“ આર્જવ.... આર્જવ બસ કર….. છોડ તેને!!!” પાંચ છ છોકરાઓની ટોળકી આર્જવને મારામારી કરતા રોકી રહી હતી, પણ આર્જવ માને ખરો? તે તો બસ એક પછી એક મુક્કા મારતો જ હતો. આખરે કોલેજનો પ્યુન, જે એક હટ્ટોકટ્ટો પહેલવાન જેવો હતો, જે આવા દંગાને કાબુમાં રાખતો હતો, તે આવ્યો અને મામલો થાળે પડ્યો. માર ખાધેલા છોકરાને તાબડતોબ સારવાર માટે લઇ જવાયો અને આર્જવને પ્યુન પ્રિન્સીપાલની કેબિનમાં!!! સાથેના દોસ્તો રીતસરના કરગરતા હતા મહેરબાની કરીને આર્જવને છોડી દો પણ પ્યુને આ વખતે તો જરાયે ના સાંભળ્યું.
પ્યુને ઘણી વખત આ ઝગડા અને મારામારી રોકી હતી, પરંતુ ક્યારેય પ્રિન્સિપાલ સામે આર્જવને ઉભો કર્યો નહોતો, પણ આજનો કિસ્સો થોડો જુદો જ હતો. માટે કેબિનમાં લઇ જવા સિવાય બીજો કોઈ જ ઉપાય બાકી રહ્યો નહોતો.
આ હંમેશનું હતું આર્જવ દાદાગીરી અને ઝગડા કરવા માટે કોલેજમાં કુખ્યાત હતો; જરા પણ જો તેની ઈચ્છા પ્રમાણે ના થયું તો સમજો કે સામે વાળનું આવી જ બન્યું, ફક્ત જુનિયર જ નહિ પણ સિનિયર પણ તેનાથી બે ગાળાનું અંતર રાખતા!! રખેને આર્જવ નામનું તોફાન ક્યારે ત્રાટકી પડે ખબર નહિ!!! આર્જવના દોસ્તો પણ તેનાથી ક્યારેક તોબા પોકારી જતા, પણ જો તેનાથી દૂર થઇ જાય તો તેઓનું પણ આવી જ બને!! અને આમ પણ આર્જવ હતો તો સારો બસ ગુસ્સો કાબુમાં રાખી શકે તેમ ના હતો બાકી તો હરવા ફરવા માટે હંમેશા તે તૈયાર રહેતો અને પૈસા પણ આર્જવ જ ખર્ચતો એટલે દોસ્તોની તેને ક્યારેય કમી ના પડતી!!
વાત એમ હતી કે કોલેજની સૌથી સુંદર છોકરી અનિકા જે આર્જવની પણ પસંદ હતી તે નીરવ સાથે વાત કરી રહી હતી; વાતવાતમાં નીરવે તેને કોફી માટે ઇન્વાઇટ કર્યું નીરવને તો ગર્લફ્રેન્ડ હતી જ, આ તો તે થોડા દિવસની રજા પર હતો અને અનિકાએ તેને બનાવેલી નોટ્સ આપી તેના બદલામાં થેન્ક યુ કહેવા જ તો કોફી ઓફર કરી રહ્યો હતો. અનિકાએ આદરપૂર્વક ના પાડી. આર્જવ દૂરથી જોઈ રહ્યો હતો કે અનિકા ના પાડી રહી છે, અને નીરવ તેને ફોર્સ કરી રહ્યો છે; બસ તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો!!! સીધો જ નીરવને ધીબેડી નાખ્યો. તારી હિમ્મત કેમ ચાલી અનિકાને ફોર્સ કરવાની ?? ના પાડે છે એ તો તેની મરજી વિરુદ્ધ તું કેમ જઈ રહ્યો છે ?? કહેતા તેની ધુલાઈ કરવા મંડ્યો. લોકોનું ટોળું જમા થઇ ગયું; પણ કોઈની હિમ્મત નહોતી કે આર્જવને રોકે. નાજુક નમણી અનિકા આ બધું જોઈને હેતબાઈ ગઈ, તેનો સુરેખ ચહેરો સ્તબ્ધ થઇ ગયો આવું બધું તો તેને ફક્ત ફિલ્મોમાં જ જોયું હતું, ત્યાં સુધી કે તેને આર્જવની વાતો સાંભળી હતી કે તેને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે અને તે મારામારી કરે છે પણ તેને આમ લડતા પહેલી વાર જ જોયો હતો, તે થરથર કંપવા માંડી. તેને અફસોસ થયો કે કોફી માટે ચુપચાપ નીરવને ના પાડી હા પાડી દીધી હોત તો સારું થાત, આ બધું આર્જવને કહેવું નકામું હતું. બિચારો નીરવ નાહક નો માર ખાઈ રહ્યો હતો.
આર્જવ પ્રિન્સિપાલ સામે ઉભો રહ્યો, સાથે નીરવ ,પ્યુન અને છોકરાઓનું ટોળું હતું. પ્યુને ટૂંકમાં બધી વાત રજુ કરી, નીરવે પણ પોતાની વાત રજુ કરી. અહીં આર્જવ રાતો પીળો થઇ રહ્યો હતો. તેને બોલવાનો વારો આવ્યો નહોતો અને વચ્ચે જ બોલ્યો, “ ધોળે દિવસે એક છોકરી સાથે જબરદસ્તી કરતા શરમ નથી આવતી? અનિકા તને ના પડતી હતી ને તો તું શું કામ જબરદસ્તી કરી રહ્યો હતો ?’ નીરવને આ ઘણું જ ખરાબ લાગ્યું, ઓહ આ શું કહી રહ્યો છે? આર્જવ કેટલું ખરાબ લાગે તેમ પ્રસ્તુત કરી રહ્યો હતો પોતાને!! નીરવને પ્રિન્સિપાલ સામે ઉભા હોઈ હિમ્મત આવી, “ આર્જવ જરા શરમ કર!!! તું શું બકી રહ્યો છે અનિકાએ મને નોટ્સ આપી તેના બદ્દલ થેન્ક્સ કહેવા જ મેં તેને કોફી ઑફર કરી હતી!” આર્જવે હથેળીની મુઠ્ઠી પ્રિન્સીપાલના લંબચોરસ ટેબલ પર પછાડી, “ તું જૂઠું બોલી રહ્યો છે ખોટો ખોટો બચાવ ના કર બસ!” હવે પ્રિન્સીપાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો, “આર્જવ તારી એટલી હિમ્મત કે મારી સામે મારા જ ટેબલ પર આમ મુઠ્ઠી પછાડે !!? અને જ્યાં સુધી અનિકાને વાંધો નહોતો કોફી માટે તું શું કરવા વચ્ચે પડ્યો ? શું નીરવે તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો શું ખેંચીને કોફી શોપમાં લઇ જઈ રહ્યો હતો ?” આર્જવ ચૂપ રહ્યો. પણ તેનો ચહેરો તેના ગુસ્સાની ચાડી ખાઈ રહ્યો હતો. પ્રિન્સીપાલે સાચો અને નીરવનો પક્ષ લીધો હતો તેથી નીરવ શાંત ઉભો હતો, પણ આમ પહેલી વાર જ તેની સાથે આવો તમાશો થઇ રહ્યો હતો તેથી જાણે આત્મસન્માનને ઠેસ પહોંચી હોય એવું લાગી રહ્યું હતું. પ્રિન્સીપાલે નીરવને જવા કહ્યું. હવે કેબિનમાં ફક્ત પ્યુન આર્જવ અને પ્રિન્સિપાલ જ હતા. પ્રિન્સીપાલે એકદમ શાંત અને કડક શબ્દોમાં કહી દીધું,, “આર્જવ તને કોલેજમાંથી કાઢવામાં આવે છે; તારી ઘણા દિવસોની વર્તણુક પરથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તારે બદલામાં કઈ કહેવું છે ??” આર્જવની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઇ ગઈ. આ બે કોડીનો પ્રિન્સિપાલ સમજે છે શું પોતાને? એની એટલે હિમ્મત કે મને કોલેજમાંથી કાઢે ? શું એ જાણે છે કે મારા પપ્પાની લાગવગ શું છે ? તે જેટલી મહિનાની સેલેરી લે છે તેટલો તો મારો ખર્ચો છે.. મારે તો ધમધોકાર ધંધો ચાલે છે, કોલેજમાં આવું તો શું અને ના આવું તો શું ?? તો ફરી બીજો વિચાર આવ્યો ના અગર કોલેજમાં આવવાનું છોડી દીધું તો અનિકા વગર કેમ ચાલશે?? હજી તો તેની સાથે દોસ્તી કરવાની બાકી છે, તેને ઈમ્પ્રેસ કરવાની છે, ઓહ એટલે આ બે કોડીના માણસ સામે ઝુકવુ જ પડશે!!!! આર્જવે બનાવટી અવાજ સાથે કહ્યું, “મને ભણવું છે, કોલેજમાંથી ના કાઢો,,, મહેરબાની કરો. પ્રિન્સીપાલે આ જ આશા રાખી હતી; તેમને આદેશ આપી દીધો ભણવું હોય તો ફક્ત ભણવા પર ધ્યાન આપ તારા રોજના મારપીટના કિસ્સા બંધ કર; અને હા કાલે તારા પપ્પાને લઇ આવજે, તેની વગર તને પ્રવેશ નહિ મળે અને પ્યુન સામે જોયું પ્યુન સમજી ગયો અને કેબીન બહાર નીકળી ગયો. બીજા દિવસે નાછૂટકે આર્જવ પપ્પા સાથે કોલેજમાં ગયો. ફરી બધા કેબિનમાં એકઠા થયા. આર્જવ જેટલો ગુસ્સાવાળો હતો તેના પપ્પા પપ્પા રસિકભાઈ તેટલા જ શાંત સમજુ અને ચાલાક હતા. રસિકભાઈ આર્જવને બરાબર ઓળખતા હતા તેને ભણવામાં ખાસ રસ નહોતો અને તેના ભવિષ્ય માટે પણ તેટલા જ ચિંતિત હતા સામ દામ દંડ ભેદ બધું જ અપનાવ્યું હતું પણ આર્જવ જરા પણ બદલાયો નહોતો. તેમને પ્રિન્સિપાલ સામે માફી માંગી. આર્જવને બધા વચ્ચે જ ઠપકો પણ આપ્યો અને ખાસ વિનંતી કરી કે આ તેની કારકિર્દીનો સવાલ છે, માટે મહેરબાની કરીને કોલેજમાંથી ના કાઢે. પ્રિન્સીપાલે તેમની વાત તો માન્ય રાખી પણ સાથે સાથે એક ચેતવણી પણ આપી કે આ આખરી તક છે જો આની પછી ક્યારે પણ ફરિયાદ આવી તો કોઈ પણ જાણ કર્યા વગર જ કોલેજમાંથી પાણીચું આપવામાં આવશે.
આજે લેક્ચરમાંથી છૂટ્યા પછી તો ગજબ થઇ ગયું. અનિકા જે હંમેશા આર્જવથી ડરતી, નાસતી આજે દૂરથી તેને મારકણું સ્મિત આપ્યું!!! અને આર્જવ ખુશીથી પાગલ થઇ ગયો. આજે પપ્પા સાથે મર્સીડીસમાં આવ્યો હતો એટલે બરાબરનો જાદુ છવાઈ ગયો લાગે છે!! તે પણ હસ્યો બંને એકબીજા સામે આવીને ઉભા રહ્યા આર્જવ આ ખુશીનો આઘાત સહી રહ્યો હતો અને અનિકા અંદરથી થોડી ગભરાયેલી સ્પષ્ટ જણાતી હતી બંને કોલેજના કોફીશોપમાં જઈને બેસ્યા આખી કોલેજમાં અત્યારે એક જ પ્રશ્ન હતો અરે આ શું થઇ ગયું!!!
(ક્રમશ)