મનુષ્ય લીલા D.a.p. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનુષ્ય લીલા

ઍક વાર ભગવાન શ્રી કૃષ્ણને ધરતી પર આંટો મારવા આવવાનું મન થયુ. વેશ બદલ્યા વગર જ આવીને ભગવાન ભૂમિ પર અવતર્યા. આ એમનો અગિયારમો અવતાર નહતો પણ ખાલી પોતાની સૃષ્ટિમાં સર્જાયેલા આધુનિક મનુષ્યો જોવાનું મન થયેલું અને એટ્લે જ આવેલાં હતાં અષાઢી અમાવસ્યાનાં પખવાડિયાની અંધારી અગિયારસએ.

સામાન્ય રીતે આવી ઈચ્છાઓ થતા એ વેશ બદલીને કોઈ ને કોઈ સ્વરૂપે આવી ને લોકોની દશા દુર્દશા જોઇ લેતા. પરંતુ આજે એમને થયુ કે, ટીવી ચેનલ વાળા તો રોજ નવું નવું બતાવવા લાવે છે . લાવો આજ રોજ કાંઇ નવું કરી દેખાડીએ ચેનલવાળાઓને. .

ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિનાં સમયે પોતાનાં અસલ સ્વરૂપે જ પોતાનાં કોઈ પ્રસિધ્ધ મંદીરે પધાર્યા. મંદીરની બહાર ટોળું વળીને બેસી રહેલા દારૂડિયાઓ તો ભગવાનને પોલીસની રેડ સમજીને જ નાસી ગયા અને દર્શન ચૂકી ગયા. ભગવાન હાથે મોરલી પકડીને મંદીરની બહાર આવ્યાં. થયુ ભગવાનને જોઉં કયો ભક્ત ઓળખે છે એમને એમનાં સાચા રૂપે. મંદીરથી થોડા બહાર આવ્યાં. ફૂટપાથ પર સુતેલા ગરીબડાઓ સિવાય કોઈ ત્યાં ફરકતુ નહતું. સામે જ મંદીરની દીવાલ પર એમણે ઍક પોસ્ટર જોયું, પોસ્ટર જોઈને એમને નવાઈ લાગી. પોસ્ટરમાં ખુદ કૃષ્ણનું વિરાટ સ્વરુપ રજુ કરતો કોઇક યુવાન ઍક હાથે લેપટોપ બીજા હાથે આઇ ફોન અને ત્રીજા હાથે ડોલરો, ચોથા હાથે કારની ચાવી એમ આધુનિક ધન સંપત્તિથી કૃષ્ણનાં હજારો હાથ ભરી દેવાયા હતાં. જોઈને કૃષ્ણ ખુદ બોલી ઉઠ્યા કે, વાહ રે મનુષ્ય ! મુજ ને દેખાડે તું મારૂ જ આધુનિક નવસ્વરુપ.

પોસ્ટર ચિતરામણ નીચે મોટા અક્ષરે ઝગમગ રોશનીથી લખ્યું હતુ, 'કોન બનેગા કૃષ્ણ ?'

ભગવાન સમજી ગયા કે, આ ચોક્ક્સ કોઈ મનુષ્યએ જન્માષ્ટમીનાં નામે ભગવાન પર કમાઈ ખાવા માટે રચેલ કોઈ સ્પર્ધા હશે. દર સાલ ચાલી આવતી આ ઍક સ્પર્ધા હતી કે જેમાં જુદા જુદા લોકો કૃષ્ણનો વેશ ધારણ કરતાં અને કૃષ્ણ હોવાનો અભિનય કરતાં, એ દરેક માંથી શ્રેષ્ઠ એવાં પાંચને લેપટોપ, કાર, પૈસા અને એવાં ઇનામો અપાતાં હતાં.

કૃષ્ણને થયુ કે, લાવ થોડી પરીક્ષકોની પરીક્ષા કરવામાં આવે . નીચે લખેલા અને સ્પર્ધામાં ભાગ લેવા માટે જરુરી એવાં લખાણમાં રજીસ્ટ્રેશન માટેનું એડ્રેસ આપેલ હતુ એમા પ્રભુએ સમ્પર્ક કર્યો. જઇ પહોંચ્યાં એમનાં સ્ટુડિયો અને થઈ બેઠા ભાગ એ ઍક રિયાલિટી શો નો. નામ લખાવ્યું માધવ. ઘર લખાવ્યું ગોકુળ અને અને સંપર્ક ઇમેઇલ લખાવ્યો, પ્રાર્થના@ભગવાન ડોટ કોમ.

વેશ તો એમને ધરેલો જ હતો કૃષ્ણનો. કદાચ નઝરનાં પારખા કરવા હતા આજે ભગવાનને એમનાં ભક્તોનાં.

" સાંભળ્યું છે કે આ રિયાલિટી શોનાં જજ ભગવાન માં ખૂબ માને છે ? " ભગવાનએ રજીસ્ટર કરનારને પુછ્યું.

"અરે, એમ અમથું જ કોઈ આટલી મોટી સ્પર્ધાનું આયોજન થોડુ કાંઇ કરે, તમારુ રજીસ્ટ્રેશન થઈ ગયુ . લાવો પાંચસો રૂપિયા. "

"પાંચસો ? શેના ભાઈ ? "

"જુઓ સાહેબ. તમે રજીસ્ટ્રેશનમાં કૃષ્ણ બનીને આવો એટ્લે કાંઇ જીતી ને કૃષ્ણ બની જ નહીં જાઓ કે હુ તમારી જોડે પૈસા નાં લઉં. "

"પૈસા આપવાની વાત જ ક્યાથી આવે છે, છતાંય પણ જણાવો તો ખરા કે શેના પૈસા ?"

"ચારસો રૂપિયા તો આ શો ની એન્ટ્રી ફી છે, અને મારી મેહનત નાં… " ટીપ સ્વરૂપે લઇ રહેલ લાંચનું નામ નાં લેતા જ કહેવાયું.

હસતાં હસતાં કૃષ્ણએ મોરલીમાં ફૂંક લગાવી અને પાંચસો કાઢીને આપ્યાં. અને ચાર વખતનાં સો નું રજીસ્ટ્રેશન અને સો રૂપિયાની લાંચ પછી શો માં દાખલ થયાં.

સ્ટુડિયોમાં પહોંચતા જ ભગવાનને બાકી બધાંની વચ્ચે સમાન્ય બની ચૂકેલા કૃષ્ણનાં મેળાઓ વચ્ચે બેસાડવામાં આવ્યાં. બાજુ બાજુમાં ઍકથી ઍક કૃષ્ણ બેઠા હતાં. કોઈની મોરલી મોટી, તો કોઈનું મોરપંખ સોહામણું. કોઈ અંગે વર્ણવાન, તો કોઈ કૃષ્ણ કેરો જ શ્યામ.

" આજનો કૃષ્ણ તો હુ જ બનવાનો, પ્રથમ ઇનામ તો હુ જ લેવાનો. ''અસલ ભગવાનની બાજુએ બેઠેલ બનાવટીયા ભગવાને કીધું.

"તમને એટલો વિશ્વાસ છે ?"

"લાગી શરત ? હુ જીતીશ તો પાંચસો તમારે આપવાનાં ?"

"અને તમે નહીં જીતી શકો તો?" ભગવાનએ મંદ મલકાતાં પુછ્યું.

"તો મારે તમને સાતસો આપવાનાં . "

"સોદો તમારી ખોટનો નથી લાગી રહ્યો ? ભલે, લાગી શરત. "

એટલાંમાં જ બોલાયું નામ એ બનાવટીયાનું સ્પર્ધા માટે .

" મિસ્ટર કનીષ્ક... ?"

ભગવાન એનું નામ સાંભળીને મર્મ હસ્યા, કે હે મારા વ્હાલા. ફરી મળ્યો તો પણ કનીષ્ક જ ?

સીધુ સાદું પરફોર્મન્સ આપીને કૃષ્ણ બની આવેલ બનાવટીયો કનીષ્ક થોડી ગણી શાબાશી મેળવીને આવીને ખુરશીએ બેસી ચોંટયૉ.

થોડીક ક્ષણો વીતી અને પ્રભુનો વારો આવ્યો. મનુષ્યો વચ્ચે પ્રભુ સ્ટેજ પર ગયા અને જજ સામે જઇ ઉભા રહ્યાં.

"હા, તો તમે ક્યાંથી.... ? " જજએ પુછ્યું.

"મારૂ ધામ ગોકુળ. "

"સરસ. કૃષ્ણ બની રહ્યાં છો એટ્લે અત્યારથી આવા જવાબ, સરસ, તમારુ નામ... હા, માધવ . તો ચાલુ કરો તમે. " જજએ પ્રભુને પોતાનુ પરફોર્મન્સ આપવાનું કહ્યુ.

પ્રભુએ ત્યાં હાજર નિર્ણાયક સહીત સર્વને મંત્રમુગ્ધ કરી મુકવાનું શરૂ કર્યું અને હાલતા નાચતા કૃષ્ણની છબી દરેકની આંખે બિછાવી દીધી અને એ છબી પાછળ ખુદ ભગવાન વાંસળી વગાડતા રહ્યાં. મન મુકીને પ્રભુ વાંસળીનો મધુર સુર રેલવતાં રહ્યાં.

" ઉભા રહો માધવ ભાઇ ... " અને જજએ સમય જોઈને બઝરનું બટન દબાવીને કહ્યુ, " તમારો સમય પતી ગયો છે, તમે જઇ શકો છો. " નિર્ણાયકે ઘડિયાળ બતાવીને પાંચ મિનીટ પુરી થતા કહ્યુ હતુ.

"મારૂ પરફોર્મન્સ કેવું રહ્યુ એ જણાવશો નહીં? " ભગવાનએ ભ્રમર ઉંચી કરી પુછ્યું.

"એ બધુ તો ઠીક હતુ પણ તમારી વાંસળીનો સુર જરાક વધું જ નીચો હતો. એને જરા ઉંચી વગાડવાનું રાખો. " નિર્ણાયકે કીધું.

ખુદ કૃષ્ણમાંથી ખામી કાઢી જતાંએ કૃષ્ણ ઓળખવા બેઠેલા એ નિર્ણાયક સમક્ષ ઍક સરસ મજાની સ્માઈલ આપીને જ ભગવાન પોતાની સીટ પર પાછા આવ્યાં અને બાકી બધાં પ્રતિયોગીઓને નિહાળી રહ્યાં. કોઈ રાધાનો શ્યામ, તો કોઈ વૃંદાવનનો કાનુડો. કોઈ ગિરધર ગિરધારી, તો કોઈ સાક્ષાત દ્વારકાધીશ જ જોઇ લો. કોઈ અર્જુનનો સારથી, તો કોઈ સુદામાનો સખો બન્યો હતો. કોઈ બલરામનો ભાઈ, તો કોઈએ કંસનો ભાણિયો જ નીરખ્યો. પોતાનાં આટલા રુપ ઍક સાથે જોઇ ખરેખર ખૂબ આનંદી બની ગયા શ્રી મુરારિ.

વખત આવ્યો પરિણામનો. ખુદ ભગવાન આવ્યાં હતાં કૃષ્ણ બનવાની સ્પર્ધામાં. બીજુ શુ હોય વિશેષ પરિણામ ?

પણ મનુષ્ય પણ કાંઇ ઓછો નહતો આજનો આધુનિક. પ્રથમ ઇનામ મળ્યું એ બનાવટીયાને કે જેને ભગવાન સાથે શરત કરી હતી. બીજુ ઇનામ મળ્યું જેન્તિને. ત્રીજો આવ્યો ભરતીયો ફરારી વાડો. ચોથો આવ્યો ગિરધર બિહારી બાજુનાં બંગલા વાળો. અને છેલ્લું ઇનામ લઇ ગયો કાણીયો માસ્તર કરશન નાક તાણી. પ્રભુ શ્રીમાન બનેલને છઠ્ઠા સ્થાનનું માત્ર બિરુદ અપાયું. કૃષ્ણ કરવા ગયા લીલા અને ખુદ અવળા અટવાઈ ગયા. શુ બની ગયુ આ ? કેવી રીતે બની ગયું આ? ખુદ પ્રભુ પણ સમજી નહતા શકતા એ કપટી માનવોની મનુષ્ય લીલા.

સ્વર્ગ લોકે આપાતકાલીન મીટીંગ બોલાવાઇ. સૌ પ્રભુ દેવતા દેવીઓને એમાં અચુક હાજર થવાનું ફરમાન જાહેર કરાયું. શિવ પાર્વતી, બ્રહ્મા સરસ્વતી એ આપી હાજરી તાત્કાલિક. કિસ્સો નહતો કોઈથી અજાણ. કેમ થયુ આવુ એનું જાણવું હતુ સૌને રાઝ.

સૌએ વિનંતિ કરી માઁ વિધાતાને. શુ લખ્યું હતુ એ લેખમાં કે જેમા ખુદ કૃષ્ણ જાણવા પડ્યા મૂંઝવણમાં ?

વિધાતાએ ખુલાસો કર્યો ,

" કૃષ્ણભક્ત બની બેઠેલની હતી આ લીલા. લીધાં હતાં એમને પૈસા પુરે પૂરા. પ્રથમ નંબરનાં રૂપિયા બે લાખ. બીજાને આપવાનાં રૂપિયા પચાસ હજાર. ત્રીજા ચોથા માટે ઍક જ રકમ, જેવું સ્થાન એવો જ નાણાંનો હુકમ. ચોર ભગતની હતી મિલી ભગત, અને ભક્ત બની લૂંટી ચુક્યા આખું જગત. ભોળાભક્ત બની લૂંટયા ભગવાનને, અને ચતુર થઈને હવે ચાલ્યા નવા કારનામે. "

***