No Return - 1 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન - 1

નો રીટર્ન

સસ્પેન્સ થ્રીલર નવલકથા

ભાગ - 1

પ્રવિણ પીઠડિયા

સમય અને સંજાગ જો બળવાન હોય તો વ્યક્તિને રંકમાંથી રાજા બનતા વાર નથી લાગતી અને એ જ સમય જ્યારે વિપરીત થઈ જાય ત્યારે ગમે તેવા ચમરબંધીને પણ ધૂળ ચાટતા કરી નાખે છે. માનવી ભલે પોતાની જાતને સર્વશક્તિમાન સમજે પરંતુ કુદરત માટે તે હંમેશા એક તુચ્છ પ્રાણીથી વધારે કાંઈ નથી. કુદરત, ભાગ્ય, સંજાગો સામે ભલભલાને નતમસ્તક થવું જ પડે છે. જીવનમાં એવા ઘણા સંજાગો ઉભા થાય છે કે જેના પર તમે લાખ કોશિશો કરવા છતાં નિયંત્રણ કરી શકતા નથી. આવું જ કંઈક મારી સાથે પણ બન્યું છે. છેલ્લા છ મહિનાથી સાંજે દરેક વખતે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ‘હે ઇશ્વર,તું મને સંભાળી લે જે.’

મહિનાની પહેલી તારીખ આવવાની હોય એના આગળના દિવસથી જ મારું મન બેચેન થવા લાગે. ગભરામણ અચાનક વધી જાય એવું લાગે કે હમણાં જ મને ચક્કર આવશે ને હું પડી જઈશ. ઉપરવાળો પણ કદાચ મારી પ્રાર્થના સાંભળતો નહીં હોય એટલે દરેક પહેલી તારીખે મને કંઈ નહીં થાય એવી મારી આશાઓ ઉપર પાણી ફરી વળે છે. અને દર વખતની જેમ એ જ ભયાનક સ્વપ્ન મને છળાવી મુકે છે. એ જ ભયાનક અને ડરામણું સ્વપ્ન મને દરેક મહિનાની પહેલી તારીખે આવે જ.....

મને સમજાતું નથી કે મારે શું કરવું ? ડોક્ટરની દવાઓ પણ લઈ જાઈ. હવે તો રમેશભાઈ કે જે અમારા ફેમીલી ડોક્ટર છે એ પણ થાકી ગયા છે. તેઓ દૃઢપણે એવું માનવા લાગ્યા છેકે આ ફક્ત મારા મનનો વહેમ જ છે. હું એવું વિચારું છું કે પહેલી તારીખે મને સ્વપ્ન આવેશે એટલે જ એ સ્વપ્ન મને દેખાય છે. એવું એમણે મને ઘણી વખત કહ્યું હતું. તેમણે બીજા એક સાયકોલોજીના ડોક્ટર પાસે મને મોક્લ્યો પરંતુ એમને ત્યાં પણ બધા રિપોર્ટ નોર્મલ જ આવ્યા. એટલે રમેશભાઈની એ માન્યતા દૃઢ થઈ કે મને મનના વહેમ સિવાય બીજું કશુંજ નથી. હવે હું એમને કઈ રીતે સમજાવું કે મારી હાલત કેટલી દયનીય બની જાય છે. એક દિવસ અગાઉથી જ મારું મન ભટકવા લાગે છે. હાથ પગ ઢીલાપડી જાય છે. અને પરસેવો થવા લાગે, મન અસ્થિર બની જાત જાતના વિચારે ચડી જાય અને લગભઘ આખી આખીરાતો જાગવામાં જ વીતી જાય.

મમ્મી મારી તકલીફો અને તરફડાટ તો સમજે છે. પરંતું એ કરે પણ શું? મારા માટે એણે વ્રતો રાખવાના ચાલુ કર્યાહતા અને મારી પાસે બેસીને એ સાંત્વના આપવાની કોશીશ કરતી. એ બધું વ્યર્થ હતું. કોઈ પણ ઉપાય કારગત નીવડતો નહીં. અને એ જ દુઃસ્વપ્ન મારી જિંદગીને તહસ નહસ કરી નાંખતું હતું. મેં ભગવાનને ઘણી પ્રાર્થનાઓ કરી કે.. ‘હે સર્વ શક્તિમાન ઇશ્વર, હું હારી થાકીને તારા શરણે આવ્યો છું. કોઈક તો ચમત્કાર ઉપાય કરી બતાવ કે જેથી મને આ ભયાનક સ્વપ્નામાંથી મુક્તિ મળે.

***

મારી સમસ્યાની, તકલીફોની શરૂઆત થઈ આજથી બરાબર છ મહિના પહેલા. તે દિવસે પહેલી તારીખ હતી. એ દિવસને હું ક્યારેય ભૂલી નથી શક્યો અને જીવનભર ક્યારેય ભુલાશે પણ નહીં. એ પહેલી તારીખે મારા જીવનની રાહ પલટાવી નાખી હતી. હું જીવુ છું તો સામાન્ય જીંદગી. પરંતુ આ છ મહિના મેં કેમ વિતાવ્યા છે, કેવી ભયાનક માનસિક યાતનાઓ મેં સહન કરી છે એ તો ફક્ત હુંજ જાણું છું.

દરરોજની જેમ એ દિવસેપણ હું મારી બાઈક લઈને કામે જવા નીકળ્યો... હજી ગયા વર્ષે જ કોલેજ પૂરી થઈ હતી ને કોલેજ પૂરી થતા મને તરત જ નોકરી પણ મળી ગઈ હતી. એ ક મોટા ગારમેન્ટના શો રૂમમાં ફ્લોર મેનેજર તરીકેની નોકરી હતી.

આજે પહેલી તારીખ હોવાથી હું દરરોજ કરતાં વધારે ખુશ હતો. કારણ કે આજે પગારનો દિવસ હતો. મારી અપેક્ષા કરતાં મને વધુ સારી નોકરી અને મારા માટે ઘણો જ વધારે કહી શકાય એટલો પગાર મને મળતો હતો. અને મારે કામ શું કરવાનું હતું.... ? ફક્ત મેનેજમેન્ટ. હેન્ડલિંગ. ઘટતો માલ મંગાવવા ઓર્ડર કાઢવાનું તેમજ એ ફ્લોરનું લગભગ બધુંજ મેનેજમેન્ટ મારા હસ્તગત હતું. એક વર્ષમાં તો મારી લાઈફ એકદમ સેટ થઈ ગઈ હતી પરંતુ એ ફીટ લાઈફ આજ પછી બદલાઈ જવાની હતી એ વાતથી તદ્દન બેખબર હું શો રૂમે પહોંચ્યો. સવારે લગભગ અગિયારેક વાગ્યાની આસપાસ શેઠ આવ્યા. તેમણે હિસાબ કરી મારા પગારની રકમ મને આપી. અને બાકીના સ્ટાફના પગારની રકમ મને સોંપીને જતા રહ્યા. મેં તમામ સ્ટાફને પગારની રકમ હિસાબ પ્રમાણે વહેંચી દીધી. શેઠને મારા કામ ઉપર વિશ્વાસ આવીગયો હતો. અને એટલે જ એ ઘણો ખરો વહિવટ મને સોંપી દેતા અને આમ પણ તેઓ ખૂબ જ સમજદાર અને માયાળુ વ્યક્તિત્વના માલિક હતા. મેં ક્યારેય એમના વિશ્વાસને ઠેસ પહોંચે એવું કોઈ કાર્ય કર્યું નહોતું. પૂરી ઈમાનદારી તથા લગનથી હું કામ કરતો જેના ફળ સ્વરૂપે મારા આવ્યા બાદ આ ગારમેન્ટ શોપનો વ્યવસાય પણ ઘણો જ વધી ગયો હતો. ઘણા ગ્રાહકો સાથે તો ઘર જેવા રિલેશન બંધાઈ ગયા હોવાથી તેઓ અમારા સ્ટોરને છોડીને બીજે ક્યાંય જવાનું વિચારતા સુદ્ધાં નહીં.

ખેર.. આખરે તો એ દિવસ પણ દરરોજની જેમ પૂરો થઈ ગયો. રાત્રે ૮ વાગ્યાના સમયે હું બાઈક લઈને ઘરે જવા નીકળ્યો. ભૂખ કકડીને લાગી હતી. એટલે બાઈકની સ્પીડ નોર્મલ કરતાં આજે થોડી વધારે હતી. સ્ટેશન વિસ્તાર પસાર કરી આગળ જતા મોટો ઓવરબ્રીજ આવે છે. એના ઉપર બાઈક ચડાવી. એ મોટો બ્રીજ પૂરો કરી આગળ વધતાં હમણાં જ એક નવો એકાદ કિલોમીટર લાંબો ઓવરબ્રીજ બન્યો છે જેનાથી થોડે દૂર આગળ જમણી બાજુ વળતા મારી સોસાયટી આવે છે. મોટો ઓવરબ્રીજ વટાવી હું એ નવા બનેલા બ્રીજ સુધી પહોંચ્યો. એબ્રીજ ઉપર ટ્રાફિક જામ જેવું વાતાવરણ હતું.

જ્યારે બ્રીજની બાજુમાં જે નીચેથી રસ્તો જતો હતો એ ખાલીખમ હતો.એટલે મેં સાહજીકતાથી બાઈકને નીચેના રસ્તે વાળી...બસ... આ જ મારી મોટામાં મોટી ભૂલ હતી.... ભૂલ કહો તો ભૂલ અને કિસ્મત સમજા તો કિસ્મત. પરંતુ મેં બાઈક નીચેના રસ્તે હંકારી મૂકી. ‘ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે?’ એવું જ કંઈક મારી સાથે બનવાનું હતું. જા મને ખ્યાલ હોત કે મારી સાથે એક ભયાનક ઘટના બનવાની છે તો મેં ક્યારેય બાઈક નીચેથી ન ચલાવી હોત. પરંતુ જે થવાનું છે એ થઈને જ રહે છે.

તમે લાખ કોશીશ કરો છતાં તમારાથી લખેલા લેખ બદલાઈ શકતા નથી. મને મારું નસીબ જ એ રસ્તે લઈ ગયું હતું. મારી સાથે સારું થવાનું હતું કે ખરાબ એ તો મને પાછળથી ખબર પડવાનીહતી. પરંતુ અત્યારે તો મેં ટ્રાફિકના કારણે બાઈક નીચે વાળી. બ્રીજ આશરે એકાદ કિલોમીટર જેટલો લંબાઈનો હતો એ બ્રીજ ચાર રસ્તાની ઉપર બનાવ્યોહતો. એટલે બ્રીજમાં વચ્ચે અડધા કિલોમીટર જેટલો ગેપ હતો કે જેથી નીચેના વાહનો અવરજવર કરી શકે. બ્રીજ બન્યા પછી જા કે ટ્રાફિકમાં ઘણો જ ફાયદો થયો હતો. પહેલા એ ચાર રસ્તા ક્રોસિંગ પાર કરતા સહેજે અડધો કલાક જેટલો સમય લાગતો હતો. પરંતુ હવે નીચે એટલો બધો ટ્રાફિક રહેતો નહોતો કારણ કે મોટાભાગના લોકો બ્રીજ ઉપરથી જ રસ્તો ક્રોસ કરતા હતા.

‘ઓહ માય ગોડ....’ હજુ હું ક્રોસિંગ સુધી પહોંચું એ પહેલા જ મારાથી અચાનક જ ચીસ પડાઈ ગઈ. સામે મને જે દેખાયું એનાથી સ્વાભાવિક રીતે જ મારા મોંમાંથી ચીસ નીકળી પડી. મારી આંખો ફાટી પડી અને હૃદય એક ધબકારો ચૂકી ગયું. એક અસંભવ ઘટના મારી નજર સામે બની હતી જે જાઈને હું ભયભીત થઈ ગયો હતો.

અચાનક રસ્તા વચ્ચે જાણે સુનામીનું પ્રચંડ મોજું આવ્યું હોય એ રીતે પાણીનો આખો પ્રવાહ મારી તરફ ધસમસતો આવી રહ્યો હતો. આ અસંભવ હતું. આવું બને જ કઈ રીતે ? રસ્તાની વચ્ચે જ્યાં પાણીનું ટીપુંય ન હોય ત્યાં આ પાણીનો ધોધ આવ્યો કઈ રીતે ? મારું મગજ બહેર મારી ગયું. શું તાપી નદી ઉપર બાંધેલો ડેમ તૂટી ગયો હશે અને આ પાણી એનું હશે? એ શક્ય નહોતું. તો પછી આ પાણી અહીં કેમ? મારી પાસે એનો કોઈ જ જવાબ નહોતો અને એમ કહો કે એટલું હું વિચારી શકું એટલા સમય મને ન મળ્યો. અચાનક શરીરની સ્વાભાવિક રીએક્શન સિસ્ટમ પ્રમાણે મારાથી હાથ અને પગ બંનેની બ્રેકો એક સાથે લાગી ગઈ. બાઈકની સ્પીડ વધારે હતી એટલે હું પરિસ્થિતિને સમજું અને કાબુમાં લેવા પ્રયત્ન કરું એ પહેલા તો બાઈક સ્લીપ થઈને ઢસડાવા લાગ્યું.

બાઈકની સાથેસાથે હું પણ ઢસડાયો અને એ પાણીનો પ્રવાહ રીતસરનો મારી ઉપર તૂટી પડ્યો. ભયંકર રીતે એ પાણી મારી ઉપર ઝીકાયું. હતું જેના કારણે હું પાણીના પ્રવાહ સાથે ખેંચાતો તણાતો ગયો. હું એ પાણીમાં ડૂબી રહ્યો હતો. અને જબરજસ્ત ગૂંગણામણને કારણે મારાથી થોડું પાણી પીવાઈ પણ ગયું. અને એમાંથી બહાર નીકળવા માટે હાથપગ પછાડવા લાગ્યો. સેકન્ડના વીસમા ભાગમાં આ ઘટના બની ગઈ. મારી સમજણ શક્તિબહેર મારી ગઈ અને હું તો બસ.... એ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. મને કોઈ હવામાં ઉછાળી રહ્યું હોય એ રીતે હું પાણીના વહેણ સાથે ઉછળી રહ્યો હતો. ધીરે ધીરે મારા શ્વાસોશ્વાસ ધીમા પડતા જતા હતા. હાથ પગના ઉછાળા થંભી રહ્યા હતા. અને પાણીમાંથી બહાર નીકળવાના હવાતિયા બંધ થવા લાગ્યા. મને આંખો સામે મારું મૃત્યુ દેખાવા લાગ્યું અને એમજ અનુભવ થતો હતો કે આમારા જીવનની આખરી પળ છે. હું એ પાણીના વહેણમાં ખોવાવા - ડૂબવા લાગ્યો હતો અને છેવટે એક ગાઢ અંધકારમાં હું સરી પડ્યો. એક નિતાંત અંધકાર મને ઘેરી વળ્યો. મારું જીવન સમાપ્ત થઈગયું. હું કદાચ મરી ચૂક્યો હતો. મારા વિચારો થંભી ગયા હતા. હાથ પગ અને આખું શરીર શિથિલ પડી ગયું. અને પ્રગાઢ અંધકાર ભરી નિંદ્રામાં હું ખોવાઈ ગયો. મારી સાથે શું બન્યું હતું અને મારું શું થયું એ કંઈ જ મને યાદ નહોતું. બસ.. હુંતો મરી ગયો હતો.

***

ચાર યમદૂત મને ઉઠાવી રહ્યા હતા. બે યમદૂતોએ મારા હાથ પકડ્યાહતા. અને બીજા બે એ મારા પગ પકડ્યાહતા. એ લોકો મને ઊંચકીને એક જગ્યાએથી બીજી કોઈક જગ્યાએ લઈ જતા હતા. અને એમની આજુબાજુ બીજા ઘણાં બધા યમદૂતો મારી સામે જાઈને ચાલતા હતા. હું એ યમદૂતોના ચહેરા બરાબર જાઇ નહોતો શકતો. બધું જ અસ્પષ્ટ અને ધૂધળું હતું. પરંતુ મને એક વાત નહોતી સમજાતી કે આ લોકો મને ઊંચકી શું કામ કરી રહ્યા હતા? હું તો મરી ગયો હતો અને તો પછી મારા આત્માને ઉંચકવાની શી જરૂર પડે ? મેં ઘણી બધી હિન્દી ફિલ્મોમાં જાયું હતું કે માણસ મરી ગયા પછી આત્માને ફક્ત આજ્ઞા કરો એટલે એ યમદૂતો સાથે ચાલવા લાગે છે. તો પછી શું હું મર્યો નથી? અથવા તો કદાચ યમલોકમાં આ નવી સિસ્ટમ દાખલ કરી હોવી જાઈએ. કે સીધી રીતે ન માનતા આત્માને આમ ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે.

