Rahasy - books and stories free download online pdf in Gujarati

રહસ્ય - ભાગ 1

રહસ્ય

ભાગ :૧

અલ્પેશ બારોટ

અજલો આળસુ. આખા ગામમાં તેને બધા આ જ નામથી બોલાવતા હતાં. એટલી આળસ ભરેલી હતી કે તેને પાણી પીવું હોય તો મમ્મી પાસે પાણી માંગ્યા કરે અને ત્યાં સુધી તે ન હલે, જ્યાં સુધી તેને પાણી ન મળે. આખો દિવસ મોબાઈલમાં તીન પત્તી રમ્યા કરે. તેનો જીગરજાન ભાઈબંધ એટલે વિજો કોથળો, સાચું નામ તેનું વિજય હતું. તેઓના જ ગ્રુપનો સભ્ય બબલુ. બબલુ નામ તેને વારસામાં મળ્યું હતું.તેના દાદાને બધા બબલુ કહેતા, ત્યારપછી તેના પિતાને હવે આ કલ્પેશને બધા બબલુ બબલુ કરે.

આ ત્રણે જણાની ટોળી આખા ગામા માં પ્રખ્યાત. ધીંગાણા, મારકૂટ એ તો જાણે તેમના માટે નાની વાત હતી.

અજય, વિજય અને કલ્પેશ ત્રણે જણા ગામના જુના મંદિર સામેની ટેકરી ઉપર બેઠા હતા. આ જગ્યા તેમનો અડ્ડો. નવરા થાય એટલે અહીં પહોંચી જાય. અચાનક બધાનું ધ્યાન મંદિર પાછળની ઝાડી તરફ જઈ રહેલા ટોળા પર ગયું. "કોથળા આ લોકો કોણ છે?"

"જલ્દી છુપાઇ જાવ. આપણને કોઈ જોઈ ન જાય." કહેતા બધા ટેકરી પરથી આ ટોળાને જોઈ રહ્યા હતા. આ લોકોને આ પહેલાં ક્યારેય અહીં જોયા નથી.

અને તેમનો પોષાક પણ અનોખો હતો. વિચિત્ર જણાતા હતા. તેને જોતા જ ખબર પડી જાય કે આ લોકો અહીંના નથી.

"આ લોકો અહીં શુ કરી રહ્યા છે?" કલ્પેશ બોલ્યો.

"આપણે આ લોકો પર નજર રાખવી જોઈએ." કોથળો બોલી ઉઠ્યો.

"હા, ક્યાંક આ લોકો આપણા ગામના લોકોને કોઈ નુકસાન પહોંચાડવા ન આવ્યા હોય !"

લપાતા-છુપાતા, ત્રણે નીચે આવી ગયા અને જોવા લાગ્યા.

ખાસ્સો સમય થઇ ગયો હતો.

ઝાડી માંથી કોઈ હલન-ચલન નહોતી થઈ રહી !

"મિત્રો આપણે આગળ વધવું જોઈએ?"

"હા, ખાસ્સો ટાઈમ થઈ ગયો છે."

"તે લોકો આગળ નહિ ગયા હોય. આગળ તો કોઇ રસ્તો છે જ નહી !

વિશાળ નદી પાર કરવાની, તે પણ કોઇ જાતના સાધનો વિના અસંભવ છે." વિજય ડિટેકટીવ હોય તેમ બોલ્યો અને પાછળ તેની વાનર સેનાએ પણ મૂંડી હલાવી.

ત્રણે જાણ ઝાડીઓમાં ઘુસ્યા.

"બધા અલગ-અલગ દિશામાં જઈએ. કાંઈ પણ વિચિત્ર જણાય તો મેસેજ કરી દેજો." અજય બોલ્યો.

તેઓ કોઈ પ્રોફેશનલ આર્મીના યુવાનો હોય, તે રીતે તમામ વસ્તુને બારીકીથી જોઈ રહ્યા હતા. ત્રણે જણ આજુબાજુની ઝાડી ખુંદી વળ્યાં. અજય બંનેને મેસેજ કરી પોતાની તરફ આવવાનું કહ્યું.

"શું થયું, અજલા?" વિજય બોલ્યો.

"મને અહીં કઈ વિચિત્ર લાગે છે !"

"શું વિચિત્ર?" કલ્પેશ આંખો મોટી કરતા બોલ્યો.

"આ સામે, બીલીપત્રનું મોટું ઝાડ છે. તેની આગળ એક પણ પગલાં નથી. આ બધા લોકોના પગલાં અહીં સુધી જ આવ્યા છે. અને અહીંથી આગળ તેઓ ગયા જ નથી."

"આટલા વિશ્વાસથી કઈ રીતે કહી શકે?" વિજયે પૂછ્યું.

"કોઈ મૂર્ખ પણ સરળતાથી સમજી જાય એટલું સહેલું છે. ચોમાસામાં બધાના પગલા થોડાં ઘણા તો છપાઈ જ આવે ને?"

"હા તારી વાતમાં દમ તો છે. પણ આ લોકો જમીનમાં સમાઈ ગયા કે શું ? આખરે એ ટોળું ગયું તો ગયું ક્યાં?" કલ્પેશ બોલ્યો

"દેખાવમાં તો તેઓ લૂંટારા જેવા જ લાગતા હતા." વિજય એ કહ્યુ.

તો આ વાતમાં ઉમરેતા.

અજય બોલ્યો. "વનમાનવીઓ તો નહીં હોય ને? તેના ખભે તિર કામઠા હતા."

"મેં તો જોયા નહિ.પણ તું કહે છે તો હશે."

"ક્યાંક અહીં ખજાનો તો નથી છુપાયલો ને?" કલ્પેશ બોલી ઉઠ્યો.

" ચાંચિયાઓ,હા તેઓ ચાંચિયા જ હતા. તમે જોયો તેઓનો પોશાક?

માથે ટોપી જેવું કંઈ હતું. અને એમાંથી એકની આંખ આગળનો ભાગ કાળા રંગથી છુપાયેલો હતો. "

"હા મેં ફિલ્મોમાં જોયું છે. ચાંચિયાઓનો પોષાક પણ આવો જ હોય છે."

"ચાંચિયા એટલે શું?" કલ્પેશ બોલ્યો.

"ચાંચિયા એટલે સમુદ્રી લૂંટારાઓ.જે સમુદ્રમાં જહાજ લૂંટે છે અને તેમનું સમુદ્રની અંદર સામ્રાજ્ય હોય છે."

અજયે તેનો જવાબ આપ્યો.

"તો તેઓ અહીં શું કરે છે?" વિજય બોલ્યો.

"અહીં શું કરે છે, એ તો ચોક્કસ ન કહી શકાય.પણ અહીં ચાંચિયાઓ નું દેખાવું તે એ તરફ ઈશારો કરે છે કે જરૂર અહીં કોઈ ખજાનો છૂપાયેલો હોવો જોઈએ! દોસ્તો, તે ખજાનાનો રસ્તો અહીં જ હોવો જોઈએ!"

આસપાસ ત્રણે જણા દરવાજો શોધવા માટે મથ્યા પણ આટલું સરળતાથી થોડી મળે ?

અને ફરી ત્રણે મંદિરના ઓટલા પર આવી બેસી ગયા.

"તેઓને આપણે અંત સુધી જોયા, વિચારો મિત્રો. તે દરવાજા ક્યાં હોઈ શકે?" કલ્પેશનું તો વિચારી વિચારીને માથું ફાટી રહ્યું હતું.

માથા ઉપર હાથ મૂકી બેઠો હતો.

"મારાથી હવે સહન નહિ થાય. હું તમારી મદદ નહિ કરુ" કલ્પેશ બોલ્યો.

"તમારે બન્નેને જવું હોય તો જઇ શકો છો. મેં કોઇ ને રોક્યા નથી. આ રહસ્ય હું એકલો ઉકેલીશ !"

કલ્પેશ ઉભો થઇ ગામ તરફ જવા નીકળે છે.

"ઓલ ધી બેસ્ટ આળસુ."

"અરે ઉભો રે, આપણે બધા સાથે આવીશું." વિજય બોલ્યો.

"ના, હવે તમે ખજાનો શોધીને જ આવજો."

વિજય કલ્પેશને રોકવા માટે પાછળ જતો હતો પણ અજયે તેનો હાથ પકડીને રોક્યો.

"જવા દે બબલુને, એ પાછો આવશે."

બન્ને જૂના પૌરાણિક શિવ મંદિરના ઘુમ્મટ નીચે સુતા હતા.

આ શિવ મંદિર વિશે ઘણી બધી લોકવાર્તાઓ સાંભળેલી હતી. કોઈ કહેતું, આ મંદિર રાવણે બધાંવ્યું છે, તેણે અહીં મોટો યજ્ઞ કર્યો હતો.

તો કોઈ વળી એમ કહેતું આ મંદિર રાતોરાત કોઈ ભુતે બંધાવ્યું છે !

રાતના સમયે આ મંદિર પાસે કોઈ મનુષ્ય તો શું કોઈ પ્રાણી પણ આવવાની હિંમત સુધ્ધાં પણ નથી કરતા!. પૂજારી પણ આઠ વાગ્યા પછી મંદિરને તાળા દઇ જતા રહે છે.

તો કોઈ એમ કહે છે કે અહીં રાતના અશ્વત્થામા પૂજા કરવા આવે છે. ઘણા લોકો અશ્વત્થામાને જોયાનો દાવો કરે છે.

પણ સાચું શુ છે, તે હજુ સુધી કોઈ જાણી શક્યું ન હતું. આ પૌરાણિક મંદિર યુગોથી અહીં છે, કેટલીયે ઘટનાઓનો સાક્ષી રહ્યો હશે!

તેનું બાંધકામ ખજૂરાહોના મંદિર જેવું હતું.

મોટા પથ્થરો કોતરીને કરેલી હસ્તકલા અને શિલ્પકલાનો આ મંદિર બેજોડ નમૂનો હતો.

અજય બન્ને હાથ જમીન પર વાળી ઉપર જોઈ વિચારી રહ્યો હતો. તે જ સમયે તેનું ધ્યાન મંદિરના ઘુમ્મટમાં જાય છે અને તે નીરખી નીરખી ને બસ જોઈ રહ્યો હતો.

"કોથળા...ઉપર જો તને કંઈ દેખાય છે?"

"હા ઘુમ્મટ દેખાય છે."

"અરે ઘુમ્મટ માં જો...."

"ઘુમ્મટમાં શું છે? ચિત્રો?"

"હા, ચિત્રો,પહેલું જો, તને એ નકશા જેવું નથી લાગતું ?"

"ચોખ્ખું તો કંઈ નથી દેખાતું મને"

"આપણે હવે એવી વ્યક્તિને શોધવી પડશે જે આ જગ્યાથી પૂરેપૂરી વાકેફ હોય."

"એવું તે કોણ હશે? અને આપણી મદદ કરશે?" વિજય બોલ્યો.

"કોઈ તો હશે. જે આ રહસ્ય વિશે જાણતું હશે. હવે આ ગુથી તો સુલજાવી પડશે નહિતર મને તો ઊંઘ પણ નહીં આવે."

સાંભળી કોથળો જોર-જોરથી હસવા લાગ્યો.

"જો હોગા દેખા જાયેગા, અંધારું થઈ ગયું છે. આપણે હવે નીકળવું જોઈએ એવું તને નથી લાગતું?"

અને અજયે ગરદન હલાવી ચાલવાનું કહ્યું.

મંદિરથી ગામ એક માઈલ જેવું દૂર થતું હશે. મંદિર પણ ટેકરા ઉપર આવેલુ છે. ગામ તરફ જવાનો રસ્તો વાંકો ચુકો અને ઢોળાવ વાળો હતો. આસપાસ ગાઢ જંગલ હતું.

"કોથળા જો આપણે રહસ્ય ઉકેલવું હશે તો, એક વખત મંદિરમાં રાત રોકાવું પડશે."

"ગાંડો થઈ ગયો છે? જીવા બાપાના છોકરા સાથે શું થયું હતું એ ભૂલી ગયો? "

ત્યાર પછી ગામ આવ્યું ત્યાં સુધી બને ચૂપ રહ્યા.

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED