પ્રેમાગ્નિ - 4 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાગ્નિ - 4

આજે દસ દિવસ થઈ ગયા હતા. સુલેખાને પણ નર્સિંગહોમમાંથી રજા મળી ગઈ હતી. સુલેખાનું રુદન માતુ નહોતું. તે ખાલી હાથે, ખાલી ખોળે પાછી આવી હતી. પોતાની લાડકી બહેનનો ખોળો ભરવાની ઇચ્છા અધૂરી રહી હતી. શિખા પણ સુલેખાનાં ઘરે જ હતી. બંને બહેનો સાથે હતી. સુલેખા શિખાને સાંત્વન આપી રહી હતી. શિખાની આંખો રડી રડીને કોરી થઈ ગઈ હતી. બંને બહેનો કુદરત સામે સાવ નિરાધાર હતી. સુખની જગ્યાએ દુઃખે ડેરા નાખ્યા હતા. કોણ કોને સમજાવે ? શેખર અને મોક્ષે બંનેને સાંત્વન આપ્યું કુદરતનાં નિર્ણય સામે આપણે શું કરી શકીએ ? કુદરતનો નિર્ણય માથે ચઢાવવો જ પડે. આમ ને આમ બે મહિનાનો ગાળો વીતી ગયો.

શિખાને ઘરે લાવ્યા બાદ એની ખૂબ જ સંભાળ રાખવા લાગ્યો. મોક્ષે એક મહિનાની રજા મૂકી દીધી હતી. એના માટે શિખાનું સ્વાસ્થ્ય જ અગત્યનું હતું. રજાઓ પૂરી થયા બાદ મોક્ષને લાગ્યું શિખા સંપૂર્ણ સ્વસ્થ નથી, હજી એ આઘાતમાંથી બહાર નથી આવી. યશોદાબેન જે રસોઈ કરવા કામકાજ કરવા આવતા હતા તેમને કહ્યું મારે કૉલેજ જવું પડશે, હવે તમે શિખાને સાચવજો હું વહેલો ઘરે આવી જઈશ. શિખા સાવ સૂનમૂન થઈ ગઈ છે. ના કોઈ ટકોર ના કોઈ રસ. આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા છે, શરીર કૃશ થઈ ગયું છે. રૂમમાંથી બહાર જ નથી નીકળતી. મોક્ષે ઘણીઁવાર કહ્યું, બહાર વરંડામાં આવીને ખુલ્લામાં બેસ, સારું લાગશે પરંતુ એને મળેલો આઘાત તે પચાવી જ નથી શકી. મોક્ષ એને જોઈને ખૂબ જ દુઃખી થતો, નિસાસા નાખતો. શિખાનાં મોંમાં બે કોળિયા નાખતો પરંતુ એનામાં કોઈ સંચાર જ નહોતો થતો. શેખર-સુલેખા પણ અવારનવાર આવીને સમજાવતા પરંતુ પરિણામ શૂન્ય જ હતું.

રજાઓ પૂરી થયા બાદ આજે મોક્ષને કૉલેજ જવું પડે એવું હતું. યશોદાબેનને જરૂરી સૂચનાઓ આપીને મોક્ષ શિખા પાસે ગયો અને કહ્યું, “આપણો આ ખાલીપો ક્યારેય પુરાવાનો નથી. તું આ સ્વીકારી લે. શા માટે જીવની દુશ્મન બની છું. જો શિખા, નવરાત્રી નજીક આવે છે તને ખૂબ જ શોખ છે ને ગરબાનો ? તારા માટે હું નવા ચણિયાચોળી અને મારા માટે પણ નવા વસ્ત્ર લઈ આવીશ. હું અનુષ્ઠાન રાખીશ – ખૂબ ગરબા ગાઈશું મજા કરીશું. તને જેવો રંગ-ભરત ગમે એવા ચણિયાચોળી લઈ આવું. મોર પોપટ ભરેલા લાવવા છે ? તારી ખૂબ જ ઈચ્છા હતીને.” શિખાએ કોઈ પ્રતિભાવ જ ના આપ્યો. સૂનમૂન મોક્ષ સામે કોઈ હાવભાવ વિના ટગર ટગર જોતી જ રહી. આંખનો એક પલકારો પણ ના માર્યો. મોક્ષ ને જડવત્ થઈ ગયેલ જોતો જ રહ્યો. મોક્ષે એને કહ્યું નવરાત્રીમાં માની પૂજા-દીવા-ધૂપ તો કરીશને તને તો ખૂબ જ શ્રદ્ધા છે. શિખાને યશોદાબેન પાસે મૂકી મોક્ષ કૉલેજ જવા નીકળ્યો. નવરાત્રીના પહેલા દિવસે શિખા સ્નાનાદિ પરવારીને પૂજા રૂમમાં આવી. શિખાએ ધૂપ-દીપ ધર્યા. મા સામે માથું નમાવ્યું. પ્રાર્થના કરવા લાગી. દીવો લઈને તુલસી ક્યારે મૂક્યો. આટલા દિવસમાં પ્રથમવાર બહાર આવી. એટલામાં એને ના સમજાય એવી ગભરામણ થવા લાગી – એની છાતીં ભીંસાવા લાગી. એનાં રૂમમાં આવી. એનાથી બૂમ નહોતી પડાતી. આખા શરીરમાં ખૂબ અશક્તિ આવી ગઈ. પરસેવો ખૂબ છૂટી રહ્યો હતો જાણે પાણીનાં નળ છૂટા મૂકાયા. એ નીચે ફસડાઈ પડી. એ મોક્ષને બૂમ પાડવા ગઈ. દબાયેલા અવાજે બૂમ પાડી પણ મોક્ષે ન સાંભળી મોક્ષ કૉલેજ જવાની તૈયારી કરી રહ્યો હતો. એ કંઈક અવાજ સાંભળીને શિખાના રૂમ તરફ નજર કરીને દોડ્યો, હાથમાંથી પુસ્તકો છૂટી ગયા. શિખાને બૂમ પાડી. શિખાને ફર્શ પર ફસડાઈ પડેલી જોઈને ગભરાયો. શિખા બેહોશ થઈ ગઈ હતી. આખું શરીર પરસેવાથી ભીનું હતું. ઠંડુ પડી રહ્યું હતું એણે શિખાને ઊંચકી બેડ પર સૂવાડી. ખૂબ ગભરાઈ ગયો હતો. એણે તરત ડૉ. સુમનને ફોન જોડ્યો. તાત્કાલિક ઘરે આવવા વિનંતી કરી અને શિખાની પરિસ્થિતિ સમજાવી. ડૉ. સુમને તરત આવું છું કહી ફોન મૂક્યો. ડૉ. સુમનની શહેરમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.

ડૉ. સુમને ઘરે આવીને શિખાને તપાસી અને પોતાના મિત્ર ડૉ. ભાટીને ફોન કર્યા. ડૉ. ભાટી હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે. ડૉ. સુમને મોક્ષને કહ્યું, “મને સીવીયર હાર્ટએટેક લાગે છે. મારા દવાખાને લઈ લો - ડૉ. ભાટી પણ ત્યાં પહોંચે છે. મારા દવાખાનામાં બધી વ્યવસ્થા મળી રહેશે.” મોક્ષે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી શિખાને ડૉ. સુમનનાં દવાખાનામાં દાખલ કરી. શેખર અને સુલેખા પણ આવી ગયા. શિખાને ડૉ. સુમનનાં ICU વિભાગમાં દાખલ કરી. ડૉ. ભાટી પણ આવી ગયા અને તાત્કાલિક સારવાર ચાલુ કરી. શિખાની સ્થિતિ નાજુક છે તેમ જણાવયું. ડૉ. ભાટીએ મોક્ષને સ્પષ્ટ કહ્યું, “છેલ્લામાં છેલ્લી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે. કેસ સીવીયર છે કંઈ કહેવાય નહીં. ઈશ્વરનો જ ભરોસો છે.” મોક્ષ ખૂબ વ્યથિત થઈ ગયો. એ પોતાનાં જીવનમાં પ્રથમવાર ખૂબ અસહાયતા અનુભવી રહ્યો. મોક્ષે ડૉ. ભાટીને હાથ જોડીને કહ્યું, એમનાં પગમાં જ પડી ગયો, “તમે કંઇ પણ કરો, મારી શિખાને બચાવી લો. ગમે તેટલો ખર્ચ થાય જે સારવાર કરવી પડે તે કરો પરંતુ મને તમે નિરાધાર ના બનાવશો. શિખા જ મારા જીવનનો આધાર છે.”ડૉ. ભાટી કહે, “મોક્ષ તમે સમજો જ છો. અમે શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છીએ એમાં કાંઈ જ કચાશ નથી રાખી. તમે શાંત થાવ.” શેખર અને સુલેખા મોક્ષને આશ્વાસન આપવા લાગ્યા. ઈશ્વર સારું જ કરશે. સુલેખા ખૂબ રડી રહી છે. આ 2/3 મહિનામાં અમારા કુટુંબમાં શું થઈ રહ્યું છે ? કોની નજર લાગી ગઈ છે ? શિખા, તને કંઇ જ નહીં થાય. શિખા પહેલી કસુવાવડ – બીજી પછી મૃતબાળકના આઘાતમાંથી બહાર નથી આવી ત્યાં પોતાનાં બાળક આપવાનો સઘિયારો આપ્યો ત્યારે તે પણ મૃત્યું પામ્યું. શિખાની ઈચ્થા મનમાં જ રહી ગઈ. એ આ છેલ્લો આઘાત પચાવી ના શકી. એક આઘાતમાંથી સ્વસ્થ થયા પહેલાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. મોક્ષ પણ એને ખૂબ સાચવી રહ્યો હતો. મોક્ષ પોતાનો અભ્યાસ-પ્રોફેશન કે કોઈ જરૂરિયાત કંઈ પણ યાદ કર્યા વિના નાના બાળકને સાચવે એમ શિખાની કાળજી લઈ રહ્યો હતો. સવાર-સાંજ-રાત ફક્ત શિખા એના ધ્યાનમાં હતી. શિખાને લેખો વંચાવતો, રમૂજી વાતો કહેતો, ગીતો ગાઈને સંભળવાતો પરંતુ શિખાને જાણે કશામાં રસ જ નહોતો રહ્યો. એ એક જડ પ્રતિમા બનીને રહી ગઈ હતી.

ડૉ. ભાટીનાં ફોન આવ્યા બાદ શેખર અને સુલેખા હોસ્પિટલે દોડી આવ્યા. મોક્ષ તો શિખા સાથે ત્યાં જ રોકાયેલો હતો. સુલેખા મોડી રાત સુધી તો ત્યાં હતી જ પરંતુ બાળકો માટે થઈને ઘરે ગયેલી – પરંતુ ફોન આવતા જ પાછી દોડી આવી. ડૉ. ભાટીએ શેખર – સુલેખા – મોક્ષને કહ્યું, “આટલો શ્રેષ્ઠ સારવાર પછી પણ એમનું બોડી રિસપોન્સ નથી કરી રહ્યું, હવે ખાસ સમય નથી એમની પાસે એટલે મારે તમને બોલાવવા પડ્યા.” મોક્ષ તો સાંભળીને નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો.

એ દોડીને શિખા પાસે આવી ગયો. શિખાને હચમચાવી નાખી, બોલને શિખા કેમ બોલતી નથી ? શિખાની આંખો સજળ થયેલી જોઈ ટીકી ટીકીને જોતી હોય એમ ડૉ. ભાટીએ તો કહ્યું હતું સમય ઓછો છે. પરંતુ સમય જ ક્યાં છે ? શિક્ષા તો બધાને છોડીને ચાલી જ ગઈ છે. ડૉ. ભાટીએ શિખાની આંખો બંધ કરી કહ્યું, કશું જ નથી હવે. મોક્ષના ખભે હાથ મૂકીને કહ્યું ખૂબજ પ્રયત્ન કર્યો પરંતુ ઈશ્વરની ઇચ્છા સામે વિજ્ઞાન પણ કંઈ જ કામનું નથી માફ કરજો. સુલેખા શિખાને વળગીનો ખૂબ રડવા લાગી. શિખા બોલ – તું મોક્ષ માટે બોલ ? કોના આશરે છોડીને ગઈ તું ? હે ઇશ્વર ! આ તેં શું કર્યું ? શેખર સુલેખાને સમજાવવા લાગ્યો. મોક્ષ તો મીણની મૂર્તિ બની રહ્યો. બંને આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. એ આ સત્ય માની જ રહ્યો નથી. શેખર મોક્ષ પાસે જઈને કહ્યું. મોક્ષ-સંભાળ તારી જાતને... મોક્ષ શેખરને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. કાબૂ છૂટી ગયો. ખૂબ રડ્યો. શેખર, આ શું થઈ ગયું ? હું કેવી રીતે જીવીશ ? સાવ ખાલીપો કરી ગઈ. ખૂબ જ શાંતિ છવાઈ ગઈ. ડૉ. ભાટી - ડૉ. સુમન બધાએ મોક્ષને આશ્વાસન આપ્યું. રૂમની બહાર લાવી સમજાવ્યા તમારે આ પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. સ્વસ્થ થાવ. મોક્ષને પીવાનું પાણી આપ્યું.

શેખર-મોક્ષ-સુલેખા બધા શિખાનો નશ્વર દેહ લઈને ઘરે આવ્યા. અંતિમક્રિયા કરવાની વ્યવસ્થા કરવા લાગ્યા. શેખરે મિત્રો-સગાંવહાલાં બધાને જાણ કરી મોક્ષનાં પક્ષે તો કોઈ હતા જ નહીં – પરંતુ શિખા-સુલેખાનાં માતા-પિતા-પડોશી વગેરેને બોલાવી લીધા – કોઈના માનવામાં ના આવે એવું બની ગયું હતું. મોક્ષની આંખમાં આંસુ સૂકાતા નહોતા. કુદરતે કાળો કેર વર્તાવ્યો મારા જીવનમાં. એ પોતાનું જીવન સાવ અસહાય અને ખાલી અનુભવી રહ્યો.

શિખાના મૃત્યુ પછી હવે લગભગ 25 દિવસ ઉપર થઈ ગયા છે. મોક્ષ કૉલેજમાં શિખાની બિમારીમાં એક મહિનો રજા લીધી હતી. હવે બીજા દિવસ વિધિ વિધાનમાં ગયા. એ પોતાના વરંડામાં સૂનમૂન બેઠો છે. સગાંવહાલાં પણ પોતપોતાનાં વ્યવસાય કામકાજ રૂટિનમાં વળી ગયા છે. શેખર-સુલેખા પણ હવે ઓછા આવે છે. મોક્ષને પોતાનાં ઘરે લઈ જવા કહ્યું પરંતુ મોક્ષે ના પાડી. શિખાના માતાપિતાએ મોક્ષ સાથે રહેવા કહ્યું તોય મોક્ષે નમ્રતાથી ના પાડી. તમારી ઉંમર ઘણી છે તમે ગામ જાવ હવે આ જ મારી નિયતિ છે. હું આમ જ જીવી લઇશ ચિંતા ના કરશો. ઘરમાં શિખા હતી ત્યારથી યશોદાબેન તો છે જ, એ રસોઈ બનાવી જાય છે, ઘરના બધા કામ પણ સંભાળી લે છે. મોક્ષને કોઈ અગવડ નથી મોક્ષ છેલ્લા ચાર માસ દરમિયાન પોતાના જીવનમાં થઈ ગયેલી ઘટમાળ યાદ કરી રહ્યો. જાણે પોતાનું જીવન આ ચાર માસમાં જ સમેટાઈ ગયું એવું લાગ્યું. શિખાને સુલેખાબેનનું સંતાન મળવાનું હતું. એની શિખાને ખુશી આવનાર સંતાન માટેની એની ચાહત – ખરીદી – રૂમમાં સુશોભન – સુલેખાના ઓપરેશનની વિધિ– સંતાન બચાવી ના શકાયું – શિખાને આઘાત – બીમાર – બસ જાણે બધું જ થંભી ગયું. ફાઈનલ રિઝલ્ટ પૂરું કુદરતની લીલા સમજી ના શક્યો.