નહીં કરું N D Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નહીં કરું

નહી કરું

નિધિ દવે ત્રિવેદી

“મા પાત્ર પર ભૂતકાળમાં જે લખાઈ ગયું છે, વર્તમાનમાં લખાઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે લખાશે ઓછું જ કહેવાશે, ઇતિહાસના મહાન વ્યક્તિઓના ઘડતર પાછળ એમની માતાનો સિહફાળો રહ્યો છે, બાળકનું ઘડતર માતાના ગર્ભમાથી તો શરૂ થતું હોય છે. “એક માતા સો શિક્ષકની ગરજ સારે છે” – પ્રચલિત કહેવત છે. પણ જો એક શિક્ષક માતા હોય તો ગણતરી મુશ્કેલ બની જતી હોય છે. બાળકને ઘણા ચેલેન્જમાથી પસાર થવું પડતું હોય છે. ક્યારેક મમ્મી જોડે એની સ્કૂલમાં જાઉને તો એના દરેક પ્રકારના વિદ્યાર્થીની સાથે મારી સરખામણી થતી રહેતી હોય, વર્ગના બધા વિદ્યાર્થી મમ્મી માટે તો પોતાના બાળક સમાન જ હોય એટલે ત્યારેય ઈર્ષા આવે મારી મમ્મીના પ્રેમનો હક મારા સિવાય બીજા કોઈ પાસે ન હોવો જોઈએ, આ બધા કેમ મમ્મીની ગોળ ગોળ વીંટળાયેલા રહે છે? એ મારી મમ્મી છે. હું એકલો આટલા બધાને તો કેમ દૂર કરું એટલે કમને જોયા કરુ.

પ્રાથમિક શાળાનાં શિક્ષકનો પગાર ઓછો હોય, એટલે મમ્મી ઘરે આવીને પાછી ટ્યુશન લેતી, મારુ અડધા ઉપરનું ફ્રેન્ડ સર્કલ આવતું મમ્મી જોડે ભણવા. ત્યારે મમ્મી મને એમની સાથે જ ભણાવી લેતી. જો ન આવડે તો બધાની સામે માર પડતો. ત્યારે તો ફ્રેન્ડ્સની વચ્ચે જ આપણી ઈજ્જતનો કચરો થઈ જતો. ભણવું તો મમ્મી જોડે જ પડતું. બીજો કોઈ ઓપ્શન જ નહોતો. મારની સામે મમ્મીના લાડ ખૂબ જ, એક ભણવાની બાબતમાં સહેજ ન ચલાવી લે મમ્મી, જ્યારે મમ્મીનો માર પડતો હોય બા – દાદા અને પપ્પા પણ વચ્ચે ન બોલી શકે એવી ધાક. વેલણ હોય કે બેટ હોય કે પછી જે હાથમાં આવે એનો પ્રહાર થઈ જાય. મને માર ખાવામાં મજજા આવતી, હા સાચ્ચે જ. ગાલ પર કે બરડામાં થોડીવાર માટે દુખાય પણ બીજા દિવસે કે એ દિવસે રાત્રે મારના પ્રમાણ કરતાં વધારે ચોકલેટ અને ફ્રૂટસ મળી જાય એટલે મારી મમ્મીના મારના લીધે મારુ વજન ઉતરતું નહીં !!! એ માનો પ્રેમ અત્યારે નથી મળતો. મમ્મીને અકળાવા ઘણા પ્રયત્ન કરું હવે એ પહેલા જેવી ગુસ્સે નથી થતી, કેમ એ ખબર નથી પડતી.

મને એ સમયમાં રૂપિયાવાળી પેપ્સી બહુ જ ભાવતી. મારા ઘરમાં ક્યારેય ખાવાની બાબતમાં રોકટોક હતી નહીં. મમ્મીએ મને ગલ્લો આપેલો એમાં પરચુરણ અને તહેવારમાં મોટાઓ જોડે મળતા રૂપિયા નાખતો. લાલ રંગનો બાબલાના આકારનો પ્લાસ્ટિકનો ગલ્લો એમાં ઉપરના ભાગમાથી રૂપિયા નાખાવાના અને નીચેના ભાગમાં એનું ટાંકણું હતું એ ખોલીએ એટલે ડબ્બો ખૂલી જાય. એ ગલ્લો મમ્મી એના કબાટમાં મૂકતી અને એની ચાવી કબાટની ઉપર જ મૂકતી. હું ત્યારે સાતમા ધોરણમાં ભણતો. આપણને તો એવું કે આ ગલ્લો આપણી માલીકીનો. જેમ જેમ રૂપિયા આવે એમાં નાખતા જવાનું અને જરૂર પડે લઈ લેવાનાય ખરા, ઉનાળાના સમયમાં તો પેપ્સીની તલપ બહુ રહે. સ્કૂલમાં તો વેકેશન પડી જાય પણ ટીચર્સને એક મહિનો વધારે જવું પડે, એટલે હું ઘરે એકલો હોવ, બા – દાદા મોટાપાપાને ઘરે રહેવા ગયા હોય અને પપ્પા ઓફિસમા. આપણને પેપ્સી પીવાની ઈચ્છા બહુ થાય, રૂપિયા ન હોય ત્યારે હું કબાટ ખોલું, આપણો ગલ્લો ખોલું અને એમાથી ફક્ત એક રૂપીયો નિકાળું. કબાટ બંધ કરું. ચાવીને જેમ લીધી હોય એમ વ્યવસ્થિત એ જ જગ્યાએ મૂકું. આપણને તો એવું કે આ ગલ્લો આમપણ મારે જ ભરવાનો છે, એક રૂપિયામાં તો શું થઈ જવાનું. દુકાન અમારા બ્લોકની નીચે જ હતી. એટલે ત્યા જઈને કાલાકટ્ટા પેપ્સી લઈ આવું. બે કલાક થાય ત્યાં ફરી કંટાળું. વેકેશન હોય એટલે ભણવાનું તો હોય નહી અને આઝાદી હોય. ઘરના રાજા કહેવાઈએ આપણે તો. ફ્રેંડ્સ તો સાંજે રમવા ભેગા થાય. એટલે બે કલાક રહીને ઓરેન્જ પેપ્સી યાદ આવે ફરી એ જ પ્રોસીજર. ચાવી લો, કબાટ ખોલો, ગલ્લો હાથમાં લઈને ખોલો, ફક્ત રૂપિયો નિકાળો, વિચાર એ જ એક રૂપિયામાં તો શું થઈ જવાનું !!! હા, આ વખતે દુકાન અલગ હોય. કેમકે અમારા દુકાનવાળા અંકલ મારા પપ્પાના ફ્રેન્ડ. અને અમારા બધા ઉપર એમની પાકી નજર હોય. મારા બ્લોકનો છોકરો કાનો અને મારો ભાઈબંધ - ખાવાનો જબરો શોખીન. એની મમ્મીના પાકિટમાથી રૂપિયા લઈને નાસ્તાના પડિકા લે અને ખાય. દિવસમાં ચાર – પાંચ વખત આવું કરે મોંઘા મોંઘા બિસ્કિટ અને નાસ્તાના પેકેટ ખરીદે. અંકલે તો એના પપ્પાને કહી દીધું. એના ઘરે એ એની મમ્મીની જાણ બહાર રૂપિયા લઈને નાસ્તો કરતો હતો. પછી આ વાત પર એના ઘરે એના મમ્મી – પપ્પાએ શું કર્યું એ તો મને ખબર નથી. હા, પણ રમેશઅંકલની પાકી નજરનો આપણને પૂરેપૂરો ખ્યાલ. એટલે હું ઘરને લોક કરું અને થોડે દૂર બીજી કરિયાણાની દુકાન ત્યાં જાઉં અને ત્યાથી ઓરેન્જ પેપ્સી લઉ. આવી રીતે ચાલ્યા કરે. દિવસની 2 તો ખરી જ, કોઈ દિવસ 4 પેપ્સી પણ થઈ જાય.

મારા ત્યાં દ્રસ્ટી કરીને છોકરી ભણવા આવતી. એ મારાથી ઉમરમાં એક વર્ષ નાની હતી. એના પપ્પા એડ્વોકેટ અને મમ્મી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરવા જતી. એ પણ મારી સોસાયટીમાં રહેતી હતી. મારા ઘરે ટ્યુશન આવતી થઈ પછી મારે એની સાથે પરિચય થયેલો. ક્યારેક ક્યારેક એ મારા ઘરે બપોરે રમવા આવતી. અમે બંને વિડિયો ગેમ, કોડી, સાપસીડી, કેરમ એવી ઇનડોર ગેમ રમતા. ત્યારે મને પેપ્સી પ્રેમ એવો જ. પેપ્સીની યાદ આવે એટલે પીવી જ પડે. તો હું મારી જોડે એને પણ પેપ્સી પીવડાવતો. મારી આ કબાટમાના ગલ્લામાથી રૂપિયા કાઢવાની મારી હરકતો દ્રસ્ટી જોતી અને પેપ્સી પીવાનો આનંદ માણતી.

એમ કરતાં વેકેશન પતી ગયું. સ્કૂલ ચાલુ થઈ. જોડે જોડે ટ્યુશન ચાલુ થયા. હજુ વર્ષની શરૂઆત હતી એટલે ટ્યુશનમા બહુ વિધાર્થી આવતા નહીં. ત્યારે સેમીસ્ટર સિસ્ટમ નહોતી, પ્રથમ કસોટી, બીજી કસોટી અને વાર્ષિક પરીક્ષા એમ એક વર્ષમાં એક ધોરણનો આખો કોર્સ ભણવાની પદ્ધતિ. સ્કૂલ શરૂ થાય એટલે એના એક મહિના પછી સ્કૂલમાં કોર્ષ ચાલે, શરૂ શરૂના પહેલા દિવસે ચાર તાસ (પીરીયડ), પછીના દિવસે પાંચ તાસ, પછી છ તાસ, સાત તાસ અને આઠ તાસ એમ હોય, એટલે બપોરે રેગ્યુલર 12:30 થી 5:30 સુધીની સ્કૂલ પાંચમાં દિવસથી થાય, મસ્તી હોય, ટાઈમટેબલ આવે, શિક્ષકો બાળકોનો પરિચય લે, બાળકો શિક્ષકની ભણાવાની પધ્ધતિ જોડે અનુકૂળ થાય. વર્ગમાં મોનીટર બનાવવામાં આવે, બેઠક વ્યવસ્થા ગોઠવાય. દરેક વિધાર્થીને આખા વર્ગની દરેક પાટલીએ બેસવા મળે એ રીતે વર્ગ શિક્ષક ગોઠવણી કરાવે, એમાં ચશ્મા હોય એ વિધાર્થી માટે પહેલી બેન્ચ રીઝર્વ હોય. રોલ નંબર મળે. શરૂઆતના અઠવાડિયામાં સમૂહ પ્રાર્થના થાય. એમ એમ કરતા મહિનો નીકળે અને પછી રૂટિન ચાલુ થઈ જાય. મમ્મીના ટ્યુશન સ્કૂલ શરૂ થયાના મહિના પછી શરૂ થાય.

મારુ ભણવાનું તો સ્કૂલના પહેલા દિવસથી મમ્મીની જોડે શરૂ થઈ જ ગયું હોય. એ દિવસોમાં અમારા ઘરે દ્રષ્ટિ ટ્યુશનમાં આવતી હતી. બીજા મારા મિત્રોએ હજુ ટ્યુશન શરૂ કર્યું નહોતું. મમ્મી રસોડામાં રસોઈનું કામ કરી હતી. હું અને દ્રસ્ટી ચોપડીના પાનાં ફેરવતા હતા. એ દરમિયાન દ્રસ્ટીના મમ્મી પૂજાઆન્ટી અમારા ઘરે આવ્યા. મે મમ્મીને રસોડામાં જઇને પૂજાઆન્ટીના અમારા ઘરે આગમનની વાત કરી દોડતો પાછો રૂમમાં આવીને બેઠો.

મમ્મી એ રસોડમથી બૂમ પાડીને કહ્યું – “આવો, પૂજાબેન બેસો બે મિનિટ હું વઘાર કરીને આવું”

“હા આવો, જોશનાબેન હું બેઠી છું અહી” - આન્ટીએ મમ્મીને જવાબ આપ્યો અને પલંગ પર બેઠા.

મમ્મી રસોડામાથી બહાર આવી અને કહ્યું – “ કેમ છો? બહુ દિવસે દેખાયા, શું વાત છે?”

આન્ટીએ જવાબ આપ્યો – “હા તમને તો ખબર જ છે કે આપણે વર્કિંગ વુમનને બંને બાજુનું મેનેજ કરવાનું હોય એટલે કેટલી બધી તકલીફ રહે. હમણાં ઓફિસમાં કામ વધુ રહે છે. ઘરે આવીને થાકી ગયા હોય એટલે કામ પતે પછી રાત્રે સીધો બેડ જ દેખાય.”

મમ્મીએ સૂર પુરાવતા કહ્યું – “એકદમ સાચી વાત છે તમારી બેન.”

આન્ટીએ સીધું જ પૂછ્યું – “ શું પછી જોશનાબેન દ્રસ્ટીની કેટલી ફી લેવાની છે?”

મમ્મીએ હસતાં કહ્યું – “ આ વખતે પચાસ રૂપિયા વધારું છું, ચારસો લઇસ”.

આન્ટીએ કહ્યું – “ અરે કઈ વાંધો નહીં, પણ એની પર જરા ધ્યાન આપજો બરાબર, એને ગણિતમાં હજુ તકલીફ છે અને સાંજે બને તો થોડી વહેલી બોલાવી દેજો.”

મમ્મીએ જવાબ આપ્યો – “હા ધ્યાન આપવામાં તો તમારે કઈ કહેવું પડસે જ નહીં. સાંજે મારે પાલડી થી અહી આવાનું એટલે મોડુ થાય છે એટલે આ સમય મને વધુ અનુકૂળ રહે.”

શું વાત છે ચક ચક કરતાં આન્ટી મમ્મીની બધી વાત માની રહ્યા છે મને બંનેની વાત સાંભળીને નવાઈ લાગી રહી હતી.

આન્ટી બોલ્યા – “સારું” અને પછી મારી સામું જોયું અને બોલ્યા – “ જોશનાબેન એક વાત કહું, આમ તો તમારા ઘરની અંગત વાત કહેવાય મારાથી ન કહેવાય, છતા બાળકના વિષે હોય તો તમારું ધ્યાન દોરવું વધારે સારું કહેવાય એમ મને લાગ્યું એટલે તમને ખાસ આ વાત કરવા માટે જ આવી છું. તમારો શ્રેયસ તમારા કબાટમાથી રૂપિયા ચોરે છે.”

“હે” – હું તો અવાચક થઈ ગયો આ અને અપલક નજરે આન્ટી સામે જોઈ રહ્યો.

મમ્મીએ કહ્યું – “શું વાત કરો છો, પૂજાબેન?”

આન્ટીને તો મમ્મીને આ વાતની ખબર નહોતી એવું જાણીને આવેગમાં આવીને વર્ણન કરવા લાગ્યા – “ હા, વચ્ચે દ્રસ્ટી તમારા ઘરે આવેલીને, યાદ છે તમને?”

મમ્મી એ કહ્યું – “હા હા આવેલીને”

આન્ટીએ વાત આગળ વધારી – “ત્યારે શ્રેયસે કબાટમાથી ગલ્લો નિકાળીને એમાથી રૂપિયા કાઢી પેપ્સી પીવડાવી હતી. તમારા શ્રેયસને તો હું બહુ ડાહ્યો છોકરો સમજતી હતી. મારી દ્રસ્ટીએ મને વાત કરી ત્યારે મનેય વિશ્વાસ નહોતો આવતો. આ તો શું કે રૂપિયાની રકમ મોટી ન કહેવાય, દ્રસ્ટી સામે એને રૂપિયો નિકાળ્યો, એકલો હોય ત્યારે મોટી રકમ ચોરતો હોય એવુંય બને ને?”

હું દ્રસ્ટી સામે ગુસ્સામાં જોઈ રહ્યો – “ચાપલી મારી પેપ્સી પી ગઈ અને મને માર ખવડાવસે એ અલગ”.દ્રસ્ટી તો ગુનેગારને સજા મળી રહી હોય એમ મારી સામે ગુનેગારની સામે જોતી હોય એવી રીતે મને ઘુરવા લાગી. હું તો બાઘાની જેમ હવે આગળ શું થસે એ જોવા લાગ્યો.

આન્ટી તો બોલવાનું બંધ કરી રહ્યા ન હતા – “મારી દ્રસ્ટી તો આવું કદી ન કરે હો જોશનાબેન, એ આખા દિવસનો રીપોર્ટ મને સાંજે આપે હો. હું સાજે આવું એટલે દસ – પંદર મિનિટ સુધી તો દ્રસ્ટી સાથે બેસીને વાતો જ કર્યા કરવાની. છોકરાઓની તો બહુ મગજમારી રહે. તમારો શ્રેયસ તો પહેલેથી તોફાની જ છે. તમારે એને કેટલો બધો મારવો પડે ત્યારે તો એ ભણે છે નહી. અને મારી દ્રસ્ટી જોવો કેટલી ડાહી તમારે એની પર હાથ ઉપાડવો પડે છે એને એકવાર કહી દઈએને એટલે એ બધુ જ કામ કરી દે, ભણવાનું હોય કે ઘરનું કામ હોય. મને રાત્રે પગ – માથું દુખતું હોય તોય દબાવી આપે.”

“આન્ટીએ તો બરબારનું સળગાયું. આવી બન્યું. મમ્મી બહુ મારસે”.- મે મનોમન વિચાર્યું.

મમ્મીએ શાંતિથી કહ્યું – “એવું નહી હોય જોશનાબેન. એને પેપ્સી પીવી હસે અને રૂપિયા નહીં હોય એટલે એના ગલ્લામાથી લીધા હસે. સારું થયું તમે મારુ ધ્યાન દોર્યું.”

આન્ટી હજુ ઓછું પડ્યું હોય એમ મો મચકોડતા બોલ્યા – “ગમે તે કારણ હોય જોશનાબેન આ તો ચોરી જ કહેવાય. શ્રેયસ તમારો ચોર જ કહેવાય.”

મમ્મીથી આ વાક્ય સહન ન થયું – “પૂજાબેન બાળક છે થાય એનાથી એમાં કાઇ એ ચોર નથી થઈ જતો”.

આન્ટી કહે – “તમે તો મારી પર એમાં શું અકળાવ છો જોશનાબેન મે તો તમારું ધ્યાન દોર્યું. આજે અમારે બહાર જમવા જવાનું છે એટલે દ્રસ્ટીને લેવા આવી છું. ચાલ દ્રસ્ટી કાલે સાંજે એને તમે વધારે ભણાવી દેજો.”

પૂજાબેનની વાત સાંભળીને દ્રસ્ટીએ ફટાફટ દફ્તર પેક કર્યું અને એની મમ્મી પાછળ ચાલી નીકળી. હવે મારુ શું થસે? મને કાઇ સૂઝતું નહોતું. અને મમ્મી સામે જોવાની હિમ્મત જ નહોતી ચાલતી. બે – ત્રણ મિનિટ માટે તો રૂમમાં ટાંકળી પડે તોય આવાજ આવે એટલી શાંતી છવાઈ ગઈ. ને થોડીવાર રહીને કોઈ રડતું હોય એવો અવાજ મને સંભળાયો. મે માથું નીચું રાખી ફક્ત આંખો ઉપર કરી તો મારી મમ્મીને ખૂબ રડતી જોઈ. આ દ્રશ્ય અને મારી મમ્મીનું આ વર્તન મારા માટે તદ્દન નવું હતું. મે આખું માથું ઊંચું કર્યું. મમ્મીને આમ ડૂસકાં લઈને રડતી જોઈને મારુ અંતર હચમચી ઉઠ્યું॰ મમ્મીને જોઈને હુંય ઢીલો થઈ ગયો. અત્યારે મમ્મીના રડવાનું કારણ હું જ છું.

ફક્ત એટલું જ બોલી શક્યો – “મમ્મી”

મમ્મીએ પાણીથી ભરાયેલી અને સૂજી ગયેલી આંખો વડે મારી જોયુ – “શ્રેયસ, તે મારા સંસ્કાર લજવ્યા બેટા.”

હું મમ્મીની હાલત જોતાં અપસેટ થતાં બોલ્યો – “મમ્મી મે ચોરી નથી કરી અને હું પેપ્સી લેવા માટે જ ગલ્લામાથી રૂપિયા લઉં છું આને ચોરી કહેવાય એ તો મારા મગજમાં દૂર દૂર સુધી ક્યાય નથી. સાચ્ચુ કહું છું મમ્મી. તું જોઈ લે ગલ્લામાં બીજી સો અને દસ રૂપિયાની નોટો છે એ બધી એમની એમ જ છે. હું એમાથી બે અને પાંચ રૂપિયાના સિક્કાય અડયો નથી ખાલી પેપ્સિ માટે એક રૂપિયાના સિક્કા જ લેતો હતો. મમ્મી મને ખબર નથી કે આને ચોરી કહેવાય, મમ્મી સોરી તું રડીસ નહીં, મમ્મી. હવે નહીં કરું ક્યારેય મમ્મી. સોરી. મને માફ કરી દે મમ્મી. ગલ્લામાથી રૂપિયા લેવા એ ચોરી કહેવાય એવું મને નહોતું લાગતું એટલે લેતો હતો. મમ્મી સોરી.”

મમ્મીનું રડવાનું હજુ ચાલુ હતું એને ડૂસકાં લેતા બોલવાનું શરૂ કર્યું – “શ્રેયસ તું મોટો થઈને અમારું નામ રોશન કર. ધનવાન બન. અમને બધા સુખ આપે. ભણવામાં પહેલો નંબર લાવે એવું તું નહી કરે તોય ચાલસે બેટા. એટલી બધી આશા તારી પાસેથી નથી રાખતી. બસ, જો તું રસ્તા પરથી પસાર થતો હોયને ત્યારે પાછળથી કોઈ આગળી કરીને બોલે કે – “જો પેલો શ્રેયસ જોશનાબેન – રંજનભાઈનો છોકરો જાય છે ને એ બહુ ખરાબ છોકરો છે એની સાથે દોસ્તી ન કરતો હોને, એ વિશ્વાસપાત્ર વ્યક્તિ નથી એ તો બધા ખોટા કામ જ કર્યા કરે છે, એની સાથે ફરવાનુંય નહી કે બોલવાનુંય નહી” આવું જીવન ન જીવતો બેટા. તું અમારું નામ રોશન નહી કરે તોય ચાલસે બેટા, સામે તું અમારું નામ લજવીસ નહીં એવી આશા તો અમે રાખી શકીને તારી જોડે. શ્રેયસ આખા ગામના છોકરાઓને સંસ્કાર આપું છું સારા માણસ બનો એમ શીખવું છું. મને ખ્યાલ છે કે તું એવું ન કરે છતા શ્રેયસ મારો ખુદનો છોકરો જ ચોર તરીકે સામે આવ્યો અને આ વાત મને બહારની વ્યક્તિથી ખબર પડી. શ્રેયસ તે તો મારી કેળવણીમાં ભૂલ નિકાળી. મારાથી તારા ઉછેરમાં કઈ ખોટ રહી ગઈ. બેટા ક્યારેય તને ખાવાપીવાની બાબતમાં તને રોક્યો છે ? તે મને કહ્યું હોય તો હું તને રૂપિયા આપી દઉ. એમાં તે ચોરી શું કામ કરી?”

શ્રેયસ મમ્મીનું દર્દ જોઈને રડવા લાગ્યો – મમ્મી મે ચોરી નથી કરી. હવેથી હું તને બધુ કહીશ મમ્મી. તું રડીસ નહીં. તું કહીશ એવો છોકરો બનીને તને બતાવીસ મમ્મી. સોરી મમ્મી.”

મમ્મીનો ‘ફક્ત મારા માટેનો પ્રેમ’ મે જોયો. હું અને મમ્મી બહુ જ રડ્યા. મને તો મમ્મી મારા લીધે અડધો કલાક મુશળધાર રડી એના આંખમાથી સરતો પ્રત્યેક આંસુએ મારી જાત માટે મને ઘૃણા ઉપસાવતો. એ જ ઘડીએ નક્કી કર્યું હવેથી મારા દ્વારા થયેલી દરેક ભૂલ બહારથી ઘરમાં આવે એ પહેલા હું સામેથી મારા ઘરે જણાવી દઈસ અને મમ્મીને હું જેવો જોઈએ તેવો છોકરો બનાવીને બતાવીસ.

રાત્રે પપ્પા ઘરે આવ્યા. મમ્મી એ બધી વાત કરી. પપ્પાએ શાંતિથી કહ્યું – “હવે એવું ન કરતો હોને શ્રેયસ.”

બીજા દિવસે સવારે બધુ નોર્મલ થઈ ગયું. હું મારા વર્તન પ્રત્યે સચેત બની ગયો. હું મારી સાથે “ગિલ્ટી”ની ફીલીંગ લઈને ફરતો હતો. સાંજે મમ્મી એની સ્કુલમાથી ગાંધીજીની આત્મકથા લાવી આપી. કહે – “આ વાંચજે”. મે ઉત્સાહમાં અને મમ્મીને ખુશ કરવા માટે ફક્ત ત્રણ દિવસમાં આખી બુક વાંચી લીધી, ત્યારે મારી ઉમર તેર વર્ષની હતી. જ્યારે ગાંધીજીની આત્મકથામાં ચોરીનો પ્રસંગ વાંચ્યો ત્યારે મારી મમ્મીનું વર્તન યાદ આવી ગયું અને હા ગાંધીજીએ તો જાતે એમની ભૂલ સ્વીકારી હતી. મારા કેસમાં થોડું અલગ થયું. ગાંધીજીએ પોતાની જાતને પછી માફ કરી, પછી મે મારા જીવનમાં નિયમ બનાવ્યા અને ખુદને માફ કર્યો અને દુનિયામાં ગાંધીજી જે મહાન કામ કરી ગયા એતો હું કરી શકું કે કેમ? હા પ્રયત્ન ચાલુ છે.”

ફ્રેંડ્સ, અત્યારે એક હાથમાં માઇક અને બીજા હાથમાં જ્યારે આ “The Honest Employee of The Year” નો એવોર્ડ છે ત્યારે શ્રેયસની આ ક્ષમતા માટે હું આ પ્રસંગ સિવાય કઈ કહી શકું એમ નથી. “થેંક્સ અ લોટ ઓલ ઓફ યુ સ્પેસયલી મમ્મી, એન્ડ પુજાઆન્ટી, દ્રસ્ટી એન્ડ અફકોર્સ માય પેપ્સી” બે હજાર માણસોથી ભરાયેલો હૉલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.

***