પ્રેમાગ્નિ - 2 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાગ્નિ - 2

પ્રો. મોક્ષ આજે કૉલેજથી થોડાક મોડા ઘરે પહોંચ્યા. પોતે આગળ Ph.D. કરે છે એની થીસિસ લખવા અંગેના સંદર્ભગ્રંથો લાઇબ્રેરીમાંથી લેવાના હતા મનમાં નક્કી કરેલું કે કાલે રજા છે એટલે ઘણુંબધુ વાંચવાનું લખવાનું બાકી છે તે કાલે આટોપશે. થીસિસ પૂરી કરીને ડૉ. વાલિયાને સબમીટ કરવાની છે અને તે સમયસર થાય તે પણ જરૂરી છે. પ્રો. મોક્ષ ‘પ્રકૃતિ અને તેનું સંચાલન’ એ વિષય પર Ph.D. કરી રહ્યા છે. ઘરે આવતાની સાથે જ શિક્ષાએ કહ્યું : “હું ક્યારનો તમારી રાહ જોઉ છું. ચાલો તમને જમવાનું આપી દઉં પછી આપણે સુલેખાબેનની તબિયત જોવા જઇએ. હવે બે જ મહિના બાકી રહ્યા છે.” મોક્ષે કહ્યું, “મારે હજી ઘણું વાંચવાનું લખવાનું બાકી છે. મારે સમયસર થીસિસ સબમીટ કરવાની છે. તું એક કામ કર. તું આજે બહેનને ઘરે જતી રહે. આજે રાત્રે એમની સાથે જ રહેજે. એમની તબિયત જોવાશે, કાળજી લેવાશે. હું આજે મારું કામ પતાવી લઉં. કાલે હું ત્યાં આવી જઇશ.” શિખા રાજી થઇને માની ગઇ. તરત બોલી “પ્રોફેસર સાહેબ ! કાલે સમયસર આવી જજો. તમારા ચોપડાઓમાં ખૂંપેલા ના રહેશો.” શિખાને ખૂબ જ આનંદ હતો બહેન સાથે રહેવાશે, એની કાળજી લેવાશે. ખૂબ વાતો કરશે. વિચારોમાં પરોવાઈ ગઇ. મોક્ષને જમવાનું સમજાવીને સુલેખાનાં ઘરે જવા નીકળી ગઇ.

શિખાના ગયા બાદ મોક્ષે પોતાની થીસિસ લખવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. એટલો ગહન વિષય છે કે ઘણું લખી શકાય. પાંચ મૂળતત્વો સાથે વનસ્પતિ – બધા જીવો પોતાનું જીવન ટકાવી શકે છે. કુદરતે દરેક જીવને પોતાની જીવનક્રિયા જીવવા માટે શક્તિ અને એ પ્રમાણે વાતાવરણ આપ્યું છે. એક એવું સુદઢ વ્યવસ્થાતંત્ર ચાલી રહ્યું છે, જેમાં માણસે કોઇ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. એક અનોખી શિસ્ત સાથે બધું ચાલી રહ્યું છે. પર્યાવરણની જાળવણી માટે એક ચોક્કસ સુઆયોજિત તંત્ર ચાલી રહ્યું છે. જેમાં પણ માણસે હસ્તક્ષેપ કર્યો છે એ કામ બગાડ્યું છે. આ વ્યવસ્થાતંત્રને સમજવા માણસે ન જાણે કેટલા જન્મ લેવા પડશે. આકાશ, પવન, પ્રકાશ, ધરતી, પાણી, વનસ્પતિ, ગ્રહો, એમની ચાલ – અવકાશ લીલો, તારા, ચંદ્ર તેની કળાઓ, નક્ષત્ર ન જાણે કેટલું એક ચોક્કસ ગતિ અને ઘડિયાળનાં કાંટાની ગતિની જેમ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. કોઈ ચલાવી રહ્યું છે. પૃથ્વીનાં પેટાળનો લાવા, ધાતુ, હીરા, મોતી, માણેક સમુદ્રનાં જીવો એક અગમ્ય સૃષ્ટિ છે. એને સમજવા માટે દષ્ટિ પણ જોઇએ. 75% સાગરનાં પાણીમાં પૃથ્વી તરી રહી છે. નદીનાં પાણી મીઠા-સાગરનું પાણી ખારું કુદરતે જે કંઇ રચના કરી છે એનાં ચોક્કસ કારણો જ છે. સમજવા જરૂરી છે. મોક્ષ વિચારે છે કે મારી શોધ-કલ્પના-વિઝન બહુ જ ટૂંકું પડે છે, અરે આ જીવન પણ ઓછું પડશે સમજવા. પ્રકૃતિ પાસે અમાપ શક્તિ છે, પ્રકૃતિ જ્ઞાન પૂર્તિ કરાવે તો જ શક્ય છે. પૃથ્વી ઉપરનાં કેટલા બધા જીવ? કેટલી વનસ્પતિ બધાનાં કદ, રૂપ, રંગ, આકાર, ગુણધર્મ, જીવનકળા, આયુષ્ય બધું જ ભિન્ન છતાં એક સુવ્યવસ્થિત રીતે ચાલે છે. કેટલી વનસ્પતિ, કેટલાં પુષ્પ, દરેકનાં ગુણ-રંગ-દેખાવ સુગંધ બધું જ અલગ. દરેક વાતાવરણની અલગ વનસ્પતિ અલગ જીવ. આ બધું સમજવા માટે સુપર હ્યુમન મગજ હોવું ખૂબ જરૂરી છે. સમજણ માટે જ્ઞાન કેળવવું જરૂરી છે. ઈશ્વરની કૃપા સિવાય શક્ય નથી. હે પ્રભુ ! તારી રચના સમજવા માટે હું તારા આપેલા જ્ઞાન થકી આ બધું સમજવા પ્રયત્ન કરું છું. મને જ્ઞાન આપ. હું તારું વ્યવસ્થાતંત્ર સમજી શકું એ માટે જેટલો આભાર માનું ઓછો છે. તેં માણસને રચીને છેલ્લું જ કાર્ય કર્યું લાગે છે - એનાંથી વિશેષ કોઇ જીવ બનાવ્યો નહીં. તેં માણસને બનાવીને ભૂલ તો નથી કરીને કે માણસનાં હાથે જ તારી રચેલી સૃષ્ટિ પર એવા કાર્ય કરાવ કે માણસ જાતે જ સમજે સાચવે અથવા તો નાશનું વરદાન પોતાનાં માથે હાથ મૂકીને તથાસ્તુ કરાવશે. એ પોતાના સ્વાર્થ અને સુખ માટે હે ધરતીમા ! તારા પર અત્યાચાર જ કરે છે. શારડીઓ ફેરવીને તેલ કાઢે છે. જેના પર માણસનાં જીવનનો આધાર છે એ જ વનસ્પતિદેવીનો સંહાર કરે છે. આડેધડ વૃક્ષોનું છેદન કરી જંગલોનો નાશ કરે છે. વનસ્પતિએ તો જીવનનાં સંસ્કાર શિખવ્યા છે. नमामिदेवीवनस्पतये।બસ, ગ્રંથોમાં જ રહી ગઇ એ શીખ. હે પ્રભુ ! મને શક્તિ આપ, થીસિસ દ્વારા મારાથી થઇ શકે એટલી હું સેવા કરું, માણસને જાગ્રત બનાવું. માણસે બધે અશુદ્ધિ ફેલાવી દીધી છે પહાડ-નદી-સાગર-તળાવ બધું જ અશુદ્ધ – હવા પાણી બસ હવે નામના જ શુદ્ધ રહ્યા છે. માણસ પોતાનાં સ્વાર્થે સમગ્ર સૃષ્ટિ સાથે ખેલ ખેલી રહ્યો છે. દંભની લાકડી વડે બધું હાંકી રહ્યો છે. એ વનસ્તપતિની સાથે સાથે બીજા જીવોનું પણ નિકંદન કાઢી રહ્યો છે. મોક્ષે ઘણા સચોટ મુદ્દોઓનું વિવરણ કર્યું. મોડી રાત સુધી લખીને ચેપ્ટર પૂરા કર્યા.

