Featured Books
શ્રેણી
શેયર કરો

‘...અને..’ ઓફ ધી રેકર્ડ - પ્રકરણ ૧૫

પ્રકરણ ૧૫

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૫

‘...અને...’

ઓફ ધી રેકર્ડ

‘…અને મૂળ વાત. નેતા અને ગુરુ હોવાની પ્રથમ શરત, પ્રાથમિક જરૂરિયાત અને અનિવાર્ય લક્ષણ છે: સારું વક્તા હોવું એ મુજબ મારા ફિલ્ડમાં પત્રકાર જિજ્ઞાસુ હોવો જોઈએ.’

‘જિજ્ઞાસુ કઈ સેન્સમાં?’

‘સવાલો સત્યા સવાલો. સવાલો ઉદભવવા જોઈએ. વિચારશીલ વ્યક્તિત્વ. સતત વિચારતા રહેવાનું. વિચાર સવાલ ઊભા કરે, સવાલ જિજ્ઞાસા, ઉત્સુકતા અને કુતૂહલ.’

‘સવાલો માત્ર હોશિયાર વ્યક્તિને જ ઉદભવે છે. બધા તો એકસરખા હોશિયાર ન હોઈ શકે.’

‘જી... ના. સવાલો કોઈને પણ ઉદભવી શકે. જેટલું મહત્ત્વ જવાબનું છે એટલું જ મહત્ત્વ સવાલનું પણ...’ વિબોધે આગળ બોલતો ગયો, ‘સવાલો યોગ્ય સ્થળ, સમય અને સમસ્યાને અનુરૂપ હોવા જોઈએ. ખાસ કરીને તમે સવાલો પૂછતી વખતે નિષ્પક્ષ નહીં હો તો ચાલશે, નિર્ભય હોવા જરૂરી છે.’

‘નો, ડોન્ટ એગ્રી. સફળતા માટે બહાદુરી જરૂરી છે. પણ સાથે નિષ્પક્ષતા અને તટસ્થતા પણ જરૂરી જ છે.’ સત્યાએ વિબોધના વિચારો સાથે અસહમતિ દાખવી.

‘લુક સત્યા, કોઈપણ ઘટના કે બનાવ એ ઘટના કે બનાવનાં લાગતા-વળગતાઓ માટે ટ્રેજેડી હોય છે. સમાજ માટે એ ન્યૂઝ કહેવાય છે પણ અમારે માટે તો ફક્તને ફક્ત એક સ્ટોરી. ચૂલો સળગતો રાખી પેટની આગ ઠારવાની કવાયત.’

‘ટ્રેજેડી, કોમેડી અને હિસ્ટોરિકલ્સમાંથી જે સબ્જેક્ટ પર સ્ટોરી હોય તે ઓન્લી જસ્ટ ધી ફેક્ટ હોવી જોઈએ.’ સત્યાએ દ્રઢતાથી કીધું.

‘આ બધો મેલોડ્રામા છે. ફલાણું હોવું જોઈએ, ઢીકણું જરૂરી છે.’ વિબોધના અવાજમાં ખટાશ આવી ગઈ. ‘પત્રકારત્વમાં પવિત્રતા અપનાવો તો સાર-અસારનો વિવેક ચૂકાઈ જાય. પાગલપણું દેખાડો તો ભલા-બૂરાની સમજ નીકળી જાય. પેશન અપનાવો તો દિશાભાન ભૂલાઈ જાય. પોફેશનલ બનો તો કેરિયરના શું હાલ થાય ખ્યાલ છે?’

‘ના. હું સરખું સમજી નહીં.’

‘પત્રકાર લખે છે. લેખક લખે છે. કવિ લખે છે. અને ટાઈપ રાઈટર પણ લખે છે. લખવાની સાથે લેખનનું તાત્પર્ય, અનુસંધાન જોડાયેલુ હોય છે. તું લખે છે. મીન્સ કવિતા લખે છે. વ્હાય?’

‘મને શોખ છે કવિતા લખવાનો.’

‘આજ સુધી કેટલા રૂપિયા કમાયા કવિતા લખીને?’

‘હું પૈસા માટે નથી લખતી.’

‘એક્સઝેટલી. જ્યાં લેખન માત્ર શોખથી થતું હોય, જે લેખન પાછળ શોહરત કે વળતરની અપેક્ષા ન હોય તે લેખનમાંથી ભરપૂર સત્યતા ટપકવાની અને જ્યાં લેખન પાછળ કમાઈ અને મે આગળ કહ્યું તેમ ચૂલો સળગતા રહેવાની મથામણ હોય ત્યાં સહી અને ગલતની વાત જ ક્યાં આવે? માત્ર વ્યવસાયલક્ષી અભિગમ.’ વિબોધે પાણીની બોટલ સત્યા પાસે માંગી પાણી પીધું, ખાલી બોટલ ફેંકી સિગારેટ જલાવી. સત્યાએ વિબોધને સિગારેટ પીતા ન રોક્યો.

‘લેખનનો નશો અને પેશો હોવો એ બંનેમાં ફર્ક. જે અનુભવ ન કરતો હોય એ પણ બહુ દિલચસ્પ રીતે લખી શકે એ લેખક. જે અનુભવ કરતો હોય છતા પણ ઉપરી અધિકારીની પરવાનગી વગર ન લખી શકે એ પત્રકાર. આવતીકાલે શું બનવાનું છે તે જણાવવાની આવડત પત્રકારમાં હોવી જોઈએ. પત્રકારોએ જે જણાવ્યું એ કેમ ન બન્યુ તે સમજાવવાની ક્ષમતા લેખકમાં હોવી જોઈએ.’

‘ઈટમીન્સ પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચે સેક્સ અને પ્રેમ જેટલો તફાવત છે.’

વિબોધ હસ્યો.

‘લવ અને લસ્ટ. કહેવાય છે કે, પત્રકારત્વ એટલે ઝડપથી લખાયેલું સાહિત્ય અને સાહિત્ય એટલે ઘૂંટાયેલું પત્રકારત્વ. પત્રકારત્વ મીકેનીક્સ છે, સાહિત્ય મ્યુસિક છે. જો કે આપણે ત્યાં તો લવ એન્ડ સેક્સની જેમ ભાડુતી લેખક અને પત્રકાર બંને ભાઈ સરખા. પત્રકારત્વ આયનો છે તો સાહિત્ય બિલોરી કાચ.’

‘અચ્છા. એટલે હું એ કહેવા ઈચ્છુ છું કે, ગમે તેમ કરીને પણ અંતે તો પત્રકારત્વ અને સાહિત્ય એક સિક્કાની બે બાજુ જ થઈ ને...’

‘હા. ગુજરાતી પત્રકારત્વ આઠ કોલમના ગ્લોસી કાગળમાં અને બત્રીસ ઈંચની ફ્લેટ એલ.ઈ.ડી સ્ક્રીનમાંથી નીકળી હવે ગ્લોબલ બની રહ્યું છે તો બીજી તરફ સાહિત્ય લાઈબ્રેરીનાં કબાટોમાં પુરાતું જાય છે. લેખક સારા વાંચકને અને સારા વાંચક લેખકને શોધતા શોધતા ખુદ ખોવાઈ જાય છે. નીર-ક્ષીરનો ભેદ કરી આપનારા વિવેચકો હવે સારા વાંચકો રહ્યા નથી. લેખન ગુગલના ગર્ભાશયમાંથી અવતરી અવનવા કલમવીરોની લેખનશૈલીનાં વાઘા પહેરી આપણી સક્ષમ અનેકવાર પુન:જન્મ લેતું રહે છે. અને હા ખાસ તો સોશિયલ મીડિયા. મારા અંદાજ મુજબ ૨૦૨૫ સુધીમાં દુનિયામાં કવિઓની સંખ્યા સૌથી વધુ હશે, એ પણ ભારતમાં સોશિયલ મીડિયા પર.’

વિબોધનો કટાક્ષ સત્યાને પસંદ ન પડ્યો. ‘મે ક્યારેય ખુદને કવયિત્રી ગણાવી નથી. ઈમાનદારીપૂર્વક મારી વિવેક બુદ્ધિક્ષમતાથી બે કવિતાસંગ્રહ અને હજાર જેટલી કવિતા લખ્યા પછી હું માત્ર એટલુ જણાવીશ વિબોધ, કલમ અંજાયેલી નહીં, મંજાયેલી હોવી જોઈએ. મે ચિયર લીડર્સ જેવા ઉછળકૂદ કરતા કદરદાન જોયા છે. ક્યાં બાત હૈ.. જેવી વાહવાહી કરીને લાળ ટપકાવી ડેઈટ પર આવવાની ઘટીયા ઓફર હોય કે કવિતાનાં છંદ-લય શીખવવાના બહાના હેઠળ ચાલતા હેરેસમેંટ..’

વિબોધે સત્યાને બોલતા અટકાવી.

‘બધે કાગડા કાળા છે. પ્રકાશકો અને તંત્રીની ઑફિસ કોઠાકેન્દ્ર બની ગઈ છે. જ્યાં કોઈપણ મુજરો કરી જાય છે. સિફારીશો વગર હવે કલમ ચાલે છે પણ લખાણ ફેસબુક, વોટ્સઅપ અને બ્લોગ સિવાય છપાતું નથી. અખબારોમાં નાત-જાત સરખી હોવાનો લાભ મળે છે. આ બાબતે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગત બધાથી વિપરીત છે.’

‘દરબારી રાગ ક્યાં ગુજરાતીને ન ગમે?

‘પોતાને અને બીજાને ખુશ કરવામાં અસત્યથી મોટી દવા બીજી કઈ હોય શકે? આ ફિલ્ડમાં કાયમ સર્વોત્તમની આશ અને કનિષ્ઠની તૈયારી રાખવી જ પડે.’

‘મને ક્યારેક તારા જેવા કેટલાય તાજામાજા, ઉત્સુક, બુદ્ધિવાન, આનંદી, આત્મવિશ્વાસુ યુવાનોની દયા આવે છે, ચિંતા થાય છે.’

‘અતડાપણું, આત્મનિર્ભરતા, અને અડગતા નહીં ગુમાવવાની બસ.. શરૂઆતમાં થોડો રઝળપાટ કરવો પડે છે. દરેકથી સતર્કતા, સાબદાપણું, સાવધાની રાખવાની આવડત જાતે જ શીખી લેવાની. ક્યારે તમે કાવતરાં, ષડયંત્રો, અને વ્યુહરચનાનો ભોગ બની જાઓ એ નક્કી નહીં.’

‘મે ઘણા અનુભવી કલાકારોને બિનઅનુભવી યુવા કલાકારો માટે આગાહીઓ, ધારણાઓ, દીર્ધદ્રષ્ટિઓ કરતાં નિહાળ્યા છે. શું એ સાચું હશે?’

‘એ બધુ જ મર્તબા અને શોહરતની રૂએ થતું હોય છે. એકવાર યશ, ધન, સત્તા અને પદ મળ્યા પછી કઈપણ કહો-લખો-કરો. પાછલા દિવસોની સફળતાની ચમક આગળ બધુ ફિક્કું લાગશે. લોકોને એકવાર માત્ર સફળતા બતાવો પછી તેમને તમે શું છો? શું કરો છો તેનાથી મતલબ રહેતો નથી. પેજ-થ્રી પર છપાતા જાણીતા ચહેરાઑ અને મેગેજીન્સનાં કવર પેજીસ પર આવતી સફળ લોકોની સ્ટોરી ગમે તેટલી નકારાત્મક કે શર્મનાક કેમ ન હોય? એમના ફેન્સ માટે એ ગોસીપ અને પબ્લિસર માટે એ માર્કેટિંગનો હોટ ઈશ્યુ છે. આમ પણ આપણાં દેશમાં ચિપપબ્લિસિટીનું માર્કેટ ઓલવેયસ એવરગ્રીન રહ્યું છે.’

સત્યા ચૂપ થઈ ગઈ.

‘એક ફારસી શેર છે. બે વસ્તુ કવિતાની મજા બગાડે છે. એક જાણકારનું મૌન અને બીજું બેવકૂફની દાદ. હું કવિ નથી કે કવિતા કરી શકું પણ તું કેમ મૌન થઈ ગઈ?’

‘કશું નહીં વિબોધ.’ સત્યા વિસ્મયથી વિસ્ફારીત નજરે વિબોધને ટીકીને જોતી હતી. ‘તો તું આ બધુ છોડી કે મૂકી કેમ નથી દેતો?’

‘એક ડિગ્રીનો સોનેરી કાગડીયો મેળવવા આ બધુ સહન કરવાનું છે. જે માણસે બેકારી અનુભવી છે, મુફલીસી ભોગવી છે તે માણસે સમર્પણની પોતાની અલગ વ્યાખ્યા શોધી કાઢી છે. હું આ બધુ સમર્પણ સમજુ છું. મુફલીસી અને મુકદ્દરનાં આરોહ-અવરોહમાં જીવનવ્યવસ્થા ખોરવાઈ જાય છે. ત્યારે ગમે તેટલું અશક્ય કામ પણ અસંખ્ય વાર કરવાની મજા આપોઆપ અપાવી દે છે. ભૂખ લાગે ત્યારે ત્રણ દિવસની જૂની ઠંડી સુખી રોટી પણ ડબલ બટરરોટી પાસે પસંદની જંગમાં જીતી જાય છે.’

‘તારી વાતો પરથી તો પત્રકારત્વ પીચાશ જેવુ લાગે છે.’

‘પીચાશ નહીં, પરપોટા જેવુ છે. આ વ્યવસાયમાં થતી એક નાનકડી ભૂલ કે ગેરસમજણ ઘણાનો ભોગ લઈ લે છે. તથ્ય પારખવાની સંપૂર્ણ છૂટ છે, પણ તથ્યને પ્રસ્તુત કરવાની નહીં. આ ચર્ચા માત્ર છે. વ્યાવહારિક રીતે જો આ ચર્ચા જાહેરમાં થાય તો પણ નિષ્કર્ષ કઈ જ ના નીકળે.’

‘ગંદા હૈ પર ધંધા હૈ.’

વિબોધે મુઠ્ઠીવાળી કહ્યું, ‘એક પ્રામાણિક પત્રકાર સત્યા. બસ ફક્ત એક પ્રામાણિક. મને ખાતરી છે એક નિષ્ઠાવાન પત્રકાર આખા પ્રેસને પ્રામાણિક બનાવી શકે છે.’

વિબોધ જોડે વાત કરતાં સમય સત્યા વચ્ચે-વચ્ચે ડાયરીમાં લખતી જતી હતી.

‘તું ડાયરીમાં શું લખે છે?’

‘કવિતા. અધૂરી કવિતા. પૂરી લખાઈ જશે ત્યારે તને વંચાવીને સમર્પિત કરીશ.’

વિબોધે સત્યાને હગ આપ્યું, અને..

ક્રમશ: