ખુદ્દાર મોચી Kunalsinh Chauhan Kamal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુદ્દાર મોચી

તારીખ 7મી નવેમ્બર,2018. વાર, બુધવાર. તિથિ - આસો વદ અમાસ એટલે કે દિવાળી. ઘણા વખતથી કંપનીમાં પહેરતો હતો એ બૂટને સિલાઈ મરાવવાની હતી તે બાકી રહી જતી હતી. આજે દિવાળીના દિવસે જ એનો વારો આવ્યો. લગભગ બપોરના 12 વાગ્યાના સુમારે ઇસનપુર ચોકડી પાસે બેસતા મોચીકાકા પાસે પહોંચ્યો, જોડા સંધાવા.

શહેરનો મુખ્ય રસ્તો એટલે ભીડ સારી એવી હતી અને કાકા પાસે પણ સારૂ એવું કામ લાગતું હતું. ઘણા લોકો બૂટપોલિશ કરવા માટે એમની પાસે બુટ મૂકીને ગયા હતા. મેં સંવાદની શરૂઆત કરી.

કાકા, "બૂટને સિલાઈ મારવાની છે, ગોળ ફરતી અને સાથે આ ચંપલ સાંધવાનું છે."

કેટલા થશે?

કાકા - લાવો બતાવો સાહેબ

70 રૂપિયા

"સારૂ" કેટલી વારમાં કરી આપશો?

કાકા - જુઓને સાહેબ, ઘણું કામ લઈને બેઠો છું. તમે એક કામ કરોને, એક કલાકમાં આવો. તમારી બાઇકનો નંબર મને લખાવી દો.

કાકાએ પછી મારા બૂટની પાછળ પેન્સીલથી મારી બાઇકનો નંબર લખી દીધો. અને એમને જોડા આપી હું ઘરે પાછો ફર્યો.

જમવા કરવામાં એક કલાક ક્યાં વીતી ગયો એ ખબર જ ના પડી અને ઘડિયાળના ટકોરે સવા એક વાગે હું અને મારી પત્ની બજાર આવવા નીકળ્યા। મારી પત્નીને બીજા દિવસે બેસતા વર્ષે એની દેરાણી સાથે ઘરઆંગણે રંગોળી પૂરવી હતી એટલે એ રંગો લેવા માટે સાથે આવી હતી. આ બધી વાતમાં તકલીફ એ વાતની થઈ હતી કે એ પોતાનો ફોન ઘરે ભૂલી ગઈ તેથી મારો મોબાઈલ હું એને આપી મોચીકાકાની બેઠકે જવા રવાના થયો જેનું સરનામું મારી પત્નીને ખબર છે.

લગભગ દોઢ વાગ્યાના સુમારે હું મોચીકાકા સમક્ષ હાજર થયો ત્યારે જોયું કે મારા જોડાને તો તેમણે હાથ પણ નથી લગાડ્યો. એટલે એક વાત તો નકકી થઇ ગયી હતી કે હવે કાકા જોડા સીવે ત્યાં સુધી રોકાવાનું છે અને તેમના કામને નિહાળવાનું છે. મોબાઈલ તો પાસે હતો નહિ એટલે મોબાઈલ મંતરવાનો તો કોઈ સવાલ જ ન હતો. એટલે શાંતિથી બાઈક પાર્ક કરી કાકાના કામને અને રસ્તે આવતા જતા વાહનો અને લોકોને નિહાળવા લાગ્યો.

આ તરફ કાકાની નજર મારા પર પડી એટલે સૌથી પહેલા તો એમણે મારી માફી માંગી.

"સોરી સાહેબ, તમારા બૂટને હજી સિલાઈ નથી કરી.

હમણાં કરી દઉં.

આ તહેવારને કારણે વચ્ચે લોકો આવી જાય અને ઉતાવળ કરે એટલે તમારૂં કામ રહી ગયું".

આટલું કહેતા તો એમણે જે બૂટને પોલિશ કરતા હતા તેની પોલિશ પૂરી કરી અને સાઈડમાં મૂક્યા અને મારા જોડાનો વારો લીધો। કાકા ઉંમરમાં 45 થી 50 વર્ષના હશે પણ એમણે જે રીતે મારૂ કામ પૂરું કરવા માટે સમયમર્યાદા માંગી હતી અને એ સમયમર્યાદામાં કામ પૂરું ન કરી શક્યા તે બદલ જે વિનમ્રતાપૂર્વક માફી માંગી એણે તેમના પ્રત્યેનો મારો આદર વધારી દીધો. કેટલી સરળતાથી, સહજતાથી અને નિખાલસપણે એમણે નિશ્ચિત સમયમાં કામ પૂરું ન કરી શકવાની અસમર્થતા માટે માફી માંગી. આ બાબતે મને વિચારતો કરી દીધો. હું પોતે પણ એક મોટી કંપનીમાં કામ કરૂં છું. મારી ઉપર પણ ઘણા બોસ છે અને મારી નીચે પણ ઘણા કામ કરે છે અને દરેકને તેમને સોંપેલા કે આપેલા કામની વિગત તેનો ઉપરી અધિકારી માંગતો જ હોય છે. હું લગભગ દરરોજ જોઉં છું કે કંપની ક્લચરમાં કહેવાતા આપણે બધા ભણેલા - ગણેલા લોકો કેવી નિષ્ઠુરતાથી કામ પૂરું ના થયું હોય તો બહાના બતાવીએ છીએ કે વાત ફેરવી તોળીએ છીએ. તો આપણા જેવા સભ્ય અને પ્રોફેશનલ જોબ કરતા લોકો કરતા તો આ મોચીકાકા સારા કેમ કે એમનામાં એટલી હિંમત તો છે કે એ કામ નહિ કરી શકવાની બાબતનો સ્વીકાર કરી શકે છે.

આવા વિચારો મગજમાં વિહાર કરી રહ્યા હતા તે સાથે મારૂ ધ્યાન મોચીકાકાના કામ પર પણ હતું. તેમણે મારા જોડા તપાસ્યા અને એક જાડો મજબૂત કાળો દોરો લીધો અને એને પગમાં આંટી મારી બરાબર મીણ ઘસ્યું કે જેથી એ થોડો સુંવાળો બને અને સિલાઈ કરવામાં સરળતા રહે. બસ એ પછી સોય - દોરો લઇ કાકા લાગી ગયા સિલાઈ કામમાં. થોડીવારે મેં જોયું કે એમને સિલાઈ કરતા કરતા સોય વાગી છે અને એમની આંગળીઓમાંથી લોહી નીકળે છે. એમણે તરત એમની પાસે પડેલા સીડી ભરવાના પ્લાસ્ટિકના બોક્સમાં હાથ ડૂબાડ્યો કે જેમાં રહેલું પાણી ચોખ્ખુ તો નહોતું જ. પછી તરત જ આંગળી મોમાં નાખી એમણે લોહી ચૂસી લીધું. બે ટંકનો રોટલો જ્યાં માંડ મળતો હોય એ ગરીબને શરીરમાંથી ઘા વાટે લોહી વહી જાય એ જરાય ના પોષાય। એ તો એણે આત્મસાત કરવું જ રહ્યું. પછી ભલેને એ લોહી ભેગું ઝેર ભળ્યું હોય. ભગવાન એના શરીરને એ ઝેર સાથે લડવાની શક્તિ આપે જ છે કે જેથી એ ફરી બેઠો થઈ શકે અને પોતાનું અને પોતાના કુટુંબનું પેટિયું રળી શકે.

એક ફાર્માસિસ્ટ તરીકે જે મેં નિહાળ્યું અને એના પછી કોઈ જ પ્રતિક્રિયા ન આપી એ તદ્દન ખોટૂ હતું. આ માટે મારા અંતરમને તરત ટોક્યો. પરંતુ, હું જાણતો હતો કે જો આ બાબતે હું મોચીકાકાને ટકોર કરતો કે કાકા ચોખ્ખા પાણીમાં હાથ ધુવો અને નાની પટ્ટી મારી પછી કામ કરો તો પણ કાકા એમ કરવાના ન હતા. કાકા સાથે આવી ચર્ચાએ ચડતો તો એમનો સમય બગડતો અને આજે મારા કરતા એમનો સમય વધારે કિંમતી હતો. કાકા સાંજ સુધીમાં બૂટપોલિશ કરીને કે જોડા સીવીને ઘરે જતી વખતે જે રકમ લઈને જશે એ જ રકમમાં એમના પરિવારે દિવાળી અને બેસતું વર્ષ ઉજવવાનું હતું. આ વિચારે મને એમને ટોકવા જતો રોક્યો. કાકા તો જેવું આંગળીમાંથી લોહી નીકળતું બંધ થયું કે તરત પાછા કામે લાગી ગયા.

સમયનું ચક્ર તો અવિરત ચાલતું જ હતું. બપોરના બે વાગી ચૂક્યા હતા. ત્યાં જ મેં મારી ધર્મપત્નિનાં દર્શન કીધા। એ એનો બધો સામાન લઈને અમારી તરફ જ આવી રહી હતી. હું અંદાજ પામી ગયો કે મોબાઈલ વગર મારો કોન્ટેક્ટ કેમનો કરવો? અને કેટલી વાર થઇ કે હજી ના આવ્યા. મને હતું કે એ ઘરે જતી રહી હોત તો સારૂ થાત પણ અહીં કંઈક અલગ જ બન્યું. આવતાની સાથે જ એણે કાકા પર પ્રશ્નોની છડી વરસાવી દીધી કે જોડા હજી કેમ તૈયાર ન થયા. મેં એને માંડ વાળી અને ત્યાં એક ખુરશી પર બેસાડી.

કાકા પરિસ્થિતિ પામી ગયા અને એમને ભૂખ લાગી હોવા છતાં બનતી ત્વરાથી સંતોષકારક મારા જોડા સીવી આપ્યા। જોડા બરાબર સંધાયા છે કે નહિ એની તપાસ કરવાની જરૂર મને હતી જ નહિ કેમ કે એ બરાબર જ સંધાયા હતા. એટલે મેં કાકાને 100ની નોટ આપી અને વધારાના રૂપિયા દિવાળી નિમિત્તે રાખી લેવાનું કહ્યું। કાકાએ તરત જોડા પાછા લઇ લીધા.

"ના સાહેબ, લાવો જોડા પોલિશ કરી દઉં. મારાથી 'અણહક'નું ન લેવાય".

કાકાના આ વાક્ય પર તો હું દંગ રહી ગયો. મારો શુભાશય હતો કે મારી પાસે મારા ખપ પૂરતું ભગવાને મને આપ્યું જ છે તો લવ કોઈની દિવાળીમાં થોડું જતું કરી એના ઘરના દીવામાં થોડું તેલ રેડી શકું. પણ, અહી કાકાની ખુમારી અને ખુદ્દારી તો જુઓ કે એક રૂપિયો પણ વધારાનો ન લીધો. મારા જોડા એમ પણ જર્જરિત થઇ ગયા છે, પણ સાવ નાખી દેવાય એમ નથી. આવા જોડાને પણ કાકાએ ખૂબ સરસ પોલિશ કરી આપ્યા. મનમાં ને મનમાં કાકાને "જય શ્રી કૃષ્ણ" કહી મેં મારા ઘર તરફનો વળતો પ્રવાસ શરૂ કર્યો.

વાત આટલેથી પૂરી થતી નથી, શરૂ થાય છે. વાતનો આરંભ થાય છે આપણા અભિગમથી - આપણા એટિટ્યૂડથી. અહી વાત ફક્ત એક મોચીની નથી. વાત એ સૌ નાના માણસની છે જે નાનું મોટું કામ કરી પોતાનું પેટિયું રળે છે. અને આપણે એની સાથે 2- 5 રૂપિયા બચાવવા માટે ભાવ - તાલ - બાર્ગેનિંગ કરીએ છીએ અને છેલ્લે આપનો ભાવ ફાઇનલ કરી બે રૂપિયા બચાવવાનો ખાટો ઓડકાર ખાઈએ છીએ. મોલ્સ અને બ્રાન્ડેડ સ્ટોર્સમાં તો આપણે ક્યારેય ભાવતાલ કરતા નથી કેમ કે ત્યાં તો ફિક્સડ ભાવ જ હોય છે અને આપણે વસ્તુ લેવી હોય કે ના લેવી હોય એની કિંમતમાં એક રૂપિયો પણ ઓછો થવાનો નથી. ત્યાં તો આપણે ચુપચાપ પૈસા આપી દઈએ છીએ.

અને કદાચ એ નાનો માણસ આપણી પાસેથી 2 રૂપિયા વધારે લઇ પણ ગયો તો ક્યાં આપણી દુનિયા લૂંટાઈ જવાની છે? ફરક એટલો જરૂર પડશે કે જો એ માણસ નિષ્ઠાવાન અને નીતિવાન હશે તો તમારૂં કામ પહેલા કરતા પણ સારી રીતે કરી આપશે અને જો એણે તમને છેતર્યા હશે તો એના કર્મનું ફળ એને ભોગવવાનું જ છે. મોલ્સ કે સ્ટોર્સમાં તો બધું એમ જ રહેવાનું છે, યંત્રવત...