LOVE ની ભવાઈ Hiren Moghariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LOVE ની ભવાઈ

LOVE ની ભવાઈ

પાર્ટ-

છેલ્લા અઠવાડિયાથી કાળાડિબાંગ વાદળોની વચ્ચે છુપાઇને રહ્યા બાદ જુલાઈના છેલ્લા દિવસનો સૂર્ય પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસીને થાકેલા મેઘરાજાએ આજે આરામ કરવા માટે રજા રાખી હોય એમ વરસાદ બંધ રહેતા જનજીવન થાળે પડવાની કોશિશ કરી રહ્યું હતું. ઠેક ઠેકાણે પડેલા ભૂવાએ મેટ્રોસિટીની અવદશા કરી હતી. મેગા સિટીના મેગા ટ્રાફિકમાં ઠેક ઠેકાણે થી તૂટી ગયેલા રસ્તામાંથી માંડ નીકળીને એક કાર સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ ઝોન પાસે આવીને ઊભી રહી. એરપોર્ટ નજીક પણ ચારેય બાજુ પાણીનાં ખાબોચિયાં ભરેલા દેખાતા હતા. ગાડીમાંથી હું એટલે કે અભિનવ આચાર્ય, મારા પપ્પા રાજમોહન આચાર્ય અને મમ્મી હીના આચાર્ય નીચે ઉતર્યા અને ગાડીમાંથી સામાન નીચે ઉતાર્યો. કાકા દેવર્ષ આચાર્ય કાર પાર્ક કરીને આવ્યા પછી બધાએ એરપોર્ટ તરફ પ્રસ્થાન કર્યું.

મારી ફ્લાઇટ A-31 એર ઇન્ડિયા સાડા પાંચ વાગ્યાની હતી અને હજુ એરપોર્ટના વિશાળકાય હોલની ડિજિટલ ઘડિયાળ સાડા ચાર વાગ્યાનો સમય બતાવતી હતી. બધી જ ફોર્માલિટી પૂરી કરીને હું જ્યાં મમ્મી - પપ્પા અને કાકા ઊભા હતા ત્યાં આવ્યો. એરપોર્ટની વિશાળ લોબીમાં લોકોની આછી પાતળી અવરજવર ચાલુ હતી. જેમાં ભારતીય અને વિદેશી ચહેરાઓ સામેલ હતા. અમુક લોકો એક હાથમાં ટિકિટ રાખી બીજા હાથથી ટ્રોલીને ધકેલી રહ્યા હતા તો અમુક લોકો મ્યુઝિકનો આનંદ માણી રહ્યા હતા. ગોરાઓના બાળકો તેમના મમ્મી - પપ્પાનો હાથ પકડીને શાંતિથી લાઇનમાં ઉભા હતા જ્યારે ભારતીય બાળકો બૂમો પાડતા આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતા. થોડી થોડી વારે ફ્લાઇટની અવરજવર અંગેની સૂચનાઓ સંભળાતી હતી. વરસાદની મોસમ હોવાના લીધે અમુક ફ્લાઇટ મોડી હોવાથી વેઇટિંગ રૂમમાં મુસાફરોનો ધસારો વધુ હતો. મેં પણ મમ્મી - પપ્પા અને કાકાની જોડે વેઇટિંગ રૂમમાં સીટ લીધી અને આડીઅવળી વાતો કરવા લાગ્યો. મમ્મીની શિખામણો અને પપ્પાની સલાહનો દોર તો ચાલુ જ હતો. ત્યાં જ મારી નજર વેઈટિંગ રૂમના દરવાજામાંથી અંદર આવતી એક યુવતી પર પડી અને હૃદય એક ધબકારો ચૂકી ગયું. આજુબાજુ જાણે કોઇ જ ન હોય એમ બધું શાંત પડી ગયું... !! ના મમ્મીની શિખામણ સંભળાતી હતી ના પપ્પાનો અવાજ... !! બાજુમાં એક નાનું બાળક રડતું હતું એનો અવાજ પણ સંભળાતો ન હતો... અને મનમાં ગીત ગુંજી ઉઠ્યું- તુંમ જો આયે જિંદગી મેં તો બાત બન ગયી... !! કારણ પેલી આગંતુક યુવતી હતી જ એટલી સુંદર કે એને જોઈને કોઈ પણ માણસનું મન વિચલિત થઈ જાય.

તે યુવતી થોડી પલળેલી હતી. કદાચ બહાર વરસાદનું ઝાપટું પડયું હશે. યુવતીએ સફેદ ટી-શર્ટ અને બ્લેક ડેનિમ જીન્સ પહેરેલા હતાં. પલળવાથી સફેદ ટી-શર્ટનો ઉપરનો થોડો ભાગ પારદર્શક બનીને ચોંટી ગયો હતો. જે એના અલૌકિક રૂપ સૌંદર્યની આછેરી ઝલક આપતો હતો. વાળ પલળીને ચોંટી ગયા હતા અને લટમાંથી પાણીના ટીપાં પાંપણને સ્નેહનો સુંવાળો સ્પર્શ કરી, ગાલ પરથી દોડીને, ડોક પરથી લસરીને ટી-શર્ટમાં સમાઈ જતા હતા. આહ... !! શું સૌંદર્ય હતું. એના માટે એમ ના કહેવાય કે ભગવાને આને નવરાશના સમયમાં બનાવી હશે પરંતુ ભગવાને વિચાર્યું હશે કે કોઈ એવી રચના બનાવવું કે જે न भूतो न भविष्यति હોય.. !! થોડી મિનિટો પછી જ્યારે ભાન આવ્યું ત્યારે ખબર પડી કે મમ્મીએ કેટકેટલીય શિખામણો આપી દીધી હતી પરંતુ આંખોના અવિરત ઉઘાડા રહેલા દરવાજાએ કાનનો દરવાજો ક્યારેય બંધ કરી દીધો એ ખબર જ ના રહી.. !! છેલ્લે મમ્મીનું એક જ વાક્ય સંભળાયું - "બેટા.. !! સાચવીને જજે અને વરસાદનું વાતાવરણ છે તબિયત સાચવજે. ".

જ્યાં સુધીમાં પૂરેપૂરો ભાન આવ્યું ત્યાં સુધીમાં તો પેલી યુવતી બેસી ગઈ હતી. જેનાથી પીઠનો ભાગ જ દેખાતો હતો. વરસાદથી પલળેલું ટી-શર્ટ સ્કિન ટાઇટ થઇ ગયું હતું. પાછળથી સફેદ હંસ જેવી ડોક દેખાતી હતી. પેલી યુવતી પોતાના વાળ અને મોં લૂંછી રહી હતી. આવી તંદ્રાવસ્થામાં પણ ઘડીના છઠ્ઠા ભાગમાં મન નામના સ્કેનર માંથી ચહેરો સ્કૅન થઈને હ્રદયના પ્રિન્ટરમાંથી પ્રીન્ટ બહાર આવી. અને સ્થળ અને સમયનું ભાન ભૂલીને મોંમાંથી નીકળી ગયું - "અરે... !! આ તો..... ” ત્યાં જ ભાન થયું કે પપ્પા જુએ છે. પપ્પાએ પૂછ્યું- "શું... આ તો.. ??" ત્યાં જ અનાઉન્સમેન્ટ સંભળાયું-" Please pay attention here... Flight number A-31 Air India from Delhi to Mumbai via Ahmedabad is subjected to late by 15 minutes. The inconvenience is deeply regretted". મેં કહ્યું-“આ તો આપણી ફલાઇટની વાત કરે છે. પંદર મિનિટ લેટ છે. ” પપ્પા કહે-“કઈ વાંધો નહિ. આપણે કોઇ ઉતાવળ નથી. ” એમ કહીને કાકા સાથે વાતોએ વળગ્યા ને મેં રાહતનો શ્વાસ લીધો. થોડીવાર તો એવું લાગ્યું કે હૃદય બહાર નીકળીને મોંમાં ન આવી જાય. કારણ હતું જ એવુ. પેલી યુવતીએ બીજી કોઈ નહીં પણ અવંતિકા અંતરવાલા હતી. મારો પ્રથમ ક્રશ કહો કે પ્રથમ પ્રેમ. જે કહેવું હોય તે. આજે પાંચ વર્ષ પછી જોવા મળી હતી અને એ પણ અચાનક આ રીતે. એક ફોટો મેળવવા માટે પણ આ પાંચ વર્ષમાં કેટલા ધમપછાડા કરેલા અને આજે આમ અચાનક જ આવા અવતારમાં સાક્ષાત સૌંદર્યમૂર્તિ બનીને જોવા મળી હતી. પાંચ વર્ષમાં એની સાથે વાતચીત કરવા માટે, ચેટ કરવા માટે કેટકેટલી કોશિશો કરી હતી. કંઇક એટલે કંઈક વાર એને મનાવવાની કોશિશ કરેલી. જેટલો ટાઇમ એની પાછળ કાઢ્યો એટલો ટાઇમ જો પથ્થર પર પાણી નાખ્યું હોત, તો એમાં પણ ખાડો પડી ગયો હોત. પણ ખેર નિયતિને જે ગમ્યું તે ખરું.

ત્યાંજ અનાઉન્સમેન્ટ સંભળાયું- “The passengers travelling through Air India flight number A-31 to Mumbai kindly report at Gate number 2. અનાઉન્સમેન્ટ સાંભળીને હું ઉભો થયો અને વારાફરતી મમ્મી-પપ્પાના અને કાકાના આશિર્વાદ લીધા. મમ્મીએ છેલ્લે-છેલ્લે પણ શિખામણ આપી-“બેટા.. !!સાચવજે અને ફોન કરતો રહેજે. ” જ્યારે મમ્મી સામે જોયું ત્યારે આંખોના ખૂણામાં પાણીનું એક સરોવર રચાયેલું હતું જે ગમે ત્યારે તૂટી જાય અને પાણીનો ધોધ વહી જાય એવું હતું. મમ્મી ને જોઈને મારા ગળામાં પણ ડૂમો ભરાઈ ગયો અને હું એટલું જ બોલી શક્યો- “ચિંતા ના કરતા. ” અને લેપટોપ બેગ ખભે લગાવીને અને લગેજ બેગ લઇને સિક્યુરિટી ચેક તરફ ચાલતો થયો. વચ્ચે ઊભા રહીને પાછળ જોયું તો ત્રણેય હજુ જેમના તેમ જ ઉભા હતા. હવે વધારે સમય ઊભા રહીને પાછળ જોવું મને યોગ્ય ન લાગ્યો એટલે હું ચાલવા જ લાગ્યો. સિક્યોરિટી ચેક પાસ કરીને લગેજ બેગ કન્વેયર બેલ્ટ પર મૂકીને હું આગળ ચાલ્યો. જોયું તો પેલી યુવતી આગળ ચાલી જતી હતી. એની ચાલ પરથી પાક્કું થઈ ગયું હતું કે એ અવંતિકા અંતરવાલા જ હતી. પણ છેલ્લે જે રીતે વાતચીત થયેલી એના પરથી એની સાથે થવાનું કે એને બોલાવવાનું મને યોગ્ય ન લાગ્યું.

પ્લેનના ટેક ઓફ ને હજુ વાર હતી. અમુક મુસાફરો હજુ આવી રહ્યા હતા. એરહોસ્ટેસો મોં પર કૃત્રિમ મનભાવન સ્મિત લાવીને દરેકને આવકારતી હતી. હું થોડો નર્વસ હતો કેમકે પહેલીવાર પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને એ પણ એકલો. સદ્નસીબે વિન્ડો સીટ મળી હતી. બાજુની સીટ પર હજુ સુધી કોઈ આવ્યું નહોતું. મેં બારી બહાર નજર કરી તો ટેક ઓફ માટેની તૈયારી ચાલતી હતી. ફ્યુઅલ ફીલિંગ, ચેકિંગ થતું હતું. એટલી વારમાં બાજુની સીટ પર એક સ્ત્રી આવીને બેઠી. પહેલી નજર થી તો ત્રીસેક વરસની ઉંમર લાગી. મને જોઈને તરત જ પૂછ્યું-“ પહેલીવાર પ્લેનમાં બેઠા છો?” મેં કહ્યું-“ હા…. એટલે થોડી બીક લાગે છે. ” તેમણે મને કહ્યું-“ ચિંતા ના કરીશ. કંઈ નહીં થાય. ” બરાબર આ જ સમયે થોડે દૂર એક સીટ પર પડી નજર અને હૃદયને ટાઢક થઇ. એ ટાઢક પેલી સ્ત્રીના શબ્દો સાંભળીને થઈ હતી કે પહેલો મનગમતો ચહેરો જોઈને થઈ હતી એ ના સમજાયું.

થોડીવાર પછી ફરીથી એનાઉન્સમેન્ટ થયું-“Ladies and gentlemen…!! Welcome on board Flight No. A-31 with service from Ahmedabad to Mumbai. We are expected to be in the air in approximately 7 minutes. We ask that you please fasten your seatbelts at this time and Secure all baggage underneath your seat or in the overhead compartments. Please turn off all personal electronic devices such as mobiles, laptops etc. Thank you for choosing Air India. Enjoy your flight.. !!” પછી એક એર હોસ્ટેસ આવીને સમજાવા લાગી. કેવી રીતે સીટ બેલ્ટ બાંધવો? ઈમરજંસી કન્ડિશનમાં શું કરવું? ઓક્સીજન માસ્ક કેવી રીતે પહેરવો? વગેરે વગેરે. પણ મારું ધ્યાન તો એક જ જગ્યાએ હતું અવંતિકા પર. થોડીવાર પછી ખબર પડી કે એર હોસ્ટેસ મને ક્યારની સીટ બેલ્ટ બાંધવા માટે કહી રહી હતી. અંતે એર હોસ્ટેસની મદદથી સીટ બેલ્ટ બાંધ્યો. બે-ત્રણ મિનિટ પછી પ્લેને રન-વે પરથી આકાશમાં ટેકઓફ કર્યું અને મેં આંખો બંધ કરી ભૂતકાળમાં લેન્ડિંગ કર્યું.

શું હતો અભિનવ આચાર્યનો ભૂતકાળ? કોણ હતી અવંતિકા અંતરવાલા? શુ બન્યું હતું બંને વચ્ચે કે જેથી અભિનવ વાત કરવાથી ડરતો હતો? તો બંને ફરીથી મળશે? પ્રશ્નના જવાબ મેળવવા માટે વાંચતા રહો LOVE ની ભવાઈ.

આ મારો નોવેલ લખવાનો પ્રથમ પ્રયત્ન છે જેને બહેતર બનાવવા આપના સુચનો આવશ્યક છે. વાર્તા વિશેની ગમતી-નગમતી વાતો આપ મને જણાવી શકો છો.

Email: hirenmoghariya1411@gmail. com

Instagram: https://www. instagram. com/harry_patel_23/?hl=en