‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018 Vibhuti Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

‘મોહનની મધુ’ - National Story Competition-Jan 2018

‘મોહનની મધુ’

વિભૂતી દેસાઈ

મોહનની તો બંસરી હોય, પરંતુ આપણા આ મોહનની મધુ, મોહન માટે તો મોહનનાં જીવનમાં મધુ એ બંસરીથી પણ અધિક મીઠાં સૂર રેલાવી મોહનની જીંદગી મધુમય બનાવી.

ભરૂચ જિલ્લાનાં પાદરિયા ગામે મોહનનો જન્મ. ચાર ભાઈ અને બે બહેન એમ છ ભાંડરચમાં સૌથી મોટો મોહન.

મોહનના મા હીરાબેન કોઈક કામસર કરજણ તાલુકાના રારોદ ગામે ગયેલાં ત્યાં અનાજ કરિયાણાના વેપારી એવા માલેતુજાર શામળભાઈની પુત્રી મધુ સાથે મેટ્રીકમાં ભણતાં મોહન નું વેવીશાળ કરી દીધું. ઘરે આવી મોહનને જણાવ્યું તારા માટે વહુ શોધી લાવી છું. આ વાત ૧૯૫૫ ની સાલની તે જમાનામાં માબાપને ગમે તે છોકરી સાથે છોકરાનું નક્કી કરે,પૂછે પણ નહિ.

આપણો મોહન તો મા ને મુખે વહુનું નામ સાંભળતા જ રાજીનાં રેડ. તરત બેન્ઝામિન ફેન્કલિનની લગ્ન વિશેની વાત યાદ આવી.

‘‘લગ્ન પહેલાં તમારી આંખ ઉઘાડી રાખજો;લગ્ન પછી અડધી બંધ રાખજો.’’

અને મોહન એવું સમજ્યો કે લગ્ન પહેલાં માણસે બધું બરાબર જોવું. લગ્ન પછી આંખના ઉપયોગ અરધોઅરધ ઘટાડવો, કાનનો ઉપયોગ વધારે કરવો, વહુ બોલે તે સાંભળવું, પોતાના બધા જ વિચાર એની પર ઠોકી બેસાડવા નહિ, એવી સમજણ સાથે ભાવિ પત્ની સાથેનાં સહજીવનાં સપનામાં રાચતો.

મિત્રવર્તુળમાં સગાઈની વાત જાણ થતાં, કેવી છે એમ પૂછતાં મોહનને તો મધુ નામ સિવાય કંઈ ખબર જ નહીં. એટલે એક મિત્ર તપાસ કરી લાવ્યો કે દેખાવમાં, સ્વભાવમાં સરસ અભ્યાસ માત્ર ત્રણ ધોરણ.

મધુ ત્રીજી સુધી ભણેલી એટલે હોંશીલા મોહને પત્ર લખવા માંડ્યા. આ કંઈ પ્રેમ પત્રો નહોતાં, ન તો એમાં મથાળે મારી વ્હાલી મધુ કે લિ. તારો ભવોભવનો મોહન, એવા શબ્દો નહોતા. આ તો પત્ર દ્વારા ABCD શીખવવા માંડેલી. Learning Distance કંઈ આધુનિક જમાનાની દેણ નથી, વર્ષો પહેલાં મોહને શરૂઆત કરેલી. બંને એકબીજાને દીઠે તો ઓળખે નહી, પરંતુ શબ્દોની ઓળખ વધવા માંડી. જોયું? કલમનો કમાલ !

લગ્નનો શુભ દિવસ આવી પહોંચ્યો. ધમધમાટ જાન જોડીને પાદરીયાથી ગાયકવાડી ગામ રારોદ પહોંચી રંગેચંગે ઘરે આવ્યાં. કંઈ કેટલાં સોણલાં સજીને મેટ્રીક પાસ વર સાથે નવોઢા મધુએ સાસરવાસમાં પગલાં પાડ્યાં. સાસુ હીરાબાએ કંકુ વરણાપગલાં પડાવી ગૃહપ્રવેશ કરાવ્યો. કેટલી હોંશથી નવોઢા મધુએ મોહનનો હાથ ઝાલી ગૃહપ્રવેશ કર્યો. પરંતુ બિચારી આ નાદાન, સગીર વયની નવોઢાને ક્યાં ખબર હતી કે લગ્નજીવનમાં કુમકુમ પગલાં જેવી લાલાશ ને બદલે કોલસા જેવી કાળાશ પથરાવાની છે.

લગ્નનાં છ વર્ષ પછી દિકરી વર્ષાનો જન્મ. આ બાજુ મોહનનાં બીજા ભાઈઓનાં પણ લગ્ન લેવાતાં નવી વહુઓ આવતાં જ ઘરનાં વાતાવરણમાં કંકાશ ભળવા માંડ્યો. મધુ મોટી એટલે એની જવાબદારી વધી, કામનું ભારણ પણ વધ્યું. વળી મોહન સાથે નહિ, એટલે કોઈ ઉપરાણું લેનાર નહિ અને દેરાણીઓને તો દિયર સાથે, ઉપરાણું લેવાવાળા, આથી સાસુ મઘુને જ રોળવે.

બાળપણમાં લાડકોડમાં ઉછરેલી મધુ આ બધું જ મૂંગે મોંઢે સહન કરતી. કામનો ઢસરડો પણ કરતી. સાસુ અવગણે એટલે દેરાણીઓ પણ કનડે અને ઉપરથી હીરાને ચઢાવે. મધુ મનમાં દુભાયા કરે. બહુ દુભાય ત્યારે અલપઝલપ વાત મોહન ને કરે, સહાનુભૂતિ ની અપેક્ષા એ. પરંતુ મોહન તો સહાનુભૂતિના બે શબ્દો કહેવાને બદ્લે ઉપરથી મધુને જ સલાહ આપે. સંયુક્ત કુટુંબમાં તો આમ ચાલે, સહન કરી લેવું પડે. બિચારી મધુ રડીને બેસી રહે.

મોહનની ગેરહાજરીમાં તો સાસુ, નણંદ-દીયર-દેરાણી હડધૂત કરવામાં જરાય પાછા ન પડે. અરે ! એમાં પાછું મોહનની આછી પાતળી કમાણી મોહન વધુ અભ્યાસમાં વાપરતો એટલે ઘરમાં કશું અપાતું નહિ એ માટે પણ મધુને જ જવાબદાર ગણતાં અને મ્હેણાં ટોણાં મારતાં. બિચારી મધુ પિયરનાં ઉચ્ચ સંસ્કારે એ સામો જવાબ ન આપતી, ખામોશ રહી કામનો ઢસરડો ખેંચે, સરખું ખાવા પણ ન આપે, બિચારી વધ્યું ઘટ્યું આપે તે ખાઈને એકાંત શોધી આંસુડા સારી દિલ હળવું કરતી.

એક દિવસ સાસરીયાનાં ત્રાસે હદ વટાવી, સાસુએ ‘‘ખોડીલી, તું નીકળ મારા ઘરમાંથી, તું કશા કામની નથી.’’ આવા ધાણીફૂટ શબ્દ સાંભળતા જ મધુ ઉંબરે ફસડાઈ પડી. ચોધાર આંસુ વહાવતી લાચાર મોહન સામે જોઈ રહી. અને હીરાએ મોહનને પણ કહી દીધું કે તું પણ નીકળ ઘરમાંથી. મોહને મધુનો હાથ ઝાલી ઘરનો ઉંબર ઓંળગ્યો. ઉપર આભ અને નીચે ધરતી આમ તેમ રખડતાં કોઈએ આશરો ન આપ્યો ત્યારે, જ્યાં મોહનની નોકરી હતી ત્યાં ઘર ભાડે મળ્યું. મુસ્લિમ બિરાદરોએ પહેરવાના કપડાં, ઘર વખરી આપી અને માંડ માંડ ગૃહસ્થી ચલાવવા માંડી. મધુ સાસરિયાના ત્રાસમાંથ બચી સ્વતંત્રતાનાં ફળ ચાખે ત્યાં તો મુશીબત છડી લઈને ઉભી જ હતી. મોહનનાં પિતાએ કેળવણી મંડળના પ્રમુખને જણાવ્યું મોહનને સીધો કરવો છે ને એને નોકરીમાંથી કાઢો. આમ, નોકરી ગઈ.

મોહનની પોતાની હોંશિયારી, કામની ચીવટ, આગલા અનુભવને આધારે કઠલાલમાં નોકરી મળી. પણ ઓટલાનું શું? લાડકોડમાં ઉછરેલી મધુ લલાટે સંઘર્ષ લખાવી લાવી હોય એમ, ભાડે લીધેલ ઘરમાં જાજરું નહીં, પાણી નહિ, ગામને છેવાડે કુવામાંથી પાણી ખેંચી લાવવાનું, સાસુ-નણંદનાં ત્રાસ સામે આ તો કંઈ જ નથી એવું મન મનાવી વર્ષ ખેંચી કાઢ્યું અને ગોધરા ગયા. પારાવાર મુશ્કેલી, મધુ પાસે આજુબાજુની સ્ત્રીઓ કામ કરાવતાં, શાક લઈને આવતી હોય તો થેલીમાંથી કંઈક ને કંઈક લઈ લેય, ટૂંકા પગારમાં અતિશય કરકસર કરી મધુ ઘર ચલાવે. આરામને મારો ગોલી, મોહનના નકામા પડેલાં કપડાંમાંથી કાપકૂપ કરી સંતાનના તન ઢાંક્યા, તો પણ મધુ ફરિયાદ ન કરે. પણ આપણો મોહન અંદરને અંદર ગુંગળાય, અંતે ડિપ્રેશનનો ભોગ બન્યો. બિચારી મધુ ! નોકરી છોડવી પડી અને મધુના નસીબે લખેલ ત્રાસ ભોગવવા ઘર ભેગાં થયાં.

ઘર આવતાં જ મધુ પર તો શાબ્દિક તોપમારો છૂટ્યો. હીરાબા તો એ માટે મધુને જ જવાબદાર ગણે, ‘‘મારાં કુટુંબમાં તું ખોડીલી ક્યાંથી આવી રે... મારા દિકરાને ગાંડો કરી મૂક્યો રે.... શું જોઈને પડી રહી? છૂટી થઈ જા. ’’આ જોઈ બધાં જ બોલે. મોહનને તો કંઈ ભાન જ નહીં. આવાં મેણાં સહન કરીને મધુ મક્કમ રહી પિતા શામળભાઈને સધિયારે.

એક દિવસ ટંકારીયા ગામના ડૉ. શુકલને જાણ થતાં મરોલી હોસ્પિટલમાં મોહનને દાખલ કર્યો. ત્રણ-ચાર મહિને સારો થયો. આ દરમ્યાન મધુ પર લાચારીનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ અંગત પુરુષોએ કરેલો, પડોશણે એ નરરાક્ષસથી મધુનું રક્ષણ કરેલું.

સહનશીલતાની મૂર્તિ મધુ ચૂપચાપ મોહનની આ બિમારીમાં ભયંકર યાતના વેઠતી. દસ-બાર સભ્યોનું બધું જ કામ કરતાં કરતાં મોહનના માટે પ્રાર્થના કરતી.

પોતાનો ધણી સાજો થશે અને સુખી કરશે, એવાં મધુર સપનાં જોતી. કુદરતે મધુની પ્રાર્થના સાંભળી. મોહનને આણંદ જિલ્લાના મોગરી ગામે નોકરી મળી. ત્યાંથી બીલીમોરા બી.એડ્.કોલેજમાં નોકરી મળી, સાથે જ છોકરાઓની હોસ્ટેલમાં રેક્ટરની જવાબદારી સોંપતાં હોસ્ટેલમાં રહેવાનું મળ્યું. મધુના આનંદનો પાર નહીં. પણ ત્યાં જતાં જ આનંદ ગાયબ. સ્ત્રીમાં એકમાત્ર મધુ, જંગલ જેવું વાતાવરણ, તેમાં પણ એક દિવસ તો ભારે થઈ. દિકરી વર્ષા શાળાએથી ઘરે આવવાને બદલે સ્ટેશન તરફ જતી દેખાઈ. મધુ ખાસ્સું એવું પાછળ દોડી એને બચાવી. જિંદગીમાં પહેલીવાર મધુ એ મોં ખોલ્યું. ‘‘આવી જંગલ જેવી જગ્યાએ નથી રહેવું.’’ અંતે એક સોસાયટીમાં ઘર ભાડે મળ્યું. પગાર ટૂંકો, ત્રણ સંતાન, ચોથા નિલેશના આગમનની નથી તૈયારી, મોહન કરોડપતિ બાપનો દિકરો હોવા છતાં ઘરેથી કોઈ મદદ નહીં. ઉપરથી ભાઈઓ ખાતર-પાણીના પૈસા કઢાવી જતાં. મધુ મોહનના કપડાંમાંથી જ ત્રણ સંતાનના તન ઢાંકે, કસર તો એટલી કરે કે હજામતના પૈસા બચાવવા છોકરાના વાળ જાતે જ કાપી નાંખે. ‘‘સલામ મધુને.’’

અંતે મધુનું ઘરના ઘરનું સપનું પુરું થાય એવાં સમાચાર આવ્યા. રૂપિયા બત્રીસ હજારમાં ઘર મળે એવું હતું. મોહન તો કડકાબાલુસ એટલે ના પાડી. પરંતુ કોઠાસૂઝ્વાળી મધુએ પાદરિયાની મોહનને ભાગે આવતી જમીન વેચવાનું સૂચન કર્યું. સાસરાના ત્રાસદાયી ગામ-ઘરનો મોહ ક્યાંથી હોય. મોહનને પણ લગાવ ન હતો. અંતે જમીન વેચી ઘર વસાવ્યું. મધુ રાજીના રેડ. હવે શાંતિથી રહીશ. પણ રે ! ભાગ્ય, મધુના લલાટે વળી શાંતિ ક્યાંથી?નરમ સ્વભાવની મધુ,મોહન પ્રોફેસર, બાળકો તેજસ્વી આ બધુ આજુબાજુની મહિલાને ઈર્ષ્યા કરવા પુરતું હતું એટલે એને હેરાન કરવાની તક શોધી હેરાન કર્યે રાખે.

કુદરત પણ મધુને હેરાન કરીને થાકી હોય એમ મધુના જીવનમાં સુખનો સોનેરી સૂરજ ઉગવા મથી રહ્યો અને કેટલાંક મિત્રોની મદદથી નવાં બંધાતા હરિલક્ષ્મીનારાયણ રો હાઉસમાં ઘર લીધું. મધુએ મૂંગે મોંઢે વેઠેલ સંઘર્ષ,સહનશીલતા મોહનના અંતરને હજુ પણ દઝાડ્તી. અને એટલે જ ‘‘હંમેશ મધુની મધુરપ અમારી જીંદગીમાં જળવાઈ’’ એમ કરી ઘરનું નામ આપ્યું ‘‘મધુકુંજ’’. પડોશીઓ શિક્ષિત, સંસ્કારી, બધી જ સગવડવાળું ઘર ‘‘મધુકુંજ’’. મધુ અને બાળકો વર્ષા, શૈલેષ, શોભા અને નિલેશ ખુશખુશાલ.

મધુકુંજ સુકનવંતુ નીવડ્યું. બાળકો ને ભણાવ્યાં, પરણાવ્યાં, વર્ષા, શોભાને સાસરે પણ વળાવી. શૈલેષ બરોડા સ્થાયી થયો. મધુ, મોહન, નિલેશ સુખે જીવતાં. મધુ રાજીના રેડ. કેટલે વર્ષે જઈને હાશ થઈ. મોહન નિવૃત્ત થતાં બંને કેટકેટલી જગ્યાએ ફરી આવ્યાં. મધુ હવે મોહનની પ્રવૃત્તિમાં રસ લેતી.

મોહન હવે લેખનકાર્યમાં પ્રવૃત્ત થયો. પોતે ગઝલ લખતો, બીજાને શીખવતો, વાર્તા, કવિતા સામાયિકોમાં છપાવા માંડી. મધુ બધું વાંચે અને આનંદની વાત તો જુઓ, ત્રણ ચોપડી ભણેલી મધુને પણ લખવાનું સૂઝ્યું અને એક-બે સામયિકમાં લેખ છપાયાં.

મધુ પાછલા જીવનમાં ઠરીઠામ થઈ રાહતનો શ્વાસ લઈ રહી છે. એય ને મધુ-મોહન એમના ‘‘મધુકુંજ’’માં હિંચકે ઝુલે છે.

***