જડે છે, એ જવાબ છે “ડર.” આપણને ડર છે કે, જિંદગીની રેસમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, સારી કંપનીઓના ઈંટરવ્યુમા આપણું બાળક અટવાઈ ન જાય. પાછું ન પડે. કારણ કે, આ પરીસ્થિતિમાંથી આપણે પસાર થયી ચૂક્યા છીએ. દરેક મા-બાપને એવું હોય છે કે જે અમે સહન કર્યું એ અમારા બાળકને ના સહન કરવું પડે, અથવા તો એ આવનારી પરીસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર હોય. બાળકમાં પ્રતિભા હશે, તો એ કોઈ પણ વિકટ પરીસ્થિતિને પડકારશે અને આગળ પણ વધશે, એના આત્મવિશ્વાસના જોરે.

આપણો દેશ આઝાદ થયો ત્યારથી આજની શિક્ષણપ્રણાલીનો વર્ષોથી લોકો વિરોધ કરતા આવ્યા છે, છતાંપણ હજી એને જ વળગી રહ્યા છે ને આપણે. આપણને બધાને ખબર છે કે ભણતર વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે નહિ કે નોકરી મેળવવા. જો બાળકનો સર્વાંગી વિકાસ જ ના થાય અને એનામાં નિર્ણયશક્તિ, સાહસવૃત્તિ, કલ્પનાશક્તિ, વિચારશક્તિ, મૌલિકતા જેવા ગુણો જ ન ખીલવાના હોય તો કોઈ પણ માધ્યમમા એને ભણાવો, કાંઈ જ ફરક નથી પડવાનો. અને જો આ બધું english મીડીયમમા જ મળવાનું હોય તો પહેલા એ તપાસો કે તમે તમારા બાળકને english મીડીયમમા મૂકવા માટે CAPABLE –સક્ષમ છો, તો કયા જોરે છો? અને તમે પોતે કયા માધ્યમમાંથી પસાર થયીને આવ્યા છો? અને હવે તે માધ્યમ તમારા બાળક માટે કેમ બરાબર નથી?

દેશમાં શિક્ષણનું સ્તર ઊંચું આવવામાં વર્ષો નીકળી ગયા છે. આપણે આપણી માતૃભાષા ગુજરાતી માધ્યમની શાળામાં ભણ્યા છીએ. આપણામાથી મોટા ભાગના લોકોને આપણા મા-બાપે ગ્રાન્ટ ઇન એડ કે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવ્યા છે, કેમ? કેમ કે આપણા મા-બાપ સરકારી શાળામાં ભણ્યા હતા. આપણને સરકારી શાળા કરતા સારૂ વાતાવરણ મળે, એટલે આપણને પ્રાઇવેટ ગુજરાતી શાળામાં ભણાવ્યા. નોંધવા જેવી વાત છે કે, ભણતરનું માધ્યમ નથી બદલાયું. ફક્ત શાળા બદલાઈ છે. આપણામાંથી ઘણાના મા-બાપ તો અભણ છે, છતાંપણ એમને આપણને ભણાવ્યા, કેમ કે અભણની જેમ મજૂરી ન કરવી પડે. પરંતુ સત્ય હકીકત એ છે, જે તમે અને હું સૌ જાણીએ છીએ કે, આપણે પણ પ્રાઇવેટ કંપનીઓમાં SOPHESTICATED મજૂરી જ કરીએ છીએ. તો શું ફરક પડે છે, english મીડીયમ અને ગુજરાતી માધ્યમનો?

આપણા મા-બાપ આપણને ભણાવી શક્યા કારણ કે એ જે ભણ્યા, એ જ ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, પર્યાવરણ નાનપણમાં આપણને એમણે ભણાવ્યું, કારણ કે બંનેનું માધ્યમ સરખું હતું. સવાલ એ છે કે, આજની ફાસ્ટ લાઈફમાં શું તમારી પાસે સમય છે, તમારા બાળક માટે? એને english મીડીયમમા મૂકવાથી તમે જગ જીતી લીધું? આગળ જતા એને કોઈ તકલીફ જ નહિ પડે, કોલેજ એજ્યુકેશન કે ઇન્ટરવ્યુમા? તમારા દિલ પર હાથ દઈને જવાબ આપજો કે કેટલાને ખબર છે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારને અંગ્રેજીમા addition, subtraction, multiplication and division કહેવાય?

આપણને બધી ખબર હોવાછતાં, શા માટે ગાડરિયા પ્રવાહમાં તણાઈએ છીએ? શા માટે અંગ્રેજી માધ્યમની ઘેલછા રાખીએ છીએ? મને એ નથી સમજાતું, મોંઘી દાટ International Schoolમા બાળકને ભણાવવાથી, એના માટે પ્રાઇવેટ ટ્યુશન બંધાવી દેવાથી, આપણી જવાબદારી પૂરી નથી થઇ જતી, એ આપણે જાણીએ છીએ. આપણે, મા-બાપ બંનેએ બાળકને ભણાવવું પડશે. એને પ્રશ્ન થશે તો એનો જવાબ એને શોધી આપવો પડશે. આપણા બાળકને આપની જ હૂંફ નહિ મળે તો એ ક્યાં જઈને ઉભું રહેશે? જરા આ સવાલ તમારી જાતને પૂછી તો જુઓ? હું અહી અંગ્રેજી માધ્યમનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ આપની ક્ષમતા પર પ્રશ્ન કરી રહ્યો છું કે આ બધામાં બાળકની સાથે તમે પણ ના ખેંચાઈ જાઓ. તમે ભલે ગુજરાતી માધ્યમમા ભણ્યા, પણ શું તમે એટલા સક્ષમ છો કે તમારા બાળકની અંગ્રેજીની ચોપડી અને તેને ઉભા થતા પ્રશ્નોનો એ સમજી શકે એ રીતે અંગ્રેજીમા જવાબ આપી શકો? એને ભણવામાં આવતી અંગ્રેજીની કવિતાનો એને અર્થ સમજાવી શકો? એના ગણિતના દાખલા, એને અંગ્રેજીમા સમજાવી શકો? એને આપણો ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અંગ્રેજીમા સમજાવી શકો? જો જવાબ હા, હોય તો આગળ વાંચવાની જરૂર નથી, તમારા બાળકને અંગ્રેજી માધ્યમમા ભણાવો.

જો આ પ્રશ્નોમાંથી કોઈ એકનો પણ જવાબ ના હોય તો થોડું વિચારમંથન કરો અને પછી બાળક માટે કોઈ નિર્ણય લેજો. ભણતર અને ભાષાને ભેગું ન કરો. ૨ x ૨ = ૪ અને 2 X 2 = 4, જવાબ તો એક જ રહેવાનો છે. ફક્ત માધ્યમ બદલવાથી ભણતર નથી બદલાઈ જવાનું. જે જ્ઞાન અને સમજણ, માતૃભાષા આપી શકે એ સાવકી ભાષા ન આપી શકે. મિત્રો, ફરક ફક્ત માધ્યમનો જ પડે છે, એ વાત સમજો. બાકી, બાળકને એ જ ભણવાનું છે જે આપણે ભણ્યા. ગુજરાતી કક્કો આવડતો હશે એને અંગ્રેજીની ABCD પર ફાવટ આવી જશે પણ, અંગ્રેજીની ABCD પરથી ગુજરાતી કક્કા પર ફાવટ નહિ આવે. આપણે આપણા વિચારોની અભિવ્યક્તિ આપણી માતૃભાષામા જે સચોટ રીતે કરી શકીએ છીએ એટલી સચોટતા અને સરળતાથી અંગ્રેજીમા નથી કરી શકતા, જે સત્ય હકીકત છે, જૂજ અપવાદો છોડીને. તો શા માટે, પોતાના બાળકને માતૃભાષા છોડી વિદેશી ભાષામાં જ્ઞાન અને સમજણનું ધાવણ આપવું?

ક્રમશઃ...