હું માંસાહારી કેમ નથી Ronak Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું માંસાહારી કેમ નથી

હું માંસાહારી કેમ નથી?

આ લેખ માંસાહારી અને ખાસ કરીને ગૌમાંસ ખાનારા કે તેની હિમાયત કરનારોને વળતો જવાબ આપતી એક માત્ર પુસ્તક - Hindu’s Fight for Mother Cow – નાં એક પ્રકરણનો ગુજરાતીમાં અનુવાદ છે.

http://agniveer.com/books/a-hindus-fight-for-mother-cow/

Contact: books@agniveer.com

અત્યંત પ્રદુષિત ઉદ્યોગ:

કરણ કે માંસ ઉત્પાદનનો ઉદ્યોગ વિશ્વનો સૌથી પ્રદુષિત ઉદ્યોગ છે. આજે પર્યાવરણની જે દુર્દશા છે તે માટે ઘણે મોટે અંશે માનવનિર્મિત માંસ ઉત્પાદનના (બિનજરૂરી) ઉદ્યોગને જવાબદાર ગણી શકાય. (સંયુક્ત રાષ્ટ્ર સંઘ માંસ ઉત્પાદનના ઉદ્યોગને ભૂમિના પ્રદુષણ, પાણીની અછત, તથા જૈવ વિવિધતા અને આબોહવામાં હાનીકારક પરિવર્તન લાવવા માટે દોષી માને છે.

ગરીબી અને ભૂખમરાનું કારણ:

કરણ કે માંસાભક્ષણ કરોડો લોકોના ભૂખમરા અને ગરીબી માટે જવાબદાર છે. જેમ મને ભૂખ્યાં અને પર્યાપ્ત પોષણ વિહીન રહેવાથી દુઃખ અને પીડા થાય છે તેમ આ પૃથ્વી પરના બીજા મારા કરોડો ભાઈ બહેનોને ભૂખ્યાં અને પોષણવિહીન રહેવાથી અસહ્ય પીડા થતી હશે. આથી તેમની ભૂખ સંતોષવા માટે મારે જો મારવાનું થાય તો હું વિના સંકોચે મોતનો સ્વીકાર કરું.

પણ જો લોકો માંસાહારનો ત્યાગ કરી પૂર્ણરીતે શાકાહારી બની જાય તો, તેઓ બીજા ૧૦ માણસોને કોઈપણ પ્રકારની વધારાની ઉર્જા ખર્ચ કર્યા વગર ભોજન ઉપલબ્ધ કરાવી શકે. આ વાત ઉર્જા-પીરામીડના આધારે સાબિત કરી શકાય. ઉર્જા-પીરામીડ કહે છે કે માંસ માટે તૈયાર કરવામાં આવતા પ્રાણીઓ માટે ૧૦ એકમ જેટલી વનસ્પતિ ખર્ચાય ત્યારે ૧ એકમ જેટલું માંસ તૈયાર થાય છે. આ વિષય પર વધુ જાણકારી મેળવવા માટે તમે આહાર-શૃંખલા કે પછી ઉર્જા-પીરામીડ પરની કોઈપણ પુસ્તક વાંચી શકો છો. હકીકત એ છે કે વ્યવસાયિક ધોરણે જે પદ્ધતિથી પ્રાણીઓનું માંસ તૈયાર કરવામાં આવે છે તેમાં ઉર્જાનો વ્યય ઘણો વધારે છે.

આમ જો કોઈ વ્યક્તિ માંસ ખાવાનું છોડી દે તો તે પોતાના સિવાય બીજા ૯ માણસો માટે આહાર ઉપલબ્ધ કરાવી શકે. આથી માંસનો ત્યાગ કરી શાકાહારી બનવા જેવું પરોપકારી કામ બીજું શું હોય શકે! અને માત્ર એટલા માટે જ કે મને મટનનો સ્વાદ ગમે છે આથી બીજા ૯ માણસોને ભૂખથી મારી નાખું, આનાથી મોટું પાપ બીજું શું હોય શકે! વધારામાં, માંસ ઉત્પાદનનો ઉદ્યોગ ઘણાં મોટા પ્રમાણમાં પાણીની અછત પણ સર્જે છે.

હવે જ્યારે હું સમગ્ર માનવમાત્રને એક જ વિશ્વરૂપી કુટુંબના સભ્યો ગણું છું, ત્યારે હું મારા પોતાના જ ભાઈ બહેનો અને નિર્દોષ બાળકોની ભૂખ અને તરસ માટે જવાબદાર છું તેવી અપરાધની ભાવના સાથે શાંતિથી કેવી રીતે સુઈ શકું?

માંસાહારનો વિકલ્પ ઉપલબ્ધ:

કરણ કે આજના સમયમાં હું કોઈપણ માણસને વાઘ અને સિંહની જેમ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શિકાર કરતો જોતો નથી. માંસાહાર એ બિનજરૂરી વ્યસન છે. આ ઉપરાંત એકપણ માંસાહારી ખોરાક એવો નથી કે જેની સામે બીજો સ્વાસ્થ્યવર્ધક શાકાહારી ખોરાકનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય!

માંસનું નવીનીકરણ અશક્ય:

કરણ કે માંસનું નવીનીકરણ શક્ય નથી. એકવાર પ્રાણીઓની હત્યા કર્યા પછી આપણે તે પ્રાણીઓને ફરીથી જીવતા કરી શકતા નથી. આનાથી ઉલટું, વનસ્પતિને તેના મૂળમાંથી ઉખેડી નાખવામાં આવે તો પણ તે વનસ્પતિને તેના મૂળ અને બીજમાંથી ફરીથી ઉગાડી શકાય છે. વધુમાં, માંસ ખાવાથી સર્જાતી ભૂખમરા અને પાણીની અછતની સમસ્યા ઘણી ગંભીર અને દીર્ધકાલીક છે.

સુંદર અને અમુલ્ય જીવન:

કરણ કે હું માનું છું કે જીવન અમુલ્ય અને સુંદર છે. મને મારા સ્વજનોનું જીવન પણ બહુ વહાલું છે. હું સંસારના દરેક મનુષ્યનું જીવન પણ એટલું જ અમૂલ્ય ગણું છું. સંસારના દરેક મનુષ્યોને તેમના સ્વજનોનું જીવન પણ એટલું જ વહાલું હશે. આથી જો હું આમાંથી એકપણ વ્યક્તિને પરોક્ષ રીતે મારું તો હું હત્યારો ગણવું. કરણ કે મેં તેમની પાસેથી જીવનરૂપી અમુલ્ય ભેટ છીનવી લીધી હોય.

આથી મનુષ્યોની જેમ જે પ્રાણીઓને મોઢું અને મગજ છે, જે પ્રાણીઓને મનુષ્યોની જેમ પોતાનો જીવ વહાલો છે, જેઓને મૃત્યુથી ડર લાગે છે, અને જેઓ આપણી જેમ સુખ અને પીડાની અનુભૂતિ કરે છે, એવા પ્રાણીઓને મારીને હું અપરાધી કેમ બનું? શું ખાલી એટલા માટે જ કે હું તેમની ભાષા સમજી શકતો નથી? કે પછી તેઓ મનુષ્યો કરતાં ઓછા બુદ્ધિમાન છે એટલા માટે? જો આવું જ તર્ક હોય તો પછી મંદ બુદ્ધિના દર્દીઓને કાયદેસર રીતે ખાઈ જવામાં કઈ વાંધો ન હોવો જોઈએ! કોમામાં પડેલા દર્દીઓને પણ ખાઈ જવામાં વાંધો ન હોવો જોઈએ! નવા જન્મેલા મનુષ્યોના બાળકોને ખાવામાં પણ કઈ વાંધો ન હોવો જોઈએ. પણ આમ કરવું ગુનો છે. આથી મારા મતે માંસ માટે નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવી એ પણ ગુનો છે.