સવારે વહેલા ઊઠીને મોક્ષે યોગ-ધ્યાન-સેવા-પાઠ માળા પતાવ્યા પછી પોતાનાં મિત્ર અવિનાશ, જેનું પ્રેસ કમ કાર્યાલય સોસાયટીના નાકે એના બંગલામાં જ છે, એ મોક્ષનો ખાસ મિત્ર પણ છે. મોક્ષ એને થીસિસ આપી એની પાસે કૉપીઓ ટાઇપ કરી સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે આપી અવિનાશ પાસે કૉલેજનાં કામ સામયિક-મુખપત્ર વગેરે તૈયાર કરાવતો. અવિનાશને ત્યાં બધું કામ પૂરુ થઈ જતું. કમ્પાઉન્ડમાં નાનકડું છતાં લેટેસ્ટ પ્રેસ હતું. ટાઈપસેટિંગ, ઝેરોક્ષ, સાઇક્લોસ્ટાઈલ, ટાઇપિંગ, કૉમ્પ્યુટરનું કામ, કલર ઝેરોક્ષ – પ્રિન્ટિંગ બધું જ થતું હતું – મોક્ષ પોતાનાં લેખ કવિતા, મુક્તક, બધું એને જ પ્રિન્ટ કરવા આપતો. અવિનાશ એનો મિત્ર હતો સાથે સાથે મોક્ષનાં લખાણ-કવિતાનો ચાહક હતો. બંનેને સારું બનતું. મોક્ષ સમય પસાર કરવા ઘણીવાર રાત્રે ગપ્પા મારવા, કેરમ રમવા પણ અવિનાશનાં ઘરે આવતો. બધું જ કામ પતાવી બાઈન્ડીંગ સુધીનું કામ અવિનાશ કરી આપતો. આજે પણ થીસિસની પ્રતોનો જથ્થો આપ્યો અને એક કવિતા પણ આપી. મોક્ષે અવિનાશને કહ્યું, આને ફ્રન્ટ પર છાપીને તૈયાર રાખજે. અવિનાશે તરત જ વાંચવાનું જ ચાલુ કર્યું.

“તત્વ એક અસ્તિત્વ પૃથ્વીનો ગોળો”

“તત્વનાં અસ્તિત્વને ઝંખતો પાણીમાં બોળાયેલો પૃથ્વીનો ગોળો છું.

પ્રકાશને પામવા સૂર્ય ચંદ્રથી રોશની ઉધાર લેતો પૃથ્વીનો ગોળો છું.

છીપાવવા તૃષા મેહુલાથી વર્ષાની માંગણી કરતો પૃથ્વીનો ગોળો છું.

જીવોને પોષવા પાંગરતી પ્રજ્ઞાની આશિષ માંગતો પૃથ્વીનો ગોળો છું.

પ્રેમ તૃષાને શાતવા પરમાત્માને પામવા તડપતો પૃથ્વીનો ગોળો છું.

જીવન-મરણનાં ફેરા ફરવા સૂર્ય આસપાસ ભટકતો પૃથ્વીનો ગોળો છું.

મારા પર ફરતા જીવતાં “ઓરા”ઓનું આશ્રયસ્થાન પૃથ્વીનો ગોળો છું.

જન્મોની હારમાળામાં “તત્વ” ને “તત્વમસી”માં આરોપતો પૃથ્વીનો ગોળો છું.

“તત્વમસી”નાં વિયોગને જીરવતા તત્વનો સાક્ષી પૃથ્વીનો ગોળો છું. ”

આજે સવારથી સુલેખાનો જીવ ચોળાયા કરતો હતો. કંઇ ચેન જ નથી પડી રહ્યું. ડૉક્ટરે આપેલ તારીખ નજીક આવી રહી છે. ફક્ત 2 – 3 દિવસનો સમય બાકી છે. ડૉક્ટરે જણાવેલ કે કોઇ પણ સમયે પેઈન ઉપડે તો તરત આવી જજો. શિખા પણ છેલ્લા 4-5 દિવસથી સુલેખાદીદી સાથે રોકાવા આવી ગઈ હતી. શેખર પણ ગઈકાલથી ઓફિસ નથી ગયો. અમર-લિપિ એનાં નાના-નાની પાસે હતા. અમર-લિપિ સાથે નાના-નાની પણ ગઈકાલથી અહીં જ હતા સુલેખા પાસે બન્ને દીકરીઓ સાથે રહેવાય. અમર-લિપના દાદા-દાદી પણ હતા એમને મજા પડી ગઈ હતી. લિપિ તો પોતાની કાલી ભાષામાં શિખાને પ્રશ્નોની ઝડી જ વરસાવી રહી હતી કે માસી મારી મમ્મીને શું થયું છે ? અમર ભૈયા તો કહે મમ્મી નવો ભાઈ લાવવાની છે. ભાઈ ક્યારે આવશે ? શિખા હસીને જવાબ આપતી, મારી ગુડિયા રાની ! મમ્મી તારા માટે નાનો ભાઈ લાવશે સુંદર. નાનો નાનો તું ખૂબ રમાડજે એને. લિપિ સમજી ના સમજી કરીને રમવા દોડી જતી.

આમ ને આમ ઉચાટમાં 4 દિવસ વીતી ગયા. હવે આજે રવિવાર પણ હતો. શિખાએ ફોન કરીને આજે મોક્ષને બોલાવી લીધો. કહ્યું, “આજ તમે અહીં જ રહો. દીદીને બહું સારું નથી કદાચ દવાખાને લઈ જવા પડશે.” ડૉ. સુમનને ફોન કરીને શેખરે જણાવ્યું કે, “સુલેખાને ખૂબ જ દુખાવો છે કંઇક વિચિત્ર જ પેઈન થઈ રહ્યું છે. અમને ચિંતા થાય છે.” ડૉક્ટરે નર્સિંગહોમ લઈ આવવા જણાવ્યું. આમ, શેખર-મોક્ષ શિખા-સુલેખાને લઈને નર્સિંગહોમ પહોંચ્યા.

ડૉ. સુમનનું નર્સિંગહોમ આખા સુરત શહેરમાં પ્રખ્યાત હતું. ડૉ. સુમનનાં હાથે કેટલાય બાળકોનાં જન્મ થયા હતા. તેઓ લકી ગણાતા. એમનું માન પણ ઘણું હતું. વિશાળ નર્સિંગહોમ હતું. લેટેસ્ટમાં લેટેસ્ટ સારવાર અહીં ઉપલબ્ધ હતી સાથે સાથે શેખરનાં મિત્ર પણ હતા. નર્સિંગહોમ પહોંચ્યા બાદ ડૉ. સુમને તરત જ સુલેખાને તપાસી અને મદદનીશ ડૉક્ટરને લિસ્ટ આપી ટેસ્ટ કરાવવા સૂચના આપી. શેખરને દવાઓનું લિસ્ટ આપ્યું અને આશ્વાસન આપ્યું, હમણાં રિપોર્ટ આવી જાય પછી નિર્ણય લઈએ. ચિંતાનું કોઈ કારણ નથી.

શિખાને ખૂબ જ ચિંતા થઈ રહી હતી. હે ભગવાન, મારી દીદીને કોઈ તકલીફ ના પડે. સહુ સારા વાના થાય ખૂબ જ સુંદર દીકરો આપજો દીદીને સ્વસ્થ રાખજો. મોક્ષ શિખાને આશ્વાસન આપવા લાગ્યો. “તું ચિંતા ના કર,પ્રભુ સહુ સારા વાના કરશે. શ્રદ્ધા રાખ. ચિંતા કરવાથી કાંઈ ના વળે. કાલે સવારે શું થવાનું છે એ ખુદ પ્રભુ શ્રીરામને પણ ખબર નહોતી. ચિંતા કરવાથી તારું સ્વાસ્થ્ય બગડશે.”

રિપોર્ટ આવ્યા બાદ ડૉ. મુકુલ સાથે ડૉ. સુમને ચર્ચા કરી. એ એમના આસિસ્ટન્ટ ડૉક્ટર હતા. થોડીક ચિંતા ડૉ. સુમનના ચહેરા પર જણાઈ અને ડૉ. મુકુલને કહ્યું, તમે સુલેખાબેનની સોનોગ્રાફી કરાવો. છેલ્લે છેલ્લે ડૉ. સુમનનાં મોં પર વિષાદ અને ચિંતા દેખાયા એટલે શેખરે પૂછ્યું, “ડૉક્ટર, તમે કેમ ચિંતામાં પડ્યા ? કોઈ જોખમ નથીને ? મારી સુલેખાને કોઈ તકલીફ ના થાય. જે જરૂરી હોય એ બધું કરજો જ.” ડૉ. સુમને શેખરને ધીરજ રાખવા જણાવ્યું, “ચિંતા ન કરો. સારું જ થશે.”

મોક્ષ શિખાનાં મોં સામે જોઈ રહ્યો. શિખાનો હાથ દાબી સંયમ રાખવા જણાવ્યું. “ડૉક્ટર પાસે જ સુલેખાબેન છે તેઓ એમની પાસે જ છે ચિંતાનું કારણ નથી.” શિખા પ્રાર્થના કરવા લાગી, “હે ઈશ્વર, મારી કોખ તો ઉજાડી છે. હવે એક આશ છે દીદીનાં બાળકથી મારો ખોળો ભરું મારા ખોળાનો ખૂંદનાર એ રીતે પણ મને આપ. મારી પ્રાર્થના સાંભળજે. હું પણ યશોદા બનીને માના કોડ પૂરા કરું.” મોક્ષે શિખાને બાંકડા તરફ લઈ જઈને શાંતિથી બેસવા જણાવ્યું. શેખર અંદર ડૉ. સુમન પાસે હતો. મોક્ષ-શિખા બહાર બાંકડા પર બેઠા. હોસ્પિટલમાં લોકોની અવરજવર હતી અહીં ખાસ ભીડ નહોતી. બધાને પ્રવેશ જ નહોતો. ખૂબ જ સ્વસ્છ વાતાવરણ હતું. મોક્ષ-શિખા બાંકડે બેસીને ખુશીના સમાચાર આવવાની રાહ જોતાં બેઠાં.

***