...અને.. ઓફ ધી રેકર્ડ - પ્રકરણ ૧૭ Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

...અને.. ઓફ ધી રેકર્ડ - પ્રકરણ ૧૭

પ્રકરણ ૧૭

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૭

‘...અને…’

ઑફ ધી રેકર્ડ

...અને ઠાક... ઠાક... ઠાક... ‘ક્લેપિંગ. ઇન્ટરેસ્ટિંગ.’ નતાશાને પ્રસંગનું પૂરેપૂરું ગાંભીર્ય દિમાગમાં ઉતારી ગયાનો અહેસાસ થતાં અવાજ ધીમો અને શાંત રાખીને સત્યાને પ્રશ્ન કર્યો, ‘પછી તમારી રિલેશનશિપમાં આગળ શું થયું?’

સત્યાએ ડાયરી બંધ કરી. તેની નજર સામેથી વિબોધ સાથે ગાળેલા છેલ્લા દસ વર્ષની જિંદગીનાં એક-એક મહિના, દિવસો, વાર, ક્ષણ સડસડાટ પસાર થવા લાગ્યા.

સ્મૃતિઓનો જ્વાળામુખી ફાટી ભૂતકાળની વાતો-યાદોની મહેફિલ સત્યાના સ્વરે શબ્દોનું સ્વરૂપ ધારણ કરી જેલની સલાખો વચ્ચે દબાતા કદમે નાચવાની શરૂ થઈ.

શબ્દકોશની ભાષામાં અમે મિત્રો હતા, પરંતુ અમારું સગપણ એથી વિશેષ હતું. મને વિબોધ હંમેશા સમાન કરતાં સવાયો વધુ લાગ્યો છે. વિબોધ ઘણી વખત એવું કરતો જેનો કોઈ અર્થ સરતો ન હતો. સામેનાં માણસને વિચારતા કરી મૂકે એવું તેનું વર્તન રહેતું. શરૂશરૂમાં દિલદારની સાથે એ દિલચસ્પ લાગતો.

એ મને કાયમ કહેતો, સત્યા.. સ્વભાવ સાથે વ્યવસાય અનુકૂળ ન આવે તો પણ કરવો પડે છે. વ્યવસાય તમારા વ્યક્તિત્વની ઓળખ નથી હોતો. પત્રકારત્વ એ વ્યવસાય છે વેપાર નહીં. પોતાના કાર્યક્ષેત્રનાં જગતમાં દરેક માણસનો એક દસકો હોય છે. મારો દસકો દસકોનો હશે અને બહુ જલ્દીથી આવશે. ગરીબ, જ્ઞાની, અનાથ હોવા છતાં પણ સ્ત્રી ન હોવું મને વધુ નડ્યું છે. હું સ્ત્રી હોત તો મારા ક્ષેત્રમાં આ ઉંમરે આજે આજ ટોચ પર હોત. મારી કારકિર્દીમાં મારું શરીર પુરુષનું છે એટલે રુકાવટો ઊભી થાય છે. પુરુષ હોવાનો નહીં સ્ત્રી ન હોવાનો અફસોસ છે.

ક્યારેક ક્યારેક તો વિબોધના તેજાબી તર્ક મારા મન અને મગજ પર ન ભૂંસાય એવા ઉઝરડા છોડી જતાં હતા. અકારણ ભય લાગ્યા રહેતો, તેને દૂર રહી પ્રેમ કરવો જ વધુ હિતાવહ રહશે એવું મને ઘણીવાર મહેસુસ થતું હતું. કારણ કે, કોલેજટાઇમથી વિબોધ માટે અવનવી છોકરીઓ ફેરવવી એ યુવાનીનું જલતું પ્રતિક હતું. ભીડભર્યા સબંધોમાં એકલતાનાં સમયગાળામાં દિશાશૂન્યતા ભૂલવાનો માર્ગ. હું તેને સમજાવતી. વિબોધ.. સેક્સ પાસે ક્ષણિક એકલતા દૂર કરવાનો ઈલાજ છે, કાયમી નહીં. એ એવું માનતો કે, પ્રેમને શરીરથી અભિવ્યક્ત કરવાની કળા એટલે સેક્સ. દરેક યુવતિ પોતાની ફર્સ્ટ કિસ તેના પતિ કરતાં પ્રેમીને કરવા ઈચ્છતી હોય છે.

મારુ ભાવજગત અને તેનું મનોજગત અંદરોઅંદર અથડાયા કરતું. તેના માટે કોઈપણ સાથે લાગણીજન્ય સંબંધમાં જોડાવવું સાહજીક હતું. તે વારંવાર પ્રેમમાં પડતો અને પ્રેમમાં પડીને વાગતી ઠોકરોને શબ્દોથી કંડાર્યા કરતો. આ પરથી હું તેનો ભૂતકાળ અને વર્તમાન બરાબર સમજી ગઈ હતી. જે રીતે માલિક અને કર્મચારીનાં સંબંધમાં વળતર સૌથી અગત્યની ચીજ છે તે રીતે સ્ત્રી-પુરુષના સંબંધોમાં સેક્સએ સૌથી મહત્વની ચીજ છે. એ સ્ત્રી-પુરુષના સંબંધોમાં સેક્સને પ્રાધાન્ય આપતો.

પછી આગળ જતાં બન્યું એવું.. અંતે વ્યક્તિનું પ્રથમ આકર્ષણ, ફર્સ્ટ લવ તેનો શિક્ષક હોય છે. પ્રા. કૌશર ખાન વિબોધના જીવનમાં આવી વિબોધના જીવનનો, જીવવાનો મહત્ત્વપૂર્ણ ભાગ બનતી ગઈ.

થોડા સમય બાદ એ જ થયું જેનો મને ડર હતો, વિશ્વાસ હતો. વિબોધ પોતાનાથી મોટી ઉંમરની એક તલાકશુદા ઔરત જોડે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યો. કૌશરના કારણે અમારા સંબંધોમાં તણાવ કે તકલીફ ન આવી પણ હા, પછીથી મે મારા તરફથી અમારા સંબંધોને સીમિત કરી નાખ્યા.

ક્લિયર કટ રિઝન કહું? વિબોધને રખાત જોઈતી હતી. અને મને કૌશર ખાન પસંદ ન હતી. બધાને સંતોષ આપવાનો, બધાને પ્રેમ કરવાનો, બધાથી હસીને વાત કરવાની અને બધાનો ગુસ્સો સહન કરવાનો. આવું એક વેશ્યા જ કરી શકે સત્યા નહીં. બધાના માટે બાંધછોડ કરવી મારા હાથની વાત નથી, કોઈ એક માટે હોય તો વાત અલગ છે.

આમ પણ, નવો પ્રેમ જીવોના જૂના હોરમોન્સ બદલી નાખે છે. લવ ચેન્જ મેન. અધુરામાં પૂરું વિબોધ ઓવર સેન્સિટીવ હતો. સંવેદનાથી મોટી બીજી કોઈ વેદના નથી. ઘણા દુ:ખોનું એ કારણ છે. મૃત્યુ બાદ જ કોઈ છોડી જાય એવું હોતું નથી, ઘણા જીવતા પણ છોડી જાય છે. વિબોધ એમાનો એક માણસ હતો.

વિસ્મૃતિ અને યાદની ધૂપછાવમાંથી મન ભાગતા પવનની જેમ વર્તમાનમાં દોડે છે. સત્યાને પ્રશ્ન ઉપજયો, શું હતી અમારા સંબંધોની ફલશ્રુતિ?

અંદરથી એક ધક્કા સાથે પાણીની ભીની લકીર આંખમાંથી સત્યાનાં ગુલાબી ગાલ પર ખેંચાઈ ગઈ. તેણે હાથથી આંસુ લૂછ્યા તો મહેસુસ થયું કે, એ રડી નથી, ભીનાશનો ભ્રમ ભાંગ્યો. તેની આંખો કોરીકટ સૂકાયેલી હતી. કદાચ મન ભીંજાઈને છલકાય ઉઠ્યું.

જીવનસફર દરમિયાન હર મોડ પર દરેક વળાંકે ક્યાંકને ક્યાંક સલાહ સૂચવતા પાટિયાઓ-બોર્ડ્સ આવે, એ ફક્ત વાંચી કાઢવા કે વ્યવહારમાં અપનાવવા એ આપણી પર છે. મારા હિતેચ્છુઓ તરફથી મને વિબોધ અંગે ભલી-બૂરી સલાહો અપાતી રહેતી. તેની જોડે સંપર્ક બનાવી રાખવો યોગ્ય હતો કે અયોગ્ય? ખબર નથી.

પણ હા, વિબોધે મારી આસ્થા અને શ્રદ્ધાને વારંવાર તોડી-મરોડી ચકનાચૂર કરી છે. પત્તાંના મહેલની જેમ મારા વિશ્વાસને તોડ્યો છે. સત્યા પાસે સત્યને અનેક વખત મરોડ્યું છે.

આ બધાનો જરા પણ અફસોસ નથી. દરેક વ્યક્તિ, વસ્તુ અને વિચારમાંથી સુખ અને દુ:ખ બંને મળવા જોઈએ. એકલું સુખ રાતની ઊંઘ હરામ કરી નાંખે છે અને એકલું દુ:ખ દિવસનો આરામ હરામ કરી નાંખે છે.

છેતરામણા શબ્દો નહીં માણસના ઈરાદા હોય છે. સફળતા ઊંઘ ઉડાડી અને નિષ્ફળતા આંખો ખોલી નાંખે છે.

કૌશરનાં પ્રેમ અને થોડી પ્રગતિ બાદ શું ખૂટે? કશું નહીં. એવું સમજી લેવી મોટી ગલતફહમી છે. વિબોધ લાંબી રેસનો ઘોડો નહીં પણ લાંબી રેસના ઘોડાઓ પર દાવ લગાડનાર ખેલાડી હતો. બાજીગર છે એ.

સંબંધો સેવિંગ્સ એકાઉન્ટ જેવા નહીં, કરંટ એકાઉન્ટ જેવા હોવા જોઈએ. રિલેશનશીપમાં નિર્વ્યાજ સ્નેહ અને લાગણીની સતત આપ-લે થતી રહેવી જોઈએ. પ્રેમ, પૈસા અને ખૂબસુરતી સુખી જીવન જીવવામાં કામ આવતા નથી. પ્રેમ અને શરીરનું આકર્ષણ ખતમ થઈ પૈસા, પૈસા અને બસ પૈસા તરફ બધા બળ લગાવીને દોટ મૂકવી પડે છે. ધનથી બધા જ સુખ ખરીદી શકાય છે. સંતોષ સિવાય.

વિબોધના મત અનુસાર, સાહેબોને ખુશ કર્યા વિના સફળતા નથી મળતી. પૈસા માણસની અંદર દટાયેલી સચ્ચાઈ અને ખરાબીઓને બહાર લાવી દે છે. પોતાનાથી દરેક ઊંચા સ્થાને બેસેલા, સમકાલીન સાથીદારોને જોઈને લઘુતાગ્રંથી, નાનપ અનુભવવાને બદલે પોતાના સ્થાનથી નીચી કક્ષાએ બેસેલા સમકાલીન સાથીદારોને જોવા જોઈએ. જો ન હોય તો એ ક્ષેત્ર છોડી બીજા ક્ષેત્રમાં ચાલ્યું જવું જોઈએ. ગમે તેમ કરી રૂપિયા કમાઓ. પૈસા કમાવા સરળ છે, હાથ નહીં મગજ ચલાવો.

આધુનિક ભારતમાં શામ, દામ, દંડ, ભેદમાંથી માત્ર દામથી જ કામ થાય છે. ધીમે ધીમે વિબોધના આદર્શ અને સિદ્ધાંતો બદલવા લાગ્યા. વિબોધ પોતાનું ક્ષેત્ર છોડવા ઈચ્છતો ન હતો. લખવું તેના માટે ધાર્મિક ક્રિયા હતી અને તેનાથી એને પવિત્રતા મળતી હતી. એ આગળનું વિચાર્યા વિના પૈસા માટે કંઈપણ લખી-બોલીને આગળ વધતો ગયો. તેને લખવા અને ન લખવા બંને માટે અઢળક પૈસા મળતા ગયા.

અગણિત અનુભવોને આધારે બે પગ નીચે ખૂંદેલી ધરતી, બે આંખોથી પીધેલી દુનિયા અને છત્રીસ વર્ષનું જીવન જીવી લીધા બાદ ખ્યાલ આવે છે, દરેક માણસની ચામડીની જેમ આત્માનો રંગ જુદો હોય છે. મિત્રોની દુનિયા અને માણસોની દુનિયામાં દુનિયાદારી તફાવત હોય છે. બદલાની અને ન્યાયની ભાવનામાં ફર્ક છે : સ્વર્ગ અને નર્ક જેટલો ફર્ક.

સઘળે ટકી રહેવાના મરણિયા પ્રયાસ સ્વરૂપે નીતિની સોદાબાજી ચાલતી હોય છે. ખાસ કરીને જ્યાં સરસ્વતી અને લક્ષ્મી બંને જોડાયેલા હોય. કલમ અને કંઠની ધાર પર સત્તાઓના નૃત્ય દાવો મારી નજર સમક્ષ ખેલાતા રહ્યા.

વિબોધ સમયની સાથે મશહૂર પત્રકાર વિબોધ જોશી બની ગયો.

એ બધુ સાર્થક હતું પણ અસ્થાયી હતું અને..

ક્રમશ: