...Ane off the Record - Part-12 Bhavya Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

...Ane off the Record - Part-12

પ્રકરણ ૧૨

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

લેખકનો પરીચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

પ્રકરણ ૧૨

‘...અને..’

ઓફ ધી રેકર્ડ

...અને સત્યા વિબોધની ડાયરીમાં ખોવાતી જતી હતી તેમ તેમ તેનામાં અવનવી લાગણીઓ જન્મી રહી હતી. ક્રોધ, ખિન્નતા સાથે તેણે ડાયરી બંધ કરી દીધી. ભૂતકાળમાંથી વર્તમાનમાં જીવંત બની ઊભા થઈ ટેબલને ગુસ્સાથી લાત મારી.

‘બાસ્ટર્ડ... કૌશર.’

ઘડિયાળ રાતના અગિયાર અને પંદરનો ચોક્કસ સમય દર્શાવી રહી હતી. સત્યાનાં ગળામાં તરસ સાથે પેટમાં થોડી ભૂખ જન્મી રહી હતી. તેણે આમતેમ આંટા માર્યા. અખબાર બાજુ પરથી ઉઠાવી નજર ફેરવી ત્યાં ઓરડામાં ઈલાક્ષી વકીલોની ફોજને લઈ હાજર થઈ.

‘ડિયર...’ ઈલાક્ષી અને સત્યા એકબીજાને જોતાની સાથે જ ભેટી પડ્યાં. ઈલાક્ષીએ પોતાનાથી ચોંટેલી સત્યાના પીઠ પર હાથ ફેરવ્યો.

‘આર યુ ઓકે?’

‘યાહ...’

‘ફિકર નોટ. હું આવી ગઈ છું. બધું ઠીક થઈ જશે. ઓકે?’ ઈલાક્ષીએ સત્યાની ચિબુક પકડી, ‘બટ...’ સત્યાએ ઈલાક્ષીની આંખોમાં જોયું, ‘હી ઈઝ નો મોર.’

સત્યા જોરશોરથી હસવા લાગી. ‘તું પણ...’ આસપાસ ઉભેલા વકીલસાહેબો એકબીજાની સામે ચોંકીને જોવા લાગ્યા.

‘સત્યા એકસેપ્ટ ઈટ.’ ઈલાક્ષીએ સત્યાને બાવડું પકડીને હચમચાવી. ‘વિબોધ ઈસ નો મોર.’

‘વિબોધનું મોત કોઈ કૂતરા બિલાડા કે ભાડાનાં પપ્પુ ટટ્ટુઓના હાથે લખાયેલું નથી.’ સત્યાએ પોતાની વાતની ખાતરી અપાવવા માટે અવાજ ઊંચો કર્યો. ‘એ વિબોધ છે. મર્યા પછી પણ જીવતો રહેવાનો. સ્ટીલ વિબોધ ઈસ લાઈવ. બે ચાર બુલેટથી એ લોખંડી મનોબળનો માણસ મરી જાય એ વાત કોઈને ભલે હજમ થાય, મને ગળે ઉતરે તેવી નથી. તને ખબર છે ઈલાક્ષી? પુરુષો અંદરથી સ્ત્રી કરતાં પણ વધુ જિદ્દી હોય છે. તૂટેલા પુરુષોને તેમની જિદ જીવાડતી હોય છે. એ તોફાની માણસ આમ અચાનક આ ફાની દુનિયા છોડી ના જઈ શકે. તેને જીવ સાથે જીવવાનું વ્યસન છે. તે શું કોઈનાં હાથે મરશે?’

‘અવાજ ઊંચો કરી લેવાથી પોતાની વાત સાચી સાબિત થતી નથી. હમણાં જ ડૉક્ટર્સે પ્રેસ કોન્ફરેન્સ કરી તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મીડિયામાં જાહેર કર્યો છે. આ રહી તેની નકલ.’

સત્યાએ પી.એમ રિપોર્ટ જોઈને કહ્યું, ‘આ બનાવટી રિપોર્ટ છે. બધા વેચાઈ ગયા છે. મને હવે કોઈના પર ભરોસો રહ્યો નથી.’

‘સત્યા તેં વિબોધ પર ફાયરિંગ કર્યું છે.’

‘એ જૂઠ છે.’

‘ઘટના સ્થળેથી તારી માલિકીની રિવોલ્વર પોલીસને મળી આવી છે. શું એ તારી નથી?’

‘હા, એ મારી છે.’

‘તેં ફાયર કરેલું?’

‘યસ... પણ મેં વિબોધ પર ફાયર નથી કર્યું. હું એ કરી ન શકું. હવામાં ગોળીબાર કર્યા બાદ પિસ્તોલનો ઘા કરી હું ત્યાંથી જતી રહી હતી.’

‘બધા પુરાવા તારી વિરુદ્ધમાં છે. જામીન મળવા પણ અઘરા થઈ જશે. હું તને સાચી સમજું છું, પણ કોર્ટ તો પુરાવા માગશે? તને કોઈ પર શક...?’

સત્યાએ ઈલાક્ષી સાથે આવેલા વકીલો સામે જોઈ કહ્યું, ‘મને જામીન મળે, ન મળે પરવા નથી. આ મને ફસાવવાની કોઈ દ્વારા બહુ મોટી સાઝીશ ઘડાઈ છે. એક કાંકરે બે પક્ષીને મારવાનું ષડયંત્ર.’ સત્યાએ ઈલાક્ષીનાં હાથ પકડ્યાં, ‘વિબોધ જ્યાં હશે ત્યાંથી આવશે. કોર્ટમાં હાજર થઈ બયાન આપશે. આપણે આ કોઈ કાળા કાગડાઓની જરૂર નથી.’ સત્યાએ વકીલો તરફ આંગળી ચીંધી, ‘મારી વકીલાત હું ખુદ કરીશ. કેમ કે મારી વાત મારા પક્ષનાં લોકો ન માન્ય રાખે, મારી પર વિશ્વાસ ન કરે તો મારે કોઈ એવા તકલાદી તરફદારોની જરૂર નથી. ગેટ લોસ્ટ.’

ઈલાક્ષી જોડે આવેલાં વકીલોએ એકબીજાની સામે જોયું અને ગુસ્સામાં ઓરડામાંથી ચાલ્યા ગયા. સત્યાએ કરેલું તેમનું અપમાન ઈલાક્ષીને પસંદ ન પડ્યું. એ યોગ્ય પણ ન હતું.

‘હોશમાં આવ સત્યા. તારા ગુસ્સાને કાબૂમાં રાખ. તું જે મનફાવે તેમ આવેશભર્યું આચરણ કરી રહી છે તેનું પરિણામ શું આવી શકે તેનો અંદાજો તને છે છતાં પણ...’

સત્યા નિ:શબ્દ બની ગઈ. ઈલાક્ષીએ પર્સમાંથી પાણીની બોટલ કાઢીને સત્યા સામે ધરી.

‘બી રિલેક્સ...’

‘મેં વિબોધની ડાયરી થોડી વાંચી. પણ...’

‘તેમાં લખ્યું છે એવું કશું? તમારા બંનેનાં દુશ્મન વિશે? કોઈ એવી વાત કે એવિડન્સ?’

‘ડાયરી થોડી જ વાંચી છે. એ દરમિયાન એવું કશું વિબોધે લખ્યું નથી જે પરથી કંઈ ખ્યાલ આવી શકે. આગળની ખબર નથી. અત્યારે મારા અને વિબોધનાં ઘણા વિરોધીઓ છે.’

‘તેમાંથી જ કોઈ એક હશે. આઇ અમ શ્યોર.’

‘કોઈનું પણ નામ લેવું એ અંધારામાં તીર મારવા જેવું છે.’

‘કાલે કોર્ટમાં શું કરશું? તેં વિબોધ પર કેમ ગોળીઓ ચલાવી, વ્હાય સત્યા વ્હાય?’

‘એ થઈ ગયું બસ...’ સત્યાએ ઈલાક્ષીને ખચકાતાં ખચકાતાં કીધું.

‘ઓકે. તું મને ન કહીશ. બટ આવતી કાલે કોર્ટમાં શું કહીશ? પોલીસ અને સરકારી વકીલ તરફથી તારા રિમાન્ડ માગવામાં આવશે. પૂછપરછ થશે. ત્યારે?’

‘ઈલાક્ષી પ્લિઝ, સ્ટોપ ઈટ. મને બધો ખ્યાલ છે મારી જોડે હવે શું થશે, શું નહીં. શું પુછાશે, શું કહેવાશે. વગેરે વગરે.’

‘ધેન વ્હોટ ઈઝ નેક્સ્ટ?’

‘વિબોધ પાછો આવશે? એ બધું ઠીક કરી નાંખશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે. મારો આત્મા કહે છે કે એ જીવતો છે.’

ઈલાક્ષી સત્યાને આમેન કહી ચાલી ગઈ. સત્યા સુમ્મા આમેન કહે એટલું પણ સાંભળવા તે ન રોકાઈ. ઈલાક્ષીના ગયા બાદ સત્યાને મળવા બીજા કેટલાક મોટા ગજાના લોકો, સગા-સંબંધીઓ, હિતેચ્છુઓ આવ્યા અને ગયા. મોડી રાત પછી સત્યાએ વિબોધની ડાયરી ન વાંચી. વહેલી સવાર સુધી એક પછી એક ચા અને સિગારેટ તેણે પીધા કરી અને એક ને એક અખબાર અને ખબરો ફરી ફરી વાંચ્યા કર્યાં. જોતજોતાંમાં સવાર પડી ગઈ.

રાજકારણ, કલા અને મીડિયા જગતને જે સવારની રાહ હતી એ સવાર ઊગી. લોકો પોતાના ટી.વી સેટ સામે ગોઠવાઈ ગયા.

‘સુદર્શન અખબારના તંત્રી વિબોધ જોશીની હત્યા મામલે આજે થશે અખબારની માલકણ સત્યા શર્માની કોર્ટમાં હાજરી.’

‘ક્રૂરતાથી પોતાના અખબારના તંત્રીની હત્યા કરવાના આરોપસર પોલીસ માગી શકે છે સત્યા શર્માના થર્ડ ડિગ્રી રિમાન્ડ.’

‘સૌરાષ્ટ્રના પત્રકારત્વ જગત અને સાહિત્ય જગતનો આજે કાળો સ્યાહી જેવો દાગદાર દિવસ. જૂના બે મિત્રો વચ્ચે અણબનાવ થતાં કવયિત્રીના હાથે પત્રકારનું ખૂન.’

આજ કી તાજા ખબર... તાજા ખબર...

‘વિબોધ જોશીની હત્યા સંદર્ભે કૌશરનું મૌન. કોર્ટમાં હાજર નહીં રહે.’

સત્યાને અનેક અડચણો વચ્ચે, ધક્કામુક્કીમાં કડક સુરક્ષા સાથે પોલીસ વાનમાં બેસાડીને ન્યાયાલયમાં હાજર કરવામાં આવી.

તમામ ન્યૂઝ ચેનલો પર લાઈવ મીડિયા કવરેજ શરૂ થઈ ગયું હતું.

‘કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. કોર્ટરૂમમાં જજ્જ, સરકારી વકીલ, આરોપી અને પોલીસ સિવાય કોઈપણ બહારની વ્યક્તિને પ્રવેશ પર મનાઈ ફરમાવી આપવામાં આવી છે.’

‘કોર્ટરૂમમાં અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની અમારા સંવાદદાતા કોશિશ કરી રહ્યા છે. ટૂંક સમયમાં સરકારી વકીલ અને પોલીસ બહાર આવી પ્રેસને તમામ બાબત જણાવે તેવી શક્યતા.’

કોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ. પોલીસ મહિલા અધ્યક્ષ અને બીજા અધિકારી સત્યાને લઈને બહાર નીકળ્યા. દરેક તરફથી સત્યાને કેમેરા અને માઈકથી ઘેરી લેવામાં આવી. સત્યા કશું બોલવાના મૂડમાં ન હતી. મહામહેનતે તેને ધક્કામૂકી વચ્ચે પોલીસવાનમાં ચડાવવામાં આવી. આ પરથી સાબિત થઈ ગયું કે, સત્યાને પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલવામાં આવી છે.

સરકારી વકીલે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ‘વિબોધ જોશી જેમની ગઈ કાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી એ હત્યાનાં આરોપી સત્યા શર્માનાં કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. સાથે કેસની પેચીદગી જોતાં પોલીસને જલ્દીથી જલ્દી ચાર્જશીટ બનાવી કોર્ટમાં કેસ ચલાલવા સૂચવ્યું છે. વધુ સવાલ આપ કમિશ્નરસાહેબને પૂછી શકો છો.’

‘સર...’ ‘સર...’

‘બધા પુરાવા આરોપીની વિરુદ્ધમાં છે. આરોપી તરફથી કોર્ટમાં જે દલીલો થઈ તે તદ્દન વાહિયાત હતી. બુનિયાદ વિનાની હતી. સી.સી. ટી.વી. ફૂટેજમાં બધું સાફ સાફ દેખાઈ આવ્યું છે. ઘટનાસ્થળેથી મળી આવેલા હથિયાર પર આરોપીના આંગળીના નિશાન છે. આરોપીએ ફાયરિંગ કર્યું છે એવું તે ખુદ કબૂલ કરે છે. આ કેસ એટલો તો તેમની વિરુદ્ધ છે કે એકપણ વકીલ તેમનો કેસ લડવા રાજી નથી. નામદાર કોર્ટ આરોપીને આકરામાં આકરી સજા કરે અને ભવિષ્યમાં લોકો આ કેસ પરથી સબક લે એ માટે હજુ વધુ પુરાવા ભેગા કરીશું. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરી ટૂંક સમયમાં ચાર્જશીટ પણ કોર્ટમાં જમા કરાવીશું.’

સત્યાને મહિલા પોલીસ હેડ ક્વાટરમાં લાવવામાં આવી. જ્યાં તેની ત્રણ દિવસ સુધી સવાર-સાંજ આકરી ઉલટતપાસ થતી હતી. ત્રણ દિવસનાં પોલીસ રિમાન્ડ બાદ સત્યાને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવી. અને..

ક્રમશ: