(આપણે આગળ ના ભાગ માં જોયુ કે અભય તેના મમ્મી-પપ્પા ની મેરેજ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે પ્લાન બનાવે છે અને બધા માટે પોતે શુ કરવાનો છે એ સરપ્રાઈઝ રાખે છે. સાંજે મમ્મી-પપ્પા, નિશા અને બધા જ સબંધી ઓ ને શહેર ની વચ્ચે આવેલા પાર્ટીપ્લોટ મા પાર્ટી માટે ઈન્વાઈટ કરેલા હોય છે અને આખા પાર્ટીપ્લોટ ની ચહલ-પહલ વચ્ચે હવે મમ્મી-પપ્પા ના આગમન ની સૌ રાહ જોઈ રહ્યા હતા, હવે આગળ...)
***
મમ્મી-પપ્પા તો એમના કામ માં બહુ રોકાઈ ગયા, માણસો વધતુ જાય છે.. હું તેમને ફોન કરી જોઉં .. નિશા એ અભય ને કહ્યુ ત્યાં જ ગાડી નો અવાજ આવ્યો. લીલાબહેન અને નરેશભાઈ ગાડી માંથી નીચે ઊતર્યા. અભય એ મમ્મી-પપ્પા નુ સ્વાગત કર્યુ.
ઓફવાઈટ સાડી માં લીલાબહેન જાજરમાન લાગતા હતા અને નરેશભાઈ એ પણ તેવા જ કલર નુ થ્રી પીસ સુટ પહેરેલુ. અંદર દાખલ થતા જ બંને અચંબિત થઈ ઉઠ્યા..
જીવનભર ના દરેક સબંધ ને તેઓ નજરોનજર નિહળી રહ્યા હતા. ગામડા ના સબંધી અને કુટુંબી અહી હાજર હતા. અભય ના આગ્રહ થી બન્ને અંદર આવ્યા અને મુખ્ય મહેમાન તરીકે તેમને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા. અભયે માઇક હાથ માં લીધુ.
“ પહેલા તો અહી આવવા બદલ તમારો બધા નો આભાર માનીશ. અહી બધા ને એકસાથે જોઈ ને હું આનંદિત છુ. બધા ને જ અહી બોલાવવા નુ એક ખાસ કારણ છે.. અહી હાજર રહેલા મારા ગામ ના તમામ વડીલ મારા પપ્પા થી અજાણ્યા તો નથી જ! તેમના સંઘર્ષ થી અને તેમના સાહસ થી બધા સંપૂર્ણપણે વાકેફ છે. પપ્પા ની જીન્દગી માં એક એવો સમય હતો જ્યારે તેમને કોઈ એ સાથ નહોતો આપ્યો. અહીં હાજર ઘણા બધા એ તેમને પોતાના ઘર ના દરવાજે થી જાકારો આપ્યો હતો. મારી માં ખૂબ જ બિમાર હતી, અને આ બધુ શા કારણે??
ફક્ત એક જ વાત ને લીધે.
મારા પપ્પા મારી માં ને થોડો સમય ઘરકામ માં મદદ કરતા, જમવાનુ બનાવી આપતા. તેના કારણે તેમને “બાયલા” કહી ને ગામ બહાર કરાયેલા.
હા, અહીં હાજર અમુક એ તો નજરોનજર જોયુ છે આ બધુ, અરે ઘણા તો આ કાર્ય કરવામાં ભાગીદાર પણ છે. એ સમયે મારા મમ્મી ટોચ ના ગાયિકા હતા. ઘણી વખત એવુ બનતુ કે મમ્મી બહારગામ ગયા હોય અને આવવામાં મોડુ થાય તો મમ્મી ને મદદ કરવા પપ્પા ઘર ના ઘણા કામ કરી આપતા અને એ આવે ત્યાં સુધી માં જમવાનુ પણ તૈયાર રાખતા. શુ એક પતિ તેની પત્ની ને મદદ ન કરી શકે? એ કામ પત્ની કરી શકતી હોય તો પતિ એ કરવામાં નાનપ અનુભવે એ ક્યાં ની સમજણ છે? કોઈ પણ કામ નાનુ કે મોટુ નથી હોતુ પણ એને નાનુ કે મોટુ બનાવનાર માણસ ની સોચ નાની હોય છે. પપ્પા ને આ કામ કરતા જોઈ ને ગામ ના લોકો “બાયલો” એમ કહી સંબોધતા.
“અરે બાયલા તો એ આદમી છે જે અમુક રૂપિયા ની કમાણી આપી ને ઘરવાળી ને નોકરાણી સમજે છે.. અને એવી સ્ત્રી ઓ છે જે પતિ ની ખોટી વાતો,આદતો અને હલકાઈભર્યા વર્તન ને તેનુ પૌરૂષત્વ માની ને પતિવ્રતા પત્ની હોવા નુ અભિમાન કરે છે!!”
મને ગર્વ છે કે હુ મારી કમાતી બૈરી માટે જમવાનુ બનાવી આપુ છુ. તેના દરેક કાર્ય ને વહેંચી ને તેને મદદરૂપ બનુ છુ કારણ કે લગ્ન ના ફેરા સમયે, મે તેને જીંદગીભર મિત્ર બની રહેવાનુ વચન આપ્યુ છે અને મિત્રતા માં ક્યાં કોઈ કામ નાનુ કે મોટુ હોય છે!
મારા પપ્પા ના આવા ખુલ્લા વિચારો પર મને ગર્વ છે કે એમણે ક્યારેય સમાજ ની આ ગંદી વિચારધારા ને અપનાવી નહિ. મને યાદ છે, તમારા લોકો ને લીધે તેઓ ને શહેર માં આવી ને વસવુ પડ્યુ હતુ. પપ્પા એ અગાથ મહેનત અને સંઘર્ષ ને કારણે અહીં પણ પોતાનુ અગ્રસ્થાન મેળવી જ લીધુ. એક સમય એવો હતો જ્યારે સમાજ ના લોકો ને એમના વિચારો પસંદ નહોતા અને આ સમય એવો છે જ્યારે એમના વિચારો જાણવા, એમને મળવા લોકો એ સમય લેવો પડે છે. મારા પપ્પા એક બેસ્ટ બિઝનેસમેન , એક પત્નીવ્રતા પુરૂષ છે. અને તે મારા આદર્શ છે જેમના પગલે હું જીવન જીવવાનુ હંમેશા પસંદ કરીશ!
અભય ની વાત સાંભળી ત્યાં બેઠેલા સૌ કોઈ ની આંખો મા આંસુ હતા, કોઈ ના ચહેરા પર અચરજ તો કોઈ ના ચહેરા પર શરમિંદગી હતી અને લીલાબહેન.. નરેશભાઈ અને નિશા ની આંખ માં આત્મીયતા ની હૂંફ હતી.
પાર્ટી પુરી થયા બાદ ચારેય ઘરે પાછા ફર્યા ત્યારે કેટ-કેટલીય યાદો તેમના હ્રદય માં કંડારાઈ ગયેલી, રૂમ માં જતા જ નિશા એ અભય ને કહ્યુ..
અભય મને ગર્વ છે કે તુ મારો પતિ છે અને હું ભાગ્યશાળી છુ કે તુ મને મળ્યો.
આ બધુ ક્રેડીટ તને જાય છે ડાર્લીંગ, તે મને સબંધો નુ મહત્વ શીખવ્યુ છે એટલે જ હું આજ મમ્મી-પપ્પા ને તેમનુ માન પાછુ અપાવી શક્યો!
એક ધ્યેય વિના ના રખડતા જીવન માંથી આ સફળતા મેળવી ને તેને માણી શકુ એવો કાબિલ બનાવ્યો..!
લવ યુ અભય કંઈપણ થઈ જાય, તુ હંમેશા આવો જ રહેજે.. નિશા એ બેડ પર સૂતી વખતે અભય ના કપાળ ને ચૂમી ને કહ્યુ અને વાતો કરતા કરતા બન્ને સૂઈ ગયા.
અભય... નિશા... બ્રેકફાસ્ટ કરવા જલ્દી નીચે આવી જાઓ બેટા.. આજ મમ્મી એ બધા નુ ફેવરીટ બનાવ્યુ છે. લીલાબહેને કીચન માંથી મોટા અવાજે બુમ મારી.
નિશા-અભય અને મમ્મી-પપ્પા ચારેય બ્રેકફાસ્ટ માટે ટેબલ પર ગોઠવાયા. આલુ-પરાઠા, ઈડલી-સાંભર અને પૌઆ જેવી ડીશ થી આજ તો બંગલો મહેંકી રહ્યો હતો.
વાઉઉ, આજ તો મેજબાની મળી ગઈ મમ્મી ના હાથ ની.. અભયે ખુશ થઈ ને ઈડલી સાંભર પોતાની તરફ ખેંચતા કહ્યુ.
બધા નુ મુડ સારુ જોઈ ને નિશા કંઈક કહેવા તૈયાર થઈ હોય એવુ લાગ્યુ પણ કંઈક વિચારી ને એ પાછી શાંતિ થી બ્રેકફાસ્ટ કરવા લાગી.
ક્રમશ: