એક નાટક - 4 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નાટક - 4

અનિકા વિચારમાં ડૂબી ગઈ. એક વખત હતો જયારે તે આર્જવથી ડરતી હતી તેને જોવા માત્રથી ધ્રુજી ઉઠતી હતી, આજે તે કદાચ તેના પ્રેમમાં પડી ગઈ હતી !!! એક શિક્ષિકા તરીકે એક મનોચિકિત્સક તરીકે તેણે આર્જવની ઝીંદગીમાં પ્રવેશ કર્યો હતો અને આજે તેના પ્રેમમાં પડી ગઈ હતી અસ્તવ્યસ્ત વાળ અને લાંબા શર્ટ પહેરીને આવતો આર્જવ હવે કોલેજમાં ક્લીન શેવ્ડ થઇને આવતો. દોસ્તો સાથે કેન્ટીનમાં રહેવાને બદલે અનિકા સાથે બેસીને પ્રેમની વાતો કરતો ત્યારે અનિકાને ઘણું સારું લાગતું. લગભગ છ મહિનાથી તે આર્જવના સંપર્કમાં હતી પ્રેમ સાચે જ જીવનમાં વસંત લાવી દે છે તે આર્જવના અનુભવથી સમજી હતી અને જો માણસ બીજાને ફૂલ આપે તો તેની સુગંધ પોતાના હાથમાં રહી જતી હોય છે તે પણ સમજી ગઈ હતી !!!

અહીં આર્જવ પોતાના પ્રેમમાં એવો તો તલ્લીન થઇ ગયો હતો કે તે અનિકાનો પડ્યો બોલ ઝીલતો હતો અને અનિકાને પણ ધીરે ધીરે આર્જવની આદત લાગી રહી હતી અને રસિકભાઇએ તેને આ આયોજનનો ઉતરાર્ધ જણાવ્યો તે વિહ્વળ બની ગઈ તેને થયું કે હમણાં કહી દે રસિકભાઈને કે પોતે પણ આર્જવને ચાહવા મંડી છે તેનાથી દૂર નથી થવું પણ અચકાતી હતી.

અનિકા હવે ઉદાસ રહેવા લાગી હતી છ સાત દિવસો વીતી ગયા આર્જવ કે અનિકા વચ્ચે કોઈ જ સંવાદ થયો નહોતો કદાચ અનિકા આર્જવથી દુરી રાખવા માંગતી હતી આર્જવે પણ તો સામેથી કૉલ કર્યો નહિ. ઉદાસ મને તે કોલેજ જતી. આર્જવને મળવાનું ખુબ જ મન થતું પણ તે તો કૉલ કરવાનું પણ ટાળતી તેને એક વાત ખૂંચી પોતે તો તેને કૉલ નહોતી કરતી પણ તેનો કૉલ સુદ્ધા આવતો નહોતો પણ તે મન મનાવી લેતી તે હવે ઓફિસમાં વ્યસ્ત હશે તેમાં હું ક્યાં યાદ આવું કદાચ મારા કહેવા પ્રમાણે સફળ થવા જ તે તનતોડ મહેનત કરતો હોય!!! પ્રેમમાં પડેલા માણસનું તો શું પૂછવું જ , તો પાછી એક વિચારતી કે હવે તેનાથી દૂર જ થવાનું છે તો આદત પણ પાડવી જ પડશે ને.

એક સાંજે ચાર વાગ્યે અનિકાનો ફોન આર્જવના નામે રણકી ઉઠ્યો બંનેએ ડિનર સાથે લેવાનું નક્કી કર્યું અનિકાએ પહેલું કામ રસિક્ભાઈને કૉલ કરવાનું કર્યું અને ડિનર મિટિંગ વિષે જણાવ્યું રસિકભાઈએ દેખીતી રીતે જ હા પડી થોડીવાર રહીને અનિકા બોલી, “અંકલ એક વાત કહું નાટક નાટકમાં જ હું આર્જવને સાચે પસંદ કરવા લાગી છું.” તે ચૂપ થઇ ગઈ બંને પક્ષે મૌન પ્રસરાઈ ગયું અનિકા પ્રતિસાદની રાહ જોતી હતી પણ જવાબ ના આવ્યો એટલે ફરી બોલી, “મને આર્જવ ગમવા લાગ્યો છે આ નાટક પ્રમાણે હું હવે આગળ નહિ વધી શકું...”. રસિકભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા, “અરે બેટા જો તું તેને સાચે જ પસંદ કરવા લાગી છે તો હવે આ નાટક છે જ નહિ મારા ધનભાગ્ય કે મારા નઠારા પુત્રની તું વહુ બનીને મારા ઘરે આવે. આનાથી વધુ સારા સમાચાર હોય જ શું ? આજે તું આર્જવને એક પ્રેમિકા તરીકે નહિ પણ ભાવિ પત્ની તરીકે મળવા જા. હું તને અહીં જ આશીર્વાદ આપું છું કે સૌભાગ્યવતી ભવ: “ અનિકા રાજીની રેડ થઇ ગઈ તેનું મોં શરમથી લાલ લાલ થઇ ગયું ફોન મૂકી ઝટપટ તૈયાર થઇ આજે તેને મહેંદી કલરના પંજાબી પર લાલ કલરની ઓઢણી લીધી ભાવિ પુત્રવધુ તરીકે મળવા જવું હતું ને માટે !!!! અને જલ્દી જલ્દી નક્કી કરેલી હોટેલ પર મળવા ચાલી ગઈ.

હોટેલ બહાર જ આર્જવ તેની વાત જોતો ઉભો હતો . અનિકા કેટલા બધા દિવસ પછી તેને જોઈ રહી હતી તે આંખો ભરીને તેને જોઈ રહી બાઈક પર બેસતા તો તે રીતસરની વળગીને બેસી હતી. આર્જવે અચાનક પ્લાન બદલ્યો ચાલ આપણે જ્યાં ડુંગર ચાલુ થાય છે એકાંત છે મજા આવશે બંનેએ ત્યાં જવાનું નક્કી કર્યું

ડુંગર પાસે બાઈક પાર્ક કરી અને બંનેએ હાથોના અંકોડા ભરાવી ઉપર તરફ પ્રયાણ કર્યું, “ઓ બિઝનેસમેન કેટલા બીઝી રહો છો કે ના કોઈ કોલ્સ, ના કોઈ મેસેજ, કોલેજમાં પણ કેટલા દિવસથી તું નથી આવ્યો, મને નથી ગમતું તારા વગર અને આજે પણ તું કેમ ચૂપ ચૂપ છે કેમ કઈ બોલતો નથી ?” અનિકા બોલે જતી હતી અને આર્જવ ચૂપ હતો અનિકા અકળાઈ ઉઠી, “બસ મારે નથી જવું વધારે આગળ, તું કેમ કઈ બોલતો નથી!!?” અનિકા પ્રેમમાં એવી તો મદહોશ થઇ ગઈ હતી કે ક્યારેક બાલિશ બનીને બડબડ કરી રહી હતી તો પોતાને મનાવે તે માટે રિસાઈ પણ રહી હતી પણ આર્જવ ચૂપ જ હતો.

અનિકા ઉભી રહી ગઈ એટલે આર્જવ બોલ્યો, “જયારે બે પ્રેમી મળે ત્યારે બોલે નહિ બસ એકબીજાના પ્રેમમાં ખોવાય જાય!” અનિકા શરમાઈ ગઈ આર્જવ તેને ડુંગરની ટોંચ પર લઇ ગયો ,ત્યાં શુદ્ધ ઠંડી હવા આવી રહી હતી શહેરથી દૂર એટલે એકદમ શાંતિ હતી ફક્ત તમરા નો અવાજ આવી રહ્યો હતો આજુબાજુ કોઈ જ ના હતું હતું તો ફક્ત અંધારાનું સામ્રાજ્ય

અનિકાએ આંખો બંધ કરી આર્જવને વળગી પડી કેટલા દિવસ પછી આપણે મળ્યા છીએ હું તને બહુ જ યાદ કરતી હતી આર્જવે અનિકાના મોં પર હાથ મૂકી દીધો, “કઈ જ ના બોલ.” કહેતા તેને પોતાની બાહોમાં જકડી અનિકાને ગમ્યું વધુ જકડી અનિકાના મોં માંથી ઉંહકારો નીકળી ગયો આર્જવે વધુ જકડી ઓહ્હ્હ અનિકાને ગભરામણ થઇ ગઈ તેણે ઢીલ છોડી પણ આર્જવે મચક ના આપી અનિકાએ પ્રેમથી તેની છાતી પર મુષ્ટિપ્રહાર કર્યો પણ કઈ જ ફાયદો ના થયો . ગાઢ અંધકારમાં એકબીજાના ચહેરા પણ જોઈ શકતા નહોતા અનિકાએ બોલવા મોં ઉઘાડ્યું અને આર્જવે મોં પર હાથ મુક્યો, “ના અહીં શબ્દને જગા નથી અનિકા બસ આ પળ માણ.” અનિકાનું મોં પણ બંધ થવાથી થોડી ધુણવા મંડી એક તો પહેલાથી જ આર્જવે તેણે જોરથી જકડી હતી.

તેણે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થયું અચાનક તેના ચહેરા પર જ્વાળા ઉઠી તે ચીસ પાડી ઉઠી અને આર્જવ બરાડ્યો જુઠ્ઠી, મારી સાથે પ્રેમનું નાટક કર્યું તું મને ફસાવા ચાલી હતી મને ?? તારી એટલી હિમ્મત કે મને ઉલ્લુ બનાવે ?? મેં પપ્પાને ફોન પર વાત કરતા સાંભળ્યા હતા તું મને પ્રેમ નથી કરતી તું કે નાટકબાજ છે આર્જવ ગુસ્સાથી બેકાબુ બની ગયો હતો તેણે અનિકાના ચહેરા પર એસિડ રેડ્યું હતું. અનિકા જોર જોરથી ચીસો પાડી રહી હતી મોં પર જ એસિડ ફેકાયું જેથી આજુબાજુમાં જોવાને તદ્દન અક્ષમ હતી તે હાથ ફેલાવીને આર્જવને શોધી રહી હતી સહારો લેવા મથતી હતી અને આર્જવે તેણે એક જોરથી લાત મારી અને અનિકા ડુંગરની ટોંચ પરથી ગબડતી ગબડતી નીચે પડી ગઈ.

(સમાપ્ત)