મારો શું વાંક N D Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો શું વાંક

મારો શું વાંક?

  • નિધિ દવે ત્રિવેદી
  • અમાસની અંધારી રાતનો સમય. કાળો ધાબળો ઓઢી સૂતેલા આકાશમાં ચંદ્રની ગેરહાજરી વર્તાઇ રહી છે. ચાંદખેડા ફાટકની આજુબાજુની ઝૂપડપટ્ટીના બાળકોમાં ઉત્સાહ છવાઈ રહેલો છે. એમની “બરખાદીદી” થોડાક સમયમાં આવસે અને કઈક નવી વસ્તુ ચાખવા મળસે. બરખા કાર લઈને આવી પહોચી. બધા બાળકો દોડીને તેની આસપાસ ગોઠવાઈ ગયા. બરખાએ ડેકી ખોલી અને પેકેટ્સ વહેચવા લાગી. આજે બરખાનું મેનૂ – પેસ્ટ્રી, ચોકલેટ અને પીઝા છે. જ્યોતિષીની સલાહને આધારે 26 વર્ષની બરખા દર આમાસના દિવસે ગરીબ બાળકોને ખાવાનું વહેચતી. છેલ્લા છ મહિનાથી દર અમાસે એ આ સ્થળની મુલાકાત લઇ રહી છે એટલે થોડો પરિચય એને અહીંનો અને અહીના બાળકોને એનો થઈ ગયો છે. દસેક મિનિટમાં વહેચણીનો કાર્યક્રમ પતિ જતાં ડેકી બંધ કરી બરખા ડ્રાઈવર સીટમાં ગોઠવાઈ ગઈ. “રાઇટ સાઈડ મિરર” સરખો કરવા જતાં પાછળની બાજુએ મેલો ડ્રેસ અને દુપટ્ટો ઓઢીને ઊભેલી છોકરી દેખાઈ. બરખાનું ધ્યાન મિરર સરખો કરવામાં હોવાથી મિરર સરખો કરી એના હાથ સ્ટિયરિંગ પર પાછા આવી ગયા. છતાં છોકરીના આકર્ષણથી આકર્ષાઈને બરખાને ફરી એ છોકરીને જોવાનું મન થઈ આવ્યું. ત્રાંસી નજરે એ છોકરી સામે જોઈ રહી અને એના હાથ કારના લોક પર અટકી ગયા. છોકરીનું ધ્યાન તો એની સામેની ઝૂપડીમાં ભજવાતા દ્રશ્ય તરફ જ છે. બરખા ત્યાં નજર કરે છે ત્યાં સામે-

    “જમુના ક્યાં ગઈ હ, પોણી આપજે મને લી?” – પ્રભુએ બૂમ પાડી.

    “આહિ જ સુ” – ત્રણ ઝૂપડી છોડીને જમુના એની સહેલીને ત્યાથી એની ઝૂપડી પાસે આવીને વીણીને રાખેલી બિસ્લેરીના બોટલમાં ભરીને રાખેલું પાણી એના પપ્પા પ્રભુને આપ્યું.

    પ્રભુ એ પાણી પીધું અને ખાટલામાં આડો પડ્યો.

    જમુના પાછી એની સહેલી જોડે ગોઠવાઈ ગઈ.

    બરખાની નજર ફરી છોકરીની આંખમાંથી છલકાતી માસુમિયત જોવામાં લાગે છે. બરાબર નહાવા ન મળવાને કારણે અને સનટોનની અસર તેની સ્કીન પર દેખાઈ આવે છે તેમજ એકનો એક પહેરી રાખેલો બાંધણીનો મેલોઘેલા ડ્રેસને છુપાવવા માટે જ માથે અને શરીર પર દુપટ્ટો વીંટળાઈને રાખવામા આવ્યું હોય એમ જણાઈ આવે છે. આ નાજુક છોકરીને જોઈને એને એનું રહસ્ય જાણવાની ઈચ્છા તો થઈ આવી. એને ગાડીને સેલ લગાવ્યું ત્યાં એની નજર સીટની બાજુમાં વધેલા બે પેકેટ્સ પર પડી. બરખા આ પેકેટસ પેલી છોકરીને આપવા ગાડીમાથી નીચે ઉતરી. પેલી છોકરીને પેકેટ્સ આપ્યા. તે એ પેકેટ્સ લઈને એની મમ્મી જોડે જતી રહી. બરખા પણ ઘરે આવી ગઈ.

    *******************

    આ બાજુ 4 બી.એચ.કે ટેનામેંટમાં ડાઈનિંગ ટેબલ પર પિન્કી કિરીટભાઈને જમવાનું પીરસી રહી છે. કિરીટભાઈ – “આજે જમવાનો સ્વાદ સરસ છે” આસપાસ નજર કરતાં કોઈ ન દેખાતા – “લાલો, કાનો અને ટીનો ક્યાં?”

    પિંકીબેન – “ખોટા ખોટા રસોઈના વખાણ ન કરીશ. વેકેશન છે તો બધા બહાર રમતા હશે”.

    કિરીટભાઇ – “અને ભાઈ?”

    પિંકીબેન મો બગાડતાં બોલ્યા – “શી ખબર હશે ઘરના કોઈ ખૂણે, આજે તો ઘરમાં આવતા એને જોયા નથી”

    જમવાનું પત્યા બાદ કિરીટભાઇ અને પિન્કી રૂમમાં એકલા છે. એ.સી.ની ઠંડી ઠંડી હવાએ રૂમને ઠડું કરી દીધું છે. પિંકીની સાડીમાથી આવતી માદક પરફ્યુમની સુગંધ કિરીટભાઈને મદહોશ થવા પ્રેરી રહી છે. કિરીટભાઇએ પર્સમાથી પગાર નિકાળીને પિંકીના હાથમાં મૂક્યો અને પાછળના ભાગેથી એને પોતાની બાહુમાં જકડી દીધી. રૂપિયા મળવાના કારણે પિંકીએ કિરીટભાઈને ન રોક્યા. રૂમનું બારણું બંધ થઈ ગયું, ધીમે ધીમે લાઇટ બંધ થઈ ગઈ. બે શરીર અમાસના અંધારામાં એકમેકમાં ઓગળી ગયા. ટીનો – કાનો – લાલો બા પાસે આવીને સૂઈ ગયા. જમાનાદાસ દારૂ પીને બાજુની રૂમમાં પડખા ફેરવી રહ્યા છે. જ્યારે પરિસ્થિતી આપણાં હાથ બહાર જતી રહે ત્યારે જીવન જીવવા માટે દુનિયા સામે લડતા આવડવું જોઈએ નહીં તો ખૂણામાં બેસીને રડતાં આવડવું જોઈએ. જમાનાદાસે દારૂની એક બોટલ પીધા બાદ હોશમાં છે. દર્દ સહન ન થતાં આંખમથી વહી રહ્યું છે. પિન્કી અને કિરીટના ઉહાકારા જમાનાદાસને બાજુની રૂમમાં સંભળાઈ રહ્યા છે. બાકીના ઘરના સભ્યો ગ્રાઉંડ ફ્લોરમાં સૂઈ ગયા છે.

    સવારના આછા આછા સોનેરી કિરણો બારીમાથી થઈને રૂમમાં પ્રવેશ્યા ત્યારે બંનેને સમયનું ભાન થયું. કિરીટભાઇએ પલંગ પરથી ઊભા થઈને કપડાં પહેરતા પિંકીને કહ્યું – “ઓહ, પિન્કી તું આટલી ઉંમરે પણ એવરગ્રીન છે ડાર્લીંગ” પિંકીએ શરમાઈને કિરીટભાઈને હગ કર્યું. બંનેએ કપડાં સરખા કર્યા. પિન્કી રૂમની બહાર નીકળી અને કિરીટભાઇ સૂઈ ગયા. સમય જતાં જમાનાદાસ તૈયાર થઈને પોતાની ઓફિસ જવા નીકળ્યા અને કિરીટભાઇ ટિફિન લઈને ઓફિસ ગયા.