આવી જ રીતે થોડી વાર ચાલ્યા પછી મને એ યમદૂતોએ એક સખત જગ્યા પર સૂવડાવ્યો. મને નીચે મૂકીને એ લોકો મારી આજુબાજુ વીંટળાઈને ઉભા રહી ગયા. અને પછી મારી સામે જાઈ અંદરો અંદર બબડવા લાગ્યા. એમાંથી એકે ઇશારાથી બીજા પાસે કંઈક મંગાવ્યું. એટલે થોડીક વારમાં એના હાથમાં કોઈક વસ્તુ આવી ગઈ. એ મારી પાસે ઘૂંટણિયાભેર બેસી ગયો. અને એણે જે વસ્તુ મંગાવી હતી એમાંથી તેણે મારા ચહેરા ઉપરપાણી જેવું કંઈક છાંટ્યું. બે ત્રણ વખત એણે ક્રિયા કરી પછી બે હાથથી મારા ખભા પકડીને મને હલબલાવ્યો... જાણે કે મને બેઠો કરવા માંગતા હોય.

એ ભાઈ....

એ ભાઈ.... એ યમદૂતો મારા ગાલ પર થપથપાવીને મને જગાડવાની કોશિશ કરી, પરંતુ હું તો જાગતો જ હતો તો પછી શા માટે આ લોકો મને જગાડી રહ્યા હતા? મને કંઈ સમજણ નહોતી પડતી કે આ બધું શું ચાલી રહ્યું હતું? મારા મગજમાં શૂન્યાવકાશ છવાયેલો હતો. મારી આંખો ખુલ્લી હતી અને હું બધું જાઈ સમજી રહ્યો હતો. પરંતુ મારું શરીર સ્થિર હતું. હું હલનચલન નહોતો કરી શકતો... ઇવન મારી પાસે ઊભેલા યમદૂતોની વાતો, એમનો અવાજ હું સ્પષ્ટ સાંભળી શકતો હતો પરંતુ એ શબ્દો મને સમજાતા નહોતા. એ લોકો મને થપથપાવીને ઉઠાડવાની કોશિશ કરતા હતા. પણ મારા શરીરમાં એટલી શક્તિ નહોતી કે હું જાતે ઉભો થઈ શકું. ધીરે ધીરે ફરી પાછો હું અંધાકરમાં સરી પડ્યો. ખબર નહીં કેટલા સમય પછી મારી આંખો ખૂલી. મેં નજર ઉઠાવીને જાયું તો મારી આસપાસ આઠ દસ વ્યક્તિઓ મને વીંટળાઈને ઉભા હતા.

એમાંથી જે ભાઈએ મારા ચહેરા ઉપર કંઈક છાંટ્યું હતું એ મારા ખીસ્સા ફંફોસી કંઈક શોધવાની કોશીશ કરી રહ્યા હતા. મને આંખો ખોલતો જાઈને એ અટકી ગયા અને મારી સામે ટગર ટગર જાવા લાગ્યા.

‘ભાઈ... કેમ છે હવે તને? અમે ક્યારના તને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તું ઘડી ઘડી બેહોશ થઈ જાય છે. હવે કેમ છે તને?’ એ બુઝુર્ગ જેવા દેખાતા વ્યક્તિ એકી શ્વાસે બોલ્યા. એમની વાત સાંભળી મને ભાન થયું કે હું મર્યો નથી. ફક્ત બેહોશ થઈ ગયો હતો. અને આ લોકો કોઈ યમદૂતો નહોતા પરંતુ જીવતા જાગતા માણસો છે જેઓ મને ભાનમાં લાવવાની કોશિશ કરતા હતા. મેં ચારેબાજુ આંખો ફેરવી. અત્યારે હું કોઈકની દુકાનના ઓટલા ઉપર સૂતો હતો. અને મારી આજુબાજુ ઘણા બધા માણસોનુંટોળું જમા થઈ ગયું હતું. એ લોકો આશ્ચર્ય અને કુતૂહલથી મારી સામે જાઈ રહ્યા હતા. પેલા સજ્જને જે કંઈક મંગાવ્યું હતું એ પાણી જ હતું. અને એ મારા ચહેરા પર છાંટ્યું હતું. હજી પણ મારો ભીનો ચહેરો સાક્ષી પૂરતો હતો. ધીરે ધીમે મને તમામ પરિસ્થિતિ સમજમાં આવવા લાગી. અને તુરંત હું બેઠો થઈ ગયો. હું વિસ્ફારીત નજરે આજુબાજુ બાઘાની જેમ જાઈ રહ્યો. ક્યાં છે એ પાણી જે મારા ઉપર ઝીંકાયું હતું ? સામે રસ્તા કોરા હતા. માણસો અવર જવર કરી રહ્યા હતા. અને એટલે સુધી કે મારા કપડાં પર હાથ ફેરવ્યા તો એ પણ સાવ કોરા જ હતા. ભયાનક દુવિધાથી ચારેતરફ હું જાઈ રહ્યો. ક્યાંય પાણીનું નામોનિશાન નહોતું. મારી બાઈક રોડના કિનારે ઉભી હતી, કદાચ આ લોકોએ જ તેને સાઈડમાં લીધી હશે... મેં જે અનુભવ્યું એ સાવ અસંભવ હતું. એ કોઈ સ્વપ્ન નહોતું. મેં મારી સગી આઁખો સામે, પૂરા હોશો હવાસમાં બાઈક ચલાવતા...એ ખોફનાક દૃશ્ય જાયું હતું. ફક્ત જાયું જ નહોતું. એનો પ્રત્યક્ષ અનુભઊવ પણકર્યો હતો. અને એની સાબિતી એ હતી કે મારી બાઈક સ્લિપ થઈ ગઇ અને હું બેભાન થઈ ગયો હતો. ચાલુ ગાડીએ સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં આવું સ્વપ્ન્‌ આવી જ ન શે. મેં જે અનુભવ્યુ એ સાક્ષાત હતું. શું હતું એ બધું ? મને કંઈ સમજાતું નહોતું કે શું બન્યું હતુંં મારી સાથે. હું હતપ્રભની સ્થિતિમાં બેઠો હતો.

લગભઘ પંદર વીસ મિનિટ સુધી હું એ જ અવસ્થામાં બેસી રહ્યો. ધીરે ધીરે મને પરિસ્થિતિનો ખ્યાલ આવતા હું હળવેક રહીને ઉભો થયો. મને બિલકુલ પણ વાગ્યું નહોતું. મને ઉભો થતો જાઈ પેલા વડિલે ટોળાને વિખરાઈ જવાનું કહ્યું. એટલે ધીરે ધીરે બધા વિખેરાવા લાગ્યા. આશ્ચર્યની વાત તો એ હતી કે આટલો ભયંકર રીતે હું સ્લીપ થઈ ગયોહોવા છતાં મારા શરીરે એક નાની સરખી ઈજા પણ નહોતી થઈ. હું સંપૂર્ણ પણે સહી સલામત હતો. મારે દવાખાનાની જરૂર પડે એમ નહોતી. બધા વિખેરાઈ ગયા. બાદ હું અને પેલા વડિલ જ વધ્યા હતા. એ વડીલ મારો હાથ પકડીને એ દુકાનની અંદરલઈ ગયા અને મને ખુરશી પર બેસાડી પંખો ચાલુ કર્યો.

‘આ દુકાન મારી જ છે. તું શાંતિથી બેસ પછી બધી વાત.’ એ વડીલે મારી સામે ખુરશીમાં બેસતા કહ્યું. હું ઘણીવાર સુધી ત્યાં બેસી રહ્યો. પંખાની ઠંડી હવા મારા શરીરમાં પ્રાણ ફૂંકતી હતી. મને હવે સારું લાગતું હતું. મારા ચહેરાના ભાવ વાંચીને વડિલે મારી સાથે વાત ચાલુ કરી.

‘દિકરા .. શું થયું હતું ? આમ અચાનક ગાડી કેવી રીતે સ્લીપ થઈ ગઈ ? મારી દુકાન સામે જ તું પડ્યો એ મેં જાચયું હતું. બીજું કોઇ તો હતું નહીં તો પછી તું કેમ કરતા પડ્યો?’

મને પોતાને પણ ખ્યાલ નથી રહ્યો કે શું થયું હતું. પરંતુ જે થયું હતું એ ઘણું ભયાનક થયું. મને એવું લાગ્યું હતું કે હું મરી ગયો હતો.’

‘હંમમ...’ એમુરબ્બીએ ફક્ત હુંકારો ભર્યો. એમના હુંકારમાં મને કંઈક રહસ્ય જેવું લાગ્યું.

‘જુઓ અંકલ, તમે મને કહેશો કે હું કેવી રીતે પડ્યો ? તમારી દુકાન તો બિલકુલ સામેજ છે. અને તમને મને હમણાંજ કહ્યું કે તમે મને પડતા જાયો હતો. તો પછી પ્લીઝ મને જણાવો કે તમે શું શું જાયું ? મને પોતાને ખ્યાલ નથી કે મારી સાથે શું બન્યુંહતું. મેં જે જાયું , અનુભવ્યું એ બધું સાવ અસંભવ ... અરે અશક્ય જ હતું. એવું બની જ ન શકે. હું મુંઝાઈ રહ્યો છું. તમને જા કંઈ ખબર હોય તો મને જણાવો પ્લીઝ...’

‘જા દિકરા, મેં તને પડતા જોયો હતો. તારી બાઈક જ્યારે સ્લીપ થઈ ત્યારે મારું ધ્યાન રોડ ઉપર જ હતું. મને એવું લાગ્યું કે તે અચાનક ગભરાઈને બ્રેક મારી હતી. એટલે જ તારી બાઈક સ્લીપ થઈ ગયીહતી. તારી એકલાની જ ગાડી રોડ ઉપર હતી. આજુબાજુ માં કેઆગળ પાછળ બીજું કોઈ નહોતું. છતાં તે એકદમ બ્રેક કેમ મારી હતી. તે શું કામ બ્રેક મારી હતી? તને કોઈ ન સમજાય એવો વિચિત્ર ભાસ થયો હતો?’

અંકલની વાત સાંભળી હું ચમક્યો. આ અંકલને કેવી રીતે ખબર પડી કે મને ખરેખર એવો ભાસ થયો હતો. મેં જે પાણીનો પ્રચંડ પ્રવાહ અનુભવ્યો હતો. એવું કશું ખરેખર હતુંજ નહીં. છતાં એનો ભયાનક અનુભવ મને થયો હતો. મારી જિંદગીમાં ક્યારેય ન સમજાય કે ન ભુલાય એવી અનુભૂતિ મને થઈ હતી. અને અત્યારે આ મુરબ્બી પણ મને એવું જ કંઈક પૂછી રહ્યા હતા. તો શું વડિલ આ વિષયમાં કંઈક જાણતા હશે? મારું મગજ સતેજ થઈ ગયું. હવે તો મારે એમને પૂછવું જ રહ્યું અને એના માટે મારે એમને બધી હકીકત કહેવી પડે એમ હતી.

‘હું તમને શું કહું ? હું જે વાત તમને કહીશ એ સાંભળીને તમે મારી ઉપર હસશો. અથવા તો મને પાગલ ગણશો પરંતુ ખરેખર હું કોઈ કારણ વગર પડ્યો નહોતો. મને રોડ ઉપર સામેથી ભયંકર ઝડપે પાણી મારી તરફ ધસમસતું આવતું હોય એવું દેખાયું હતું અને હું હજી કંઈક સમજું એ પહેલા તો એ પાણીનો પ્રચંડ પ્રવાહ મારી ઉપર તૂટી પડ્યો હતો. હું એ પાણીમાં ઢસડાયો તણાયો અને પછી બેહોશ થઈ ગયો. મને એવું લાગ્યું કે હું મરી ગયો પરંતુ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તમે બધા મારી આજુબાજુમાં હતા. અને એ પાણીના પૂરનું કોઈ નામોનિશાન નહોતું. હવે તમે જ કહો અંકલ કે આ બધું સાચું હોઈ શકે? મને તો કંજ સમજાતું નથી. હજું પણ બધું ગોળ ગોળ ફરતું હોય એવું લાગે છે. તમે મને જે રીતે પૂછ્યું એ જાતાં લાગે છે કે તમે જરૂર કંઈક જાણો છો?

શું ખરેખર આ શક્ય છે? તમે શું જાણો છો? પ્લીઝ મને કહો... હું અધ્ધર શ્વાસે બોલી ગયો. મારે ઘણું બધું જાણવું હતું. સમજવું હતું જા આ અંકલ ખરેખર કંઈક જાણતા હશે તો જરૂર મને કહેશે. એવી આશાએ હું એમની સામે જાઈ રહ્યો.

‘હંમમમ.......’ અંકલે ફરી પાછો હુંકાર ભર્યો અને કોઈક ઊંડા વિચારમાં પડી ગયા. ‘જા દિકરા, હું વધુ તો કંઈ નથી જાણતો પરંતુ મને એવું લાગે છે કે તું જે જગ્યાએ પડ્યો એ જગ્યા બરાબર નથી. આભડછેટવાળી અથવા તો એમ કહું તો ચાલે કે એ જગ્યા જ દુષિત છે. આ જ જગ્યાએ અહીં પાછલા ત્રણ મહિનનાની અંદર કમસે કમ ત્રણ વ્યક્તિઓના એક જ જગ્યાએ અને એક સમયે અને એક જ તારીખે એક્સીડન્ટ થાય એ શક્ય નથી. અને આવું બન્યું છે. કોઈ જ દેખીતા કારણ વગર આ જગ્યા ઉપર તારી પહેલા બીજા બે વ્યક્તિઓના કોઈ જ દેખીતા કારણ વગર એક્સિડન્ટ થયા છે. તું એ બંને કરતાં વધુ ભાગ્યશાળી નીકળ્યો કે તને વધારે વાગ્યું નથી. હું તને બધી વાતો વિસ્તારથી જણાવીશ. પરંતુ અત્યારે તને ઠીક નથી લાગતું એટલે તું અત્યારે ઘરે જા.

અને બની શકે તો કોઈ સારા ડોક્ટરને બતાવજે. જા કે તને કોઈ મૂંઢ માર તો વાગ્યો નથી ને ? પછી જ્યારે તું સંપૂર્ણ સ્વસ્થ થઈ જા ત્યારે આવજે હું તને બધી વાત કહીશ.

’ એ અંકલની વાત સાચી હતી. હજુ હું માનસિક રીતે વધુ આઘાત સહન કરવા તૈયાર નહોતો એટલે અહીં ફરી વખત આવવાનું નક્કી કરીને હું ઊભો થયો. ‘ભલે અંકલ, હું બીજી વખત આવીશ, નમસ્તે.

***

મને કોઈ જ જગ્યાએ વાગ્યું નહોતું. હું ધડાકાભેર, ભયંકર રીતે પડ્યો હતો. મારી ગાડી કમસે કમ દસેક ફૂટ ઘસડાઈ હતી છતાં આશ્ચર્યની બાબત હતી કે મારા શરીરના કોઈપણ ભાગ ઉપર જરાપણ વાગ્યું નહોતું. અરે... મને નાનો અમથો ઉઝરડો પણ થયો નહોતો. સૌથી વધુ હેરાનીની વાત એ હતી કે મારી બાઈક ઢસડાઈ હોવા છતાં એની ઉપર એકપણ સ્કેચ થયો નહોતો. એ મેં બરાબર ચેક કર્યું હતું. પેલા અંકલ સાચું કહેતા હતા. કે એ જગ્યામાં જરૂર કોઈક આભડછેટ અથવા એવું કંઈક હશે અને એનો ભોગ હું બન્યો હતો. પરંતુ હું એ વિચારી વિચારીને થાકી ગયો કે જા કોઈ જગ્યા દુષિત હોય તો પછી મને વાગ્યું કેમ નહીં. ? અને એ અંકલના કહ્યા પ્રમાણે તો એ જ જગ્યા ઉપર મારી પહેલા બીજા બે વ્યક્તિઓ પડ્યા હતા અને એ પણ એક જ તારીખે, એક જ સમયે અને એક જ જગ્યા ઉપર. એમાં ત્રીજા હું વધુ ભાગ્યશાળી નીકળ્યો તો પછી પેલા બંનેનું શું થયું હશે? મારી જિજ્ઞાસા વધતી જતી હતી. અને એ જિજ્ઞાસાને શાંત કરવા માટે આજે એ જ અંકલને મળવું પડે એમ હતું. અત્યારે મારા ઘરે પણ કોઈને આ વાત નથી કરવી કારણ કે એક તો મને કંઈ વાગ્યું નહોતું. અને કપડા હજી સારાં હતા એટલે ઘરે કોઈને ખબર પડવાની નહોતી તો પછી નાહકના આ વાત ઘરે કહીને મમ્મી પપ્પાને શા માટે ચિંતા કરાવવી જાઈએ. વળી એ પાછા ડોક્ટર પાસે જવાનું કહેશે જે મારે જવું નહોતું. એટલે હાલ પૂરતું તો ઘરે નહીં જણાવવાનું મનોમન નક્કી કર્યું અને હું ઘરે પહોંચ્યો.

બીજા દિવસે સાંજના સમયે હું અંકલની દુકાને પહોંચ્યો. પેલા બ્રીજને જાઈને મારા મનમાં ઘણાં બધા વિચારો આવી ગયા. સાચું કહું તો મને થોડો ઘણો મનમાં ડર લાગતો હતો કે શા માટે હું આ બધી પળોજણમાં પડું છું. જે થવાનું હતું એ તો થઈ જ ગયું હતું. તો પછી હવે શા માટે મારે એ અંકલને મળવું? એવું પણ બની શકે કે કાલે સાંજે મેં જાયુ તે ફક્ત મારા મનનો વહેમ હોય. અને હું પડ્યો એ ફક્ત માત્ર એક અકસ્માત જ હોય. મારા મનમાં તો કાયમી નીતનવા વિચારો ચાલતા જ હોય છે એટલે ગઈકાલે સાંજે પણ કદાચ એવું જ થયું હોય. કે આ પાણી, દિવાલ, મારા મનનો એક વિચાર જ હોય અને એ વિચાર ચાલતો હોય એ સમયે જ હું બાઈક સાથે સ્લીપ થઈ ગયો હોઉં. આમ મારા વિચાર અને મારું પડવું એ બંને ભેગા થઈ ગયા હોય જેને લીધે મેં એનો પ્રત્ય ક્ષ અનુભવ કર્યો. હોય જે હકિકતમાં હોય જ નહીં. પરંતુ તો પછી એ અંકલે જે વાત કહી એમાં પણ કંઈક તો રહસ્ય હતું જ ને? આવા ઘણા બધા વિચારો કરતો હું એ દુકાને પહોંચવા આવ્યો. ગઈકાલે જ્યાં હું પટકાયો હતો એ જગ્યા ઉપર મેં નજર નાંખી એ જગ્યાને હું ધ્યાનથી જાઈ રહ્યો હતો અને જાત જાતામાં મને એવું લાગવા માંડ્યું કે મારે હવે આ જાણવું જ રહ્યું કે ખરેખર આ જગ્યાનું રહસ્ય શું છે.?

મારા વિચારો ઘડીભર તો ચેન્જ થઈ ગયા હતા. અને આમ પણ મારે કંઈ ગુમાવાનું તો હતુંજ નહીં. મારા મનનું સમાધાન થઈ જાય તો પણ ઘણું. આમ વિચારીને જ મેં એ અંકલની દુકાનનીબહાર ગાડીને સ્ટેન્ડ કરી. મારા જીવનમાં જે ભયંકરમાં ભયંકર, અવિસ્મરણીય અને અલૌકિક બનવાનું હતું અને જેના કારણે મારું સમગ્ર જીવન બદલાઈ જવાનું હતું એની શરૂઆત અહીંથી જ થવાની હતી. એ બાબતથી બેખબર હું બાઈક પરથી નીચે ઉતર્યો. મને અત્યારે બિલકુલ ખ્યાલ નહોતો કે હું સામે ચાલીને મુસીબતમાં મુકાવા જઈ રહ્યો હતો. આજ પછી મારાજ કારણે ઘણાં બધા લોકોની જિંદગીઓ પૂરી થવાની હતી. અને ઘણાં બધાની જીંદગી બચી જવાની હતી. અરે... ખુદ મારી જિંદગી બદલાઈ જવાની હતી. મારા જેવા એક સામાન્ય નોકરીયાત માણસને આગળ જતા અસામાન્ય કહી શકાય એવા હેરત અંગે જ અકસ્માતો અને પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવવાનો હતો. મારા ભાગ્યમાં આ બધું ગઈકાલસાંજે જ લખાઈ ચૂક્યું હતું જેની વિગત લેવા આજે હું અહીં પહોંચી ચૂક્યો હતો. લોકો કહે છે ને કાલે શું થવાનું છે એ કોઇ નથી જાણતું. અને ખરેખર માણસએની આવતીકાલ જાણતો હોત તો એ એવા ઘણા બધા કામો ન કરતા અને આ સમગ્ર સૃષ્ટિ જ થંભી જાત.

‘નમસ્તે અંકલ. મેં એ અંકલની દુકાને પહોંચીને એમને નમસ્તે કહ્યું. એ કોઈ કસ્ટમર સાથે વ્યસ્ત હતા. મને ઇશારાથી ખુરશી પર બેસવા ક્હયું. મેં ખુરશી ખેંચીને કાઉન્ટર પાસે લીધી અને દુકાનનું નિરીક્ષણ કરવા લાગ્યો. દુકાન ઇલેક્ટ્રીકની હતી. એટલે એને લગતો સામાન દુકાનમાં હતો. અંકલ એ કસ્ટમરને સમજાવી રહ્યા હતા. અને એના ગયા પછી મારી પાસે આવ્યા.

‘આવ દિકરા, .. હું તારી જ રાહ જાતો હતો. મને હતું જ કે તું જરૂર આવીશ.’

‘કેમ અંકલ ? એવું પણ બની શકે ને કે ગઈકાલની ઘટનાને એક અકસ્માત સમજીને હું ભૂલી જાઉં અને તમને મળવાનું માંડી વાળું’ મારું મન કહેતું હતું કે તું જરૂર આવીશ જ.

કેમ.... ? એવું તો શું કહેતું હતું તમારું મન?

જો... સાંભળ, તારા પહેલા જે બે અકસ્માત થયા એ વ્યક્તિઓમાંથી એકપણ અહીં બીજી વખત આવવાની હાલતમાં નથી. જ્યારે તું એકદમ સહી સલામત છે એટલે તારું આવવાનું નક્કી જ હતું.’

મારું દિલ એક ધબકારો ચૂકી ગયું. કેમ એવું તે શું બન્યું હતું એમની સાથે....?

‘જો દિકરા... હું તને વિગતે વાત કહું. આમ જોવા જાઓ તો મારી સમજમાં પણ કંઈ નથી આવતું પરંતુ મારું મન એવું કહે છે કે જરૂર કંઈક ભયંકર બનવાનું છે અને આ તો માત્ર એની શરૂઆત છે. મારી જિંદગીમાં હું ક્યારેય આટલો બેચેન નથી થયો જેટલી હમણાં હમણાંથી જ રહું છું. એમાંય ગઈકાલથી તો મારી બેચેની એકદમ વધી ગઠઈ છે. એટલેસુધી કે કોઈ કામમાં મારું મન બિલકુલ ચોંટતું જ નથી. તું નહીં સમજે પરંતુ જેટલી તને મારી વાત સાંભળવાની ઇંતેજારી છે એના કરતાય વધારે હું તને બધું જણાવવા આતુર છું.’

હુંજબરજસ્ત આશ્ચર્ય સાથે અંકલની સામે જાઈ રહ્યો. મને આશ્ચર્ય એ વાતનું થયું કે જે ઉત્સુકતા મને કાકાની વાત સાભળવામાં હતી એના કરતાં વધારે ઉત્સુકતાથી કાકા મને એ વાત કહેવાના હતા. જરૂર કોઈ ગંભીર બીના બની હશે જેના કારણે આટલી મોટી ઉંમરના બુઝુર્ગ વ્યક્તિપણ પોતાની જાતને રોકી શકતા નથી. હવે તો મારે એ વાત જાણવી જ રહી. એમના ચહેરાના હાવભાવ અને બેચેની ઉપરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું કે એ જબરજસ્ત ગડમથલમાં હતા અને આ તરફ મારી ઉત્સુકતા વધતી જતી હતી.

‘અંકલ, .. હું ખુદ તમારીપાસેથી બધુ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છું. ગઈકાલે સાંજે મારી સાથે જે બન્યું એ સાવ અસંભવ જ હતું. એ એક અવિશ્વસનીય બનાવ હતો. તમે એમ કહો છો કે એ જગ્યા પર પાછળા બે મહિનામાં દર પહેલી તારીખે સાંજના સમેય મારા પહેલા બે વ્યક્તિના અકસ્માત થઈ ચૂક્યા છે. અને એ બંનેની હાલત ગંભીર છે તો હવે મારે એ જાણવુંજ પડશે કે શું થયું હતું.... એ બંને સાથે ? શું છે આ જગ્યાનું રહસ્ય....? શા માટે મને કંઈ થયું નહીં...? મારી ઈંતેજારી વધતી જાય છે. માટે પ્લીઝ તમે જે જાણતા હો એ મને કહો...

ઓકે. હું તને બધું પહેલેથી વિગતવાર કહું છું. પહેલા મને તારું નામ કહે.

અમીત

હું સવજીભાઈ... વિસ્તારથી આખી વાત કહું તો એ દિવસે રાબેતા મુજબ હું દુકાને આવ્યો હતો. પહેલી તારીખ હતી. આખો દિવસ કામ ખૂબ જ હતું એટલે સાંજ કેમ કરતાં પડી ગઈ એ ધ્યાન નહોતું. અચાનક સાંજના લગભગ ૮ વાગ્યાની આસપાસ રોડ ઉપરથી એક ભયંકર ધડાકા જેવો અવાજ મને સંભળાયો. જરૂર કોઈ એક્સિડન્ટ થયો હશે એવું અનુમાન કરીને હું ઝડપથી દુકાનની બહાર નીકળ્યો. મારી સાથે સાથે આજુબાજુની દુકાનો વાળા પણ રોડ તરફ દોડ્યા. રોડનું દૃશ્ય ડરાવનારું હતું. રોડની બરાબર વચ્ચોવચ્ચ એક આદમી ચત્તોપાટ પડ્યોહતો. અને એની ગાડી એનાથી ઘણી દૂર ઢસડાઈને ફંગોળાણી હતી. મે તરત જ એ વ્યક્તિ તરફ પગ ઉપાડ્યા. એ જ્યાં પડ્યો હતો એની આજુબાજુ ઘણું બધું લોહી વહી ગયું હતું. અને એ લોહીના ખાબોચિયામાં આળોટતો હતો. અને હજુ લોહી વધ્યે જ જતું હતું. એ વ્યક્તિની આજુબાજુ ઘણા બધા માણસોનું ટોળું જમા થઈ ચૂકયું હતું. છતાં બધા હજી એને જાઈ રહ્યા હતા. કોઈ કાંઈ કરતું નહોતું. મેં તાત્કાલિક મોબાઈલ કાઢી ૧૦૮ નંબર લગાવ્યો. સામેથી ફોન ઉપાડ્યો.

એટલે અહીંની ઘટના અને સરનામું એને જણાવી દીધું. હું એ વ્યક્તિની વધુ નજીક ગયો. લગભગ તારી જ ઉંમરનો છોકરડો હતો. જરૂર એની બાઈક સ્લીપ થઈ ગઈ હોવી જાઈએ. એવું મેં અનુમાન કર્યું.. કારણ કે દેખીતી રીતે તો રોડ ઉપર એના સિવાય બીજા કોઈનું વાહન નહોતું. એને કોઈ જગ્યાએ વધુ વાગ્યું હતું એટલે એના શરીરમાંથી ઘણું બધું લોહી નીકળીને રોડ ઉપર પથરાઈ ચૂક્યું હતું. હું એની પાસે બેસીને વધુ નિરીક્ષણ કરવા લાગ્યો. એ બેહોશ થઈ ચૂક્યો હતો. કદાચ માથામાં વાગ્યું હશે. એવું વિચારીને મેં એના માથાનો ભાગ તપાસી જાયો તો ત્યાં કંઈક વધુ વાગ્યું હોય એવું મને જણાયું નહીં... ત્યાંજ મારું ધ્યાન એની છાતીના ભાગે ગયું. એ લોહી એની છાતીમાંથી નીકળી રહ્યું હતું. વધુ વિચારવાનો કે જાવાનો મારી પાસે સમય નહોતો એટલે મેં મારા ખિસ્સામાંથી રૂમાલ કાઢી એ ભાગ ઉપર દબાવ્યો કે જ્યાંથી લોહી નીકળતું હતું. મને જાઈને બીજા બે ત્રણ વ્યક્તિઓ મારી મદદે આવ્યા. અમે એ છોકરાને ઊંચકીને રોડની સાઈડ ઉપર લીધો. અમે એમ્બ્યુલન્સની રાહ જાઈ રહ્યા હતા.

કારણ કે મને આ મામલો ઘણો નાજુક લાગતો હતો. જા આ છોકરાને તાત્કાલિક સારવાર નહીં મળે તો એની જિંદગીને જાખમ હતું. કેમ કે લોહી ઘણી જ ઝડપે વહી રહ્યું હતું.

અને અમને એમ્બ્યુલન્સની સાયરન સંભળાઈ. એક વ્યક્તિએ હાથ ઊંચો કરીને એમ્બ્યુલન્સને સાઈડ પર લેવરાવી. સાહેબ જરા ઝડપથી જુઓને. આ છોકરાનું લોહી ખૂબ જ ઝડપથી નીકળી રહ્યું છે. એમ્બ્યુલન્સમાંથી ઉતરતા ડોક્ટરસાહેબને મેં કહ્યું. ડોક્ટરે તાત્કાલિક સ્ટ્રેચર લેવરાવી એને એના ઉપર સુવરાવ્યો. અને જે જગ્યાએથી લોહી નીકળતું હતું ત્યાં સારવાર ચાલુ કરી.

તમારામાંથી કોઈ આને ઓળખે છે? ડોક્ટરે અમારા બધા તરફ જાતાં પૂછ્યું. આ છોકરો અમારા બધા માટે અજાણ્યો હતો. એટલે ઓળખવાનો તો સવાલ જ નહોતો. ડોક્ટર સમજી ગયા. એટલે એમણે ફરી પૂછ્યું. તમારામાંથી સૌથી પહેલા કોણે આ વ્યક્તિને આ હાલતમાં જાઈ હતી?

મેં સાહેબ... મેં કહ્યું.

તો એક કામ કરો. તમે મારી સાથે હોસ્પિટલ ચાલો.’

ઠીક છે.... હું ફટાફટ દુકાન બંધ કરીને એમ્બ્યુલન્સમાં બેઠો. એમ્બ્યુલન્સનું સાયરન શરૂ થયું અને ફૂલ સ્પીડમાં ગાડી દોડવા લાગી. ડોકટરે એ છોકરાના શર્ટના બટન ખોલીને જે જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું એના નિરીક્ષણમાં લાગી ગયા. સાથેસાથે રૂ ના સ્પંચથી લોહી સાફ કરી રહ્યા હતા. પરંતુ લોહી અટકવાનું નામ નહોતુંલેતું.

અચાનક...

ઓહ માય ગોડ... ડોક્ટરના હોઠ ગોળાકાર થઈ ગયા. આશ્ચર્યથી એના ચહેરાનો રંગ બદલાઈ ગયો. અને એક સાથે પાંચ છ રૂના પૂમડા એ જખમ પર દબાવી ઉપરથી ટેપ લગાવી લોહી બંધ કર્યું. એના કપાળે પરસેવાની બુંદો સાફ નજરે ચડતી હતી.

ફટાફટ ખિસ્સામાંથી મોબાઈલ કાઢી કોઈકનો નંબર લગાવ્યો અને જેવો સામેથી ફોન રીસીવ થયો કે તરત તેમણે કહ્યું.

હલો ... ચાવડા હું રામાનુજ બોલું છું. જા મારી વાત સાંભળ. એક અર્જન્ટ કેસ છે એટલે તું જલદી સ્મીમેર હોસ્પીટલ પહોંચ. હું એક પેશન્ટને લઈને પહોંચવા જ આવ્યો છું. આ એકપોલીસ કેસ જ છે એટલે તારો જ કેસ છે. મને પેશન્ટની હાલત જાતાં લાગે છે કે આને કોઈએ ગોળી મારી છે.....’

‘હા.. હા... તું જલદી પહોંચ. બાકીની વાતો આપણે ત્યાં જ કરીશું. અને હું જે એડ્રેસ બતાવું ત્યાં તાબડતોડ તારા કોન્સ્ટેબલોને રવાના કર. બની શકે કે તને આ કેસની કોઈ કડી મળી જાય. આટલું કહીને ડોક્ટરે ફોન કાપી નાંખ્યો.

શું વાત કરો છો સાહેબ? આને ગોળી વાગી છે? જબરજસ્ત આશ્ચર્યથી મારું મોં ખુલ્લું રહી ગયું.

હા બિલકુલ સાચી વાત છે કે આને ગોળી વાગી છે. છોકરાની હાલત ખરેખર ક્રિટિકલ છે. કદાચ બચે તો બચે. એના ખિસ્સા જુઓ. એના વિશે કોઈ માહિતી મળે તો એના ઘરવાળાનો કોન્ટેક્ટ (સંપર્ક ) કરી એમને પણ બોલાવી લો. ડોક્ટરે જાતે એના ખિસ્સા તપાસવાનું ચાલુ કર્યું. પેન્ટના પાછળના ખિસ્સામાંથી એનું પર્સ નીકળ્યું.

પર્સમાં થોડા રૂપિયા, ડ્રાઈવિંગ લાઈસન્સ અને બીજા કાગળો હતા. લાઈસન્સમાં નામ લખ્યું હતું. રાજેશ ગીરીશભાઈ મહેતા અને નીચે એડ્રેસ અને લેન્ડલાઈન મોબાઈલ નંબર લખેલો હતો. ડોક્ટરે એ નંબર ઉપર ફોન કરીને એના ઘરવાળાને જાણ કરી સ્મીમેર હોસ્પિટલ બોલાવી લીધા.

તને વિશ્વાસ નહીં આવે અમીત કે ત્યારે મારી હાલત શું હતી ? સવજીકાકાએ એમની વાતને થોડો વિરામ આપતાં મારી સામે જાઈને કહ્યું, જીવનમાં પહેલીવાર મારું નામ એક પોલીસકેસમાં લખાયું હતું. જા કે મને એની ઉપાધિ નહોતી. મને ફક્ત એ છોકરાનું ટેન્શન હતું કે એનું શું થશે? ભગવાનને મેં મનોમન પ્રાર્થના પણ કરી નાંખી હતી કે હે પ્રભુ, તું આ નાનકડા જીવને બચાવી લેજે. એક તરફ હોસ્પિટલમાં એના પરિવારજનોનું આક્રંદ અને બીજી બાજુ પોલીસ ઈન્વેસ્ટિગેશન. ઇન્સ. ચાવડાએ મને બરાબર બધું પૂછી લીધું હતું. કેટલા વાગ્યે આ બન્યું ? કેવી રીતે બન્યું હતું. તમે નજરોનજર શું જાયું. તમે શું શું કર્યું. આ બધા પ્રશ્નો વારંવાર ફેરવી ફેરવીને મને પૂછ્યા. જાણે કે હું જ ગુનેગાર ન હોઉં. લગભગ દોઢેક કલાક એ બધું ચાલ્યું. મને જેટલી ખબર હતી એ બધી વિગતો મેં યાદ કરીને લખાવી દીધી. એ પછી રાત્રે બારેક વાગ્યે મને ઘરે આવવા દીધો અને જરૂર પડ્યે હાજર થવાનું મને જણાવ્યું. મારું એડ્રેસ અને ફોન નંબર લખાવીને હું ઘરે જવા નીકળ્યો હતો. હું જ્યારે ઘરે આવવા નીકળ્યો ત્યારે હજુ પણ એ છોકરો રાજેશ ભાનમાં આવ્યો નહોતો. એનું ઓપરેશન કરી ગોળી તો કાઢી લેવામાં આવી હતી પરંતુ એની હાલત હજુ પણ ક્રિટિકલ ગંભીર જ હતી. જા એ ભાનમાં નહીં આવે તો એની કોમામાં સરી પડવાની શક્યતાઓ હતી. એટલે ડોક્ટરો એને ભાનમાં લાવવાની કોશિશમાં લાગ્યા હતા.

‘દીકરા... આજે એ વાતને બે મહિના થઈ ગયા છે છતાં એ છોકરો ભાનમાં નથી આવ્યો. પોલીસ ઘણી તપાસ કરી પરંતુ હજુ સુધી એના ઉપર ગોળી ચલાવનારને પકડી શકી નથી. અરે, પોલીસને એનો જરાસુધ્ધાં અણસાર કે એક નાનકડો સુરાગ પણ હાથ લાગ્યો નહોતો. પછીથી તો પોલીસ તપાસમાં પણ ઢીલ મુકાઈ ગઈ હોય એવું લાગે છે.

હવે તો એ ભાનમાં આવે અને પોતે જ કંઈક જણાવે તો વાત આગળ વધે એવું છે. હું ત્રણ ચાર વખત એની ખબર કાઢવા એના ઘરે જઈ આવ્યો. એના પરિવારજનોની હાલત મારાથી જાવાતી નથી. અને મારી આંખો પણ ભીની થઈ જતી હતી. એટલે વધારે હું ત્યાં જતો પણ નથી. એ છોકરો એ પરિવારનો એકનો એક દિકરો છે. એ એની નાની બહેન અને એના માતાપિતા. એ બધાને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે એના વહાલસોયા દિકરાને કોઈએ ગોળી મારી હોય. એમની માથે તો જાણે આભ તૂટી પડ્યું છે.’ સવજી કાકાની આંખો ભીની થઈ ગઈ. મને સવજી કાકા ખૂબ જ ભલા અને લાગણીશીલ વ્યક્તિ લાગ્યા. જે બીજાના દુઃખને પોતાનું માનતા હતા.

‘હવે પછીની વાત તને કરું... સાંભળ... બરાબર એક મહિના પહેલા અને રાજેશ મહેતાવાળી ઘટના બન્યા ના બરાબર એક મહિના બાદની પહેલી તારીખે, એ જ સમયે અને એ જ જગ્યાએ ફરીવાર એક ઘટના ઘટી. આ વખતે તો મેં મારી નજરોનજર એ ઘટના નિહાળી હતી. કારણ કે મારું સંપૂર્ણ ધ્યાન રસ્તા ઉપર જ હતું. અને હું મનોમન વિચારતો જ હતો કે આજથી બરાબર એક મહિના પહેલા અહીં જ આ જગ્યા ઉપર પેલા છોકરા રાજેશ ઉપર ગોળીબાર થયો હતો અને આજે એ વાતને એક મહિનો પૂરો થયો છતાં ન તો એની હાલતમાં સુધારો થયો કે ન તો એના પર ગોળી ચલાવરનારા પકડાયા હતા. મારા મનમાં હજી એના વિચારો ચાલતા જ હતા. કે એકદમ પૂરપાટ ઝડપે આવી રહેલો એક બાઈક સવાર એની બાઈક ઉપરથી કંન્ટ્રોલ ગુમાવી બેઠો હોય એ રીતે ધડાકાભેર પડ્યો. આ એટલું ઝડપથી બની ગયું કે મને પણ ખ્યાલ ન રહ્યો કે, કેવી રીતે એની બાઈક સ્લિપ થઈ ગઈ. હું બહાર નીકળીને રીતસરનો દોડ્યો. એ પણ તારાજેવડો જ ૨૦-૨૨ વર્ષનો યુવાનવયનો છોકરો હતો. એને વધારે વાગ્યું નહોતું છતાં એ લંગડાતો લંગડાતો ઉભો થયો. એના પગમાં જરૂર કંઈક વધારે વાગ્યું હતું. મેં એની પાસે પહોંચીને એને ટેકો આપી રોડની સાઈડ ઉપર લાવ્યો. મેં એને પૂછ્યું કે કેમ કરતા ગાડી સ્લીપ થઈ ગઈ. તો એનો જવાબેય તારી જેવો જ મળ્ય. કે અચાનક એને કંઈક વિચિત્ર ભાસ થયો અને આંખે અંધારા આવી ગયા હતા. કદાચ ચક્કર આવી ગયા હતા અને એને કારણે કાંઈ સમજે એ પહેલા તો ગાડી સ્લિપ થઈ ગઈ હતી.

જા કે મારા માટે આ વાત ભયાનક આશ્ચર્યની હતી કે મહિનાની અંદર જ બે વ્યક્તિઓ એક જ તારીખે, એક જ જગ્યાએ અને એક જ સમયે અકસ્માતનો ભોગ બને. જરૂર કંઈક તો હતું જ કે જે સમજાતું નહોતું. એનું નામ પ્રકાશ હતું. કદાચ ગોઠણે સારું એવું વાગ્યું હતું. એને છતાં એ રોકાયો નહીં અને થોડીવાર પછી એ જાતે ગાડી ચલાવીને જતો રહ્યો.

અંકલ, આમા તો કંઈ અજુગતું થયું ન કહેવાય ને?’ મે કહ્યું. ‘કારણ કે તમે જ વિચારો, પહેલા જે રાજેશ પડ્યો હતો એના ઉપર કોઈકે ગોળી ચલાવી હતી તો બનવાજાગ છે કે એના કોઈ દુશ્મને આ હરકત કરી હોય અને બીજા પ્રકાશ, તો તમે કહો છો કે એણે પોતે કબૂલ્યું હતું કે એને આંખે અંધારા આવી ગયા હતા. અને ચક્કર જેવું આવતા એ સ્લિપ થઈ ગયો હતો. રહી સમય, તારીખ અને જગ્યાની વાત. તો આ વિશ્વમાં આવી ઘણી બધી ઘટનાઓ બને છે કે જે આપણી સમજની બહાર હોય, જેને આપણા જેવા સામાન્ય માણસો ચમત્કાર કહે છે તો બની શકે ને કે આ ઘટનાઓ પણ કોઈ ચમત્કારીક રીતે જ બની હોય.’

‘તારી જેમ મેં પણ આવું જ કંઈક વિચાર્યું હતું. પરંતુ તું પડ્યો એને તું શું કહીશ?છે કોઈ જવાબ આનો તારી પાસે ? એ જ તારીખ, એ જ જગ્યા અને એ જ સમય. આ થોડું વધારે પડતું અવિશ્વસનીય છે કે નહીં. ? અને બીજી એક વાત તને જણાવું કે મને પ્રકાશની વાત અને એના ચહેરાના હાવભાવ માં સ્પષ્ટપણે ફરક દેખાયો હતો. એ મને ડરી ગયો હોય એવું લાગતું હતું. પરંતુ એણે મને કંઈ કહ્યું નહી. અને તારી જેમ રોકાયા વગર જલદીથી આ જગ્યાએથી ભાગ્યો હતો. હું કંઈ એને પૂછું એ પહેલા તો એ જાણે આજગ્યાએથી દૂર જવા માંગતો હોય એમ ચાલ્યો ગયો હતો. મારી પાસે ન તો એનું સરનામું છે કે નથી એનો કોઈ કોન્ટેક નંબર. એ પછી એ ક્યારેય આ તરફ આવ્યો સુદ્ધાં નહીં હોય એવું હું દૃઢપણે માનું છું. હવે તું જ વિચાર કે જા આ ફક્ત એક અકસ્માત જ હોય કે ફક્ત સંજાગવશાત જ બન્યું હોય તો પણ શું આ અજુગતું નથી.?’

સવજીકાકાના પ્રશ્ન નિરર્થક નહોતો. આવી તો ઘણી બધી ચર્ચાઓ અમારી વચ્ચે થઈ. લગભગ કલાકેક સુધી વાતો ચાલી પરંતુ હકીકત એ હતી કે અમારા બંનના મન એ સ્વીકારવા તૈયાર નહોતા કે આ ફક્ત એક સંયોગ જ હોઈ શકે. દિલથી દૃઢપણે અમે સ્વીકારવા લાગ્યા કે આ બનાવો જરૂર કોઈ ભયાનક ભવિષ્યની ઘટનાઓ તરફનો ઇશારો માત્ર હતો. જરૂર એવું કંઈક સારું અથવા ખરાબ થવાનું છે. જેના નિમિત્ત અથવા તો એની એક કડી અમારા બંને સાથે પેલા રાજેશ અને પ્રકાશ પણ હતા. હવે આ સિલસિલો ક્યાં જઈને અટકશે એ જાવાનું રહ્યું. જા આવતા મહિને પહેલી તારીખે ફરી કોઈ બનાવ બને તો જરૂર એવી કોઈ બાબત હશે કે જેની જાણ તમને નથી. શું હોઈ શકે એ ? ભવિષ્યની ગર્તામાં શું છુપાયેલું છે એ તો સમય જ કહેશે. હવે અમારે એક મહિનો રાહ જાવી જ રહી. સવજીકાકાને ત્યાંથી નીકળી હું સીધો ઘરે પહોંચ્યો.

***

તો આ હતી મારી હકીકત. જે મારી સાથે બન્યું હતું એવું અગાઉ બે વ્યક્તિઓ સાથે બની ચૂક્યું હતું. હું એ લોકોને ઓળકતો નહોતો છતાં એમની સાથે જાડાઈ ગયો હતો. રાજેશ હજુ સુધી કોમામાં જ હતો અને પ્રકાશનો તો કોઈ સંપર્ક કે અત્તોપત્તો જ નહોતો. એ પછીના મહિનાની પહેલી તારીખે કોઈ જ ઘટના એ જગ્યાએ ન બની. સવજીકાકાએ આખો દિવસ ત્યાંજ ધ્યાન રાખ્યું હતું. પરંતું કંઈજ અજુગતું ત્યારે ન બન્યું. જે બન્યું એ બધું મારી સાથે એ દિવસે રાત્રે બન્યું. મેં જે ગત પહેલી તારીખે પ્રત્યક્ષ ખોફ અનુભવ્યો હતો. એ જ ખૌફનાક ઘટના એ દિવસે રાત્રે મારા સ્વપનામાં દેખાઈ. એ જ પાણીની ભયાનક દિવાલ, મારું ઢસડાવું. તણાવું અને ભયંકર રીતે છળી ઉઠવું. હું પરેસેવાથી રેબઝેબ થઈને ડરનો માર્યો પથારીમાં બેઠો થઈ ગયો હતો. એ ફક્ત એક સ્વપ્ન જ હતું. એવું મન મનાવીને મેં ફરી સુવાની કોશિશ કરી હતી પરંતુ પછી મને સવાર સુધી ઉંઘ આવી જ નહીં. આરી રાત તરફડતા મેં વિતાવી હતી. એ પછીના બીજા બે મહિના પણ પ્રત્યક્ષ રીતે કોઈ ઘટના વગર પસાર થઈ ગયા હતા.

સવજીકાકા વિચારવા લાગ્યા હતા કે બનવાસંજાગ અકસ્માતો થયા હતા. એક એવા સંજાગો કે જેના જવાબ મળવો મુશ્કેલ હતો. કુદરતની એક રમત કે પછી કારીગતી અથવા તો સંજાગો જે ગણીએ તે એ હોઈ શકે છે. રાજેશને ગોળી મારનારનો હજુ સુધી કોઈ અત્તોપત્તો ઠેકાણું પોલીસ મેળવી શકી નહોતી એટલે એ કેસમાં પણ ઢિલાશ મુકાઈ ગઈ હતી. આ ઘટના સાથે સંકળાયેલા તમામ પાત્રો પોતપોતાની રૂટિન લાઈફમાં સેટ થવા લાગ્યા હતા. હું પણ નોર્મલ થવાની ઘણી કોશિશ કરતો હતો છતાં દર મહિનાની પહેલી તારીખની રાતે મારા માટે દુઃસ્વપ્ન બની રહેતી હતી. એ ભયાનક સ્વપ્નો મારો પીછો છોડતા નહોતા. દર વખતે એ ભયાનક સ્વપ્ન મને છળાવી મૂકતું હતું. એ જ ભયાનક પાણીની દિવાલ, મારું તણાવું, ઢસડાવું અને ભયંકર રીતે છળી ઊઠવું. આ ક્રમ સતત મારી સાથે બનતો જ... હું જબરજસ્ત માનસિક તાણ અનુભતો હતો અને સતત આવતા સ્વપ્નથી હું ત્રસ્ત થઈ ગયો હતો. મારી લાઈફ ધીમે ધીમે અપસેટ થવા લાગી હતી. આ વાત મેં સવજીકાકાને પણ કહી તો એમણે આને ફક્ત મારા મનનો વહેમ ગણી માર વાત સાંભળી - ન સાંભળી કરી નાંખી. મારે શું કરવું એ મારી સમજમાં આવતું નહોતું. થાકી હારીને છેવટે હું પ્રભુશરણે ગયો કે હે ઇશ્વર, હવે તું જ મને આ સ્વપ્નમાંથી છુટકારો અપાવ. મારી ઉપર તારી કૃપાદૃષ્ટિ વરસાવ અને આ યાતનામાંથી મને ઉગારી લે.

***

‘બાબુ બોલું છું! લોકલ ફોનના રિસીવરમાં બાબુએ ઘાંટો પાડીને કહ્યું, હવે આ બધું ક્યાં સુધી ચલાવવાનું છે. મને હવે કંટાળાજનક કામમાં બિલકુલ રસ રહ્યો નથી. સાલુ દરરોજ વહેલી સવારતી મોટી રાત્રી સુધી ફિલ્ડિંગ જ ભરવાની. ના કોઈ એક્ટિવીટી કે ના કોઈ એક્સન. છેલ્લા છ મહિનાથી એકનું એક કામ કરીને કંટાળી ગયો છું હવે વધારે સમય મારાથી આ કામ નહીં થાય. તમે બીજા માણસની વ્યવસ્થા કરી લો.’

બાબુ એક જ શ્વાસે એકધારું બોલી ગયો. એ આજે ગુસ્સામાં હતો. છ ફૂટનું ઊંચું દેહાતી શરીર, મોટી મોટી મૂછો અને લાલઘૂમ કરડી આંકોને કારણએ બાબુ દેખાવથી જ ભયાનક અને ક્રૂર લાગતો હતો. એ અત્યારે ફોન ઉપર કોઈક સાથે માથાકૂટ કરવાના મૂડમાં હતો.

‘તું તારું કામ કર બાબુ, વધારે ગરમ થવાની જરૂર નથી સમજ્યો. તને તારા કામના બદલામાં પૂરા પૈસા મળે છે પછી તને પેટમાં શેનું શૂળ ઉપડે છે? અરે, કંઈ પણ કર્યા વગર આટલી મોટી રકમ તને આપશે કોણ? આ તો ખબર નહીં બોસને એ મુડદલ છોકરામાં શું કામ આટલો બધો રસ જાગ્યો છે? તું ચૂપચાપ તારું કામ કર. બોસને જા આ વાતની ખબર પડશે તો તરત તને હટાવીને બીજાને તારી જગ્યાએ ગોઠવી દેશે.

અને પછી તું કામ વગરનો નવરોધૂપ આંટા જ મારજે. અત્યારે તો વગર કોઈ એક્શને હરામના પૈસા તને મળી રહ્યા છે. તો એ લઈ લે અને એશ (જલસા) કર.’ ફોનના સામા છેડેથી બાબુને જવાબ મળ્યો. એ જગતાપ ઢીલ્લોનો અવાજ હતો. બાબુનો ગુસ્સો થોડોક શાંત પડ્યો હતો. ‘સાલા, આ બોસને એક વખત તો મળવું જ પડશે. જાઈએ તો ખરા કે આવા મરેલા છોકરામાં એને શું રસ પડ્યો છે ? છ- છ મહિનાથી એની ફિલ્ડિંગમાં મને લગાવ્યો છે છતાં હજી ધરાતા નથી.’ બાબુના અવાજમાં અણગમો હતો.

એ બધું તને સમય આવ્યે ખબર પડી જશે. અત્યારે તો તારે માથાકૂટમાં પડ્યા વગર એ છોકરાના ઘરની અને એને મળવા આવતા લોકો વિશે માહિતી ભેગી કર સમજ્યો. કોઈક નવા પ્રોગ્રેસ થાય તો તરત મને ફોન કરજે. હવે ફોન મૂક.’

બાબુએ ફોન જારથી પછાડ્યો. અને પછી થૂંક્યો. ‘સાલા... બધા જ સરખા છે.’ મનોમન બે ત્રણ ગાળો બોલીને બાબુ રાજેશના ઘર તરફ ચાલ્યો. એ વિચારી રહ્યો હતો કે બોસને શા માટે આ છોકરામાં રસ હોઈ શકે? એક તો સાવ સાધારણ ઘર છે, ઘરમાં ઇનમીન અને તીન જેટલા ફક્ત ચાર માણસો જ છે. અને એ પણ સાવ સીધા સાદા, બિલકુલ ઉપદ્રવ વગરના. એમાંથી પણ ભાગ્યે જ કોઈ ઘરની બહાર નીકળે છે. ક્યારેક ક્યારેક ઘરનો પરચૂરણ સામાન લેવા પેલી બાઈ અને એની છોકરી બહાર આવે છે. ‘મેં તો સાલું સાંભળ્યું છે કે આ છોકરા પર ફાયરિંગ થયું હતું એમાં બોસનો જ હાથ હતો. પરંતુ શું કામ?’ બાબુ મનોમન બબડતો હતો. ‘હશે કંઈક લોચો ...’

આપણને શું ? આપણે તો કહે તેટલું કરવાનું. અને જલસા કરવાના. આખી દુનિયા જાય તેલ લેવા...’ એ ચાલતો ચાલતો રાજેશના ઘરની બરાબર સામે આવેલા પાનના ગલ્લે પહોંચ્યો. છેલ્લા ઘણાં સમયથી એણે એ ગલ્લાવાળા સાથે ઓળખાણ વધારી હતી અને ત્યાંજ પોતાની બેઠક જમાવી હતી કે જેથી એ રાજેશના ઘર ઉપર નજર રાખી શકે.

***

હું વિહ્વળ થઈ ઊઠ્યો. બસ હવે બહુ થયું. હવે વધારે સમય આ બધું સહેવાય એમ નહોતું. મારી સહનશક્તિ ઘટવા લાગી હતી. ગમે એવું દર્દ થયું હોય તો એ દર્દની દવા લેવાથી તે મટી જાય છે. મોટામાં મોટી તકલીફનું પણ એક નિરાકરણ ચોક્કસ હોય જ છે. જરૂર હોય છે ફક્ત એના નિરાકરણ કે ઉપાય સુધી પહોંચવાની. મારે મારા સ્વપ્નોમાંથી મુક્તી મેળવવી હતી. આખો દિવસ હું એના વિશે વિચાર કરી કરીને થાકી ગયો હતો.

છેવટે મેં મારું મન મક્કમ કર્યું. અને હકિકત પણ એજ છે કે તમે એકવાર મનોમન નક્કી કરીને દૃઢ સંકલ્પ કરો કે મારે મારી તકલીફમાંથી મુક્તી મેળવવી જ છે. તો આ દુનિયાની કોઈ જ તાકાત તમને એમ કરતા અટકાવી શકતી નથી. જરૂર હોય છે ફક્ત દૃઢ ઇચ્છા શક્તિ અને સંકલ્પની. અને મેં એ સંકલ્પ કરી લીધો કે હવે ગમે તે થાય ણારે મારા સ્વપ્નોમાંથી મુક્તિ મેળવવી જ છે. ભલે આ સ્વપ્ના એ ફક્ત મારા મનનો વહેમ જ હોય અને આ નિર્ણયો મેં મારી એક બેવકૂફી સાબિત થાય પરંતુ હું ગમે તે ભોગે, ગમે તે કિંમતે મારા આ સ્વપ્નનો ભેદ ઉકેલીને જ રહીશ. મને પૂર્ણ વિશ્વાસ તો કે આ ભયાવહ સ્વપ્ન એ ફક્ત મારા મનનો કોઈ ફિતુર કે મારું ચિત્તભ્રમ નહોતું. એની પાછળ જરૂર કોઈ કુદરતી ત¥વ હતું જે સ્વપ્નો દ્વારા મને ડરાવી રહ્યું હતું. શું હોઈ શકે એ? એ જગ્યા કે જ્યાં મારું એક્સિડન્ટ થયું હતું શું એ જગ્યા ખરેખર મેલી છે? અને એક મહિના સુધી દર પહેલી તારીખે શા માટે ત્યાં એક્સિડન્ટ થયા? એ પછી કેમ કંઈ થયું નહીં? એ પછી એક્સિડન્ટ ન થયા અને શા માટે મને સ્વપ્નો આવવા લાગ્યા? ઘણા બધા પ્રશ્નો હતા. જેનો જાબ મારે મેળવવો હતો. અને હું એ પ્રશ્નોના જવાબ મેળવીને જ રહેવાનો હતો. એક દૃઢ નિશ્ચય મારા મનમાં આકાર લઈ ચૂક્યો હતો.

મેં શરૂઆતથી જ બધું વિચારવાનું શરૂ કર્યું. ટ્રાફિકના કારણે ઘરે જતી વખતે બાઈક પુલ નીચે ચલાવવી, મને ભયાનક અનુભવ થયો. મારું સ્લિપ થવું, બેહોશ થવું, સવજીકાકાને મળવું, એમણે જે વાત કરી એ રાજેશ અને પ્રકાશ તથા છેલ્લા છ મહિનાથી હું જે સ્વપ્ન જાઉં છું એ તમામ બાબતો મેં એક પછી એક ક્રમબદ્ધ રીતે યાદ કરી જાઈ.

કોઈ ઘટના કે પછી નાનામાં નાની વિગત પણ ભૂલ્યા વગર યાદ કરી. હું અસમંજસમાં મુકાઈ ગયો. હતો કે આ તમામ બાબતો યાદ કરવા છતાં મને કોઈ રસ્તો મળતો નહોતો. હું ગુંચવાઈ ગયો. એક જ વ્યક્તિ મારા મગજમાં ઉભરતી હતી અને એ હતા સવજીકાકા. જે આ ઘટનાઓમાં કોમન (સામાન્ય) હતા. દરેક ઘટના વખતે એમનું હાજર હોવું એ ખૂબ જ અગત્યની બાબત મને જણાતી હતી. આ તમામ ઘટનાઓ સાથે અમે ચાર વ્યક્તિઓ સંકળાયેલા હતા. હું, સવજીકાકા, રાજેશ અને પ્રકાશ. ડોક્ટર રામાનુજ અને ઇન્સ. ચાવડા પણ હતા. છતાં એ લોકો ખાસ નહોતા. અમારા ચારમાંથી જા સવજીકાકા અને મને બાદ કરી નાંખીએ તો બાકીની બે વ્યક્તિ રાજેશ અને પ્રકાશ વિશે મારે તપાસ કરવાની રહેતી હતી.

સૌથી પહેલા તો આ બધા બનાવોની શરૂઆત રાજેશથી જ થઈ હતી. એના પર કોઈકે ફાયરિંગ કર્યું હતું અને એના કારણે એ આજદિન સુધી કોમામાં જ હતો એટલે એ મને કંઈ જણાવી શકે એમ નહોતો. બીજા હતો પ્રકાશ. મેં પ્રકાશને મળવાનું નક્કી કર્યું પરંતુ કેવી રીતે ? એ ઘટના બાદ પ્રકાશનો કોઈ જ પત્તો નહોતો. એ ઘટના બાદ ન તો એ વધુ સમય રોકાયો હતો કે ન તો સવજીકાકા એના વિશે કંઈ જાણતા હતા. પ્રકાશનું કોઈ જ એડ્રેસ નહોતું કે જેના લીધે એના સુધી પહોંચી શકાય. બીજી વખત ક્યારેય એ પેલી જગ્યા ઉપર ફરી વખત દેખાયો નહોતો. તો હવે પછી શું? ફરી પાછો હું એની એ જ સ્થિતિમાં પહોંચી ગયો કે આગળ શું કરવું? મને કોઈ જ રસ્તો દેખાતો નહોતો. કે જ્યાંથી હું મારી તપાસ શરૂ કરી શકું. ક્યાંકથી તો શરૂઆત કરવાની જ હતી. અને શરૂઆત થયા પછી આગળનો માર્ગ આપોઆપ ખુલવા લાગવાનો હતો. મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે જ્યારે આગળ વધવાના તમામ દ્વાર બંધ હોય ત્યારે એક જગ્યાએ ઉભા રહીને રસ્તો ખુલવાની રાહ જાવા કરતાં પાછા ફરી જાઓ અથવા તો તમારી જાતે જ એ રસ્તા ખોલવાની કોશિશ કરો. મારે કોઈપણ સંજાગોમાં પાછળ તો ફરવું જ નહોતું. અને હવે વધુ રાહ જાવા માટે પણ હું તૈયાર ન હતો. એટલે હવે મેં જાતે જ આગળ વધવાનું નક્કી કરી લીધું. ભલે કોઈ પરિણામ મળે કે ન મળે મારે આગળ વધવું હતું એટલે સૌથી પહેલા મેં રાજેશના ઘરે જવાનું નક્કી કર્યું. કાંઈ પણ જાણકારી ન મળે તો પણ એક વખત એના ઘરે જવાનું મેં નક્કી કર્યું.

***

લગભગ સાંજના સાડા સાત આઠ વાગ્યાની આસપાસ હું રાજેશના ઘરે પહોંચ્યો. સવજીકાકા પાસેથી એનું એડ્રેસ મેં મેળવી લીધું હતું. છતાં મકાન શોધવામાં જલદી થાય એ માટે મેં એની સોસાયટીમાં આવેલા પાનના ગલ્લે રાજેશના ઘર વિશે પૂછ્યું. શિયાળાની સાંજ હતી એટલે અંધારું તો ક્યારનું થઈ ચૂક્યું હતું. મારા મનમાં ગડમથલ ચાલતી હતી કે રાજેશના ઘરે જાઉં કે ન જાઉં ? જઈશ તો હું શું કહીશ? શું પૂછીશ? એ લોકો સાથે કેવી રીતે વાતો કરીશ એ મને સમજાતું નહોતું. વારેવારે પાછા ફરી જવાની ઈચ્છા થઈ રહી હતી. એક અજાણ્યા ઘરમાં કેવી રીતે, શું કહીને દાખલ થવું અને કેવી રીતે વાતચીતની શરૂઆત કરવી એ મને સમજાતું નહોતું. હું મૂંઝવણમાં ત્યાં પાનના ગલ્લે જ થોડીવાર ઊભો રહ્યો અને મારી જાતને માનસિક રીતે તૈયાર કરી રહ્યો હતો.

સામે જ રાજેશનું ઘર દેખાતું હતું. અને મને એવું લાગી રહ્યું હતું કે એ મને એના તરફ ખેંચી રહ્યું છે. એક અજાણી, અદૃશ્ય શક્તિ મારા મનને, મને એના મકાન તરફ ધકેલતી હતી. કોઈ મને એ મકાનમાં બોલાવી રહ્યું હતું અને એ ઘર તરફ હું આપોઆપ ચાલવા લાગ્યો. દરવાજા પાસે પહોંચીને મેં બેલ વગાડ્યો. અંદર બેલનો અવાજ પથરાયો એટલે થોડીવાર બાદ એક ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરના બહેને દરવાજા ખોલ્યો.

મેં અનુમાન લગાવ્યું કે એ રાજેશના મમ્મી જ હોવા જાઈએ. મેં એમની સામે બે હાથ જાડ્યાં.

‘નમસ્તે આંટી. ... આ રાજેશનું જ ઘર છે...?’

‘હા... તમે કોણ?’

‘હું રાજેશનો મિત્ર છું. અમીત. ઘણાં વખતથી હું બહારગામ હતો. હમણાં થોડાં દિવસ પહેલાં જ સુરત આવ્યો આજે મને રાજેશ વિશે જાણવા મળ્યું કે એને એક્સિડન્ટ થયો છે એટલે તાત્કાલિક એને મળવા દોડી આવ્યો છું. ક્યાં છે એ ? શું હું એને મળી શકું?

‘હા, હા.. કેમ નહીં ? અંદર આવ.’

હું ઘરમાં દાખલ થયો એ સાથે મને ખ્યાલ નહોતો કે બે આંખો મારી પીઠને તાકી રહી હતી. એ બાબુ હતો. જ્યારે મેં રાજેશના ઘરનું સરનામું પાનના ગલ્લા ઉપર પૂછ્યું ત્યારે એ સતર્ક થઈ ગયો હતો. મારા ઘરમાં દાખળ થતા જ તે ઊભો થયો અને થોડે દૂર આગળ જઈને પીસીઓમાંથી એક નંબર ડાયલ કર્યો.

રાજેશનું ઘર ચોખ્ખું અને વ્યવસ્થિત હતું. એ રાજેશના મમ્મી જ હતા. મને રાજેશના રૂમમાં લઈ ગયા. રૂમમાં પલંગ ઉપર રાજેશ મને દેખાયો. હું એને જાઈ રહ્યો. લંબગોળ ભાવવાહી ચહેરો, થોડા વાંકડિયા અને અસ્તવ્યસ્ત વાળ લગભગ મારી જેટલી હાઈટ, શરીર એકવડિયું. ઘઉંવર્ણો રંગ અને માંદગીના કારણે ઊંડી ઉતરી ચૂકેલી આંખો.

ચહેરો પીળાશ પડતો થઈ ગયો હતો. એની ખુલ્લી આંખો એકીટશે છત ઉપર તકાયેલી હતી ન કોઈ હલનચલન કે ન તો કોઈ ચહેરા પર ભાવ. એ એકદમ સ્થિર... કોઈ બેજાન પૂતળાની જેમ પથારીમાં સૂતો હતો.

‘આજે ઘણા મહિનાથી એ આમ જ છે. કંઈ જ બોલ્યો નથી. ડોક્ટરોએ ઘણી કોશિશ કરી જાઈ પરંતુ પરિણામ શૂન્ય. ડોક્ટરો કહે છે કે એ કોમામાં છે. રાજેશની સાથે અમારી પણ જિંદગી પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે. રાજેશના મમ્મીનો અવાજ ગળગળો થઈ ગયો. આંખોના ખૂણામાં પાણી ધસી આવ્યું હતું. સાડીના છેડાથી આંખો લૂછતાં મને કહ્યું, તું બેસ દીકરા.... રાજેશના પપ્પા તો કામ પરથી મોડા આવશે. હું ચા બનાવી લાઉં.’

‘અરે , નહીં આંટી.... તકલીફ કરવાની કોઈ જરૂર નથી.’ મેં રાજેશના પલંગ નજીક ખુરશી પર બેસતાં કહ્યું, આમ પણ હું ચા પીતો નથી. રાજેશ અને હું ઘણા સારા મિત્રો છીએ. જ્યારે મને એના એક્સિડન્ટની ખબર પડી અને જાણવા મળ્યું કે એ કોમામાં છે. ત્યારે મને વિશ્વાસ જ ન થયો. તરત જ તમારા ઘરે આવ્યો છું. હું અનાયાસે જ બધું બોલતો જતો હતો. મને ખુદને અચરજ થતું હતું કે ખોટું બોલી રહ્યો હતો છતાં મારો અવાજ સહેજપણ ધ્રુજતો નહોતો.

‘અરે દિકરા, તું પહેલી જ વખત અમારા ઘરે આવ્ય છે એટલે ચા તો પીવી જ પડશે. આમ પણ હવે અમે અમારી પરિસ્થિતિ, અમારા ભાગ્યથી સમાધાન કરી લીધું છે. એકનો એક લાડકવાયો દીકરો છે અને એને ભગવાને આવડી મોટી તકલીફ આપી દીધી. હવે તો એ જ અમારા રાજેશને સાજા નરવો કરી દે. ખબર નહીં મારા દીકરા રાજેશે એવું તો બીજાનું શું બગાડ્યું હશે કે કોઈકે એને ગોળી મારી દીધી. સાવ સીધો સાદો અને ભોળો છે મારો રાજેશ. આજ સુધી એની કોઈ જ ફરિયાદ નથી આવી. તો પછી એની સાથે જ આવું કેમ થયું? પોલીસ પણ એને પકડી નથી શકી. અરે... એક નાનો સરખો સંદેશો પણ નથી મળ્યો કે કોણે આ કર્યું? ફરી પાછી એમની આંખો ભરાઈ આવી એટલે ઝડપથી એ રસોડા તરફ ચાલ્યા ગયા. એમનો વલોપાત જાઈને હું પણ ભાવુક થઈ ગયો. એ ગયા એટલે મેં રાજેશ તરફ નજર કરી એના સપાટ, સ્થિર ચહેરાને હું નીરખી રહ્યો. મેં એના ખુલ્લા હાથમાં મારો હાથ મૂક્યો. ‘જા દોસ્ત ... હું નથી જાણતો કે હું અહીં શા માટે આવ્યો છું. પરંતુ હું તારી તકલીફો સારી રીતે સમજી શકું છું. તું કોમામાં સરીને જે તકલીફો વેઠી રહ્યો એ જ તકલીફો હું જીવતા જાગતા વેઠી રહ્યો છું. ફરક ફક્ત એટલો જ છે કે હં અત્યારે તારી સામે બેઠો છું અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો છું આ પહેલા આપણે ક્યારેય મળ્યા નથી. છતાં હું તારી મમ્મી પાસે જૂઠું બોલ્યો છું. એટલે તું મને માફ કરજે. મને એવું લાગે છે કે જરૂર તારો અને મારો કોઈક તો સંબંધ છે જ. નથી જાણતો કે એ શું હોઈ શકે? ‘જે હોય તે મિત્ર, હું આ બધી બાબતોની તપાસ તો જરૂર કરીશ જ. હું અહીં એવી આશાએ આવ્યો હતો કે મને અહીંથી કોઈ રસ્તો, કોઈ સુરાગ મળે કે જેથી મારા મનનું સમાધાન થાય. મને સતાવતા ભયંકર સ્વપ્નાઓનું કોઈ નિરાકરણ મળે પરંતુ તારી હાલત સામે મારી તકલીફો તો સાવ નગણ્ય છે. તારા મમ્મીનો વલોપાત મેં જાયો, સમજ્યો છે. એ બોલ્યા તો ઘણું ઓછું છતાં એમના શબ્દો કરતાં એમનું દર્દ ઘણું વધારે છે. તારા ઘરના બીજા સદસ્યોને તો હું મળ્યો નથી. છતાં અનુમાન લગાવી શકું છું કે એમની સ્થિતિ પણ આવી જ હશે. મને ખબર નહોતી કે અચાનક હું ગળગળો થઈ ગયો હતો. આ બધો સંવાદ મેં મનોમન રાજેશ સાથે કર્યો હતો અને મારા હાથ હજી પણ એના હાથમાં જ હતો.

રાજેશના મમ્મી ચા બનાવીને આવ્યા ત્યાં સુધી હું એમજ બેસી રહ્યો. રાજેશની ભાવવાહી કોરી આંખોમાં તાકીને.

‘લે દીકરા... ચા ...’ એમણે મારા તરફ કપ લંબાવ્યો. ‘પૂજા હમણાં જ આવતી હશે. એ ટ્યુશને ગઈ છે. એ છોકરી પણ બિચારી બહુ જ હિજરાય છે. એને રાજેશ પ્રત્યે બહુ જ લાગણી છે. જ્યારથી રાજેશની આ પરિસ્થિતિ થઈ છે ત્યારથી એ બિચારી પણ અડધી થઈગઈ છે. તું અને રાજેશ સાથે ભણતા હતા?

‘ના રાજેશ મારા એક મિત્રનો મિત્ર છે. એ બહાને અમે ઘણીવાર મળ્યા હતા.

અમારી દોસ્તી એવી રીતે થયેલી.’ મેં ચાનો કપ ખાલી કર્યો. ‘હવે હું જઈશ.’ ઊભા થતાં મે કહ્યું.

‘થોડીવાર બેસ તો આના પપ્પા આવી જશે. એમને મળીને જજે.’ ‘નહીં... અત્યારે મારે મોડું થશે. હું ફરીવાર ચોક્કસ આવીશ. મારા લાયક કોઈ કામકાજ હોય તો મને જરૂર કહેશો. મારું નામ અમિત છે. અને આ મારો ફોન નંબર છે.’ મેં મારું કાર્ડ એમને આપતા કહ્યું.

‘ઠીક છે.’ મારું કાર્ડ લેતા એમણે કહ્યું. અને પછી મને છેક બારણા સુધી વળાવવા આવ્યા.

***

એને હમણાં હાથ લગાડતો નહીં. આ પહેલાં પણ આપણે એના ઘરે આવતા તમામ વ્યક્તિઓને પકડીને એની પૂછપરછ કરી ચૂક્યા છીએ. એ બધા એના સગલાંઓ નીકળ્યા હતા અને બની શકે છે કે આ છોકરો પણ એનો કોઈ સગો જ હોય. એની પાસેથી ખાસ કંઈ જાણવા ન મળે તો આપણી મહેનત પાણીમાં જાય. એટલે જા આ છોકરો ત્રણ ચાર વાર ફરીથી આવે અને તને એની ઉપર શંકા જાય તો જ એને ઉઠાવજે.

પછી જાઈ લઈશું. પરંતુ હમણાં તું તારા હાથને ખામોશ રાખજે.’ જગતાપે બાબુને ફોનમાં કહ્યું.

‘ભલે’ બાબુએ રિસીવર મૂક્યું. લગભગ પંદર વીસ મિનિટ બાદ એ અમીતને રાજેશના ઘરેથી નીકળતા જાઈ રહ્યો.

***

મોટી ભાવવાહી આંખો, ફૂલ જેવા કોમળ હોઠ, હોઠના ધનુષ જેવા વળાંક પર સુંદરતાને ચાર ચાંદ લગાવતો નાનો અમથો કુદરતી તલ. લાંબુ તીણું અણીયાળું નાક, ગુલાબની પાંખડીઓના રસમાંથી બનાવ્યા હોય એવી આછી ગુલાબી ઝાંયવાળા ગોરા ગોરા થોડા ભરાવદાર ઊભરતા ગાલ, દાડમના દાણા જેવા વ્યવસ્થિત એક લાઈનમાં ગોઠવીને મૂક્યા હોય એવા સફેદ - ધવલ દાંત. હસતી વખતે ગાલમાં પડતું નાનું એવું ખંજન કોઈના પણ દિલ ઉપર ખંજર ચલાવવા પૂરતું હતું. લગભગ પાંચ ફૂટ સાત ઈંચની ઊંચાઈ, ચાલમાં ખુમારી સાથે નજાકત ભળતી હતી. એકદમ ટટ્ટાર, સુંદર જાણે કોઈ ફિલ્મની હિરોઈન હોય એવું રૂપ હતું પૂજાનું. થોડું ભરાવદાર શરીર, આછા સ્કાય બ્લ્યૂ કલરનો સ્લિવલેસ ડ્રેસમાં ખૂબ જ શોભતું હતું. ઉન્નત ભરાવદાર સીને પર દુપટ્ટા સંવારતી એ સ્કૂટી ચલાવી એના ઘરે પહોંચવા આવી હતી. લાંબા, નાજૂક ગોરા હાથોમાં ડ્રેસને મેચિંગ થાય એવા કલરનો બ્રેસલેટ અને કાનમાં નાના નાના હિરાજડિત એરીંગ્સ પહેર્યા હતા. સાક્ષાત સુંદરતાની દેવી જ જાઈ લો. અત્યારે એની આંખોમાં અજીબ ઉદાસી પથરાયેલી હતી. જે એની સુંદરતામાં ભોળપણ અને સાદગીનો રંગ ભરી રહી હતી. ભગવાને ખૂબ જ નવરાશમાં પૂજાને બનાવી હતી.

‘સાલી ફટકો છે ફટકો, એક વખત તો આ રૂપના પૂતળાને ભીંસમાં લેવો જ પડશે.

નહીંતર મને ચેન નહીં પડે. ઉપરવાળાએ પણ શું ચીજ બનાવી છે. ગમે ત્યારે મોકો જાઈને તરાપ મારવી જ પડશે. પછી ભલેને જગતાપ મને ગોળીએ દઈ દે.’ બાબુ પૂજાને જાઈને મનોમન બબડ્યો. પૂજાને જાઈને એને કંઈનું કંઈ થઈ જતું અને એ પોતાની જાતને સંભાળી નહોતો શકતો. બીડીઓ ફૂંકી ફૂંકીને પીળા પડી ગયેલા દાંત બતાવીને એ મનોમન કુટીલ રીતે હસ્યો. પૂજા અત્યારે એના ઘરના આંગણામાં સ્કૂટી પાર્ક કરી રહી હતી.

‘મમ્મી, ભાઈને કેમ છે?’ લગભગ દરરોજનો આ ક્રમ હતો. જ્યારે પણ પૂજા બહારથી આવીને ઘરમાં પગ મૂકે એટલે આ પ્રશ્ન એ મમ્મીને પૂછતી જ.

ઠીક છે. એમ ને એમ જ છે. હા. પરંતુ આજે તેનો કોઈ અમીત નામનો મિત્ર એને મળવા આવ્યો હતો.’

‘અમીત.’ પૂજાએ થોડીવાર વિચાર્યું. નામ તો ક્યારેય સાંભળ્યું નથી. અજાણ્યું છે.

ભાઈના લગભગ બધા જ મિત્રોને હું ઓળખું છું. એમાં અમીત તો કોઈ છેજ નહીં. શું કહેતો હતો ?’ પૂજાએ બેગ નીચે મુકી સોફા પર બેસતા પૂછ્યું.

‘કંઈ ખાસ નહીં.... એ ઘણા સમયથી બહારગામ ગયો હતો એટલે એને રાજેશ વિશે ખબર નહોતી. એ છોકરો દેખાવમાં તો ઘણો જ સંસ્કારી લાગ્યો. એનું કાર્ડ આપીને ગયો છે.’

‘જાવા દે તો.’

વિઝિટીંગ કાર્ડ હાથમાં પકડી પૂજા એને જાઈ રહી. અમીત એમ. નીચે સરનામું, લેન્ડલાઈન ને મોબાઈલ બંને નંબર લખ્યા હતા. ‘કોણ હશે અમીત ? ભાઈની સાથે તો ક્યારેય આ નામવાળા છોકરાને જાયો નથી. હશે કોઈ દૂરનો મિત્ર.’ એમ વિચારીને પૂજા હાથ મોં ધોવા અંદર ચાલી ગઈ.

‘પૂજા....ઓ પૂજા.... જલદી આવ.’ યશોદાબહેનથી રાડ પડાઈ ગઈ. એ રાજેશની રૂમમાં ઊભા હતા. અને એમની નજર રાજેશના ચહેરા પર સ્થિર થઈ હતી.

પૂજા બાથરૂમમાં મમ્મીની રાડ સાંભળીને દોડતી રાજેશના રૂમમાં પહોંચી. અંદરનું દૃશ્ય જાઈને એ હેબતાઈ ગઈ. મમ્મી પલંગ પાસે એકદમ સ્થિર ઊભી હતી. અને રાજેશની સામે જાઈ રહી હતી. રાજેશ પહેલાની જેમ જ સ્થિર હતો પરંતુ એની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી. બે ઘડી તો પૂજા પણ કંઈ બોલી ન શકી.

‘મમ્મી....’

‘તારા પપ્પાને જલદી ફોન કર અને કહે કે ડોક્ટરને પણ સાથે લેતા આવે.’

યશોદાબહેનની આંખોમાંથી પણ હર્ષના માર્યા શ્રાવણ ભાદરવો વહેવો શરૂ થઈ ગયો હતો. એને હજી વિશ્વાસ નહોતો આવતો કે રાજેશ કોમામાંથી બહાર આવી ગયો હતો. પૂજા દોડીને પપ્પાના મોબાઈલ ઉપર ફોન કરીને બધી વાત કરી અને જલદીથી ડોક્ટર સાહેબને લઈને ઘરે આવવા કહ્યું. એ પાછી એની મમ્મી પાસે આવી. એ પણ રડું રડું થવા લાગી હતી.

‘ભાઈ... ઓ ભાઈ.... તું મને સાંભળે છે?’ પૂજા એનું રડવાનું રોકી ન શકી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ‘મમ્મી , ભાઈને સારું થઈ ગયું છે ને ?’ પૂજાએ એની મમ્મી સાથે જાતા પૂછ્યું. પૂજા જેવી જ હાલત યશોદાબહેનની હતી. એ રાજેશના પલંગ પર બેસી ગયા હતા. અને એના કપાળે અને વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં રડી રહ્યા હતા. રાજેશની આંખો હજી પણ સ્થિર જ હતી. પહેલાની જેમ, પરંતુ એમાંથી અશ્રુઓની ધારા એકધારી વહી રહી હતી.

ખૂબ જ ઝડપથી ગીરીશભાઈ ડોક્ટરને લઈને ઘરે પહોંચી ગયા.

ગીરીશભાઈના ઘરમાં ખુશીનો માહોલ હતો... ધમાચકડી મચી ગઈ હતી. આજુબાજુના ઘરવાળાઓ પાડોશી હોવાના નાતે ભેગા થઈ ચૂક્યા હતા. પાંચ છ પાડોશીઓ હજી બહારજ ઉભા હતા. જેમાં બાબુ હળવેક રહીને સામેલ થઈ ચૂક્યો હતો.

પપ્પાને આવતા જાઈ પૂજા દોડીને એમને વળગી પડી. ‘પપ્પા, જુઓ ભાઈને સારું થઈ ગયું છે.’ ગીરીશભાઈએ પૂજાને પડખામાં લીધી અને રાજેશની રૂમ તરફ ચાલ્યા. યશોદાબહેને ડોક્ટર માટે જગ્યા કરી આપી. ડોક્ટરે સૌ પ્રથમ તો રાજેશના ધબકારા ચેક કર્યા જે પહેલા કરતાં વધુ ઝડપી હતા. એની આંખો ચેક કરી, હાથની નાડી હાથમાં લઈ એના ધબકારા ગણ્યા. થોડીવાર સુધી બધું બરાબર ચેક કરીને એ ગીરીશભાઈ તરફ ફર્યા. સારા સમાચાર છે કે રાજેશે ઘણા મહિના પછી પહેલી વખત કોઈ પોઝીટીવ રિસ્પોન્સ આપ્યો છે. આના ઉપરથી અનુમાન કરી શકાય કે એની હાલત સુધારા ઉપર આવી છે. છતાં પાકી માહિતી તો ત્યારે જ મળશે જ્યારે આપણે એના બે ત્રણ રિપોર્ટ કરાવાના છે. એ કરાવી લઈએ. એનું રીઝલ્ટ જાઈને જ કંઈ નિર્ણય લઈ શકાય.’ ડોક્ટરે મોબાઈલ પર વાત કરી રિપોર્ટ કરવાવાળા ને ઘરે જ બોલાવી લીધો.

‘તમે ચાલો મારી સાથે....’ ડોક્ટર ગીરીશભાઈને લઈને બહાર આવ્યા.‘જુઓ ગીરીશભાઈ, મારો અનુભવ કહે છે કે આ એક સારી નિશાની છે. રાજેશે ઘણા સમય પછી કંઈક તો રિસ્પોન્સ આપ્યો. પરંતુ હજુ એને બિલકુલ સારું થઈ ગયું છે અને એ કોમામાંથી બહાર આવી ગયો છે એવું ચોક્કસ પણે ન કહી શકાય. હજુ એનું શરીર કોઈ પ્રતિક્રિયા આપતું નથી. એટલે એ કદાચ માનસિક કોમામાંથી તો બહાર આવ્યો છે. પરંતુ શારીરિક રીતે એ કોઈ ક્રિયા કરવા અસમર્થ છે. એટલે સુધી કે એ પોતાની આંખની કિકીઓ પણ હલાવી શકતો નથી. મારા અનુભવ પ્રમાણે કહું તો એ સાંભળે છે પરંતુ એનું શારીરિક રીએક્શન કંઈ જ નથી. તમે સમજા છો ને મારી વાત ને...?’

‘હા... હું સમજી રહ્યો છું.’

‘હમણાં થોડી ધીરજ રાખો અને ઘરના બધાને પણ ધીરજ બંધાવો. બે ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જાય પછી સાચી અને ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે. ત્યાં સુધી ઘરના બધાને સમજાવીને શાંત પાડો કે ઝાઝી હો - હા ન કરે. હમણાં જરૂર વગર બીજાને આ વાત જણાવવાની પણ જરૂર નથી. બની શકે છે કે જેમ રાજેશની એક ઇન્દ્રિય કામ કરતી થઈ છે તેમ આપમેળે જ એની બધી ઈન્દ્રિય કામ કરતી થઈ જાય. કોમાની હાલતમાંથી દર્દી સાજા પણ ખૂબજ ઝડપથી થઈ જાય છે. ઘણા દાખલાઓ એવા પણ છે કે વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ અચાકન કંઈક એવું બને કે જેના કારણે દર્દી ફરથી સાજા થઈ જાય છે. અને નોર્મલ જીંદગી જીવવા લાગે છએ. માટે થોડી ધીરજ રાખજા.

‘ઠીક છે. હું બધાને સમજાવી દઉં છું.’

‘અને હા... હમણા બીજા કોઈને આ વિશે કોઈ જ જાણ ન કરતા, મારો મતલબ સમજા છો ને તમે ... ?’

‘હા... આના વિશે તમે કોઈ અભિપ્રાય આપો પછી જ બીજાને જણાવીશ.’ ડોક્ટર ઇન્સ. ચાવડા વિશે કહેતા હતા.

***

રાતના લગભગ બે વાગવા આવ્યા હતા. ગીરીશભાઈના ઘરમાં હજી બધા જાગતા હતા. ગીરીશભાઈ, યશોદાબહેન, પૂજા ઉપરાંત બાજુવાળા પાડોશી દિનેશભાઈ અને જગદીશભાઈ બધાના વચ્ચે રાજેશની જ ચર્ચા થતી હતી. બધા આને ભગવાનનો ચમત્કાર ગણતા હતા અને પ્રાર્થના કરતા હતા કે રાજેશને જલદી સારું થઈ જાય. ‘મને તો લાગે છે કે આ પેલા છોકરા અમીતના આવવા પછી જ થયું છે.

એ રાજેશનો હાથ પોતાના હાથમાં લઈને બેઠો હતો. અને ભાવપૂર્વક એના ચહેરા સામે જાતો કંઈક મનમાં ને મનમાં બબડતો હતો. જા તમે આને ચમત્કાર ગણતા હો તો આ ચમત્કાર તેના આવવા પછી જ થયો છે. નહીંતર આટલા સમયમાં ક્યારેય નહીં ને આજે જ કેમ આવું બન્યું ? યશોદાબહેને પૂરી શ્રદ્ધા સાથે કહેતા હતા. તમે કાલે સવારે જ એ છોકરાને ફોન કરજા અને એને અહીં બોલાવજા.’

‘તમારી વાત સાચી પણ હોઈ શકે પરંતુ એવું પણ બની શકે છે ને કે કાગનું બેસવું અને ડાળનું તૂટવું. રાજેશને સારું થવાનું હશે અને એ છોકરાને આજે જ તમારા ઘરે આવવાનું બન્યું હોય...’ જગદીશભાઈએ કહ્યું.

‘હા... એવું બની શકે છે. પરંતુ થોડા સમયમાં અમે એટલી બધી યાતનાઓ જાઈ અને વેઠી છે કે હવે નાની નાની બાબતો ઉપર પણ મને શ્રદ્ધા થવા લાગી છે. અને આ તો ઘણી મોટી વાત છે કે આજે છ મહિના પછી કોઈ છોકરો અમારા ઘરે આવ્યો અને એના ગયાના તુરંત બાદ રાજેશને સારું થવા લાગ્યું. મને તો એમ જ લાગે છે કે એ છોકોર અમીત અમારા ઘરે ભગવાન બનીને આવ્યો અને એના સ્પર્શ માત્રથી મારા રાજેશને સારું થવા લાગ્યું. માટે તમે કાલે ચોક્કસ એને આપણા ઘરે બોલાવજા. એ એનું કાર્ડ આપીને ગયો છે.’ યશોદાબહેને કહ્યું.

‘ભલે ત્યારે.... હું કાલે એને ફોન કરીશ... બસ.’

બવે બધા આરામ કરો. રાત ઘણી થઈ ગઈ છે.’ બધા વિખેરાયા. આ બાજુ બાબુએ સઘળી હકીકત જગતાપને કહી હતી. જગતાપે બાબુને કાલે શું થાય છે એ જાણવાનું કહ્યું અને બાબુનો ફોન મૂકી જગતાપે બોસને ફોન ઘુમાવ્યો.

***

‘બેવકૂફ, આ બધી તારી જ ભૂલનું પરિણામ છે કે હજી સુધી એ છોકરો જીવે છે.’ બોસે જગતાપને ફોનમાં જ બરાબરનો ખખડાવાનો ચાલુ કરી દીધો. ‘હવે એક કામ કર. તું કલાક પછી ઓફિસે આવી જા.’

સામે છેડેથી ફોન મુકાઈ ગયો. જગતાપને આવું સંભળાવવાવાળું આજ સુધી કોઈ નહોતું મળ્યું... એનું કારણ એ હતું કે જગતાપ પોતે જ ખૂબ જ ખૂંખાર માણસ હતો. અત્યાર સુધીમાં એના નામે ઘણાં બધા ગંભીર ગુનાઓ બોલતા હતા. ધમકી, અપહરણ, મારા મારી તો એના માટે સાવ સામાન્ય કામ હતું. પાંચ છ જેટલા મર્ડર પણ એની ક્રાઈમ ફાઈલમાં બોલતા હતા. છતાં એ આઝાદ ઘૂમતો. બાબુ જેવા તો કેટલાય માણસો એના હાથ નીચે કામ કરતા હતા.. જગતાપની પોતાની એક આગવી ગેંગ સક્રિય હતી. જે જગતાપના ઇશારે ગમે તે ઘડીએ ગમે તેવું કામ પતાવી નાંખતી હતી.

જગતાપના ક્લાયન્ટોમાં મોટા મોટા રાજકારણીઓથી લઈને બિલ્ડરો સુદ્ધાં જગતાપની સેવાઓ લેતા.. અને આ બધું કાંઈ એમ જ નહોતું થયું. એનું એક મોટું કારણ એ હતું કે જગતાપનું કામ એકદમ ચોખ્ખું હતું. એ જે કહે, જે વાતનું કમિટમેન્ટ કરે એ કામ એ અને એની ગેંગ પૂરી કરીને જ રહેતી. આજ સુધીમાં કોઈ કામ અધૂરું રહ્યું હોય કે પછી પૂરું ન થયું હોય એવું બન્યું નહોતું. અને એટલે જ જગતાપ પોતાની તાકાત પર મુસ્તાક હતો.

જગતાપ એના તમામ ક્લાયન્ટોને બોસ કહીને જ બોલાવતો. રાજેશનું કામ તો ખુદ જગતાપે જ પાર પાડ્યું હતું. પરંતુ નસીબનો બળિયો રાજેશ બચી ગયો અને જગતાપ ચૂકી ગયો હતો. જગતાપે એની જિંદગીમાં માત્ર અને માત્ર રાજેશના કેસમાં જ ગફલત કરી હતી... એ રાજેશને એક સાથે બે ત્રણ ગોળીઓ મારી શક્યો હોત પરંતુ પોતાના નિશાના ઉપર મુસ્તાક જગતાપે એવું ન કર્યું અને એ જ એની જિંદગીની ગંભીર ભૂલ બની રહેવાની હતી. કુદરતે આ વખતે કંઈક અલગ જ પ્લાન ઘડ્યો હતો તેના માટે.... અને બીજી તરફ એને આ કામ સોંપવાવાળો માણસ જગતાપ જેવા ગુંડાઓને પળવારમાં મસળી નાખે એવો પાવરફૂલ અને અબજાપતિ વ્યક્તિ હતો. એ કોણ હતો... એ તો જગતાપને પણ ખબર નહોતી કારણ કે એની તમામ સૂચનાઓ ફોન દ્વારા અથવા તો એના માણસો દ્વારા જ જગતાપને મળતી હતી. ગતાપ અત્યારે દિલ્હીમાં જ હતો. એના તમામ સામ્રાજ્યનું સંચાલન તે અહીંથી જ કરતો હતો. એનું કારણ એ હતું કે દિલ્હી તેનો ગઢ હતો. રાજેશનો હવાલો જગતાપ પાસે આવ્યો ત્યારે સંજાગોવશાત જગતાપ સુરતમાં એક મોટી જમીનના હવાલાનું કામ પતાવવા આવ્યો હતો. પોતે ઘણા સમયથી જાતે કોઈ કામ કર્યું નહોતું એટલે હાથ સાફ કરવા એણે માણસોને બદલે જાતે જ ગન ઉપર હાથ અજમાવવાનું નક્કી કર્યું હતું.

પરંતુ આ ભૂલ એને ખૂબ જ ભારે પડવાની હતી એ વાત એ નહોતો જાણતો. એનું નિશાન તો ઠીક લાગ્યું હતું. છતાં રાજેશ બચી ગયો. અત્યારે આ સમયે પણ એને ખ્યાલ નહોતો કે એક સામાન્ય છોકરા રાજેશને કારણે એનું આખું સામ્રાજ્ય હલબલી ઉઠવાનું હતું. એક સાવ મામૂલી વ્યક્તિના કારણે જગતાપનું આખું સામ્રાજ્ય તહસ નહસ થઈ જવાનું હતું.

***

મારી મૂંઝવણ વધતી જતી હતી. કારણ કે રાજેશના ઘરેથી પણ મને કંઈ જાણવા મળ્યું નહોતું. રાજેશની સ્થિતી એવી હતી કે એ મને કંઈ જણાવી શકે એમ નહોતો. અને એના ઘરમાં બીજું કોઈ આ વિશે જાણતું નહોતું. હવે મારે શું કરવું અને ક્યાં જવું એ મૂંઝવણમાં હું મુકાયો. બીજા કોઈપણ કામમાંમન લાગતું નહોતું. રહી રહીને એકજ વિચાર મનમાં આવતો હતો કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ મળશે કે નહીં શું આખી જિંદગી મારે આ સ્વપ્નોનો ભાર લઈને જીવવું પડશે ?

હું શું કરું, કઈ દિશામાં જાઉં, મને સમજાતું નહોતું. મારા દિમાગમાં ભયંકર ગડમથલ સતત ચાલ્યા કરતી હતી. મારે આના વિશે વિચારવું નહોતું છતાં એ વિચારો સતત મારો પીછો છોડતા નહોતા. હું અસમંજભરી સ્થિતિમાં બેઠો હતો.

કે મારા મોબાઈલની રીંગ વાગી... કોઈ અજાણ્યો નંબર સ્કીન ઉપર ચમકી રહ્યો હતો. મેં ફોન ઉપાડ્યો. ‘તમે અમીત બોલો છો...?’ ‘હા.’ ‘હું ગીરીશભાઈ. રાજેશના પપ્પા બોલું છું. કાલે તમે અમારા ઘરે આવ્યા હતા ત્યારે હું તમને નહોતો મળી શક્યો. અત્યારે જા તમને સમય હોય તો મારા ઘરે આવશો? હું તમને મળવા માગું છું. મારે તમને કંઈક કહેવું છે...’

‘અરે કેમ નહીં, હું હમણાં જ થોડીવારમાં આવું છું. કોઈ ખાસ બાબત છે?’ મેં પૂછ્યું. ‘ખાસ છે... પરંતુ ફોન પર જણાવાય તેમ નથી. તમે અહીં આવો તો વધુ સારું....’

‘ઓ.કે. અંકલ, હું આવું છું.’ મેં ફોન મૂક્યો. બાઈકને કીક મારી અને સીધો જ એમના ઘરે પહોંચ્યો. બાઈક ઘર પાસે પાર્ક કરી. એમના ઘરનો દરવાજા અધખુલ્લો હતો એટલે બેલ માર્યો. થોડીવાર પછી કોઈએ દરવાજા ખોલ્યો. હું એની સામે આભો બનીને જાઈ રહ્યો. શું રૂપ હતું એનું ! જાણે સાક્ષાત કોઈ દેવીને હું જાઈ રહ્યો હતો. એ બહુ જ સુંદર હતી. એમ સમજા ને કે હું ભુલી ગયો હતો કે હું કોના ઘરે અનેશા માટે આવ્યો છું.? મારા પગ ત્યાં જ દરવાજા વચ્ચે થંભી ગયા. એકીટશે પલક ઝબકાવ્યા વગર હું એ ખૂબસૂરત ચહેરાને જાઈ રહ્યો. સુંદરતા કરતા પણ વિશેષ આકર્ષણ હતું. એ ચહેરામાં જે મને સંમોહિત કરી રહ્યું હતું.

મને એવું લાગી રહ્યું હતં કે જા વધારે સમય હું એ ચહેરા સામે જાઈશ તો મને જરૂર સમાધિ લાગી જશે. મેં મારા મન ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી અને એક ઝાટકા સાથે એ ચહેરા પરથી નજર હટાવી લીધી.

‘તમે અમીત છો?’

હજારો ઘંટડીઓનો અવાજ રણકી ઊઠ્યો. એ ખૂબ સૂરત પરી મને પૂછી રહી હતી. ઘડીભર તો મને શું કહેવું એ સમજ ન પડી. ‘હેં... હા... મારું નામ અમીત છે. હમણાં થોડીવાર પહેલા રાજેશના પપ્પાએ મને ફોન કર્યો હતો. એ મને કંઈક જણાવવા માગતાં હતા.’ હું થોથવાઈ રહ્યો હતો અને મારા અવાજમાં ધ્રુજારી સ્પષ્ટ વર્તાતી હતી. સામાન્ય સંજાગોમાં મારી સાથે ક્યારેય આવું બન્યું નથી કે કોઈને પણ જવાબ આપવામાં હું થોથવાયો હોવ. પરંતુ આજે વાત કંઈક અલગ હતી.

‘હા... પપ્પાએ જ તમને ફોન કર્યો હતો. અંદર આવો અમે બધા તમારી જ રાહ જાઈ રહ્યા છીએ. મારું નામ પૂજા છે. હું રાજેશની બહેન છું.’ એણે બારણા પરથી ખસી મને રસ્તો આપ્યો. મને બીક હતી કે કદાચ એ મારા ચહેરાના ભાવ વાંચી લેશે તો એ મારા વિશે શું વિચારશે? એટલે ઝડપથી હું ઘરમાં દાખલ થયો. હું રાજેશના રૂમ તરફ ચાલ્યો. ‘આવો ભાઈ...’ રાજેશના પપ્પા ગીરીશભાઈએ મને આવકાર્યો અને બેસવા ખુરશી આપી. એમના ચહેરામાં મને રાજેશની ઝલક દેખાતી હતી. ‘તમે મને શું વાત કરવા માંગતા હતા?’

‘અમારે તને શું કહેવું અને કેવી રીતે તારો આભાર માનવો એ જ સમજાતું નથી. પરંતુ....’

ગીરીશભાઈએ રાજેશ સાથે શું બન્યું હતું એ તમામ વાતો મને કહી સંભળાવી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ સાચું હોઈ શકે. આ કેવી રીતે બની શકે? અને આ લોકો તો રાજેશ થોડો ઘણો ભાનમાં આવ્યો એનો શ્રેય મને આપી રહ્યા હતા. જેનો ખરેખર હકદાર હું નહોતો.

‘જુઓ અંકલ, .. હું તમારી ભાવનાઓ સમજું છું. પરંતુ હું નથી માનતો કે મારા કારણે રાજેશે કોઈ રિસ્પોન્સ આપ્યો હશે. એ તો બનવાજાગ હું અહીં આવ્યો અને રાજેશે કોઈ પ્રતિક્રિયા કરી એનો મતલબ એવો બિલકુલ ન થાય કે આ મારે કારણે થયું હોય.’ તારી વાત કદાચ સાચી હોઈ શકે પરંતુ દિકરા આજે છ છ મહિના વીતી ગયા પછી રાજેશની તબિયતમાં સુધારો દેખાયો છે.

અને એ પણ તારા આવ્યા પછી જ.... ‘રાજેશના મમ્મીનું તો ચોક્કસ એવું જ માનવું છે કે આ ચમત્કાર તારા કારણે જ થયો છે. અને હું એની વાત નકારી શકું એમ નથી. કારણ કે એ જે કહે છે એ વાત એના દિલથી નીકળે છે અને એમાં સચ્ચાઈ હોય જ છે.’ મારું ધ્યાન રાજેશ તરફ ગયું. એ અત્યારે કાલની જેમ ખામોશ જ હતો. ન કોઈ હલનચલન, ન કોઈ પ્રતિભાવ. આ લોકો જે કહી રહ્યા હતા એની ઉપર મને વિશઅવાસ નહોતો થતો. મારા કારણે રાજેશે કોઈ રિસ્પોન્સ આપ્યો હોય એ તો શક્ય જ નથી કારણ કે હું કાલે પહેલીવાર જ રાજેશને મળ્યો હતો. મારી એની સાથે કોઈ ઓળખાણ નહોતી કે જિંદગીમાં આ પહેલા અમે ક્યારેય મળ્યા નહોતા. તો પછી આવું બની જ કેમ શકે? એ વાતની મને જ ખબર હતી કે રાજેશ અને હું મિત્ર નહોતા.

પરંતુ રાજેશના ઘરના સભ્યો ક્યાં જાણતા હતા. એટલે કદાચ આ ભોળા લોકો મારા વિશે આવું વિચારતા હશે. એ પછી અમારી વચ્ચે ઘણી બધી વાતો થઈ. હું ક્યાં રહું છું ? શું કરું છું ? રાજેશ અને હું કેટલા સમયથી મિત્રો છીએ ? વગેરે.... મને એમના વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. ગીરીશભાઈ બેન્કમાં ક્લાર્ક હતા. જ્યારે રાજેશે કોલેજ પૂરી કરી લીધી હતી. અને એ નોકરીની શોધમાં હતો. પૂજા હજી એસવાયબીકોમનો અભ્યાસ કરતી હતી.

પૂજાનું નામ આવતાં જ મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. હું ઘરના દરવાજામાં જે રીતે એની સામે એકધારું અપલક નજરે જાઈ રહ્યો હતો એ વાત યાદ આવતાં જ મને મારી મૂર્ખાઈ પર શરમ આવતી હતી. એટલે હજુ સુધી બીજી વખત એની સામે જાવાની હિંમત મેં કરી ન હતી. અમારા વાર્તાલાપ દરમિયાન પણ એ એકદમ ખામોશ ઊભી હતી. એ અમારી વાતો ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. ‘ડોક્ટર સાહેબનું કહેવું છે કે રાજેશની તબિયત ઝડપથી સુધારા ઉપર આવી જશે. આ છ મહિના અમે કેમ વિતાવ્યા છે એ તો અમારું મન જાણે છે. એકના એક દિકરાને આ હાલતમાં જાઈને દિલ હિજરાય છે. છતાં ઉપર ઉપરથી સંયમતા જાળવી રાખવી પડે છે. એક માનું હૃદય છલકાઈ ઊઠ્યું. યશોદાબહેનની આંખોમાંથી આંસુ ઊભરાઈ આવ્યા. આખી રૂમનું વાતાવરણ ગમગીન બની ગયું. પૂજા પણ રડું રડું થઈ ગઈ હતી.

‘જા દીકરા, ... તું આવ્યો છે તો જમીને જ જજે.... ગીરીશભાઈએ વાતાવરણને હળવું કરવાના આશયથી વાત ફેરવી. ‘નહીં અંકલ, ફરી કોઈકવાર ... હવે હું જઈશ, અને મારા લાયક કોઈ કામ હોય તો બેધડક મને યાદ કરજા. હું તરત હાજર થઈ જઈશ. હું જવા માટે ઊભો થયો.

***

કર્નાટપ્લેસ દિલ્હી. છ માળના ‘ઓપ્શન’ હાઉસના બિલ્ડીંગની બહાર પાર્કિંગ પ્લેસમાં જગતાપે એની હોન્ડાસીટી ઊભી રાખી. એ નીચે ઊતર્યો. આજે એ મનોમન નક્કી કરીને જ આવ્યો હતો કે ગમે તે થાય, બોસને રૂબરૂ મળવું જ છે. કાચના ગેટ તરફ એ આગળ વધ્યો. ‘ઓપ્શન’ હાઉસના ચોથા માળે બોસની ઓફિસ હતી. લિફ્ટમાં ઉપર જતી વખતે જગતાપ વિચારે ચડ્યો કે એવું તે શું હતું એ છોકરામાં કે જેના કારણે આટલ મોટા માણસે એને મારવાની જરૂર પડી અને એની સોપારી મને આપી. આમ જાવા જાઓ તો આવી બધી બાબતો સાથે એને કોઈ લેવાદેવા નહોતી છતાં આ વખતે એને જિજ્ઞાસા થતી હતી કે એક સાવ ગરીબડા છોકરા પાછળ બોસ કેમ પડ્યા હતા? એવું તો શું બગાડ્યું હશે એણે બોસનું કે બોસે એને મોતની સજા કરી હતી.

જરૂર કોઈ રહસ્ય હશે નહિતર આવડો મોટો અબજાપતિ માણસ સાવ સામાન્ય એવા રાંક છોકરાની સોપારી શું કામ આપે ? જગતાપના મનમાં ખતરનાક વિચારો આવવા લાગ્યા હતા. એ વિચારતો હતો કે જા એ રહસ્ય જાણી જાઉં તો મને ઘણો જ ફાયદો થાશે. અત્યારે જે રકમ મળી હતી એના કરતા તો ઘણી જ વધારે રકમ એ બોસ પાસેથી કઢાવી શકે એમ હતો. મનોમન કંઈક નક્કી કરીને એ બોસની ઓફિસમાં દાખલ થયો. દર વખતની જેમ આજે પણ ઓફિસમાં પેલા જ બે વ્યક્તિઓ હતા. જે બોસનો મેસેજ દર વખતે જગતાપ સુધી પહોંચાડતા હતા.

‘મારે બોસને મળવું છે.’ જગતાપે પેલા માણસોને કહ્યું. ‘થોડીવાર રાહ જુઓ. બોસ ખુદ તમને મળવા માંગે છે. બેસો.’ પેલા બેમાંથી એક બોલ્યો. જગતાપ મનોમન ખુશ થયો કે શું વાત છે. આજે તો મારા મનની તમામ ઇચ્છાઓ પૂરી થતી લાગે છે. હું જે નક્કી કરીને આવ્યો છું એમ જ થાય છે. અને બોસ આ વખતે ખુદ સામેથી મને મળવા માંગે છે. જગતાપ સોફા ઉપર બેઠો. ઓફિસ ખરેખર ખૂબજ ભવ્ય અને વિશાળ હતી. તમામ ફર્નિચર કાચનું અને ઇમ્પોર્ટેડ હતું.

સોફા, ખુરશી અરે નાનામાં નાની પેન પણ ઇમ્પોર્ટેડ હતી. જગતાપ બોસની કેપેસિટી (પદવી - યોગ્યતા) જાઈ રહ્યો. અબજાપતિ નહીં. બોસ કદાચ ખર્વોપતિ હશે જ. થોડીવાર પછી ઇન્ટરકોમ ઉપર રીંગ વાગી. એટલે એ બેમાંથી એકે ફોન ઉપાડ્યો. સામા છેડેથી જે કહેવાયું તે સાંભળી તેણે ઓ. કે. કહીને ફોન મૂક્યો. ‘તમે અંદર જઈ શકો છો.’ જગતાપે ઉભા થઈને કાચની કેબીન તરફ પગ ઉપાડ્યા. કાચ અપારદર્શી હોવાથી અંદરનું કંઈક જ એ જાઈ શકતો નહોતો. એણે દરવાજાને ધક્કો માર્યો અને અંદર દાખલ થયો.

‘આવ જગતાપ, બેસ.’

એક રૂઆબદાર અવાજ ગૂંજી ઊઠ્યો. જગતાપ રિવોલ્વિંગ ચેર ઉપર બેઠો. આશ્ચર્યની વાત તો એ હતી કે એના સિવાય આખી ઓફિસમાં બીજું કોઈ નહોતું છતાં અવાજ સંભળાઈ રહ્યો હતો. જગતાપ જ્યાં સુધી એ છોકરો કોમામાં છે ત્યાં સુધી મને કોઈ જ તકલીફ નથી. પરંતુ જ્યારે એ ઠીક થઈ જશે ત્યારે આપણા બંને માટે તકલીફો ઉભી થશે. હું અત્યારે તને એકદમ શાંતિથી બધું સમજાવી રહ્યો છું. એટલે હું જે કહું એ સાંભળ. અને એને અમલમાં મૂક. ખરેખર તો તારી ભૂલને કારણે જ એ છોકરો હજી સુધી આ દુનિયામાં શ્વાસ લઈ રહ્યો છે. એ છોકરા પર ગોળી તે ચલાવી હતી છતાં એણે તને જાયો નહોતો અને મને પણ ક્યારેય જાયો નથી. પરંતુ એની પાસે એક એવું રહસ્ય છે કે જા એ જાહેર થઈ જાય તો હું ખતરામાં મુકાઈ જાઉં અને જા મને ખતરો થયો તો પછી એમાંથી તું પણ કેમ બાકાત રહેવાનો ? મારી પહેલા તું મરીશ કારણ કે એ છોકરા ઉપર ફાયરિંગ તો તેં કર્યું હતું. તું કહેતો હતો ને કે એ છોકોર ભાનમાં આવ્યો છે.’

‘હા આવ્યો છે. પરંતુ પૂરેપુરો નહીં.’

‘પૂરેપુરો કે અધૂરો, હવે એક વાત કાન ખોલીને સાંભળી લે. મારે એ છોકરો બે દિવસમાં મરેલો જાઈએ. ફક્ત બે જ દિવસ. તારે શું કરવું એ તારી મેટર છે. જા બે દિવસની અંદર મને રિઝલ્ટ નહીં મળે તો હું આ કામ બીજા પાસે કરાવીશ અને તને તો ખ્યાલ જ હશે કે આપણા ધંધામાં અધુરું કામ બીજા પાસે જવાથી શું થાય છે.’

જગતાપ બહુ જ સારી રીતે સમજતો હતો કે કામ અધૂરું મુકવાનો મતલબ પોતાની ઈમેજને ધક્કો પહોંચાડવા બરાબર હતું. અને અત્યારે બોસ એને આવી જ કંઈક ધમકી આપી રહ્યા હતા. જગતાપ ઉકળી ઉઠ્યો. કારણ કે આજ સુધી કોઈએ એને ધમકી આપવાની કોશિશ સુદ્ધાં કરી નો’તી.

‘બોસ.... તમે મને ધમકી બિલકુલ આપતા નહીં. કારણ કે ધમકીઓ સાંભળવાની મને ટેવ નથી. મેં આજ સુધી કોઈ કામ અધૂરું છોડ્યું નથી કે આ કામ છોડી દઉં. મારું નિશાન ચોક્કસ હતું અને ગોળી એની છાતીમાં જ વાગી હતી. એ તો એના નસીબ બળવાન હતા એટલે બચી ગયો. અને છતાં આજે એ અડધો તો મરેલો જ છેને. જા એની ફરતે પેલા હરામી ઈન્સ. ચાવડાનો પહેરો ન હોત તો એ છોકરાને આજ સુધીમાં હું કેટલીય મોત મારી ચૂક્યો હતો. મારા માણસ બાબુએ ઘણી વખત ઇન્સ. ચાવડાના માણસોને એના ઘરની આસપાસ આંટાફેરા કરતા જાયા છે. એટલે જ હું ખામોશ બેઠો છું. પરંતુ આજ પછી એ છોકરો વધુ નહીં જીવે. આજકાલમાં જ એનો ખેલ ખતમ સમજા.’ જગતાપે ઊભા થઈને ગુસ્સામાં ખુરશીને જારદાર ધક્ક મારતાં કહ્યું.

‘તમને એમના મોતના ખબર જલદી મળી જશે અને એ પછી હું તમને રૂબરૂ મળવા માંગું છું. .. આમ સંતાઈને કમ નહીં થાય.’

***

બાબુ, હવે તું હરકતમાં આવી જા. બે દિવસ, ફક્ત બેજ દિવસની મહોલત આપું છું તને. તારે કેવી રીતે અને કેમ કામ કરવું એ તારી મેટર છે. મને એ છોકરાનું કામ તમામ જાઈએ. પૈસા ડબલ નહીં ત્રણ ગણા આપીશ. છુપાઈને ન થાય તો ખુલ્લેઆમ કામ પતાવી નાંખ. તું પકડાઈશ તો રકમ તારા પરિવારજનોને મળ જશે. બસ તારું મોઢું બંધ રાખજે. અને પેલા ચાવડાના માણસોથી સાવધાની રાખીને કામ પતાવજે.’ જગતાપે બાબુના મોબાઈલ ઉપર કહ્યું. જગતાપે ‘ઓપ્શન’ હાઉસની બહાર નીકળતા જ બાબુને મોબાઈલ ઉપર સૂચના આપી દીધી. જગતાપ ધૂંઆ પૂંઆ થતો હતો કારણ કે આજ પહેલા તેને આવી ધમકીભરી વાત ક્યારેય સાંભળી નહોતી. બોસના શબ્દોમાં રહેલી ગર્ભીત ધમકીથી એના રૂંવે રૂંવે આગ લાગી હતી. ‘સાલુ આજ સુધી આ જગતાપ સામે કોઈએ ઊંચા અવાજે પણ વાત કરવાની કોશિશ સુદ્ધાં કરી નથી અને આ બોસ પોતાના પૈસાની તાકાતના જારે મને દબાવવાની કોશિશ કરે છે. એક વખત પેલા છોકરાનો હિસાબ પતાવી નાંખું. પછી જાઉં છું કે કોણ કોને ભારે પડે છે.’ જગતાપ મનોમન ધૂંધવાતા પોતાની ગાડીમાં બેઠો.

***

વરાછા પોલીસ સ્ટેશનમાં જબરજસ્ત હલચલ મચી ગઈ હતી. ઇન્સ. ચાવડાની મહેનત રંગ લાવી હતી. છેલ્લા છ મહિનાથી એ બાબુના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહ્યા હતા. આજ સુધી એનું કોઈ જ પરિણામ મળતું નહોતું. કારણ કે બાબુ જ્યારે પણ ફોન કરતો ત્યારે અલગ અલગ પીસીઓનો ઉપયોગ કરતો અને દરેક વખતે અલગ અલગ નંબર ઉપર વાતો કરતો હતો. પરંતુ આજે બાબુના મોબાઈલ ફોન ઉપર કોલ આવ્યો હતો. અને એ ફોન ઉપર જે વાતો થઈ એ સાંભળીને ચાવડા ચોંકી ઊઠ્યો હતો. ફોન ઉપર જે પણ માણસે વાત કરી હતી એના ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવતો હતો કે એ રાજેશને લગતી જ વાત હતી અને એક બે દિવસમાં બાબુ એના ઉપર હુમલો કરવાનો હતો.

ચોક્કસપણે બાબુ રાજેશને પતાવી નાખવાનો હતો. ચાવડાને તો લોટરી લાગી ગઈ હતી આટલા સ્પષ્ટ શબ્દોમાં રાજેશને મારી નાખવાના કાવતરાનો પર્દાફાશ થઈ રહ્યો હતો અને એમાં એની પોતાની ચતુરાઈ કામે લાગી હતી. ચાવડાની પોતાની એક ખાસિયત એ હતી કે એ પોતે એકદમ ઇમાનદાર અને મહેનતકશ ઓફિસર હતો. એ જે પણ કેસ હાથમાં લેતો એનો નિવેડો જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ એનો કેડો મુકતો ન હતો. પછી ભલેને એના માટે ઘણો લાંબો સમય કેમ ન લાગી જાય. રાજેશના કેસમાં એને પહેલેથી જ શક હતો. કે જરૂર આ કેસમાં કોઈ મોટો ગોટાળો થવાનો હતો અને એનું સૌથી મોટું કારણ એ હતું કે રાજેશ ઉપરજે ફાયરિંગ થયું હતું એ ગોળી વિદેશી રાયફલમાંથી છોડવામાં આવી હતી. આવી રાયફળ કોઈ ઐરા ગેરા પાસે હોય જ નહીં. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ ચાવડાએ રાજેશ ઉપર વોચ ગોઠવી દીધી હતી.

અત્યારે ચાવડા ધનાધન બધાને સૂચનાઓ આપી રહ્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં ફોન ઉપર સંભળાયેલી વાતો પરથી એક મજબૂત સબૂત ચાવડાના હાથ લાગ્યું હતું. આ સબૂત ઉપરથી એ બાબુને ગમે ત્યારે ગિરફતાર કરી શકે એમ હતો. અને આમ પણ બાબુના ભૂતકાળ એના માટે કાળ બની જાય એમ હતો. ચાવડા ઇચ્છે તો એ બાબુને અત્યારે જ ગિરફતાર કરી જેલભેગો કરી શકે એમ હતો. આ એનું પહેલું કામ હતું. અને બીજું કામ એ કરવાનું હતું કે બાબુને જે વ્યક્તિએ ફોન કર્યો હતો એને શોધવાનો હતો. ચાવડાએ બંને કામ ઝડપથી હાથ ઉપર લીધા. આ ઓપરેશન સાથે જાડાયેલા તમામને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે કામ એવી રીતે પાર પાડવાનું હતું. કોઈને જરા અમથી પણ જાણ ન થાય. કોઈ જ પ્રકારની ઝાઝી હો હા વગર એકદમ વ્યવસ્થિત રીતે કામ પાર પાડવાનો એક્શન પ્લાન ઘડાઈ ચૂક્યો હતો.

ક્રમશ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED