The Last Year: Chapter-6 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Last Year: Chapter-6

ધ લાસ્ટ યર

સ્ટોરી ઓફ એન્જીનીયરીંગ

~ હિરેન કવાડ ~

અર્પણ

મારા એન્જીનીયરીંગના મીત્રોને, જેમની લાઇફ જોઇને આ સ્ટોરી લખવાની ઇન્સ્પીરેશન મળી છે. મારા વાંચકોને જેમણે હંમેશા મારી સ્ટોરીઝને એપ્રીશીએટ કરી છે અને પ્રેમ આપ્યો છે.

પ્રસ્તાવના

ઘણીવાર સ્ટોરીઝ વાંચ્યા પછી રીડર્સ પુછતા હોય છે કે આ સ્ટોરી તમારી લાઇફની છે? એટલે પહેલા જ કહી દવ. ના આ સ્ટોરી મારી લાઇફની નથી. આ સ્ટોરી કમ્પ્લીટલી ફીક્શન છે.

બીજું મારે એક રીક્વેસ્ટ કરવી છે. આ સ્ટોરીમાં ઘણી એવી વસ્તુઓ છે ઘણાને ગમે ઘણાને ન પણ ગમે, એ તો રહેવાનુ જ. સ્ટોરીનો પ્લોટ પણ એવો જ બોલ્ડ છે. વિનંતી એ કે આ સ્ટોરી વાંચ્યા પછી, સ્ટોરી પરથી બસ મને જજ ન કરવો. દરેક લેખકને સ્ટોરી લખતી વખતે એને જીવવાની પણ હોય છે, એનો મતલબ એવો નથી કે પાત્રોના વિચારો એ જ લેખકના વિચારો છે. સો માય હમ્બલ રીક્વેસ્ટ ઇઝ ટુ નોટ ટુ જજ મી આફ્ટર રીડીંગ ધીઝ સ્ટોરી. કારણ કે સ્ટોરી ઘણી બોલ્ડ અને ઇરોટીક પણ હશે.

મારી લગભગ બધી સ્ટોરીઝ એન્જીનીયરીંગની હોય છે. એનુ એક જ કારણ છે, મેં એન્જીનીયરીંગને ખુબ એક્સપ્લોર કર્યુ છે. આ એન્જીનીયરીંગ સ્ટુડન્ટ્સની રીઆલીટી, ઇમેજીનેશન અને ફેન્ટાસીની વચ્ચે હીલોળા લેતી સ્ટોરી છે. આશા રાખુ છુ તમને ગમશે.

ચેપ્ટર-૬

5.00 PM

આગળ આપણે જોયુ,

ત્રીજા સેમેસ્ટરની દારૂની પાર્ટી પછી ડેવીડનુ ખુન થઇ જાય છે. એ જ રાત્રે હર્ષને શ્રુતિ મળી હોય છે. બધાને વસીમ પર શક જાય છે. બે વર્ષ પછી ફરી કોલેજ શરૂ થાય છે. નવા વર્ષમાં હર્ષની મુલાકાત શ્રુતિ અને સ્મિતા મેમ સાથે થાય છે. એચ.ઓ.ડીની પનીશમેન્ટ મળે છે. પનીશમેન્ટનો બદલો લેવા માટે હર્શ, નીલ અને નીતુ કેટલીક કરતુત કરે છે. એ દિવસે સવારે જ સ્મિતા મેમ હર્ષને કોલેજમાં જોઇ જાય છે. એચ.ઓ.ડી હર્ષ અને નીલને મીટીંગ માટે બોલાવે છે. સ્મિતામેમ હર્ષનો બચાવ કરે છે.

હવે આગળ…

***

નીલ, નીતુ અને રોહન સાડા ચાર પહેલા જ કોલેજથી ઘરે જવા માટે નીકળી ગયા ગતા. હવે મેડમ પાસે બુક લેવા જવાનુ એક કારણ જ નહોતુ પણ સવાલો પણ એમને મળવાનુ કારણ બની ચુક્યા હતા. મને નહોતુ લાગતુ કે તે બધા સ્ટુડન્ટને આવી રીતે બચાવે. હું મારી જાતને એના માટે કારણભુત ગણતો હતો. હું મનમાં એક વિચાર ઠસાવીને બેસી ગયો હતો કે મેડમને મારા તરફ અટ્રેક્શન થઇ ગયુ છે…!!! હું જનરલ ડીપાર્ટમેન્ટમાં પાંચ વાગ્યા પહેલા જ પહોંચી ગયો હતો. પણ સ્ટાફરુમમાં મેથ્સના રશ્દિ સર સિવાય કોઇ નહોતુ. એ પણ એના ટેબલના ડ્રોઅરમાં ટેબલ પરની બધી વસ્તુઓને મુકીને જવાની તૈયારીમાં હતા.

‘સર સ્મિતા મેમ…..?’, હું રશ્દિ સર પાસે ગયો અને મેં પુછ્યુ. એમણે એમના ટેબલથી ડાબી તરફના ટેબલ તરફ નજર કરી.

‘મેડમનું બેગ તો અહિં પડ્યુ છે એટલે એ લેકચરમાં હશે. બસ લેકચર પુરો થવાની તૈયારીમાં જ હશે.’

‘ઓકે. થેંક્યુ સર’,

હું જનરલ ડીપાર્ટમેન્ટના સ્ટાફરૂમમાંથી બહાર નીકળ્યો અને બહાર એક બારમાસી ફુલના છોડ પાસે જઇ એના પાંદડાને તોડી બેચેનીમાં પાંદડા ને મસળવા લાગ્યો.

‘હર્ષ…!! તો તુ આવી ગયો…?’, મેડમે ઠંડાઇથી પુછ્યુ.

‘હા મેમ તમે પાંચ વાગે બોલાવ્યો હતો ને નોવેલ લેવા માટે….!’,

‘અંદર આવ… માત્ર નોવેલ જ…? મને તો એમ હતુ કે તારી પાસે આજે એક વાગ્યા પછી ઘણા બધા સવાલો હશે…?’, મેડમે એમના ગોરા ચહેરા પર હલકુ સ્મિત લાવતા કહ્યુ જેનાથી એમનો ચહેરો કોઇ મીસ વર્લ્ડથી કમ નહોતો લાગતો.

‘અરે મેમ શું વાત કરુ….. સાચુ કહું તો બપોર પછી હું મારુ ધ્યાન કોઇ પણ કામમાં લગાવી નથી શક્યો, એક જ સવાલ વારંવાર આવે છે કે મેડમે જુઠુ બોલીને અમને શા માટે બચાવ્યા….?’, હું ધીમા અવાજે સ્માઇલ કરતા બોલ્યો.

‘મને તો આ કોણે કર્યુ. એ તે દિવસે જ ખબર પડી ગઇ હતી જે દિવસે તારા કપાળ પરથી લોહી વહેતુ જોયુ હતુ. પણ એ નહોતી ખબર કે આમા તારી સિવાય કોઇ બીજુ પણ શામેલ છે…!’, મેડમે ખુલાસો કર્યો.

‘સાચુ કહુ તો તે દિવસે અમે ત્રણ સ્ટુડન્ટ હતા. નીતુ મારી જુનીયર અને નીલની સીસ્ટર પણ એ દિવસે અમારી સાથે હતી.’, મેં સ્ટીકર ચોટાડવાથી માંડીને હોસ્પીટલ સુધીની વાત મેડમની સામેની ચેઇરમાં બેસીને ડીટેઇલમાં કહી.

‘બટ મેમ તમે અમને શામાટે બચાવ્યા એ તમે ના કહ્યુ.’, મે પુછ્યુ.

‘હું જાણતી હતી કે આ બધુ કોણે કર્યુ હતુ, જો મારે આ બધાની જાણ તમારા એચ.ઓ.ડીને કરવી હોત તો એ દિવસે જ કરી દેત જે દિવસે આ બધુ બન્યુ હતુ. અને વાત રહી બચાવવાની તો આજે તમને ડીટેઇન કરવાનો પ્લાન હતો અને તમારા પર પોલીસ કેસ કરવાનો પણ. તમારા પેરેન્ટ્સને પણ અમે બોલાવવાના હતા. આજે મારા પહેલા જ લેક્ચર પછી હું મારા બે સ્ટુડન્ટને મારા ક્લાસમાં એબસન્ટ જોવા નહોતી માંગતી. સ્ટુડન્ટનુ સાહસ મને બવ ગમે છે. કારણ કે હું જાણુ છુ કે મેં મારી કોલેજ લાઇફમાં ખુબ જ ધમાલ કરી છે અને હું જાણુ છુ કે એની મજા કેવી હોય છે. પણ કદાચ તમારા વસાવા સર ભુલી ગયા હશે…!!’, મેડમે ફરી એકવાર મને મોહી લીધો હતો. હું એમનાથી ટોટલી પ્રભાવીત થઇ ચુક્યો હતો.

‘થેંક્યુ મેમ. જો તમે આજે બે લાઇનમાં ના પતાવ્યુ હોત તો અમારે દસેક સ્ટુડન્ટ્સને બોલાવવા પડત અને સરને સમજાવવા કેટકેટલુ કરવુ પડત, એનાથી પણ સર માની જ જાત એ કોને ખબર…?’, મેં મેડમનો આભાર માન્યો.

‘માય સ્ટુડન્ટ્સ, મોસ્ટ વેલકમ.’ એમણે એમની ઘડીયાળ જોઇ અને કહ્યુ.

‘અરે હા તારે નોવેલ જોઇએ છે… ને..!! અહિ કોઇ પણ સારી નોવેલ નથી પડી…. તુ એક કામ કરીશ..?’

‘શુ મેમ બોલો ને…’

‘હું ચાર દિવસ રજા પર છુ…. બુધ ગુરુ શુક્ર અને શનિ અને ત્રણ દિવસ હું આઉટ ઓફ ટાઉન છુ એટલે તુ શનિવારે મારા ઘરે આવીને લઇ જજે, હું તને મારુ એડ્રેસ વોટ્સએપ કરી દઇશ…’, મેડમ એમના મોબાઇલમાં ફરી ટાઇમ જોઇને બોલ્યા.

‘મેડમ વાર લાગશે…? તો પહેલા હું બીજા બ્લોક બંધ કરી આવુ..’, સ્ટાફરૂમના દરવાજા પાસે ઉભેલા પ્યુને મેડમને પુછ્યુ.

‘ના બસ બે જ મિનિટ હું નીકળી જ રહી છુ…’, મેડમે જવાબ આપ્યો.

‘તો શનિવારે સવારે અગિયાર વાગે, હવે મારે નીકળવુ પડશે… ખાસ્સો ટાઇમ થઇ ગયો છે.’, સ્મિતા મેડમ બોલ્યા અને એ ચાલતા થયા. હું એમની સાથે ડોર સુધી ગયો એ ડાબી સાઇડની લોબીમાંથી પાર્કિંગ તરફના રસ્તે ગયા. મેં સામેની લોબીમાં થઇને ગેટ તરફનો રસ્તો પકડ્યો.

***

‘પીપ….પીપ…પીપ..પીપ..’, સીલ્વર કલરની મારુતી સ્વીફટ કારે હોર્ન માર્યો. હું રસ્તા વચ્ચે ચાલી રહ્યો હતો અને એ કારને ગેટની બહાર તરફ નીકળવુ હતુ. એટલે હું રસ્તાની ડાબી તરફ ખસી ગયો. મેં પાછળ જોયુ. સ્વીફ્ટ ધીમેથી ધુળ ઉડાવતી મારી સાઇડમાંથી પસાર થઇ ગઇ. મેં મારો રૂમાલ લઇને મારા ચેહરા પર ફેરવ્યો અને હું ચાલવા લાગ્યો.

‘પીપ…પીપ…પીપ…પીપ..’, કોઇ બાઇકનો અવાજ હોય એવો હોર્ન વાગ્યો. હું ફરી એકવાર થોડો ડાબી તરફ ખસ્યો. મારી આંખો મારા રીબોકના નવા ખરીદેલા શુઝ પર હતી.

‘પીપ…પીપ..પીપ..પીપ..’, આગળથી હોર્નનો અવાજ આવ્યો. મેં મારો ચહેરો આંખો ને ઉપર કરતા ઉઠાવ્યો. બ્લેક કલરની એક્ટિવા પર વસાવા સર બેસેલા હતા. એમણે એમનુ સ્કુટર ડાબી તરફ ઉભુ રાખ્યુ હતુ. એમની ચશ્મા પહેરેલી આંખો મારી તરફ સતત તાકી રહી હતી. એમણે એમનો ફુલ સ્લીવ પહેરેલો જાડો હાથ હવામાં ઉઠાવ્યો અને મને હવામાં હાથ હલાવીને એમની તરફ આવવાનો ઇશારો કર્યો. મારી ધડકનોમાં ખાસ કંઇ ફરક ના પડ્યો. કારણ કે મારાથી પાંચેક પગલા દુર એમનુ હેલ્મેટ નીચે પડ્યુ હતુ. મેં આગળ ડગલા ભર્યા એમનુ બ્લેક કલર નુ આઇ.એસ.આઇ માર્ક વાળુ હેલ્મેટ ઉઠાવ્યુ અને હું સરની તરફ ચાલ્યો.

ચાલતા ચાલતા પણ મારા વિચારોમાં સ્મિતા મેમ જ હતા. પળ ભર માટે પણ હું સ્મિતા મેમ સિવાય કંઇ વિચારી શકતો નહોતો. મને હજુ એમ જ લાગતુ હતુ કે એમણે મને ખોટુ જ કહ્યુ છે. હું એમના પાસે કબુલાવવા માંગતો હતો કે એ મને પસંદ કરે છે.

મેં હેલ્મેટ સરને એમના હાથમાં પકડાવ્યુ.

‘એક મિનિટ આ પકડ તો’, એમણે ફરી એ હેલ્મેટ મને પકડાવ્યુ. એ સ્કુટર પરથી ઉતરી ગયા, એમણે સ્ટેન્ડ ચડાવ્યુ. મને ખબર નહોતી પડી રહી કે સર શું કરી રહ્યા છે. એમણે ઇગ્નીશન કી એમના સ્કુટર માંથી કાઢી અને સ્કુટરની ડેકી ખોલી. એમાથી મરૂન કલરનો ઓઇલના ડાઘા થી ડઘાઇ ગયેલો ગાભો કાઢ્યો. એમણે મારા તરફ હાથ લંબાવ્યો એટલે મે તરત જ હેલ્મેટની પકડ ઢીલી કરી નાખી હતી. એમણે ધુળથી ખરડાયેલ હેલ્મેટ ગંદા ગાભાથી સાફ કર્યુ અને ડેકી બંધ કરીને સ્કુટર પર બેસી ગયા.

‘બીજી કોઇ હેલ્પ… સર..’, મેં પુછ્યુ. એમના ચેહરા પર કોઇ પણ ખુણામા સ્માઇલ નહોતી દેખાતી.

‘નો થેંક્સ’ સરે કહ્યુ અને એમણે સ્કુટરની ચાવી જમણા હાથથી ઘુમાવી.

‘પીપ… પીપ.. પીપ..પીપ..’, ફરી હોર્નનો અવાજ સંભળાણો. વ્હાઇટ કલરનુ એક્ટિવા મારી જમણી તરફ આવીને ઉભુ રહી ગયુ.

પીંક કલરની સાડી પહેરેલા એ સ્મિતા મેમ હતા, એમણે એમનો ચેહરો વ્હાઇટ કલરના સુતરાઉ કપડાથી બાંધી દીધો હતો અને બ્લેક કલરના ગોગ્લ્સ પહેરેલા હતા. ‘હેલો…. સર.. કઇ પ્રોબ્લેમ..?’, મેડમે પુછયુ. એમણે મારી તરફ સંસ્કાર ભરી સ્માઇલ આપી, મેં પણ એમને હળવી સામાન્ય સ્માઇલ આપી.

‘ના ના… બસ હેલ્મેટ પડી ગયુ હતુ…’, સરે મારી તરફ જોતા જવાબ આપ્યો.

‘ઓકે તો ગુડબાય સર….’, એમણે વિદાય માંગી અને એક્ટિવાનુ એક્સલરેટર દબાવ્યુ.

સરે પણ એમની બાઇક સ્ટાર્ટ કરી અને મારી તરફ જોયુ.

‘મને ખબર છે… એ તુ જ છે....’, એમણે એનો ચેહરો મારી તરફ કરતા કહ્યુ.

‘હહ… હું મુર્ખ નથી…. સીયુ સુન…..’, એમણે એમના દાંત બતાવતા હળવી પણ દુષ્ટ હંસી કાઢી. એમણે એમનુ સ્કુટર તરત ભગાવી માર્યુ.

એક જ ક્ષણમાં મારા પેટમાં ખળભળાટ મચી ગયો હતો. પેટનુ પાણી ઉલળવા લાગ્યુ હતુ. ધડકનો એકાએક વધી ગઇ હતી. ડરવાનો એ પ્રશ્ન હતો જ નહિ કે સરને ખબર છે કે એ દિવસે સ્ટીકર મેં લગાવ્યા હતા, પણ સ્મિતા મેડમ પર સરને વિશ્વાસ કેમ નહિ હોય…? એ સવાલ મગજમાં એકાએક આવ્યો. તરત જ મારા મનની આંખો સામે બે જ મિનિટ પહેલાની મેડમની મારી સામેની સ્માઇલ આવી ગઇ. મે મારી જાતને સવાલ પુછ્યો ‘ક્યાંક આ જોઇને તો સરને શક નહિ પડ્યો હોય ને..?’

‘ના એવુ ના બની શકે…. સ્ટુડન્ટ ટીચર એકબીજાને સ્માઇલ તો આપતા જ હોય.’, ફરી મારા અંતર આત્માએ અવાજ આપ્યો.

‘સરને શક થઇ શકે કે હું અત્યાર સુધી કોલેજમાં શુ કરતો હોઇશ. ક્યાંક સરે મને અને મેડમને સ્ટાફરુમમાં જોયા હશે..?’ ફરી સવાલો ઉઠવા લાગ્યા. આ વખતે અંદરથી કોઇ જ જવાબ ના આવ્યા અને અકળામણ વધી ગઇ.

તમને જ્યારે એમ લાગે કે તમે કોઇ ખોટુ કામ કર્યુ છે, ત્યારે તમને એમ જ લાગતુ હોય છે કે સજા દેવાવાળાને તમારા પર પુરેપુરો શક છે. આજે હું આ જ સ્થિતિનો સામનો કરી રહ્યો હતો. મારા મનમાં બુદ્ધિને અકળાવે એવા એક પછી એક સવાલોની સીક્વન્સ શરુ જ હતી. સ્મિતા મેમની સ્માઇલથી આ અકળામણ સુધી આવતા માંડ દસ મિનિટ જ થઇ હશે.

***

આજે પહેલીવાર હું એવુ ફીલ કરી રહ્યો હતો કે મને મારી રૂમ પર પહોચવાની ઉતાવળ નહોતી. એટલે જ હું ઓટોમા બેસવા નહોતો ઇચ્છતો. મને અત્યારે એકલુ રહેવાનુ મન થઇ રહ્યુ હતુ. બટ મારા વિચારો મને એકલા રહેવા દેય એમ નહોતા. જ્યારે અમે લોકો એચ.ઓ.ડીને એની ઓફીસમાં મળવા ગયા હતા ત્યારે જેટલો ડર નહોતો એનાથી વધારે મુંજવણ અત્યારે થઇ રહી હતી.

આ અજંપાનુ કારણ શું હતુ..? સરે મને કહ્યુ કે સીયુ સુન….!! મારા મતે આ કારણ તો હતુ જ નહિ…! એક નવુ જ કારણ, જેના લીધે મારા મનમાંથી વિચારો જવાનુ નામ જ નહોતા લઇ રહ્યા. એ કારણનુ નામ સ્મિતા મેમ. હવે મને એ ચિંતા થઇ રહી હતી કે મારા લીધે સ્મિતા મેમને તો કોઇ તકલીફ નહિ ભોગવવી પડે ને..? બીજી જ ક્ષણે મારી અંદરથી પેટમાં ગોળ ચકરડા લેતો લેતો સ્વાર્થી જવાબ આવ્યો.

‘મેડમને અમે તો નહોતુ જ કહ્યુ કે અમારી તરફદારી કરે, અમને બચાવે.’,

‘પણ એવુ પણ બની શકે કે મેડમે બધુ પ્લાન કરી ને જ જવાબ આપ્યો હોય, એમને ખબર જ હોય કે કોઇ પ્રોબ્લેમ આવી શકે એમ નથી.’, બીજી જ ચારેક સેકન્ડમાં ફરી એક નવો તર્ક.

હું એ.એમ.ટી.એસના બસ સ્ટેન્ડ પર જઇને બેસી ગ્યો. બસ થોડીવાર સુધી ના મળે એવી મનમાં જ પોતાની પાસે જ માંગણી કરી. પણ બસ તરત જ આવી. બસ ઉભી રહી, હું બસમાં ચડી ગયો.

ખચોખચ ભરેલી બસમાં શીવરંજની ટીકીટ ફડાવી. મારૂ ધ્યાન વિચારો સિવાય ક્યાંક જાય એમ જ નહોતુ. મારી નજીક ઉભેલી છોકરી એ કાનમાં ઇયરફોન્સ ભરાવેલા હતા એટલે મને પણ એમ થયુ કે હું પણ ગીતો સાંભળુ જેથી હું આ સ્મિતા મેમને મારા વિચારોથી દુર રાખી શકુ. હવે મેં સ્વિકારી લીધુ હતુ કે આ મારુ સ્મિતા મેમ તરફ અટ્રેકશન જ છે. મેં મારો મોબાઇલ મારા જીન્સમાંથી કાઢ્યો અને એસન્ટના સોંગ શરુ કર્યા. મારુ ફેવરીટ ધેટ્સ માય નેમ શરુ કર્યુ. પણ આજે આ સોંગમાં પણ ખાસ્સુ મન નહોતુ લાગતુ…!!

મેં મારી નજર બસમાં ચારે તરફ ફેરવી. મારી આંગળની તરફ એક છોકરો અને એક છોકરી જેણે સાદો ડ્રેસ પહેર્યો હતો બન્ને એકબીજાના ખભા પર પોતપોતાનો હાથ રાખીને ઉભા હતા. બીજા હાથે બસનુ હેન્ડલ પકડી રાખ્યુ હતુ. બન્ને એકબીજાની વાતોમાં મશગુલ હતા. આજે મારા વિચારો થોડા થોડા ઇન્ટરવલમાં બદલાતા હતા. ધીઝ વોઝ થોટ્સ સ્વીચીંગ….!!!

મને તરત જ શ્રુતિ યાદ આવી ગઇ જેને મેં સવારે જ ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ સેન્ડ કરી હતી અત્યારે મને એની મમ્મી પ્રત્યે અટ્રેક્શન થઇ ગયુ છે. કદાચ બન્ને જ એટલા ખુબસુરત હતા. શ્રુતિની સ્ટાઇલ તરફ હું અટ્રેક્ટેડ હતો તો બીજી તરફ સ્મિતા મેમના હેલ્પફુલ બીહેવીઅર અને ફ્રી માઇન્ડનેસ તરફ. મને હવે એવુ લાગતુ હતુ કે મારે બન્નેમાંથી એકને જ સીલેક્ટ કરવી જોઇએ. એક સ્ત્રીને સીલેક્ટ કરવી જોઇએ જેને એક હોટ છોકરી છે. કેવા વિચારો હતા મારા. મારૂ ચસકી તો નહોતુ ગયુ ને? અત્યારે મને આશ્ચર્ય થાય છે. નોડાઉટ. ઇટ વોઝ શ્રુતિ, એટલે સ્મિતા મેમના વિચારોને મારા મનમાંથી ના છુટકે કાઢવાના જ હતા. મેડમના ઘરે શ્રુતિ માટે જવાનુ છે. એ પણ મને યાદ આવ્યુ. શ્રુતિનો બ્યુટીફુલ સોફ્ટ ચહેરો યાદ આવતા જ બધુ ભુલાઇ જાય. કારણ કે એનો ગોળ, ગોરો, અને નમણો ચહેરો, એના ખભાથી સહેજ નીચે સુધીના રેશમી વાળ. એમા લાગેલ વ્હાઇટ કલરના રોઝની બટરફ્લાય. જે લગભગ સાચા ગુલાબ જેવી જ લાગતી હતી. એણે જે આંખોમાં કાજળ લગાવેલુ હોય અને કપાળની વચ્ચે સાવ ઝીણી બીંદી જોઇને કોઇની પણ ધડકનો બે ઘડી માટે વધી જાય. આ ચહેરા સાથે હું આઇસક્રિમ ખાઇ આવ્યો હતો જે બવ ઓછાના નસીબમાં હોય. એનો ચેલેન્જ પણ ભાગ્યે કોઇના જ નસીબમાં હશે….!!!

તો આજના દિવસમાં બધાજ પ્રકારના વિચારો ને જોયા હતા. વસાવા સરના ભયંકર ચહેરાથી માંડીને ‘સીયુ સુન’, સ્મિતા મેમ પાસે જતી વખતે એમને કેમ પુછવુ કે ‘શા માટે બચાવ્યા’ થી માંડીને ‘મેડમે આ બધુ શામાટે કર્યુ હશે’ ત્યા સુધીના અને છેલ્લે શ્રુતિ નો ચહેરો પણ નજર સામે આવી ગયો.

‘શીવરંજની…!!’ કન્ડક્ટરે બુમ પાડી. મારુ બસ-સ્ટેન્ડ આવી ગયુ અને હું ભીડના લીધે પાછળના દરવાજાથી જ નીચે ઉતરી ગયો.

***

‘અરે યાર આજે માથુ ફાટી જાય એટલુ માથુ દુખે છે, કાલે સવારે બધી વાત ડીટેઇલમાં કહીશ.’, હું રૂમ પર આવ્યો એટલે રોહને મને ‘પછી શુ થયુ’ એમ પુછ્યુ. બટ અત્યારે હું આ બાબતમાં કોઇ ચર્ચા કરવા માંગતો નહોતો કારણ કે મારા માથામાં હ્ર્દયની ધડકનો જેટલી જોરથી ધડકતી હોય એવા ચાસકા આવતા હતા. હું જેમ બને એટલો જડપથી બેડમાં પડી જવા માંગતો હતો. મેં મારો નાઇટ ડ્રેસ પહેર્યો.

‘મારા ડ્રોઅરમાં એનાસીન પડી હશે, લઇલે થોડી રાહત થઇ જ્શે.’, રોહને એની સીગારેટ સળગાવતા કહ્યુ અને એ ફરી એના લેપટોપમાં મુવી જોવા લાગ્યો.

મેં રોહનનુ ડ્રોઅર ખોલ્યુ. એના ડ્રોઅરમાં એનુ નેટ સેટર, દસેક અલગ અલગ ઓથરની નોવેલ્સ હતી. જેમા ત્રણેક ગુજરાતી લેખકોની પણ હતી. ડ્રોઅરમાં જમણી સાઇડમાં એક નાનુ બોક્સ હતુ જેમાં બામ, અલગ અલગ ટેબ્લેટ્સ અને કેટલીક ક્રીમ હતી. મેં એમાથી ગ્રીન કલરના પેકીંગ વાળી એનાસીન લીધી. ક્બાટની બાજુમા પડેલ પાણીના જગમાંથી એક ગ્લાસ પાણી ભર્યુ અને હું ટેબ્લેટને ગળી ગયો.

‘જસ્ટ ટેબલેટથી આ રોગ જાય એમ નથી.’, હું ટેબ્લેટને ગળે ઉતારતા ગણગણ્યો. રોહને એના લેપટોપની સ્પેસ કી દબાવી. નો ડાઉટ એ VLC Media પ્લેયરમાં જ મુવી જોતો હશે.. એક હાથમાં સીગારેટ પકડી રાખીને એણે મારા તરફ આંખો ફાડી.

‘મારી પાસે તારા દર્દનો ઇલાજ છે.’ એ ગણગણ્યો.

‘શુ…?’, હું બેતાબ થઇને બોલી ઉઠ્યો.

‘લે આ સીગારેટ. દમ લગાવી લે એટલે થોડોક તો ફરક પડી જ જશે.’, રોહને એની સીગારેટ મારા તરફ હાથથી લંબાવતા કહ્યુ.

‘બીજી સીગારેટ છે….?’, મેં માંગણી કરી. એણે ગોલ્ડફ્લેકનુ પેકેટ કાઢ્યુ અને એમાથી એક સીગારેટ મને આપી, સાથે માચીસ પણ આપ્યુ. મેં સીગારેટને મારા બે હોઠ વચ્ચે મુકી, માચીસ બોક્સમાંથી એક દિવાસળી કાઢી. હોઠોથી સીગારેટને ડાબીતરફ ખસેડવા જતા એ નીચે પડી ગઇ. રોહન ખુબ જ ઓછા અવાજમાં થોડુ હસ્યો. મારા ચહેરા પર પણ સ્માઇલ આવી. મેં સીગારેટ ઉઠાવી અને સળગાવી. સીગારેટનો મારી લાઇફનો પહેલો ઘુટડો એટલો બધો ખાસ ના રહ્યો. જેવો મેં પહેલો ઘુટડો નીચે ઉતાર્યો મને ખુબ જ જોર થી ઉધરસ આવી. મારી ખાંસી સતત બે મિનિટ સુધી ચાલુ રહી. બાજુમાં રોહન હસી રહ્યો હતો. થોડી વાર સુધી શ્વાસ લેવામાં તકલીફ પડી ગઇ. પણ એનો ટેસ્ટ સારો લાગ્યો. થોડોક વધારે જ સ્ટ્રોંગ હતો. ગળામાં ઘણો ઘસારો લાગી રહ્યો હતો. બટ હું રીલેક્સ ફીલ કરી રહ્યો હતો. હું આખે આખી સીગારેટ ચુસી ગયો.

‘થેંક્સ રોહના….!! થેંક્સ…’, મેં રોહનને કહ્યુ. રોહને સાંભળ્યુ નહિ કારણ કે એ કાનમાં ઇયરફોન્સ નાખીને મુવી જોવામાં મશગુલ હતો. મેં પણ વિચાર્યુ કે કોઇ મુવી ચાલુ કરૂ, કદાચ જોતા જોતા જ ઉંઘ આવવા લાગે. મેં રૂમની લાઇટ્સ બંધ કરી અને મારૂ લેપટોપ ચાલુ કર્યુ. ધીરે ધીરે માથુ ઉતરવા લાગ્યુ હતુ.

મેં લીઓનાર્ડો દ કેપ્રીઓ નુ એવીએટર મુવી શરુ કર્યુ. ત્યાંજ મારો ફોન વાઇબ્રેટ થયો. મે મુવી પોઝ કર્યુ. મારા બેડમાં મોબાઇલને શોધવા ફાંફા માર્યા. નીતુનો કોલ હતો. ‘અત્યારે…?’,હું મનમાં ને મન માં ગણગણ્યો. મેં વોટર જગમાંથી પાણીનો એક ગ્લાસ ભર્યો. ગ્લાસ લઇને હું બાલકનીમાં ગયો..

‘હા, નીતુ….!!’, મેં કોલ રીસીવ કરીને કહ્યુ.

‘શું કામ હતુ અત્યારે….?’

‘બસ અમસ્તા જ કોલ કરેલો, મને એમ થયુ કે લાવને તને પુછી જોવ કે શું કહ્યુ તારા સાસુજીએ….’

‘નીતુ…!!’ મે ખુબ જ લાંબા સ્વરમાં કહ્યુ.

‘ઓહ્હ્હ્હ્હ આઇ એમ સોરી… સ્મિતા મેમ.. તો શામાટે બચાવ્યા હતા એમણે તમને લોકોને…? તે પુછ્યુ ?’

‘બસ એના સ્ટુડન્ટ છીએ એટલે…. એન્ડ પ્લીઝ અત્યારે આ બધી વાતોને યાદ ના અપાવ..’

‘કેમ કેમ…?’

‘બીજુ ઘણુ બધુ થયુ હતુ, જે અત્યારે ફોન પર કહેવાય એમ નથી. આપણે મળીશુ ત્યારે કહીશ, માથાના દુખાવામાં હમણા જ થોડોક ફરક પડ્યો છે…!’

‘ઓકે…. બોસ. દવા લીધી?’

‘હા, હવે મુવી ચાલુ કર્યુ હતુ એવીએટર…!!’

‘ઓહ્હ્હ્હ તો તો ઉંઘ આવી જશે...!!! હાહાહા…’ સામેની તરફ એ કેવી રીતે હસતી હશે એ હું સારી રીતે ઇમેજીન કરી શકતો હતો. એક હાથે મોબાઇલ પકડ્યો હશે અને બીજા હાથ એના હોઠો પર હશે. પણ થોડુક હસતા તરત જ એની આદત સુધારવા એણે એ હાથ મોં પરથી ઉચકી લઇને વાળ ને બરાબર કરવામા કામે લગાડી દીધા હશે.

‘વાળ તો બરાબર છે. શાને એના ચાળા કરે છે…?’, મેં નીતુને ચીડવવા કહ્યુ.

‘ઓય તને કેમ ખબર કે હું વાળને જ બરાબર કરુ છુ…??’ એ ઉતાવળી થઇને પુછવા લાગી. મારી પાસે કોઇ જવાબ નહોતો એટલે હું થોડુ હસ્યો.

‘શુ હસવુ આવે છે…? હમણા વસાવા ને કોલ કરીને કહેવુ પડશે..!!’

‘ઓય એનુ નામ અત્યારે શાને લેય છે…? બીજી કોઇ સારી વાત હોય તો કરને…’

‘ઓકે ઓકે… શુ કરે છે રોહન..?’

‘તો સીધે સીધી ટોપીક પર આવને રોહનનુ કામ છે એમને…?’

“ઓય બસ હો. હું જસ્ટ પુછુ છું, તુ તારુ ચાલુ ના કર..’ એણે ધમકાવતા અવાજમાં કહ્યુ. આઇ એમ સ્યોર એ હવામાં એના હાથની આંગળી ઉછાળીને બોલી રહી હશે.

‘આજે તો રોહન તારો હાથ પકડી પકડી ને તને બધુ સમજાવતો હતો….’

‘ઓહ્હ્હ તો તમને જલન શાને થાય છે…? મારે તો એને કીસ પણ કરવી હતી, ઘણા માણસો મારા વિશે આટલુ બધુ નોટીસ શામાટે કરે છે…?’

‘ઓ મેડમ મનમાંથી બધો જ ભ્રમ કાઢી નાખો, હું તને એટલા માટે કહું છુ કારણ કે નીલને ખોટો વ્હેમ ના પડે.’ મેં ચોખવટ કરી અને હું હસ્યો.

‘મારે તો મારી શ્રુતિ છે…’

‘હા તો જા ને એના ઘરે જ ચાલ્યો જા ને રહેવા…’, એણે મને પજવવા કહ્યુ. પણ મને ખાસ ફરક ના પડ્યો. એ થોડી ચીડાઇ ગઇ હોય એવુ લાગ્યુ.

‘બસ બસ મેડમ, શાંત થઇ જાવ… નીલ શું કરે છે….?’, મેં ટોપીક બદલ્યો.

‘હમણા જ એ જમીને નીચે ગયો છે, કોલ્ડડ્રીંક પીવા જાય છે એમ કહીને ગયો છે.. તે જમી લીધુ કે..?’

‘બોલ યાર અત્યારે ખબર પડી કે હું નથી જમ્યો. મને જમવાનુ યાદ જ નથી આવ્યુ. કદાચ આજે ટીફીન નહિ આવ્યુ હોય એટલે રોહને પણ નાસ્તો કરી લીધો હશે..’

‘માણસો કેટલા બીઝી છે કે જમવાનુ પણ ભુલી જાય છે.’, ફરી એણે કટાક્ષમાં કહ્યુ.

‘હા ભઇ વેફર્સ એન્ડ થોડો નાસ્તો પડ્યો હશે એ કરી લઇશ. એમ પણ ભુખ જ નથી લાગી.’, મેં કહ્યુ.

‘ઓકે. ચાલ હવે રાખુ, મમ્મી પપ્પા કહેતા હતા આઇસક્રિમ ખાવા જવુ છે એટલે હમણા સાદ પાડશે.’, નીતુએ કોલ કટ કરવાનુ કારણ કહ્યુ.

‘ઓકે. મેડમ, શરદી થઇ જાય એવો આઇસક્રિમ તમને મળે, હાહા’, હું ચીડવતો ચીડવતો હસી પડ્યો.

‘બસ આવીજ આશા રાખો હો. ચાલ બાય, ટેક કેર ગુડનાઇટ.’

‘બાય ગુડનાઇટ’, મેં કોલ કટ કર્યો.

‘નીતુનો કોલ હતો…?’, હું જેવો ફરી રૂમમાં આવ્યો એટલે રોહને પુછ્યુ.

‘હા, પુછતી હતી રોહન શુ કરે છે…?’, મેં હળવુ હસતા કહ્યુ અને બેડ પર જઇને લાંબો થઇ ગયો.

‘તારુ ક્યાંક સેટીંગ તો નથી ને…? અને તુ આ વાત છુપાવી રહ્યો હોય…?’, રોહને મારી સાથે પહેલી વાર આવી શંકાશીલ વાત કરી હતી. હું અંધારામાં એનો ચહેરો નહોતો જોઇ શકતો. પણ એના શબ્દો પરથી એક્સપ્રેશન્સ મને ખબર પડી ગયા હતા.

‘તુ કેમ આવી વાત કરે છે…? નીતુ મારી એક સારી ફ્રેન્ડ છે અને ફ્રેન્ડ જ રહેશે…’, મેં રોહન સાથે ચોખવટ કરી.

‘કદાચ એ તને લવ કરે છે… અને થોડી ઘણી ફીલીંગ્સ તો તને પણ હશે…’, રોહન આ શબ્દો બોલીને અચાનક ચુપ થઇ ગયો.

‘જો રોહન થ્રી-મીસ્ટેક્સ તે પણ વાંચી છે અને મેં પણ મારે એમા જે બન્યુ એવુ મારી સાથે નથી બનવા દેવુ અને એટલે હું આ બધાથી દુર જ રહુ છુ. નીલ જેવા સારા ફ્રેન્ડ સાથે હું કોઇ સંબંધો બગાડવા નથી માંગતો, એન્ડ નીતુ મારી એક સારી અને સ્પેશ્યલ ફ્રેન્ડ સિવાય બીજુ કંઇજ નથી…’ મેં રોહનને થોડુ આક્રમક સુરમાં કહ્યુ.

‘અરે સોરી સોરી, આટલો બધો ગુસ્સે ન થા, હું તો જસ્ટ પુછુ છુ, ચાલ જવાદે એ બધી વાતને, લાઇટ ચાલુ કર. હું ફરસાણ લાવ્યો છુ, થોડી સ્વીટ્સ પણ, ભુખ લાગી છે આપણે નાસ્તો કરીએ..’, રોહને મને શાંત પાડવા કહ્યુ.

રોહન જલારામ સ્વીટ્સમાંથી બારડોલીના તળેલા પાત્રા, જલેબી, બે સમોસા, મીક્સ ચેવડો જે ચવાણુ જેવો જ લાગતો હતો, અને ગુલાબજાંબુ નુ પેકેટ લાવ્યો હતો. સાથે આમલીની જલારામની પ્રખ્યાત ચટણી. ઘણા દિવસો પછી બારડોલીના પાત્રા ખાઇ રહ્યો હતો. એકદમ કડક પણ થોડા ગળ્યા, અમે લગભગ ૪૦૦ ગ્રામ જેટલા પાત્રા ઉલાળી ગયા. નાસ્તો ડીલીસીયસ હતો એમ કહી શકાય. નાસ્તો કરીને ફરી અમે લોકોએ પોતપોતાના મુવી ચાલુ કર્યા. લીઓનાર્ડો હાવર્ડ હ્યુજ નામનુ કેરેક્ટર કરી રહ્યો હતો. જેને ફીલ્મો અને વિમાન બનાવવામાં ખુબ જ પેશન છે, એ એક ખુબ મોટા બજેટની મુંગી ફીલ્મ બનાવવા માંગે છે. મુવી ખુબ ધીમુ ચાલતુ હોય એવુ લાગ્યુ એટલે આંખો ઘેરાવા લાગી. મેં મારા લેપટોપનુ પાવર બટન ડાયરેક્ટ જ દબાવી દીધુ અને લેપટોપ મારા બેડની નીચે સાઇડમાં મુકી દીધુ.

***

શું એચ.ઓ.ડીને ખબર હતી કે સ્ટીકર હર્ષે લગાવ્યુ હતુ. જો એને ખબર હતી તો સ્મિતામેમ હતા ત્યારે એણે વિરોધ શામાટે નહોતો કર્યો? શું સ્મિતામેમ હર્ષ તરફ અટ્રેક્ટેડ હતા. શું હર્ષ શ્રુતિને મળવામાં સફળ રહેશે? શું નીતુ હર્ષના પ્રેમમાં છે? શું આ ત્રણેય સ્રી હર્ષના જીવનમાં આવશે? જાણવા માટે વાંચતા રહો – ધ લાસ્ટ યર. ફરી આવતા શુક્રવારે.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’ નામની એક નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :