ચાલ તો હું જાઉં?
નિધિ દવે ત્રિવેદી
આગિયાર કોમર્સમાં શેઠ સી.એન. વિધ્યાવિહારમાં અભ્યાસ કરી રહી છે. આ પહેલા દસ ધોરણ સુધીનો અભ્યાસ એને વિજયનગર સ્કૂલમાથી કરેલો છે. શ્લોકા પુરુષપ્રધાન ઘરમાં રહેતી. એને બધા પ્રકારનું પ્રોત્સાહન, કેળવણી અને પ્રેમ ભરપૂર મળી રહ્યો છે. કોઈ પ્રકારનું દુખ તો નહોતું. છતાં એને ભણાવાની બાબતમાં કોઈ સીરિયસ નહીં. એને જેમ કરવું હોય એમ કરવાની છૂટ. “છોકરી છે જેટલું ભણે એટલું, એક દિવસ તો વળાવી દેવાની છે” - એવી વિચારસરણી ઘરના વડીલો ધરાવે.
શ્લોકાએ દસમા ધોરણમાં 86 પર્સંટેજ પ્રાપ્ત કરેલા ત્યારે એના મમ્મી પપ્પાને દીકરીની હોશિયારી ધ્યાનમાં આવેલી. શ્લોકાના વધુ ડેવલપમેન્ટ માટે થઈને આગળના અભ્યાસ માટે શેઠ સી.એન. વિધ્યાવિહારમાં ભણવા મૂકવાનો નિર્ણય કરેલ. સારા માર્ક્સને કારણે એને એડમિસન વિના મહેનતે મળી ગયુ॰ અમદાવાદની પ્રખ્યાત સ્કુલમા આ સ્કૂલનું નામ આગળ. આ સ્કૂલ શ્લોકાના ઘરથી 15 કિલોમીટર જેટલા અંતરે આવેલી. એટલે એને લેવા મૂકવા માટે સ્કૂલવાનની વ્યવસ્થા કરવામાં આવી.
શ્લોકા અહી એરીયાની પ્રખ્યાત સ્કૂલમાં ભણતી, હવે શહેરની પ્રખ્યાત સ્કૂલમાં ભણવાનો વારો આવ્યો. જૂના મિત્રોને મૂકીને નવા મિત્રો બનાવવાના. સ્કૂલની સીસ્ટમ શીખવાની. બાળકોને તો નવા માહોલમાં સેટ થવામાં તકલીફ પડતી નથી. શ્લોકાની બાબતમાં ઊલટું થયું. પહેલેથી શરમાળ છોકરી. ઘરની પરિસ્થિતી સાવ સામાન્ય. જૂની સ્કૂલમાં એના જેવા પરિવારમાથી આવતા બાળકોનો રેશિયો 80 ટકા જેવો હતો. 20 ટકા બાળકો જે અપર મીડલ ક્લાસ અને હાયર ક્લાસના. અહી આ રેશિયો આખો ઊંધો હતો. અહી 90 ટકા બાળકો અપર મિડલ ક્લાસ અને હાયર ક્લાસ તેમજ બાકીના 10 ટકા મિડલ ક્લાસના. બુધ્ધિક્ષમતાનું લેવલ હાઇ હતું એટલે શિક્ષકની ભણાવવાની સ્ટાઈલ હાઇ રહેવાની.
શ્લોકા જે 86 ટકાનું ઘમંડ લઈને ક્લાસમાં ઘૂસી હતી એ પળવારમાં ઉતરી ગયું. વર્ગમાં ઈંટરોડકસન શરૂ થયુ ત્યારે 97 ટકા ધરાવતા વિધ્યાર્થીનો વર્ગ હાજર હતો. આટલા માર્ક્સ છતાં કોમર્સમાં આવ્યા છે આ બધા, નવાઈ લાગેલી શ્લોકાને. અહી હોસ્ટેલમાથી આવતો વિધ્યાર્થીનો વર્ગ છે, એમની સાથે શ્લોકા ફરતી. એ સાતેક જેવી છોકરીઓ ગુજરાતનાં અલગ અલગ ગામડામાથી આવતી. સ્કૂલની હોસ્ટેલમાં રહેવાનુ અને ભણવાનું. એમની સાથે થોડું થોડું શ્લોકાને ફાવતું. કોલેજ જેવુ મોટું સ્કૂલનું કેમ્પસ. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગનો સમય બપોરનો એકસરખો જ. હવે બધાનો સમય સરખો હોય એટલે ત્રણેય વિભાગના બિલ્ડીંગ અલગ અલગ. દરરોજ સમૂહ પ્રાર્થના થાય. પ્રાર્થનાસભાનો ખંડ અલગ, મેદાન અલગ, હોસ્ટેલનું બિલ્ડીંગ અલગ, સવાર સાંજ વાન ભરાય એની જગ્યા સ્કૂલની અંદર અલગ. સ્કૂલમાં ફાઇન આર્ટ્સની કોલેજનું કેમ્પસ અને આટલા જ બિલ્ડીંગ ફરી ઊભા કરી શકાય એટલી વિશાળ જગ્યા ખાલી. જેમાં ઝાડી – ઝાંખરાં. આવી મોકળાસ અમદાવાદમાં નવાઈ જેવી વાત કહેવાય.
વર્ગમાં દરેક વિષયના શિક્ષકે પોતાની આગવી પદ્ધતી ભણાવવાની વિકસાવેલી. કોમર્સમાં ગુજરાતી અને અંગ્રેજી સિવાયના બાકીના 4 વિષય સીલેબસમાં તદ્દન નવા. ગુજરાતીના શિક્ષક પાઠ કે કાવ્ય ભણાવતા પહેલા સવાલ પૂછે અને પછી એમાથી જે પાઠ ભણાવાનો હોય એ ટોપીક તરફ આવે. અર્થશાસ્ત્રના શિક્ષક બોર્ડ પર બધા ટોપીક લખી દે પછી સમજાવે. સ્ટેટના સર ફોર્મુલા આપે અને પહેલા ઉદાહરણના દાખલા કરાવે. બી.એ.ના સર આખા ક્લાસમાં ફરતા જાય અને ભણાવતા જાય. અંગ્રેજીના મેડમ પીરીયડ દરમિયાન અંગ્રેજીમાં જ વાત કરે. અહી વિધ્યાર્થીમાં બે ભાગ પડી ગયેલા. જૂના વિધાર્થી અને આગિયારમાંથી સ્કૂલ જોઇન કરી હોય એવા નવા વિધ્યાર્થી. શ્લોકાને જૂના કે નવા કોઇની સાથે ફાવતું નહીં. છોકરા અને છોકરી બધા બોલ્ડ અને બિન્દાસ સ્વભાવના. સત્ય હકીકત મો પર જ સામેવાળાને જણાવી દે. પછી એ શિક્ષક, મિત્ર કે જનરલ વ્યક્તિ હોય. દફતર, વોચ, પેન, બુટ, ચોપડા બધુ જ બ્રાંડેડ હોય. યુનિફોર્મ ખાદીનો જ પહેરવો પડે, એમાં તો બધા સરખા લાગે. બુદ્ધિમતામાં, દેખાવમાં, ભણવામાં, બોલવામાં, ઇત્તર પ્રવૃતી દરેક બાબતમાં બધા એનાથી આગળ છે એ વર્ગની સૌથી નબળી વિધ્યાર્થીની છે એવી લઘુતાગ્રંથિ એના મનમાં આવવા લાગી. જેમતેમ કરી દિવસ પસાર કરે અને રાત્રે ઘરે આવીને છૂપી છૂપી રડે. સ્કૂલમાં ગ્રૂપમાં ફરતી હોય, પણ અતડી રહે, વાતમાં અંદર ભળે નહી. દરેક અભિપ્રાય આપે એમાં એ ગુપચુપ ઊભી હોય. શ્લોકાને હમેશા ડર રહેતો કે એ કોઈની સાથે ફ્રેન્ડશીપ કરસે, પછી વાત વાતમાં ઘરની વાતોય કરવી પડે, ક્યારેક ઘરે બોલાવી પડે , તો એના ઘરની સામાન્ય પરિસ્થિતી એ સખીના ખ્યાલમાં આવી જાય, પછી એ ગ્રૂપમાં બધાને કહી દેસે તો? વર્ગમાં બધા મારી મજાક ઉડાવસે, કોઈ મારી સાથે અત્યારે કરે છે એવી વાત પણ નહીં કરે અને મારાથી દૂર ભાગસે, આવા ડરથી એ જ બધાથી દૂર રહેતી. વળી, અહીનું બોલ્ડ વાતાવરણ એને ફાવતું નહીં, ગ્રૂપ ડિસ્કશનમાં જવલ્લે એ કાઇ બોલવા જાય એને કોઈ ચાન્સ જ ન આપે.
સ્કુલવાનમાં એ જતી આવતી. ત્યાં એનું ઘર સ્કૂલથી દૂર એટલે પહેલા લેવા આવતા અને છેલ્લા વાનવાળાં અંકલ ઘરે મૂકવા આવતા. ત્યાં બધાના ઘર અને સોસાયટી જોવે. શ્લોકાએ દિમાગમાં લેવલ બનાવેલું કે આપણી પરિસ્થિતી હોય એમ જ સંબંધ બનાવાય. આપણાથી ભૌતિકતામાં મોટા હોય એવી વ્યક્તિ સાથે ન તો ફ્રેંડશિપ કરાય કે ન વાત કરાય, આ જ ફિલોસોફીના આધારે એ સામેવાળી વ્યક્તિ સાથે વર્તન કરતી અને એના કારણે અતડી થઈ ગઈ હતી. મારુ ઘર બધા કરતાં છેલ્લું આવે છે તો સારું છે કોઈને ખબર પણ ના પડે કે મારુ ઘર નાનું છે. આમને આમ શ્લોકા દિવસો પસાર કરતી.
મન દરેક પ્રસંગમાં કઈક આકર્ષણ શોધી લેતું હોય છે. શ્લોકાને એવું આકર્ષણ મળી ગયું. એટલે કે એને લાગ્યું કે એના જેવી વ્યક્તિ એ એકલી નથી. એના વાનના અંકલ મહાદેવ. ઉમર ઓગણીસ વર્ષની આસપાસ. રંગ ઘઉંવર્ણ. પાતળો બાંધો. હાઇટ પાંચ ફૂટ ત્રણ ઇંચ. સદાય હોઠ પર હાસ્ય રહે. વાન 15 ફૂટના અંતરે હોય તોય ખ્યાલ આવી જાય કેમ કે જોરથી રેડિયો અંદર ચાલુ જ હોય. વાન એકદમ ચકચકાટ હોય, સવારે અને સાંજે બંને સમયે. કાચ પર ફિલમ લગાડેલું હોય. આગળ માતાજીનું નામ અને પાછળ બંને બાજુ કેની અને શ્રેયાંશ લખેલું. કદાચ એમના ભાઈ અને બહેનનું નામ હોય શકે. વાનના સમયે બધા એ ઘરની બહાર આવીને ઊભા રહ્યા હોય પણ જો કોઈ બહાર ન આવ્યું હોય એ પહેલા વાન એ સ્થળે પહોચી જાય તો બૂમ નહીં પાડવાની. અંકલનો યુનિક હોર્ન વાગે. નાના પ્રાથમિકના છોકરાઓ અંકલને કઇ કહી જાય તો હસતાં હસતા સાંભળી લે. અને આગળ પાછળ કે વિન્ડો પર બેસવા ઝગડો થાય એટલે અંકલ હસતાં હસતાં મનાવી પટાવી બધાને બેસાડી દે. આ બિસનેસ એમને ગમતો એટલે એ સદા મોજમાં રહેતા.
શ્લોકાને તો વાનવાળા મનમાં વસી ગયા. જ્યારથી મહાદેવને નોટિસ કરવાનું ચાલુ કર્યું સ્કૂલમાં એક રજા ન પાડે. સવાર અને સાંજ એમને મળવા મળે એટલે મજ્જા આવવા લાગી. બપોરે વાન આવવાનો સમય થાય, અરીસા સામે ગોઠવાઈ જાય, તૈયાર થઈને નીચે આવી જાય, દૂરથી હોર્ન વાગાવાનો આવાજ આવવા લાગે કે પેટમાં અને દિલમાં કઈક કઈક થવા લાગે. હવે મહાદેવને અંકલ કહેવાનું એણે છોડી દીધું. શ્લોકાને હુંફ મળી. મહાદેવનું એટેન્શન મેળવવા માટે શ્લોકાના નખરાં ચાલુ થઈ ગયા. વાનમાં નિયમ કે સવારે છોકરાઓ આગળ અને છોકરીઓ એ પાછળ બેસવાનું. સાંજે ઘરે જતી વખતે છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. સવારે પાછળ બેસવાનું હોય એટલે શ્લોકાને મહાદેવની ઝાંખી બરાબર થાય નહીં. સાંજે એ કોઈ રિસ્ક ન લે. ડ્રાઈવરની પાછળની સીટમાં જ બેસે જેથી ફ્રન્ટ ગ્લાસમાથી સતત મહાદેવનો ચહેરો નિહાળ્યા કરે, સારું લવ સોંગ વાગે ત્યારે મહાદેવની સાથે મનોમન રોમાન્સ કરી લે. સાંજે ઘરે આવે ક્લાસમાં જવાનું, મહાદેવના વિચારો કરતાં સૂઈ જવાનું અને બીજા દિવસે ફટાફટ તૈયાર થઈ મહાદેવને મળવાનું.
મહાદેવ તો એની દુનિયામાં મસ્ત રહે. શ્લોકા મહાદેવ પાછળ દિવસેને દિવસે પાગલ થવા લાગી. આ ટીનએજનો પ્રેમ, મહાદેવ બહુ જ ઓછું બોલતો, જો ક્યારેક વાનની કોઈ છોકરી સાથે વાત કરે તોય એને અદેખાઈ થઈ આવે. ક્યારેક શિક્ષક ગેરહાજર હોય તો બે પીરયડ જેવા વહેલા છોડી દે ત્યારે એક પીરીયડ લાઇબ્રેરીમા બેસે અને અડધો કલાક પહેલા ચાલતી ચાલતી વાનના સ્ટેન્ડે પહોચી જાય ત્યાં બધી વાન આવી જ ગઈ હોય, પોતાની વાનમાં જઇને બેસી જાય. મહાદેવને એના બીજા ડ્રાઈવર મિત્રો સાથે વાતો કરતો નિહાળ્યા કરે. મહાદેવની ઊભા પગે બેસવાની, બીડી પીવાની આદત એ જોવે ત્યારે એને બહુ ચીડ આવે, મનમાં ને મનમાં મહાદેવથી રિસાઈ જાય, મો ફેરવી લે પછી વિચારે કે આદત તો છોડાવી દેવાય, ફરી મો ફેરવીને મહાદેવ સામે જોવે. જે દિવસે મહાદેવની નજર એની નજર સામે મળે ત્યારે તો શ્લોકા ખૂબ ખુશ હોય, મહાદેવની સારી આદતોમાની સતત હસતાં રહેવાની આદત એને ખુદમાં ડેવલપ કરી લીધી. સદા હસતો ફેસ રાખવાનો. આ આદતનો ફાયદો એ થયો કે હાલતા ચાલતા સામે શ્લોકાને હસતાં ચહેરા જ જોવા મળતા. જીવનમાં ઉર્જાનો સંચાર થવા લાગ્યો.
પરીક્ષા ચાલુ થઈ. મહાદેવમાં ને મહાદેવમાં દિવસ પસાર થઈ ગયા કઈ તૈયારી થઈ નહોતી. આવતીકાલે ગુજરાતીની પરીક્ષા છે. રાતના બાર વાગી ગયા છે. ગુજરાતીની ચોપડી બાજુમાં મૂકીને શ્લોકા વિચારોમાં છે આ આખું અઠવાડિયું મહાદેવ વિના કેમ નીકળસે? મહાદેવએ કહેલું કે આવતું અઠવાડિયું આખું એના ભાઈ આવસે બધાને લેવા મૂકવા. બીજા દિવસે સવારે પરીક્ષા છે કઈ વાંચ્યું નથી એવું સમજાઈ રહ્યું છે વાન આવે છે પણ આજે મહાદેવ નથી. બેસી જાય છે. આમ ને આમ પરીક્ષા પતિ ગઈ અને મહાદેવ આવી ગયો. દિવસો પસાર થતાં ગયા. શ્લોકા મહાદેવમાં ડૂબતી ગઈ.
વરસાદનો માહોલ છે હજુ વાન આવી નથી, બધાની વાન ભરાઈ ભરાઈને નીકળી ગઈ છે, નાના છોકરાઓ દોડપકડ રમી રહ્યા છે. છોકરીઓ વાનની રાહ જોઈને કંટાળી છે. અંકલ પર અકળાઈ છે. શ્લોકાને મહાદેવ વિરુદ્ધ શબ્દ સાંભળવો નથી, એ મૌન જ રહે છે. એટલામાં વાન દેખાય છે પણ મહાદેવની નથી કોઈ બીજાની છે એમાં ડ્રાઈવર તરીકે તો મહાદેવ જ આવે છે. બધા ફટાફટ ગોઠવાઇ જાય છે. શ્લોકાને ડ્રાઇવરની પાછળની સીટ મળતી નથી. વિન્ડો પર બેસે છે. વાન સ્પીડમાં આગળ વધી રહી છે, ગુજરાત યુનિવર્સિટી પહોચે છે ત્યાં શ્લોકાની સીટ નીચેનું પાછળનું ટાયર ચાલુ ગાડીમાં નીકળી જાય છે અને સદનસીબે વાન ફક્ત ઝૂકી જાય છે. અંકલ બધાને નીચે ઉતારે છે અને ટાયર લગાવાની તજવીજમાં લાગી જાય છે. યુનિવર્સિટીના નજીક ઊભા રહેલા છોકરાઓ ફોન નિકાળીને ફોટોશૂટ અને વિડિયોશૂટ કરવામાં લાગી જાય છે. ઝડપથી મગજ શાંત રાખીને કામ કરતો જોઈને શ્લોકાને મહાદેવ વધુ ગમવા માંડે છે. દિવસો પસાર થઈ રહ્યા છે શ્લોકાનું પરિણામ ઓછું આવ્યું. અંગ્રેજીમાં નાપાસ થઈ છે. દિવાળી વેકેશન પત્યું. દિવાળી આવી, નુતનવર્ષ ચાલુ થઈ ગયું, શ્લોકા તો મહાદેવ શું કરતો હસે એજ વિચાર્યા કરતી. વળી ચાલુ થઈ. બીજી પરીક્ષા નજીક આવી ગઈ છે. શ્લોકાને મહેનત કરવી જરૂરી છે આવતીકાલે ગુજરાતીનું પેપર છે, છતાં શ્લોકા મહાદેવની આવકની ગણતરીમાં લાગેલી છે. વાનમાં 15 છોકરા બેસાડે છે દરેકની ફી 400 રૂપિયા છે. એટલે મહિને 4500 રૂપિયા અને બીજો વિધ્યાનગરનો ફેરો એના 4000 જેટલા આવતા હસે. કુલ 8500 રૂપિયાની આવક. પપ્પા કહેતા હોય છોકરાઓ તો પથ્થરમાથી પાણી નિકાળે એવા હોવા જોઈએ. મહાદેવ એવો જ છે. આવકની બાબતમાં તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એની અમુક આદત મને નથી ગમતી. એતો હું સુધારી દઈસ. મહાદેવ બહુ ભણેલો નથી. વિચારોનું મેચિંગ થસે નહીં. એના દેસી પરિવાર જોડે ભળવું પડસે. બધુ જ ચાલસે. વિચારો કરતી સૂઈ ગઈ. સવારે વાન આવી, સ્કૂલે બધા પહોચ્યા.
મહાદેવે શ્લોકાને પૂછ્યું – “ તારું પેપર કેટલા વાગ્યે પતવાનું છે?”
શ્લોકાએ કહ્યું – “ 11:30 એ ”
મહાદેવે કહ્યું – “ થોડી રાહ જોવી પડસે ચાલસે?, મારે વિધ્યાનગરનો ફેરો છે. ”
શ્લોકાએ કહ્યું – “હા”
સાત મહિનામાં પહેલીવાર મહાદેવે શ્લોકા સાથે વાત કરી. શ્લોકા તો ગેલમાં આવી ગઈ. હજુ મહાદેવ જોડે વાત કરવી છે. મહાદેવ તો હસતો સ્ટિયરિંગ વળાવીને નીકળી ગયો. શ્લોકા થોડીવાર ઊભી રહી. મહાદેવની વાન 10 ફૂટ જેવી આગળ નીકળી ગઈ હતી. શ્લોકાનું મન ઝૂમી ઉઠ્યું હતું. પરીક્ષા શરૂ થઈ. કઈ વાંચ્યું નહોતું એટલે આવડતું નહોતું. નિબંધ, વિચારવિસ્તાર અને મુદ્દાસર સવાલ એટેન્ડ કરી પાસિંગ માર્કસ લાવાનો ટાર્ગેટ ગોઠવ્યો. નિબંધ “એક સ્વંતંત્ર સેનાનીની આત્મકથા”, પાંચ પાનાં ભરીને લખ્યો. આ પેપર લખતા શ્લોકાને સંતોષ મળ્યો. આમ કરતાં પરીક્ષા પૂરી થઈ ગઈ.
ફરી લાસ્ટ ટર્મનો કોર્સ ચાલુ થઈ ગયો. ગુજરાતીનો પીરીયડ શરૂ થયો. મેડમ આવ્યા. પેપર ચેકીંગનું કામ ચાલતું, એટલે મેડમે વર્ગમાં દરેકને કહ્યું - તમે બધા પહેલા પેપર તો સમજો એમાં નિબંધ “એક સ્વંતંત્ર સેનાનીની આત્મકથા”, લખવાની કહી છે અને 98% એ સૈનિકની આત્મકથા લખી છે. સૌથી સરસ અને પરફેક્ટ નિબંધ એક જ પેપરમાં છે અને એમને આખો નિબંધ વાંચી સંભળાવ્યો. એ શ્લોકાનો નિબંધ હતો. શ્લોકા તો ખુશ થઈ ગઈ. પોતાનામા થોડું ટેલેન્ટ તો છે એવો ભરોસો બેઠો. વળી મોજમાં ફરવા લાગી. એમ કરતાં દિવસ પસાર થઈ ગયો. એક પિરિયડ વહેલા છૂટતા શ્લોકા વાનસ્ટેનડે જવા નીકળી ગઈ, વાન ઊભી જ હતી આ વખતે વાનમાં મહાદેવની બાજુમાં સ્ત્રીપાત્ર બેસેલ હતું. આ સ્ત્રીપાત્રની ઉમર મહાદેવ જેટલી જ જણાઈ આવતી હતી, દેખાવ મહાદેવ અને શ્લોકા કરતાં વધારે રૂપાળો, હાઇટ બંનેની સરખી, એય મહાદેવની જેમ પાતળી અને નાજુક. મહાદેવ એની સામે જોઈ હસ્યે રાખતો અને સામેની વ્યક્તિ શરમાઈને આંખોની પાપણ ઢાળી દે. મહાદેવના ડ્રાઈવર મિત્રો એની વાનની આસપાસ વીંટળાયેલા અને ઠ્ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને શ્લોકાને ખ્યાલ આવી ગયો કે આ મહાદેવની પત્ની, ફિયાન્સી કે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ. શ્લોકા ખુશમાં છે, અત્યારે એને અદેખાઈ નથી થઈ રહી, આ પાત્ર સાથે મહાદેવને ખુશ જોઈને એ પણ ખુશ થઈ રહી છે. મનમાં થોડું દુખ થાય છે અને વિચારો ચાલુ થઈ ગયા છે – મહાદેવ મારા નસીબમાં નથી, પ્રેમ અને સોસ્યલ લાઈફ અલગ છે. મે મહાદેવને પ્રેમી તરીકે જોયો છે ખરાબ વિચાર તો ક્યારેય નથી કર્યા, બસ જો ચાન્સ મળે તો પેલા પાત્રને જઈને કહી આવું કે મહાદેવને સાચવજે એ બહુ ઇનોસન્ટ છે. ઉફ્ફ, કુદરત ઝટકા ય સાચવીને આપે છે. દિલ તૂટી ગયું, છતાં શ્લોકા ગમમાં તો નથી જ કેમ કે સામે ખુદની એક નવી સ્કિલ મળી છે એ મહાદેવના લીધે જ. મહાદેવ કાયમ માટે તો મારો થવાનો જ નહોતો જ્યાં સુધી અહી છું બસ મને જોવા મળે છે એ મારી સામે જોઈને હસે છે એટલું બસ છે મારા માટે તો. બાકી એ ખુશ રહે આ પાત્ર સાથે.. ઘરે આવીને એને મળેલા કોમ્પ્લિમેંટ વિષે બધાને કહે છે, મહાદેવ તો વિસરાતો જ નથી. શ્લોકાને મહાદેવ કોઇની સાથે રીલેશનશિપમાં છે એની કોઈ પરવાહ નથી, એના માટે મહાદેવ હુંફ છે. શ્લોકાના નખરાં ચાલુ જ છે. મહાદેવને જોઈ પોતાની આંખોને ઠંડક આપે છે.
આમ કરતાં વર્ષ પતવાને 20 દિવસની વાર છે. 3 દિવસથી મહાદેવ સોહીલ અંકલને જોડે લઈને ફરે છે. શ્લોકાને થયું આ સોહીલ અંકલને કોઈ એમની વાનના ફેરા નથી લગતા એટલે મહાદેવ જોડે ફર્યા કરે છે. અને મહાદેવની વાન ચલાવે છે. મહાદેવ એની વાન કેમ સોહીલ અંકલને ચાલવા આપે છે પણ? વાન સાંજના ઘર તરફ જઈ રહી છે અને મહાદેવ અમને બધાને કહે છે – “ હવેથી આ સોહીલ અંકલ તમને લેવા મૂકવા આવસે, હું હવેથી સી.એન.ના ફેરા નથી કરવાનો.” શ્લોકાના કાન આ વાક્ય સાંભળીને બંધ થઈ જાય છે. એના જીવનમાં હવે કાઇ બાકી નહીં રહે. મહાદેવે 4-5 દિવસ પહેલા કહ્યું હોય તો માનસિક રીતે તૈયાર થઈ જઈએ, હવે ઘર અવાને થોડીક મિનિટોની જ વાર છે, હવે મહાદેવ ક્યારેય જોવા નહી મળે ? એનું હાસ્ય? હટ યાર શ્લોકા ખરેખર જાહેરમાં રડી ગઈ. એકાદ બે ટીપાં ખોળામાં પડ્યા ત્યારે અહેસાસ થયો, એટલામાં ઘર આવી ગયું. મહાદેવને છેલ્લે છેલ્લે મન ભરીને જોવાયો પણ નહીં, ઘર આવ્યું. વાનમાથી નીચે ઉતરી, ફરીને જોયું મહાદેવ સામે એતો સોહીલ અંકલ જોડે વાતોમાં મશગુલ હતો, દરવાજો બંધ થયો વાન ઉપડી ગઈ. પગમાં ન કોઈ જોમ છે ન કોઈ ઉત્સાહ. ન તો આવતીકાલની કાગડોળે રાહ.
ઓ રે ઓ રે પારેવડા, તું કાલે ઊડી જાજે રે, મારી હાટુ રહી જા ને આજની રાત ....
ઓલી આંબલી ને પીપળી રે, જોસે તારી વાત રે, ભેળા મળી કરસું અમે ફરિયાદ....
શ્લોકા રાત્રે હેંડ્સ્ફ્રી ભરાવીને ગીતની આ કડી વારંવાર સાંભળી રહી હતી. બેડરૂમમાં એના મમ્મી પપ્પા સૂઈ ગયા છે. શ્લોકા ઓશિકામાં મો સંતાડીને અવાજ ન થાય એમ ડૂસકાં ભરી રહી છે. મહાદેવની સાથે એની હુંફ ગઈ. પહેલો પ્રેમ.એનો મનગમતો માણીગર એને છોડીને ચાલ્યો ગયો છે, હવે આ વ્યક્તિ ક્યારે જોવા મળસે? દિવસમાં એક વખતે એની ઝાંખી નિહાળ્યા વગર ચાલતું નથી, હવે દિવસ કેવી રીતે નિકાળીસ? ફરી ડૂસકે ચડી. હજુ તો આખું 12 ધોરણ પસાર કરવાનું છે. પેન આનાયાસે હાથમાં આવે છે, ચોપડોય છે, લખાઈ ગયું શ્લોકાથી.
નફરત, અહંકારીને સ્વાર્થી દુનિયામાં,
હજુ નહોતો વિશ્વાસ ખુદ પર મને,
નિર્મળ, સાત્વિક, ને પવિત્ર પ્રેમ જેવા,
નહોતા પ્રવેશ્યા શબ્દકોશમાં રે,
પ્રેમભરેલ નયનની એક મીટથી તારી,
પીગળ્યું પુનમનું સૌદર્ય આજ રે,
ખલબલી ઉઠ્યું મન,
ને ઝણહણી ઉઠ્યા હ્રદયના તાર,
તરુણાવસ્થાના આવા ઉંબરે,
શું માત્ર પ્રેમ કે આકર્ષણ હતું એ?
ને રખડતાં પૂછવા જવાબ આનો,
ઉષાને વિદાય લેતા રવિને,
અરે, નિશાના શશીને,
ઢંઢોળી ફરી યત્ન કરવા,
પૂછવા વિચિત્ર મનને,
છતાં, અસમંજમાથી સમજણ આવે તે
પહેલા મૂકી ચાલ્યા,
“ચાલ તો હું જાઉં?” કહેતા તમે.
જીવનના છુપા ટેલેન્ટને નિકાળવા કે ખોવાઈ ગયેલા લક્ષ્યને આગળ ધપાવવા પૂરતા જ કુદરત મહાદેવ જેવા પાત્રને જીવનમાં મોકલતા હોય છે, આગળ જતાં શ્લોકાની હુંફ “કવિતા” થઈ ગઈ.
***