આફત
કનુ ભગદેવ
13: હિરાલાલનો અંત અને રહસ્યસ્ફોટ!
રાત્રિનો સમય હતો.
સાંજે અમર અને રાજેશના મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી પોલીસે હિરાલાલને સોંપી દીધા હતા.
કમલા ભાનમાં આવી ગઈ હતી પરંતુ પોતાના બબ્બે દિકરાની સ્મશાન યાત્રામાં જવા જેવી તેની હાલત નહોતી રહી. ભાનમાં આવ્યા પછી તે સાવ ગુમસુમ બની ગઈ હતી. પરિણામે હિરાલાલને જ પોતાના બંને દિકરાના અંતિમ સંસ્કાર જઈ શકી નહોતી. ઘેર તેની મા એકલી જ હતી. ઉપરાંત પોતાના બબ્બે જુવાન ભાઈઓની ચિત્તા સળગતી જોવાની તેનામાં હિંમત નહોતી રહી.
કિરણને ભાનુશંકરે થોડા દિવસ માટે પોતાને ઘેર લઈ ગયો હતો.
સાંજે જ્યારે હિરાલાલ પોતાના એક કુંભમાં પોતાના બંને દિકરાંના અસ્થિ ફૂલો લઈને ઘેર પાછો ફર્યો ત્યારે એ કુંભને પોતાની છાતી સાથે ભીંચીને કમલાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. પછી અચાનક હિરાલાલનો કોલર પકડીને તે ક્રોધથી કાળઝાળ અવાજે બોલી હતી, ‘જોઈ લીધા કરિયાવરનો સ્વાદ? પૈસા અને કરિયાવરની લાલચમાં મારા બબ્બે જુવાનજોધ દિકરાઓ મારે ગુમાવવા પડ્યા છે. અને હજુ તો કોણ જાણે મારે બીજું શું શું ગુમાવવું પડશે? સુનિતા આદુ ખાઈને આપણી પાછળ પડી ગઈ છે. જુઓ ચાના ખાલી કપ પરથી પણ તેના આંગળાની છાપો મળી આવી છે.’
‘ હા...’ હિરાલાલે નિરાશાભર્યા અવાજે કહ્યું હતું, ‘ફીંગર પ્રિન્ટ એકસ્પર્ટના રિપોર્ટમાં આવુ જ લખ્યું છે. નાગપાલ મને કહેતો હતો.’
‘તમે નાગપાલની વાત શા માટે નથી માની લેતા? એને સુનિતા વિશે સાચી હકીકત શા માટે નથી જણાવી દેતા? બનવાજોગ છે કે સાચી હકીકત જાણ્યા પછી તે આપણને પેલી ચુડેલના પંજામાંથી બચાવી લે!’ કમલા બોલી.
‘બકવાસ બંધ કર તારો....!’ હિરાલાલે તેના પર વીફરી પડતાં કહ્યું. હતું, સુનિતાનું ખૂન આપણે જ કરાવ્યું હતું એ હું પોલીસને જણાવી દઉં તેમ તું ઈચ્છે છે?પરંતુ એના પરિણામની તને ખબર છે? પોલીસને આ વાત જણાવીને આપણે સીધા ફાંસીના માંચડે પહોંચી જશું. અથવા તો પછી જેલના સળીયા ગળતા થઈ જશું. અને ઘરમાં પડેલું આ કરિયાવર કિરણના નામે બેંકમાં પચાસ લાખ રૂપિયા છોડીને જેલમાં જવાની વાત તો હું સપનામાં ય વિચારી શકું તેમ નથી.અને હું તો શું મારી જગ્યાએ બીજું કોઈ હોય તો તે પણ આવી મૂર્ખાઈ ભરેલી વાત ન વિચારે! અલબત્ત, તારી વાત જુદી છે.’
એની વાત સાંભળીને કમલા ચૂપ થઈ ગઈ હતી.
પલંગ પર સૂઈને તે એકીટશે છત સામે તાકી રહી હતી.
અત્યારે પણ છત સામે જોઈને તો કોઈક ઊંડા વિસ્તારમાં ડૂબી ગઈ હતી.
હિરાલાલ શરાબની બોટલમાંથી ઘૂંટડા ભરતો ભરતો કંઈક વિચારતો હતો.
દીવાલ પર લટકતી ઘડિયાળમાં અત્યારે સાડા નવ વાગ્યા હતા.
સહસા એક આંચકા સાથે કમલા પલંગ પર બેઠી થઈ ગઈ. જાણે કોઈક મક્કમ નિર્ણય પર આવી હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાયા હતા.
હિરાલાલ એકીટશે તેની સામે તાકી રહ્યો.
પછી કમલાને પલંગ પરથી ઊતરીને પ્રવેશદ્વાર તરફ આગળ વધતી જોઈને એણે પૂછ્યું. ‘બાથરૂમ જાય છે....?’
‘ના...’ કમલાએ ટૂંકમાં જવાબ આપ્યો. એનો અવાજ એકદમ ભાવહીન હતો.
‘તો પછી ક્યા જાય છે?’
‘ પોલીસ સ્ટેશને....!’
‘પોલીસ સ્ટેશન....?’ જાણે અચાનક જ પગે સાપ વીંટળાયો હોય તેમ હિરાલાલ ઊછળી પડ્યો. એણે ખુરશી પરથી ઊભા થઈને આગળ વધીને કમલાનું બાવડું પકડી લીધું. પછી આશ્ચર્યથી પૂછ્યું, ‘પોલીસ સ્ટેશનનું તારે શું કામ પડ્યું છે?’
‘હું મારો ગુનો કબુલ કરવા માટે ત્યાં જઉંછું.’ કમલાએ ઘૂરકીને તેની સામે જોતાં જવાબ આપ્યો, ‘કરિયાવર મેળવવાની લાલચે આપણે બધાએ ભેગા થઈને, નિર્દોષ સુનિતાને મારી નાંખીને તેના મૃતદેહને આપણી ભૂપગઢની વાડીમાં દાટી દીધો હતો એ વાત હું નાગપાલને જણાવી દેવા માગું છું’
‘નહીં....’ હિરાલાલને પરસેવો વળી ગયો, ‘આવું કહેવાનું પરિણામ તું જાણે છે? આપણે બધાં જેલના સળીયા પાછળ ધકેલાઈ જશુ.’
‘જેલના સળીયા પાછળ તો કદાચ આપણે બછી જશું. પણ જો આ બંગલામાં જ રહેશું. તો નહીં બચી શકીએ!’ કમલા ભાવહીન અવાજે બોલી, ‘સુનિતાનો ભટકતો આત્મા આપણને જીવતાં નહીં છોડે. એણે અમર તથા રાજેશને તો મારી જ નાખ્યા છે અને હવં આપણો વારો છે.’
‘તું....તું...પાગલ તો નથી થઈ ગઈ ને?’
‘પાગલ હું નહી, તમે થઈ ગયા છો. કરિયાવરની લાલચમાં તમે ઘણું બધું ગુમાવી ચૂક્યા છો અને હવે જે કંઈ બચ્ચું છે તે પણ ગુમાવી દેવા માંગો છો. કરિયાવરનો પૈસો પાપથી ખરડાયેલા હોય છે. એ પૈસો જેના ઘરમાં જાય છે, તેનું સત્યાનાશ કાઢી નાખે છે. અને જે કરિયાવર કોઈ ગરીબનું દિલ દુભાવીને મેળવ્યું હોય તે ફળ પણ કઈ રીતે? આપણે કરિયાવર માટે આપણી નિર્દોષ વહુ સુનિતા પર કેટ-કેટલા જુલમો કર્યા અને છેવટે એ કમનસીબને વગર મોતે મારી નાંખી. આજે આપણી એ કરણીનું ફળ જ આપણે ભોગવી રહ્યા છીએ. આપણે સુનિતાને સ્ત્રી નહીં પણ એક રમકડું જ માની હતી. કઠપૂતળી માની હતી અને ફાવે તેમ એને નચાવતા હતા. એનુ પરિણામ શું આવ્યું? આજે આપણે પોતે એના હાથનું રમકડું બની ગયા છીએ. સુનિતાની લાશ આપોઆપ જ ખાડામાંથી ગુમ થઈ ગઈ અને એ જ લાશે આપણા બબ્બે જુવાનજોધ દિકરાને મારી નાખ્યા. આ આપણા પાપની સજા નથી તો બીજું શું છે? હું પોલીસને સાચેસાચી હકીકત જણાવીને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માગું છું. હવે મને પૈસાનો કે કરિયાવરનો જરા પણ મોહ નથી રહ્યો. એ મોહનો અંજામ હું જોઈ અને ભોગવી ચૂકી છું.
‘બરાબર છે...’ સહસા હિરાલાલનો દેખાવ તથા દિદાર બંને બદલાઈ ગયા. આંખોમાં હિંસક વરૂ જેવી ચમક પથરાઈ ગયું. ચ્હેરો એકદમ કૂર અને કરડો બની ગયો. પછી એ હિંસક અવાજે બોલ્યો, ‘પણ હું તને જવા દઈશ તો તું પોલીસ સ્ટેશને જઈને તેને સોપી હકીકત જણાવીશને? હું તને જીવતી નહીં છોડું તું હવે મારે માટે જોખમરૂપ બની ગઈ છો. તારું મોં બંધ કર્યા વગર મારો છૂટકો જ નથી. જો હું તને હવે નહીં મારી નાખું તો તું પોલીસ પાસે જઈને મારો ભાંડો ફોટી નાખીશ. અને આવું થાય તેમ હું નથી ઈચ્છતો. માટે તારે મર્યા વગર છૂટકો જ નથી. તારા મૃત્યુમાં જ મારું જીવન રહેલું છે’ કહેતા કહેતાં તેની આંખોમાં શયતાનીયત ભરી ચમક છવાઈ ગઈ હતી.
પછી કમલા કંઈ સમજે, વિચારે કે મદદ માટે બૂમો પાડે એ પહેલાં જ હિરાલાલે આગળ વધીને બંને હાથેથી ગળુ પકડી લીધું.
કમલાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એની આંખો નર્યા-નિતર્યા ભય અને આશ્ચર્યથી ફાટી પડતી હતી. રહી રહીને તેને રાજેશના શબ્દો યાદ આવતા હતા. રાજેશે સાચું જ કહ્યું હતું. કે એક દિવસ મારો આ જ બાપ તારા ગળા પર પણ છૂરી ફેરવતા નહીં અચકાય.
એની ગરદન પર હિરાલાલના હાથનું દબાણ વધતું જતું હતું.
પછી એની આંખો સામે અંધકાર છવાઈ ગયો. આંખોના ડોળા ફાટી ગયા અને જીભ મોંમાંથી ત્રણેક ઇંચ જેટલી બહાર નીકળીને નીચલા હોઠ પર લટકવા લાગી.
એ મૃત્યુ પામી હતી. મર્યા પછી પણ એના ચ્હેરા પર આશ્ચર્યના હાવભાવ હતા.
પછી પોતાની પત્નિ પોતાના જ હાથેથી મરી ગઈ છે એનું હીરાલાલને ભાન થયું. એના હાથ હજુ પણ કમલાના ગળા પર હતા. ત્યારબાદ જાણે કોઈ મૃતદેહ નહીં પણ સર્પની ફેણ પકડી રાખી હોય તેમ એણે કમલાની લાશને પોતાનાથી દૂર ધકેલી દીધી. એ મૃતદેહ તરત જ જમીન પર ગબડી પડ્યો. એ ફાટી આંખે જમીન પર પડેલી કમલાની લાશ સામે તાકી રહ્યો. એણે ટેબલ પરથી વ્હીસ્કીની બોટલ ઉંચકીને તેમાંથી ચાર-પાંચ ઘૂંટડા ભર્યા. બોટલ હવે ખાલી થઈ ગઈ હતી.
‘હવે ઈશ્વર...!’ તે ખાલી બોટલને ટેબલ પર પાછી મૂકતો સ્વગત બબડ્યો, ‘આ...આ મારાથી શુ થઈ ગયું? મેં મારા હાથેથી જ મારી પત્નિનું ખૂન કરી નાખ્યું?’