    *******************

    આમ કરતાં દિવસો વીતી ગયા. મહિનાનો સમય થઈ ગયો. બરખા ફરી આવી. પેકેટ્સ વહેચ્યા. પેલી છોકરી એને ક્યાય ન દેખાઈ. ઝૂપડપટ્ટીથી થોડે દૂર બાંધેલી ઝૂપડી આખા વિસ્તારમાં અલગ જ છે. એટલે બરખા સામે ચાલીને ત્યાં પેકેટ્સ આપવા ગઈ. પેલી છોકરીની મમ્મી એ પેકેટ લઈ લીધું. બરખાથી ન રહેવાતા એને પૂછી લીધું – “ તમારી દીકરી ક્યાં ગઈ છે દેખાતી નથી?

    થોડે દૂર અંધારામાં કઈક ખખડયું. લીમડાના ઝાડની ત્રણ બાજુએ જુના ફેંકી દીધેલાં લાકડાના નાના – નાના કટકાઓ ફરતે વીંટળાયેલા છે. એમાથી એક પટ્ટી નીચે પડી અને એમાથી પેલી છોકરી નીકળી. ત્યાં પેલી છોકરીની મમ્મીએ ઈશારો કરીને બરખાને બતાવ્યુ – “પેલી રહી મારી નિકિતા” બરખાએ નાહીને નીકળેલી નિકિતા તરફ નજર કરી.

    બરખા એ પૂછ્યું – “તમે અહી બે જણ જ રહો છો?”

    એકલવડો બાંધો, જૂની પુરાણી સાડી અને નિકિતાની જેમ જ મેલી સાડીને ઢાંકવા માટે માથા ઉપર અને શરીર ફરતે વીંટળાયેલો દુપટ્ટો. એની મમ્મીએ જવાબ આપ્યો – “હા”

    બરખા એ ઉત્સુકતામાં પૂછ્યું – “ કેમ? તમારા પરિવારમાં બીજું કોઈ નથી?”

    નિકિતાના માતા માલાબેને જણાવ્યુ – “છે ને એક પતિ, એક દીકરો, જેઠ, જેઠાણી, તેમના બે બાળકો અને સાસુ છે.”

    બરખા એ પૂછ્યું - “તો એ બધા કેમ દેખાતા નથી?”

    માલાબેને કહ્યું – “હવે શું કહું તમને? મારા પતિ ઇન્કમટેક્ષમાં નોકરી કરે છે, મહિને રૂ. ૯૦,000નો પગાર છે, છતાં અમારે આવામાં રહેવું પડે છે, બેન હું તો અભણ છું, મારી તો નહીં બેન પણ આ દીકરીની ચિંતા થાય છે, કેવા કેવા બનાવ બને છે. ન કરે નારાયણ અને આને કઈ થઈ જાય તો હું ક્યાય મો બતાવવાને લાયક ન રહું.”

    બરખાને વાતમાં રસ પડ્યો - “તમે માંડીને વાત કરોને”

    માલાબેને કહ્યું – “મારા જેઠાણી અને મારા પતિને સંબંધ છે. મે આ વાતનો વિરોધ કર્યો તો અમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા.”

    બરખાએ પૂછ્યું – “તો તમારો દીકરો?”

    માલાબેને કહ્યું – “એ તો એમની પાસે છે, સંબંધો વણસી ગયા બેન”

    બરખાએ પૂછ્યું – “શું તમારા જેઠાણી તમારા કરતાય દેખાવમાં સુંદર છે તો તમારા પતિ એમના પર મોહી પડ્યા.”

    માલાબેને કહ્યું - “ના રે ના, હા પણ બોલવામાં બહુ કુશળ છે અને અમે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. જેઠ ખાનગી નોકરી કરે છે એમનો પગાર એટલો બધો નહોતો, એને લટકાનો બહુ શોખ છે બોલવામાં બહુ મીઠી છે, એટલે પૈસા માટે મારા પતિને ફસાવ્યા છે, જ્યારે લગ્ન કરીને આવી ત્યારે તો બધુ સરસ ચાલી રહ્યું હતું. લગ્નજીવન ગમતું હતું બેન. લગ્ન થયા પછી મારા પતિની થાળી પહેલેથી મારા જેઠાણી જ પીરસે. મારા પતિ અને જેઠ બધો પગાર મારા જેઠાણીને આપી દેતા. મને એવું કે ધીમે ધીમે મારા પતિનું ધ્યાન મારી તરફ પડશે. એમની સેવા કરવાનો લાભ મને મળસે. લગ્નના આટલા વર્ષો પછીય મને એ સૌભાગ્ય પ્રાપ્ત ન થયું. મારા પિયરમાં મારા માતા પિતાનું એકમાત્ર હું સંતાન. સમય પસાર થતાં એ જતાં રહ્યા. અહિ મારે નીકીતા અને ટીનો આવ્યા. ઘરમાં દરેક વાતમાં મારા જેઠાણી કહે એ પ્રમાણે જ ચાલે. મારા જેઠને તો જાહેરમાં જેઠાણી ઉતારી પાડે, અપશબ્દ બોલે. સાસુનું પણ ન ચાલે. બાળકો માટે હું આટલા વર્ષ સહન કરીને રહી.

    એક દિવસ રજાના દિવસે હું ચારેય બાળકોને નજીકના ગાર્ડનમાં રમાડવા માટે લઈ ગઈ. ટીનો લપસણી પરથી પડ્યો અને માથામાં થોડું વાગ્યું એટલે હું બધાને લઈને અડધો કલાકમાતો ઘરે આવી ગઈ. ત્યારે અમારી રૂમમાં મારા જેઠાણી અને પતિને મે પહેલીવાર એકાંત ક્ષણ માણતા જોયા, એક સ્ત્રી તરીકે બધુ સહન થાય પણ હે બેન, આ આઘાત તો કોઈને ન ગમે. મે વિરોધ કર્યો. તો બંનેને કોઈ જાતની અસર જ નહીં. નફફટની જેમ ઊભા થઈને કહે – “અમારી વચ્ચે આજનું નહીં વર્ષોથી લફરુ છે તારે રહેવું હોય તો રહે નહીં તો જ્યાં જવું હોય ત્યાં જ, મને પિન્કી વગર નહીં ચાલે” - પતિના મોએ આવા વાક્ય સાંભળવા માળતા મે મારી જેઠાણીને વાત કરી જોઇ, તો કહે – “તારો પતિ જ મારી અગાળ પાછળ ફર્યા કરે છે એમાં હું શું કરી શકું માલા?”. જેઠ જમાનદાસને વાત કરી તો કહે – “તને હમણાં ખબર પડી, મને તો મારા લગ્નના સાત વર્ષથી આ વાતની જાણ છે, મે વિરોધ કરેલો તો કોઈ મને ગાંઠ્યું નહીં છેલ્લે આંખ આડા કાન કર્યા અને આ બોટલનો સહારો લીધો.” સાસુને મદદ માટે કહ્યું તો કહે – “મને તો બે ટંક જમવા રોટલો મળે એટલે બસ બાકી તમારો સંસાર તમે જાણો,” હું મુંગે મોઢે સહન કરવાનો પ્રયત્ન કરતી, પછી તો એમની પ્રેમલીલા જાહેરમાં – ઘરમાં – મારી સામે ચાલુ થઈ ગઈ, ક્યારેક હું વિરોધ કરું એટલે એ બંનેને હું કાંટાની જેમ ખૂંચવા લાગી, મારા પતિ નાની નાની વાતે મારી પર હાથ ઉપાડતાં. મારી જેઠાણી મને મહેણાં ટોણાં મારતા – “તું અભણ હતી એટલે જ અમે તને આ ઘરમાં લાવેલા, તારામાં તારો પતિ સાચવવાના વેતા નથી, કિરીટ મારો છે અને મારો જ રહેસે, તું ગમે તેટલા ધમપછાડા કરે, કિરીટને મારી પાસેથી નહીં છીનવી શકે.” એકદિવસ અમારા ત્રણ ના ઝગડામાં ને ઝગડામાં મારા પતિએ મારો હાથ પકડીને મને ઘરની બહાર કાઢી મૂકી. નિકિતા અને ટીનિયાને કહ્યું – “તમારે અહી રહેવું હોય તો રહો અને તમારી માં જોડે જવું હોય તો પણ છૂટ છે.” ટીનો તો નાનો છે એને કઈ ખબર પડે નહીં. એ એના બે ભાઈઓ જોડે રમવામાં મશગુલ હતો. આ મારી દીકરી આવી મારી પાસે, હું બહાર રડતી હતી મને ચૂપ કરી મારા માથે હાથ ફેરવ્યો અને અમે બંને આખી રાત ત્યાં બેઠા, દરવાજો ખૂલ્યો નહીં સવારેય મારા પતિ અને જેઠાણીએ મનફાવે એમ બોલીને અમને એ ઘર છોડવા મજબૂર કર્યા. પછી ભટકતાં, રઝળતા અહી આવ્યા.

