મજહબ નહીં સિખાતા - 4 Bindiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મજહબ નહીં સિખાતા - 4

મજહબ નહીં સિખાતા

ભાગ-4

અફઝલ એની ડરેલી આંખો માં ઝાંકી રહયો.

“ જવા દઇશ. પણ જવાબ આપવો પડશે પહેલાં. “

“ જ..જ.વા..આઆબબ શેનો.?”

અપરાએ ખચકાતા અવાજે પુછ્યું. એની નજર હજુપણ જમીન તરફ હતી.

“ પૂછું એનો ફકત “હા” કે” ના” માં જવાબ આપજે. શું ખરેખર તું મને પ્રેમ નથી કરતી.?”

“ ના”

“સાચું બોલે છે? ખરેખર નથી કરતી?”

“ હા..સાવ સાચું. નથી કરતી.”

અફઝલ થોડો ઢીલો પડયો.

“ તો..તો..પછી કેમ આટલી બધી સંભાળ રાખે છે.?”

“ કોઈ ની જરુર પડ્યે સંભાળ રાખવી કે મદદ કરવી એ મારો સ્વભાવ છે. “

અફઝલ ઢીલો પડતાં જ અપરા થોડી અક્કડ થઈ ગઇ.

“ ઓહ...આય સી.તમને સેવા કરવા નો શોખ છે એમને?”

“ હા એવું માની શકો.”

“ તો પછી IT માં કેમ જોબ લીધી. કયાંક વૃધ્ધાશ્રમ કે પછી હોસ્પિટલમાં કે કોઈ NGO માં જોબ કેમ ન લીધી? .. અને ..અને..હા...હું ચાર દિવસ હૈદરાબાદ કહ્યા વગર ગયો ત્યારે આખા ગામમાં પુછપરછ કરેલી..એ?? અને છેલ્લે ઘર સુધી આવવું એ પણ કોઈ સેવા નો જ ભાગ હશે ને??”

અફઝલએ જરા સરખો હોઠનો ખુણો મલકાવ્યો . હવે અપરા મુંઝાઈ. ફકત શારીરિક જ નહી અફઝલે માનસિક પણ ધેરો નાખ્યો હતો. એને બંને હાથની મુઠ્ઠીઓ વાળી હતી. હવે તો આંખો પણ બંધ કરી દીધી.શું જવાબ આપવો એ ખબર જ ન પડી. અફઝલ પણ વિકનેસ ના લીધે વધું ઉભો રહી શકે એમ ન હતો.

“ મીસ દવે. જવાબ .? હું જાજીવાર ઉભો રહી શકું એમ નથી. ફરી કંઈ થશે તો..? એને તમારો સેવાભાવી સ્વભાવ તમને મજબૂર કરશે મદદ કરવાં. પગે પાણી ઉતરે છે અને આંખે અંધારા . છેલ્લી વાર જવાબની રાહ જોઉં છુ. પછી કયારેય..નહી..”

અપરાએ જરા જોરથી અફઝલ ના ધેરાયેલા હાથ ને આઘાં કર્યા . અફઝલ થોડો લથડયો.

“ ના..ના....ને ફકત ના..ફિલીંગ નામનો શબ્દ મારી ડિક્સનરી માંજ નથી. અત્યારે આપણે બંને જ છીએ. એટલે તમારું ધ્યાન રાખવું મારી ફરજમાં આવે બસ. હું માત્ર એ જ ફરજ બજાવું છે.”

અફઝલ ને હવે ખરેખર ચક્કર આવી રહ્યા હતાં. અપરા ઝાંખી દેખાતી હતી. એના હોઠ હલતા હતાં પણ શબ્દો સંભળાતાં ન હતાં. હવે અપરા ને પણ લાગ્યુ કે કંઈ બરાબર નથી. અફઝલ ને ખરેખર તકલીફ થાય છે. એણે તરતજ અફઝલ ને પકડવાની કોશિશ કરી. પણ અફઝલે એને આઘી ધકેલી.

“ સર...સર...તમે..”

“ પ્લીઝ..મીસ દવે. લીવ મી. મારે તમારી દયા ની જરુર નથી. મારી તકલીફ માં વધારો ન કરો.”

“ સર...સર..તમે પડી જશો..મારી વાત માનો..”

અપરાએ ફરી અફઝલ ને ટેકો આપવાનો પ્રયત્ન કર્યો. પણ અફઝલે ગુસ્સા માં બમણાં જોરથી રાડ પાડી.

“ હાથ જોડું તમને .દયા ની દેવી. પ્લીઝ લીવ મી. એન્ડ ગેટ આઉટ ઓફ માય રુમ. આય કેન ટેક કેર ઓફ માય સેલ્ફ. મારી બિમારી માં મારું ધ્યાન રાખવું એ એક એમ્પલોય ની ડ્યુટી નથી. અજાણ્યા માણસો પર હું વિશ્ર્વાસ નથી કરતો.. તમે હવે જાઓ અહીંથી. “

અફઝલ ના પગ લથડવા લાગ્યા હતાં. છતાં એણે દરવાજો ખોલી આપ્યો ને અપરા ને જવાં કહ્યુ. આવી હાલત માં અફઝલ ને મૂકી ને જવું એ અપરા માટે શક્ય ન હતું. અફઝલ ની જીદ ને લીધે એ એની નજીક પણ જઇ શકે એમ ન હતી .અફઝલ એકદમ થી સરકી ને દિવાલ ના ટેકે બેસી ગયો. અને અપરા પણ ..એ ઘુંટણીએ બેસી ને દિવાલ પર માથું ટેકવી ને રડવા લાગી. પાણીનો ધસમસતો પ્રવાહ ડેમ નાં દરવાજા ખુલે ને વહેવા લાગે એમ અપરાની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. અફઝલ હજું પણ અર્ધસભાન અવસ્થા માં બોલી રહ્યો હતો.

“ જાવ અહીંથી મીસ દવે. જાવ..જતા રહો..”

અપરા ભલે શબ્દો માં ન ઢાળે પણ વર્તન માં અફઝલ માટેની લાગણીઓ સાફ વર્તાઈ રહી હતી. એ પોતાની જાતને સંભાળી ને ઉભી થઇ. અફઝલ હજું પણ દિવાલ ના ટેકે પગ લાંબા કરીને પડયો હતો. એણે અફઝલ ને ટેકો આપીને ઉભાં કરવાં પ્રયત્ન કર્યો. પણ અફઝલે હાથ છોડાવી લીધો.

“ પહેલાં જવાબ . પછી બીજી વાત. ત્યાં સુધી મને હાથ લગાડવાની કોશિશ ન કરતાં. નહી તો દરવાજો ખુલ્લો છે. હું એક પાક્કો મુસલમાન છું. એનો મતલબ “મુસલ્લમ ઇમાન” થાય છે. એટલે પાક, સાફ ઇમાન નો. પરસ્ત્રી ની મદદ લેવી એ મારા વિચારો ની વિરુધ્ધ છે. પડી રહેવા દો મને અહીં. “

અપરા હવે સાવ નિર્જીવ શરીર ની જેમ પડી ગઈ. એણે હવે અફઝલ ની છાતી પર માથું ઢાળી દીધું. બંને હાથેડીઓ માં પોતાનો ચહેરો છુપાવી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પોતાની જીત ની ખુશી અફઝલ ના મોઢા પર સાફ હતી. એની આંખો મા એના હોઠ પર સંતોષ નુ નિર્દોષ સ્મિતહતું. અંતરમાં હાશ અનુભવાઇ રહી. છતાં એણે અપરા ના માથે કે ખભા પર હાથ મુકી ને સાંત્વના આપવા ની કોશિશ ન કરી.અપરા રડતાં રડતાં બોલી રહી હતી. એનાં શબ્દો સ્પષ્ટ સંભળાતાં ન હતાં.

“ હા... ચાહું છું તમને. ખુબ ચાહું છું. પણ...હુ લાયક નથી તમારે... “

હવે અંતે અપરા ના સ્વીકાર પછી અફઝલે પોતાનાં બંને હાથ અપરા ની આજુબાજુ કસી ના વીંટાળી દીધાં. એના માથા પર હાથ ફેરવીને પંપાળતો રહયો. એના માથાને ચુમતો રહયો. થોડીવાર એમજ રહ્યા પછી અપરા શાંત પડી. એણે પોતાના આંસુ લુછયાં. અને ઉભી થઇ. એણે અફઝલ નો હાથ પકડી ને પીઠ પર ટેકો આપતાં કહ્યુ.

“ ચાલો હવેતો ઉભા થાવ...અને શાંતી થી પલંગમાં આરામ કરો. “

અફઝલે પોતાનાં હસતાં હોઠ પર હાથની મુઠ્ઠી દબાવી. એની આંખો માં પણ શરારતી સ્મિત હતું. અને મીઠું હસે ત્યારે લાઇટ બિયર્ડ માંથી પડતાં ગાલના ખંજન ખુબ આકર્ષક લાગતાં.

“ હા ..હવે તો જેમ કહે એમ કરીશ. પણ હવે મારાથી દુર જવાની છુટ નથી. ફકત રાત્રે સુતી વખતે જઈ શકે . હજુ બે દિવસ છે આપણી પાસે.”

બોલતાં બોલતાં અફઝલને હલકી ઉધરસ આવી. અપરાએ આંખો પહોળી કરીને મોઢા પર આંગળી રાખી ચુપ રહેવા ઇશારો કર્યો. તાવ પણ માપ્યો . ઈંજેક્શન ના હેવી ડૉઝ થી તાવ ઘણો ઓછો થઇ ગયો હતો.

“ એકદમ ચુપ હવે. ફકત આરામ. આમ પણ હવે દસ વાગ્યાં.આજની મીટીંગ ની બધી ડિટેઇલ સવારે અફનાન ઇન્ફોટેક પહોંચ્યા પહેલાં આપી દઇશ. મી.નુર કાલે પણ આવશે.ફાઇનલ મીટીંગ માં.”

અપરાએ અફઝલને દવા આપીને બ્લેન્કેટ સરખો કર્યો. રુમ ની લાઇટ બંધ કરી. અને અફઝલ ના માથે હાથ ફેરવી ને નીકળવા જતી હતી. ત્યાં જ અફઝલે એનો હાથ પકડ્યો.

“ અપરા બેસ ને પ્લીઝ..ઘણી બધી વાતો કરવી છે. “

“ અત્યારે..?? ખુબ મોડું થઈ ગયું છે. અને હજું ઘણો સમય છે વાત કરવાં માટે. ધીરજ રાખો તમને બધું જ જણાવીશ. “

“ ઓકે.. હું તને ફોર્સ નહીં કરું. પણ એક ફેવર કરશે.??”

“ હા બોલો ...એમા ફેવર શુ?”

“ હું ઉંઘી જાવ ત્યા સુધી તારો હાથ પકડવા દઇશ..? ઉંઘી ગયાં પછી તું જઇ શકે છે.મારા માથા પર હાથ ફેરવીશ?? અમ્મી નાં ગયા પછી અબ્બુ એ કોઇ કસર છોડી નથી .ક્યારેય અમ્મી ની કમી વર્તાવા દીધી નથી. પણ કોઈ સ્ત્રી તમને પ્રેમ કરતી હોય .એ મા હોય કે પત્ની કે પ્રેમીકા. એ પ્રેમથી માથા પર હાથ ફેરવે ને એ હુંફ એ સુખની ઉંઘ કરવી છે આજે મારે. “

અપરા તરતજ પલંગ ની બાજુમાં અડોઅડ ખુરશી રાખી ને બેસી ગઇ. એક હાથ અફઝલે પોતાની છાતી પર પકડી ને રાખ્યો હતો. અને બીજો હાથ અફઝલ ના માથા પર હતો. બંને ખુબ થાકેલા હતાં અને એમજ સવાર પડી.

“ અફઝલ...અફઝલ...ઉઠો નવ વાગ્યા છે. તૈયાર થઈ જાવ. નહી તો મોડું થશે.”

અફઝલે આળસ મરડતા આંખો ખોલી.અપરા સામેજ એકદમ તૈયાર થઈ ને ઉભી હતી. એણે આવતા વેંત જ રુમ ની બાલ્કની ના દરવાજા ના પડદા ખોલ્યા. અને સૂર્યપ્રકાશ અંદર પ્રવેશ્યો. એણે ટ્રોલી નજીક કરી ને એક કપ માં ચ્હા અને બીજામાં કોફી પોર કરી.

“ અફઝલ પ્લીઝ ગેટ અપ એન્ડ ગેટ રેડી. અપણે અગિયાર વાગે ત્યા હાજર થવું પડશે.”

અપરા બોલતાં બોલતાં પોતાનું કામ કરી રહી હતી. એણે સવાર ની દવાઓ રેપર માંથી કાઢી ને ટી કોસ્ટર પર મુકી. અને અફઝલે ઓઢેલો બ્લેન્કેટ ખેચી ને દુર કર્યો. અને અફઝલે તરતજ ફરીથી ઓઢી પણ લીધો.

“ અરે.....! પ્લીઝ વી આર ગેટીંગ લેટ..હજું કાલ ની મીટીંગ વિશે વાત પણ કરવાની છે. નહી તો મી.નુર ની સામે લોચાં લાગશે...”

અપરા હસતાં હસતાં બોલી.

“ अमममममम देखो मोहतरमा हमारी तबियत अब भी ख़राब है। तो आज भी आप अकेले चले जाओ। हम आराम करेंगे और आपका इंतज़ार भी। “

બોલતાં બોલતાં અફઝલે બ્લેન્કેટ ગળા સુધી ઓઢીલીધો. અને અપરાની તરફ પડખું ફરી ને એક ફલાઇંગ કીસ આપી. અપરા એ શરમાઈ ને સ્માઇલ આપી.

“ જી નહી...એવો કોઇજ એડવાન્ટેજ મળવાનો નથી. આજે તો કામ કરવું જ પડશે. અને કાલે છેક સાંજે ફલાઇટ છે. એટલે હજુ કાલનો આખો દિવસ આપણી પાસે હજી બાકી છે.તો..... उठो आराम कल और काम आज।

અપરા એ એક ઝટકા થી બ્લેન્કેટ ખેંચી કાઢયો. અંતે અફઝલે હથિયાર નાંખી દીધા.

“ चलो अफी साहब नसीब में सुकून लिखा हि नहीं तो बंदा क्या कर सकता है। “

“ હમ... હવે બરાબર. બાય ધ વે હાવ આર યુ ફિલીંગ નાવ? “

“ હાઆ.... ફીલીંગ બેટર .થેન્કસ ટુ યુ.”

અફઝલે પલંગ મા બેઠાંબેઠાં જ બગાસું ખાતાં કહ્યુ.

અફઝલ ફટાફટ તૈયાર થઈ ગયો. બ્રેકફાસ્ટ પણ ઉપર જ મંગાવી લીધો. બંને જણ બ્રેકફાસ્ટ કરી ને પેપર્સ લઇ ને નીચે આવી ગયાં. ડ્રાઇવર કાર સાથે રેડી જ હતો . એટલે બંને અફનાન ઇન્ફોટેક પહોંચ્યા. રસ્તા માં અપરાએ બધી ડિટેઇલ અફઝલ ને સમજાવી દીધી. આગલા દિવસે ના પેપર્સ પ ર અફઝલે નજર કરી લીધી. અને લિગલ ડોકયુમેન્ટસ પર પણ ફાઇનલ એક વાર નજર કરી લીધી. ત્યા જ અફનાન ઇન્ફોટેક પહોંચી ગયાં. ત્યા નુર સિદ્દીકી અને અફઝલે ફાઇનલ ડોકયુમેન્ટસ ફાઇનલ કર્યા. બધી ફોર્માલીટી કંપ્લીટ થઇ. ફોર્મલ લંચ પણ. સાંજે ચાર વાગ્યા આસપાસ ત્યા બધુંજ કામ પુરું કરીને અફઝલ અને અપરા ત્યાં થી નીકળી ગયાં. હવે સમય હતો ફક્ત અપરા અને અફઝલ નો. અફઝલે પહેલાં દિવસ ની જેમજ પ્રાઇવેટ ટેક્સી બુક કરાવી. અને નીકળી પડ્યા બંને હૈદરાબાદ ના રસ્તાઓ પર. ટેકસી માં પહેલાં દિવસની જેમજ અપરાએ હાથ સીટ પર ટેકવી ને રાખેલો. પણ અફઝલ ને હવે અપરા ની પરવાનગી ની જરુર ન હતી.એણે હકક થી અપરાનો હાથ પોતાનાં હાથમાં પકડીને રાખ્યો હતો. અપરા ના ચહેરાં પર વારંવાર આવી જતી વાળની લટ ને એ પોતાની આંગળી થી હટાવી ને અપરા ના કાન પાછળ ગોઠવતો. અને એ બહાને એ એનાં કમળ ગાલ ને સ્પર્શતો.અને અપરા એની સામે મીઠું હસતી. ખુબ હર્યા ફર્યા. લોકલ માર્કેટ, મોલમાં થી થોડી શોપીંગ પણ કરી. ત્યા જ આજુબાજુમાં જ સ્ટ્રીટ ફૂડ ની મજા પણ લીધી. નવ વાગે બંને હોટલ પહોંચી ગયાં. અપરાએ પોતાનાં રૂમનો દરવાજો ખોલ્યો. અને અંદર દાખલ થઇ. અફઝલ પણ રૂમનો ઉંબરો અંદર ઓળંગી ચુક્યો હતો.

“ અફઝલ બાય.....ગુડ નાઇટ. “

અપરાએ હસતાં હસતાં બે હાથ વડે અફઝલ ને ધક્કો મારીને રુમ ની બહાર કાઢયો. અફઝલ એની આંખોમાં આંખો પરોવી ને જોઈ રહયો હતો.

“ હેય....! યુ આર સો મીન.”

“ મીન..! એન્ડ મી?”

“ યસ..કાલે આખી રાત મારા રુમમાં વીતાવી . આજે મારો વારો છે.. તો...બાય..ગુડ નાઇટ.”

અપરાની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ.

“ આર યુ સિરીયસ.. અફઝલ?”

અપરા એ રૂમનો દરવાજો અડધો બંધ કરતાં કહ્યુ. અફઝલે તરતજ એને રોકતાં કહ્યુ.

“ યસ આય એમ.”

“ નો..નેવર .. હું તમને અંદર આવવા જ નહીં દઉં. “

અફઝલે થોડા વધું પ્રેશર થી દરવાજા ને ધક્કો મારી ને ખોલવાં ની કોશિશ કરી .

“ કેમ...? હું તને ખાઇ નહી જાવ. “

અફઝલ ફરી બે ડગલા આગળ વધ્યો. અપરા હજું પણ એનો રસ્તો રોકી ને ઉભી હતી.

“ અફઝલ પ્લીઝ “

“ અપરા પ્લીઝ “

“ અફઝલ આય સેડ નો...”

“ અપરા હું અંદર આવીશ જ.”

અફઝલ અંદર આવી ને સોફાચેર પર બેસી ગયો.

“ અપરા આજે છેલ્લો સમય છે એકલાં સાથે રહેવા નો . ફરી કયારે મળશે આવો સમય. વી હેવ કલીયર ફિલીંગ્ઝ . વી બોથ આર મેચ્યોર્ડ .તો પછી શું પ્રોબ્લેમ છે?”

અપરા હવે રીતસર ની બગડી .એને થયું અફઝલ પણ બીજાં પુરુષો જેવોજ છે. કયાંક એ આવા નાટકો કરી ને ફસાવશે તો નહી ?. એકાંત નો કયાંક લાભ લઈ ને એ...અપરા નું મોઢું ગુસ્સા થી લાલ હતું. આંખમાં અગનગોળા હતાં. એ સ્થિર ઉભી અફઝલ ને તાકી રહી.અફઝલ એની મસ્તી માંજ હતો.એનુ ધ્યાન પણ ન હતું કે અપરા ખુબ ગુસ્સે ભરાઈ છે.

“ બસ આવી ગયાં અસલિયત પર..? મનની વાત અંતે બહાર આવીજ ગઇ ને?”

અપરા ગુસ્સે થી બોલી. અફઝલ સફાળો ઉભો થઇ ગયો.

“ વ્હોટ રબીશ. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? હું ફકત સાથે રહેવાની, બેસવાની ,વાતો કરવાની વાત કરું છુ. હમણાં ઓલમોસ્ટ વર્ષ થવા આવશે આપણે સાથે કામ કરતાં થયાં એને. આટલો જ જાણે છે તું મને?? યુ...યુ...“

અફઝલ ગુસ્સા થી થથરી ઉઠયો.એની આંખો માથી અંગારા જરી રહ્યા હતાં. એકંઈ જ બોલ્યા વગર અપરા ને સહેજ અથડાઈ ને સીધોજ રુમ ની બહાર નીકળી ગયો. અપરા પુતળા ની માફક ઉભી રહી.અફઝલે પણ અંદર જઇને પોતાના રૂમનો દરવાજો જોરથી પછાડી ને બંધ કર્યો. એ અંદર થી ખુબજ ધુંધવાયેલો હતો.અંદર છાતીમાં ગુસ્સાનો લાવારસ ઉકળતો હતો. એણે મોબાઇલ નો ઘા પલંગમાં કર્યો. હાથ પણ દિવાલ પર જોરથી પછાડયો. એ ગુસ્સા માં બબડી રહયો.

“ સાવ ..સાવ આટલો નીચલી કક્ષા નો ગણે છે મને ? એ શું નથી ઓળખતી મને? અરે એવુજ કરવું હોત ને તો આટલી રાહ જોવાનો પશ્ર્ન જ નહતો. ક્યારની..એને....અહહહ...હવે જયાં સુધી એ માફી નહીં માંગે ને ત્યા સુધી. સમજે છે શું એ એના મનમાં. “

ત્યા અપરા ને પણ પોતાનાં વર્તન નો પસ્તાવો થયો.એ તરતજ માફી માંગવા અફઝલ પાસે પહોંચી. એણે ડોરબેલ વગાડી.

“ કોણણણ...???”

“હું..”

“ હું..કોણ?”

“ અપરા..”

“ ઓહહ..તમે અત્યારે અહી? “

અફઝલ દરવાજો ખોલ્યા વગરજ દરવાજા ને અડીને ઉભો ઉભો જ અપરા ને જવાબ આપી રહ્યો હતો.

“ અફઝલ આય એમ સોરી..દરવાજો ખોલો. તમારે દવા લેવાની છે.”

“ ઓકે મીસ. થેન્કસ યાદ કરાવવાં માટે .તમે જઇ શકો છો. “

“ અફઝલ પ્લીઝ દરવાજો ખોલો. “

“ નોઓપ..મેમ અત્યારે તમે તમે અંદર ના આવી શકો. નહી ને મારી અંદર નો જાનવર જાગી ઉઠે અને તમારી આબરૂ લુંટાઇ જાય. આમ પણ રાત્રે દસ વાગે એકલા પુરુષ ના રુમ માં ન જવાય.એ પણ કોઈ કોઈ..બદઇરાદા ધરાવતો હોય એવો માણસ . “

અફઝલ ખરેખર ખુબ ગુસ્સા માં હતો.

“ અફઝલ પ્લીઝ આય એમ સોરી. દરવાજો ખોલો..હાથ જોડું તમને. “

અંદર થી તો અફઝલ ખુબ રાજી હતો.મનોમન વિચારી રહ્યો.

“ હમમ... હવે ઠેકાણે આવી અક્કલ. બરાબર લંગરાવીશ હવે જો.. હુ પણ કંઈ જાવ એમ નથી. “

અફઝલે એક ઝટકા માંજ આખે આખો દરવાજો ખુલ્લો કરી નાખ્યો. અને પોતે દિવાલ ને અડોઅડ ઉભો રહયો. અપરા અંદર આવીને સીધી પલંગના સાઇડ ટેબલ પાસે ઉભી રહી સેજ જુકી ને એણે ડ્રોઅર માંથી દવા કાઢી. પાણીનો ગ્લાસ લઈને એ અફઝલ પાસે આવી.અને એણે હથેળી માં દવા અફઝલ સામે ધરી.

“ દવા..”

“ સામે ટેબલ પર મુકો પછી જ લઇશ “

“અફઝલ પ્લીઝ લઇ લો.. “

“ એમ લેવાય?? તમને હાથ અડી જાય તો..તમે .તો “

અફઝલ કતરાઇ ને બોલ્યો.

અપરા થોડી નજીક આવી.

“ ઓહહ...મેમ..પ્લીઝ દુર રહેજો.મારો કોઈ ભરોસો નથી. યુ આર નોટ સેફ વીથ મી. “

અપરા નું માથું નીચું નમી ગયું. અને અફઝલ ને ખુબજ દુખ પહોંચાડ્યુ છે .એ જાણી ગઇ. અને લાગી આવે પણ ખરું અપરા એ આરોપજ એવો મુકયો. અપરા એ કંઈ જ વિચાર્યા વગર અફઝલ નો હાથ પકડ્યો. એને ખેચી ને સોફાચેર પર બેસવા કહ્યુ. અને ફરી થી દવા અને પાણી નો ગ્લાસ ધર્યો.

“ આ..આઆયય...નો કે સોરી કહેવું પુરતું નથી. પણ અફઝલ તમે મારા વિશે કશુંજ જાણતાં નથી. એટલે પહેલાં દવા .પછી બધી વાત કરું”

અફઝલ થોડો કુણો પડયો .પણ મનમાં ગુસ્સો તો હતો જ. એણે અપરા ના હાથમાં થી ગ્લાસ અને દવા લીધાં. અપરા જઇને રૂમનો દરવાજો બંધ કરવા ગઇ.અફઝલ ને થયું એ જતી રહેશે પણ અપરા ને દરવાજો બંધ કરી ને પાછી આવતાં જોઈને અફઝલે રાડ પાડી.

“ અરે....રહેવા દો રહેવા દો..મારા પર ભરોંસો ન બેસે ત્યા સુધી રહેવા દો એ દરવાજા ને ખુલ્લો. “

અપરા દરવાજો બંધ કરી ને અફઝલ ના પગ પાસે આવી ને નીચે બેસી ગઇ.

“ અ.રરે ..! આ..આ.. શું કરે છે?”

અફઝલે પુછ્યુ.

અપરા રડી રહી હતી.

“ આય.એમ સોરી અફઝલ. સોરી કહેવું પુરતું નથી જાણું છું. પ..ણણ..”

“ પણ?”

“ પણ મને પુરુષ જાત માત્રપર જરા પણ વિશ્ર્વાસ નથી. એમાં તમારો કોઈ વાંક નથી. તમે મને ચાહો છો પ્રેમ કરો છો. એટલે તમારું આ વર્તન સહજ છે . અને મારા વિશે ખરાબ તમે વિચારી પણ ન શકો. પણ મેં તો સાક્ષાત નર્ક જોયું છે . અને હું તમારે લાયક નથી. “

અફઝલ ને પણ લાગ્યુ કે વાત કંઈ અલગ જ છે . એણે તરતજ અપરા ને ખભે પકડીને પોતાની બાજું ના સોફાચેર પર બેસાડી.

“ શું વાત છે ? મેં તને ઘણીવાર પૂછવાની કોશિશ કરી છે. પણ તું વાત ને ટાળી દે છે. આજે પણ તને ફોર્સ નહીં કરું .પણતું મારા પર વિશ્વાસ કરી ને જણાવી શકે. મને તારા ફેમિલી થી કે ભુતકાળ થી કોઈ તકલીફ નથી. તને અપનાવવા ઇચ્છુ છું. “

“ અફઝલ કોઈ પણ નિર્ણય કરતાં પહેલાં તમે મારી વાત સાંભળો. અને પછી નિર્ણય કરજો. એ પહેલાં નહી.”

“ ઓકે .તું બધીજ વાત મને જણાવ. અને પછી પણ તું જેમ ઇચ્છે એમજ થશે.બસ..”

અપરા એ હવે શરુઆત કરી.

“ રાજકોટ નજીક ના એક નાનકડાં ગામમાં મારો જન્મ થયો. એક સામાન્ય કુટુંબ માં. પપ્પા અને મોટાકાકા બંને ભાઇઓ માં કાકા ને બે દિકરા અને અને હું એમ ત્રણ બાળકો. અમારું કુટુંબ જૂનવાણી વિચારધારાઓ નું એટલે બધાં ને દિકરા નો મોહ.પણ પપ્પા અને મમ્મી એ કયારેય મને એવું વર્તાવા દીધું નથી. પપ્પા સરકારી નોકરી કરતાં એટલે અમે રાજકોટ રહેતાં. દિકરી ને બહું છુટ ન અપાય. વધું ન ભણાવાય.એવી વિચારધારાઓ હતી.એટલે પપ્પા એ કોલેજ માંડ કરવા દીધી. ઘરનાઓ નો વિરોધ છતાં પપ્પા એ કોલેજ પુરી કરાવી. સોળ સત્તર વર્ષની થઈ ત્યારથી જ જ્ઞાતિ મા સગપણ ની વાતો થવા માંડી. પપ્પા ને પૈસેટકે બહું સારું નહી.વળી દિકરો પણ નહીં એટલે. કાકા કાકી માંગા પણ એવા જ લાવે . અને નિયમ પ્રમાણે કુટુંબ માં મોટા કહે એ પ્રમાણે જ થાય..

***