આજનું શિક્ષણ - 2 Kunalsinh Chauhan Kamal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજનું શિક્ષણ - 2

આજનું શિક્ષણ

(2)

આપણા ઘરે બાળક જન્મે ત્યારે તેની ખુશીમાં આપણે કહીએ છીએ કે, લક્ષ્મી આવી કે કાનો આવ્યો. ક્યારેય એવું કહીએ છીએ કે ‘વિનસ’ આવી કે ‘અપોલો’ આવ્યો? બાળકના ભણતર અને જીવન ઘડતર સાથે થોડું બાળવિજ્ઞાન પણ જાણવું જરૂરી છે. બાળક જન્મે કે તરત જ એની બધી ઇન્દ્રિયો કામે નથી લાગી જતી, એ આપણે સૌ જાણીએ છીએ. શરૂઆતમા એને બધું ધૂંધળું (Black & White) જ દેખાતું હોય છે. સ્તનપાન કરતા એને એની ‘મા’નો સ્પર્શ જ પોતીકો લાગતો હોય છે. ‘મા’ની પાસે એને હૂંફનો અહેસાસ, અનુભવ થાય છે. એ એની ‘મા’ના શબ્દો પર જ સૌ પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી બાળક હશે છે – રડે છે, એ એની પ્રથમ ભાષા છે. આમ કરતા – કરતા બાળક જયારે ૬ અઠવાડિયાનું એટલે કે દોઢ મહિનાનું થાય છે ત્યાં સુધીમાં એની ઇન્દ્રિયો સતેજ થયી ચૂકી હોય છે. એનો એ અર્થ નથી કે અત્યાર સુધીનું બધું વ્યર્થ ગયું. અત્યાર સુધી એને થયેલા સ્પર્શ, એણે સાંભળેલા શબ્દો, એણે જોયેલા ચિત્રો – દ્રશ્યો, એણે શ્વાસમાં લીધેલી ગંધ – સુગંધ વગેરે એના મગજના ડેટાબેઝમા સ્ટોર થાય છે – સંગ્રહ પામે છે. અને પછી, મગજ જયારે પોતે વિકાસ પામે છે ત્યારે આ બધી જ માહિતીનો ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોના ઉપયોગ કરવામાં. તમને ક્યારેય પ્રશ્ન થયો કે બે – અઢી વર્ષનું બાળક કેવી સહજતાથી અને આસાનીથી તમારી સાથે તમારી માતૃભાષામા વાત કરી શકે છે? તમે તો એને બેસાડીને ભાષાનું વ્યાકરણ કે અલગ – અલગ કાળ – વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણભૂતકાળ કે પૂર્ણભવિષ્યકાળ શીખવાડ્યા નથી છતાં પણ એ કેવી રીતે બધા વાક્યો કે સંવાદ કાળસંગત બોલે છે? આ છે બાળવિજ્ઞાન. બાળક જન્મ્યું ત્યારથી માંડી બે વર્ષનું થયું અને તેની જીભ ઉઘડી ત્યાં સુધીનો માહિતીનો સંગ્રહ અને મગજ દ્વારા તેનું પૃથક્કરણ અને માહિતીની જરૂર પ્રમાણે આપ-લે. અને આ થયું કેવી રીતે? તમારા ઘરમાં કે બાળકની આસપાસના વાતાવરણમા જે ભાષામાં સંવાદ થયો અથવા તો જે ભાષામાં વસ્તુની કે વ્યક્તિની ઓળખ થયી તેના દ્વારા.

આ જ બાબત એના શિક્ષણ માટે પણ લાગુ પડે છે. જે ભાષા એણે મગજમાં જન્મ્યા ત્યારથી બેસાડી છે, એ ભાષામાં એ સારી રીતે શીખી શકશે, ભણી શકશે, સમજી શકશે. જો તેમ છતાંપણ અંગ્રેજી મીડીયમમા જ બાળકને ભણાવવાનું નક્કી કર્યું જ હોય તો એ જન્મે ત્યારથી એને એ ભાષા જ સંભળાવો. તમારા ઘરમાં બધાને કહી દો કે અંગ્રેજીમા જ વાત કરે, બોલે, લખે, સંભાળે. પછી એ બાળકના મામા હોય, કાકા હોય, દાદા-દાદી કે ફોઈ-ફુઆ, માસ-માસી કેમ ના હોય. અને એના મા-બાપે તો બધી જ વસ્તુ, એકબીજા સાથેનું conversation પણ અંગ્રેજીમા જ કરવાનું છે. આમ, કરતા બાળકને જરા પણ અંગ્રેજીમા તકલીફ નહિ પડે અને કદાચ તમારા કરતા પણ સારૂ અંગ્રેજી લખી, બોલી અને વાંચી શકશે. આ શરતનું

અચૂક પાલન થવું જ જોઈએ. વાત પલ્લે પડે એવી નથી. હા, નથી. અને ધારો કે, આવું કરીએ તો એક વાત ચોક્કસ છે કે બાળકને એના મા-બાપ, દાદા-દાદી, એમની માતૃભાષા તો નથી જ આવડવાની.

અમારા ઘરની વાત કરૂ તો, આ લખનાર પોતે ગુજરાતી માધ્યમમા જ ભણીને આગળ આવ્યો છે અને આ લેખન પ્રવૃત્તિ સિવાય, એક મોટી MNC કંપનીમા વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે અને દવાઓ ઉપર સંશોધન કરે છે. મારો નાનો ભાઈ આઇટી કંપનીમા મેનેજર છે અને સૌથી નાનો ભાઈ PRL જેવી સંસ્થામા નોકરી મળતી હોવા છતાં કૌટુમ્બિક વ્યવસાય સંભાળે છે. અમને કોઈને અંગ્રેજીને કારણે તકલીફ નથી પડી કે એ અમારા વિકાસ અને પ્રગતિમા બાધારૂપ નથી બની. ફાર્મસીમા મારી સાથે ભણનાર અને હાલ પોરબંદર જીલ્લાના ડેપ્યુટી કલેકટરનું પદ શોભાવનાર વિવેક ટાંક પોતે ગુજરાતી માધ્યમમા ભણ્યા છે. મારા પ્રિય લેખક જય વસાવડાને તો એમની મમ્મીએ ઘરે ભણાવ્યા છે. આ કોઈ ભણતરના માધ્યમના કારણે પાછા પડ્યા હોય અને નસીબના જોરે સફળ થયા હોય એવું નથી. તો શા માટે એવી ગ્રંથિ બાંધી લેવી કે ધારણા કરી લેવી કે બાળક ભવિષ્યમા પાછો ન પડે એટલા માટે એને અંગ્રેજીમા ભણાવવો જોઈએ અથવા તો ગુજરાતી માધ્યમમા ભણશે તો એ બીજા બધા કરતા સફળ નહિ થાય. ફૂલ, છોડ, વૃક્ષ-વેલાને જેમ હવા, પાણી, ખાતર, સૂર્યપ્રકાશ સપ્રમાણ મળે તો ખીલી ઉઠે છે તેમ બાળકને પણ ઘરમાં એવું અનુકૂળ વાતાવરણ, એનો શારીરિક, માનસિક, નૈતિક વિકાસ થાય તેવો બોધપાઠ જો ઘરમાં જ મળી રહે તો એ સફળ થશે જ.

સાચું કહું, આપણને ડર એ વાતનો છે કે ગુજરાતી માધ્યમમા ભણાવીશું તો આપણું બાળક બરાબર રીતે જમાના સામે બાથ ભીડવા તૈયાર નહિ થાય. અને ચીલાચાલુ નોકરી કરશે અને મજૂરી કરશે. મારો સવાલ એ છે કે તમે કયા મોટા તીર મારી દીધા? તમે અને હું, બંને જાણીએ છીએ કે કોઈ પણ કામ કરો કે મોટી મોટી પ્રાઇવેટ કંપનીઓમાં ૨૦ -૨૫ હજારથી માંડી મહીને લાખ રૂપિયાની નોકરી કરો તો પણ શારીરિક અને માનસિક તાણ તો છે જ. આપણે રોજ આપણા કામના સ્થળે શારીરિક અને માનસિક “સ્ટ્રેસ”માંથી પસાર થઈએ જ છીએ. આપણા મા-બાપને હતું કે છોકરો કે છોકરી સારૂ ભણી ગની, વ્હાઈટ કોલર જોબ કરશે અને ફક્ત પેન ચલાવી પૈસા પાડશે. આની સામે હકીકત શું છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. પેન ચલાવી પૈસા પાડવા માટે જ્યાં સુધી એટલો અનુભવ ન આવે અને જાત ઘસી કાઢીએ ત્યાં સુધી કોઈ કંપની કે સંસ્થા હાથ મૂકવા દેતી નથી. તો પછી શા માટે આવી ઘેલછા કે આશા રાખવી? આજે આપણે છીએ એવી કે બીજી કોઈ અલગ પ્રકારની આવી જ પરીસ્થિતિમાંથી બાળકને પસાર થવાનું છે તો શા માટે આટલી બધી પળોજણ કરવી અને ખોટી ચિંતા કરવી. હરમન હેશનું વાક્ય છે, “તમે તમારા બાળકને જ્ઞાન આપી શકો છો, ડહાપણ નહિ. ડહાપણ તો એને જમાનાની ઠોકરો ખાધા પછી જ આવે છે.” એ રીતે જ જ્ઞાન એ રીતે આપો કે એ એને પચાવી જાણે, જેથી કરીને એને ઠોકરો ઓછી ખાવી પડે. બાકી જો ઘરમાં ગુજરાતી અને સ્કૂલમા અંગ્રેજી-હિન્દી, એમ ત્રણ ભાષાઓના મારની સામે, ન એતો બરાબર ભણી શકશે કે ન ભણેલું સમજી શકશે. કેમ કે છેલ્લે એનો ટ્યુશનનો સાહેબ કે બેન પણ જેટલી તમે તમારા બાળકની દરકાર કરો છો એટલી દરકાર તો નહિ જ કરે. તમે પોતે ધ્યાન આપી નહિ શકો અથવા તો સમજાવી નહિ શકો તો સરવાળે નુકશાન થશે તમારા બાળકનું અને એ નુકશાનનો ગુણાકાર કરો એટલું નુકશાન તમારૂ. એક અમારા ઘરનો કિસ્સો કહું તો, મારા દૂરના ભાણેજે મને પ્રશ્ન કર્યો હતો કે, મામા, “what is the difference between AD and BC in history?” ભયાનક સવાલ લાગ્યો ને? ગુજરાતીમાં કહું તો ઈતિહાસમા ઇસવીસન પૂર્વે (BC) અને ઇસવીસન પછી (AD)મા શું તફાવત છે. આ પ્રશ્ન જયારે મેં મારી બહેનને ગુજરાતીમાં પૂછ્યો તો એણે ફટ દઈને જવાબ આપી દીધો કે ઇસુખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો અને તેમના જન્મ પછીના વર્ષો. After Death of Jesus Christ and Before Christ. આટલી સરળ વસ્તુ એ એના બાળકને અંગ્રેજીમા નહોતી સમજાવી શકી, એને આવડતું હતું છતાંપણ...

ટૂંકમાં મિત્રો, આજકાલ જેમ સરકારી નોકરીઓ માટેની તૈયારી કરવી પડે છે, ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભાષા, વ્યાકરણની, અને ખાસ કરીને રાજ્યકક્ષાની પરીક્ષઓમા એ બાબતને ધ્યાનમા લેતા વત્તા શિક્ષણમા થયી રહેલો ફી વધારો, અને એ પણ ખાસ ઇન્ટરનેશનલ અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જોતા ખૂબ સમજી વિચારીને અને તમારી અંતરાત્માને પૂછીને પછી જ તમારા બાળક માટે યોગ્ય નિર્ણય લેજો. તમારૂ બાળક છે, ભવિષ્યમા તમને જ સાચવવાનું છે. સંસ્કારો અને સમજણનો જ ખેલ છે જે તમને ખબર છે. ખાસ કરીને, સરકારી નોકરી મેળવવા માટે અપાતી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા, આગળ જતા, માતૃભાષાના વર્ગો ન કરવા પડે એ વાત પણ ધ્યાનમા લેજો, કારણ કે આ બધી પરીક્ષઓમા માતૃભાષામાં માતૃભાષાના સવાલોના જવાબ આપવાના હોય છે અને પાસ થવાનું હોય છે પછી એ કોઈ પણ ક્ષેત્રની પરીક્ષા કેમ ના હોય?

કુણાલસિંહ ચૌહાણ ‘કમળ’