    બરખાએ પૂછ્યું – “તો તમે કોર્ટ્માં કેસ નથી કર્યો?”

    માલાબેને કહ્યું – “કર્યો છે બેન, પણ એની પાસે રૂપિયાની વગ છે. કોઈ વકીલ બેનને મોકલેલા, એમને મને મનાવી પટાવીને કાગળિયા પર અંગૂઠા લગડાવી દીધા.”

    બરખાએ પૂછ્યું – “તો આ નિકિતાને લખતા વાંચતા નથી આવડતું?”

    માલાબેને કહ્યું – “આવડે છે ને ઘરના ઝગડામાં દસમા ધોરણ સુધી ભણી છે, ધીમે ધીમે વાંચે છે, એ બેને તો વાંચવાનો સમય જ ન આપ્યો. જલ્દી કરો જલ્દી કરો એમ કરી કરીને અંગૂઠા મરાવી દીધા.”

    બરખાએ કહ્યું – “તમે ચિંતા ન કરશો આંટી, હું એક વકીલ છું. તમને વાંધો ન હોય તો એકવાર તમારે માટે કોર્ટમાં પ્રયત્ન કરી જોઉ?”

    માલાબેને એ બે હાથ જોડ્યા - “તો તો બેન ભગવાન તમારું ભલું કરે. છ મહિનાથી ઘર અને વર વગર રખડીએ છે. મને મારા કરતાં વધારે મારી દીકરીની વધારે ચિંતા થઈ રહી છે.”

    બરખાએ નીકીતા સામે જોયું. એ ફરી ઝડપથી ચાલીને થોડી દૂર દ્રશ્ય નિહાળવા ગઈ એ આ સમય દરમિયાન પ્રભુ અને જમુનાનું દ્રશ્ય જોતી અને પછી એની મમ્મી જોડે આવી જતી.

    માલાબેને બરખાને કહ્યું – “રોજ રાતે એ પ્રભુ અને જમુનાને જોવા આમ દોડી જાય છે. એના પપ્પા સાંજે ઘરે આવેને ત્યારે નીકીતા જ એમને પાણી આપતી, મારી તો ઠીક બેન નિકિતાની એમને યાદ નહીં આવતી હોય?”

    બરખા અને માલાબેન નીકીતા સામે જોઈ રહ્યા. ત્યાં દ્રશ્ય પૂરું થતાં જ નીકીતા પાછી માલાબેન જોડે આવતી રહી. બરખાએ નિકિતાને પૂછ્યું – “કોર્ટના કેસના કોઈ કાગળ છે તારી પાસે?”

    નિકિતાએ બરખાના સવાલના બને એટલા ટૂંકમાં જવાબ આપ્યા. વાતચીત દરમિયાન બરખા નિકિતાને હસાવવાનો પ્રયત્ન કરતી અને એની સામે જોઈને હળવું હાસ્ય કરતી. માલાબેન હસતા. પણ નિકિતા તો લાગણીશૂન્ય બની ગઈ હોય એમ લાગતું. ફક્ત કોઈ પણ હાવભાવ વગર એ સામે જોઇને જવાબ આપતી. હા – નામાં આપાય એવા જવાબમાં તો નીકીતા ડોક હલાવીને જ વાત પતાવી દેતી. બરખા માહિતી લઈને ઘરે ગઈ અને પેકેટસની જોડે થોડા રૂપિયા પણ આપ્યા. બીજા દિવસે બંને ફૅમિલી કોર્ટમાં બરખાને મળવા આવ્યા. બરખાએ પોતાના જૂના કપડાં નિકિતાને આપ્યા. કેસ ડિટેલ નિકાળીને આગળની પ્રક્રિયા શરૂ કરી. બરખાએ કેસને મજબૂત કરવા ખૂબ મહેનત કરી. નિકિતાના પપ્પાને જોવાના અરમાન અધૂરા જ રહી ગયા, કેમ કે તેના પપ્પા કોર્ટમાં ન જ આવ્યા. એમના વિધ્વાન વકીલ કિરીટભારી તરફે કેસ લડ્યા. કેસમાં ચુકાદો બરખાની તરફેણમાં આવ્યો. દર મહિને કિરીટભાઈના પગારમાથી અમુક રકમ માલાબેન અને નિકિતાને ભરણપોષણ માટે ચુકાવવાનો હુકમ થયો. આ હુકમને કિરીટભાઇએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો. છતાં નીચલી અદાલતના હુકમમાં કોઈ ફેરફાર હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો નહીં. આમ, માલાબેન અને નિકિતાની રહેવાની જમવાની વ્યવસ્થા થઈ ગઈ.

    બરખાના માર્ગદર્શનથી નીકીતા એ ભણવાનું શરૂ કર્યું. બરખાએ નિકિતાને માનસિક મજબૂત બનાવી. કેસ પત્યા પછી બરખા નિકિતા અને માલાબેનના સ્ંપર્કમાં રહી હતી.

    ****************

    આ બાજુ કુદરતની લાકડીમાં આવાજ નથી એમ સમય જતાં કિરીટભાઈના ઘરે દારૂના લતે ચડી ગયેલા જમાનાદાસ કિડની ડેમેજ થતાં મૃત્યુ પામે છે. કિરીટભાઈના મમ્મી ટૂંકી માંદગી બાદ મૃત્યુ પામે છે. પછી કિરીટભાઈ અને પિંકી થોડાક વર્ષો સ્વર્ગનું સુખ ભોગવે છે, અને સમય જતા પિંકી કેંસરની બીમારીમાં સપડાય છે અને કિરીટભાઈના ઘણા રૂપિયા ખર્ચવા છતાં મૃત્યુ પામે છે. કિરીટભાઇ પર ત્રણ બાળકોની જવાબદારી આવી પડે છે.

    કિરીટભાઈને હવે રિટાયરમેંટના છ મહિના બાકી છે, ઓફિસમાં બધા નવા આવનાર હેડની ચર્ચા કરે છે, કહેવાય છે કે બહુ કડક મિજાજના છે, કિરીટભાઇ તમારે તો સારું હવે છ મહિના જ નિકાળવાનાને, સમયની બાબતમાં મોડુ વહેલું પણ સહેજ ચલાવી નથી લેતા, કામમાં બહુ ઝડપી છે અને ભ્રસ્ટાચારના સખત વિરોધી. આમ ચર્ચા ચાલુ છેને કાર આવી, મેડમ ઉતાર્યા – કિરીટભાઇ તો જોતાં જ રહી ગયા, હૂબહૂ તેમના જેવો જ ચહેરો. કોણ છે આ છોકરી? કિરીટભાઈને કુતૂહલ થયું. તપાસ કરતાં જાણમાં આવ્યું કે એનું નામ નીકીતા છે, કર્મચારીની ડિટેલ શોધતા ફક્ત માતાના નામમાં માલાબેન જણાઈ આવ્યું. કિરીટભાઇને આશ્ચર્ય થયું, કેબિનમાં સ્ટાફ નવા આવનાર મેડમને પોતાનો પરિચય આપવા ગયા.

    “કિરીટભાઇ આ મેડમનો ચહેરો તમારા જેવો જ આવે છે ક્યાક તમારી દીકરી તો નથીને?” – બધા અંદરોઅંદર ચર્ચા કરતાં. કિરીટભાઈની અંગત જીવનથી માહિતગાર કર્મચારીગણ વધારે રકઝકમાં પડ્યા નહીં.

    આ બાજુ કિરીટભાઇના મનને તો ખબર છે કે આ મારી જ દીકરી છે નિકિતા. મનમાં ગર્વ અને આનંદ થઈ રહ્યો છે, જીવનમાં એક માતા - પિતા અને સદગુરુ એવા પાત્રો છે કે એ બાળક અથવા શિષ્યને પોતાના કરતાં વધારે પ્રગતિ કરતાં જોઈને ખુશ થાય છે. કિરીટભાઈ આખરે એક પિતા છે. નિકિતા અને માલાબેન સાથે કરેલું ક્રૂર વર્તન તેમને યાદ આવે છે. ત્યારે જે મોહઆવેગમાં વહી ગયેલા કે દુનિયાના બીજા કોઈ સંબંધ એમને દેખાતા જ ન હતા એને કારણે તેઓ પોતાના ઘણા માણસોને અન્યાય અને દુખી કરી બેસેલા એનો પસ્તાવો થઈ રહ્યો છે. પોતાની દીકરીને મળવાની ઈચ્છા થઈ આવે છે તેઓ હાથમાં એક કાગળ લઈને નિકિતાની કેબિનમાં સહી કરાવવા જાય છે.

    કિરીટભાઇ – “મે આઈ કમ ઇન મેમ”

    નિકિતા – “યસ”

    કિરીટભાઇ – “મેમ આ લીવ એપ્લિકેશનમાં તમારી સહી જોઈએ છે”

    નિકિતા સહી કરે છે. કિરીટભાઇ દીકરીના ચહેરાને નિહાળે છે. કાન અને આંખ તો મારા જેવા જ છે.

    કિરીટભાઇ - “નિકિતા ....

    નિકિતા – “જુઓ મી. કિરીટભાઇ જૂના સંબંધને ખોલવામાં કોઈ મજા નથી, જે પ્રકરણ તમે પૂરું કર્યું છે એ બંધ જ રાખો. હું તો ફક્ત અહી તમારો આભાર માનું છું કે તામરા પગારમાથી દર મહિને મળતી રકમમાથી હું અહી સુધી પહોચી શકી છું તમારો ખૂબ ખૂબ આભાર.”

    કિરીટભાઇ – “એવું ન બોલ બેટા”

    નિકિતા – “તો શું કહું મી. કિરીટભાઇ, તમારા આ આખા પ્રકરણમાં મારો શું વાંક છે એ તો કહો, ફક્ત મારી માને મે સાથ આપ્યો એ જ”

    કિરીટભાઇ નતમસ્તક થઈ ગયા.

    નિકિતા આગળ બોલી – “એકવાર તમને મારી યાદ નહોતી આવી, દુનિયાએ બાપ અને દીકરીના સંબંધને વખાણ્યો છે. દિકરી તો પિતાની લાડકવાયી હોય છે અને દીકરીને મન પિતા હીરો હોય છે, તમને ન આવી મારી યાદ ગજબ કહેવાય. ખેર, જવા દો એ વાત, આપના અંગત સંબંધને કામના સ્થળે ન લાવતા, જેમને તમે તરછોડયા છે હવે એમની પર હક જમાવવાનો પ્રયત્ન પણ ન કરતાં, લો આ એપ્લીકેશન તમારી રજા મંજૂર કરું છું, યુ મે ગો નાઉ થેન્ક યુ.”

    કિરીટભાઇ ચૂપ થઈ ગયા. સાંજે ઘરે જઈને જૂનો આલ્બમ નિકાળીને દીકરીના ફોટોસ જોવે છે. અને જીવનના એ છ વર્ષ પાછા મેળવવા પ્રભુને પ્રાર્થે છે.

    આ બાજુ નીકીતાએ પિતાનો ચહેરો જોવા કરેલી મહેનત ફળે છે. સાંજે બરખાને ફોન કરે છે – “હેલો દીદી, આજે પપ્પા સાથે વાત કરી મળી હું એમને, અને મારે કહેવું હતું એ કહી દીધું”