આત્મહત્યા નું કારણ Paras Vanodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મહત્યા નું કારણ

વિમલકુમાર શર્મા એક નાનકડા ગામની બેંકના મેનેજર છે. એક દિવસ બપોરના સમયે તેઓ કામકાજમાં વ્યસ્ત હતા ત્યાં જ એક અમિત નામનો છોકરો આવ્યો અને કહ્યું: ”અંકલ, તમારી દીકરી નીલમ સિરિયસ છે. જલ્દી હોસ્પિટલ પહોંચો.”

વિમલકુમાર શર્મા બધું જ કામકાજ પડતું મૂકીને હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ કહ્યું: ”નીલમે આત્મહત્યા કરવા કોશિશ કરી છે.”વિમલકુમાર શર્મા ગભરાઈ ગયા. નીલમ બેભાન હતી. એના મોં માંથી ફીણ બહાર આવી ગયું હતું. બે ત્રણ હેડકીઓ આવી અને બંધ થઈ ગઈ. ડોક્ટરોએ કહ્યું: ”શર્મા સાહેબ નીલમ હવે નથી.”

નીલમની લાશ પર સફેદ કપડું ઓઢાડી દેવામાં આવ્યું. પોલીસ પણ આવી ગઈ. જરૃરી કાગળીયાં કરી નીલમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. શર્મા ભાંગી પડયા. તેમના પત્ની માયા દેવી માનસિક રીતે બીમાર રહેતા હતા. નીલમને એક મોટો ભાઈ હતો. રાજેશ, તે પણ આવી ગયો. ૧૮ વર્ષની વયની નીલમ બેહદ સુંદર છોકરી હતી. ભણવામાં પણ તે હોંશિયાર હતી. તે સ્કૂલમાં સારી એથ્લેટ પણ હતી. પિતાને પોતાની પુત્રી પર ગર્વ હતો. નીલમ બધી જ રીતે ડાહી હતી તો એવુ તે શું બન્યું કે તેણે આત્મહત્યા કરી લીધી ! નીલમનું મૃત્યુ આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો. પોલીસે તપાસ શરૃ કરી. નીલમના પિતાને કોઈની યે પર શંકા નહોતી. પોલીસે પૂછયું: ”નીલમને હોસ્પિટલમાં કોણ લઈ આવ્યું હતું ?”

શર્માએ કહ્યું: ”અમિત”

”અમિત કોણ છે ?”

”મારા પુત્ર રાજેશનો મિત્ર.”

પોલીસે ગામમાં જ રહેતા અમિતને બોલાવી પૂછપરછ શરૃ કરી. અમિતે કહ્યું: ”એ દિવસે સવારે ૧૧-૩૦ વાગે હું મારી મોટરબાઈક પર કામનાથ મંદિર જઈ રહ્યો હતો. હું નીલમના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે મેં જોયું તો નીલમ ઘરની બહાર ઊલટીઓ કરી રહી હતી. નીલમે મને કહ્યું કે એણે ઝેર ખાઈ લીધું છે. મેં તરત જ ઓટો બોલાવી નીલમને હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી.”

પોલીસે અમિતને આટલી પૂછપરછ બાદ જવા દીધો. પોલીસ માટે પણ મૂંઝવણ એ હતી કે નિલમે ઝેર કેમ ખાધું ? શું એના ઘરમાં કોઈ લડયું હતું ? સ્કૂલમાં ટીચરે કોઈ ઠપકો આપ્યો હતો ? પણ એવું કાંઈ ના નીકળ્યું. પોલીસે હવે ઘરના જ સભ્યોની પૂછપરછ શરૃ કરી. નીલમની મા માનસિક રીતે બીમાર રહેતી હતી અને સૂઈ જ રહેતી હતી. નીલમે કોઈ સ્યૂસાઈડ નોટ પણ લખી નહોતી. પોલીસે નીલમની બેગ તપાસી. એક નોટના એક પાના પર અનેક જગાએ લખ્યું હતું: ”અમિત આઈ લવ યુ. તું મને છોડી દઈશ તો હું આત્મહત્યા કરી લઈશ.”

પોલીસને લાગ્યું કે, નીલમની આત્મહત્યાનું કારણ અમિત જ લાગે છે. પોલીસે એક રાતે અચાનક જ અમિતના ઘેર દરોડો પાડયો. પોલીસ રાત્રે જ અમિતને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને નીલમે ”આઈ લવ યુ લખેલી નોટ બતાવી.” અમિત પણ હજી ૨૦ વર્ષની વયનો જ હતો. પોલીસે કડકાઈથી કામ લીધું અને અમિતે બોલવા માંડયુ.

અમિતે કહ્યું: ”સર, મને મારશો નહીં, હું અને નીલમનો ભાઈ રાજેશ બેઉ મિત્રો છીએ. કોલેજમાં સાથે જ ભણીએ છીએ. દોસ્ત હોવાના નાતે હું એકવાર રાજેશના ઘેર ગયો. મારી નજર નીલમ પર પડી. નીલમની જુવાની ઊભરી રહી હતી. નીલમ મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે નીલમ પણ મારી તરફ આર્કિષત થઈ ચુકી હતી. પહેલી મુલાકાતમાં તો અમે આંખોથી જ વાતો કરી. પરંતુ એ પછી હું અવારનવાર રાજેશને મળવાના બહાને નીલમના ઘેર જવા લાગ્યો.

એક દિવસ નીલમ એકલી જ ઘરમાં હતી. મેં એને કહ્યું : ”નીલમ આઈ લવ યું. હું તને જ મળવા આવ્યો છું.”

અને નીલમ કોઈ પણ જવાબ આપ્યા વિના મીઠું સ્મિત આપીને જતી રહી. પરંતુ એના રૃમમાં જઈ મેં નીલમને પકડી લીધી. મેં નીલમને પૂછયું: ”બોલને નીલમ…. પ્લીઝ!”

”શું ?”

” તું મને ગમે છે. શું તને હું ગમું છું ?”

એણે માત્ર માથું હલાવી હા પાડી અને ફરી તે ડ્રોઈંગરૃમમાં દોડી ગઈ. એ પછી હું નીલમ એકલી જ ઘરે હોય ત્યારે મળવા જતો. ત્યારપછી અમે બહાર પણ મળવા લાગ્યા.નજીકના ટાઉનમાં જઈ સાથે પિકચર પણ જોતા. કોઈ વાર ગાર્ડનમાં મળતાં. નીલમના પપ્પા બેંકમાં ગયા હોય અને તેનો ભાઈ નોકરીએ જતો હોઈ અમને મળવાનું અનુકૂળ રહેતું. નીલમની મમ્મી એના બેડરૃમમાંથી બહાર આવી શક્તી જ નહોતી. હું નીલમના સૌંદર્ય પાછળ પાગલ હતો. દિવસો જતાં મારી અને નીલમ વચ્ચેની તમામ મર્યાદાઓ તૂટી ગઈ. આ સિલસિલો જારી રહ્યો. નીલમ હવે મારા વગર રહી શક્તી નહોતી. એનો આગ્રહ હતો કે હું તેને રોજ મળું. તેણે કોલેજ ભણવાનું શરૃ કર્યું હતું. પરંતુ ગમે તે કારણસર તેને હવે ભણવા કરતાં મારી સાથે જલ્દી લગ્ન કરી લેવામાં વધુ રસ હતો. પહેલાં તો મેં કહ્યું કે ”નીલમ, હજી તારીને મારી ઉંમર ઓછી છે.”

તો નીલમ કહેતીઃ ”મને તેની પરવા નથી. મને હવે ભણવા કરતાં તારામાં વધુ રસ છે. હું તને દિવસમાં એક વાર જોતી નથી તો રહી શક્તી નથી. મને બધી જ રીતે તું રોજ જોઈએ.”

મને લાગ્યું કે નીલમના શારીરિક આવેગો અતિ તીવ્ર હતા. શાયદ તે ઉંમર કરતાં વધુ વહેલી પુખ્ત થઈ ગઈ હતી. એની રોજેરોજની માગણીને હું સંતોષી શક્તો નહોતો કારણ કે રોજ મારી પાસે એવો સમય નહોતો. માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે લાગણીઓથી પણ મારી સાથે વણાઈ ચુકી હતી. નીલમે કહ્યું: ”હું લગ્ન કરીશ તો તારી સાથે જ નહીંતર આત્મહત્યા કરી લઈશ.”

હું ગભરાઈ ગયો. મારી અને નીલમની જ્ઞાતિ અલગ હતી. મારા માતા-પિતા આ લગ્નને કદી માન્ય રાખવાના નહોતા. હું નીલમનો બોય ફ્રેન્ડ જ બની રહેવા માગતો હતો પણ તે એથી આગળ વધી ચુકી હતી. મેં એક દિવસ કહ્યું: ”નીલમ તારી અને મારી બિરાદરી અલગ છે, બંને જ્ઞાતિઓ આ આપણા લગ્નને માન્ય રાખશે નહીં.”

ત્યારે એ બોલી હતીઃ ”જો અમિત, હું તને બે મર્યાદ મહોબ્બત કરું છું. તું જ્ઞાતિ કે કોમનું બહાનું કાઢીને છટકવાનો પ્રયાસ કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ. મારી પાસે જે હતું એ બધું જ તને સોંપી દીધું છે. તેથી મારી સાથે દગો કરતો નહીં.”

હું સમજી ગયો કે જે છોકરીને હું સમય પસાર કરવાનું કે આનંદનું સાધન સમજતો હતો તે હવે મારા પ્રત્યેના પ્રેમમાં વધુ પ્રગાઢ હતી અને એ રીતે સમય પસાર થતો રહ્યો. નીલમની માગણી મુજબ લગભગ રોજ મારે એના ઘેર જવું પડતું. એની માનસિક લાગણીઓને તથા શારીરિક જરૃરિયાતોને સંતોષવી પડતી. પરંતુ હવે હું એનાથી ઉબાઈ ગયો હતો. વળી નીલમ તેની ઉંમર કરતાં યે વધુ વયસ્ક લાગતી હતી.

એક દિવસ નીલમે મને કહ્યું: ”અમિત, મારા ઘરમાં મારા ભાઈને મારી પર શક થવા લાગ્યો છે. મારા પર્સમાં ગર્ભ નિરોધક ટેબ્લેટ તે જોઈ ગયો છે. એણે મારા પપ્પાને ફરિયાદ કરી. મારા પપ્પાએ પણ મને ખૂબ મારી હતી. હવે એ લોકો શોધે છે કે મારે કોની સાથે સંબંધ છે? તેથી હવે આપણે જ આપણા ઘરમાં જ વાત કરી દઈએ કે આપણે પરણી જવા માંગીએ છીએ.”

મેં કહ્યું: ”આટલું જલ્દી ?”

નીલમે કહ્યું: ”હા… બે દિવસ પછી મને છોકરો જોવા આવવાનો છે. હું બીજાની સાથે રહી નહીં શકું. હું ભાગીને તારી સાથે લગ્ન કરી લેવા માંગુ છું. આજે રાત્રે જ નિર્ણય લેવાનો છે. કાલે ભાગીને લગ્ન કરી લઈએ અથવા બેઉ જણ સાથે આત્મહત્યા કરી લઈએ. તેં અને મેં સાથે જ જીવવાની ને સાથે જ મરવાની કસમ ખાધી છે યાદ છે ને!”

”પણ…?”

”પણ ને બણ નહીં ચાલે તારે મારી સાથે આજે જ લગ્ન કરવાં પડશે અથવા મારી સાથે આજે જ આત્મહત્યા કરી લેવી પડશે.”

નીલમની આંખો જોઈ હું ગભરાઈ ગયો. થોડીક ક્ષણો સુધી કાંઈક વિચાર્યા બાદ મેં પણ મનમાં એક નિર્ણય લઈ લીધો. મેં કહ્યું :”ઠીક છે નીલમ. આપણાં લગ્ન શક્ય નથી. તો સાથે જ જીવનનો અંત લાવી દઈએ. હું કાલે ઝેર લઈને આવીશ. કાલે સાથે જ પી લઈશું અને સાથે જ ઉપર જઈશું.”

નીલમ સાથે મરવાની વાત સાંભળીને રાજી થઈ. મેં તેને એક ચુંબન કર્યું. એણે પણ મને વહાલ કર્યું. નીલમે કહ્યું: ”કાલે ૧૧ વાગે હું તારી રાહ જોઈશ.”

બીજા દિવસે સવારે હું જંતુનાશક દવાની દુકાનેથી ઝેરી દવા લઈ આવ્યો.એ દિવસે ઘરમાં નીલમ મારી રાહ જોતી હતી. તેની બીમાર મા એના રૃમમાં સૂઈ ગઈ હતી. મેં બે ગ્લાસ મંગાવ્યા. બંને ગ્લાસમાં ઝેરી દવા રેડી, મેં નીલમ સામે જોયું. એ મને ભેટી પડી. એ બોલીઃ ”વહાલા, આવતા ભવમાં પણ આપણે સાથે જ રહીશું.” એમ કહેતાં તે મારા પગે પડી. તે પછી મેં ગ્લાસ લીધો. એણે પણ ગ્લાસ હાથમાં લીધો. એણે કહ્યું: ”ચાલ શરૃ કર.”

મેં કહ્યું: ”પહેલાં તું, નીલમ.”

નીલમ બોલીઃ ”મને વાંધો નથી. તું કહે તે બધું જ કરવા તૈયાર છું.” એમ કહેતા એણે ઝેર ગટગટાવી દીધું. પણ મેં ગ્લાસ ફેંકી દીધો. હું મરવા માંગતો જ નહોતો. નીલમથી છુટકારો મેળવવા મેં આ પ્લાન કર્યો હતો કે નીલમ પહેલાં ઝેર પી લે અને મારે ગ્લાસ ઢોળી દેવો. અને થોડી જ ક્ષણોમાં ચીસો પાડીને નીલમ બેભાન થઈ ગઈ. અને હું જ તેને હોસ્પિટલ સુધી લઈ આવ્યો.”

અમિતે એની વાત પૂરી કરી. પોલીસ સ્તબ્ધ થઈને વાત સાંભળી રહી. પરંતુ પોલીસ અધિકારીએ પૂછયું: ”મરતી વખતે નીલમના ભાવ કેવા હતા ?”

અમિત બોલ્યોઃ ”એની આંખોમાં આંસુ હતાં. મેં કરેલા દગા બદલ એની આંખોમાં અફસોસ હતો. પરંતુ તે લાચાર થઈને મને જોઈ રહી હતી અને હું એને તરફડતી જોઈ રહ્યો હતો. હું મારી જાતને કદી માફ કરી શકીશ નહીં.

અને અમિત પણ ભાંગી પડયો. નીલમને આત્મહત્યામાં મદદ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી.

***