પ્રકરણ-૧૪
ભેદી નકાબપોશ
(ઇન્સ. રણજિત રતનસિંહ અંગે માહિતી મેળવવા લાગી જાય છે. આ તરફ રિયા વનરાજને મળવા હોસ્પિટલ દોડી જાય છે. વનરાજ રિયાને પોતાની સાથે બનેલી બધી જ ઘટનાઓ વિસ્તારપૂર્વક કહે છે. બધીયે ઘટનાઓ પાછળ જરૂર રિયાનું પેલું લોકેટ જ જવાબદાર છે એવું વનરાજને લાગે છે. એ લોકેટ રિયાની મમ્મીની આખરી નિશાની હોવાથી રિયા એને પાછું લઈ આવવા વનરાજને કહે છે. બીજી તરફ ઈશાન રિયાનું લોકેટ શોધવા અમદાવાદ આવી પહોંચે છે. વનરાજ છેવટે સુરત જઈને લોકેટ પાછું લઈ આવવાનો નિર્ણય કરે છે. હવે આગળ...)
રણજિત જેવા બાહોશ ઇન્સ્પેકટરનું પણ મગજ ચકરાવે ચઢી ગયું હતું. એનાં મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું...
- આખરે આ જીવિત વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારે છે કોણ ?
- અને ખાસ તો દરેકે દરેક લાશનું હ્યદય ગાયબ થઈ જાય છે !!
આ રહસ્યનો તાગ મેળવવા એ મથી રહ્યો હતો.
રણજિતની આ કવાયતમાં એનો સાથીદાર આહિર પણ એને દિલથી મદદ કરતો હતો.
આહીર પોતાની રીતે સતત મળતી માહિતીઓનું આકલન કરતો હતો અને એનો એક ડેટાબેઝ બનાવતો હતો. લોકોના ગેબી અનુભવો એણે ભેગા કરવાનું નક્કી કર્યું હતું.
ઘણા લોકોના અનુભવોને અંતે આહિરે એક રિપોર્ટ તૈયાર કર્યો. એના દિમાગમાં હવે બધી કડીઓ થોડી થોડી સ્પષ્ટ થઈ રહી હતી.
ખૂબ વિચારણાને અંતે આહિરે આ રિપોર્ટ બાબતે ઇન્સ્પેકટર રણજિત સાથે ચર્ચા કરવાનું નક્કી કર્યું. જ્યારે તે એક ઉગતી સવારે ઇન્સ્પેકટર રણજિતના ઘરે પહોંચ્યો ત્યારે રણજિત આરામથી પગ લંબાવીને છાપું વાંચતા વાંચતા ચાની ચુસ્કીઓ લઈ રહ્યો હતો.
“અરે ! આવો આહિર સાહેબ !” રણજિતે મજાકના અંદાજમાં આહિરને આવકાર્યો.
“સર, આ રિપોર્ટ મેં ગ્રાઉન્ડ લેવલે અમુક તથ્યો આધારિત બનાવ્યો છે. આપ નજર કરી લેશો, પ્લીઝ.” પરંતુ આહિર મજાકના મૂડમાં નહોતો.
રણજિત જેમ જેમ રિપોર્ટ વાંચતો ગયો તેમ એની આંખો પહોળી થતી ગઈ. એની આંખોમાં એક ચમક પ્રસરી ગઈ.
“હં...” એ બબડી ઉઠ્યો.
“અસિતો કોપાણ લાતુકે-નો મતલબ આપે વાંચ્યો સર ?” આહિર પૂછી રહ્યો. રણજિતે એની સામે નજર નોંધતાં એટલું જ પૂછ્યું, “આ માહિતી તને મળી ક્યાંથી ?”
જવાબમાં આહિરે માર્મિક સ્મિત વેર્યું.
“ખૂબ જ ધમાકેદાર માહિતી તું લઈ આવ્યો છે, દોસ્ત !” રણજિતે આહિરની પીઠ થપથપાવતાં કહ્યું. એ ભુવા રતનસિંહ વિશે વિચારી રહ્યો હતો. એ સાચું જ કહેતો હતો કે – હજુ તમે બચ્ચા કહેવાઓ...
“ચાલ, જીપ લઈ લે.” રણજિત કંઈક વિચારપૂર્વક આહિરને હુકમ છોડ્યો, “રતનસિંહના અડ્ડા પર લઈ લે.” અને બંને રતનસિંહની ગુફા તરફ હંકારી રહ્યાં.
***
ઠાકુર જોરાવરસિંહ ! પૂરા સાડા છ ફૂટ ઊંચી અને કસાયેલી કાયા. પાણીદાર આંખો અને રૂઆબદાર મૂંછો. પહાડી અને ઘેઘૂર અવાજનો માલિક હતો ઠાકુર જોરાવરસિંહ.
સો-સો માઈલ દૂર સુધી જેની ખ્યાતિ ફેલાયેલી હતી એવા જોરાવરસિંહ નાનકડા પુરાતન રજવાડા દિવાનગઢના સરપંચ તરીકે જવાબદારી નિભાવતા હતા. એમના સરપંચ બન્યા પછી બીજો કોઈ સરપંચ દિવાનગઢમાં બન્યો હોય એવું જોવામાં નહોતું આવ્યું. ખૂબ ઉદાર દિલના માલિક એવા જોરાવરસિંહનો પડ્યો બોલ ઝીલી લેવા ગ્રામજનો તૈયાર રહેતા અને આ કારણે એમની હાક મંત્રીઓ સુધી પણ હતી.
આજ-કાલ જોરાવરસિંહ ખૂબ ગૂંચવાયેલા રહેતા હતા. એના કારણમાં એટલું જ, કે પોતે એક નવી ભવ્ય હવેલી બનાવવા માંગતા હતા, પણ જે રીતે દિવાનગઢમાં રહસ્યમય ઘટનાઓ ઘટી રહી હતી એના કારણે કોઈ પણ અહીં આવવા તૈયાર નહોતું.
આખરે એમણે અગ્રણી અખબારમાં જાહેરાત આપવાનું નક્કી કર્યું. જાહેરાતમાં ક્યાંય સ્થળનું નામ દર્શાવેલું હતું નહીં, કારણ કે તેમને ભય હતો કે દિવાનગઢ નામ વાંચીને જ કોઈ આવવા તૈયાર નહીં થાય.
ઘણાએ કામ કરવાની ઉસ્તુકતા બતાવી, પણ પાછળથી દિવાનગઢનો ‘ઇનપુટ’ લેતાં જે માહિતી મળતી એ જાણીને તેઓમાં ભય પેસી જતો અને એક પણ માણસ દિવાનગઢમાં પગ પણ મૂકતો નહીં.
***
શાવરમાંથી પાણીના ગરમ ગરમ બિંદુઓ રિયાના વસ્ત્રહીન ખભા પર અને ત્યાંથી એનાં ઉન્નત ઉરોજો પર થઈને સરકી રહ્યાં હતાં. ભીનાં ભીનાં સ્પંદન એના થાકેલાં શરીરને એક મીઠી તાજગી બક્ષી રહ્યાં હતાં. બાથરૂમના આદમકદના અરીસામાં એ મુગ્ધ થઈને પોતાને નીરખી રહી હતી.
એનું શરીર સૌષ્ઠવ કોઈ પણ સામાન્ય યુવતીને છાજે એવું જ સુઘટિત હતું, પરંતુ એનાં અંગવળાંકો ગજબનાં હતાં. એની માદક કમ્મરે તો વનરાજ પર જાણે જાદુ જ કરી દીધો હતો. એ હસતી ત્યારે જાણે ફૂલ ઝરતા હોય એમ એનાં ગાલ પર પડતાં ખંજન પર જ તો વનરાજ મોહિત થયો હતો - રિયા વિચારી રહી હતી - દિવસો વીતી ગયા હતા આ રીતે રિલેક્સ થઈને, મન ભરીને નહાવાના. સતત એક પછી એક ઘટતી ઘટનાઓથી રિયા અતિશય ‘ડીપ્રેસ્ડ’ થઈ ગઈ હતી.
એ વિચારોમાંથી બહાર આવી. ફરીવાર એની નજર આદમકદના એ આયનામાં પડી અને એ હસી પડી. જાણે આજે એ ખુદ સાથે પ્રેમમાં પડી ગઈ હતી ! કદી નહીં ને આજે જ કેમ પોતાના શરીરને આમ નીરખી રહી હતી એ રિયાને સમજાયું નહીં.
અચાનક રિયાને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે પાછળ ફરીને જોયું તો કોઈ હતું નહીં. કદાચ એને એવો ભ્રમ થયો હતો કે કોઈ એને ધારી ધારીને જોઈ રહ્યું હતું. એણે ઝડપથી પોતાનો ટોવેલ ઉઘાડા શરીર પર વીંટી લીધો.
થોડી ફડક પેસી ગઈ હતી રિયાના જહેનમાં. એકાએક એની નજર આયનામાં પડી અને એ જોરથી ચીસ પાડી ઊઠી, “વનરાજ.....!” એ બાથરૂમની બહાર નીકળવા ગઈ એ પહેલાં જ એની નજર સામે અંધારું છવાઈ ગયું.
એને લાગ્યું કે કોઈ એના વાળ પર હાથ ફેરવે છે. આંખ ખુલી તો એ વનરાજ હતો અને પોતે બેડ પર સુતેલી હતી.
વનરાજની નજર રિયાની આંખોથી મળી અને બંનેના હોઠ હસી રહ્યાં. વનરાજે રિયાના લલાટ પર હળવેકથી પોતાના હોઠને મૂકી દીધા. રિયા એકદમ હૂંફ મહેસુસ કરી રહી. હજુ એની આંખોમાં ભય ડોકાઈ રહ્યો હતો. એનું બદન ટોવેલમાં વીંટળાયેલું હતું. ખુદને આવી સ્થિતિમાં જોઈને રિયા લજ્જા અનુભવી રહી હતી. વનરાજે એ જોયું.
“સ્વીટ હાર્ટ ! મારાથીયે શરમ ?” એણે રિયાની મજાક કરતાં કહ્યું.
“પહેલાં એ જણાવ કે હું અહીં આવી કેવી રીતે ?” રિયાએ એકાએક પૂછ્યું. કારણ કે રિયાને, એ બાથ લેતી હતી ત્યારે, છેલ્લે એક વિચિત્ર આકાર બાથરૂમના આયનામાં જોયેલો એટલું જ યાદ હતું.
“તારો ચિત્કાર સાંભળીને હું બાથરૂમ તરફ ધસી ગયો હતો. બહાર નીકળવા માટે તેં દરવાજાની કડી ખોલી નાખી હતી એટલે મેં જોયું તો તું બાથરૂમમાં બેભાન થઈને પડી હતી. એ તો સારું થયું કે તને કોઈ બીજી શારીરિક ઇજા ન થઈ, કારણ કે ટબની ધાર નજીક જ હતી...” એકી શ્વાસે વનરાજે બધો રિપોર્ટ આપી દીધો.
પોતાના માટે વનરાજ કેટલો સતર્ક રહે છે એ વિચારતાં જ એના ઉપર રિયાને પ્રેમ ઉભરાઈ ગયો અને એક જોરદાર આવેગ સાથે એ વનરાજના હોઠ પર પોતાના હોઠ ચાંપી બેઠી.
વનરાજ પણ આ અણધાર્યા ‘મીઠા’ હુમલાથી વિસ્મિત થઈ ગયો. રિયા ખૂબ જ ભીંસથી પોતાના હોઠ વનરાજના હોઠ સાથે ઘસતી હતી. પોતાના બંને હાથમાં એણે વનરાજનો ચહેરો જકડી રાખ્યો હતો. વનરાજ પણ શરૂઆતમાં સંકોચાયો, પણ છેલ્લે આ પ્રેમના વાવાઝોડા આગળ ટકી શક્યો નહીં. આપોઆપ એ રિયાને સહકાર આપવા લાગ્યો. એના ખડક જેવા મજબૂત બાહુપાશમાં નમણી શી રિયા ઓગળવા લાગી. બંને એકમેકની ગરદન પર ચુંબનોનો વરસાદ વરસાવી રહ્યાં.
“વનરાજ ! આઈ લવ યુ સો મચ ડીયર...” રિયા માદક આવાજે બોલી. જવાબમાં વનરાજે રિયાને વધુ મજબૂતાઈથી જકડીને બેડ પર બેઠી કરી અને હળવેથી એની કાનની બુટીને પોતાના દાંત નીચે ભીડવા લાગ્યો.
“લવ યુ ટુ, ડીયર. માય સોલ મેટ !!” કહીને વનરાજે રિયાના બદન પર ચિપકેલું એકમાત્ર ટોવેલરૂપી આવરણ દૂર કર્યું. રિયાએ જરા પણ વિરોધ વગર વનરાજના તન પરનો નાઇટસૂટ દૂર કર્યો અને... બંનેના અસ્તિત્વ એકમેકમાં ઓગળતા ગયા. બંને એકત્વ ધારણ કરી રહ્યાં... બંને એકબીજામાં ઓગળી રહ્યાં... ને કોઈ દૂર ખૂણામાં ભૂખી આંખોથી આ જોતું રહ્યું...
સંતૃપ્ત આંખોથી બંને એકમેકને નીરખી રહ્યાં, હસી રહ્યાં. જાણે એમ કહી રહ્યાં હતા કે હવે દુનિયાની કોઈ તાકાત એમને જુદા કરી શકે એમ નથી.
“ડાર્લિંગ ! હું હવે વ્યવસ્થિત નાહી આવું...” સમાગમ બાદ રિયાએ કહ્યું.
“ના, થોભ. હું પણ આવું છું તારી સાથે. જો તું ફરી ગભરાઈ જઈશ તો...” વનરાજે જાણીજોઈને વાક્ય અધૂરું મૂક્યું. ખરેખર એને રિયાથી દૂર થવું જ નહોતું.
પાંચેક મિનિટ પછી વનરાજના હાથમાં રહેલો સુગંધિત સાબુ રિયાના ભીના, અનાવૃત્ત દેહ પર ફરી રહ્યો હતો. રિયા કંઈક અલગ ખુશી મહેસુસ કરી રહી હતી. બંને ક્યાંય સુધી ટબમાં છબછબિયાં કરતા રહ્યાં. રિયા આજે બધો જ સ્ટ્રેસ ભૂલી ગઈ હતી.
“ડાર્લિંગ ! એક વાત કહું ?” વનરાજે કપડાં પહેરતાં કહ્યું.
“બોલને યાર. એમાં પૂછવાનું શું હોય ?” રિયાએ કહ્યું.
“આજે હું ખૂબ ખુશ છું. એટલા માટે નહીં કે આપણે તનથી મળ્યાં, પણ આજે હું એવું ફિલ કરું છું કે મારી રિયા મારી અંદર પણ ઊતરી ગઈ છે.” વનરાજ બોલી ઉઠ્યો. રિયા બસ આછું સ્મિત ફરકાવી રહી અને ધીમે રહીને વનરાજના કપાળે એક ચુંબન ચોડી દીધું.
***
બંને હવે હોટલની બહાર નીકળ્યા અને પોર્ચમાં ઊભા રહ્યાં ત્યાં એક કાર આવીને ઊભી રહી.
“કોહિનૂર બિઝનેસ હબ ?” વનરાજે પૂછ્યું. ચાલક કોઈક અજીબ વેશમાં હતો. એણે હકારમાં માથું ધુણાવ્યું.
બંને પાછલી સીટ પર બેઠા. રિયાનું ધ્યાન એ ચાલક પર ગયું. એણે કાળા કલરનો ઓવરકોટ પહેરેલો હતો અને મ્હોં પર સ્કાર્ફ. આંખો દેખાતી હતી. વધુ શંકા કરવાનું કારણ રિયાને ન લાગ્યું, કારણ કે શિયાળામાં બહુધા ચાલકો આ જ વેશમાં હોય છે.
“વનરાજ, પેલું લોકેટ તેં ત્યાં જ રાખ્યું છે ને ?” રિયાએ પૂછ્યું.
“હા સ્વીટ હાર્ટ, દિવાનગઢના ઇતિહાસની ચોપડીમાં જ. અને એય મેં તને કહ્યું હતું એ જગ્યાએ જ.” વનરાજ ખૂબ ઝીણવટપૂર્વક બધું ફરીથી કહી ગયો.
ચાલકના ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું. એક સફેદ રૂમાલમાં એણે કોઈક ભેદી પ્રવાહી નાખ્યું. ઝડપથી વનરાજની સીટ પર એ રૂમાલ ફેંક્યો અને એટલી જ સ્પીડમાં આગળની અને પાછળની સીટની વચ્ચે રહેલો એક ભેદી કાચ ફૂટી નીકળ્યો. રિયા અને વનરાજ કશું સમજે એ પહેલાં તો મીઠી નિંદરમાં બંને સરી પડ્યાં.
એકાદ કલાક બાદ વનરાજની આંખ ખુલી તો ખુદને કોઈ સુમસામ રોડના બાંકડા પર જોયો. પાસે જ રિયા પણ ભર નિંદરમાંથી હવે જાગી ગઈ હતી. કશુંક ખોટું થઈ ગયું હતું એમની સાથે એ સમજતાં બંનેને વાર ન લાગી.
બંને તાબડતોબ “કોહિનૂર બિઝનેસ હબ”ની એ લાઇબ્રેરીમાં આવી પહોંચ્યા. વનરાજે ‘દિવાનગઢનો ઇતિહાસ’ પુસ્તક ઉઠાવ્યું અને જેવું પુસ્તક ખોલ્યું કે એનું કપાળ પરસેવે રેબઝેબ થઈ ગયું.
“શુ થયું ?” રિયાએ પૂછ્યું.
વનરાજે ભારે હૈયે પુસ્તક રિયાના હાથમાં આપતાં કહ્યું, “લોકેટ નથી આમાં !”
લોકેટ એ પુસ્તકમાંથી ગુમ થઈ ગયું હતું.
બંને વિચારી રહ્યાં... લોકેટ ક્યાં ? અને વળતી જ પળે બંનેને એકસાથે વિચાર આવ્યો. - કોણ હતો એ ભેદી નકાબપોશ ??
***
અખબાર વાંચી રહેલા વનરાજની નજર એક જાહેરાત પર પડી. ઘણાં વખતથી કોઈ કાર્ય થયું નહોતું એટલે ફક્ત પૂછપરછ માટે એણે નંબર ડાયલ કર્યો.
“હેલ્લો, વનરાજ સ્પીકિંગ...” સામેથી ફોન રિસીવ કરવાનો અવાજ આવતાં જ વનરાજે પોતાનો પરિચય આપ્યો.
“હું જોરાવરસિંહ. દિવાનગઢનો સરપંચ !” એક પહાડી આવાજ વનરાજના કાનમાં ગુંજી ઉઠ્યો.
“દિવાનગઢ !” જાણે હ્યદય હમણાં જ ઉછળીને બહાર પડી જશે એવા હાવભાવ વનરાજના ચહેરા પર ફરી વળ્યાં.
“એક મિનિટમાં કોલ બેક કરું, સર !” કહીને વનરાજે તરત જ કોલ કટ કર્યો. એનું હ્યદય જોર જોરથી ધડકી રહ્યું હતું. સમજ પડતી નહોતી કે આ દિવાનગઢ એનો પીછો કેમ છોડતું નથી...!
અને, એણે મનોમન એક નિર્ણય લઈ લીધો.
આંખ સમક્ષ બે શબ્દો તરવરી ઉઠ્યાં.
- દિવાનગઢની મુલાકાત !
(ક્રમશઃ)
આ પ્રકરણના લેખક છે: અમીન સુનિલ