પ્રશ્ન: આ દ્રષ્ટીએ તો શાક, ફળ વગેરે પણ ન ખાવા જોઈએ. કરણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ તેમાં પણ જીવ છે. તેને પણ પીડા થાય છે. વનસ્પતિમાં જીવ છે તો દુ:ખ કે પીડા તો થશે જ.

આમ માનવું યોગ્ય નથી. કારણ કે વિજ્ઞાન માત્ર એટલું જ પુરવાર કરી શક્યું છે કે વનસ્પતિ પણ પ્રાણીઓ જેવું કોષકીય બંધારણ અને પ્રક્રિયાઓ યુક્ત છે. પણ વિજ્ઞાન એવું કહેતું નથી કે વનસ્પતિઓ પણ પ્રાણીઓની જેમ એક આગવું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે છે. વનસ્પતિઓ પણ પ્રાણીઓની જેમ દુ:ખ, આનંદ કે પીડાની અનુભૂતિ કરે છે અને તેમાં ઈચ્છાશક્તિ હોય છે તેમ સાબિત થઇ શક્યું નથી.

વનસ્પતિ પ્રાણીઓની જેમ પ્રજનન દ્વારા બીજી વનસ્પતિઓને ઉત્પન્ન કરી શકતી નથી. આથી ઉલટું, વનસ્પતિ, ઝાડ કે છોડને કાપી નાખ્યાં બાદ તે ફરીથી ઉગી નીકળે છે. જ્યારે પ્રાણીઓની હત્યા કરવાથી કે તેના કોઈ અંગ કાપી નાખવાથી તે અંગ ફરીથી ઉગી શકતા નથી.

આમ પ્રાણી અને વનસ્પતિ એક બીજાથી તદ્દન ભિન્ન છે. આ જ કારણે વનસ્પતિ અને પ્રાણીઓના અભ્યાસ કરવા માટે જીવવિજ્ઞાનની પણ અનુક્રમે વનસ્પતિશાસ્ત્ર (botany) અને પ્રાણીશાસ્ત્ર(zoology) એમ બે તદ્દન ભિન્ન શાખાઓ છે.

દરેક પ્રાણીમાં ‘આત્મા’ હોય છે અને આથી જ પ્રાણીને પોતાના અસ્તિત્વની અનુભૂતિ થતી હોય છે. જ્યારે વનસ્પતિમાં આમ નથી. કેરીના ઝાડને એવી અનુભૂતિ થતી નથી કે ‘હું આ કેરીનું ઝાડ છું!’ ઉપર જણાવેલા કારણોની સાથે સાથે આ કારણને લીઘે પણ પ્રાણીઓની જગ્યાએ ફળ અને અન્ન ખાવું જ યોગ્ય છે.

હવે જો થોડા સમય માટે આપણે એમ માની પણ લઈએ કે વનસ્પતિઓ પણ પ્રાણીઓની જેમ દુ:ખ અને પીડા અનુભવી શકે છે, તો પણ પ્રાણીઓની હત્યા કર્યા વગર આપણે જીવન જીવી જ શકીએ. પણ વનસ્પતિ અને અન્ન ખાધા વગર જીવવું સંભવ નથી. અહીં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. શાકાહારી બની જવાથી આપણાં જ વિશ્વરૂપી કુટુંબના બીજા ૧૦ સભ્યોને પુરતું અન્ન અને જળ પૂરું પાડી શકાશે. આમ આપણી ‘માનવતા’ અને ‘સામાન્ય બુદ્ધિ’ બંને આપણને કહે છે કે જેને માર્યા વગર આપણો જીવન નિર્વાહ ચાલી જતો હોય તેને ન મારો અને વિશ્વરૂપી કુટુંબના બીજા ૧૦ સભ્યોને ભૂખમરાથી પીડિત થતા બચાવો. નહીં તો કાલે આ જ કારણો સામે ધરીને કદાચ માણસોને ખાવાનું પણ યોગ્ય ગણવામાં આવશે!

પ્રશ્ન: વાઘ અને સિંહ જેવા પ્રાણીઓ પણ માંસ ખાય છે. તો મનુષ્યો પણ માંસ ખાય તેમાં વાંધો શું છે?

વાધ અને સિંહ જેવા પ્રાણીઓ માંસ ખાય છે કરણ કે આ પ્રાણીઓની પ્રકૃતિ જ માંસ ખાવાની છે. માંસ જ તેમનો મુખ્ય આહાર છે. માંસ ખાધા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી. આથી જ તેઓને ‘માંસાહારી’ પ્રાણીઓ કહેવામાં આવે છે. જો તેઓ માંસ ન ખાય તો મૃત્યુ પામે. તેઓમાં મનુષ્યોની જેમ શું ખાવું કે શું ન ખાવું તેનો વિકલ્પ અને સમજણ હોતી નથી. તેઓમાં વિચાર કરીને નિર્ણય લેવાની ક્ષમતા હોતી નથી. તેઓમાં એ સમજણ હોતી નથી કે થાળીમાં ખાવું કે વાડકામાં?, પકવીને ખાવું કે પકવ્યા વગર?, અલગ અલગ પ્રકારના પ્રાણીઓના માંસને ભેગા કરીને ખાવું કે અલગ અલગ કરીને ખાવા?, માંસમાં મસાલા વગેરે ઉમેરી વધુ સ્વાદિષ્ટ બનાવીને ખાવું કે પછી ફિક્કું જ ખાવું?, તંદુરમાં પકાવવું કે પછી રોસ્ટ?

આમ માત્ર મનુષ્યોમાં જ વિચાર અને વિશ્લેષણ કરી સાચા ખોટાનો નિર્ણય લેવાની ક્ષમતા હોવાથી, શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન પણ માત્ર મનુષ્યોને જ લાગુ પડે છે!

મનુષ્યો પાસે શાકાહારી કે માંસાહારી બનાવાનો વિકલ્પ છે. માંસાહારથી પ્રકૃતિ પ્રદુષિત થાય છે અને ભૂખમરો વધે છે તેના પુરતા પ્રમાણો છે. આ ઉપરાંત માંસાહાર વૈકલ્પિક છે. એટલે કે તેના વગર ચાલી શકે તેમ છે. આથી કોઈપણ બુદ્ધિ સંપન્ન અને વિવેકી મનુષ્ય માંસાહારનો વિકલ્પ પસંદ નહીં કરે.

પ્રાણીઓની હત્યા કરતી વખતે તેમને પીડા થાય છે તે એક નિર્વિવાદ સત્ય છે. પણ વનસ્પતિઓને લઈને આ વાત વિવાદાસ્પદ છે. મારા જેવા માણસો એમ કહશે કે વનસ્પતિઓમાં આત્મા હોતી નથી. તે માત્ર એક રસાયણિક પ્રક્રિયા જ છે. આથી વનસ્પતિનું આત્માધારી શરીરની જેમ આગવું વ્યક્તિત્વ હોતું નથી. હવે કેટલાંક લોકો આ વાત સાથે સહમત ન પણ હોય. પણ આવાં લોકો પાસે તેમની આવી માન્યતા માટેનું કોઈ નિર્ણાયક પ્રમાણ ન હોવાથી માંસાહારીને બદલે શાકાહારી બની રહેવું વધારે યોગ્ય ગણાય. આમ કરીને આપણે હાથે કરીને પાપમાં ભાગીદાર થતા બચી જઈએ. આ ઉપરાંત ભલે ને તમે માંસાહારી હોય, પણ વનસ્પતિઓ વગર તો ચાલી ન જ શકે. આમ અહીં આપણી પાસે વનસ્પતિ ખાધા સિવાય કોઈ વિકલ્પ નથી.

માની લો કે તમને ઝહેરની બે બોટલોમાંથી એક બોટલ પીવા માટે દબાણ કરવામાં આવે છે. તમને ખબર છે કે એક બોટલમાં પ્રાણઘાતક ઝહેર છે અને તે બોટલને ખોલતા જ બીજા ૧૦ લોકો મૃત્યુ પામશે. પણ બીજી બોટલમાં ઝહેર છે કે નહીં તે વિષે શંકા છે. તો તમે કઈ બોટલ પીવાનું પસંદ કરશો? હું તો સહેજ પણ વિચાર કર્યા સિવાય બીજી બોટલ પીવાનું પસંદ કરું. શાકાહારી બનવાની બાબતમાં પણ આમ જ છે. શાકાહાર – પ્રાકૃતિક અને માનવતાપૂર્ણ આહાર છે!

પ્રશ્ન: પણ હું તો નાસ્તિક છું. આત્મા કે પરમાત્મામાં માનતો નથી. મારા માટે તો પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને એક જીવ રસાયણિક પ્રક્રિયા જ છે. આથી મારે પ્રાણી અને વનસ્પતિમાં ભેદભાવ ન રાખી બંને ખાવા જોઈએ.

તમે ભલે ને નાસ્તિક હોય કે પછી અજ્ઞેયવાદી, પણ તમારે શાકાહારી જ કેમ બન્યા રહેવું જોઈએ તેના ઘણાં કારણો છે. તમે મનુષ્ય છો તે વાત તો તમે સ્વીકારો છો એમ હું માની લઉં છું. આથી હું માની લઉં છું કે તમે માનવતાપૂર્ણ વ્યવહાર કરવામાં પણ માનો છો. આથી તમે એ વાત સાથે પણ સહમત હશો કે એક મનુષ્ય થઈને બીજા મનુષ્યને પીડા આપવી એ સભ્ય માનવસમાજનો ભાગ ન હોય શકે. હું એમ પણ માની લઉં છું કે તમે સમગ્ર માનવમાત્રને તમારો પરિવાર સમજતા હશો. હું માની લઉં છું કે તમે અન્ય મનુષ્યો પ્રત્યે પ્રેમભાવ રાખતા હશો અને તેમના સુખ અને શાંતિની કામના પણ કરતાં હશો.

આથી માનવતાને કેન્દ્રમાં રાખી ચીકન-ટીક્કાનો સ્વાદ માણવા માટે તમે તમારા જ કુટુંબના બીજા નવ મનુષ્યોને ભૂખ્યાં અને તરસ્યા રાખવા ઈચ્છતા નહીં હોય. તમે માંસાહારી બની, પર્યાવરણને પ્રદુષિત કરી, આપણી જ આવનારી પેઢીને કાયમ માટે રોગયુક્ત કરવા અને ગરીબાઈમાં ધકેલવા ઈચ્છતા નહીં હોય. હું માની લઉં છું કે તમે તમારા સંતાનોને પ્રેમ કરો છો અને આથી તમે તમારા સંતાનોને શ્રાપ નહીં પણ આશીર્વાદ જ આપવા માંગો છો.

જો મારી આ ધારણાઓ સાચી હોય તો ‘માંસાહાર ત્યાગ’ અભિયાનમાં નાસ્તિકોએ આગેવાની સંભાળવી જોઈએ. અને જો મારી ધારણાઓ ખોટી હોય તો પછી નાક્તિકોને ખાઈ જવામાં પણ કોઈ વાંધો ન હોવો જોઈએ!

પ્રશ્ન: શું પ્રાણીઓનું ગૃહીકરણ અને દૂધ પીવું પણ ગુનો ન ગણવો જોઈએ?

હા આ એક ચર્ચાનો વિષય છે. વ્યક્તિ આ વિષય પર ચર્ચા વિચારણા અને તર્ક-વિતર્ક કરી શકે છે. પણ આમ છતાં, એ વાત તો ચોક્કસ છે કે જો પ્રાણીઓનું ગૃહીકરણ અને દૂધ પીવાને ગુનો માની લેવામાં આવે તો, પ્રાણીઓની હત્યા એ સૌથી મોટો ગુનો અને અક્ષમ્ય અપરાધ ગણાવો જોઈએ. ભલે ને પછી આ વિષયો પર આપણાં થોડા મત-ભેદ હોય, પણ આમ કરીને આપણે પર્યાવરણ, માનવતા અને પ્રાણીઓ સામે મોટું પાપ કરતાં તો અટકી જ શકીએ.

જે વ્યક્તિ પ્રાણીઓનું ગૃહીકરણ અને દૂધ પીવા સામે પ્રશ્ન કરતો હોય અને તેને ગુનો ગણતો હોય તો તેણે પ્રાણીઓની હત્યાને સૌથી મોટો ગુનો અને અક્ષમ્ય અપરાધ ગણવો જોઈએ. આ કારણોને આધારે તેણે પ્રાણીઓની હત્યા થતી રોકવા અને શાકાહારનો પ્રચાર કરવાના શુદ્ધિ આંદોલનનું નેતૃત્વ સંભાળવું જોઈએ!

પ્રશ્ન: જ્યાં અનાજ પેદા જ થતું ન હોય અને માત્ર માંસ જ મળતું હોય તેવા પ્રદેશોમાં વસતા લોકોનું શું? ઉદાહરણ તરીકે ટાપુ અથવા એનટાર્કટિકા ખંડ.

આ બહુ રસપ્રદ પ્રશ્ન છે! સારું, મને એમ કહો કે તમારા જીવનકાળ દરમિયાન તમે કેટલા સમય માટે એનટાર્કટિકા ખંડમાં રહેવા ગયા કે પછી કોઈ ટાપુ પર ફસાયા? તમારો આ પ્રશ્ન એ જ સૂચવે છે તમે એ વાત સ્વીકારો છો કે, “કોઈ ટાપુ પર ફસાયા હો અથવા તો કોઈ એવી જગ્યાએ કે જ્યાં વનસ્પતિ કે અન્ન પેદા જ થતું ન હોય અને માંસાહાર સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય, તો જ આપણે માંસ ખાવું જોઈએ, અન્ય કોઈપણ પરિસ્થિતિઓમાં નહીં!”

સારું તો અહિયાં તમને થોડી છૂટ આપવામાં આવે છે. જ્યારે તમે કોઈ ટાપુ પણ ફસાઈ જાવ ત્યારે માંસ ખાજો. પણ ૯૯.૯૯૯% આવી પરિસ્થિતિ ઉભી થતી નથી. આ પૃથ્વી પર જ્યાં માણસ સમાજ બનાવીને રહેતો હોય છે ત્યાં ભરપુર માત્રામાં માંસ રહિત ખોરાક ઉપલબ્ધ છે. સમજવા જેવી વાત એ છે કે મનુષ્ય જે પ્રાણીઓને મારીને ખાતો હોય છે તે પ્રાણીઓ પોતે જ વનસ્પતિ પર નિર્ભર હોય છે. (આખી આહાર શૃંખલાની શરૂઆત જ વનસ્પતિઓથી થાય છે. કોઈ પ્રાણી સૂર્ય-ઉર્જાને જૈવ-ઉર્જમાં પરિવર્તિત કરતું નથી. આ ક્ષમતા માત્ર વનસ્પતિઓમાં જ છે.)

પ્રશ્ન: ઈંડા વિષે શું? ઈંડા ખાવા જોઈએ કે નહીં. ઈંડા સ્વાસ્થ્ય માટે ઘણાં લાભકારી છે. સરકાર પણ ઈંડા ખાવા માટે પ્રોત્સાહન આપે છે.

દેશની સરકારો પર ઘણાં ગોટાળા કર્યા હોવાના આરોપ હોય છે. સરકાર જે વસ્તુને પ્રાત્સાહન આપે તે વસ્તુ હંમેશા તર્કસંગત અને બુદ્ધિ સંપન્ન જ હોય તેવું જરૂરી નથી. જો આમ જ હોય તો પછી સરકારના કાયદા, નિર્ણયો તથા ગોટાળા વિરુદ્ધ ન તો કદી કોઈ પ્રદર્શન કે આદોલન થયું હોત કે ન તો સરકાર બદલવાની માંગ થઇ હોત!

હવે ઈંડા વિષે વાત કરીએ. શું તમે મરઘા ઉછેર ઘરમાં કદી ગયા છો? ઈંડા માટે મરઘીઓને જે રીતે નિર્દય બની યાતનાઓ આપવામાં આવે છે તે દ્રશ્ય તમારા રુંવાટા ઉભા કરી દે તેવું હોય છે. (અહીં હું માની લવું છું કે તમારામાં દયા અને કરુણા જેવા ભાવ છે.) વધુમાં આરોગ્યસંરક્ષણાત્મક દ્રષ્ટીએ પણ મરઘા ઉછેર કેન્દ્ર અત્યંત નિમ્ન કક્ષામાં આવે છે. જો તમને એક સુંદર રીતે સજાવેલી થાળીમાં પીરસવામાં આવેલ ‘મળ-મુત્ર’ ખાવામાં વાંધો ન હોય તો પછી હા, તમારી પાસે ઈંડા ખાવા માટેનું એક તો યોગ્ય કરણ છે! કરણ કે અત્યંત આધુનિક અને મોંઘુ મરઘા ઉછેર ઘર પણ ગંદા શૌચાલય કરતાં વધુ ચોખ્ખા હોતા નથી.

ઉપરાંત ઈંડામાં એવું એકપણ વધારાનું પોષકતત્વ નથી કે જે વનસ્પતિઓમાંથી મળતું ન હોય. વાસ્તવમાં સર્વ સામાન્ય ખાવા યોગ્ય વનસ્પતિઓની સરખામણીમાં ઈંડાને પોષકતત્વ યુક્ત આહાર ગણી ન શકાય. પક્ષીઓના ગર્ભ માટે રોગને આમંત્રણ આપી અને પર્યાવરણને નષ્ટ કર્યા કરતાં પર્યાવરણના જતન માટે કઠોળ અને બીજા દ્વિદલ અનાજ ખાવાનો વિકલ્પ વધુ બુદ્ધિમત્તા ભર્યો છે.

ઈંડું રજ-વીર્યના સંયોગનું પિંડ છે. તે પિંડથી તે જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, જે લોહી અને માંસવાળા છે. કોઇપણ લોહી અને માંસવાળા પ્રાણીઓના પાયાને આપણાં સ્વાર્થની પુરતી માટે નષ્ટ કરવો કેટલી હદે મનુષ્યધર્મ કે માનવતા ગણાય?

પ્રશ્ન: જો આપણે પ્રાણીઓને મારીએ નહીં તો શું તેમની સંખ્યા ઘણી વધી ન જાય? તેઓ આ પૃથ્વી પર બધે ફેલાઈ ન જાય? પ્રાકૃતિક સંતુલન જાળવી રાખવા માટે તો પ્રાણીઓને મારી જ નાખવા જોઈએ.

કદાચ મેં મારા જીવનમાં સાંભળેલો આ એક સૌથી નિર્દોષ પણ નિર્દય પ્રશ્ન છે. નિર્દોષ એટલા માટે કે જાણે એક બાળક પહેલી વાર પ્રકૃતિ અને પર્યાવરણના સંતુલન વિષે ભણતો હોય અને આ પ્રશ્ન તેના મનમાં ઉદભવ્યો હોય! નિર્દય એટલા માટે કે જાણે કોઈ રોબીનહૂડના મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો હોય કે જે આ પૃથ્વીને બચાવવા માટે પ્રાણીઓને મારવાનું બીડું ઉઠાવ્યું હોય!

પણ ચાલો હવે વાસ્તવિકતાનો સામનો કરીએ. આપણાં માંથી કેટલા લોકોને પ્રમાણિકપણે પર્યાવરણના પ્રાકૃતિક સંતુલનની ચિંતા છે અને માત્ર એટલા માટે જ તેઓ પ્રાણીઓને મારે છે? આપણાંમાંથી કેટલા લોકો સાચા અર્થમાં પર્યાવરણનું રક્ષણ કરનાર છે? કે પછી આપણી જીભ આપણાં કાબુમાં નથી અને ગમે તે રીતે સ્વાદ માટેની જીભની ભૂખ સંતોષવા માટે આપણે પ્રાણીઓને મારી ખાવાના નવીન બહાનાઓ શોધતા ફરીએ છીએ!

આ દલીલને ત્યારે જ તર્કસંગત ગણાવી શકાય કે જયારે આખી માનવજાતિ વાધ અને સિંહની જેમ માત્ર શિકાર કરીને માંસ ખાતી હોય. વાધ અને સિંહ જેવાં માંસાહારી પ્રાણીઓએ માત્ર શિકાર કરીને જરૂર પુરતું જ માંસ મેળવે છે. તેઓ આપણી જેમ માંસનો પુરવઠો સતત પૂરો પડતો રહે તે માટે પ્રાણી ઉછેર કેન્દ્રો કે કતલખાના બનાવતા નથી!

ઉલટાનું, માણસોએ પોતાનો સ્વાદ સંતોષવા માટે માંસ આપનાર પ્રાણીઓને પલાવવાનો અને સમય આવે તેમની હત્યા કરવાનો ધંધો ઘણાં મોટા પાયા પર વિકસાવી દીધો છે. ૯૯% લોકો પ્રાણીઓની હત્યા કરતાં પહેલાં તેમને પાળતા હોય છે. અને પ્રાણી ઉછેરની આ આખી પ્રક્રિયામાં તેઓ પર્યાવરણને અત્યંત નુકસાન પહોચાડતા જાય છે.

આતો એવી વાત છે કે જેમ ઓસામા બિન લાદન માનવતાના નામ પર આતંકવાદને સમર્થન આપતો હતો, તેમ આપણે પણ પર્યાવરણના પ્રાકૃતિક સંતુલનના નામ પર પ્રાણીઓની હત્યા કરીએ છીએ. (પણ કાળું સત્ય એ છે કે આતંવાદીઓ ખરેખર એવું માનતા હોય છે કે નિર્દોષ લોકોની હત્યા કરવાથી તેઓ માનવતાનું ભલું અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી રહ્યાં છે!)

આ ઉપરાંત માણસો બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓને ખાતા હોય એવું પણ નથી. જેમ કે મોટા ભાગના લોકો માંસાહારી પ્રાણીઓ ખાતા નથી. ઉદાહરણ તરીકે માણસો કાગડા, શિયાળ, વાઘ, સિંહ, ગીધ અથવા તો વીંછી ખાતા નથી. તો પછી આ બધાં પ્રાણીઓથી આ પૃથ્વી ભરાઈ કેમ ન ગઈ?

આવાં જ તર્ક ઉપર જો આપણે આગળ વધવાનું વિચારતા હોઈએ તો પછી અતિ વૃદ્ધ અને મોતની પથારીએ પડેલા લોકોને ખાવાની છુટ હોવી જોઈએ. કરણ કે આપણને નાનપણથી જ એવું સીખવવામાં આવી રહ્યું છે કે વસ્તીવધારા જેવી ગંભીર સમસ્યાઓનો આપણે સૌ સામનો કરી રહ્યાં છીએ.

જેણે પર્યાવરણ-વિજ્ઞાનનો થોડો પણ અભ્યાસ કર્યો હશે તે આવી અવૈજ્ઞાનિક દલીલ કરાવનું છોડી હાસ્યનું પાત્ર બનવાનું ટાળશે.

ઉલટાનું, માંસ ઉત્પાદન ઉદ્યોગોએ કેટલાય પ્રાણીઓને વિલુપ્તીની રેખા પર લાવીને મૂકી દીધા છે. આથી જો પર્યાવરણ અને પૃથ્વીના બચાવ માટે બધાં જ પ્રાણીઓનું પ્રાકૃતિક સંતુલન જાળવી રાખવા જેવું માનવતાપૂર્ણ કાર્ય તમને તમારા સ્વાર્થ કરતાં વધુ મહત્વનું લાગતું હોય, તો આ જ ક્ષણે માંસ ખાવાનું છોડી શાકાહારી બનો.

પ્રશ્ન: પ્રાણીઓને મારીને ખાવા એ તો સ્વાભાવિક છે. બધાં જ શક્તિશાળી પ્રાણીઓ અન્ય પ્રાણીઓને મારીને જ ખાય છે. તો માણસો પણ આમ કરે તેમાં વાંધો શો છે?

પહેલી વાત. પ્રાણી અન્ય પ્રાણીઓનો ઉછેર કરતાં નથી. કોઈ પ્રાણી મરઘા ઉછેર કેન્દ્ર બનાવતા નથી. કોઈ પ્રાણી કતલખાના પણ બનાવતા નથી. તેઓ માત્ર જ્યારે ભૂખ લાગે ત્યારે જ અન્ય પ્રાણીનો શિકાર કરે છે.

બીજી વાત. માંસાહારી પ્રાણીઓ કરતાં શાકાહારી પ્રાણીઓ વધુ શક્તિશાળી હોય છે. જેમ કે હાથી, ઘોડો, હિપો, ગેડો, જંગલી ભેસ, ગોરિલા વગેરે.

ત્રીજી વાત. પ્રાણીઓ વસ્ત્રો પહેરતા નથી, સવારે ઉઠ્યા પછી દાંત સાફ કરતાં નથી, મળ-મંત્રનો ત્યાગ કર્યા પછી તે અંગોને સાફ કરતાં નથી. આમ પ્રાણીઓ એવી ઘણી વસ્તુઓ નથી કરતાં જે મનુષ્યો કરતાં હોય છે. પ્રાણીઓ માંસ ખાતા પહેલાં તેને મારી મસાલા નાખી રાંધતા નથી.

જો મનુષ્યો માટે માંસ ખાવું સ્વાભાવિક જ હોય તો પછી આપણામાંના મોટા ભાગના લોકો કાચું માંસ જ ખાતા હોત. પણ આમ જોવામાં આવતું નથી. મનુષ્ય માંસને કાપી ચીરીને મસાલા વગેરે ભેળવીને પોતાના દાંતો અને જીભ માટે યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે.

ઈશ્વરે મનુષ્યોને પ્રાણીઓથી અલગ કરતી એક અતિ મહત્વની વસ્તુ આપી છે. “બુદ્ધિ.” આ બુદ્ધિનો વ્યવહારિક પ્રયોગ મનુષ્યોને પ્રાણીઓથી અલગ પાડે છે. ઈશ્વરે મનુષ્યોને બુદ્ધિ એટલા માટે આપી છે કે તે વિશ્લેષણ અને વિચાર કર્યા પછી જ સાચા ખોટાનો નિર્ણય લઇ શકે અને બુદ્ધિ સંપન્ન તથા દયાળું બને. આ જ મનુષ્યોનો સ્વાભાવિક ગુણ છે. આથી આપણે સાચા અર્થમાં મનુષ્યો ત્યારે કહેવાયીએ કે જ્યારે આપણે પ્રાણીઓને સ્વાર્થ ખાતર પીડા આપવાનું છોડી દઈ તેમનું પાલન-પોષણ અને રક્ષણ કરીએ.

જો આ તર્ક (કુતર્ક)ને સાચું માની ગંભીરતાથી લેવામાં આવે તો શક્તિશાળી મનુષ્યો નિર્બળ મનુષ્યોને મારીને ખાઈ જાય તે પણ યોગ્ય જ ગણાવું જોઈએ. અને પછી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનો કોઈ અર્થ જ ન રહે. કરણ કે શક્તિશાળી લોકો જો નિર્બળ લોકોને નિર્દયતાથી પોતાના પગ નીચે કચડે તો તેમાં કશો વાંધો ન હોવો જોઈએ.

પણ ચાલો આપણે મનુષ્ય બનીએ.

આપણે એ વાતનો સ્વીકાર કરીએ કે માંસ ખાવું એ એક રાક્ષસી માનસિકતા છે, નહીં કે માનવતા. માનવતા એને જ કહેવાય કે જેમાં વિશ્લેષણ, વિચાર, બુદ્ધિનો સદ્દઉપયોગ, પ્રેમ, દયા અને નિર્બળની રક્ષા કરવાની ભાવના હોય. આ જ લક્ષણો મનુષ્યને મનુષ્ય બનાવી પ્રાણીઓથી અલગ પાડે છે.

પ્રશ્ન: શરીર રચનાની દ્રષ્ટીએ મનુષ્ય પણ સ્વાભાવિક રીતે માંસ ખાનાર છે. મનુષ્યના દાંત અને આતારાડાને જુવો. ઘાસ ખાનાર પ્રાણીઓની જેમ સેલ્યુલોઝ પચાવી શકે તેવા અંગો મનુષ્યોમાં હોતા નથી. આથી શું આપણે સ્વાભાવિક રીતે માંસાહારી ન કહેવાયીએ?

જીભની લાલસા સંતોષવા માટે કરવામાં આવતું બીજું એક મુર્ખાતાભર્યું બહાનું! મનુષ્યોની શરીર રચના ન તો ઘાસ ખાનારા પ્રાણીઓ જેવી છે કે ન તો માંસાહારી પ્રાણીઓ જેવી. મનુષ્યો આ બંનેથી અલગ છે. ગાય બકરીની જેમ મનુષ્યો ઘાસ પચાવી શકતા નથી. આથી આપણે ઘાસ ખાનાર નથી. માંસાહારી પ્રાણીઓની જેમ આપણે કાચું માંસ ખાવા માટે પણ બનેલા નથી. આથી વાઘ અને સિંહની જેમ આપણને જંગલી દાંત હોતા નથી. મનુષ્યના દાંતો વધુમાં વધુ શેરડીને છોલી શકે તેટલી ક્ષમતાવાળા હોય છે. માંસાહારી પ્રાણીઓમાં નખ બીજા પ્રાણીઓને ફાડીને ખાવા માટે અનુકુળ હોય છે. મનુષ્યોમાં એવું નથી.

જો માંસ ખાવું આપણાં સ્વભાવમાં જ હોત તો આપણે પણ માંસાહારી પ્રાણીઓની જેમ કાચું માંસ જ ખાતા હોત. આપણે પણ માંસાહારી પ્રાણીઓની જેમ પ્રાણીનો શિકાર કરી, આપણાં દાંતો અને નખ વડે તેમને ચીરી-ફાડીને ખાતા હોત. પણ આપણે આમ કરતાં નથી. માંસાહારી પ્રાણીઓ તો પ્રાકૃતિક રીતે અન્ય પ્રાણીઓનો શિકાર કરી તેમની ભૂખ સંતોષે છે, જ્યારે આપણે પ્રાણીઓને પકડી, કતલખાનામાં પૂરી, ખાસ પ્રકારના હથીયારો વડે તેમને ચીરી-ફાડીને, તેમાં મસાલા વગેરે ઉમેરી આપણી જીભને અનુકુળ બનાવીને ખાઈએ છીએ.

આનાથી ઉલટું, ફળ-ફળાદી કાચા ખાઈ શકાય છે. વધુમાં કાચા ફળ-ફળાદી વધુ આરોગ્યવર્ધક પુરવાર થયા છે. પણ માંસ ખાચું ખાઈ શકાતું નથી. તેને પકવવાની જરૂર રહે છે. આગમાં પકવીને માંસને ખાવા યોગ્ય બનાવાય છે. વર્તમાન સમયમાં કેટલીક જગ્યાએ મુર્ખ લોકો કાચું માંસ ખાવાનો પ્રચાર કરી રહ્યાં છે. પણ આરોગ્ય વિજ્ઞાન રોગથી બચવા માટે માંસને પકવીને ખાવાનું કહે છે. મોટા ભાગના માંસ ખાનારા લોકો માંસને પકવીને જ ખાય છે અને કાચા માંસથી ધૃણિત થાય છે. કરણ કે આપણી સ્વાભાવિક પ્રકૃતિ જ નિર્દયતા પ્રત્યે ધૃણિત થવાની છે.

આથી જો જીવ-વિજ્ઞાન તમને પ્રેરિત કરતુ હોય તો શાકાહારી બનો! આપણું શરીર, મન, બુદ્ધિ, આપણી ભાવનાઓ આ બધું જ આપણને સંવેદનશીલ અને દયાળુ બનવા માટે જ કહે છે.

પ્રશ્ન: પણ હું એવા કુટુંબ અને પરિવારમાંથી આવું છે કે જ્યાં માંસ પ્રમુખ ભોજન છે. તો પછી હું અચાનક કેવી રીતે માંસ ખાવાનું છોડી દઉં અને મૂર્ખતાનું પાત્ર બનું?

મારા મતે આ એક પ્રમાણિક પ્રશ્ન છે. આ એ બધાં જ પ્રમાણિક લોકોની સમસ્યા છે કે જેઓને દેખા દેખીમાં માંસ ખાવા માટે ફરજ પાડવામાં આવે છે. આમાંથી બહાર આવવાનો માત્ર એક જ રસ્તો છે કે તેઓ આ સમસ્યા પર અલગ દ્રષ્ટિકોણથી ફરીથી વિચાર કરે.

ક્ષણભર માટે વિચાર કરો કે તમે એવા નરભક્ષીની જમાતના છો કે જેઓ તમારા પરિવારના સભ્યોને ખાવા ઈચ્છે છે. તો શું તમે આ નરભક્ષીની જમાતમાં રહીને તમારી પુત્રીના પગ, તમારી માતાની આગળીઓ, કે પછી તમારા જ ભાઈઓના આતરાડાને મસાલા ઉમેરીને પકવીને ખાશો?

એક બુદ્ધિ સંપન્ન મનુષ્ય સર્વ જીવિત પ્રાણીઓને પોતાના જ પરિવારના સભ્યો ગણે છે. આથી જો તમે માંસ ખાતા હોય તો તમે તમારા જ પરિવારના દસ સભ્યોને ભૂખમરા તરફ ધકેલી રહ્યાં છો.

આથી જો આપણે આ પૃથ્વીને આપણી માતા સમજીએ તો આ સમસ્યાનો અંત અહીં જ આવી જાય છે. જો પૃથ્વીને આપણી માતા સમજીએ તો આપણે પૃથ્વીની પણ આપણી માતાની જેમ જ કાળજી લેવા લાગીશું. પછી આ વિશ્વરૂપી કુટુંબના સભ્યોની (આપણાં જ ભાઈ અને બહેલો) ગરીબી અને ભૂખમરાથી આપણે દ્રવિત થઇ ઉઠીશું અને તેનામાં દુઃખને આપણું દુઃખ સમજવા લાગીશું. પછી આપણે એવું કાંઈ જ નહીં કરીએ કે જેથી આપણે નિર્દોષ લોકોના ભૂખમરાનું કારણ બનીએ. આથી માંસ ખાઈ ને તમે જે ભૂલ કરી રહ્યાં છો તેનાથી શરમાતા રહી અપરાધની ભાવના સાથે જીવવાને બદલે, એક સુનિશ્ચિત અને સકારાત્મક બદલાવના પ્રતિનિધિ બનો. શાકાહારી બની મૂર્ખતાનું પાત્ર બનશો તે ડરને છોડી દઈ, તમે તમારા પરિવારના સૌથી વિવેકી અને બુદ્ધિ સંપન્ન વ્યક્તિ પુરવાર થાઓ.

પ્રશ્ન: તો શું એનો અર્થ એ થાય કે બધાં જ માંસ ખાનાર લોકો હત્યારા છે અને તેમના પ્રત્યે ધૃણાપૂર્ણ વર્તન કરવું જોઈએ?

પારિભાષિક રીતે જોઈએ તો, પહેલાં પ્રશ્નનો જવાબ છે હા. જે કોઈપણ વ્યક્તિ પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે નિર્દોષ પ્રાણીઓની હત્યા માટે જવાબદાર છે તે વાસ્તવમાં હત્યારો છે. પણ આપણે આવાં વ્યક્તિઓ પ્રત્યે ધ્રુણાપૂર્ણ વર્તન કરવું જોઈએ તે વાત સાથે અમે સહમત નથી. માંસ ભક્ષણ આજે એક સંસ્કૃતિક સમસ્યા બની ચુકી છે. કોઈપણ સંસ્કૃતિક સમસ્યાનો ઉકેલ સંવેદીકરણ અને જાગૃતતાથી જ લાવી શકાય. માંસ ખાનારાઓ પ્રત્યે ધ્રુણાસ્પદ વર્તન કરવાથી આ સંસ્કૃતિક સમસ્યાનો ઉકેલ સંભવ નથી. કરણ કે એ વાત યાદ રહે કે શાકાહાર તરફ વળવા માટેની આખી ઝુંબેશના મૂળમાં જ સમગ્ર જીવો પ્રત્યેની પ્રમાણિક સહાનુભુતિ અને દયા છે. આથી આપણે આ નિર્દય પ્રથાને માનવીય પદ્ધતિથી જ નાબુદ કરવી જોઈએ.

અમે એ વાત સાથે સહમત છીએ કે પર્યાવરણ અને મનુષ્યની તંદુરુસ્તી માટે શાકાહારને પ્રોત્સાહન મળે અને માંસ ભક્ષણને રોકે તેવા યોગ્ય કાયદાઓ ઘઢી તેને અમલમાં મુકવા જોઈએ. પણ આમ કરવાના મૂળમાં માંસાહારી પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર ન હોવો જોઈએ. આ વિશ્વ એક ઘર છે અને દરેક મનુષ્ય આ ઘરમાં એક જ પરિવારના સભ્યો છે. આથી આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ અને તેઓ માંસાહારનું દુરાચરણ છોડી સદાચારી બની ઉન્નતિ કરે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આથી જો તમે માંસ ખાતા હોય તો પણ હું તમને પ્રેમ ભરી નજરે જ જોવું છું. જેમ ગાય તેના વાછરડાને પ્રેમ કરે છે તેમ. અને આ જ પ્રેમ ને કારણે હું તમને માંસનો ત્યાગ કરી શાકાહારી બનાવાનો આગ્રહ કરું છું.

પ્રશ્ન: જો બધાં જ લોકો શાકાહારી બની જાય તો પછી આટલા બધાં માંસ ઉત્પાદનના ઉદ્યોગોનું શું થશે? શું માંસ ઉત્પાદન અને તેને સંલગ્ન ઉદ્યોગોમાં કામ કરતાં લોકો બેકાર નહીં બને?

ના, આમ નહીં થાય. ઉલટાનું આ લોકો વધુ કાર્યક્ષમ અને ઉપયોગી બનશે. કારણ કે જો માંસ ઉત્પાદનની જગ્યાએ એટલી જ મૂડીનું રોકાણ કરી તેઓ ખેતી કરે તો બીજા ૧૦ લોકો માટે આહાર ઉપલબ્ધ થઇ શકે. આમ થવાથી ઘણાં લોકો ભૂખમરાની ચિંતામાંથી બહાર આવી જશે અને સમાજને ઉપયોગી થવા માટે શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનશે. આમ થવાથી દેશની અર્થ-વ્યવસ્થાને બળ મળશે અને દેશ સમૃદ્ધિ તરફ આગળ વધશે. આ ઉપરાંત ભવિષ્યની પેઢી બિન-પ્રદુષિત વિશ્વ અને સ્વસ્છ પર્યાવરણ પૂરું પડવાના સહભાગી તરીકે તેમનો આભાર વ્યક્ત કરશે.

પ્રશ્ન: જો માંસ મનુષ્યનું સ્વાભાવિક ભોજન નથી તો પછી આપણે માંસ ખાવાની શરૂઆત જ કેમ કરી?

હત્યા, છળ-કપટ, બળાત્કાર, જાતિવાદ, ઊંચ-નીચ, આતંકવાદ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ માટે પણ આ જ પ્રશ્ન કરી શકાય. આ બધાંના મૂળમાં છે અજ્ઞાનતા. કોઈપણ દુષ્ટ અને પાપકર્મની પાછળ અજ્ઞાનતા જ હોય છે. બાઈબલ જેનિસીસ ૧.૧૯ પણ કહે છે કે શરૂઆતમાં માનવજાત શાકાહારી જ હતી.

વેદ- માનવતાનો સૌથી પ્રચીનત્તમ ગ્રંથ – પણ ભારપૂર્વક મનુષ્યને શાકાહારી ભોજન જ લેવાનો ઉપદેશ આપે છે. યજુર્વેદનો પહેલો મંત્રની શરૂઆત જ પ્રાણીઓનું રક્ષણ કરવાના આદેશથી થાય છે.

જ્ઞાનનો અભાવ, માનવ વિકાસમાં અવરોધ, હિંસક સમયગાળો વગેરે પરિબળોએ માનવની તર્કપૂર્ણ વિચાર કરવાની ક્ષમતા છીનવી લીધી. આ ઉપરાંત સંસ્કૃતિ કે ધર્મના બહાને ચાલતી સદીઓ જૂની માન્યતાઓ અને પ્રથાઓએ પણ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. આથી માંસ-ભક્ષણની પ્રથા પણ જાતિવાદની જેમ માનવ સમાજનો એક સર્વ સામાન્ય ભાગ(દુષણ) બની.

પણ જ્યારે આપણે વર્તમાન અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં આગળ વધતા હોઈએ ત્યારે આપણે ભૂતકાળમાં આ કામ કેમ ન કર્યું તે વિચારીને સમય વ્યર્થ કરતાં નથી. આપણે તો માત્ર વર્તમાન અને ભવિષ્યમાં થનારા લાભ પર જ દ્રષ્ટિ રાખીને બધી તૈયારીઓ કરીએ છીએ. આ જ કારણોથી આપણે ટીવી, લેપટોપ, ટ્રેન, વિમાન વગેરે સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ. ભલેને પછી આ બધી વસ્તુઓનું અસ્તિત્વ વર્ષો પહેલાં ન હતું. વર્તમાનમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો આધાર ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ન હોવી જોઈએ. ઉલટાનું આપણું અને આપણાં સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને, કરોડો લોકોની ગરીબી દુર થાય, કરોડો લોકોને ભૂખમરામાંથી બચાવી શકાય અને આપણાં બાળકો પ્રદુષણ મુક્ત વાતાવરણમાં પહેલો શ્વાસ લે તે જ લક્ષ્યને ધ્યાનમાં રાખી માંસનો ત્યાગ કરવો જોઈએ. આથી જીભની લાલસા સંતોષવાનો સ્વાર્થ છોડી, આપણે પોતે જ આપણી ભાવી પેઢીના અંધકારમય ભવિષ્ય માટે જવાબદાર ન બનીએ તે માટે આપણે આજે શું કરવું જોઈએ તેના પર વિચાર કરવો જોઈએ.

પ્રશ્ન: મને તો એવું હતું કે તમે પ્રાણીઓના જીવિત રહેવાના અધિકારના સમર્થક બની તમારો મત રજુ કરશો અને હું તમને એવું પૂછીશ કે તમે વનસ્પતિઓના અધિકારના સમર્થક કેમ નથી બનતા? પણ નહીં તો તમે પ્રાણીઓ કે વનસ્પતિઓના અધિકારની વાત ન કરતાં માનવ-અધિકારની વાત કરી રહ્યાં છો? તો પછી હું તમારા મતનું ખંડન કેવી રીતે કરી શકું?

૧. પરમપિતા પરમાત્માએ આ વિશ્વની રચના એવી રીતે કરી છે કે જો આ વિશ્વમાં રહેલ દરેક મનુષ્ય માત્ર મનુષ્યના જ કલ્યાણ માટે પ્રમાણિકપણે પ્રયત્ન કરે તો, મનુષ્યોના કલ્યાણની સાથે સાથે પ્રાણીઓનું પણ કલ્યાણ થાય. કારણ કે આ વિશ્વ સહજીવનની એવી અદભૂત માળા જેવું છે કે જેમાં દરેક જીવ એકબીજા સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે પરસ્પર જોડાયેલો છે. આથી તમે જે આપશો તે જ તમને પાછું મળશે!

૨. અંત:જ્ઞાનથી જે સત્યને જાણી અને સમજી શકાય છે અને જે સત્યને પ્રત્યેક્ષ રીતે જોઈ શકાય છે તે સત્યનું ખંડન કરવાની જરૂર જ શી છે? આપણે એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો કે જાતિવાદ, સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ, સ્ત્રીઓ માટે નીચલી કક્ષાના અધિકારો વગેરેની જેમ માંસ-ભક્ષણ પણ એક સામાજિક દુષણ છે. લગભગ ૧૦૦ વષો પહેલાં જ આપણે સ્ત્રીઓને મત-અધિકાર આપ્યો. માત્ર થોડા દાયકાઓ પહેલાં જ જાતિવાદ જેવી સમસ્યાઓને કાયદેસર રીતે જડમૂળમાંથી ઉખાડી નાખવામાં આવી. પણ તેમ છતાં આ સામાજિક દુષણો સામેનો સંઘર્ષ આજે પણ ચાલુ છે. પ્રૌદ્યોગિક અને તકનીકી સિદ્ધિઓ મેળવી લીધી હોવા છતાં આપણો સામાજિક વિકાસ હજું અપૂર્ણ છે. આપણે આ બાબતમાં ઘણાં પછાત છીએ. ચાલો આપણાં પર્યાવરણની હાલત અને વિશ્વના લોકોની ગરીબીના આકડાઓને ધ્યાનમાં લઇએ અને માંસ-ભક્ષણના આ સામાજિક દુષણને સમાપ્ત કરવાનો સંકલ્પ કરીએ. આપણને એ વાતનું ભાન હોવું જોઈએ કે માંસનો એક-એક ટુકડો ક્યાંને ક્યાં કોઈ એક વ્યક્તિને ભૂખમરા તરફ ઘકેલવા માટે પુરતો છે. આ ઉપરાંત એ વાતનું પણ ભાન હોવું જોઈએ કે માંસ ભક્ષણ કરીને આપણને સૌથી વહાલા એવાં આપણાં બાળકો માટે આ પૃથ્વીને નર્કમાં બદલી રહ્યાં છીએ.

૩. જે લોકો ખરેખર બુદ્ધિ સંપન્ન તથા સંવેદનશીલ અને દયાળુ છે તેઓ માટે આ પ્રાણીઓના જીવિત રહેવાના અધિકારની વાત છે. અજ્ઞાનતાને કારણે આપણે આવું માનવા લાગ્યા છીએ કે આ આખું વિશ્વ ઈશ્વરે માત્ર મનુષ્યોના ભોગ માટે જ બનાવ્યું છે. આપણે એવું માનવા લાગ્યા કે આ આખું વિશ્વ માત્ર આપણી જ માલિકીનું છે. આ વિકૃત માનસિકતાએ આપણાં હાથે આપણાં જ પર્યાવરણનો નાશ કરાવ્યો. છેલ્લા ૧૦૦ વર્ષોમાં તો પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઈ છે કે હવે આવનારા સમય માટે વૈજ્ઞાનિકોને અન્ન, જળ અને જમીન જેવી આપણી મૂળભૂત જરૂરિયાતો વિષે ચિંતા થવા લાગી છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જ આપણાં પગ પર કુહાડી મારી છે.

મધ્યકાલીન સમયમાં, ધર્મને આગળ ધરીને સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં નીચી કક્ષાની ગણવામાં આવતી. કેટલાંક પદારીઓનું તો એવું માનવું હતું કે પ્રાણીઓની જેમ સ્ત્રીઓમાં પણ આત્મા જેવું કશું હોતું જ નથી. જ્યારે બીજા ધર્મના લોકો સ્ત્રીઓને અપવિત્ર અને પુરુષોની સરખામણીમાં અડધી જ બુદ્ધિશાળી સમજતા. ‘કાળા’ લોકોને માણસ ન ગણી માત્ર ‘ગુલામ’ ગણવામાં આવતા.

પણ પછી છેલ્લા દાયકાઓથી પ્રબુદ્ધ આગેવાનોએ આ બધાં સામાજિક દુષણોને માનવ સમાજમાંથી નાબુદ કરવાનું કામ પોતાના હાથમાં લીધું. પછી ધીરે ધીરે આપણે જાતિપ્રથા નાબુદ થતી જોઈ. સ્ત્રીઓને સમાન અધિકાર આપવામાં આવ્યા. સ્ત્રીઓને પુરુષોની સમાન સામાજિક, રાજકીય અને બૌદ્ધિક દરજ્જો આપવામાં આવ્યો. આ સામાજિક દુષણો દુર કર્યા બાદ હવે આપણે આગળ વધી વધુ એક સામાજિક દુષણ દુર કરવાનું છે. અને તે છે પ્રાણીઓની નિર્દય હત્યા. તો ચાલો આપણે એક ડગલું આગળ વધી, પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ અને દયા દાખવી સાચા અર્થમાં મનુષ્ય હોવાનું પ્રમાણ આપીએ! અગાઉ જણાવેલા બધાં જ સામાજિક દુષણોના મૂળમાં આપણી અજ્ઞાનતા જ હતી. પ્રાણીઓની નિર્દય હત્યા એ પણ આપણી અજ્ઞાનતાનું જ પરિણામ છે. આથી બુદ્ધિ સંપન્ન (ખરા અર્થમાં મનુષ્ય હોય તેવા લોકોએ) આ દુષણ દુર કરવાનું બીડું પોતાના હાથમાં લેવાનું છે.

હજું પણ જે સમાજ માનવ અધિકારોની અસમાનતા જેવા ભયંકર દુષણોથી રોગ-ગ્રસ્થ હોય, તો તે સમાજે માનવ અધિકારોની સાથે સાથે પ્રાણીઓના અધિકારો માટે પણ ચિંતિત થઇ આવાં સામાજિક દુષણોને માનવ સમાજમાંથી મૂળમાંથી નાબુદ કરવાના ઉત્તમ કામને વધુ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

જો તેનો પ્રાણીઓના જીવિત રહેવાના અધિકારની અવગણના કરતાં હોય, તો પણ આજની કફોડી પરિસ્થિતિઓ કોઈપણ બુદ્ધિ સંપન્ન વ્યક્તિને પ્રાણીઓના જીવિત રહેવાના અધિકારને ધ્યાનમાં લેવા માટે મજબુર કરશે. એટલે કે કરોડો લોકોની દયનીય ગરીબી, ભયંકર ભૂખમરો, પર્યાવરણની કફોડી હાલત અને બાળકોના ભવિષ્યની ચિંતા, આ બધાં જ માનવ અધિકારને લગતા પ્રશ્નો ઉકેલવાના ઉદ્દેશથી પણ અંતે વ્યક્તિ પ્રાણીઓ પ્રત્યે દયા દાખવી તેના અધિકારોનું રક્ષણ કરશે.

આમ સત્યનું ખંડન કરવાનો નિરર્થક પ્રયત ન કરો. પ્રમાણિક, વિનયશીલ અને બુદ્ધિ સંપન્ન બનો. બીજાના પ્રેમના પાત્ર બનવા માટે પહેલાં બીજાને પ્રેમ કરતાં શીખો. તમારા જ ભાઈ-બહેનો પ્રત્યે તમારો પ્રેમ જતાવવા અને તમારા બાળકોના કુશળ ભવિષ્ય માટે તમે ચીકન-સૂપની જગ્યાએ ટમેટો-સૂપનું સેવન તો કરી જ શકો.

મનુષ્ય બનો, મનુષ્યોને પ્રેમ કરો.

માંસનો ત્યાગ કરો!