હિન્દુધર્મમાં જાતિપ્રથા Ronak Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિન્દુધર્મમાં જાતિપ્રથા

હિન્દુધર્મમાં

જાતિપ્રથા?

“જન્મ પર આધારિત જાતિપ્રથાના આડમાં થતા ભેદભાવ અને પક્ષપાતના મૂળમાં વેદ છે.”

“હિન્દુઓના સૌથી પ્રાચીનતમ ગ્રંથમાં – વેદમાં - જન્મ પર આધારિત જાતિપ્રથાની ઉત્પત્તિના બીજ રોપાયેલા છે.”

“હિન્દુધર્મનો આધાર વેદ હોવાથી નીચી જાતિના લોકોનું શોષણ કરવું એ હિન્દુધર્મનો ભાગ છે.”

ઘણાં તથાકથિત બુદ્ધિજીવીઓના મગજમાં ઉપર જણાવેલી માન્યતાઓ ઘર કરી ચુકી છે. તેઓ પણ આ જ માન્યતાને હિન્દુધર્મમાં જન્મ પર આધારિત જાતિપ્રથાની ઉત્પત્તિનું મુખ્ય કારણ ગણે છે.

સામ્યવાદીઓ, રાજકારણીઓ અને પક્ષપાતી ભારતીય ચિંતકોની ગેરમાર્ગે દોરી જતી ખોટી કલ્પનાઓએ અસમાનતા અને વિવાદોના બીજ રોપી આપણાં દેશની સંસ્કૃતિને ભારે નુકસાન પહોચાડ્યું છે.

પણ આનાથી વધુ દુર્ભાગ્યની વાત એ છે કે હિન્દુઓએ સમય જતા હિન્દુ સંસ્કૃતિની આધારશીલા ગણાતા વેદની મૌલિક શિક્ષાને ભુલાવી દીધી. હિન્દુઓ જન્મ પર આધારિત જાતિપ્રથાના વિનાશકારી ભવંડરમાં ફસાયા અને જાતિપ્રથાની આડમાં નીચા કુળમાં(?) જન્મ લેનાર લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરી, ભારતનું આર્થિક, સામાજિક અને સંસ્કૃતિક પતન નોતરી આવ્યાં. દુર્ભાગ્યવશ આજના “કહેવાતા દલિતો” પોતાને મૂળ ભારતીય સમાજથી અલગ માને છે.

આ નાની પુસ્તિકામાં આપણે હિન્દુધર્મમાં જાતિપ્રથની વાસ્તવિકતા વિષે જાણીશું અને વર્ણ પરિવર્તનના કેટલાંક ઉદાહરણો પણ કોઈશું.

કાસ્ટ (caste) શું છે?

જોવા જઈએ તો આ કાસ્ટની અવધારણા ખુબ જ નવી છે. વેદોમાં કાસ્ટ શબ્દનો સમાનર્થી હોય એવો એક પણ શબ્દ જોવા મળતો નથી. અજ્ઞાનતાના કારણે આપણે જાતિ અને વર્ણ, આ બે શબ્દનો અર્થ ‘કાસ્ટ’ જ કરીએ છીએ.

પણ સત્ય તો એ છે કે કાસ્ટ, જાતિ અને વર્ણ, આ આ ત્રણેય શબ્દો એકબીજાથી તદ્દન ભિન્ન છે.

‘કાસ્ટ’ શબ્દ એ યુરોપિયન દિમાગની ઉપજ છે કે જેને વૈદિક સંસ્કૃતિ સાથે અંશ ભર પણ સંબંધ નથી.

જાતિ શું છે?

જાતિ એટલે ઉત્પત્તિના આધાર પર થતું વર્ગીકરણ. ન્યાય સૂત્ર કહે છે; “સમાનપ્રસવાત્મિકા જાતિ” – જેઓના જન્મનો મૂળ સ્ત્રોત એક સમાન હોય તે એક જાતિ છે. બીજા શબ્દોમાં કહીએ તો જેનો ઉત્પત્તિનો પ્રકાર એક જેવો જ હોય તે એક જાતિના કહેવાય.

ઉત્પત્તિના આધારે આપણાં ઋષિઓએ જાતિને ચાર ભાગમાં વર્ગીકૃત કરી છે:

ઉદ્ભીજ – ધરતીમાંથી ઉત્પન્ન થનાર (વૃક્ષ, છોડ વગેરે)

અંડજ – ઈંડામાંથી ઉત્પન્ન થનાર (પક્ષી, સરીસૃપ વગેરે)

પિંડજ – ગર્ભમાંથી ઉત્પન્ન થનાર (મનુષ્ય, સ્તનધારી પ્રાણીઓ વગેરે)

ઉષ્મજ – તાપમાન તથા પરીવેશીય સ્થિતિઓની અનુકુળતા પ્રમાણે ઉત્પન્ન થનાર (વાઈરસ, બેક્ટેરિયા વગેરે)

હાથી, વાઘ, સિંહ, સસલું જેવા પ્રાણીઓ એક જાતિ છે. આ વિવિધ પ્રાણીઓમાં શારીરિક અંગોની એક ખાસ સમાનતા જોવા મળે છે. આવી જ રીતે સંપૂર્ણ માનવ સમાજ પણ એક જાતિ છે. એક જાતિ બીજી જાતિમાં ક્યારેય પરિવર્તન ન પામી શકે. એટલે કે મનુષ્ય પક્ષી ન બની શકે અને પક્ષી વાઈરસ ન બની શકે. આ ઉપરાંત ભિન્ન જાતિઓ ક્યારેય ભેગી મળી સંતાન ઉત્પન્ન ન કરી શકે. આમ જાતિ એ ઈશ્વરનું સર્જન છે અને નહીં કે મનુષ્યનું. અને જાતિ ઈશ્વરનું સર્જન હોવાથી તેમાં ઊંચ કે નીચ ન હોય. કારણ કે ઈશ્વર ન્યાયી છે.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ક્યારેય ભિન્ન જાતિઓ ન હોઈ શકે. કારણ કે તેઓની શારીરિક બનાવટમાં અને જ્ઞાન અને કર્મ ઇન્દ્રીયોમાં કોઈપણ ભિન્નતા જોવામાં આવતી નથી. આ ઉપરાંત આ બધાનો જન્મ સ્ત્રોત પણ એક જ - પિંડજ - છે.

પણ સમય જતા વ્યવહારિક જીવનમાં સરળતા માટે “જાતિ” શબ્દનો પ્રયોગ કોઈપણ પ્રકારના વર્ગીકરણ માટે થવા લાગ્યો. અને આથી જ આપણે અલગ-અલગ સમુદાયોના લોકોને પણ અલગ-અલગ જાતિ તરીકે ગણવા લાગ્યા! પણ વાસ્તવિકતા તો એ છે કે દરેક મનુષ્યની એક જ જાતિ છે – માનવજાતિ!

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર જાતિ નહીં પણ ચાર વર્ણ છે. “આર્ય” અને “દસ્યુ” પણ વર્ણ છે.

વર્ણ એટલે ‘જેને પસંદગીથી સ્વીકાર કરવામાં આવે તે’. આમ, જાતિ આપણને ઈશ્વરે આપી છે પણ આપણાં વર્ણની પસંદગી તો આપણે પોતે જ કરવાની હોય છે.

જે લોકો ઉત્તમ કર્મો કરી આર્ય બન્યા તેઓ “આર્ય વર્ણ” કહેવાયા અને જે લોકો પાપકર્મો કરી દસ્યુ બન્યા તેનો “દસ્યુ વર્ણ” કહેવાયા. આમ જ્ઞાન અને કર્મ અનુસાર વ્યક્તિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણનો કહેવાય છે.

આ જ કારણેથી વૈદિક ધર્મ – વર્ણાશ્રમ ધર્મ – પણ કહેવાય છે. વર્ણ શબ્દનો અર્થ એ છે કે તે પસંદગીની પૂર્ણ સ્વંત્રતાની સાથે સાથે ગુણવત્તા અને લાયકાત પર આધારિત હોય.

બૌદ્ધિક અને જ્ઞાન પ્રચારના કાર્યોમાં સંલગ્ન વ્યક્તિઓએ “બ્રાહ્મણ” વર્ણનો ચુનાવ કર્યો.

યુદ્ધ શાસ્ત્ર અને સમાજની રક્ષાના કાર્યોમાં યોગ્યતા ધરાવતા લોકો “ક્ષત્રિય” વર્ણના કહેવાયા.

પશુ-પાલન અને વ્યાપાર-વાણિજ્ય જેવા કામોમાં નિપુણ લોકો “વૈશ્ય” વર્ણના કહેવાયા.

અને જે લોકોએ આ ત્રણે વર્ણોના લોકો માટે સહયોગાત્મક કાર્યો કરવાનું પસંદ કર્યું તેઓ “શૂદ્ર” વર્ણના કહેવાયા.

આમ આ માત્ર આજીવિકા માટે પસંદ કરાયેલા વ્યવસાયોને દર્શાવે છે, જેનો જાતિ કે જન્મ સાથે કોઈ જ સંબંધ નથી.

“પુરુષ સૂક્ત” જાતિવાદનું મૂળ?

વર્ણોને જન્મ-આધારિત સાબિત કરવા માટે કેટલાંક મુખ દિમાગો પુરુષ-સૂક્તના મંત્રનો સંદર્ભ આપે છે. આ મંત્રનો એવો અર્થ કરવામાં આવે છે કે બ્રાહ્મણ ઈશ્વરના મુખમાંથી, ક્ષત્રિય ઈશ્વરના હાથમાંથી, વૈશ્ય ઈશ્વરની જાંધમાંથી અને શૂદ્ર ઈશ્વરના પગમાંથી ઉત્પન્ન થયા. પણ આ તો વાસ્તવમાં અર્થનો અનર્થ છે. કારણ કે:

વેદ કહે છે કે ઈશ્વર નિરાકાર અને અપરિવર્તનશીલ છે. આથી જો ઈશ્વર નિરાકાર હોય તો તે આવા વિશાળ અને મહાકાય માનવનું રૂપ(આકાર) કેવી રીતે ધારણ કરી શકે? (યજુર્વેદ ૪૦.૮)

જો આ અર્થને સાચો મની લેવામાં આવે તો કર્મના સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય. કારણ કે કર્મના સિદ્ધાંત અનુસાર મનુષ્ય કર્મો અનુસાર તેનો વર્ણ બદલી શકે છે. આમ જો કોઈ આ જન્મમાં શૂદ્ર હોય પણ જો તેણે સત્કર્મો કર્યા હોય તો તેને આવતો જન્મ કોઈ રાજ પરિવારમાં ક્ષત્રિય તરીકે મળી શકે છે. પણ જો શૂદ્ર ઈશ્વરના પગમાંથી ઉત્પન્ન થયા છે તેવું માની લેવામાં આવે તો પછી આવતા જન્મમાં શૂદ્ર ફરીથી ઈશ્વરના હાથોમાંથી કેવી રીતે ઉત્પન્ન થઇ શકે?

આત્મા નિત્ય, અજન્મા અને અમર છે. આત્મા સમયથી બાધ્ય નથી. આથી જ આત્માનું કોઈ વર્ણ ન હોય શકે. આત્મા મનુષ્ય શરીર ધારણ કર્યા પછી જ તેના વર્ણની પસંદગી કરી શકે છે. તો પછી આત્માનું વર્ણ ઈશ્વરના શરીરના કોઈ ભાગમાંથી આવે છે તેનો શો અર્થ? આત્મા અજન્મા હોવાથી ક્યારેય ઈશ્વરના શરીરમાંથી જન્મ નથી લેતી. તો શું આપણે એવું માની લઈએ કે આત્માનું શરીર ઈશ્વરના શરીરના વિવિધ ભાગોમાંથી બન્યું છે?

“પુરુષ સૂક્ત” નો સાચો અર્થ

પુરુષ-સૂક્તના જે મંત્રનો સંદર્ભ આપવામાં આવે છે તને યજુર્વેદના ૩૧ માં અધ્યાય અને કેટલાક ભેદ સાથે ઋગ્વેદ અને અર્થવવેદમાંથી લેવામાં આવ્યો છે. આ મંત્ર યજુર્વેદ ૩૧.૧૧ છે.

બ્રાહ્મણોડસ્ય મુખમાસીદ્ બાહૂ રાજ્ન્ય: કૃત:

ઉરૂ તદસ્ય યદ્ વૈશ્ય: પદ્ભ્યાં શૂદ્રો ડ અજાયત

પણ આ મંત્રને ઊંડાણમાં સમજતા પહેલાં તેનાથી પહેલાનો મંત્ર (યજુર્વેદ ૩૧.૧૦) સમજી લેવો જરૂરી છે.

યજુર્વેદ ૩૧.૧૦ મંત્ર પ્રશ્ન પૂછે છે કે – મુખ કોણ છે? હાથ કોણ છે? જાંધ કોણ છે? અને પગ કોણ છે?

યજુર્વેદ ૩૧.૧૧ આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે – બ્રાહ્મણ મુખ છે. ક્ષત્રિય હાથ છે. વૈશ્ય જાંઘ છે અને શૂદ્ર પગ છે. એ વાતની નોંધ લો કે યજુર્વેદ ૩૧.૧૧ મંત્ર એવું નથી કહેતો કે “બ્રાહ્મણ મુખમાંથી જન્મ લે છે”. મંત્ર કહે છે કે “બ્રાહ્મણ મુખ છે.” કારણ કે જો યજુર્વેદ ૩૧.૧૧ મંત્રમાં “જન્મ લે છે” એવો ભાવ હોય તો પછી યજુર્વેદ ૩૧.૧૦ મંત્રમાં પૂછેલા પ્રશ્નોના (મુખ કોણ છે? હાથ કોણ છે? જાંધ કોણ છે? અને પગ કોણ છે?) જવાબ આપવાની જરૂરીયાત જ ન રહે.

ઉદાહરણ તરીકે: જો હું એમ પૂછું કે “દશરથ કોણ છે?”અને કોઈ મને આવો જવાબ આપે કે “રામે દશરથમાંથી જન્મ લીધો”, તો પછી આવા જવાબનો કોઈ અર્થ રહી જતો નથી.

મંત્રનો સાચો અર્થ

એક આદર્શ સમાજમાં બ્રાહ્મણ (બુદ્ધિજીવી લોકો) સમાજનું મગજ, મસ્તિક્ષ કે મુખ બનાવે છે, જે બોલવાનું, વિચારવાનું અને જ્ઞાન પ્રચારનું કામ કરે છે.

પોતાના હાથે નિર્બળ લોકોનું અને સમાજ અને રાષ્ટ્રનું રક્ષણ કરનાર ક્ષત્રિય છે.

વૈશ્ય વર્ગ જંધા સમાન છે. જેમ જંધાનું હાડકું સૌથી મજબુત હોય છે અને રક્તકોશિકાઓનું નિર્માણ કરી શરીરનું પોષણ કરે છે તેમ વૈશ્ય વર્ગ પણ ઉત્પાદન અને વ્યાપાર કરી સમાજને સહયોગ આપે છે અને તેનું પોષણ કરે છે. અથર્વવેદમાં ઉરુ કે જંઘ શબ્દના સ્થાને “મધ્ય” શબ્દનો પ્રયોગ થયો છે. અહી “મધ્ય” શબ્દનો અર્થ શરીરનો મધ્ય ભાગ અથવા તો ઉદર છે.

જેમ પગ શરીરને આધાર આપે છે (જેના પર આખું શરીર ટકી રહ્યું છે) અને તેને ચલાવે છે, તેમ શૂદ્ર વર્ગ તેના શ્રમ અને બળથી સમાજને આધાર આપી તેને ગતિ પ્રદાન કરે છે.

આ પછીનો મંત્ર મન, આંખો જેવા શરીરની બીજી ઇન્દ્રિયો વિષે કહે છે. પુરુષ-સૂક્તમાં માનવ સમાજની ઉત્પત્તિ અને અર્થપૂર્ણ અને સંતુલિત સમાજ માટે જરૂરી એવા મૂળ સિદ્ધાંતોનું વર્ણન છે.

આમ, આ એક શર્મનાક વાત છે કે કર્મ પર આધારિત સમાજ રચનાનું અલંકારીક વર્ણન કરતા પુરુષ સૂક્તના આ મંત્રનું ખોટું અર્થઘટન કરી તને વૈદિક સિદ્ધાંતોથી તદ્દન વિરુદ્ધ એવી જન્મ પર આધારિત જાતિપ્રથાનું સમર્થન કરતો બતાવવામાં આવ્યો.

બ્રાહ્મણ ગ્રંથો, મનુ સ્મૃતિ, મહાભારત, રામાયણ અને ભાગવતમાં પણ ઈશ્વરે બ્રાહ્મણને પોતાના મોઢાના માંસમાંથી અને ક્ષત્રિયોને પોતાના હાથના માંસમાંથી ઉત્પન્ન કર્યા જેવી મૂર્ખતાપૂર્ણ વાતોને સ્થાન નથી.

વેદોમાં બ્રાહ્મણોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આજના આધુનિક સમયમાં પણ સમાજમાં વિદ્વાનો સંપૂર્ણ માનવ સમાજ માટે માર્ગદર્શક હોવાથી તેમને ઉચ્ચ સન્માનના અધિકારી માનવામાં આવે છે.

વૈદિક સંસ્કૃતિમાં દરેક વ્યક્તિને જન્મથી શૂદ્ર જ ગણવામાં આવે છે. પછી વ્યક્તિ શિક્ષા ગ્રહણ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય કે પછી વૈશ્ય બને છે. શિક્ષા પૂર્ણ થઇ ગયા પછી વ્યક્તિનો બીજો જન્મ થયો તે મનાય છે. બીજો જન્મ એટલે દ્વિજ. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણ વર્ણ દ્વિજ કહેવાય છે. પણ જે લોકો કોઈ કારણસર શિક્ષાથી વંચિત રહી જઈ શુદ્ર જ રહે છે તે લોકોને સમાજથી અલગ કરવામાં આવતા નથી. આ વર્ગ સમાજનો જ એક ભાગ રહી અન્ય વર્ણો માટે સહયોગાત્મક કાર્યો કરતો રહે છે.

જો બ્રાહ્મણનો પુત્ર વિદ્યા પ્રાપ્તિમાં અસફળ રહે તો તે શૂદ્ર બની જાય છે. આવી જ રીતે, શૂદ્ર કે પછી દસ્યુનો પુત્ર વિદ્યા પ્રાપ્તિ કરી બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની શકે છે. આ વ્યવસ્થા સંપૂર્ણપણે ગુણવત્તા પર આધારિત છે. આજના સમયમાં જેમ શિક્ષા પૂર્ણ કર્યા પછી ડિગ્રી આપવામાં આવે છે, તેમ વૈદિક કાળમાં જનોય આપવામાં આવતી હતી. અને જો કોઈ વ્યક્તિ તેના વર્ણ માટે નિર્ધારિત કરાયેલા કર્મો અને કર્તવ્યનું પાલન કરવામાં નિષ્ફળ નીવડે તો તેની જનોય પાછી પણ લઇ લેવામાં આવતી હતી.

વર્ણ પરિવર્તનના કેટલાંક ઉદાહરણો

વૈદિક ઇતિહાસમાં વર્ણ પરિવર્તનના અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમ કે:

એતરેય ઋષિ દાસ અથવા અપરાધીનો પુત્ર હતો. પણ જ્ઞાન પ્રાપ્તિ પચે તે એક ઉચાટ કોટિનો બ્રાહ્મણ બન્યા અને ઐતરેય બ્રાહ્મણ અને ઐતરેય ઉપનિષદની રચના કરી. એવું માનવામાં આવે છે કે ઋગ્વેદને સમજવા માટે એતરેય બ્રાહ્મણનો અધ્યાય જરૂરી છે.

એલૂષ ઋષિ એક દાસી પુત્ર હતો. પોતે જુગારી અને હીન ચરિત્રનો પણ હતો. પણ પછી તેમણે ઋગ્વેદ પર અનુસંધાન કરી ઘણાં આવિષ્કારો કર્યા. માત્ર એટલું જ નહિ, પણ અન્ય ઋષિઓએ તેમને આમંત્રત કરી આચાર્યનું પદ પણ આપ્યું.( ઐતરેય બ્રાહ્મણ ૨.૧૯)

સત્યકામ જાબાલ વૈશ્યાનો પુત્ર હતો પણ વિદ્યા ગ્રહણ કરી બ્રાહ્મણ બન્યો.

પૃષધ રાજા દક્ષનો પુત્ર હતો પણ તે શૂદ્ર બની ગયો હતો. પણ પાછળથી પ્રશ્વાતાપ સ્વરૂપ મોક્ષ મેળવવા માટે તપસ્યા કરી. (વિષ્ણુ પુરાણ ૪.૧.૧૪).

જો ઉત્તર રામાયણની મિથ્યા કથા અનુસાર શૂદ્રોને તપસ્યા કરવાનો અધિકાર ન હતો તો પછી પૃષધ આમ કેમ કરી શક્યાં?

રાજા નેદિષ્ટનો પુત્ર નાભાગ વૈશ્ય થયો. તેના જ કેટલાક પુત્ર ફરીથી ક્ષત્રિય થયા.(વિષ્ણુ પુરાણ ૪.૧.૧૩)

ધૃષ્ટ નાભાગનો(વૈશ્ય) પુત્ર હતો, પણ તે બ્રાહ્મણ થયો અને તેનો પુત્ર ક્ષત્રિય બન્યો. (વિષ્ણુ પુરાણ ૪.૨.૨.)

આગળ એના વંશમાં ફરીથી કેટલાક બ્રાહ્મણ પણ થયા. (વિષ્ણુ પુરાણ ૯.૨.૨૩)

ભાગવત અનુસાર અગ્નિવેશ્ય રાજપુત્રમાંથી બ્રાહ્મણ થયો.

વિષ્ણુ પુરાણ અને ભાગવત અનુસાર રથોતર ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યો.

હારિત ક્ષત્રિય પુત્રમાંથી બ્રાહ્મણ થયો.(વિષ્ણુ પુરાણ ૪.૩.૫)

ક્ષત્રિયકુળમાં જન્મેલ શૌનક બ્રાહ્મણ બન્યો.(વિષ્ણુ પુરાણ ૪.૮.૧) વાયુ, વિષ્ણુ અને હરિવંશ પુરાણ કહે છે કે શૌનક ઋષિનો પુત્ર કર્મ ભેદથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણનો થયો.

આજ પ્રમાણે ગૃસ્ત્મદ, વીતહવ્ય અને વૃત્સમતિના ઉદાહરણો છે.

માતંગ એક ચાંડાલપુત્રમાંથી બ્રાહ્મણ બન્યો.

ઋષિ પુલત્સ્યનો પૌત્ર રાવણ તેના કર્મોથી રાક્ષસ બન્યો.

રાજ રઘુનો પુત્ર પ્રવૃદ્ધ રાક્ષસ બન્યો.

ત્રિશંકુ રાજા હોવા છતાં તેના કર્મોથી ચાંડાલ બન્યો.

વિશ્વામિત્રના પુત્રોએ શૂદ્ર વર્ણનો સ્વીકાર્યો. વિશ્વામિત્ર પોતે એક ક્ષત્રિય હતા પણ પછી તે બ્રાહ્મણ બન્યા.

વિદુર એક દાસીપુત્ર હતા. પણ પછી તેઓ બ્રાહ્મણ બન્યા અને પછી તેમણે હસ્તિનાપુર સામ્રાજ્યનું મંત્રી પદ સુશોભિત કર્યું.

વેદમાં “શૂદ્ર” શબ્દ લગભગ ૨૦ વાર આવ્યો છે. પણ ક્યાંય “શૂદ્ર” શબ્દનો અપમાનજનક અર્થમાં પ્રયોગ થયો નથી. વેદોમાં કોઈપણ સ્થાને શુદ્રનું જન્મથી જ અછુત હોવાનો, તેમના માટે વેદ અધ્યયન અને યજ્ઞ કરવા પર પ્રતિબંધ હોવાનો, કે પછી તેમને અન્ય વર્ણ કરતા નીચલી કક્ષાના ગણવાનો વગેરેનો ઉલ્લેખ નથી.

વેદોએ સખત પરિશ્રમ કરનારને શૂદ્ર કહ્યો છે.(“તપસે શૂદ્રમ” – યજુર્વેદ ૩૦.૫) આથી જ પુરુષ સૂક્ત શુદ્રને સંપૂર્ણ માનવ સમાજનો આધાર સ્તંભ કહ્યો છે.

વેદ અનુસાર ચાર વર્ણો એટલે ચાર પ્રકારના કર્મોની પસંદગી. આથી વેદ અનુસાર વિભિન્ન પરિસ્થિતિઓ અને સંજોગોમાં એક જ વ્યક્તિ ચારેય વર્ણોના ગુણોને પ્રદર્શિત કરે છે. આમ દરેક વ્યક્તિ ચારેય વર્ણોથી વત્તા-ઓછા પ્રમાણમાં યુક્ત હોય છે. પણ સરળતા ખારત વ્યક્તિના મુખ્ય કામ કે વ્યવસાયને જ તેનો સાચો વર્ણ ગણવામાં આવ્યો છે.

આમ દરેક વ્યક્તિએ ચારેય વર્ણોના ગુણોને ધારણા કરવા માટે પોતાનો પુરતો પ્રયત્ન કરવો જોઈએ. આ જ પુરુષ સૂક્તનો મૂળ સાર છે.

વશિષ્ઠ, વિશ્વામિત્ર, અંગિરા, ગૌતમ, વામદેવ અને કણ્વ જેવા ઋષિઓ ચારેય વર્ણોના ગુણોને પ્રદર્શિત કરતા હતા. આ બધા ઋષિઓને વેદ મંત્રોના અર્થનો પ્રકાશ થયો, તેમણે દસ્યુઓનો સંહાર કર્યો, શારીરિક શ્રમ પણ કર્યો અને સમાજ કલ્યાણ માટે સંપત્તિ અને અર્થ વ્યવસ્થાના સંચાલક પણ બન્યા.

આજના સમયમાં આપણે પણ આવા જ ઉદાહરણો સ્થાપિત કરવાની જરૂર છે.

સારાંશ

વૈદિક સંસ્કૃતિ માનવ માત્રને એક જ જાતિ માને છે. વેદ શ્રમનો મહિમા ગાય છે અને દરેક વ્યક્તિને પોતાની પસંદ અનુસાર વર્ણ અપનાવવાની સંપૂર્ણ છૂટ અને સમાન તક આપે છે.

વેદમાં કોઈપણ પ્રકારના જન્મ પર આધારિત ભેદભાવ કે પક્ષપાતને સ્થાન નથી.

આપણે બધાં એક જ પરિવારની જેમ એકત્રિત થઈ જન્મ પર આધારિત ભેદભાવ કે પક્ષપાતને મૂળમાંથી ઉખાડી ફેકીએ અને એકબીજાને ભાઈ-બહેનના રૂપમાં સ્વીકાર કરીએ.

આપણે વેદ જાતિ-પ્રથાને સમર્થન કરે છે તેવા નિર્મૂલ દવા કરનારાઓના કાવતરા અને સડયંત્રોને સફળ ન થવા દઈએ અને દસ્યુ/દસ/રાક્ષસ જેવા અપરાધીઓનો નાશ કરીએ.

આપણે બધાં વેદની છત્રછાયામાં આવી, જાતિપ્રથાને નાબુદ કરી, ભારત દેશને ફરીથી વિશ્વગુરુ બનાવીએ.

***