પ્રેમાગ્નિ-14 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાગ્નિ-14

આજે સવારથી મનસાનું મન ખૂબ આનંદ અને બેચેની એમ બન્ને લાગણીઓ અનુભવી રહ્યું છે. એ સવારે વહેલી ઉઠીને વાડીમાં ફૂલો ઉતારી રહી છે. પૂજા માટે અને વરંડામાં માટીનાં કથરોટમાં પાણી ભરી ગોઠવવા માટે. એના મનનો માણિગર એનું માંગુ નાખવા આવવાનો છે. વરંડામાં સોફા, મૂડા – હીંચકો ઝાપટી સાફ કરી કારપેટ સરસ રીતે પાથરી છે. મંદિરમાં પાઠ-માળા-સેવા કરીને ફૂલો ચઢાવ્યા છે. વિનોદાબા પણ હરખાઈ રહ્યા છે. પરીક્ષામાંથી પરવારી એટલે મનસા ખુશ છે, બહુ કામ પણ કરી રહી છે. સારા મૂડમાં છે. આજે એની સાથે વ્યોમને મળવાની વાત નક્કી કરી જ નાખીશ. ઘરમાં વાતાવરણ પણ સરસ છે બધાનાં મૂડ પણ ખુશનુમા છે. મનસા મોક્ષનાં આવવાની કાગડોળે રાહ જોઈ રહી છે. એ બધું સરખું કરવાનાં બહાને એનાં રૂમમાં જ સવારથી ભરાઈ રહી છે. મોક્ષ આવે તો બા સમાચાર આપે ત્યારે બધું કુદરતી જ લાગે.

મોક્ષની ગાડી વાડીમાં પ્રવેશી અને ઘર પાસે આવી ઊભી રહી. શાંતાકાકી ગાડી જોઈ બહાર આવ્યા અને વિનોદાબાને પણ જાણ કરી. વિનોદાબા અને શાંતાકાકીએ મોક્ષને આવકાર્યા. મોક્ષે બન્નેને નમસ્કાર કર્યા. તબિયત અંગે પૃચ્છા કરી. વિનોદાબાએ એમને બેસવા સંકેત કર્યો અને મનસાને બૂમ પાડી. મોક્ષ આવ્યાની જાણ કરી.

મનસા એના રૂમમાંથી વરંડામાં આવી અને મોક્ષને જોયા. એ આનંદથી પુલકિત થઈ ગઈ. એ અંદર પાણી લાવવા જતી રહી. આવીનો મોક્ષને પાણી આપ્યું. મોક્ષે પૂછ્યું, “આરામ કર્યો હશે ને હવે પરીક્ષાઓ પૂરી થઈ એટલે.” મનસા કહે, “હા હવે તો આરામ જ છે ને.” વિનોદાબા કહે, “મનસા તું બેસ, મોક્ષ સાથે વાતો કર. અમે રસોડામાં કામ પરવારીએ.” મોક્ષ કહે, “બા હું ખાસ તમને મળવા આવ્યો છું.” વિનોદાબા કહે, “મને ?” મોક્ષ કહે, “હા મારે મનસા અંગે જ વાત કરવાની છે.”વિનોદાબા કહે “ભલે” એમણે મનમા વિચાર્યું મેં મનસાને સમજાવવા ક્હ્યું હતું એ બાબતે જ હશે. મનસાને મનાવી લીધી હશે. મનસા સમજીને કહે, “બા હું કેશુબાપાને પાણીની ડાયરી આપીને આવું છું. એમાં 3 દિવસનું પાણી લખવાનું બાકી છે.” એવું કહીને એ ત્યાંથી નીકળી ગઈ. નીકળતા નીકળતા ત્રાંસી નજરે મોક્ષ તરફ જોઈ – હસીને નીકળી ગઈ. એનું હૈયું આજે હાથમાં જ નહોતું. મોક્ષ શું કહેશે ? મા શું જવાબ આપશે ? હે ઇશ્વર ! અમારું મિલન કરાવજો એવી પ્રાર્થના કરતી મનસા વાડીમાં ગઈ.

મનસાના ગયા બાદ મોક્ષે વિનોદાબા તરફ જોઈને કહ્યું, “મનસાના પેપર્સ સરસ ગયા છે. રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવશે. કોઈ ચિંતાનું કારણ જ નથી.” મોક્ષને થયું, હવે આડીઅવળી વાત કર્યા બાદ મુદ્દા પર આવવું જ પડશે. મોક્ષે કહ્યું, “હું મનસા માટે જ વાત કરવા આવ્યો છું. મનસાના વેવિશાળ અંગે તમે મને વાત કરી હતી. એ સમયે અભ્યાસ ચાલુ હતો. પરીક્ષાઓ આવતી હતી.” વિનોદાબા કહે, “અમે પણ જાણતા જ હતા. પરંતુ મારા ભાઈ હસુએ જણાવેલ કે જે સંબંધ માટે વાત આવી છે તે માણસો અને કુટુંબ ખૂબ જ સારું છે એટલે જ મનસાને સમજાવવા અમે તમને વાત કરી હતી.” મોક્ષ કહે, “મારું કહેવાનું એવું છે કે હું અને મનસા એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ. મારે મનસા સાથે લગ્ન કરવા છે. હું એને ખૂબ સુખી કરીશ. હું અને મનસા બન્ને એકબીજાની પસંદગીથી લગ્ન કરવા ઇચ્છીએ છીએ. એટલે હું મારા અને મનસા વતી આપને કહેવા અને આપ લોકોનાં આશીર્વાદ લેવા આવ્યો છું.” વિનોદાબા અને શાંતાકાકીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પછી સ્વસ્થ થઈને મોક્ષની વાત સાંભળવા લાગ્યા. મોક્ષે કહ્યું, “મારા વિશેની બધી જ વાત જણાવવા માંગુ છું. મારા કુટુંબમાં હું એકલો જ છું.” અને પછી બધી જ વાત વિસ્તારપૂર્વક કહી. મા-બાપ નાનપણમાં ગુજરી ગયા – કાકીએ ઉછેર્યો ભણાવ્યો. એના લગ્ન અગાઉ શિખા સાથે થયેલા ત્યારથી શિખા મૃત્યુ પામી સુધીની બધી જ સાચી વાત જણાવી દીધી. નાની ઉંમરમાં ઓછા સમયમાં બધું જ થઈ ગયું. છેવટે કહ્યું, “મેં તમને મારી બધી સાચી હકીકત જણાવી દીધી છે. સુરત પરા વિસ્તારમાં મારો બંગલો છે. પ્રોફેસરની કાયમી નોકરી છે મનસાને ખૂબ પ્રેમ કરુ છું એને ખૂબ સુખી કરીશ એની ખાતરી આપું છું. તમે શાંતિથી વિચારીને જવાબ આપજો.”

વિનોદાબાનું મોં ઊતરી ગયું હતું, શાંતાકાકીને પણ શું બોલવું સમજણ ના પડી. શાંતાકાકીએ ચા નાસ્તો મૂકેલા તે લેવા જણાવ્યું વિવેક કર્યો. મોક્ષ કહે, “હું હમણાં જ ચા નાસ્તો પરવારીને આવ્યો છું.” અને ઊભી થઈ નમસ્કાર કરી જવા માટે રજા માંગી. જતા જતા કહ્યું, “તમારી જે કંઈ નિર્ણય હશે મને શિરોમાન્ય રહેશે.” એમ કહી ત્યાંથી જવા નીકળી ગયો

વિનોદાબાએ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. એ તો જડવત હીંચકા પર બેસી જ રહ્યા. મોક્ષનાં નીકળી ગયા પછીપણ બેસી જ રહ્યા હતા. એમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને શાંતાકાકીના ખભે માથું ઢાળીને રડા રહ્યા, શાંતાકાકી આશ્વાસન આપતા રહ્યા. વિનોદાબા કહે, “શાંતા... મારી વિનુ બીજવરને પરણશે ? મારી એકની એક દીકરીનો આમાં ક્યાં પગ પડી ગયો ? આ શું તવા બેઠું છે ? પિતા વિનાની દીકરીને આટલા લાડકોડથી ઉછેરીને મોટી કરી છે ? સમાજમાં શું મોઢું બતાવીશ ?” એ રડતા રહ્યા. થોડા સ્વસ્થ થઈને વિચારતા રહ્યા. મોક્ષ ભણેલા ગણેલા સુખી છે, બ્રાહ્મણ છે પણ બીજવર છે. કેવી રીતે સંબંધ થાય ?

મોક્ષની ગાડીને વાડીમાંથી બહાર નીકળતી જોઈને મનસા વાડીમાંથી ઘરે આવી. વિનોદાબા અને શાંતાકાકી વરંડામાં હીંચકા પર જ બેઠા હતા. વિનોદાબા રડી રહ્યા હતા. મનસાને ખ્યાલ આવી ગયો. માને ગમ્યું નથી જ. વિનોદાબાએ મનસાને કહ્યું, “આખી જિંદગી તને લાડકોડથી ઉછેરી છે તારા બાપુ – કાકા બાપુનાં ગયા પછી પણ તને કદી ઓછું નથી આવા દીધું. તારા પિતાની ઇચ્છા અનુસાર જ તારો ઉછેર કર્યો છે. રાજકુંવરીની જેમ લાડ લડાવીને ઉછેરી છે. મનું તેં આ શું કર્યું – મારે તારા લગ્ન એક બીજવર સાથે કરવાના ? આ કઈ સજા મનેઆપે છે ?” એમ કહી રડતા રડતા એના રૂમમાં જતા રહ્યા અને બોલતા રહ્યા. તારા લગ્ન બીજવર સાથે ક્યારેય નહીં થાય. શાંતાકાકી વિનોદાબા પાછળ એમના રૂમમા ગયા. મનસા પણ રડતા રડતા એના રૂમમાં ગઈ. આજે ઘરમાં ના રસોઈ થઈ. અર્ધુ રાંધેલું અનાજ એમનું એમ પડી રહ્યું. બધા પોતાના રૂમમાં રડતા જ રહ્યા. ઘરમાં શોકાતુર વાતાવરણ થઈ ગયું. કોઈ કોઈની સાથે વાત કરવા શક્તિમાન જ નહોતું. સાંજ સુધી કોઈ કોઈને સાથે બોલ્યું નથી. ખાધું પીધું નથી. બધા શુષ્ક શોકમાં પડી જ રહ્યા હતા. મનસા પર મોક્ષના ફોન આવતા હતા પરંતુ એણે ઉપાડ્યા નહીં. ફોન સ્વિચ ઓફ કરી દીધો.

મોડી સાંજે વિનોદાબાએ હસુભાઈને ફોન કર્યો અને કોઈ પણ કારણ આપ્યા વિના કહ્યું, “હસુ તુ અને હિના કાલે સવારે વાડીએ આવી જજો, મારે કામ છે.” હસુભાઈએ કહ્યું, “હા હું અને હિના આવી જઈશું પણ બહેન શું થયું છે ? એકદમ જ ફોન આવ્યો એટલે પૂછું છું બધું બરાબર છે ને ? કંઈ ચિતા નથી ને ? તમારી તબિયત સારી છે ને ? મનસા કેમ છે ? શાંતાકાકી ક્યાં છે ?” વિનોદાબા કહે, “બધું જ બરાબર છે. મારે મનસા અંગે વાત કરવાની છે. તું અહીં આવી જજે.” અને ફોન મૂકી દીધો. હસુભાઈ સમજી ગયા કંઈક ગરબડ તો છે જ.

*

હસુભાઈ સવારના વહેલા નીકળીને 9 વાગ્યા સુધીમાં તો હિનામામી સાથે વાડીમાં આવી પહોંચ્યા. તેઓ ગાડી પાર્ક કરીને તરત વિનોદાબાના રૂમ તરફ ગયા. વરંડામાં કે દીવાનખંડમાં કોઈ જ નહોતું. વિનોદાબાના રૂમમાં જઈને જોયું તો વિનોદાબાની હાલત ખૂબ ખરાબ હતી. આખી રાત રડી રડીને, ચિંતા કરીને આંખો લાલ થઈને સૂજી ગયેલી. હસુભાઈ ખુરશી ખેંચીને બાજુમાં બેઠા – હિનાભાભી અંદર જઈને પાણી લઈ આવ્યા. શાંતાકાકી પણ એ જ દશામાં વિનાદાબાની બાજુમાં બેઠા હતા. વિનોદાબા કહે, “હસુ, તને ખાસ વાત કરવા જ બોલાવ્યો છે. હું ખૂબ અટવાઈ છું. મનસાને કારણે ચિંતામાં પડી ગઈ છે.”એમણે કાલે મોક્ષ મનસાનો હાથ માંગવા આવેલો ત્યાંથી શરૂ કરી મોક્ષની બધી જ વાત કરી. મનસાની પણ આ લગ્ન કરવાની ખૂબ ઇચ્છા છે. આ બીજવર સાથે મારી એકની એક દીકરીને કેમ પરણાવું ?આ બધું સાંભળીને હસુભાઈ તો સાવ અવાચક થઈ ગયા. આઘાતથી થોડીવાર તો કંઈ બોલી જ ના શક્યા. થોડી કળ વળતાં કહ્યું, “બહેન ! તમે બિલકુલ ચિંતા ના કરો. મનસાએ ભલે કીધું કે એની ઇચ્છા હોય હજી એ કૂમળું ફૂલ છે. ભોળવવામાં આવી ગઈ છે હું એને સમજાવીશ, એ માની જશે તમે ચિંતા ના કરો.” હિનામામી કહે, “હા બહેન તમારા ભાઈ ચોક્કસથી મનસાને સમજાવી શકશે એમની સાથે બહુ રહી છે. અમારી દીકરી જ છે. તેઓ એને સમજાવીને પાછી વાળશે જ.” હસુભાઈએ વિનોદાબાને આશ્વાસન આપી શાતા રાખવા કહ્યું, “જુઓ બહેન, તમે ચિંતા ના કરો. હવે મેં વિચાર્યું છે તે પ્રમાણે હું મોક્ષને બોલાવું છું. મારા પર વિશ્વાસ રાખજો અને હું જે કંઇ કહું-કરું એમાં સાથ આપજો. સહું સારાવાના થશે. હું મનસા પાસે જઉં છું વાત કરવા તમે નિશ્ચિંત થઈ જાઓ.”

વિનોદાબાને આશ્વાસન આપી હસુભાઈ મનસાના રૂમમાં ગયા. મનસા એના બેડ પર આંખો મીંચીને પડી રહી હતી. એ પણ આખી રાત રડી હતી. એનું મોં ચાડી ખાતું હતું કે એ ખૂબ અસ્વસ્થ છે. હસુમામાએ કહ્યું, “મનસા બેટા !” મનસા એમનો અવાજ સાંભળીને બેડ પર વ્યવસ્થિત બેસી ગઈ. હસુમામા બાજુમાં બેઠા અને મનસાનાં માથે હાથ ફેરવીને પૂછ્યું, “બેટા શું થયું ? મને બહેને બધી વાત કરી છે. તારે મોક્ષ સાથે લગ્ન કરવા છે ?” મનસા કહે, “મામા એ ખૂબ જ સારા માણસ છે, આપણા કુટુંબને યોગ્ય છે. અમે બન્ને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ.”

હસુમામા કહે, “દીકરા તું આ ઘરનું એકનું એક સંતાન છે. આપણા આખા કુટુંબમાં તું એકલી જ છે. તારું સારું-નરસું વિચારવાનો અમને અધિકાર છે કે નહીં ?” મનસાએ હકારમાં ડોકું ધુણાવ્યું. હસુમામા કહે, “અમારે પણ તારી ઈચ્છા વિરુદ્ધ કશું નથી કરવું પરંતુ તારા ભવિષ્યનો વિચાર કરવાનો છે, સમાજનો વિચાર કરવાનો છે. થોડાંક સમયમાં આકર્ષણને જીવનભરની ભૂલમાં પરિવર્તિત ના કરાય. તું શાંતિથી વિચારજે કે હું આમ કેમ કહું છું ?” મનસા કહે, “પણ મામા મને ફક્ત આકર્ષણ નથી હું પણ સમજું જ છું બધું હું એટલી નાની નથી. કોલેજમાં ઘણાં છોકરાઓ હોય છે ઘણાં પાછળ પડે છે પરંતુ મોક્ષને હું અંતરથી ચાહું છું. કોઈ થોડા સમયનું આકર્ષણ નથી પરિપક્વ પસંદગી છે મારી. તેઓ વિધુર છે એ પણ હું માનું છું મેં જ્યારે એમના માટે પ્રેમની ચેષ્ટા પ્રદર્શિત કરી ત્યારે એમણે જ મને રોકીને કહ્યું હતું કે એ વિધુર છે. એમનાં લગ્ન થઈ ચૂક્યા છે અને અગાઉની પત્નીનું મૃત્યુ થયું છે એમણે મને બિલકુલ ફસાવી નથી. મામા, એમના માટે તમને ગેરસમજ ના રહે એટલે જ મેં તમને આટલી વાત કરી.”

હસુમામા કહે, “તારી વાત મેં સાંભળી. મને ખૂબ જ ગમ્યું કે તેં ખૂબ સ્પષ્ટતાપૂર્વક નિખાલસ વાત કરી. પરંતુ તારા બાપુ અને કાકાબાપુનાં ગયા બાદ બહેન એકલી પડી ગઈ છે. હવે કોઈ નિર્ણય તારા અંગે લેવાનો હોય તો મારી ફરજ છે કે હું બહેનનાં પડખે ઊભો રહું છતાં હું કોઈ નિર્ણય પર નથી આવ્યો. તું એક કામ કર. મોક્ષભાઈને ફોન કર અને એમને અહીં વાડીએ બોલાવ. મારે એમને મળવું છે એમ કહેજે. અહીં બધા સાથે જ જમીશું.”

મનસા તો આનંદથી ઊછળી પડી. હસુમામાને વળગી પડી અને પૂછ્યું, “સાચે જ તમે મોક્ષને મળવા માંગો છો ?” હસુમામાએ હસતા-હસતા કહ્યું, “હા તું એમને ફોન કર તરત જ.” કહીને તેઓ વિનોદાબાના રૂમમાં ગયા. વિનોદાબા-શાંતાકાકીને પોતાનો નિર્ણય જણાવ્યો. એ લોકો એકીસાથે બોલી ઉઠ્યા, “તમે આ શું કરો છો હસુભાઈ ?”

હસુભાઈએ કહ્યું, “તમે ચિંતા ના કરો હું જે કાંઈ કહું એમાં સાથ આપો મેં અગાઉ પણ તમને કહ્યું છે. સહુ સારાવાના થશે ચિંતા ના કરો અને બધા હાથ-મોં ધોઈને રસોઈની તૈયારી કરો. જાઓ ઈશ્વર બહુ જ કૃપાળુ છે.” હિનાભાભીએ વિનોદાબાને કહ્યું, “તમે ચિંતા છોડી દો. તમારા ભાઈને જરૂર કોઈ ઉપાય સૂઝ્યો છે. ચાલો રસોડામાં.”