ડાર્ક એન્ડ લાઈટ D.a.p. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાર્ક એન્ડ લાઈટ

શિયાળાની સાંજ હતી.કૉલેજ છેક સાડા છ એ પુરી થઈ હતી અને અનેરીનું ઘર કૉલેજથી છેક પચાસ કિલોમીટર દુર હતુ.અનેરી રોજ તો બહેનપણીઓ સાથે આરામથી અપડાઉન કરી લેતી હતી,પણ આજે આટલા વાગ્યા સુધી રોકવામાં આજે એ એકલી જ પડી ગઈ હતી.ઍની ક્લાસની ઍની પાક્કી બહેનપણીની તબિયત ખરાબ હોવાથી આજે વહેલા જ લેબ પ્રેક્ટિકલ ભર્યા વગર ઘરે જતી રહી હતી.
પોણા સાતે બસ માટે રાહ જોતી અનેરી બસ સ્ટેન્ડ પર ઊભી રહી.ઘરેથી એક ફોન આવી ગયો. છેવટે રીક્ષા કરીને જ ઘરે જતું રહેવાનું ઉચિત લાગ્યું.અંધારું થયે તો કલાક જેવું વીતી ગયુ હતુ.રસ્તાની લાઈટો પણ ચાલુ થયે ઘણો ટાઈમ થયો હતો અને એક એકલી કોલેજીયન છોકરી રસ્તે ઊભી ઊભી રીક્ષા ઊભી રાખવા હાથ બતાવી રહી હતી.દૂરથી આવતી રીક્ષાઓનાં હેડલાઈટનાં પ્રકાશમાં એને રસ્તો અને એનાં વાહનો બરાબર દેખાઈ પણ રહ્યાં નહતા.
બે ત્રણ યુવાન રીક્ષાવાળાઓ ઉભા રહ્યાં પણ અનેરી એમાં બેસી નહીં.છેવટે એક ઘરડા મુસ્લિમ કાકાની રીક્ષા આવી, અનેરીને એ વૃદ્ધ થયેલા કાકાએ જ્યારે ઉભા રહીને પુછ્યું કે,"બેટી,કીધર જાનાં હે ?"
કાકાનાં મોંઢે 'બેટી' શબ્દ થોડો વિશ્વાસપાત્ર લાગ્યો એટ્લે અનેરી એ રિક્ષામાં એકલી જ બેઠી.રીક્ષા ઉપડી.રિક્ષામાં બીજુ કોઈ બેઠેલું નહતું.
હજુ એકાદ બે કિલોમીટર જ ગઇ હશે કે રીક્ષાનો અવાજ બદલાઇ ગયો.
"શુ થયુ કાકા ? રીક્ષાનો અવાજ કેમ બદલાઇ ગયો ?"
"બે જ મિનીટ બેટા, મારે રીક્ષા ખોલીને જોવું પડશે નહિતર આપણને બન્ને ને અધવચ્ચે જ રાખશે રીક્ષા."
"ભલે કાકા."
કાકા રીક્ષામાંથી ઉતર્યા અને રીક્ષા પાછળ ગયા અને રીક્ષાનું એન્જિન ખોલ્યાનો અવાજ આવ્યો.અનેરી હજુ રિક્ષામાં જ બેઠી હતી.
પાંચ મિનીટ, દશ મિનીટ,પંદર મિનીટ.કાકા હજુ આગળ આવ્યાં નહતા.
"શુ થયુ કાકા ? કોઈ મોટો પ્રોબ્લેમ છે કે ?"
અનેરી ઓટોમોબાઇલ એન્જીનીયરીંગનું ભણતી હતી.એને થયુ કે કાકાની મદદ કરી લઉં. પણ કાકાનો કોઈ જવાબ આવ્યો નહીં, એટ્લે અનેરી રિક્ષામાંથી ઉતરી.અને રીક્ષા પાછળ ગઈ. રીક્ષાની પાછળ જઇને જોયું તો કાકા ગાયબ હતાં.આજુ બાજુ ક્યાંય કાકા દેખાતા નહતા.
"કાકા.........કાકા.......? કાકા ગયા ક્યાં ?"અનેરીએ થોડાંક ઉંચાનીચા અવાજે કાકાની શોધખોળ શરૂ કરી.આજુ બાજુ નજર ફરી તો અનેરીને ખ્યાલ આવ્યો કે જે જગ્યાએ એમની રીક્ષા બગડી અને જ્યાંથી કાકા ગુમ થયાં એ જગ્યા કબ્રસ્તાન હતી.અનેરીનું મન થર્થર્યું. સાથે હાથ પગ ધ્રુજવા લાગ્યું એ અલગ.અવાજ બેસી ગયો.
"ક.....ક....કાકા.........!"અનેરીનો અવાજ ધીમો પડી ગયો.
રસ્તો આખો સુમસામ હતો.માત્ર કબ્રસ્તાનમાં જ એક લાઈટ ચાલુ હતી બાકી બધે ઘોર અંધારું હતુ.છેલ્લાં પંદર વીસ મિનીટથી આખા પરિસરમાં માત્ર અનેરીનો જ થોડો ગણો અવાજ આવતો હતો.અનેરીએ ત્યાંથી દોટ મુકી.ગમે તેમ થાય એને કબ્રસ્તાનથી દૂર થવું હતુ.પરંતું એ ગમે એટલું દોડી પણ આંખ સામેથી કબ્રસ્તાન દૂર થયુ નહીં.છેવટે થાકીને એ ઘૂંટણ પર હાથ દઈને ઊભી રહી.અને બે ઘડી શ્વાસ લેવા ઊભી રહી હતી ત્યાં પાછળથી કોઈનો અવાજ આવ્યો.
"આર યુ ઓલ રાઈટ મિસ.....?"અનેરીને અવાજ જાણીતો લાગ્યો.
આટલી વેરાન જગ્યા પર અત્યારે આ વળી કોણ ? અનેરીએ ફરીને અવાજ તરફ જોયું.
એને જોઈને આશ્ચર્ય થયુ.પાછળ બાઇક લઇને એનો ક્લાસમેટ અનિકેત ઉભો હતો.
"અરે, જો હુ ખોટી નાં હોઉં તો તમે અનિકેત છો....?" આ પહેલા અનેરીએ કદી અનિકેત જોડે વાત કરી નહતી,અને આજે અજનબી અનિકેત મદદે આવી પહોંચ્યો હતો એટ્લે અનેરીએ વાત શરુ કરવા માત્ર જ કીધું.
"હા, તમે તો દુરથી આવો છો ને...! અત્યાર સુધી અહિયાં શુ કરો છો ?" અનિકેતએ કહ્યુ.
"આજે જરાંક ઘરે જવામાં મોડું થઈ ગયું અને એવામાં વળી આ રીક્ષા પણ બગડી અને.... અહિયાં આમ ફસાઈ ગઈ."અનેરી એનાં હેલ્પ આપવાની રાહ જોઇ રહી હતી.
"તો તમે ઘરે કેવી રીતે જશો ?"અનિકેત.
"કોઈની હેલ્પ લઇ લઈશ....."
"તમને ખોટું નાં લાગે તો હુ તમને તમારાં ઘર સુધી મુકી જાઉં...?"અનિકેતએ પુછ્યું.
અનેરી એની જ રાહ જોઇ રહી હતી.એટલે છેલ્લે બોલી,"જરુર, આમેય હુ એકલી આમ અહી ભટક્યા કરૂ એનાં કરતાં કોઈ વિશ્વાસુની મદદ મળી જાય ઈ સારુ જ કહેવાય....."
"તમારે ક્યાં ભટકવાની જરુર છે,તમે બેસી શકો છો બાઇક પર.હુ તમને સુરક્ષિત ઘરે મુકી જઈશ."
"મારૂ ઘર અહીંથી છેતાલિસ કિલોમીટર દૂર છે."
"મને ખ્યાલ છે,આમેય હવે મારે આજીવન ભટક્યા જ કરવાનું છે..."અનિકેત.
અનિકેતની છેલ્લી લાઇન અનેરીને થોડી વિચિત્ર લાગી.અનેરી બાઇક તરફ ગઈ અને બાઇક પર બેસવા ગઇ.બેસતાં બેસતાં એનાં સેંડલની પટ્ટી તુટી ગઈ.
"સોરી...."અનિકેતથી બોલાઈ ગયું.
"એમા સોરી શેનું...?"
"મારી બાઇક જરાક વધું જ ઉંચી છે એમાને એમા તમારુ સેંડલ તુટી ગયુ.
"વાંધો નહીં, હવે તમે ઘરે સુધી મુકી જ જવાના છો ને...."
અનેરી બાઇક પર બેસી અને અનિકેતએ બાઇક ઉપાડી.બે ત્રણ મિનીટમાં બન્ને કબ્રસ્તાનથી થોડા દૂર આવી ગયા.બાઇક ચાલુ જ હતી.
"તમે આજે કદાચ કૉલેજ આવ્યાં નહતા....બરોબર ને ?"અનેરીએ ખામોશ ડરાવનો માહોલ દુર કરવા ખાતર પુછ્યું.
"હા.તમે બધાની હાજરીનું ધ્યાન રાખો છો કે અમુક અમુકની હાજરીનું જ ?"અનિકેત.
"નાં, મને ખબર છે ત્યાં સુધી તમે ખાલી એક્ઝામમાં જ આવો છો.એટ્લે મે તો કીધું."
"હવે તો કદાચ એક્ઝામમાં પણ નહીં દેખાઉં...."અનિકેત.
"કેમ ? ભણવાનું મુકી દીધું કે ?"
"હા, એવું જ કાંઇક."
"હા,આમેય તમારે ઘરનો મોટો બિઝનેસ છે.એ પણ સાંભાળવો તો પડે જ ને."અનેરીને અનિકેતનું બેકગ્રાઉન્ડ ખબર હતી.અનિકેતનાં પપ્પાને મોટો બિઝનેસ હતો અને એનાં પપ્પા કૉલેજનાં ટ્રસ્ટી હતાં.
"તમને દરેકનું બેકગ્રાઉન્ડ ખબર હોય છે કે....?"અનિકેત.
"નાં,.....એવું નહીં પણ તમે આમ કૉલેજ ટ્રસ્ટીનાં છોકરાં હોવ એટ્લે બધાને ખબર જ હોય ને...."
અનિકેતએ માત્ર હસીને જ જવાબ આપ્યો.
"તમારી પેલી બહેનપણીની તબિયત હવે કેમ છે ?"
"એ તો હવે ઘરે જઇને મોબાઇલ ચાર્જ કરૂ અને એને ફોન કરૂ ત્યારે ખબર."અનેરી.
"તમારે જમવાનું બાકી હશે ને...?"અનિકેત.
"બાકી તો છે,હવે ઘરે જઇને તરત જ જમવાનું."
"એવું હોય તો. મારૂ ઘર વચ્ચે જ આવશે.મારા ઘરે જમવું હોય તોય વાંધો નથી."
અનેરી થોડુ વિચારવા લાગી.અનિકેત પોતાના ઘરે જમવાની ઓફર કરી રહ્યો હતો.પરંતું એ અનિકેતનાં ઘરે આ રીતે જઇ પણ કેવી રીતે શકે.
"અરે, તમે મને મારા ઘરે મુકી જાઓ છો એટ્લે આજનું તમારુ જમવાનું મારા ઘરે હોય.તમારાં ઘરે પછી ક્યારેક રાખીશું."અનેરી.
"પણ, તમારી મમ્મીએ તમારુ ભાવતું અને તમારાં જેટલું જ શાક બનાવ્યું હશે ને !"અનિકેત.
"તમે એની ચિંતા નાં કરો.તમારાં માટે તમને ભાવતું બનાવી આપવાની જવાબદારી મારી."અનેરી.
"નાં, એની જરુર નથી.હવેથી જમવામાં થોડો કન્ટ્રોલ કરી દીધો છે."
"કંટ્રોલ જ કર્યો છે ને...બંધ તો નથી કરી દીધું ને...જમી લેજો થોડુ ઘણુ પણ........"અનેરી.
"સોરી,પણ આવતી વખતે ચોક્ક્સ."અનિકેત.
થોડાક અંતર સુધી બન્ને વચ્ચે વાતો થતી રહી અને વાતોમાં ને વાતોમાં અનેરીને આંખ લાગી ગઈ.અને અનેરીનું ઘર આવી ગયું. અનિકેતએ ઘરનાં ઝાંપા બહાર બાઇક ઊભી રાખી.જોયું તો અનેરી પોતાનાં ખભા પર સુતેલી હતી.
"અનેરી......"અનિકેતએ અનેરીને જગાડી.અનેરીએ માથું સરખું કર્યું અને કૉલેજ બેગ લીધી અને બાઇક પરથી ઉતરીને ઝાંપો ખોલ્યો.
"મમ્મી......"જઇને દરવાજો ખખડાવ્યો.
અનેરીની મમ્મીએ દરવાજો ખોલ્યો.
"બે જ મિનીટ હો ,હુ આવી જ ."અનેરીએ એની મમ્મીને કહ્યુ.અને એની મમ્મીને બેગ આપી.એની મમ્મી બેગ લઇને ઘરની અંદર ગઇ.
અનેરી ફરીને પાછી ઝામ્પા તરફ આવી.જઇને જોયું તો ત્યાં કોઈ હાજર નહતું.
"અનિકેત.....?"અનેરીનાં મનમાં પ્રશ્ન થયો કે, બાઇક સ્ટાર્ટ કરવાનો અવાજ આવ્યો નથી તો આ અનિકેત ગયો ક્યાં ?
એને દશ પંદર મિનીટ સુધી ત્યાં બહાર ઉભા રહીને રાહ જોઇ પણ અનિકેત દેખાયો નહીં.છેવટે એ જતો રહ્યો હશે એમ માનીને એ ઘરની અંદર આવી.
"મમ્મી જમવામાં શુ બનાવ્યું છે ?"
"તારી ફેવરિટ શબ્જી....પાલક પનીર."
'તારી ફેવરિટ શબ્જી' એમ સાંભળતા જ અનેરીને કાંઇક યાદ આવી ગયુ.અનિકેતએ કહ્યુ હતુ કે ,'તમારી મમ્મીએ તમને ભાવતું શાક બનાવ્યું હોય.....'અનિકેતને ક્યાંથી ખબર કે આજે મારા ઘરે મારી મમ્મી મને ભાવતું શાક જ બનાવવાની છે? અનેરીનું મગજ થોડુ દોડવા માંડ્યું.
"તેં જમી લીધુ ?"અનેરી.
"હા.આજે જરાક બહાર જવાનું છે એટ્લે જમી લીધુ."
"ઓકે, મારૂ હુ જાતે લઇ લઉં છું જમવાનું."
અનેરીએ શાક જોયું.બધુ શાક પોતાની ડીશમાં લીધુ.અને જમવામાં પરોવાઈ.છેલ્લે છેલ્લે અંતિમ કોળિયો ખાઈ રહી હતી ત્યારે જોયું તો રોટી બધી પતી ગઇ હતી,તપેલીમાં જોયું તો બધુ શાક પતી ગયેલું હતુ.એને અચાનક અનિકેતની બીજી વાત યાદ આવી,
'તમારી મમ્મીએ તમારુ ભાવતું તમારાં જેટલું બનાવ્યું હોય.......'
બીજો એક સવાલ થયો,અનિકેતને એ ક્યાંથી ખબર કે મારા ઘરે કેટલી શબ્જી બની હશે?
ઉલટામાં એને એ પણ યાદ આવ્યુ કે જે સેંડલ બાઇક પર બેસતાં તુટી ગયેલાં એજ સેંડલ જ્યારે એણે ઘરે આવીને નીકાળ્યા ત્યારે તો એ એકદમ સાજા હતાં.આ કેવી રીતે શકય છે ? એ બન્ને વચ્ચે તો ક્યાંય ઉભા રહ્યાં નહતા.
એ બધાં વિચારોમાં અનેરી ખોવાયેલી જ હતી કે ઍની મમ્મીએ બુમ લગાવી,
"હુ બહાર જાઉં છું,વાસણ ઠેકાણે પાડી દેજે...."
આટલી રાતે મમ્મી કદી એકલી બહાર જતી નહતી તો આજે કેમ એકલી બહાર જાય છે ? ત્યાં જ એને બીજો સવાલ થયો, પોતે આટલી મોડી આવી છતાંય ઍની મમ્મીએ એકેય સવાલ સુધ્ધાં કેમ નાં કર્યો ? શેમાં આવી ? કેમ મોડું થયુ ? કાઈ જ સવાલ નહીં ?
અનેરી દોડતી દોડતી દરવાજા તરફ મમ્મી તરફ ઉતાવળા પગલે જઇ રહી હતી ત્યાં જ એની નજર ઘડિયાળ પર પડી.
એની નજર ઘડિયાળનાં કાંટા જોઇ ચકરાવે ચઢી ગઇ.ઘડિયાળમાં સાડા છ વાગ્યા હતાં.એને ચાર્જમાં મુકેલ મોબાઇલમાં જોયું.એમા પણ સાડા છ.ટીવી ઓન કરીને જોયું એમા પણ એજ સાડા છ વાગ્યા હતાં.
વળી અનિકેત ઘરેથી વગર કહ્યે ઉપડ્યો ત્યારે બાઇક સ્ટાર્ટ થવાનો પણ અવાજ આવ્યો નહતો અને રહસ્યમય રીતે જ ગુમ થઈ ગયેલો.એની મમ્મી પાછી નાં આવે ત્યાં સુધી એ ટીવી ચાલુ રાખીને બેસી રહી.અને મમ્મી આવતાં જ અનેરી પોતાની મમ્મી જોડે મમ્મીના રૂમે જ સુઈ ગઇ.
બીજા દિવસે સવારે કૉલેજ જઇને અનિકેતની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે છેલ્લાં બે ત્રણ મહિનાથી એ કૉલેજ આવ્યો નહતો.અનિકેતનાં દોસ્તોને પૂછી જોવાનો ખ્યાલ આવ્યો,પણ શરમાળ અનેરી કૉલેજમાં કોઈ છોકરાં જોડે ખાસ વાતચીત કરતી નહતી.અનેરીએ પોતાની બહેનપણીઓ દ્વારા પુછાવડાવ્યુ તો ખબર પડી કે, અનિકેતનું નામ છેલ્લાં બે મહિનાથી આ કૉલેજમાં નથી બોલતું.એ સિવાય બીજી કોઈ માહીતી મળી નહીં.
બપોરનાં બ્રેકમાં બધી બહેનપણીઓ બહાર નાસ્તો કરવા ગઇ અને ગરમા-ગરમ ભજીયા મંગાવ્યા.અનેરીનું ધ્યાન હજી અનિકેતએ ગઈકાલ રાત્રે કહેલ વાતો પર જ હતુ.
ભજીયાનો ઓર્ડર આવ્યો. બહેનપણીઓનાં આગ્રહ માત્રથી થોડોક નાસ્તો અનેરીએ કર્યો અને છેલ્લે ભજીયા પત્યા એટ્લે એનું કાગળ અનેરી ડસ્ટબિનમાં ફેંકવા ગઇ, ત્યારે એને એ સમાચારના ટુકડા પેપર પર અનિકેતનો ફોટો જોયો.
એને કાગળ ખોલીને જોયું તો, મોટા અક્ષરોમાં સમાચારમાં છપાયેલ હતુ કે,
'શહેરનાં મોટા બિઝનેસમેનનાં છોકરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ.'
અનેરીએ ફટાફટ પેપરની તારીખ જોઇ.તારીખ જોઈને અનેરી દંગ રહી ગઇ.છાપું અઢી મહિના પહેલાનું હતુ.