‘તે જે કંઈ કર્યુ છે, તે બરાબર જ કર્યું છે હિરાલાલ....!’ એના પાપી હૃદયમાં કરિયાવર રૂપી રહેતા દાનવનો અવાજે તેના મનમાંથી નીકળ્યો, ‘કમલા મરી ગઈ એ તારે માટે સારું જ થયું. છે જો તું તેને ન મારી નાખત તો તે પોલીસ પાસે જઈને તારો ભાંડો ફોડી નાખત. અને પછી તું ફાંસીના માંચડે લટકી જાત. અને સાથે જ આ બધું કરિયાવર અને કિરણના નામે બેંકમાં પડેલા પચાસ લાખ રૂપિયા પણ તારે ગુમાવવા પડત. હવે તો તારી પત્નિની લાશને કેવી રીતે ઠેકાણે પાડવી એનો વિચાર તું કર! અને આ કામ તારે એટલી ચાલાકી અને હોંશિયારીથી કરવાનું છે કે, બધાંની સાથે સાથે પોલીસ પણ એમ જ માને કે જેણે અમર તથા રાજેશના ખૂન કર્યો છે, તેણે જ કમલાને મારીને તેના મૃતદેહને ઠેકાણે પાડી દીધો છે. એક વાત યાદ રાખજે. પોલીસને મન આંગળાની છાપોનું ખૂબ જ હોય છે. અને આ વાત તે સુનિતાના બનાવમાં જોઈ જ લીધી છે. કમલાના મારીને તેના મૃતદેહને ઠેકાણે પાડી દીધો છે. એક વાત યાદ રાખજે. પોલીસને મન આંગળાની છાપોનું ખૂબ જ હોય છે. અને આ વાત તે સુનિતાના બનવમાં જોઈ જ લીધી છે. કમલાના ગળા પર તારા આંગળાની છાપો પડી ગઈ છે. એટલે જો તેનો મૃતદેહ પોલીસને મળશે તો પછી તને ફાંસીએ લટકતો કોઈ જ બચાવી શકશે નહીં. માટે કોઈને ય ખબર ન પડે એ રીતે કમલાની લાખને ઠેકાણે પાડી નાંખ.’
‘હા...હું એમ જ કરીશ...’ હિરાલાલ બબડ્યો, ‘હું’એવી રીતે તેના મૃતદેહને ઠેકાણે પાડી દઈશ ને પોલીસ તો શું કોઈને ય મારા પર ખૂની હોવાની શંકા નહીં આવે.’
પછી એણે બીજી બોટલ ઉઘાડીને તેમાંથી બે-ત્રણ ધૂંટડા ભર્યા.
ત્યારબાદ બારણું ઉઘાડીને એણે સાવચેતીથી ચારે તરફ નજર દોડાવી. ક્યાંય કોઈ જ દેખાતું નહોતું. વાતાવરણમાં ઘેરી ચુપકીદી છવાયેલી હતી. મધુ પણ અંદરથી પોતાનો રૂમ બંધ કરીને સૂઈ ગઈ હતી.
હિરાલાલ સ્ટોર રૂમમાંથી ઘાસ કાપવાનું દાતરડું તથા બે-ત્રણ જૂનાં કપડાં લઈને પોતાના રૂમમાં પાછો ફર્યો.
એણે અંદરથી સ્ટોપર ચડાવીને બારણું બંધ કરી દીધું.
કમલાનાં મૃતદેહને કેવી રીતે ઠેકાણે પાડવો તેનો ઉપાય એનાં ખટપટીયા દિમાગને સૂઝી આવ્યો હતો.
પછી એક હાથમાં શરાબની બોટલ અને બીજા હાથમાં દાતરડું હતું.
અત્યારે એના દિમાગને કબજો જાણે કે શયતાને લઈ લીધો હતો.
પૈસાની લાલચ માણસને શું બનાવી દે છે તેનો એક જીવતો-જાગતો પુરાવો હતો.
પરંતુ અત્યારે જ કામ હિરાલાલ કરવાનો હતો એ કામ કરવાની તો કદાચ શયતાનની પણ હિંમત ન ચાલે. એ ધીમે ધીમે પોતાની પત્નિના, દાતરડાની ટૂકડા કરીને લોખંડની એક ટૂંકમાં મૂકતો જતો હતો. હૃદય ખરેખર જ ઈશ્વરે કાળમીંઢ પથ્થર જેવું બનાવ્યું હતું. કમલાના લોહીથી આજુબાજુની જમીન ખરડાઈ ગઈ હતી. આટલું લોહી જોયા પછી પણ હિરાલાલના પેટનું પાણી નહોતું ચાલતું. લાશનાં ટુકડાતે ટૂંકમા પેક કરીને રાતો રાત કારમાં ભૂપગઢ જઈને એ ટ્રંકને સુનિતાનાં મૃતદેહની જેમ જ ભોમાં ભંડારી દેવાની તેની યોજના હતી. અથવા તો પછી જો તક મળે તો એ ટ્રંકને વિશાળગઢના રેલ્વેસ્ટેશનના પ્લેટફોર્મ પર રેઢી હાલતમાં મૂકી દેશે એમ તેણે વિચાર્યું. હતુ.
ધીમે ધીમે એણે મૃતદેહના ટૂકડા કરીને ટ્રંકમા પેક કરી દીધા. અત્યારે જો જલ્લાદ પણ હિરાલાલનું આ કૃત્ય જુએ તો ઘડીભર તેને પણ ધ્રુજારી છૂટી જાય એવું ર્દશ્ય હતુ ક્રુરતાથી તમામ હદ એણે વટાવી દીધી હતી.
અને આ બધું કરિયાવરને કારણે જ બન્યું હતું. એ કરિયાવરને કારણ કે જે હિરાલાલ કોઈ પણ ભોગે ગુમાવવા માટે તૈયાર નહોતો. એ જ કરિયાવરને કારણે એણે પોતાના ઘડપણની લાકડી સમાન બે જુવાનજોધ દિકરાઓ ગુમાવ્યા હતા. પત્ની ગુમાવી દીધી હતી. મરતાં પહેલાં કમલાએ સાચું જ કહ્યું હતું કે કરિયાવરની લાલચમાં તમે ઘણું બધું ગુમાવી ચૂક્યા છો અને જે કંઈ બચ્યું છે. તે પણ ગુમાવી દેશો. કરિયાવરનો પૈસો પાપથી ખરડાયેલો હોય છે. કોઈ ગરીબનું દિલ દુભાવીને મેળવેલું કરિયાવર કોઈને ય ફળતું નથી.
પરંતુ કમલાની આ વાતનો અર્થ સમજવા માટેની બુદ્ધિ હિરાલાલમાં નહોતી. એ વખતે તેની આંખો પર કરિયાવર અને પચાસ લાખ રૂપિયાની નોટો રૂપી પટ્ટી બંધાયેલી હતી. અત્યારે પણ એ પચાસ લાખ રૂપિયા તથા કરિયાવર પોતે કોઈ પણ ભોગે છોડવાનો નથી. માત્ર એટલું જ તેને યાદ હતું.
એનો દેહ ઠંડી હોવા છતાં પણ પરસેવે રેબઝેબ બની ગયો હતો. એનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો તેને હાંફ ચડી ગઈ હતી.
એણે ટ્રંકનું ઠાંકણું બંધ કરીને તેના પર તાળુ મારી દીધું. ત્યારબાદ જમીન પર પડેલું લોહી ઘસી ઘસીને સાફ કરી નાખ્યું. ટ્રંક પર લોહીના ડાઘ પડ્યા હતા તે પણ લૂંછી નાખ્યા.
પછી નિરાંતને શ્વાસ લઈને તે ઊભો થયો.
ત્યારબાદ અચાનક જ કોઈકે બહારથી તેના રૂમમાં બારણું ખટખટાવ્યું.
હિરાલાલ એકદમ ચમકી ગયો. શું કરવું ને શું નહીં એ તેને સમજાતું નહોતું. એના ધબકારા એકદમ વધી ગયા હતા. એ હાથમાં ટ્રંક ઉંચકીને બહાર નીકળવાનો વિચાર કરતો હતો ત્યાં જ કોઈક તેના રૂમનું બારણું ખટખટાવ્યું હતું.
કદાચ પોલીસ હશે તો...? એના મનમાં વિચાર આવ્યો. અને આ વિચાર આવતાં જ ભયથી તેનો ચ્હેરો સફેદ પડી ગયો. એની બુદ્ધિ કંઠિત થઈ ગઈ હતી. તે સૂકાં પાંદડાની જેમ ધ્રુજતો હતો.
એ જ વખતે ફરીથી બારણું ખટખટાવવાનો અવાજ આવ્યો.
હિરાલાલ જાણે કે ભાનમાં આવ્યો. એણે રૂમમાં ચારે તરફ નજર દોડાવી. જમીન એકદમ સ્વચ્છ હતી અને હમણાં થોડીવાર પહેલાં જ તેના પર કોઈકની લાશના ટૂકડા કરવામાં આવ્યા હતા એવી શંકા કોઈનેય આવે તેમ નહોતી, અલબત્ત, લોહીથી ખરડાયેલું કપડું તથા દાતરડું હજુ પણ ત્યાં જ પડ્યુ હતું.
બહારથી હજુ પણ બારણું ખટખટાવવાનું ચાલુ જ હતું.
એની મતિ એટલી મૂંઝાઈ ગઈ હતી કે બૂમ પાડીને કોણ છે એ પૂછવાનું પણ તેને સૂઝતું નહોતું.
એણે ઝડપથી કપટું તથા દાતરડાને પગથી ઠાકોર મારીને પલંગ નીચે સરકાવી દીધા.
ત્યારબાદ ફરીથી ચારે તરફ નજરે દોડાવી, આગળ વધી મનમાં ઈશ્વરનું રટણ કરીને એણે સ્ટોપર નીચી કરીને બારણું ઉઘાડ્યું. બારણું ઉઘાડતી વખતે તેનો હાથ ધ્રુજતો હતો.
બારણું ઉઘાડતાં જ તે એકદમ ચમકી ગયો.
બહાર તેની બંને મીલનો મેનેજર જમનાદાસ ઊભો હતો. એના ચ્હેરા પર અર્થસૂચક સ્મિત ફરકતું હતું.
‘તમારા સમ...’ હિરાલાલને જોઈને જમનાદાસ પોતાના ખભા પર વીંટાળેલી શાલને સરખી કરતાં બોલ્યો, ‘પંદર મિનિટથી હું અહીં ઊબો તપ કરું છું. પણ તમે બારણું જ નહોતા ઉઘાડતાં. આટલી વાર સુધી તમે અંદર શું કરતા હતા?’ કહીને એણે ઉંટની જેમ ગરદન લાંબી કરીને રૂમમાં નજર દોડાવી. પછી અંદર પડેલી ટ્રક પર નજર પડતાં જ તેની આંખોમાં ચમક પથરાઈ ગઈ, ‘હું....’ એણે કહ્યું, ‘સમજી ગયો. તમે ક્યાંક બહારગામ જવા માટે સામાન પેક કરતા હતા ખરું ને....?’ કહીને એણે ફરીથી ટ્રક સામે નજર કરી.
‘હ...હાં....’ હિરાલાલને શું જવાબ આપવો એ સમજાવું નહી એટલે તે પોતાની ધૂનમાં જ બોલ્યો, ‘અહીં મારું મન નથી ચોંટતુ એટલે હું થોડા દિવસ માટે દેવગઢ જઉં છું.’
હિરાલાલ મૂળ દેવગઢનો જ વતની હતો. એનું બાળપણ ત્યાં જ વિત્યુ હતું. ત્રીસેક વર્ષ પહેલાં દેવગઢમાં તેને કાપડની નાની સરખી દુકાન હતી. અને જમનાદાસ ત્યારથી જ એની સાથે હતો. એ પણ દેવગઢ જ રહેતા હતા. તે દર મહિને બે-ત્રણ દિવસ માટે દેવગઢ જઈને તેમને મળી આવતા હતો. દેવગઢમાં હિરાલાલની પુષ્કળ જમીન તથા એક મોટી હવેલી જેવું મકાન હતું.
જમનાદાસ હિરાલાલના મોંએથી દેવગઢ જવાની વાત સાંભળીને ઝડપથી બોલ્યો, ‘તમારા સમ ખાઈને કહું છું હો? તમે થોડા દિવસ માટે ક્યાંક બહારગામ ચાલ્યા જાઓ એ જ તમારે માટે ઉત્તમ છે. જો તમે અહીં રહેશો તો તમારા દિકરાના ભયંકર મોતને ભૂલી શકશો નહીં. જો કે હું પણ અત્યારે દેવગઢ જ જઉં છું મારી ટિકિટ પણ મેં લઈ લીધી છે. અને ખાસ તમારી રજા લેવા માટે જ ટેક્સીમાં અહીં આવવું પડયું છે. દેવગઢથી તાર આવ્યો છે. માનો નાનો દિકરો ખૂબ જ બિમાર છે એટલે મારે ગયા વગર ચાલે તેમ નથી.
‘ હાં....હાં...તમે જરૂર જાઓ. પણ ત્યાં કેટલાં દિવસ માટે જવું છે?’
‘બે-ત્રણ દિવસ માટે....!’ જમનાદાસે જવાબ આપ્યો. પછી એણે ફરીથી લાલચુ નજરે ટ્રક સામે જોયું.
એની વાત સાંભળીને હિરાલાલ વિચારમા પડી ગયો. એ વિચારતો હતો કે-જો જમનાદાસ આ ટ્રંક પોતાની સાથે દેવગઢ લઈ જઈને હવેલીમાં મૂકી દે તો મારું ગામ સરળ થઈ જશે. કોઈ મને ટ્રંક સાથે નહીં જુએ અને મારું કામ પણ પતી જશે. પછી હું ભૂપગઢની વાડીને બદલે દેવગઢની હવેલીમાં જ એ ટ્રંકને દાટી દઈશ. આમે ય વાડીમાં તે ચોકીદાર હોય જ છે, પરંતુ હવેલીમાં તો કોઈ જ નથી રહેતું ત્યાં ખાડો ખોદીને ટ્રંક દાટવાના સરળતા રહેશે. રેલ્વેસ્ટેશને જઈને ટ્રંકને રેઢી મૂકવાની માથાકૂટ પણ નહીં કરવી પડે.
‘સારૂ તો હવે હું રજા લઈશ....’ જમનાદાસના આવાજથી તેની વિચારધારા તૂટી.
‘ હાં...તમે તમારે ખુશીથી જાઓ. પણ જો શક્ય હોય તો આ ટ્રંક પણ તમારી સાથે લેતા જાઓ.’ હિરાલાલે અંદર પડેલી ટ્રંક સામે આંગળી ચીંધતા કહ્યું. ‘ટ્રંક તમે હવેલીમાં મૂકી દેજો. રાજેશ અને અમરના મોતનો કમલાને ખૂબ જ આઘાત લાગ્યો. છે, એટલે ટ્રેઈનમાં હું તેનું ધ્યાન રાખીશ કે આ ટ્રકનું?’
‘ કેમ....? ટ્રંકમાં કોઈ કીંમતી સાધન ભર્યો છે કે શું...? અને તેમ ટ્રેઈનમાં શા માટે આવશો? કારમાં નહીં આવો?’
‘મારી જૂની કાર બગડી ગઈ છે અને નવી કારનો ડ્રાયવર બે દિવસની રજા લઈને પોતાના ગામે ગયો છે. મને તો કાર ચલાવતાં નથી આવડતી એ તો તમે જાણો જ છો. અને કદાચ ચલાવવાનો પ્રયાસ કરીશ તો નાહક જ મારાથી અકસ્માત થઈ જશે.’ હિરાલાલે જવાબ આપ્યો, ‘ આ ટ્રંકમાં ખૂબ જ કીંમતી સામાન ભરેલો છે. તેમાં થોડાં ઘરેણાં અને પાંચ લાખ રૂપિયા રોકડા પડ્યા છે એટલે તમે સાચવીને લઈ જજો. તેને એક મિનિટ માટે પણ રેઢી મૂકશો નહીં. મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે એટલે જ તમને આ ટ્રંક સોપું છું. આ દુનિયામાં માત્ર તમે એક જ મારા સાચા હમદર્દ છો એટલે આ ટ્રંક તમે તમારા હાથેથી જ હવેલીમાં પહોંચાડી દો એમ હું ઈચ્છું છું.
‘કંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું. એ તો મારી ફરજ છે.’ અહીં આગળ વધીને જમનાદાસે ટ્રંક ઊંચકી લીધી. પછી બોલ્યો, ‘આ તો ખૂબ જ જમનાદાસે લાગે છે. પણ કંઈ વાંધો નહીં. હું ટેક્સી લઈને જ આવ્યો છું. તેની ટ્રંક મૂકાવી દઈશ.’
‘વજનદાર તો હોય જ ને...!’ હિરાલાલે ધ્રુજતા અવાજે કહ્યું, ‘અંદર કમલા તથા મધુના કપડાં વિગેરે પણ ભર્યુ છે. તમે આ ટ્રંક હવેલીમાં સહી-સલામત રીતે મૂકાવી દેજો. હવેલીને એક ચાવી તો કાયમ તમારી પાસે જ રહે છે. હું કાલે બપોરની ટ્રેઈનમાં દેવગઢ પહોંચી જઈશું. કમલા અને મધુ અત્યારે સૂતાં છે. નહીં તો અત્યારે તમારી સાથે જ અમે નીકળી જાત.’
‘કંઈ વાંધો નહીં. આ ટ્રંકની ચિંતા હવે તમે છોડી દો. હું તને સહી-સલામત રીતે હવેલીમાં પહોંચાડી દઈશ,. તમે તમારે નિરાંતે કાલે બપોરની ગાડીમાં આવજો. સારું, હવે મને રજા આપો.’ કહી, ટ્રંક ઊચકીને જમનાદાસ બહાર નીકળી ગયો.
હિરાલાલ તેને વળાવવા માટે કંપાઉન્ડના ફાટક સુધી ગયો.
બહાર ખરેખર જ ટેક્સી ઊભી હતી.
વળતી જ પળે ડ્રાયવરે ટેક્સી સ્ટાર્ટ કરીને આગળ દોડાવી મૂકી. હિરાલાલે નિરાંતનો શ્વાસ લીધો.
પોતાના રૂમ તરફ આગળે વધતો મનોમન બબડતો હતો-બસ, એકવાર એ ટ્રંક હવેલીમાં પહોંચી જાય એટલી જ વાર છે પછી હું ખૂબ જ સહેલાઈથી કમલાના મૃતદેહને ઠેકાણે પાડી દઈશ.
અને બીજી તરફ ટેકસીમાં બેસીને જમનાદાસ વિચારતો હતો હિરાલાલ તો એક્કલનો બળદીયો છે. હું વર્ષોથી જે તકથી રાહ જોતો હતો તે આજે મને મળી ગઈ છે. જો એ એમ માનતો હોય કે હું આ કીમતી સામાન ભરેલી ટ્રંક દેવગઢ પહોંચાડી દઈશ તો તે એની ભૂલ છે. પૈસાદાર બનવાની આજે ઘણા વર્ષથી મારી ઇચ્છા એ હતી અને ઇચ્છા પૂરી કરવા માટે હું કોઈક મોટો હાથ છે અને જો આ તકનો લાભ ન ઉઠાવું તો મારા જેવો મૂરખ બીજો કોઈ નહીં હોય! હું આ ટ્રકમાં ભરેલો કીંમતી સામાન વેંચી નાખીને પૈસાદાર બનવાની મારી ઇચ્છા પૂરી કરીશ.
આમે બંનેના મનમાં પાપ હતું.
જોઈએ હવે શું થાય છે.
***
અત્યારે રાતના સાડા બાર વાગ્યા હતા.
જમનાદાસે ટ્રંક લઈને ગાયને એક કલાક વિતી ગયો હતો.
એ ગયો ત્યારથી હિરાલાલ પોતાના બેડરૂમમાં બેસીને શરાબના ઘૂંટડા ભરતો વિચારતો હતો હવે મારા રસ્તામાં કોઈ જ રૂકાવટ નથી, કે જો ભાનુશંકરે આપેલું કરિયાવર તથા કિરણના નામથી બેંકમાં પડેલા પચાસ લાખ રૂપિયા મેળવતા મને રોકે! હવે મારે માત્ર બે જ કામો કરવાનાં છે, એક તો દેવગઢ જઈને કમલાના મૃતદેહને ઠેકાણે પાડવાનો છે. અને બીજું ગમે તે રીતે કિરણને ખુશ કરીને કોરા ચેક પર તેની સહી કરાવી લેવાની છે. એક વખત એ સહી કરી આપે પછી હું બેંકમાં તેના ખાતામાંથી પચાસ લાખ ઉપાડીને મધુ સાથે પરદેશ ચાલ્યો જઈશ.
નશામાં ચકચુર થઈને છેવટે તે કરિયાવર પડ્યો હતો એ રૂમ તરફ આગળ વધી ગયો.
દેવગઢ જતાં પહેલાં તે પેટ ભરીને એક વખત એ કીમતી સામાન જોઈ લેવા માગતો હતો.
ગમે તેમ તો યે પોતે એ કીમતી સામાન ખાતર જ પોતાના બબ્બે દિકરાઓને ગુમાવવા પડ્યા હતા એના તે વિચાર કરતો હતો. માણસનું મન તો જુઓ, દિકરાની જીંદગીને બદલે તેને આ કરિયાવરનો સામાન વધુ કીમતી લાગ્યો હતો. તે સામાનને કારણે જ પોતાની પત્નીનું ખૂન કરતાં પણ અચકાયો નહોતો.
કરીયાવરવાળા રૂમમાં પહોંચીને તે નશાથી લાલઘુમ આંખે એક એક વસ્તુને ધ્યાનથી જોવા લાગ્યો. એક તો તે નશામાં જ અને ઉપરથી આ કીમતી સામાન જોઈને તેનો નાશ બેવડાયો હતો.
પરંતુ વળતી જ બંગડીઓનો ખટખડાટ સાંભળીને તેનો નશો કપૂરની જેમ ઉડી ગયો.
ત્યારપછી પળે એક ખૂણામાથી સુનિતાનો અવાજ તેના કાને અથડાયો.
‘કેમ છે મારા પરમ પૂજ્ય, રા.રા. શેઠશ્રી હિરાલાલ?’ એના અવાજમાં કટાક્ષનો સૂર હતો.
‘લે, કર વાત....!’ સુનિતાનો અવાજ પૂર્વવત્ રીતે પીગળેલ સીસાની જેમ તેના કાનમાંથી ઊતરી ગયો, ‘મને ન ઓળખી...? આટલી જલ્દી મને ભૂલી ગયા? તમારી યાદદાસ્ત સાવ કાચી લાગે છે. જરા યાદ કરવાનો પ્રયાસ કરો...’
‘ક...કોણ છે...? કોણ છે...?’ હિરાલાલે ચીસ જેવા અવાજે પૂછ્યું. પછી એણે ગરદન ફેરવીને ચારે તરફ નજર દોડાવી.
‘એ તો હું છું. બીજું કોઈ નથી. કહેતાં કહેતાં સુનિતા કરિયાવરમાં આવેલા સોફા પાછળથી બહાર નીકળી આવી.
‘ત...તું...?’ હિરાલાલે ધ્રુજતા અવાજે બરાડો નાખતાં પૂછ્યું, ‘હું...હું તને જીવતી નહીં છોડું...તું હમણાં જ અહીંથી ચાલી જા...નહીં તો હું તને મારી નાખીશ.’
જવાબમાં સુનિતાએ જોરથી અટ્ટહાસ્ય કર્યું. એના અટ્ટહાસ્યનો અવાજ રૂમના શાંત વાતાવરણને ખળભળાવી ગયો.
‘ તમે મને કેટલી વખત મારશો શેઠ હિરાલાલ...?’ તે કટાક્ષ ભર્યા અવાજે બોલી, ‘એક વખત તો ડોક્ટરના આનંદના હાથેથી ઝેરનું ઇંજેક્શન અપાવીને તમે મને મારી જ ચૂક્યો છો, એ યાદ છે તમને?
‘તુ મરી ગઈ છે તો પછી અવારનવાર મારી પાસે શા ગુડાય છે? તારે શું જોઈએ છે? તું અહીં શા માટે આવે છે?’ હિરાલાલ પાગલની તેમ ચીસ પાડતાં કહ્યું. તે જોર જોરથી પોતાના માથાને આંચકા મારતો હતો.
‘હું અહીં મારી બરબાદીનો બદલો લેવા માટે આવું છું. શેઠ હિરાલાલ...! તમને એ યાદ કરાવવા આવું છું. કે તમે મને તમારી ગુલામ માનતા હતા, ચાવી દીધેલું રમકડું માનતા હતા. પણ સ્ત્રી કોઈની ગુલામ નથી હોતી.’ સુનિતા એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી.
‘તું...તું ચાલી જા અહીંથી...ચાલી...જા...’ હિરાલાલે પરેશાની ભર્યા અવાજે કહ્યું.
‘ના...હું ક્યાંય નહીં જાઉં. જે રીતે નાગણ ખજાના પર ફેણ ચડાવીને બેસી જાય છે તેમ હું પણ આ કરિયાવરની ચોકી કરતી બેસી રહીશ. આ કરિયાવરનો કારણે તેમ મારું ખૂન કરાવ્યું હતું અને આ કરિયાવર માટે જ આજે તમે તમારા હાથેથી જ તમારી નિર્દોષ સાસુનું ખૂન કર્યું છે અને છતાં ય હું તમને આ કરિયાવરનું સુખ નહીં ભોગવવા દઉં.’
‘ તો તારે છેવટે શું જોઈએ છે? તું અહીં શા માટે આવી છો?’
‘હું તમારું માથું દાબવા માટે આવી છું. હું મારા ખોળામાં રાખીને તમારું માથું દબાવું એવી તમારી ઇચ્છા હતી ને? તમને અને મારી સાસું મંદિર પૂજા કરવા માટે ગઈ હતી ત્યારે માથું કર્યો હતો? એ વખતે તમારા પર વાસનાનો નશો છવાયો હતો. વાસનામાં અંધ બનીને તમે તમારો વિવેક ખોઈ બેઠા હતા. મેં તમને કેટલી કાકલુદી કરી હતી, કે હું તમારા કુટુંબની વહુ છું. દિકરી સમાન છું. ત્યારે તમે શું જવાબ આપ્યો હતો એ જરા યાદ કરો. તમે વાસનાના નશામાં ચકચુર થઈને કહ્યું હતુ કે-ન કહ્યા મુજબનું કરિયાવર લાવી હોત તો તું જરૂર મારો કુટુંબની વહુ હું તને મારી દિકરી ગણત. પરંતુ તે આ બંનેમાંથી કશું યે કર્યું. નથી એટલે હું તને મારા કુટુંબની વહુ કહેવાત અને જો તે મારી પત્નિની કૂખેથી જનમ લીધો હોત તો હું તને મારી દિકરી ગણત. પરંતુ તે આ બંનેમાંથી કશું ય કર્યું નથી એટલે હું તને મારા કુટુંબની વહુ કે દિકરી નથી માનતો. મેં એ જ વખતે સોગંદ ખાધા હતા કે મને જ્યારે પણ તક મળશે ત્યારે જરૂરથી તમારી આ નાની ઇચ્છા હું પૂરી કરીશ. તમારું માથું મારા ખોળામાં મૂકીને દાબી દઈશ અને આજે હું તમારી એ ઇચ્છા પૂરી કરવા માટે જ આવી છું. હું તમારી એ ઇચ્છા પૂરી કરવા માટે જ આવી છું. કહીને સુનિતા અચાનક જ તેની સામે માતેલા આખલાની જેમ ઘસી ગઈ.
પછી હિરાલાલે કશું, સમજે-વિચાર એ પહેલાં જ સુનિતાએ ધક્કો મારીને તેને સોફા પર પછાડી દીધો. ત્યારબાદ તે જાણે માથું માંગતી હોય એમ એણે પોતાના બંને હાથ તેના માથા પર મૂકી દીધા.
પછી વળતી જ પળે એના બંને હાથ, માથા પરથી સરકીને તેના ગળા પર જકડાઈ ગયા.
હિરાલાલ એના હાથમાંથી પોતાનું ગળું છોડાવવા માટે તરફડીયા મારતો હતો.
‘બચાવો...’ એનાં મોંમાંથી ચીસ નીકળી પડી.
પરંતુ સુનિતા પર તેની ચીસની કંઈ જ અસર થઈ નહીં. હિરાલાલના ગળા પર તેના બંને હાથનું દબાણ પ્રત્યેક પળે વધતું જતું હતું. એની આંખોમાં હિંસક ચમક પથરાયેલી હતી. ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને સખત બની ગયો હતો. બંને જડબાં દઢતાથી ભીંસાયેલા હતા.
હિરાલાલે મદદ માટે ફરીથી ચીસ નાખી. પરંતુ તે તેના જીવનની છેલ્લી ચીસ હતી.
વળતી જ પળે એની જીભ બહાર નીકળી ગઈ. આંખોના ડોળા બહાર ધસી આવ્યા.
બીજી તરફ એની ચીસનો અવાજે સાંભળીને મધુની ઊંઘ ઊડી ગઈ હતી. ચીસનો અવાજ કરિયાવર પડ્યો હોત તો તે રૂમ તરફથી આવ્યો હતો.
પલંગ પરથી નીચે ઉતરી, સ્લીપર પહેર્યા વગર જ બારણું ઉઘાડીને તે એ રૂમ તરફ દોડી ગઈ.
ત્યા પંહોચ્યાં પછી અંદર હિરાલાલનું ગળુ દબાવતી સુનિતા પર નજર પડતાં જ તે હેબતાઈ ગઈ. એના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
પછી કંઈ ન સૂઝતાં એણે બહારથી બારણું બંધ કરીને સ્ટોપર ચડાવી દીધી. ત્યારબાદ તે પોલીસને ફોન કરવા માટે દોડી ગઈ.
‘બારણું ઉઘાડો...બારણું ઉધાડો...’ અંદરથી સુનિતાએ બૂમો પાડતાં કહ્યું. પરંતુ અત્યારે તેનો અવાજ એકદમ ગભરાયેલો હતો.
***
બીજી તરફ જમનાદાસે પોતાને ઘેર જઈને હિરાલાલે તે દેવગઢ પહોંચાડવા માટે આપેલી ટંકનું તાળું તોડી નાંખ્યુ.
મનમાં અનેક સુખ-સમૃદ્ધિઓની કલ્પના કરતાં કરતાં એણે ટંકનું ઢાંકણું ઉઘાડ્યું. પણ અંદર કપડાં, પૈસા, દાગીનાને બદલે કમલાની લાશના ટૂકડા જોઈને તેને ચક્કર આવી ગયા. તે થોડી પળો માટે નર્યાનિતર્યા ભય, ખોફ, આશ્ચર્ય અને દહેશતથી જડ જેવો બનીને લાશના ટૂકડાઓને તાકી રહ્યો.
પછી જેમ તેમ કરીને એણે પોતાની જાતને સંભાળી, ત્યારબાદ ટંકનું ઢાંકણું બંધ કરીને તે પોલીસને ફોન કરવા માટે બહાર દોડી ગયો.
નાગપાલ પોલીસ સાથે હિરાલાલે ઘેર પહોંચી ગયો હતો.
એના પર સાથે બે ટેલિફોનો આવ્યા હતા.
એક તો હિરાલાલને ત્યાંથી મધુનો અને બીજો જમનાદાસને ઘેરથી જમનાદાસે...!
બંગલામાં પહોંચ્યા પછી મધુના કહેવાથી નાગપાલ કરિયાવરવાળા રૂમ તરફ આગળ વધી ગયો. એ રૂમનું બારણું હજુ પણ અંદરથી કોઈક ખટખટાવતું હતું.
નાગપાલે બહારથી બારણું ઉઘાડીને સુનિતાને બહાર કાઢી. પછી વિધિસર તેની ધરપકડ કરી.
ત્યારબાદ સુનિતાને ઈન્સપેક્ટરના હવાલે કરીને એણે હિરાલાલની લાશનું પંચનામું કરીને તેને પોસ્ટમોર્ટમ માટે રવાના કરાવી દીધી.
પછી તે વરંડામાં આવ્યો.
‘તો અંતે મારું અનુમાન સાચું જ પડ્યું.’ કહીને એણે મધુ સામ પ્રશ્નાર્થે નજરે જોયું.
‘નાગપાલ સાહેબ...!’ મધુ ધ્રુજતાં અવાજે બોલો, ‘આજે આજે હું આપનાથી કંઈ જ નહીં છૂપાવું, બધી જ સાચી હકીકતો આપને જણાવી દઈશ. હવે...હવે મને કોની બીક છે? ન તો મારી મા બચી છે કે ન તો પિતાજી...! મારા બંને ભાઈઓ પણ મરી ગયા છે. એક માત્ર હું જ બચી છું, એટલે હવે મને ફાંસીનો જરા પણ ભય નથી.’
‘ફાંસી...?’ નાગપાલે ચમકીને પૂછ્યું. ‘તને વળી ફાંસીની સજા શા માટે?’
જવાબમાં મધુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એણે અશ્રુભરી નજરે સુનિતા સામે જોયું. પછી જવાબ આપ્યો, ‘નાગપાલ સાહેબ, અમે બધાંએ સાથે મળીને સુનિતાભાભીનું ખૂન કરી નાંખ્યુ હતું. વધારે કરિયાવર મેળવવાની લાલચે મારા બંને ભાઈઓ તથા મારા મા-બાપે સાથે મળીને તેમના ખૂનની યોજના બનાવી હતી. અને પછી તેમનું ખૂન કરી નાંખ્યું હતું તે કદાચ અમારી એ જ કરણીની સજા અમને મળી છે. આજે અમારા કુટુંબમાં મારા સિવાય બીજું કોઈ જીવતું નથી રહ્યું.’
‘એક મિનિટ...’ નાગપાલે પોતાના ગજવામાંથી રૂમાલ કાઢીને તેના હાથમાં મૂક્યો. પછી કહ્યું, ‘પહેલાં તો તું તારા આંસુ લૂંછી નાંખ અને પછી મને શાંતિથી જવાબ આપે કે જો તારા મા-બાપે તથા ભાઈઓએ સુનિતાનું ખૂન કરી જ નાંખ્યું હતું તો પછી એ અત્યાર સુધી જીવતી કઈ રીતે છે?’
નાગપાલની વાત સાંભળીને સુનિતાના ચ્હેરા પર હળવું સ્મિત ફરકી ગયું.
‘મને...મને પણ એ જ વાતની નવાઈ લાગે છે નાગપાલ સાહેબ કે સુનિતાભાભી મર્યા પછી પણ કઈ રીતે જીવતાં છે! મારી નજર સામે મારા ભાઈઓ તથા મા-બાપે અમારી ભૂપગઢની વાડીમાં ખાડો ખોદીને તેમના મૃતદેહને દાટી હતો, પરંતુ મારા પિતાજીની ખિસ્સા ઘડિયાળ ખાડો ખોદીને વખતે ખાડામાં અથવા તો તેની આજુબાજુમાં ક્યાંક પડી ગઈ હતી. પછી થોડીવાર બાદ ઘડિયાળ શોધવા માટે અમે ખાડા પાસે ગયા ત્યારે એ ફરીથી ખોદેલો હતો અને તેમાંથી ભાભીનો મૃતદેહ ગુમ થઈ ગયો હતો. ત્યારપછી અચાનક જ એ વખતે અમરે એક લંગડા માણસને ખભા પર કોઈક વસ્તુ કે જે કદાચ ભાભીની લાશ જ હતી. તે ઊંચકીને વાડીની દીવાલ કૂદીને બીજી તરફ ઊતરી પડતાં જોયો હતો. એ માણસ પગથી માથાં સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ હતો. એટલે અમે તેનો ચ્હેરો જોઈ શકાય નહોતાં. રાજેશે આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ ક્યાંયથી યે તેનો પત્તો લાગ્યો નહોતો. અને...’ સહસા તે આગળ બોલતી અટકી ગઈ. એની નજર બંગલાનું ફાટક ઉઘાડીને અંદર આવતા. એક માણસ પર પડી. તે અત્યારે પણ પગથી માથાં સુધી કાળા વસ્ત્રોમાં સજ્જ હતો. ચાલતી વખતે તેનો એક પગ લંગડાતો હતો.
નાગપાલ વિગેરે પણ તેને જોઈ ચૂક્યા હતા.
‘ત્યાં જુઓ નાગપાલ સાહેબ...?’ મધુએ તે માણસ તરફ સંકેત કરતાં કહ્યું, ‘આ એ જ લંગડો છે કે સુનિતાભાભીનાં મૃતદેહને ખાડો ખોદીને લઈ ગયો હતો અને...’
એની વાત પૂરી થાય એ પહેલાં અચાનક જ સુનિતા ખડખડાટ હસી પડી.
‘તું હસે છે શા માટે....?’ નાગપાલે કઠોર નજરે તેની સામે જોતાં પૂછ્યું.
પરંતુ સુનિતા કંઈ જવાબ આપે એ પહેલાં જ તે લંગડો માણસ ત્યાં આવી પહોંચ્યો.
નાગપાલે પ્રશ્નાર્થે નજરે તેની સામે જોયું.
‘નાગપાલ સાહેબ...’ કદાચ નાગપાલનો સવાલ એણે સાંભળી દીધો હતો, ‘સુનિતા શા માટે હસે છે એ હું તમને જણાવું છું. વાત એમ છે કે બધાં મને લંગડો માને છે પણ હકીકતમાં એવું નથી. મારા બંને પગ સાજા-સારા છે. મેં જે બૂટ પહેર્યો છે, તેમાંથી એકનુ તળીયું બીજા કરતાં સહેજ જાડું છે એટલે જ્યારે ચાલું છું ત્યારે મારો એક પગ લંગડાય છે. મને જોનારાને હું લંગડો હોઉં એવું જ લાગે છે...’
‘અરે....આ તો.... આ તો ડૉક્ટર આનંદનો અવાજ છે...’ કહીને મધુ નર્યા-નિતર્યા અચરજથી તેની સામે તાકી રહી.
‘તારી વાત સાચી છે...’ કહેતાં કહેતાં એ માણસે પોતાના ચ્હેર પરથી નકાબ કાઢી નાંખ્યો. હવે બધાં તેનો ચ્હેરો સ્પષ્ટ રીતે જોઈ શકતાં હતાં.
જી, હાં....એ રહસ્યમય લંગડો માણસ બીજું કોઈ નહીં પણ ડૉક્ટર આનંદ પોતે જ હતો.
આનંદને જોઈને સુનિતાની આંખો ભરાઈ આવી.
આનંદે આંસુ ભરી નજરે હાથકડી પહેરેલી સુનિતા સામે જોયું. પછી લાગણ ભર્યા અવાજે બોલી, ‘તું હિમંત રાખ. તારા આંસુ લૂંછી નાંખ...!’
સુનિતાએ તરત જ પોતાનાં આંસુ લૂછી નાખ્યા. પછી વળતી જ પળે તેના ચ્હેરા પર એક જાતની કઠોરતા છવાઈ ગઈ.
એ જ વખતે પોતાની શાનદાર કારમાં ભાનુશંકર તથા કિરણ ત્યાં આવી પહોંચ્યા.
એની પાછળ પાછળ પોલીસની જીપ આવી પહોંચી.
તેમાંથી એક ઈન્સપેક્ટર તથા ત્રણ-ચાર સિપાહીઓ અને જમનાદાસ ઊતર્યા.
બે સિપાહીઓએ એક મોટી ટ્રંક ઊંચકી રાખેલી હતી. તેણે કદાચ જમનાદાસને ત્યાંથી સીધા જ અહીં આવ્યા હતા.
જમનાદાસે પોતાને એ ટ્રંક કેવી રીતે મળી હતી તની બધી વિગતો નાગપાલને જણાવી દીધી.
‘હું...’ નાગપાલન ગળામાંથી હૂંકાર નીકળ્યો. પછી એણે પાઈપ સળગાવીને ડૉક્ટર આનંદ સામે જોતાં ગંભીર અવાજે કહ્યું, ‘ મિસ્ટર આનંદ, મને ખ્યાલ છે ત્યાં સુધી સુનિતાની સારવાર તમે જ કરી હતી ખરું ને...?’
‘જી, હા...’ ડૉક્ટર આનંદે હકારમાં માથું હલાવતાં જવાબ આપો.
‘હિરાલાલને સુનિતાના મૃત્યુનું પ્રમાણપત્ર પણ તમે જ આપ્યું હતું ખરું ને?’
‘હા...’ આનંદનો અવાજ ભાવહીન હતો.
‘તો શું હું પૂછી શકું છું કે...’
‘નાગપાલ સાહેબ....’ આનંદ તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા બોલ્યો, ‘આપને પૂછવાની કંઈ જ જરૂર નથી. આપ નહીં પૂછો તો પણ આજે હું અને સુનિતા આપને સાચી હકીકતો જણાવી દેશું કારણ કે અમારો જે ધ્યેય હતો, તે આજે પૂરો થઈ ગયો છે.’ કહીને એણે ભાનુશંકર સામેં જોયું, ‘પણ હું હકીકત કહેવાની શરૂઆત કરું એ પહેલાં આપ શેઠ ભાનુશંકરની થોડી વાત સાંભળી લો. તેમની વાતો ખૂબ જ મહત્વની છે. એટલે જ અહીં આવતાં પહેલાં મેં તેમને ફોન કરી દીધો હતા. મારી અને સુનિતાની જેમ તેમની જુબાની પણ આપને માટે ખૂબ જ મહત્વની છે.’
‘ જરૂર....’ કહીને નાગપાલે પ્રશ્નાર્થ નજરે ભાનુશંકર સામે જોયું.
બાકીનાઓની નજર પણ તેના પર સ્થિર થઈ ગઈ હતી.
ભાનુશંકરે સુનિતા તરફ ઊડતી નજર ફેંકી પછી ગળું ખંખેરીને નાગપાલ સામે જોતાં એણે કહ્યું. ‘નાગપાલ, આજે તારી પાસે આ ખુલાસો કરતાં શરમથી મારું માથું ઝુકી જાય છે. પણ તું મારો મિત્ર છે. એક એક મિત્ર હોવા છતાં પણ મેં આજ સુધી તારાથી આ વાત શા માટે છૂપાવી એનું તને દુ:ખ તો જરૂર થશે. પણ હું લાચાર હતો. ખેર, સાંભળ...હું એ હરામખોર પુરૂષોમાનો એક છું કે જે સ્ત્રીને ફક્ત રમકડું જ માનીને તેના શરીર તથા આત્મા સાથે રમત કરે છે. અને...’
‘પપ્પા...’ કિરણ તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા બોલી, ‘તમ જરૂર કરતાં વધારે લાગણીના પૂરમાં તણાઈ ગયા છો. પ્લીઝ પપ્પા...તમે...’
‘ઓ. કે...ઓ. કે...’ ભાનુશંકરે પોતાની આંખોમાં ધસી આવેલાં આંસુઓને હથેળીની પીઠથી લૂંછી નાખ્યા. પછી એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘નાગપાલ, સાવિત્રી, સુનિતાની સ્વર્ગસ્થ મા એક જમાનામાં અમારે ત્યાં નોકરાણી તરીકે કામ કરતી હતી. એ ખૂબ જ સ્વરૂપવાન હતી. હું નાનપણથી જ આશિક મિજાજનો હતો. ભણવામાં મને ખાસ કંઈ રસ નહોતો. અને આમે ય વધારે ભણવાની જરૂર પણ નહોતી. કારણ કે હું એક કરોડપતિ બાપનો એકનો એક દિકરો હતો.એટલે છેવટે તો મારે તેનો બીઝનેસ જ સંભાળવાનો હતો. આ વાત લગભગ પચીસ વર્ષ પહેલાંની છે. એ વખતે અમે ચંદનપુરમાં રહેતા હતા. આજે તો ચંદનપુરમાં મોટું શહેર બની ગયું છે. પરંતુ એ વખતે તે નાનકડું ગામડું જ હતું. ચંદનપુરમાં અમારું મહેલ જેવું મકાન હતું અને ત્યારે સાવિત્રી કુંવારી હતી. હવે કુદરતના ખેલ તો જો...! કરોડપતિ બાપનો એકનો એક દિકરો હોવા છતાં પણ હું અમારા ઘરની નોકરાણીને પ્રેમ કરી બેઠો. હું તેની પાછળ પાગલની બની ગયો હતો. મારા બાપને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એણે સાવિત્રીને રજા આપી દીધી. ત્યારબાદ થોડા દિવસ પછી મને જાણવા મળ્યું કે સાવિત્રીના લગ્ન થઈ ગયા છે. એના લગ્નની આખી રાત મેં રડી રડીને વિતાવી હતી તે આજે પણ મને યાદ કરે છે. મને માત્ર એક જ વાતનું દુ:ખ હતું જ્યારે જ્યારે હું સાવિત્રી પાસે મારા પ્રેમની કબૂલાત કરતો ત્યારે હંમેશા હસીને એણે એક જ જવાબ આપ્યો હતો કે-શેઠજી, પ્રેમ કરવો એ માત્ર પૈસાદારોનું નાટક જ હોય છે. પરંતુ હું ગરીબ છું અને ગરીબોને મોંએ આપી પ્રેમની વાતો શોભતી નથી.પૈસાદારોને જ્યારે પોતાનું પેટ ભરેલું હોય ત્યારે જ પ્રેમની વાતો કરવાનું સૂઝે છે. પરંતુ ગરીબનું પેટ ખાલી હોય છે. એટલે રાત્રે જ્યારે તે અગાસી પર સૂઈને આકાશમાં ચાંદો જુએ છે. ત્યારે એ ચાંદો પણ તેને તાવડી પર શેકાતી રોટલી જેવો લાગે છે. પૈસાદાર માણસો ગરીબ સ્ત્રીને માત્ર રમકડું જ માને છે. એવું રમકડું કે જેનાથી મન ફાવે ત્યારે રમી શકાય અને દિલ બહેલાવી શકાય મન ભરાઈ ગયા પછી તેઓ એ રમકડાંને દૂધમાં પડેલી માખીની જેમ ફેંકી દે છે.’
‘પ્લીઝ, ભાનુશંકર....!’ નાગપાલ તેના ખભા પર હાથ મૂકતાં બોલ્યો, ‘ જરૂર જેટલી વાત કહે. અહીં તાર દિકરી કિરણ પણ હાજર છે. એ તું ભૂલ. અને જુવાન દિકરીની હાજરીમાં તારા મોંએ આવી વાતો નથી શોભતી!’
‘નાગપાલ....’ ભાનુશંકરની અશ્રુભરી નજરે સુનિતા સામે જોતાં કહ્યું, ‘અહીં મારી એક નહીં પણ બબ્બે દિકરીઓ હાજર છે. સુનિતા પણ મારી જ દિકરી છે. એણે સવિત્રીની કૃખેથી જનમ લીધો હતો. મારા તથા સાવિત્રીના સંબંધોના પરિણામે જ તેનો જન્મ થયો હતો.’
‘શું...?’ નાગપાલે આશ્ચર્યથી તેની સામે જોતાં પૂછ્યું, ઘડીભર તો એણે જે કંઈ સાંભળ્યુ હતું. એના પર ભરોસો ન બેસતો હોય એવા હાવભાવ તેના ચ્હેરા પર છવાઈ ગયા હતા.
‘હાં....સુનિતા મારી જ દિકરી છે.’ ભાનુશંકરે રૂંધાયેલા અવાજે કહ્યું, ‘અત્યારે સુધી આ વાત હું સમાજના ડરથી, દુનિયાના ભયથી લોકો સામેં મોં ઉઘાડતાં ખમચાતો હતો. આજ સુધી હું સમાજને આ વાત કહેતાં ડરતો હતો. પણ હવે મને કોઈની ય પરવાહ નથી. આજે હું ગર્વભેર છાતી ઠોકીને કહું છું કે કમનસીબ સુનિતા મારી જ દિકરી છે. માત્ર મારી જ દિકરી છે.’
સુનિતાની આંખોમાંથી અવિરત આંસુ વહેતાં હતા. એને પોતે જ્યારે પોતાની માને મળવા ગઈ હતી એ રાત યાદ આવી ગઈ. ત્યારે એની મા મૃત્યુને આરે ઊભી હતી. એણે ઝેર પી લીધું હતુ. મરતી વખતે તેનાં હાથમાં કંકુની ડબ્બી હતી પરંતુ તેનો સેંથો ખાલી હતો. એ વખતનું ર્દશ્ય ચલચિત્રની માફક તેની આંખો સામે ઉપસી આવ્યું હતુ.
‘સુનિતા....’ આનંદ લાગણીથી સુનિતા ખભા પર હાથ મૂકતાં બોલ્યો, ‘તું રડે છે. શા માટે? સ્ત્રી રમકડું નથી. કોઈની ગુલામ નથી. અબળા નથી એમ તું પોતે કહેતી હતી એ યાદ છે તને?’
‘ અ....આનંદ....’ સુનિતા તેના ખભા પર માથું મૂકીને ધ્રુસકાં ભરવા લાગી.
‘હાં, તો નાગપાલ...’ ભાનુશંકર કહેતો ગયો, ‘સાવિત્રીના લગ્ન થઈ ગયાં અને હું તેના વિરહમાં તડપતો રહ્યો. પરંતુ કુદરતે કંઈક બીજું જ ધાર્યુ હતું. સાવિત્રીના લગ્નને દિવસે જ જ્યારે તેમની જાન જતી હતી ત્યારે એક ડાકુની ટોળકીએ તેની જાનને લૂંટી લીધી અને સાવિત્રીના પતિને ગોળી ઝીંકી દીધી. સાવિત્રી પર તો જાણે કે વિજળી ત્રાટકી હતી. એ પોતાના સાસરે પહોંચે તે પહેલાં જ વિધવા બની ગઈ. સાવિત્રીની માથી આ આઘાત સહન થયો નહીં પરિણામે એ પણ તરત જ મૃત્યુ પામી. હવે આવડી મોટી દુનિયામાં સાવિત્રી એકલી પડી ગઈ. અને તેનું આ એકલવાયાપણ જ એને મારી તરફ ખેંચી લાવ્યું. મેં તેને આશ્વાસન આપ્યું. તે એક એવી કમનસીબ નવવધુ હતી. કે જે લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તે કુવારી હતી. એના સેંથામાં હું કંકુ તો ન પૂરી શક્યો અલબત્ત, તેની કૂખ જરૂર મેં ભરી દીધી હતી. પિતાજી તેની સાથે મારા લગ્ન કરવા માટે માની જશે એમ હું માનતો હતો. પરંતુ આવું થઈ શક્યું નહી. મેં પિતાજીને લગ્નની વાત કરી ત્યારે તેમણે મન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે-દિકરા, આજે બધાં લોકો આપણને કરોડપતિ માને છે પણ મારી પાસે અત્યારે એક કરોડ રૂપિયા પૈસા પણ નથી. મારા માથા પર અત્યારે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે. એકલો અમીચંદ જ પચીસ લાખ રૂપિયા માગે છે. એની ઇચ્છા પોતાની દિકરીના લગ્ન તારી સાથે કરવાની છે. હવે જો તું એની દિકરી સાથે લગ્ન નહીં કરે તો તે બધા સામે મારી આબરૂનું લીલામ કરી નાખશે. અને જો આવું થશે તો ન છૂટકે મારે ઝેર પીવું પડશે.
‘તો તારા લગ્ન સાવિત્રી સાથે ન થઈ શક્યા ખરું ને?’ નાગપાલે વાત પૂરી કરવાના હેતુથી કહ્યું.
‘હાં....મારે ઇચ્છા ન હોવા છતાં પણ મારા બાપની આબરૂ બચાવવા માટે અમીચંદની દિકરી સાથે લગ્ન કરવા પડ્યા. કમનસીબ સાવિત્રી મારા લગ્નને દિવસે જ ચંદનપુર છોડીને ક્યાંક ચાલી ગઈ. એ વખતે તે મારા બાળકની મા બનવાની હતી. મેં બાપની આબરૂ ખાતર લગ્ન તો કરી લીધાં હતા, પરંતુ સાથે સાથે મનમાં નક્કી પણ કરી લીધું હતું. કે હું સાવિત્રીને લાચાર હાલતમાં પડતી નહીં મૂકી દઉં. હું તેને મધદરિયે મૂકવા નહોતો માગતો પણ મારા લગ્નને દિવસે જ કોણે જાણે તે ક્યાં ચાલી ગઈ હતી. હું તેને માટે કંઈ જ કરી શક્યો નહોતો. ધીમે ધીમે આ વાતને વીસ-બાવીસ વર્ષ પસાર થઈ ગયા.’ કહીને ભાનુશંકર પળભર માટે અટક્યો.
‘સાવિત્રીએ આપઘાત કરી લીધો હશે એમ હું માનતો હતો. પરંતુ છ એક મહિના પહેલાં મને ચંદનપુરથી મારા પિતરાઈ ભાઈએ લખેલો પત્ર મળ્યો હતો. એનો પત્ર મળ્યો એ જ દિવસે સુનિતાનાં લગ્ન હતા. પત્રમાં લખ્યા મુજબ સાવિત્રી ચંદનપુર મારે ઘેર ગઈ હતી અને ત્યાં એણે સુનિતાનાં લગ્ન પોતે પૈસાદાર કુટુંબમાં નક્કી કરી નાખ્યા છે. એવું જણાવીને ત્રણ લાખ રૂપિયા તથા થોડા દાગીનાઓની માંગણી કરી હતી. મારા મા-બાપ તો ગુજરી ગયાં હતા. પરંતુ સાવિત્રીએ મારા પિતરાઈ ભાઈને જણાવી દીધું હતું કે સુનિતા મારી એટલે કે ભાનુશંકરની દિકરી છે. મારા પિતરાઈ ભાઈએ તેને ત્રણ લાખ રૂપિયા તથા દાગીનાઓ તો આપી દીધા પણ હું અહીં વિશાળગઢ છું એ વાત સાવિત્રીએ જણાવી નહીં. એ કદાચ વિશાળગઢ પહોંચીને મારી સાથે ઝઘડો કરશે એવો ભય કદાચ તેને લાગ્યો હતો. પૈસા આપતી વખતે મારા પિતરાઈ ભાઈએ સાવિત્રી પાસેથી વચન લઈ લીધું હતું કે હવે ભવિષ્યમાં તે ક્યારેય ચંદનપુરમાં પગ પણ નહીં મૂકે. પિતરાઈ ભાઈનો પત્ર વાંચીને હું કપાળ કૂટીને રહી ગયો. કારણ કે હું તો વર્ષોથી સાવિત્રીને મળવા માટે બેચેને હતો. મારા પિતરાઈ ભાઈએ સાવિત્રીને મારું અહીંનું સરનામું આપી દીધું હોત તો સારું હતું. ખેર, હજુ કદાચ સુનિતાનું મોઢું જોવાનું મારા નસીબમાં નહોતું લખ્યુ. પછી એક રાત્રે અચાનક જ, એક છોકરી મારા બંગલે આવી અને પોતે સાવિત્રીની દિકરી સુનિતા છે એવું મને જણાવ્યું, એના હાથમાં મારો ફોટો પણ હતો. અને તે મને ઘણી વાર હિરાલાલના ઘેર જોઈ ચુકી હતી અને એ રાત્રે તેના પીડા ભરી વાત સાંભળીને હું હચમચી ગયો. મારી દિકરીને કેટલા જુલમો સહન કર્યા હતા, પછી મેં તેની ઓળખાણ કિરણ સાથે કરાવી અને જ્યારે સુનિતાએ અમને જણાવ્યું કે હિરાલાલ અને તેના કુટુંબીજનો કરિયાવરને કારણે પોતાને મારી નાખી છે હવે અમરના લગ્ન કિરણ સાથે કરીને મારી પાસેથી વધારે કરિયાવર મેળવવા માગે છે. ત્યારે મેં હિરાલાલને પાઠ ભણાવવાનું નક્કી કરી નાખ્યું મેં એને પાઠ ભણાવવાની યોજના બનાવી નાખી અને મારી યોજનામાં કિરણના સહકારની જરૂર હતી. કિરણે મારી યોજના મુજબ અમર સાથે લગ્ન કરી લીધાં પરંતુ એને પોતાનો સ્પર્શ પણ કરવા દીધો નહી. મેં કિરણના નામથી પચાસ લાખ રૂપિયા બેંકમાં જમા કરવાની હિરાલાલને જણાવી દીધું કે જ્યારે એ લોકો કિરણનું દિલ જીતી દેશે. પછી કરિયાવરના એક ભૂખ્યા વરૂઓ કિરણના તળિયા ચાટતા રહ્યા પણ જેનું દિલ જીતી શક્યા નહી. અને બીજી તરફ સુનિતા પોતાની યોજના મુજબ કરિયાવરના ભૂખ્યા જો લોભી શયતાનોને એક એક કરીને મારતી ગઈ.’
‘એક મિનિટ..’ નાગપાલે મુંઝવણભર્યા અવાજે કહ્યું, ‘એક વાત મને નથી સમજાતી કે સુનિતા મરી ગઈ હતી તો પછી એ જીવતી કઈ રીતે થઈ ગઈ? અને જો કદાચ તે મરી નહોતી પછી ડૉક્ટર આનંદે તેના મૃત્યુનું ખોટું સર્ટીફિકેટ શા માટે આપ્યું?’
‘ એ હું આપને જણાવું છું નાગપાલ સાહેબ...!’ આનંદ બોલ્યો.
બધાંની નજર હવે ભાનુંશંકરની પરથી ખસીને ડૉક્ટર આનંદ પર સ્થિર થઈ ગઈ.
આનંદ થોડી પળો સુધી શૂન્યમાં તાકી રહ્યો. તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો.
‘શું વિચારમાં પડી ગયો છો મિસ્ટર આનંદ...?’ નાગપાલે પૂછ્યું. પછી એણે પોતાની પાઈપમાંથી સળગી ગયેલી તમાકું ખોતરી, તેમાં તાજી તમાકુ ભરીને તેને પેટાવ્યા બાદ ઉપરાઉપરી બે-ત્રણ કર ખેંચ્યા.
વળતી જ પળે વાતાવરણમાં પ્રિન્સ હેનરી તમાકુની કડવી મીઠી ગંધ ફેલાઈ ગઈ.
‘જી, કંઈ નહીં....’ કહીને આનંદે સુનિતા સામે જોયું પછી બોલ્યો, ‘હું સુનિતાને સાચા હૃદયથી પ્રેમ કરતો હતો. પરંતું જ્યારેએ મારા પ્રેમને ઠોકર મારીને, પોતે પોતાની માની વાતને ટાળી શકે તેમ નથી એવું કહીને હિરાલાલના દિકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ ત્યારે હું ઘાયલ થયેલા સર્પની જેમ તેન સાથે બદલો લેવા પર ઊતરી આવ્યો. અમે જ્યારે છેલ્લી વાર પબ્લિક ગાર્ડનમાં મળ્યા ત્યારે ક્રોધાવેશમાં હું કોણ જાણે શું શું બાકી ગયો હતો. મારું રોમેરોમ તેની સાથે બદલો લેવા માટે ઉછાળા મારતું હતું. પછી સુનિતાના લગ્નની આગલી રાત્ર હું તેના ઘેર ગયો. મારો ઈરાદો બધાની સામે એને તથા એની માને અપમાનિત કરવાનો હતો. પરંતુ જેવો હું સાવિત્રી-દેવીના રૂમમાં દાખલ થયો કે તરત જ મારી નજર અંદર પડેલી એક લોખંડની ઉઘાડી પેટી પર પડી. એ પેટીમાં સો સોની નોટોનાં બંડલો પડ્યાં હતા. તરત જ મારાં પાપી મનમાંથી અવાજ આવ્યો કે –આનંદ તું આ રૂપિયા ચોરીને નાસી જા. એનાથી તને બે લાભ થશે. એક તો તું તારા બિમાર બાપના હૃદયનું ઓપરેશન કરાવી શકીશ અને બીજું જ્યારે આ રૂપિયા હશે જ નહીં તો આપોઆપ જ સુનિતાના લગ્ન રઝળી પડશે. આ રીતે તારો બદલો પણ લેવાઈ જસે. પરિણામે મેં કશોયે વિચાર કર્યા વગર મારા મનની વાત સાંભળીને એ રૂપિયા ચોરી લીધા. ત્યારબાદ કોઈને ય ખબર ન પડે એ રીતે ચૂપચાપ ત્યાંતી પાછો બહાર નીકળી ગયો. ઘેર પહોંચીને જ્યારે એ રૂપિયા મેં મારા પિતાજીને દેખાડીને કહ્યું કે હવે હું સહેલાઈથી તમારા હૃદયનું ઓપરેશન કરાવી શકીશ ત્યારે તેઓ મને પોતાના સમ આપીને હું એ રૂપિયા ક્યાંથી લાવ્યા એવું પૂછવા લાગ્યા. પરંતુ હું તેમને સાચ જવાબ આપી શકું તેમ નહોતો. આમ ને આમ રાત પડી ગઈ. મારા પિતાજીએ, જ્યા સુધી હું સાચું ન જણાવું ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો એટલે ન છૂટકે મારે તેમને સાચી હકીકત જણાવવી પડી. મારી વાત સાંભળીને તેઓ મારા પર એકદમ ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે-નીચ, હરામખોર...શું આ દિવસ જોવા માટે જ મેં તને હું એક મામૂલી કલાર્ક હોવા છતાં પણ ડૉક્ટર બનાવ્યો હતો? એક ડૉક્ટર તઈને તેં ચોરી કરી? તારા આ ચોરીના રૂપિયાથી હું ઓપરેશન કરાવીને નવી જિંદગી મેળવવા માટે તૈયાર થઈ જઈશ એવું તે કંઈ રીતે માની લીધું.? મેં મારી જિંદગીમાં કોઈ દિવસ એક પૈસાની પણ લાંચ નથી લીધઈ એ તું જાણે જ છે. હરામખોર, આજે તેં માત્ર તારા બાપને જ નહીં પણ સાથે સાથે એકમનસીબ છોકરીને પણ છેતરી છે, કે જેને તું સાચો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. સાચા પ્રેમીઓ બલિદાન આપે છે તારી જેમ બદલો નથી લેતા. અને તે બદલો લીધો તો પણ કેવો લીધો? એ કમનસીબના લગ્ન અટકી જશે. જા. તું હમણાં જ જઈને આ રકમ તેને ઘેર જઈ. તેની માફી માંગીને પાછા આપી આવ. હું આવા હરામના રૂપિયાથી ઓપરેશન કરાવવા નથી માંગતો. અને પિતાજીની વાત સાંભળીને મારો આત્મા જાગી ગયો. મારી આંખો ઉઘડી ગઈ. મારું મન મારી જાતને ધિક્કારવા લાગ્યું હું. તાબડતોબ સુનિતાને ઘેર પહોંચ્યો. પરંતુ ત્યાં સુધીમાં તેનાં લગ્ન થઈ ગયા હતા. એની જાન ચાલી ગઈ હતી. છેવટે સુનિતાની માને રકમ આપી દેવાનું નક્કી કરીને હું તેના રૂમ પાસે પહોંચ્યો. પરંતુ અંદરથી કોઈકની વાતચીતનો અવાજ સાંભળીને હૂ બહાર જ ઊભો રહી ગયો. અંદર એક પોલીસ ઓફિસરને સાવિત્રીદેવી રૂપિયા ચોરાઈ ગયાની વાત કહેતી હતી. જવાબમાં એ ઓફિસરે તેને ચિંતા ન કરવાનું અને પોતે જેમ બને તેમ ઝડપથી ચોરને પકડીને જેલમાં સળીયા ગણાવી દેશે એવું જણાવ્યું. એ વખતે જેલનું નામ સાંભળીને જ મારા છક્કા છૂટી ગયા. પોલીસની મને ખૂબ જ બીક લાગી. એટલે ઇચ્છા હોવા છતાં પણ રૂપિયા આપવાની મારી હિંમત ચાલી ગઈ નહીં. કહીને આનંદ પળભર અટક્યો.
થોડી પળો બાદ આનંદે પોતાની વાત આગળ ચલાવી :
‘હું ચૂપચાપ મારે ઘેર પાછા ફર્યો અને મારા પિતાજીને ખોટું જણાવ્યું કે મેં રૂપિયા પાછા આપી દીધા છે. પરંતુ મારા પિતાજી સાચા મનના માણસ હતા. હું ખોટું બોલ્યો છું એની કદાચ તેમને ખબર પડી ગઈ હતી. એણે મને કહ્યું આનંદ, તારી આ હરકતથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. એટલે હવે હું બચી શકીશ નહીં. પરંતુ જો તું મારો જ દિકરો હોય...તને તારા બાપ પ્રત્યે જરા પણ લાગણી હોય તો જે પાપ રૂપિયા ચોરીને તેં કર્યું છે., એનું પ્રાયશ્ચિત તું જરૂર કરજે. અને ત્યારબાદ દિવસે દિવસે મારા પિતાજીની તબીયત, મારા પાપને કારણે જ લથડતી ગઈ. એ રૂપિયાનું શું કરવું તેનો વિચાર હું આખો દિવસ કર્યા કરતો હતો. મને ક્યાંય ચેન નહોતું. પડતું. પોલીસના ભયથી સાવિત્રીદેવી પાસે જવાની મારી હિંમત નહોતી ચાલતી. જો પોલીસ મને પકડી લેશે તો પાછળથી મારા બાપની સારસંભાળ કોણ રાખશે એનો મને વિચાર આવતો હતો. પછી એક દિવસ, સુનિતાને મળી, તેને રૂપિયા સોંપીને માફી માંગવાનો મને વિચાર આવ્યો. આ વિચાર આવતાં જ હું બીજે દિવસે સુનિતાના સાસરે પહોંચ્યો. ત્યાં રસ્તામાં મને એક નોકરાણી હિરાલાલની પત્નિએ રજા આપી દીધી હતી એટલે તે એ લોકો પર ધૂંધવાયેલી હતી. એણે મને બધીં જ હકીકતો જણાવી દીધી કે સુનિતા પર હિરાલાલ વિગેરે કરિયાવર માટે કેવો જુલમ કરતા હતા. એની આ હાલત માટે હું મારી જાતને જ ગુનેગાર માનવા લાગ્યો. જો મેં એ ત્રણ લાખ રૂપિયા ન ચોર્યા હોત તો આજે કરિયાવરને કારણે સુનિતાને તેમને આવો જુલમ સહન કરવો પડત નહીં. હું એના બંગલા પાસે જ પેલી નોકરાણી સાથે વાત કરતો હતો. ત્યાં અચાનક જ એ નોકરાણીએ એક માણસને બંગલાનુ ફાટક ઉઘાડીને બહાર નીકળતો જોયો. એ માણસ પોતાના ખભા પર કાળી શાલ વીંટાળી રાખી હતી અને ચાલતી વખતે તેનો એક પગ લંગડાતો હતો. એ નોકરાણી જાણે ભૂત જોયું હોય તેમ તરત જ ત્યાંથી ચાલતી થઈ ગઈ. જતાં જતાં એનો અવાજ મારે કાને અથડાયો હતો-’બાપ રે....મેનેજર જમનાદાસ કોઈક કારણસર ગભરાતી હતી એ સ્પષ્ટ થતું હતું. પછી વળતી જ પળે જમનાદાસ મારી પાસે આવ્યો.’ કહીને આનંદે ઘૂરકીને જમનાદાસ સામે જોયું., ‘મને જોતાં જ જમનાદાસે પૂછ્યું કે શું મારું નામ જ આનંદ છે? એની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં તેને જવાબ આપ્યો કે –હા, હું જ આનંદ છું. પણ તમે મને કઈ રીતે ઓળખો છો? તો એણે લુચ્ચું સ્મિત ફરકાવીને જવાબ આપ્યો કે-તમારા સમ...મારું કામ તો બધાને ઓળખવાનું જ છે. લગ્ન પહેલાં આ કુટુંબની વહુ એટલે કે સુનિતા સાથે તમારે પ્રેમ સંબંધ હતો એની પણ મને ખબર છે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આંખો સામે અંધકાર ફરીવળ્યો. હું હેબતાઈ ગયો હતો. પછી મને ચૂપ જોઈને જમનાદાસે ફરીથી કહ્યું-અરે તમે હેબતાઈ શા માટે ગયા? વાત એમ છે કે રાજેશની જાસૂસી કરતા કરતા જ આ વાત મને જાણવા મળી છે, કે કોલેજના જમાનામાં સુનિતાને પ્રેમ કરનારાઓંમાં તમારું નામ સૌથી મોખરે હતું. તમે રાજેશની જાસૂસી શા માટે કરતા હતા એવા મારા સવાલના જવાબમાં એણે મને કહ્યું કે –તમે તો સાભ ભોળા છો મિસ્ટર આનંદ! તમારા સમ ખાઈને કહું છું. હો? કોઈ માણસ પૈસાદારોની નબળાઈઓ શા માટે શોધે છે. એની યે તમને ખબર નથી. ખેર હું જ જણાવી દઉં છું. એ નબળાઈઓ આવા પૈસાદારોને બ્લેક મેઈલ કરવા માટે જ શોધવામાં આવે છે. અને આવા બ્લેક મેઈલરોમાં તમે મારો પણ સમાવેશ કરી શકો છો. આમે તો મારી રોજી-રોટી અમર પાસેથી જ મને મળી જાય છે. પરંતુ જો રાજેશ પણ મારી જાળમાં આવી જાય તો સોનામાં સુગંધ ભળી જાય એવું મારું કામ થઈ જશે આમ મને લાગ્યું હતું. અને એટલે જ હું તેની જાસૂસી કરતો હતો સમજ્યા?’ કહીને આનંદે ફરીથી જમનાદાસ સામે જોયું.
‘હૂં....’ નાગપાલના ગળામાંથી હૂંકાર નીકળ્યો. ‘પછી....?’
‘પછી વધુમાં જમનાદાસે મને જણાવ્યું કે તે સુનિતાને પણ અમારા પ્રેમ-સંબંધો વિશે જણાવીને બ્લેક મેઈલ કરવા માગતો હતો પરંતુ સુનિતા પાસે તેને આપવા જેવું કંઈ જ નહોતું એટલે જમનાદાસે તેને બ્લેક મેઈલ કરવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો હતો. આનંદ કહેતો ગયો, ‘પરિણામે આ કમજાત..’ એણે જમનાદાસ સામે આંગળી ચીંધી, ‘મને બ્લેક મેઈલ કરવા પર ઊતરી આવ્યો. એણે મારી પાસે પચાસ હજાર રૂપિયાની માંગણી કરી. અને જો હું એને રૂપિયા તેને નહીં આપું તો પોતે હિરાલાલ વિગેરેને સુનિતા તથા મારા પ્રેમ સંબંધો વિશે જણાવી દેશે એવી ધમકી મને આપી. ધમકીની સાથે સાથે એણે મને જાણાવ્યું કે જો હિરાલાલ વિગેરેને અમારા પ્રેમ સંબંધોની જાણ થઈ જશે તો તે સુનિતાને દૂધમાં પડેલી માખીની જેમ ફેંકીની દેશે. આમે ય એ લોકો કરિયાવર નથી લાવી એટલે સુનિતાના જીવના દુશ્મન બની ગયા છે. જમનાદાસની વાત સાંભળીને હું ધ્રુજી ઊઠ્યો. મારે કારણે કમનસીબ સુનિતા પર કોઈ આફત આવે તેમ હું નહોતો ઈચ્છતો.હું તો ત્યા તેનું દુ:ખદૂર કરવા માટે ગયોહતો. તેને વધારે દુ:ખી કરવા કે તેની બદનામી થાય એવું કંઈ કરવા નહોતો ગયો. પછી અચાનક, એ ઘરમાં સુનિતાની હાલત કેવી છે એ વિશે જમનાદાસ મને જણાવી શકે તેમ છે એવો વિચાર મારા દિમાગમાં આવ્યો. મેં વાત વાતમાં જ જમનાદાસ પાસેથી જાણી લીધું કે સુનિતા હવે તેમને માટે ભારરૂપ બની ગઈ છે અને એ ભારથી તેઓ છૂટકારો મેળવવા માગે છે. મારા રૂંવાટા ઊભા થઈ ગયા. મને તેની ખૂબ જ ચિંતા થવા લાગી. મેં જમનાદાસને જણાવ્યું કે જો એ મને હિરાલાલના કુટુંબમાં સુનિતા માટે થતી વાતો ટેપ કરીને આપશે તો હું તેને પચાસ હજાર નહીં પણ ત્રણ લાખ રૂપિયા આપીશ. જમનાદાસે પૈસાનો પૂજારી છે. એણે મારી વાત કબૂલી લીધી. ત્યારબાદ તે એ લોકોની વાતચીત ટેપ કરીને મને એક પછી એક કેસટો આપતો ગયો. કેસેટો સાંભળીને સુનિતાનો જીવ જોખમમાં છે એની મને ખબર પડી ગઈ. હું કોઈ પણ કિંમતે સુનિતાને હિરાલાલ વિગેરેની ચુંગલમાંથી છોડાવવા માંગતો હતો. પહેલા તો આ બાબતમાં પોલીસની મદદ લેવાનો મને વિચાર આવ્યો. પણ પછી તેનાથી સુનિતાની બદનામી થશે. બધાં એમ જ વિચારશે કે આ ડૉક્ટર વળી સુનિતામાં શું રસ છે? આ વાત ધ્યાનમાં આવતાં જ મેં પોલીસની મદદ લેવાનો નિર્ણય લેવાનો વિચાર માંડી વાળ્યો. પછી ખૂબ વિચાર કર્યા બાદ મારે સુનિતાને એક વખત મળવું જરૂરી છે. એવા નિર્ણય પર હું આવ્યો. પરંતુ હું એને કઈ રીતે મળું? એ તો પોતાના સાસરાના ઘરમાંથી પગ પણ બહાર નહોતી મૂકતી. અથવા તો હિરાલાલ વિગેરેએ તેને ઘરમાં કેદ કરી રાખી હતી એમ કહેવું વધારે યોગ્ય લાગશે. ખેર, એક દિવસ હું જાણી જોઈને જ કોલેજની બહાર રાજેશને મળ્યો. એને તેની પાસે મેં, જાણે મને સુનિતા પ્રત્યે સખત નફરત હોય અને તેની સાથે બદલો લેવા માગું છું. એવું જાહેર કર્યું. મારી વાતને નક્કર બનાવવા માટે, મારે દવાખાનું ખોલવા તથા પિતાજીના ઓપરેશન માટે કુલ પચાસ હજાર રૂપિયાની જરૂર છે એમ તેને જણાવ્યું. હું સુનિતા સાથે બદલો લેવા માગું છું. એ વાતને નક્કર બનાવવા માટે મેં તેને કહ્યું કે જો શક્ય નહોતું હોય તો તું પણ તેનાથી છૂટકારો મેળવી લે. હિરાલાલ વિગેરે સુનિતાને મારી નાખવાનું કામ મને સોંપી દે એમ હું ઈચ્છતો હતો. અને મારી આ ઇચ્છા પૂરી પણ થઈ ગઈ. એક દિવસ રાત્રે મેં મારા કાનેથી હિરાલાલની યોજના સાંભળી. રાજેશ, અમર વિગેરેને પોતાની યોજના જણાવતા એણે રાજેશનું કહ્યું કે જો તારો આ ડૉક્ટર મિત્ર,આનંદ સુનિતાને ઝેરનું ઇંજેક્શન આપીને મારી નાંખે એને તેનું મૃત્યુ કુદરતી રીતે જ થયું છે એવું સર્ટિફિકેટ આપણને આપી દે તો..’
‘ઓહ...તો...તો’મધુ તેની વાત વચ્ચેથી જ કાપી નાંખતા બોલી, ‘મારા પિતાજીએ અડધી રાત્રે સુનીતાભાભીનાં ખૂનની યોજના અમને બધાંને જણાવી હતી અને મોટાભાઈ (અમર) બાથરૂમ જવા માટે બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે જે લંગડા માણસને કંપાઉન્ડની દિવાલ તરફ દોડીને જતાં જોયો હતો એ દિવસે તેમ પોતે જ...’
‘હા, એ હું જ હતો અને માત્ર એ દિવસે જ નહીં. ગેરેજ પાસે જ્યારે સુનિતાને તારા અને તારા શિક્ષક રાકેશને કારણે માર ખાવો પડ્યો હતો ત્યારે પણ હું ત્યાં જ હતો.’ કહીને આનંદે ક્રોધથી સળગતી નજરે મધુ સામે જોયું.
મધુ શરમથી નીચું જોઈ ગઈ.
‘ એ તો બધુ ઠીક છે....’ નાગપાલ બોલ્યો, ‘પરંતુ મિસ્ટર આનંદ, તમારે લંગડા હોવાનો અભિનય કરવાની શું જરૂર હતી?’
‘નાગપાલ સાહેબ....’ આનંદે જમનાદાસ સામે જોતાં કહ્યું. ‘જમનાદાસ મારી પાસેથી પૈસારૂપી લોહી ચાખી ગયો હતો. મેં તેને ત્રણ લાખ રૂપિયા આપી દીધા હતા છતાં પણે વધુ રૂપિયાની માંગણી કરતો હતો. અને એની માંગણી હું કોઈ જ સંજોગોમાં પૂરી કરી શકું તેમ નહોતો. પરંતુ સાથે સાથે સુનિતા વિશે પણ જાણવાનું મારે માટે ખૂબ જ જરૂરી હતું. એટલે મને જમનાદાસનું રૂપ ધારણ કરી લેવાનો વિચાર આવ્યો કારણ કે તે હિરાલાલ અને તેનાં કુટુંબીજનોને ખૂબ જ વિશ્વાસુ માણસ હતો. કદાચ કોઈ રાત્રે મને નાસી જતો જુએ તો એ લોકો મને જમનાદાસ માનીને વિચાર કરતા થઈ જાય એમ હું ઈચ્છતો હતો. અને પછી જ્યારે અંદરોઅંદર તેઓ ચર્ચા કરતા હોય ત્યારે તેઓ વિચારમાં પડી જાય કે જમનાદાસ તો આપણો વિશ્વાસું છું તો પછી એને છૂપાઈને આપણી વાચચીત સાંભળવાની શું જરૂર પડી?’
‘એટલે કે તમે હિરાલાલનાં કુટુંબીજનો ધ્યાન જમનાદાસ તરફ જ દોરવાયો એમ ઈચ્છતા હતા ખરું ને?’ નાગપાલે સ્મિત ફરકાવતાં પૂછ્યું.
‘હા...અને બીજું એ કે મને જમનાદાસ પર ખૂબ જ ક્રોધ ચડયો હતો. એ પોતાની જાતને બુદ્ધિશાળી અને ચાલાક માનતો હતો એટલે હું તેને પાઠ ભણાવવા માંગતો હતો કે આ દુનિયામાં એનાંથી પણ વધુ બુદ્ધિશાળી માણસો પડ્યા છે. એનો શરીરનો ઘાટ મને મળતો આવે છે. એટલે મને તેનાં જેવો અભિનય કરવામાં જરા પણ તકલીફ નહોતી પડતી. ખેર, હું આડી વાતે ચડી ગયો હતો. હવે મુદ્દાની વાત પરઆવું છું. રાજેસ મારફતે મેં સુનિતા સાથે બદલો લેવાની, અને મને પચાસ હજારની જરૂર છે એ વાત પ્રમાણે જ થયું. હિરાલાલે સુનિતાને મારી નાંખવાનું કામ મને સોપીં દીધું. નક્કી થયેલા દિવસે હું ઇંજેક્શન આપવા માટે તેના બગલે પહોંચી ગયો. મેં ઇંજેક્શન માર્યું ત્યાં સુંધી સુનિતા મને પોતાનો દુશ્મન માનતી હતી. પરંતુ હું લાચાર હતો. પછી બહાર કદાચ કોઈક અમારા વાતો સાંભળતુ હોય તો તેને શંકા ન આવે એટલા માટે હું સુનિતાને જેમ ફાવે તેમ સંભળાવવા લાગ્યો અને પછી મેં તેને ઇંજેક્શન આપી દીધું. પરતું મે તેને જે ઇંજેક્શન આપ્યું હતું તે ઝેરનું નહી પણ એક ખાસ પ્રકારની દવાનું હતું. આ દવાથી માણસ થોડા કલાકો માટે બેભાન થઈ જાય છે અને તેનો દેહ એકદમ ઠંડો તથા હૃદયનાં ધબકારા એકદમ ધીમા પડી જાયછે. સ્ટેથોસ્કોપમાં પણ તેનાં ધબકારા નથી સંભળાતા. આ દવાની શોધ ત્રણ મહિના પહેલાં જ થઈ છે. ખેર, ત્યારબાદ મેં તેનાં મૃત્યુનું ખોટું સર્ટિફિકેટ લખી આપ્યું. કહીને આનંદે થોડી પળો માટે અટક્યો.
બધાં ધ્યાનથી તેની વાતો સાંભળતા હતા.
થોડી પળો બાદ આનંદે પોતાની વાત આગળ ચલાવી.
‘ત્યારબાદ રાજેશે મને કહ્યું. કે જો હું બે-ત્રણ પાડોશીઓ સામે સુનિતાને હવાફેર માટે લઈ જવાનું જણાવી દઉં તો એ લોકો સહેલાઈથી સુનિતાના મૃતદેહને બહાર લઈ જઈને ઠેકાણે પાડી શકશે. મારે તો એટલું જ જોઈતું હતું. મે વાતવાતમાં જ તેની પાસેથી જાણી લીધું કે એ લોકો સુનિતાના મૃતદેહને ઠેકામે પાડવા માટે ભૂપગઢની વાડીએ લઈ જવા માંગતા હતા. મેં એની સૂચના મુજબ પાડોશીઓ સામે સુનિતાને હવાફેર માટે લઈ જવાની વાત જણાવી દીધી. ત્યાર બાદ એ લોકો સુનિતાને મરી જ ગયેલી માનીને તેના મૃતદેહને ભૂપગઢ લઈ ગયા. હું એ લોકોની પહેલાં જ ભૂપગઢ પહોંચીને તેમની વાટીમાં છૂપાઈ ગયો હતો. પછી એ લોકો સુનિતાના મૃતદેહને દાટીને અંદર ગયા કે તરત જ મેં ફરીથી ખાડો ખોદીને તેના મૃતદેહને બહાર કાઢી લીધો. અને પછી તેને ભાનમાં લાવીને તેના હાથેથી એક સંદેશો લખાવીને એ ખાડમાં મૂકી દીધો. સુનિતાને મેં ટ્રંકમા બધું સમજાવી દીધું. એની હાલત ખૂબ જ નાજુક હતી. એનામાં ઊભો રહેવાની પણ શક્તિ નહોતી. સંદેશો પણ તે માંડ માંડ લખી શકતી હતી. પછી અચાનક જ મારી નજર વાડીનાં મકાનમાંથી બહાર નીકળતાં હિરાલાલ વિગેરે પર પડી, હું તરત જ એક ઝાડ પાછળ છૂપાઈ ગયો. સુનિતાને મેં મારા ખભા પર ઊંચકી લીધી હતી. પછી ધીમે ધીમે હું વાડીની દીવાલ પાસે પહોંચી ગયો. એ જ વખતે નીચે બેભાન પડેલાં હિરાલાલને ઉંચકવા જતાં અમરની નજર મારા પર પડી ગઈ. એણે રાજેશને મારી પાછળ મોકલ્યો પણ એટલી વારમાં તો હું સુનિતા સાથે ઘણો દૂર નીકળી ગયો હતો. ત્યાર બાદ હું સુનિતા સાથે મારે ઘેર પહોંચ્યો. મારા પિતાજી એ વખતે છેલ્લાં શ્વાસ લેતાં હતા. મારી ભૂલનું પરિણામ તેમને ભોગવવુ પડયું હતું મે તેમને ખુલાસાથી બધી વાતો જણાવી દીધી. મારી વાત સાંભળીને તેમણે શાંતિથી પોતાનો છેલ્લો શ્વાસ લીધો. જતાં જતાં સુનિતાનો હાથ મારા હાથમાં મૂકીને એમણે તેની બધી જવાબદારી મને સોંપી દીધી હતી. બસ, હવે બાકીની વાત આપને સુનિતા જણાવશે.’ કહીને એણે સુનિતા સામેજોયું.
‘નાગપાલ સાહેબ...હું મારી યોજના મુજબ કામ કરતી હતી. હિરાલાલે મારા પર ગોળીઓ છોડી હતી પરંતુ એ વખતે મારી સાડી નીચે ચામડીના રંગનુ જ બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતુ એટલે એની ગોળીની મારા પર કંઈ જ અસર થઈ નહી. ત્યાર બાદ શરાબની બોટલો પણ મેં જ લોનમાં મૂકી હતી.’ કહેતાં કહેતાં એની આંખોમાં અંગારા ભર્યા હોય એવી ચમક પથરાઈ ગઈ. એના અવાજમાંથી નફરતની આંધી ફૂંકાતી હતી, ‘ નાગપાલ સાહેબ, કંઈ કહેતાં પહેલા હું આપને એક સવાલ પૂછવા માગું છું, શું આપના ઘરમાં મારા જેવડી આપની કોઈ દિકરી કે બહેન છે?’
નાગપેલે નકારાત્મક ઢબે માથું હલાવ્યું.
‘અને ઈન્સપેક્ડર સાહેબ આપના ઘરમાં....?’ સુનિતાએ નાગપાલની બાજુમાં ઊભેલા ઈન્સપેક્ટર સામે જોતાં પૂછ્યું.
‘જી, હાં....મારી એક બહેન તમારા જેવડી છે. પરંતુ તમારા સવાલનો અર્થ હું સમજ્યો નહીં. તમે આવું શા માટે પૂછો છો? ઈન્સપેક્ટરે આશ્ચર્યથી તેની સામે જોતા પૂછ્યું
નાગપાલને પણ તેના સવાલનો અર્થ સમજાયો નહોતો.
બધાં મૂંઝવણથી તેની સામે તાકી રહ્યાં.
‘તો તમારી એક બહેન મારા જેવડી છે.’ સુનિતાએ જાણે પોતે નહીં પણ એ ઈન્સપેક્ટર ગુનેગાર હોય તેમ એની સામે આંગળી ચીંધીને ઘૂરકતા અવાજે કહ્યું, ‘હવે જરા કલ્પના કરો કે કોઈ તમારી બહેન સાથે પ્રેમનું નાટક કરીને તેના શરીર તથા આત્મા સાથે રમત કરી જાય, તેને કુંવારી માં બનાવી દે તો તેમાં કોનો વાંક ગણાશે? તમારી બહેનનો કે પછી જે તમારી બહેનને રમકડું માની બેઠો હોય એ કમજાત પુરુષનો? અને પછી કલ્પના કરી લો કે તમારી બહેનના લગ્ન થઈ ગયા છે. અને લગ્ન પછી તેના સાસરા પક્ષના માણસો ઓછું. કરિયાવર લાવવાને કારણે તેના પર જુલમ કરતા હોય, અત્યાચાર કરતા હોય તો તમે કોનો વાંક કાઢશો? તમારી કમનસીબ બહેનનો કે પછી એ કરિયાવરના લાલચુ વરૂઓનો કે જે પોતાના કુટુંબની વહુને સ્ત્રી નહીં પણ રમકડું માનતા હોય છે. પોતાની ગુલામ માનતા હોય છે. ઈનસ્પેક્ટર સાહેબ મેં જે જુલમો સહન કર્યા છે. તે ભાગ્યે જ બીજી કોઈ સ્ત્રી સહન કરી શકશે. પરંતુ છેવટે મારી સહનશક્તિની હદ આવી ગઈ ત્યારે મેં મનોમન નક્કી કરી લીધું કે હું આ પુરુષપ્રધાન સમાજને પુરવાર કરી દઈશ કે સ્ત્રી અબળા નથી હોતી, રમકડું નથી હોતી. તેનામાં પણ હૃદય નામની કોઈક ચીજ હોય છે. અને એ જ્યારે પોતાની જાત પર આવે છે. ત્યારે ભલભલા માંધાતાઓને પણ પોતાના હાથનું રમકડું બનાવી દે છે. ખેર, હું મરી ગઈ છું એમ જ મારા સાસરીયા પક્ષનાં માણસો માનતા હતા. ત્યારબાદ હું એક એક કરીને એ લોકોને મારતી ગઈ કારણ કે તેઓ માણસ નહીં પણ શયતાન હતા. પૈસા અને કરિયાવરના ભૂક્યા વરૂઓ હતા. સ્ત્રીને તેઓ રમકડું માનતા હતા. અને....અને...’ કહેતા સુનિતા બેભાન થઈ ગઈ.
આનંદે તેને સંભાળી લીધી. અને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
નાગપાલની આંખો પણ એની કરૂણ કથની સાંભળીને ભરાઈ આવી હતી.
‘કાયદો આ કમનસીબને શું સજા કરશે એ તો હું નથી જાણતો...’ સુનિતાના બેભાન શરીર સામે તાકી રહેતા તે ભીના અવાજે બોલ્યો, ‘પરંતુ જરૂર પડશે તો હું તાજનો સાક્ષી બનીને તેને છોડાવવાનો પ્રયત્ન કરીશ. મારી જિંદગીમાં સાચા અર્થમાં જો મેં કોઈ સ્ત્રીને જોઈ હોય તો તે સુનિતા છે. હું તેને બચાવવા માટે મારાથી બનતુ બધું જ કરી છૂટીશ.’
ભાનુશંકર તથા આનંદની આંખો પણ ભરાઈ આવી હતી.
એકાદ કલાક પછી નાગપાલની જીપ હાથકડી પહેરેલી સુનિતા સાથે પોલીસ હેડક્વાર્ટર તરફ આગળ વધતી હતી.
ભાનુશંકર, આનંદ અને કિરણ પોતાની મોટરમાં તેની પાછળ જ હતો.
આમ, કરિયાવરના ભૂખ્યા વરૂઓનો નાશ કરીને સુનિતા અત્યારે તો પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી ગઈ હતી.
હવે બાકીનો ફેંસલો કાયદો અને ઈશ્વરનાં હાથમાં હતો.
***