Prakruti books and stories free download online pdf in Gujarati

પ્રકૃતિ

વહાલા વાચક મિત્રો

મારુ માતૃભારતી પર આ બીજુ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તે માટે હું માતૃભારતીનો ખૂબ ખૂબ આભારી છું.

તેમજ મારા વાચક મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આપે મારા પ્રથમ પુસ્તકને આપેલ પ્રેમ બદલ...

આપનો પ્રતિભાવ મારા માટે અમૂલ્ય રહેશે

મો:-7567537800

ઈ.મેઈલ-moxmehul@gmail.com

લેખક-મેહુલ સોની.

*પ્રકૃત્તિ*

કુદરતના સાનિધ્યને માણવું એ કેટલું મજાનું હોય છે, ફૂલ,વૃક્ષ,પહાડ,ઝરણાં,દરિયો,નદી

અાનંદ પ્રાપ્ત કરવા માટે કુદરતે પ્રકૃત્તિમાં આપણાંને અવર્ણનિય સૌંદર્ય આપ્યું છે...

ખળખળ વહેતી નદીના કિનારે સાંજના સમયે જ્યારે એકાગ્ર થઈ કલકલ મધુર અવાજને માણતા હોઈએ ત્યારે એમ જ સહજ ધ્યાનની અવસ્થામાં આવી જઈએ.દરિયાના મોજા એ તો દિવ્ય આનંદની અવસ્થામાં લઈ જનારી અમિરી છે..દરિયાની નજીક જ્યારે આપણે હોઈએ ત્યારે કેવો અહેસાસ થાય તે અનુભવી જુઓ મજા પડી જાય!

પ્રકૃતિમાં માણવા માટે ઘણું જ છે, ઠંડક આપતા વૃક્ષો અને સાથે આરોગ્ય પણ આપે છે, પીપળો ઓક્સીજનનું સતત પ્રોડ્કશન કરતો જ હોય, લીમડો કડવો ગુણ મીઠા,બીજા વૃક્ષો ફળ આપે અને વૃક્ષોથી કાગળ,લાકડુ બને પરંતુ પ્રકૃત્તિને માણવી જ હોય તો રોજ એક વૃક્ષ વાવવું જરૂરી તો છે ને?

ફૂલોની સુગંધ કોણે નહી માણી હોય? દરેકને પ્રિય હોય છે,અનેક રંગ-બેરંગી ફૂલો, દરેક ફૂલમાં જુદી-જુદી આહહ સુગંધો અનેરો અહેસાસ!

વરસાદ પડતો હોય, ત્યારે મન મુકીને ઝીલાતું એક એક ટીપુ કેટલું આહલાદક હોય છે!

કુદરતના સાનિધ્યને આપણે કદાચ ભૂલી ગયાં છીએ, માટે જ લાફિંગ કલબોમાં પરાણે હસવું પડે છે...સવારમાં વહેલા જાગીને પરાણે દોડવું પડે છે!AC રૂમમાં પણ ઉંઘ લાવવા માટે ફાંફા મારવા પડે છે...લક્ષ્મી પ્રાપ્તી માટે મનીપ્લાન્ટ ટ્રી મુકવા પડે છે..સુંદરતા માટે બ્યુટી પાર્લરમાં સમય બગાડવો પડે છે, સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેક-અપની જરૂરીઆત થઈ ગઈ છે.....

ઘણું છે....પરંતુ કુદરતના સાનિધ્ય માટે શું દુર-દુર જવું પડશે? અરે ના આપણી આસ-પાસ જ છે એ આહલાદક વાતાવરણ બસ દ્રષ્ટિ બદલીને જોઈએ.

ઠંડી મહેકતી હવાનું સવારમાં ઊગતા સૂર્ય સાથે સ્વાગત કરીએ, હ્રદયમાં ઉઠતા ઉર્મિ ભાવોના અહેસાસને જગાવીએ..કવિઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા હોય છે,

પ્રસિદ્ધ કવિ સુંદરમે

પોતાની કવિતામાં લખ્યું છે. ‘મને ફાગણનું એક ફુલ આપે કે લાલ મોરા, કેસૂડો કામણગારો

જી લોલ’

સરસ મજાની કવિતાની આ પંક્તિમાં પ્રકૃત્તિ માટે વર્ણન કર્યું છે. કેસૂડાના ફુલને કામણગારો કહ્યો છે!

પકૃત્તિ સુંદર જ હોય છે,જેને આપણી લાઈફ સ્ટાઈલ સાથે સંબંધ છે ઘરમાં જ બેઠા રહીએ અને કહીએ કોઈ જગ્યા સારી રહી નથી, પરંતુ પાકૃત્તિક સૌંદર્યને માણવું એ એક કળા છે.આબુ પર સનસાઈટ પોઈન્ટ પર જે સૂર્ય અસ્ત થવાના આનંદને આપણે માણીએ છીએ એ કેટલું આહલાદ્ક હોય છે તેમ જ સવારના આપણા જ વતનના કોઈ ગામડામાં જઈને ખેતર કે પાદર વચ્ચે ઉદય

થતા સૂર્યને નિહાળવાની મજા જ અનેરી હોય છે..સુંદર ફૂલોની વાત જ શીતલતાનો અહેસાસ કરાવી આપતી હોય છે,કવિ રતિલાલ અનિલ ફૂલ વિશે લખે છે ‘વેરાનમાં રહીશ,મને એનું દુ:ખ નથી પણ આસપાસ ક્યાંક સુમન જોઈએ‘

ફૂલ પકૃત્તિનો એક આનંદિત હિસ્સો છે.

પહાડોની વચ્ચે, તેમાથી મધૂર અવાજથી ઝરણાઓની થતી જલધાર માણવાની મઝાજ કંઈક અલગ હોય છે,દરેક જગ્યાએ પકૃત્તિનો આનંદ પ્રાપ્ત થઈ જ શકે,તેને યોગ્ય રીતે જાણીએ,તો કોઈ ખેતરમાં જઈએ ત્યાં ધરતી માની ગોદમાં ઝુમતા હરીયાળા પાકને જોવાની મજા માણીએ અને તળાવના કાંઠે મજાની લહેરખી આવતી હોય છે તે અદ્ભૂત શાંતિનો અનુભવ કરાવે છે. મન મુંઝાય ત્યારે સૌથી પહેલા કોઈ સુંદર વૃક્ષ પાસે પહોંચી જવું શાંતિથી બેસીને વિચાર કરવો આપોઆપ આનંદની લાગણી અનુભવાશે!

પંખીના કલરવને માણીએ છીએ ત્યારે કુદરત પર અહોભાવ થઈ આવે..કુદરતના સાનિધ્યમાં રહેનાર હમેંશા આનંદના સાનિધ્યમાં જ હોય છે

ધ્યાન કરો કોઈ પણ એવી જગ્યાએ જ્યાં વૃક્ષો છે,પક્ષીઓ છે,નદી કે તળાવ હોય ફૂલો હોય ત્યાં લટાર મારો, બેસો,દોડો,શ્વાસોશ્વાસ લો બસ તેનું સાનિધ્ય માણો ઉર્જાવંત બની જશો.

દરિયામાં નહાવા પડીને તેના ઉછળતા મોજા જોઈને બાજુમાં કોઈ મંદિર હોય ત્યાં થોડી વાર આંખ બંધ કરીને પણ કુદરતનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકાય.

હું આકાશ સામે મીટ માંડી જોતો હતો,ઈશ્વરની રાહ ને ઝરમર વરસાદી છાંટા થયાં, સૂર્યને પૂછ્યું તું ઝાંખો કેમ થયો, ત્યાં વાદળે આવી કહ્યું અમે તેને રંગબેરંગી બનાવીશું ને ત્યાં મેઘધનુષ્ય રચાયું, આ વાક્ય પણ ગુલાબી છે.

પકૃત્તિને સાચવવાની જવાબદારી આપણી પોતાની છે,તે હરિયાળી છે તેને માણીશું સાથે સાચવીશું પણ.

ગોકુળમાં જ્યારે, વરસાદ માટે ઈન્દ્ર પુજાની તૈયારી થઈ ત્યારે,શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતની પુજા માટે ગામવાસીઓને સમજાવ્યા અને તેની જ પુજા કરી તે એક પ્રકૃત્તિ દર્શનનો ભાગ છે. પકૃત્તિ એ આરોગ્યદાયક છે,કુદરતી ઉપચારો આજે પણ સફળ અને લોકપ્રિય છે,સુપ્રસિદ્ધ કવિ કાલિદાસે તો મેઘદૂતમમાં પકૃત્તિનુ આહલાદ્ક વર્ણન કર્યું છે. પકૃત્તિને જેવું આપીએ તેવું જ તે પાછું આપે છે..પકૃત્તિ દરેકને માટે સમાન છે.

કવિવર રવીન્દ્રનાથ ટાગોર નું કથન છે; પ્રકૃત્તિ ઈશ્વરની શક્તિનું ક્ષેત્ર છે અને જીવાત્મા તેનો પ્રેમ.

ચોમાસાની રૂતુમાં આકાશે થતી,વિજળી,દોડતી વાદળીઓ, ઝરમરતો વરસાદ દેડકાનું ડ્રાઉ-ડ્રાઉ ભીંજાવાની મોસમ અને ખેતરોમાં મહોરતો પાક બગીચામાં આવતા ફૂલો,એ પ્રકૃત્તિની આગવી છટાને માણવાનો મિજાજ અલગ હોય છે,અને વાસંતી રૂતુમાં રંગ રંગની અલૌકિક રીતે ખીલતી પ્રકૃત્તિ છેક ભીતર સુધી મહેક છોડી જતી હોય છે.

પ્રકૃત્તિ એ જ ઈશ્વર કે કુદરત જેનું યોગ્ય સાનિધ્ય પામવામાં આવે તો જીવન સુંદરતમ બની જાય પહેલાના સમયમાં પ્રકૃત્તિ માટે સુંદર વ્યવસ્થાઓ હતી વિશ્વની લગભગ બધી જ સભ્યતાનો વિકાસ પ્રકૃત્તિની ગોદમાંજ થયો છે,વેદ,પુરાણોમાં પ્રકૃત્તિ માટે ખૂબ લખાયું છે.

મત્સ્યપુરાણમાં કહ્યું છે; સો પુત્ર એક વૃક્ષ સમાન! રૂષી-મુનિઓએ આધ્યાત્મિક ચેતના પ્રકૃત્તિની ગોદમાંથી જ પ્રાપ્ત કરી પ્રકૃત્તિને પ્રેમ કરો તો પ્રકૃત્તિ અનેકગણું આપે છે.

પ્રકૃત્તિને ભૂલ્યાં ત્યારથી ઘણું ગુમાવવાનું શરૂ કરી દીધું આજના સમયમાં પહાડો કપાવા લાગ્યાં,વૃક્ષો એક વવાય ત્યાં ચાર કપાય છે,મોર,કોયલ,કબૂતર,ચકલી જેવા પક્ષીઓની હાજરી ઘટતી જાય છે,પ્રાણીઓ હવે પુસ્તકોના પાને જ જોવા મળે છે,પ્રકૃત્તિને ગુમાવવી એ સૌથી મોટું અપમાન માણસજાતનું છે..

પ્રકૃત્તિ હમેંશા પ્રેમ આપે છે જો તેને અનુકૂળ રહીએ તો પ્રકૃત્તિ પ્રેમાળ છે,તેને માણસ થઈને આપણે જ પ્રદુષિત કરતા આવ્યા છીએ.

ખરેખર પ્રકૃત્તિને માણવી એ જીવનનો એક અમૂલ્ય લહાવો છે. ગુજરાતી ભાષાનાં મહાન કવિ શ્રી ઉમાશંકર જોષીના ગીતમાં પ્રકૃત્તિનું સૌંદર્ય જુઓ;

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજકુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજકુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોષી.

દરેક વ્યક્તિ,પશુ,પંખી જીવ માત્ર પ્રકૃત્તિના આવાસમાં છે, હિમાલયના પહાડો હોય,જુનાગઢ નું ગીર જંગલ હોય,કે ગીરનાર હોય ઘુઘવતો દરિયો હોય,નદીનો કિનારો હોય,કાશ્મીરની સ્વર્ગીય અનૂભુતી હોય પ્રકૃત્તિ સર્વત્ર છે બસ તેને માણીએ એજ અગત્યનું છે.પ્રકૃત્તિ મને ખૂબ જ ગમે છે,પ્રકૃત્તિ આપણી જનની છે તેનું સન્માન કરવું એ આપણી ફરજ છે.પ્રકૃત્તિ પતંગીયુ,પણ હોય,ફૂલ પણ હોય,વૃક્ષ પણ હોય કલરવ કરતા પંખી,ડણક દેતા સાવજ,સુંદર પશુઓ,હરિયાળી લહેરખી,હોય અને માણસના સ્વભાવને પણ પ્રકૃત્તિ કહેવામાં આવી છે.પ્રકૃત્તિ એ સર્વ વ્યાપક છે તે જ કુદરત તે જ ઈશ્વર તે જ ખૂદા તે જ પ્રભુ પ્રકૃત્તિ એ મનુષ્ય જન્મ પહેલા પણ હતી અને મનુષ્યના મૃત્યુ પછી પણ હોય છે...એટલે જ પ્રકૃત્તિ અવિનાશી છે.પ્રકૃત્તિ માટે જેટલું લખાય તેટલુ થોડું છે,તેને શબ્દોમાં વર્ણવી કરતા અહેસાસથી માણવી વધું તાદ્રશ્ય થાય છે......!

લેખક- મેહુલ સોની

Mo- 7567537800

E-mail - moxmehul@gmail.com

માતૃભારતી ટીમ તેમ જ મહેન્દ્ર ભાઈ આભાર સહ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED