(આગળ ના ભાગ માં આપણે જોયુ કે અભય એરપોર્ટ થી ટેક્ષી માં નિશા ને યાદ કરતા કરતા ઘરે પહોંચે છે અને મમ્મી-પપ્પા ને મળે છે. તેને ઘરે પહોંચી ને નિશા બહાર ગઈ હોવાની જાણ થાય છે. હવે આગળ...)
નિશા ખૂબ જ સ્વતંત્ર મિજાજ ની હતી, હંમેશા કંઈક નુ કંઈક કરતુ રહેવાના સપના જોતી, અભય એ પણ તેને જેવી હતી એવી જ સ્વીકારી હતી. તેને આગળ વધતા રોકવાની ક્યારેય કોશિશ કરી નહોતી જેમાં મમ્મી પપ્પા નો પણ એટલો જ સાથ મળતા સોના માં સુગંધ ભળી હતી.
નિશા ખૂબ ટેલેન્ટેડ રાઈટર પણ હતી. ફિલ્મ, નાટક, કહાની લેખન થી લઈ ને સંવાદ લેખન, ગીત-ગઝલ હોય કે નિબંધ,વાર્તા અથવા પ્રવાસ વર્ણન હોય, તેના દરેક લખાણ માં મેગ્નિક પાવર હતો.
ઘણા એવા ફિલ્મ હતા જેની સ્ક્રિપ્ટ તે લખી ચૂકી હતી અને તે સુપરહિટ પણ ગયેલી પણ તે ફક્ત એક શરતે જ સ્ક્રિપ્ટ લખવા રાજી થતી કે ભુલ માં પણ પોતે ક્યારેય લાઈમ લાઈટ માં નહિ આવે કારણ કે જો સ્ટારડમ નુ પૂંછડુ વળગે તો પોતાની ગમે ત્યારે, ગમે ત્યાં નીકળી પડવાની આદત પર તેને કંટ્રોલ લાવવો પડશે જે શક્ય જ નહોતુ.
તેને જ્યારે પણ કંઈક લખવાની ઈચ્છા થતી ત્યારે તે આજૂબાજૂ ની દૂનિયા થી દૂર થોડો સમય એકલી નીકળી પડતી અને સફર ના અંતે પોતાની સાથે એક અદભુત રચના પણ આવતી. બેગ માં બે-ત્રણ જોડી કપડા નાખી ને ખભે ભરાવી ને નીકળી પડતી. ક્યારેક કાર લઈ ને તો ક્યારેક ટ્રેન. જેવુ સ્થળ એવી સફર. ક્યા રહેશે, શું ખાશે? કંઈ જ નક્કી નહિ. બસ ઘર થી નીકળતી વખતે માત્ર એક જ વાક્ય મોઢા પર હોય, ‘મમ્મી હું જાવ છુ, વેઈટ ફોર મી!’ જો સામે એવા સવાલો પુછાય કે ક્યાં જાય છે,ક્યારે આવશે, કોની સાથે જાય છે? તો નિશા પાસે તેના કોઈ જવાબ ન હોય, કારણ કે તે પોતે પણ ના જાણતી હોય કે આજે તેનો પ્રવાસ ક્યાં થવાનો છે!
નાની ઊંમર માં જ તેને આ આદત લાગી ગયેલી. તેને કારણે સામાન્ય વિચારસરણી ધરાવતા તેના મમ્મી-પપ્પા તો તેના પર ખૂબ ગુસ્સે થઈ જતા. તેના પપ્પા ને નિશા નુ આમ ગમે ત્યારે બહાર નીકળી જવુ તદ્દન અસ્વીકાર્ય હતુ પણ નિશા માં કોઈ ફેર ન આવતા તેમને આ બધા ની આદત પડી ગયેલી પરંતુ સાસરે આવી ને તે પોતાની જવાબદારી સમજી ને પોતે પાછી ક્યારે આવશે એ કહી ને જ નીકળતી અને લીલાબેન પણ આગળ કોઈ સવાલ પુછ્યા વગર ખુશી ખુશી તેને જવાની પરવાનગી આપી દેતા.
હોસ્પિટલ ના એ બનાવ પછી નિશા બે-ચાર દિવસ સુધી કોલેજ આવી નહોતી. પોતાના આવા નાટકો થી પરેશાન થઈ ને નિશા કોલેજ નહિ આવતી હોય એમ વિચારી ને અભય નિશા પાસે માફી માંગવા તેના ઘરે પહોચી ગયો હતો.
આંટી નિશા ઘરે છે? હુ તેનો ફ્રેન્ડ અભય છુ અમે એક જ ક્લાસ માં છીએ,મારે એની એક બુક જોઈતી હતી તો.. અભયે નિશા ના મમ્મી ને થોડી મુંઝવણ સાથે થોડુ હસી ને બહાર થી જ પુછી લીધુ.
ના બેટા એ ઘરે નથી, અને એ ક્યારે આવશે એ પણ નક્કી નથી.. નિશા ના સ્વભાવ અને ક્રિએટીવીટી વિશે જણાવી ને નિશા ના મમ્મી એ અભય ને કહ્યુ.
નિશા ની આ સ્વતંત્ર, મસ્તમોલા અને બોલ્ડ પર્સનાલીટી જાણી ને તો અભય નિશા તરફ વધારે આકર્ષાઇ ગયેલો.
લગ્ન પછી અભય અને તેના મમ્મી-પપ્પા એ તેના સ્વતંત્ર જીવન ને સ્વીકાર્યુ હતુ. ક્યારેય તેના પર બંધનો કે આદર્શ વહુ બનવાના દબાવો નાખ્યા નહોતા, અભય ના મમ્મી-પપ્પા તો નિશા ને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન અને સપોર્ટ આપતા.
***
અભય ફ્રેશ થવા માટે પોતાની બેડરૂમ માં પહોચ્યો. અંદર પ્રવેશતા જ તેને નિશા ની મૌજૂદગી નો અહેસાસ થયો. નિશા અને પોતાનો વિશાળ ફોટો બેડ ને અડતી દિવાલ માં જ બેડરૂમ માં એન્ટર થતા તરત જ તેને દેખાયો. આખો રૂમ મહેકી રહ્યો હતો. અભય ના ચહેરા પર અજાણતા જ ખુશી દેખાય આવી.
બેડ ને અડકી ને ડ્રોવર હતુ તેના પર નિશા નો નાનો ફોટો હતો તેના પર અભય એ હાથ ફેરવ્યો અને ઘડીભર એ તસ્વીર ને નિહાળતો જ રહ્યો અને ફરી થી પોતાની અધૂરી લવસ્ટોરી ના સ્ટેશન પર પહોંચી ગયો.
હોસ્પિટલ માં એ દિવસે નિશા જે કહી ને ગઇ એ પછી અભય ના જીવન માં ખૂબ જ ફેરફાર આવી ગયો અને ચિરાગ ના પણ!!
અભય હવે કેન્ટીન માં બેસી ને સમય વેડફવાની જગ્યા એ લાઈબ્રેરી માં દેખાતો. નિશા ની આગળ પાછળ ફર્યા કરવાને બદલે સ્ટડી પર ધ્યાન આપવા લાગેલો.પાર્કિંગ માં કે લોન્ગ ડ્રાઈવ ની મજા માણનારો લેક્ચર માં નિયમિત થવા લાગ્યો. રજા ના દિવસો માં મિત્રો જોડે લટાર મારવા ને બદલે ઓફિસે જઈ ને પપ્પા પાસે થી બિઝનેસ શીખવા લાગ્યો. તેનુ જીવન એક સીધી રેખા માં આવી ગયુ હતુ.
કોલેજ નુ ત્રીજૂ વર્ષ કંઇક અજૂગતા બનાવો સાથે પુરૂ થયુ. નિશા એ કોલેજ મા ટોપ કર્યુ. એ બનાવ અજૂગતો નહિ,સંપૂર્ણ અપેક્ષિત હતો પણ ત્રણ ટોપ ના સ્ટુડન્ટ્સ માં ત્રીજૂ નામ અભય નુ હતુ, અને એનાથી પણ વધારે નવાઈ એ હતી કે નિશા અને અભય ફ્રેન્ડ્સ બની ગયા હતા!! અભય નો બદલાવ જોઈ ને નિશા ને બહુ ગમ્યુ અને ધીમે ધીમે બંને ની મિત્રતા થઈ ગઈ. હવે અભય નિશા સાથે તેને ન ગમે એવી વાત કે વર્તન ક્યારેય કરતો નહિ.બન્ને સાથે મળી ને ખૂબ મસ્તી કરતા.
કોલેજ નો એન્યુઅલ ડે નજીક આવી રહ્યો હતો. નિશા અને અભય એ તેમા પાર્ટીસિપેટ કર્યુ. બન્ને વચ્ચે હવે કંઈક તો રંધાવા જ લાગેલુ જેની ગંધ કોલેજ માં ધીમે ધીમે બધા ને આવવા લાગેલી.
હોલ ના પડદા પાછળ થી અવાજ આવ્યો, “અબ આપકે સામને આ રહે હૈ નિશા ઔર અભય”. અભય એ ઝડપ થી નિશા નો હાથ પોતાના હાથ માં લઈ લીધો અને તેની આંખ માં જોઈ ને કહ્યુ, ‘જાણુ છુ ડાન્સ ના થોડા સ્ટેપ્સ વધારે હાર્ડ છે પણ તુ વિશ્વાસ રાખજે મારા પર, કંઈ નહિ થવા દઉં’.
નિશા એ માથુ હકાર માં હલાવી ને હળવા સ્મિત સાથે પોતાનો હાથ અભય ને આપી દીધો.ત્યાં જ સોંગ ના શબ્દો રેલાયા...
“ એક દિન તેરી રાહો મે, બાહો મે પનાહો મે,આઉંગા..
ખો જાઉંગા, એક દિન તેરા હો જાઉંગા...”
અને અભય એ નિશા ને કમર થી પકડી ને હવા માં ઊંચકી લીધી.અભય અને નિશા નો મનમોહક ડાન્સ શરૂ થયો. અભય ક્યારેક નિશા ને પકડતો તો ક્યારેક હવા માં જ ઝૂલાવતો. નિશા ને પણ જાણે અભય પર પૂરો ભરોસો હોય એમ એણે પોતાની જાત ને અભય ને સમર્પિત કરી દીધેલી. અભય અને નિશા એ અદભુત ડાન્સ રજૂ કર્યો, ઓડિયન્સ એ પોતાની સીટ પર થી ઊભા થઈ ને બન્ને ના પર્ફોમન્સ ને વધાવી લીધુ.
પછી ના દિવસે જ નિશા શહેર થી થોડે દૂર અભય ને મંદિર માં દર્શન કરવા લઈ ગઈ.મંદિર ના પ્રાંગણ માં અભય નો હાથ પોતાના હાથ માં લઈ ને કહ્યુ, ‘જેટલો વિશ્વાસ ડાન્સ કરતી વખતે અપાવેલો મને,એટલો જ વિશ્વાસ શુ આખી જિંદગી અપાવી શકીશ તુ’?
એટલે? અભય એ આશ્ચર્ય અને ઉત્સુકતા ભરી નજરે નિશા ને કહ્યુ.
આઇ લવ યુ અભય! તારા માં અલગ જ વર્તન, વ્યવહાર અને ફેરફારો જોઇ ને હુ ધીમે ધીમે તારી તરફ આકર્ષાવા લાગી હતી અને હવે એ આકર્ષણ પ્રેમ માં બદલાઈ ગયુ છે. આડા અવળી વાતો ઘુમાવવા કરતા સીધુ તને પુછવાનુ પસંદ કરીશ કે મારી સાથે લગ્ન કરીશ?
અભય તો ભાવવિભોર બની ગયો.તેની આંખ માં ખુશી ના આંસુ આવી ગયા અને નિશા ને જકડી ને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. જેના માટે પોતે તરસી પડેલો એને આમ સામે થી આવતી જોઈને તે ખુશી કંટ્રોલ ના કરી શક્યો.
અભય તુ મને કંઈપણ જવાબ આપે એ પહેલા હું તને કંઈક કહેવા માગુ છુ. મારો ભુતકાળ! એ બધુ યાદ કરીને હુ દુખી થવા કે તારી સહાનુભુતિ મેળવવા નથી માંગતી પરંતુ મારો લાઈફપાર્ટનર બનતા પહેલા તુ મારા વિશે બધુ જાણી ને જ કોઈ નિર્ણય લેય એ મને વધારે ગમશે... નિશા એ મક્કમ અવાજે કહ્યુ.
તારા પહેલા મારા જીવન માં કોઈ હતુ. કદાચ તને સાંભળવુ નહિ ગમે પણ એની સાથે મારો બહુ ગાઢ સબંધ રહી ચૂક્યો છે. એનુ નામ રવિ હતુ. હું અને રવિ એકબીજા ને બહુ જ ચાહતા હતા. રવિ મારા પપ્પા ના ફ્રેન્ડ નો છોકરો હતો. બન્ને ફેમિલી વચ્ચે બહુ સારા રીલેશન હતા એટલે એ લોકો નુ અમારા ઘરે વારંવાર આવવા જવાનુ ચાલુ રહેતુ. અને અમારૂ મળવાનુ તો ધીમે ધીમે રોજ નુ રુટીન બની ગયુ.
એક વખત વેકેશન માં પપ્પા એ દાદા-દાદી ને મળવા ગામ જવા નુ નક્કી કર્યુ. હુ તેમની સાથે બિલકુલ જવા માંગતી નહોતી પણ દાદા-દાદી ની ઈચ્છા ને વશ થઈ ને મારે પણ જવુ જ પડ્યુ.
ચાર-પાંચ દિવસો જતા રહ્યા. રવિ ને મળ્યા વગર મને ચેન નહોતુ પડતુ અને નેટવર્ક પ્રોબ્લેમ ને લીધે અમારી વાત પણ થઈ નહોતી. આખરે મે ઘરે જવાની જીદ પકડી, કોલેજ ના કામ વિશે કેટલાય બહાના કર્યા પણ મમ્મી-પપ્પા માન્યા નહિ.
થાકી ને છેલ્લે હું એકલા જ ઘરે જવા માટે તૈયાર થઈ. નીકળતી વખતે જ દાદા-દાદી પણ સાથે આવવા તૈયાર થયા એ શરત સાથે કે આપણે તારુ કામ પુરૂ થાય એટલે બે જ દિવસ માં અહી પાછા આવી જઈશુ અને હુ માની ગઈ.
હું ખૂબ જ ખૂશ હતી. ઘણા દિવસ પછી હુ રવિ ને મળવાની હતી અને રવિ પણ આ ગુડ ન્યુઝ સાંભળી ને બહુ ખુશ થયો હતો.
અચાનક જ અમારી કાર ડ્રાઈવર ની બેદરકારી ને લીધે રસ્તા ના કોર્નર તરફ ટર્ન થઈ ને ઊંડી ખાઈ માં પડી. દાદા નુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ અને હું અને દાદી મહિનો હોસ્પિટલ રહ્યા.
હું મહિના સુધી ચાલી શકુ એ હાલત માં પણ નહોતી. ઘણા બધા રીલેટીવ્સ આવ્યા હોસ્પિટલ, પણ જેની વાટ હતી એ ક્યારેય આવ્યો જ નહિ! રવિ ના મમ્મી-પપ્પા પણ આવ્યા હતા તેમની સાથે પણ તે ના આવ્યો. મારા મેસેજીસ, કોલ બધુ જ ઈગ્નોર કરવા લાગ્યો હતો એ. અચાનક આવુ કેમ કરે છે એ હુ સમજી નહોતી શકતી. એની રાહ જોઈ ને સાત-આઠ મહિના થઈ ગયા પણ એણે મને ઈગ્નોર કરવા માં કંઈપણ બાકી મુક્યુ નહોતુ. શારિરીક અને માનસિક બંને રીતે હુ ભાંગી પડી હતી. બીજી બાજૂ, મારી જ જીદ ને લીધે દાદા નુ મૃત્યુ થયુ એ ગમ મને શાંતિ લેવા દેતુ નહોતુ. પ્રેમ શબ્દ પર જ મારો વિશ્વાસ રહ્યો નહોતો.
ત્યારપછી જીવન ની કિંમત મને વધારે સારી રીતે સમજાઈ ગઈ. રવિ એ મારી સાથે કર્યુ એના દુ:ખ માં જીવન પસાર કરવાને બદલે જીવન ને એન્જોય કરી ને કંઈક બનવા ની પ્રેરણા થી હવે હું રવિ ને ભુલી ને ઘણી આગળ વધી ગઈ છુ. આ જ કારણ હતુ કે કોલેજ મા પહેલે થી તારી બાલિશ હરકતો ને હું ઠુકરાવતી આવેલી કારણ કે એ તારો પ્રેમ નહોતો. જીદ હતી,આકર્ષણ હતુ જેનુ પરિણામ કદાચ મારી સાથે એકવાર થયુ એવુ જ ફરીવાર આવત. પણ હવે તારા મા બદલાવ મેં અનુભવ્યો છે.તારા વર્તન મા મારા માટે કાળજી,સન્માન અને વ્હાલ જોયુ છે અને બહુ વિચાર્યા પછી જ તને લાઈફપાર્ટનર બનાવવા નો નિર્ણય લીધો છે… નિશા ની વાત ને અભય કંઈપણ પ્રતિભાવ આપ્યા વગર સાંભળતો રહ્યો. નિશા સાથે જે થયુ એ સાંભળી ને તેના ચહેરા પર દુઃખ સાફ સાફ દેખાઈ રહ્યુ હતુ.
મારી એક શરત છે કે, ક્યારેય જીવન માં એવો સમય આવે કે જ્યારે તને મારા પર પ્રેમ ઓછો થઈ જાય કે બીજૂ કોઈ વ્યક્તિ તને ગમવા માંડે ત્યારે કોઈપણ સંકોચ વગર તુ મને બેસ્ટફ્રેન્ડ માની ને બધા થી પહેલા આ વાત કરીશ. હું તને ક્યારેય એવુ કરવા પાછળ કોઈપણ સવાલ નહિ પુછુ પણ મારા થી છુપાવવા ની કોશિશ કરી ને આપણી વચ્ચે એક દેખાડા નો સબંધ હું ક્યારેય મંજૂર કરીશ નહિ.... નિશા એ ઉમેરતા કહ્યુ.
નિશા આઇ પ્રોમિસ, તુ જીવનભર મારી વાઈફ પહેલા મારી બેસ્ટફ્રેન્ડ વધારે રહીશ.હુ સારી રીતે સમજી શકુ છુ કે તુ મારી પાસે થી અને આપણા રીલેશન થી શુ ઈચ્છે છે. અને તારી ઈચ્છા ને માન આપવા હુ મારા થી બનતી બધી કોશિશ કરીશ.
હુ તને ખૂબ જ પ્રેમ કરુ છુ નિશા, આ મારા જીવન નો બેસ્ટ ડે રહેશે, તારો લાઈફપાર્ટનર બનવા હુ તૈયાર છુ.... અભય એ નિશા નો ચહેરો બંને હાથ થી પકડી ને એની આંખ માં જોઈ ને કહ્યુ.
નિશા ની આંખ મા પહેલીવાર અભયે આંસુ જોયા હતા જે ખુશી ના હતા..!!
ક્રમશ: