Sacha Shikshak Ni Seva Algotar Ratnesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sacha Shikshak Ni Seva

ALGOTAR RATNESH

algotarraj2@gmail.com

……..સાચા શિક્ષકની સેવા……..

રતનપુર ગામ, વસ્તી આશરે 3 હજારની, તાલુકાનો અંદરનો વિસ્તાર, કોઇ પ્રકારનાં વાહનની પણ સવલત નહિ આવન-જાવન માટે. ગામમાં શાળા ખરી પણ કહેવા પુરતી. કોઇ પણ સુવિધા વગરની. ને કોઇ શિક્ષક 6 મહિનાથી વધુ રહે જ નહિ. અહીંથી બદલી કરી ચાલ્યા જાય. ગામલોકો કોઇ એટલા બધા ભણેલા પણ નહિ અને બાળકો ધ્યાન આપી ભણે છે કે નહિ એવું નિરીક્ષણ ના કરે.

નવા વર્ષની શાળાની શરુઆત થઇ. મનુભાઇની શિક્ષક તરીકે રતનપુરમાં નિમણુંક થઇ. તેમણે શાળાના સમયે વર્ગખંડ ખોલ્યા. પણ કોઇ વિદ્યાર્થીનો પત્તો નહિ. કોઇ આવે, કોઇ ન આવે. કોઇ બપોરે આવે. કોઇ મનફાવે ત્યારે આવી ચાલ્યા જાય. મનુભાઇનો જીવ બળે, આવું તો કેમ ચાલે ? આ તો સરકાર આટલો ખર્ચ કરે તેનો શો મતલબ ? કંઇક તો કરવું પડે.

મનુભાઇએ ગામલોકોને ભેગા કર્યા. તેમને સમજાવ્યા કે ભાઇ, ભણતરનું કેટલું મહત્વ છે. તમારા દિકરા - દિકરી ભણશે તો આગળ ઉપર કંઇક બનશે. સારા - નરસાની પરખ થશે. તો ગામલોકો કહે, સાહેબ, "અમારા છોકરાઓને કોણ નોકરી આપે. ને અમે એટલો ખર્ચ પણ ન કરી શકીએ. " જુઓ, ભણતર ફકત નોકરી માટે જ નથી. ભણેલ હશે તો કોઇ પણ ધંધો હશે તે પણ સારી રીતે કરી શકશે. ભણતર તેને જીવનમાં ખુબ જ કામ લાગશે. માટે બધા બાળકોને ભણવા શાળાએ મોકલો." મનુભાઇ બોલ્યા.

ગામલોકો બધા ધીરે ધીરે મનુભાઇની વાત સાંભળતા થયા. ને દરેક તેમના બાળકોને શાળાએ મોકલવા લાગ્યા. મનુભાઇ હાજર થયા ત્યારે તે એક જ શિક્ષક હતા. ત્યાર પછી વિધ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો ને તેમની માંગણીને માન્ય રાખી એક બીજા શિક્ષિકા દક્ષાબેનની નિમણુંક આપી. દક્ષાબેન પણ મનુભાઇ જેવા જ ઉત્સાહી હતા. એટલે બંનેના પ્રયત્નોને કારણે રતનપુર ગામ તાલુકા લેવલે પ્રશંસનીય કામગીરી બદલ જાણીતી બની.

દક્ષાબેને લગ્ન નહોતા કર્યા. મનુભાઇ પણ હજી સારી છોકરીની શોધમાં હતા. બંને પરીચયમાં આવ્યા. બંને એક જ વ્યવસાયમાં સાથે સંકળાયેલા હતા. શોખ પણ બંનેના સરખા. એટલે બંનેએ પોતાના કુટુંબીજનોને વાત કરી. થોડી આનાકાની પછી બંનેના કુટુંબીજનોની હાજરીમાં જ બંનેએ સાદી રીતે લગ્ન કરી લીધા. કાયમ માટે રતનપુર ગામમાં જ વસી ગયા.

રતનપુર ગામ હવે તેમને પોતાનું જ લાગતું. દરેક બાળક પોતાના જ બાળક છે એ નજરે જોતા અને તેમને હંમેશા સારું શિક્ષણ કેમ મળે તે જ વિચારતા રહેતા. મહિને એક વાર ગામલોકોને ભેગા કરી તેમને સલાહ-સૂચન આપતા ને ગામમાં બીજું શું નવીન કાર્ય થાય ને ગામલોકોને ઉપયોગી થાય તે માટે પ્રયત્નશીલ રહેતા. ગામલોકો પણ મનુભાઇ ને દક્ષાબેન કહે તેમજ કરતાં. ધીરે ધીરે વિદ્યાર્થી ભણતા ગયા ને શાળાની સંખ્યા વધવા લાગી. 2

2

મનુભાઇએ ગામલોકો પાસે તાલુકામાં તેમજ શિક્ષણ વિભાગમાં અરજી કરાવી કે અમારી શાળામાં હવે વધારે વિદ્યાર્થી છે. 1 થી 4 સુધીની જ શાળા છે. પછી અમારા બાળકોને અહીંથી દૂરના ગામમાં ભણવા જવું પડતું હોઇ ઘણા બાળકો શાળા છોડી દે છે. તો વધુ 1 થી 8 સુધી અહીં જ શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે અને બધાના પ્રયત્ન અને દક્ષાબેન તથા મનુભાઇની કર્મનિષ્ઠ શિક્ષકો તરીકે સારી છાપ ઉભી થયેલી તેના કારણે ગામને દર વર્ષે એક એમ 8 ધોરણની મંજુરી મળી ગઇ અને શિક્ષકો પણ મંજુર થઇ ગયા. હવે ગામમાં 1 થી 8 સુધી શાળા શરુ થઇ ગઇ ને એક વર્ગમાં એક શિક્ષક એમ બધા મનુભાઇ આચાર્યની દેખરેખ હેઠળ ખુબ જ ખંત ને ધગશથી મહેનત કરે છે. આજુબાજુના ગામમાં શાળા હોવા છતાં ત્યાંના બાળકો પણ અહીં ભણવા આવવા લાગ્યા. આખા તાલુકામાં રતનપુર ગામની પ્રાથમિક શાળા, સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા તેમજ ગુણવત્તામાં પ્રથમ આવી.

હજુ મનુભાઇનો શિક્ષક જીવ નીરાંતે બેસતો નહિ કારણ કે આવ્યા ત્યારથી જ જોતા કે પ્રાથમિક શિક્ષણ પુરુ થાય તે પછી કોઇક હાઇસ્કુલમાં બાળકોને તાલુકામાં જ જવું પડે એટલે વાલીઓ ભણાવતા જ નહિ. માંડ 5 - 10 વિદ્યાર્થીઓ જ તાલુકાની હાઇસ્કુલમાં દાખલ થતા. બીજા બધા પોતાના વ્યવસાયમાં લાગી જતા. એટલે મનુભાઇનો જીવ બળતો કે મારી આટલી કરેલી મહેનત બેકાર જાય છે. હજી કંઇક કરવું ઘટે. એમણે આ ગામ તેમજ આજુબાજુના 5 ગામમાં સર્વે કરી એક ફાઇલ તૈયાર કરી અને હાઇસ્કૂલની મંજુરી માટે સરકાર પાસે માંગણી કરી. સરકારે મંજુરી પણ આપી એ શરતે કે જમીન અને રુમ લોકભાગીદારીથી બનાવો. પછી અમે શાળા શરુ કરવા મંજુરી આપીએ.

મનુભાઇ - દક્ષાબેન તથા તેમના દરેક શિક્ષકોને લઇ ફરતા 5 ગામના સરપંચોને તથા વડીલોને બોલાવી સમજાવ્યા. બધા તૈયાર હતા કે હાઇસ્કુલ થાય તો સારું. અત્યારે તાલુકા સુધી ભણવા મોકલતા નથી. પણ અહીં હાઇસ્કુલ થશે તો જરુર ભણાવશું. પણ પ્રશ્ન એ હતો કે જમીન કોણ આપે ને દર વર્ષે એક રુમ એટલે 9 થી 12 એમ 4 રુમ બનાવવા ખર્ચ કોણ ઉપાડે ? પાંચેય ગામને જરુરીયાત હતી પણ એકેય ગામ જમીન કે લોકફાળો આપવા તૈયાર ન હતા. મનુભાઇએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઇ પરીણામ ન આવ્યું.

મનુભાઇ અને દક્ષાબેનને નિવૃત થવામાં હવે વાર ન હતી. ફકત 2 વર્ષ બાકી હતા. તેમને કોઇ સંતાન હતું નહિ. બંનેએ પોતાના જી. પી. એફ. ઉપાડી લીધાને તેમાંથી 5 ગામની વચ્ચોવચ 5 વિઘાનું એક ખેતર લીધું ને ફરતી વાડ કરાવી મુકી દીધું. બે વર્ષ પછી જયારે નિવૃત થયા ત્યારે જે બચત હતી તેમાંથી તેમણે તે જ ખેતરમાં 4 રુમ બાંધ્યા. સરકારમાં મંજુરી માટે ફરીથી અરજી કરી. સરકારે મંજુરી આપી દીધી.

મનુભાઇ ખેતરના જ એક ખૂણે નાનકડું ઘર બનાવી રહેતા ને થોડીક બચેલી જગ્યામાં ખેતી કરતા. રોજ સામે ભણવા આવતા બાળકોને જોઇ રાજી થતા.

3

3

પાંચેય ગામના લોકો તેમની આ સેવાથી ખુબ પ્રભાવિત થયા અને બધાએ ભેગા મળી મનુભાઇને બોલાવ્યા ને કહયું " તમે તમારી બધી મૂડી આમાં ખર્ચી નાંખી. અમારા બાળકો માટે તમે કરેલો ખર્ચ અમારે પાછો આપવો છે. ત્યારે મનુભાઇ ને દક્ષાબેન એટલું જ બોલ્યા. આ અમારા જ બાળકો જ છે. શિક્ષણ માટે બાળકો હેરાન થાય તે ના જ જોઇ શકાય. જે ફાળો તમે અમને આપવા માંગો છો તે ફાળો એકત્ર કરી સંભાળીને રાખો. આમાં ઘણાં એવા વિદ્યાર્થી હશે જે હોંશિયાર હોવા છતાં આગળ ઉપર પુરી ફી ભરી ન શકવાથી ભણવાનું છોડી દે છે. આવા વિદ્યાર્થીને મદદ કરજો. હવે આ હાઇસ્કુલ તમારી જ છે તેમ સમજી તમે બધા શિક્ષક મિત્રોને સહકાર આપજો.

આજે જયારે કોઇ વિદ્યાર્થી અમને મળવા આવે, પગે લાગીને કહે છે કે સાહેબ, મને નોકરી મળી ગઇ. હું સેટ થઇ ગયો, તમારા કારણે. બસ આ શબ્દો જ અમારા માટે મેડલ સમાન છે.

શિક્ષક તરીકે અમારે આનાથી વધારે અપેક્ષા ન હોય.









ભૂખ

” દીપેન, મને તારી ઓફિસે સાથે લઇ જા તો સારુ. ડીયર, તું હોય આખો દિવસ કામમાં વ્યસ્ત. હું અહીં આટલા મોટા વિશાળ બંગલામાં એકલી એકલી બોર થાઉં છું. માટે મને તારી સાથે મઝા આવશે ને તને કામમાં મદદ પણ કરીશ. ”

અરે ડીયર, મારું કામ જ એવું છે કે ઓફિસમાં ઓછું ને બહાર વધુ રહેવાનું થાય છે. તો ત્યાં તે બાબત અશકય છે. તું એમ કામ કર, મોબાઇલમાં વોટસએપ અને ફેસબુક આઇ. ડી. બનાવી દે. જેથી તારું મિત્ર – વર્તુળ વધશે ને તને ઘરે એકલું પણ નહિ લાગે. હા, એક વાત ધ્યાનમાં રાખજે. ઓળખતી હોય તેને જ મિત્ર બનાવજે. સાવ અજાણ્યાને નહીં.

દીપેનનો આ સુઝાવ મનીષાને યોગ્ય લાગ્યો. મનીષાએ પોતાનું આઇ.ડી. બનાવ્યુંને દરરોજ તેમાં ઓળખીતા મિત્રને એડ કરતી ને ચેટ કરતી. આમ તેના દિવસો હવે આનંદથી પસાર થતા હતા.

એક દિવસ મનીષાએ FB Open કર્યું સામેથી પ્રિયાંક નામના સ્માર્ટ યુવકની રીકવેસ્ટ જોઇ. મનીષાને તેના ફોટા જોતા જ ગમી ગયો. ને તેને એડ કરી દીધો.

થોડા દિવસ સામાન્ય વાતો થઇ પછી ધીરે ધીરે બન્ને રાત-દિવસ કન્વર્જેશનમાં વાતો કરતાં કયારે એકબીજાને એકરાર કર્યો એજ ખબર ન રહી અને બન્ને એકબીજાને ચાહવા લાગ્યા.

દીપેન તો પોતાના કામમાથી મુક્ત રહેતો જ નહિ. તેને તો ફકત પૈસા ને નામ કમાવવામાં રસ હતો. એટલે દિવસ-રાત તે ત્યાં જ ધ્યાન આપતો . આ રીતે લગ્નને 15 વર્ષ થવા આવ્યા. તેમ છતાં હજુ આંગણું બાળક વિનાનું સુનું હતું. મનીષા ઘણીવાર બીજાના બાળકો રમતાં જુએ તો ,તેને થતું કે મારા ઘરે પણ આમ બાળક હોય તો કેવું સારું . પણ દીપેન આ વાત હંમેશા મજાકમાં ઉડાવી હસી કાઢતો અને મનીષા વધુ દુ:ખી થતી હતી.

એમાં આમ અચાનક પ્રિયાંકનો પરિચય થયો એટલે હવે તેને વિચાર્યું કે “મારું સ્વપ્ન હું પ્રિયાંક પાસે પુરું કરાવું.” તેણે પ્રિયાંક સાથે વધુ ને વધુ વાતો કરવાનો પ્રયાસ કર્યો. તે તેને મળવા ઇચ્છે છે કે નહિ તે જાણી લીધું. પ્રિયાંક તો ખુબ ખુશ હતો. તે જાણતો હતો કે ‘મનીષા અબજોપતિની પત્ની છે. તો મને કયાં તકલીફ પડવાની છે.’ એટલે તેણે હા પાડી મળવાની ને આમ એક દિવસ બંને શહેરથી દૂર એક હોટલમાં મળ્યા.

મનીષા વર્ષોથી ભુખી હતી તે ભુખ સંતોષાઇ એવું લાગ્યું . પણ તેની ઇચ્છા હવે વધુ ને પ્રબળ બનતી ગઇ. હવે પ્રિયાંક – મનિષા 3-4 દિવસે તો મળતાં જ હતા. હવે મનિષાને પ્રિયાંકની એવી આદત થઇ ગઇ કે તે પ્રિયાંકને કોઇપણ ભોગે છોડવા તૈયાર ન હતી.

પ્રિયાંક સમજાવતો મનીષાને કે ‘હું પરીણીત છું મારે ઘરે પત્ની અને બાળકો છે. તેમના માટે મારે કોઇ નોકરી તો કરવી જ પડે.’ ત્યારે ‘તું ચિંતા ના કર, હું બેઠી છું ને’ એમ કહી પર્સમાંથી 50,000/- કાઢી આપ્યા. ‘લે રાખ, હજી વધારે જોઇએ તો કહેજે.’ પણ હું બોલાવું ત્યારે હા , ના મારે નથી સાંભળવી. પ્રિયાંકને તો બસ આટલું જ જોઇતું હતું. તેણે તરત રુપિયા લઇ ચાલતી પકડી. આમ હવે પ્રિયાંક સ્વાર્થી બનતો ગયો. તેને થયું , મારી દરેક જરુરીયાતો તો પુરી કરે છે તો તેની પાસે સોનાનો ચેન માંગું ને માંગ્યો પણ ! તે પણ હસતાં હસતાં મનીષાએ આપ્યો.

દીપેન મનીષામાં આવેલ બદલાવ મનમાં નોંધી રહયો હતો. તેને થયું કે નકકી કંઇક તો બની રહયું છે. પણ તેણે કળાવા ના દીધું ને તપાસ કરવાની ચાલુ કરી દીધી. ધીરે ધીરે નજર રાખી મનીષા કયાં જાય છે, કોને મળે છે, કયારે ઘરે આવે છે તે બધી વિગતો જાણી લીધી.

એક દિવસ મનીષા વ્હેલી ઉંઘી ગયેલીને ફોનમાં નેટ ચાલુ હતું . દીપેન જાગતો જ હતો. ત્યાં જ મેસેજ આવ્યો. મનીષાનો ફોન લઇ મેસેજ વાંચ્યો. પ્રિયાંકે મનીષાને કાલે બપોરે મળવા બોલાવી હતી પછી દીપેને આખું કન્વર્જેશન વાંચ્યું . ને તે કયાં કયાં કેટલી વાર મળ્યા તે પણ નોંધી લીધું ને શાંતિથી કાંઇ જાણતો જ નથી એ રીતે નિરાંતે ઉંઘી ગયો.

સવારમાં જાગી, ” મનીષા, આજે હું કામથી બહારગામ જઇશ. ઘરે આવતાં મોડું થશે, તારે કંઇ કામ છે? કંઇ રુપિયા જોઇએ છે તો બોલ.” ‘હા તો થોડા આપતો જા’. મારે સારવાર ચાલે છે ડોકટર પાસે. થોડા જ દિવસોમાં હું તને “સારા સમાચાર” આપવાની છું. ગાયનેક ડોકટર મારી સારવાર કરે છે. એટલે થોડો ખર્ચ હમણાં વધું થયો છે. મારે તને સરપ્રાઇઝ આપવી હતી. પણ કહેવાય ગયું.

ઓકે, મનીષા, આ વખતે હું આવું એટલે આપણે બંને સાથે જ તે ડોકટરને મળવા જઇશું. તું ચિંતા ન કરતી. એમ કહી દીપેન તેની ગાડી લઇ રવાના થયો. મનીષા પણ જલ્દી જલ્દી તૈયાર થઇ. તે આજે પ્રિયાંકને મળવા ખુબ ઉત્સુક હતી. “દીપેનને આપણા પર સહેજ પણ શક નથી. બીજા પણ સમાચાર આપ્યા કે તેને 1 મહીનો થયો છે. તો આ તેમની છેલ્લી મુલાકાત છે. હું તું માંગીશ ત્યારે રુપિયા આપીશ પણ કદી મને મળવાનો કે ફોન પણ નહિ કરવાનો. “એવું વચન લઇ છેલ્લી વાર આવા સોદા સાથે છુટા પડયા.

દીપેન રાત્રે ઘરે મોડો આવ્યો. આવીને તરત ઉંઘી ગયો. સવારે 10 વાગ્યા તોય હજી ઉંઘમાં જ હતો. મનીષા સમાચાર પત્ર લઇ વાંચતી હતી. ત્યાં તેની નજર એક ‘સમાચાર’ પર પડી. પ્રિયાંકની લાશનો ફોટો હતો ને લખ્યું હતું. પૂરઝડપે જતી ગાડીએ અકસ્માતે આ ભાઇને કચડીને ચાલી ગઇ. સ્થળ પર જ તેનું મોત થયું છે. ગાડી નંબર પ્લેટ વગરની હતી. અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ તપાસ કરે છે. પર્સમાં રહેલા ડોકયુમેન્ટ પરથી પ્રિયાંકની લાશ છે એટલું જાણવા મળ્યું છે.

થોડીવારમાં દીપેન જાગી ફ્રેશ થઇ આવ્યો. ચાલ મનીષા, જલ્દી તૈયાર થા. આપણે નવી ગાડી લેવા જઇશું. તે પણ તારી પસંદગીની પણ એ પહેલાં કંઇક નાસ્તો તો લાવ. ખુબ ભૂખ લાગી છે.








જનકીનું લખણું :

સવારના પહોરમાં ચાર-પાંચ બાયું પાણી ભરી વાતો કરતી હાલી જાય છે. ” આજે વ્હેલા કામ પતાવી દેજો. આજે પેલી જનકીનું લખણું કરવા નાત આવી છે.” મુઇને સમજાવી પણ સાસરે જતી જ નથી. એક આણું મોકલી બીજા જ દિવસે પાછી આવી. કે છે કે છોકરો અભણ છે. કોઇ કામ ધંધો કરતો નથી. કોઇ પણ જાતની ખબર કે સમજણ પણ નથી. ત્યાં આખી જીંદગી કેમ કાઢવી.

તે હેં અલી, આપણાયે ભાયડા અભણ જ છે. ને તોય આપણે તો ઘર બાંધીને બેઠા છીએને. જો અત્યારે તો આપણને કોઇ તકલીફ નથી.

“પણ આ આજની છોકરીઓની તો વાત જ ન કરો. બે ચોપડી ભણી એટલે નખરા ચાલુ. ” મુકો પડતી એની વાત. હમણાં ચોરે ભેગા જાસુ. જલ્દી આવજો પાછી બધીયું .

જનકીના સાસરેથી 50 માણસોની નાત આવી અહીં ગામના ચોરે બેઠી છે. ગામના મુખી તેમજ વડીલો બેઠા. ને હવે કેવી રીતે નીવેડો લાવવો તે વિચારે છે.

પણ મામલો વધુ પેચીદો થતો જાય છે. સાસરાવાળા એમ કહે છે કે અમારે જનકીને તેડી જ જવી છે ને જનકી ના પાડે તો અમને દાવા પેટે 5,00,000/- રુપિયા જનકીના બાપા આપે. છેવટે નાતના વડીલોએ આ માન્ય રાખ્યું .

આ પ્રમાણે લખાણ કરવામાં આવ્યું. જયારે જનકીની સહી થવાની હતી. ત્યાં જ એક ઝાડ પાછળથી બધું સાંભળતી જનકી સિંહની માફક ગરજી. ” ઉભા રહો, લખણું મારું થાય છે. તો મને તો કોઇ પુછો ? કોઇએ મને પુછયું કે મારે શા માટે નથી જાવું ? પહેલાં મારી સાથે જેના લગ્ન થયા તે છોકરાને જુઓ. લઘરવઘર જેને પોતાનું જ કંઇ ભાન નથી કે નથી કોઇ આવડત. લગ્નજીવન શું કહેવાય એની પણ એને કોઇ સમજ નથી. હવે મને કહો કે મારે શી રીતે સાસરે જવું?

હું નાની હતી . સમજતી નો’તી ત્યારે મારી સગાઇના પૈસા લઇ મારા બાપુએ મારી સગાઇ કરી દીધી. પણ કંઇ વિચાર્યું નહિ. આજે 5,00,000/- રુપીયામાં મારું છુટુ થશે ને ફરી 8,00,000/- રુપીયામાં કોઇ વિધુર કે બીજવર કે સંતાન ન હોય તેવા ડોસાને મને ઘરઘાવશે.

એટલે શું હું વેપારની વસ્તુ છું ? હું જાહેરમાં કહું છું કે હું 21 વર્ષની છું. આ જીવનમાં કયાં કેમ જીવવું, કયાં લગ્ન કરવા એ મને હક્ક છે.

માટે મને તમારો આ 5,00,000/- રુપીયા લઇ મારું છુટું કરવાનો ફેંસલો મને મંજુર નથી. ને આમાં જો કોઇએ દબાણ કર્યું તો બધાને જેલ હવાલે કરાવીશ. હું જાતે જ જોઇને છોકરો પસંદ કરીશ. હું જ નીર્ણય પણ લઇશ. આજથી મારું લખણું સમજજો. હું જ લખી આપું છું કે મારી રાજીખુશીથી હું છુટ્ટી થાઉં છું.



લોહીનું ઋણ :

“ઉઠો હવે, છેલ્લી હતી ખીચડી તે કાલે બનાવી દીધી. હવે ખાવા કંઇ છે નહિ…તમે આજે કામથી આવો ને કંઇ લાવો ત્યારે ખાવાનું બનશે.” .. મારાથી આ 3 છોકરાં મુકીને કોઇ કામે જવાતું નથી ને તમે કયાંક દારુ ઢીંચીને પડયા રહો. ત્યારે અમારે ભુખ્યા રહેવુ પડે ને મને છોકરાંને ભૂખ્યા ટળવળતા જોવાતું નથી. આજે જલ્દી ઘરે આવજો. આમ એ મજુર બાઇ રડતી રડતી એના મજુર પતિને કહી રહી છે.

“હા, લે… હું જાઉં તો તો વહેલો.” કાંઇક કામ મળી જાય તો સારું એમ બોલી સાયકલ લઇ મજુર ઉપડયો. પહોંચ્યો જયાં મજુરો ઉભા રહે તે જગ્યાએ. જયાંથી જેને છુટક મજુરની જરુર હોય તે લઇ જાય.

મજુરે ઘણાને આજીજી કરી “મને લઇ જાવ કામે” પણ “દારુડીયા તારો શું ભરોસો” કહી કોઇ કામે લઇ જવા તૈયાર થયું નહી.

બપોર સુધી રાહ જોઇ મજુરે. પણ કોઇ કામ ન મળ્યું. ઘરે જવા પગ ઉપડતા ન હતા. કારણ કે ઘરે જાય તો ભૂખ્યા 3 છોકરાં ને પત્નીને શું જવાબ આપે.?

નિરાશ થઇ ખીસામાં પડેલા છેલ્લા 5 રુપીયાની ચા પીવા હોસ્પીટલની બાજુમાં રહેલ કીટલીએ ગયો. ત્યાં બે માણસો વાત કર્તા હતા કે ઉદ્યોગપતિ છોકરાને અકસ્માત થયો છે ને લોહીની સખ્ત જરુર છે પણ તે ગ્રુપનું લોહી મળવું ખુબ મુશ્કેલ છે. આ સાંભળી મજુર હોસ્પીટલમાં ગયો ને બોલ્યો . લોહી ચેક કરો. લોહી મેચ થાય થાય તો હું આપીશ.

લોહીનો ટેસ્ટ થયો ને લોહી મેચ થયું. તેણે લોહી આપ્યું. ઉદ્યોગપતિ પોતાના પુત્રને જીવનદાન મળતા રાજી થઇ ગયો. ને તેમણે 5000 રુપિયા આપવા માંડયા. ” શેઠજી રુપિયા નથી જોઇતા. મારા છોકરાં જે દિવસે કામ ન મળે તે દિવસે ભુખ્યા રહે છે. આપવું હોય તો કોઇ કામ આપો.” મજુરે કહયું.

ઉદ્યોગપતિને લાગ્યું કે આખરે એના લોહીથી મારા દિકરાને જીવન મળ્યું તો હું એના લોહીનું ઋણ ઉતારૂં.

દારુ ના પીવાના સોગંધ લેવરાવી પોતાની કંપનીમાં ‘વોચમેન’ તરીકે નોકરીમાં રાખ્યો ને રહેવા કવાટૅસ પણ.