Ek Natak - 2 books and stories free download online pdf in Gujarati

એક નાટક - 2

અનિકા અને આર્જવ બંને કેન્ટીનની ખુરશી પર બેસ્યા. હંમેશા લેક્ચરમાં જ જોવા મળતી અનિકા આજે ચાલુ લૅક્ચરે કેન્ટીનમાં જોઈને લોકોને આશ્ચર્ય થતું હતું. આર્જવ અનિકાના ચહેરાના હાવભાવ વાંચવા મથી રહ્યો હતો. તેને ઘણું કઈ કહેવું હતું પણ કદાચ શરૂઆત કરવામાં અચકાઈ રહી હતી. નીચી નિગાહો જાણે વાદળાની પાછળ છુપાયેલો ચંદ્રમા!!!! તેના હોઠોનું સ્મિત જાણે દરિયામાં આવતા મોજા જેવું લાગ્યું, જે આવે ને જાય આવે ને જાય. તે થોડી અસમંજસમાં હતી આખરે તેને પલકો ઉપર કરી, આહ!!!! આ તો પૂર્ણ ચંદ્રમા ખીલી ગયો !!!! આર્જવ બે ઘડી તેને જોઈ જ રહ્યો. “આર્જવ તારા નામનો મતલબ શું થાય ?” આર્જવ શું બોલે? આ તે કેવો સવાલ પોતાને પણ પોતાના નામ નો મતલબ નહોતો જાણતો તેને પણ સામે સવાલ કર્યો, “ અનિકાનો મતલબ શું થાય ? “ તે પણ નિરુત્તર રહી. બંને જણા હસી પડ્યા. આજુબાજુમાં બેસેલા લોકો આ પ્રેમભર્યો સંવાદ સાંભળી રહ્યા હતા, કોઈ હસી રહ્યું હતું તો કોઈને વેદિયાવેડા લાગતા હતા, તો કોઈ વિચારતું હતું આ તે કેવી જોડી ??? આમ અચાનક અનિકાને શું સૂઝ્યું કે એક ગુંડા જેવા છોકરા સાથે દોસ્તી કરી બેસી, અમે કઈ એનાથી ઉતારતા છીએ કે ??

અચાનક અનિકા બોલી, “ તો હું જાવ ?? “ આર્જવે આશ્ચર્ય વ્યક્ત કર્યું, “હજી કોફી આવી જ નથી.” અનિકા જાણે જમીન પર ફસડાઈ, “હા કોફી તો આવી જ નથી!!” થોડી વારે વેઈટર આવ્યો કોફીના કપ મુકતા તેનો હાથ અથડાયો અને કોફી ઢોળાતા ઢોળાતા બચી. આર્જવની આંખો લાલ થઇ ગઈ પેલો નરમ ઘેંશ જેવો બની ગયો. અનિકાએ બાજી સંભાળી લીધી, “ વાઉ...... કોફી....” આર્જવનું ધ્યાન તેના હાસ્ય પર ગયું .અને વેઈટર ત્યાંથી ખસી ગયો. અનિકા ગરમ ગરમ કોફી એક જ ઘૂંટડામાં પી ગઈ. આર્જવને અચરજ થયું અનિકા ઉભી થઇ ગઈ, “બાઈ... હું જાવ માટે મોડું થાય છે” આર્જવ કઈ કહે તે પહેલા તો તે ત્યાંથી જતી જ રહી. આજે તે બહુ જ ખુશ હતો દોસ્તો એ તો તેને વધામણી આપી અને તેના આવા વર્તન નું અવલોકન કરતા કહ્યું કે જયારે છોકરી આમ વર્તે ત્યારે નક્કી સમજવું કે તે પ્રેમમાં પડી છે.

વધુ બે ત્રણ મુલાકાત કેન્ટીનમાં થઇ અને હવે તો બંને કોલેજ બહાર પણ મળવા લાગ્યા. આખી કોલેજમાં એક જ ચર્ચા થતી હતી કે અનિકાને આખરે થઇ શું ગયું છે; તે આર્જવ જેવા છોકરા પાછળ પાગલ થઇ ગઈ તો બીજી બાજુ ઘણા વખતથી કોઈ પ્રકારની મારામારી કે ઝગડા નહોતા થયા એટલે શાંતિ પણ હતી. આખરે ઝગડા થાય પણ કેમ? આર્જવ પાસે સમય જ ક્યાં હતો ?? તે તો અનિકાની આગળ પાછળ ફરતો હતો. આર્જવની બાઈક પર અનિકા બેસતી તે જોઈને કેટલાયે નિસાસા નાખતા તો કેટલાને અનિકાના નસીબની ચિંતા થતી. અનિકા હવે તો છાશવારે લેક્ચર બંક કરતી, કેન્ટીનમાં બેસતી, કોલેજમાં આવીને આર્જવ સાથે ફરવા ચાલી જતી, અને આર્જવ અનિકાની દુનિયામાં મસ્ત રહેવા લાગ્યો.

હરતા ફરતા કોઈ છોકરાની ખરાબ નજર અનિકા પર પડે કે સમયસર વેઈટર ના આવે કે બાઈક ચલાવતી વખતે જો કોઈ વાહન આડે આવી જાય ત્યારે આર્જવ પોતાનો પિત્તો ખોઈ બેસતો, ત્યારે અનિકા માટે શરૂઆતમાં તે ક્ષણ ખુબ જ વસમી પડતી. ધીરે ધીરે તે બધું જ સાંભળતા શીખી ગઈ.

કોલેજથી અડધા કલાકના અંતરે લીલીછમ હરિયાળી આવતી; તેની આગળ એક ડુંગર હતો આ ડુંગર પ્રેમી પંખીડાનો ગઢ ગણાતો. અનિકા અને આર્જવ બંને ત્યાં ઘણી વાર જતા. આજે પણ કોલેજ બંક કરી બંને જતા ત્યાં ગયા. અનિકાએ આર્જવને પૂછ્યું, “ આમ ફર્યા જ કરીશું કે ભવિષ્યનું પણ કઈ વિચાર્યું છે ??” આર્જવે બેફિકરાઈથી કહ્યું, “પપ્પાનો બિઝનેસ છે ને પછી શું ચિંતા ?!!” “ઓહ્હ” કહેતા ભડકી, “ બિઝનેસ પપ્પાનો ખરો પણ તારું ભવિષ્ય શું ? તારું યોગદાન શું ? બિઝનેસમેન બનવું કઈ કોલેજની પરીક્ષા આપવા જેટલું સહેલું નથી હોતું ના જાણે કેટલાયે વર્ષોની અથાગ મહેનતના પરિણામમાં બિઝનેસ જામતો હોય છે શું મારો પતિ પણ બિઝનેસમેન ના બની શકે ?” આર્જવને પતિ શબ્દનો એવો તો ઝટકો લાગ્યો, “ હું લગ્નસંસ્થામાં વિશ્વાસ નથી રાખતો હા પણ પતિની ભૂમિકા નિભાવવા તૈયાર છું!!” અને અનિકાને જોરથી બાહોમાં ભરી લીધી, અનિકા ના ના કહેતી રહી પણ આર્જવે કઈ સાંભળ્યું જ નહિ. . અનિકા તેની બાહોમાં પીગળી રહી હતી. બંધ આંખે પણ તે આર્જવની નરમાશને અનુભવી રહી હતી!!!! ક્યાં કોલેજમાં મારધાડ કરતો આર્જવ અને ક્યાં અત્યારનો પ્રેમાળ આર્જવ !!! તે પોતાનો કાબુ ખોઈ બેસે એ પહેલા સજાગ થઇ ગઈ. છોડ મને મારે હવે ઘરે જવું પડશે. બંને છુટા પડ્યા.

રાત આખી અનિકાએ વિચારોમાં કાઢી હવે શું થશે આગળ શું ?? તેને બહુ જ ચિંતા થતી હતી. બધું જ ભગવાનને ભરોસે છોડી દીધું હતું હવે તો. આર્જવનો આ બીજો અવતાર તેને ક્યારેક ખુબ જ અચરજ પમાડતો. કેવો હતો અને કેવો થઇ ગયો!!! શું સાચે જ તેના પ્રેમને કારણે તે બદલાઈ રહ્યો છે કે શું ?? તેને જેસલ અને તોરલની વાત યાદ આવી ગઈ. જેસલ જે એક બહારવટિયો હતો તે તોરલના પ્રેમમાં પડીને સુધરી ગયો હતો. આજે વર્ષો પછી તે વાતનું પુનરાવર્તન થઇ રહ્યું હતું….. તે ઘડીભર પોતાને અરીસામાં તાકી રહી!! શું તે એટલી રૂપવાન છે કે કોઈને પણ વશમાં કરી શકે ?? રેશમી ખુલ્લા વાળ, લીસ્સી, ગોરી ચામડી, કુદરતી લાલાશવાળા હોઠ અને સપ્રમાણ દેહ. બસ અને હા સહેજ નમણી ખરી. એ સિવાય તો બીજું કશુંય આંખે વળગતું નહોતું છતાંયે લોકો તેના રૂપની ચર્ચા કરતા રહેતા. આર્જવ સાથે રહેતી ત્યારે થોડી સતર્ક જ રહેતી. કોને ખબર ક્યારે તેનું મગજ છટકી જાય, પણ આજકાલ તો તેનામાં ગજબનો બદલાવ આવ્યો છે જયારે હોય ત્યારે અનિકા આમ અનિકા તેમ અનિકા ,અનિકા, અનિકા…..!!!

વિચારોમાં ને વિચારોમાં તે ક્યારે સુઈ ગઈ તેનું ભાન જ ના રહયું. સવારે ઉઠી ત્યારે ફરી અરીસામાં જોયું અને પોતાને કંઈક અલગ જ દેખાય. કદાચ રોજ કરતા વધુ સુંદર!!!!! ઝટપટ તૈયાર થઈને કોલેજ ગઈ રોજે તો આર્જવને મળતી જ હતી પણ આજે ખબર નહિ બહુ જ મન થતું હતું મળવાનું !!! આર્જવ આજે કોલેજમાં આવ્યો જ નહોતો. કૉલ કર્યો તો ખબર પડી કે ભાઈસાહેબ તો આજથી જ પપ્પાના બિઝનેસમાં જોડાય ગયા છે !!!! અનિકા સ્તબ્ધ થઇ ગઈ!!!! આર્જવ પોતાની વાતો આટલી સિરિયસલી લેતો હશે તેવી તો કલ્પના જ નહોતી. થોડો ડર લાગ્યો, થોડું અજુગતું લાગ્યું પણ આનાથી વધુ સારા સમાચાર શું હોઈ શકે ??

લન્ચ ટાઈમમાં આર્જવનો કૉલ આવ્યો અને અનિકા વરસી પડી, “મને ઘણું જ ગમ્યું કે તે બિઝનેસ જોઈન કર્યો પણ આ તો આપણા કોલેજનું આખરી વર્ષ છે, અત્યારે તો ભણવામાં સમય આપવાનો છે, એકવાર બીકોમની ડિગ્રી હાથમાં આવે પછી કામ જ કરવાનું છે ને તું તો તરત જ બધા કામ કરવા તૈયાર થઇ જાય છે!!! પેલી સાંજે પણ તું કેવો મારા પર તૂટી પડેલો !!!!” “ અચ્છા શું કરું તું છે એટલી સારી કે મને તારી દરેક વાત માનવી ગમે છે રહી વાત આપણા અભ્યાસની તો હું તારા પ્રેમની તાકાતથી પણ પૂરો કરી લઇશ!!!! “ અનિકા એકદમ ડરી ગઈ આર્જવ આ શું બોલી રહ્યો છે પોતે શું કરવા જઈ રહી છે…

આર્જવનો કૉલ પૂરો થયો ને તરત જ અનિકાના ફોન પર તેના પપ્પા રસિકભાઈનો કૉલ આવ્યો. બેટા તારો ખુબ ખુબ આભાર!!! આજે આર્જવ જે કઈ પણ છે એ તારા કારણે છે. અનિકા ચૂપ જ રહી કઈ પણ બોલવાની તેનામાં હિમ્મત જ નહોતી. રસિકભાઈ આગળ વધ્યા, “તેનો વર્તારો પણ તદ્દન બદલાઈ ગયો છે આપણું પ્લાન બરાબર ચાલી રહ્યું છે બસ તેને આમ જ ચાલવા દેજે, આર્જવ બિઝનેસ જોઈન કરશે તેવી મને કલ્પના જ નહોતી. તારા આ યોગદાન બદ્દલ ફરી એકવાર ખુબ ખુબ આભાર હવે તો મારી ઘણી ચિંતા ઓછી થઇ ગઈ છે બસ આમને આમ બધું બરાબર ચાલે એવી ભગવાનને પ્રાર્થના. થોડા વખત પછી તું આર્જવને કહી દે જે કે હવે તને તેનામાં રસ નથી પછી એક સુશીલ કન્યા સાથે પરણાવી દઉં એટલે બસ શાંતિ જ શાંતિ. આપણા બનાવેલા આ પ્લાનમાંથી ત્યાર પછી તને તું છૂટી અને તે સાથે જ અનિકા છળી ઉઠી!!! તેના હૃદય પર એક ટીસ પડી.!!!!!

(ક્રમશ)

બીજા રસપ્રદ વિકલ્પો