LOVE ની ભવાઈ
પાર્ટ-૪
LOVE ની ભવાઈ માં અત્યાર સુધી....
એરપોર્ટ પર અભિનવ અને અવંતિકાની બેગ બદલાઈ જાય છે. બેગમાંથી અભિનવ ની ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા વચ્ચે બેગની અદલાબદલી માટે મળવાનું નક્કી થાય છે. અવંતિકાની રૂમમેટ રાજશ્રી ડાયરી છુપાવી દે છે.
હવે આગળ....
બરાબર સાંજના ૪ વાગ્યે અભિનવને નોટિફિકેશન ટૉન સંભળાઈ. જોયું તો ટેક્સ્ટ મૅસેજ હતો-“CCD, Inorbit Mall, Sector 30A, Vashi @ 5:30 PM” મેસેજ વાંચીને અભિનવ સમજી ગયો કે તે અવંતિકા નો જ મેસેજ હતો. જવાબમાં તેણે પણ થમ્સઅપ નો સિમ્બોલ મોકલી દીધો.
બરાબર પાંચ વાગ્યે અભિનવ ઓફિસ પરથી નીકળી ગયો. વ્હાઈટ શર્ટ, બ્લેક બ્લેઝર, રેડ ટાઇ, ફ્રેન્ચ કટ દાઢી, ઉપરથી ફ્રેમલેસ ચશ્મા. અભિનવ કોઈ કંપનીનો CEO હોય તેવો લાગતો હતો. દસ મિનિટમાં જ તે એડ્રેસવાળી જગ્યા પર પહોંચી ગયો. અવંતિકા હજુ આવી ન હતી. અંદર જઈને અભિનવે એક કોર્નરમાં જગ્યા લીધી અને આસપાસનું વાતાવરણ જોવા લાગ્યો. અમુક અમુક અંતરે ટેબલ અને સોફા ગોઠવેલાં હતાં. રંગીન બલ્બો આછો પ્રકાશ ફેંકતા હતા. ધીમું પરંતુ મનને ગમે તેવું સંગીત બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હતું. પૂરું કોફી હાઉસ બ્રાઉન રંગના રંગે રંગાયેલું હતું. બાજુના ટેબલ પર બેઠેલું એક કપલ પ્રેમાલાપ કરતું હતું. સામેના ટેબલ પર કોલેજીયનોનું એક ગ્રુપ બેઠેલું હતું જે કોઈ કાવ્યા નામની છોકરીનો બર્થ-ડે સેલિબ્રેટ કરતાં હતાં.
અભિનવ એ દરવાજા તરફ નજર કરી તો એ જ સમયે અવંતિકા અંદર આવી. તેણે બ્લુ જીન્સ અને રેડ ટી-શર્ટ અને ઉપર નેવી બ્લ્યુ જેકેટ પહેરેલું હતું. અવંતિકાને જોઈને અભિનવે હાથ ઊંચો કરી ને ઈશારો કર્યો અને ત્યાં બોલાવી.
અવંતિકા- હાઈ
અભિનવ- હેલ્લો
અવંતિકા- સોરી, તમારે અહીં સુધી ધક્કો ખાવો પડ્યો. એક્ચુઅલી એમાં એવું થયું ને....
એટલીવારમાં વેઈટર આવી ગયો ને અવંતિકા બોલતી અટકી ગઈ. અભિનવ એ કૉફીનો ઓર્ડર આપ્યો. વાતચીત પછી ખબર પડી કે અવંતિકા પોતાનું MBBS પૂરું કરીને અહીં MD કરવા માટે આવી હતી. બીજી તો કંઈ ખાસ વાતચીત ન થઈ. કૉફી પતાવીને બન્ને બેગ ની અદલાબદલી કરીને બન્ને છુટા પડ્યા.
રાત્રે જમ્યા પછી થોડી વારે અભિનવ પોતાના બેડ પર સુતાં સુતાં સાંજની અવંતિકા સાથેની મુલાકાત વિશે વિચારતો હતો. બીજીબાજુ અવંતિકાની રૂમમેટ પોતાના રૂમમાં અભિનવ ની ડાયરી લઇને બેઠી હતી. ડાયરીમાં લખ્યું હતું-
“What is Love? Love શું છે? શું Love એટલે પ્રેમ, પ્યાર, ઇશ્ક, મહોબત જ? ના..!!! આ બધા તો ખાલી એના પર્યાય છે. પ્યાર એ માત્ર અઢી અક્ષરનો શબ્દ જ છે?? ના…!! આ અઢી અક્ષરમાં છુપાયેલી છે કોઈની અખૂટ-અનંત-અઢળક લાગણીઓ. તે પછી મા-દીકરાની હોય કે બાપ-દીકરીની, ભાઈ-બહેનની હોય કે મિત્રોની હોય કે પછી એવા યુવાન અને યુવતીની જે એકબીજાને માટે સર્વસ્વ હોય. Sorry, યુવાન અને યુવતી નહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ કારણ… પ્યારને ઊંમરનું બંધન નથી હોતું. કોઈ એ સાચું જ કીધું છે કે જેણે પ્યારના અઢી અક્ષરને સમજી લીધા છે તે પંડિત છે. પ્રેમ કરવામાં નથી આવતો થઇ જાય છે. આજે હું જે પ્રેમની વાત કરવા જઈ રહ્યો છું તે આ બધા પ્રેમથી વિશેષ છે. આ દુનિયામાં એક તરફી પ્રેમ નામની પણ ચીજ છે. સામેવાળા પાત્રને પોતાની લાગણીઓ જણાવ્યા વગર બસ એને જ પ્રેમ કરતા રહેવું. સૌથી બૅસ્ટ એ જ છે- One Sided Love. ના કોઈ રિસાઈ, ના કોઈ ને મનાવાની જરૂર પડે. બસ એક જ ભાવના હોય એ વ્યક્તિ ખુશ રહે, દિવસની શરૂઆત જ એ રીતે થાય કે બસ આજે જો એક દિવસ એ દેખાઈ જાય તો દિવસ સુધરી જાય. દિલ અને દિમાગમાં બસ એક જ ચહેરો હોય છે અને એ ચહેરો જોતાં જ.. તેના વિશે વિચારતા જ મોં પર ઓટોમેટીક સ્માઈલ આવી જાય એનું નામ પ્રેમ. ક્યારેક આંખોમાંથી વગર કારણે આંસુ આવી જાય.. આંખોને કોણ સમજાવે કે કોઈને પ્રેમ કરવાથી કોઈ આપણું નથી થઈ જતું. True Love is One Sided, The One Which is Two Sided is Luck.” સોરી…. યાર..!! સેન્ટી થઇ જવાયું. એકતરફી પ્રેમની વાત તને ના કહું તો કોને કહું? એક તું જ તો છે મારી જોડીદાર- ડિયર ડાયરી. પ્રેમની બીજી વાત પછી ક્યારેક આજ પૂરતું બસ આટલું જ.”
જેમ-જેમ રાજશ્રી ડાયરી વાંચતી ગઈ તેમ તેમ એક એકથી ચઢિયાતી શાયરીઓ, ગઝલો, કવિતાઓ આવતી ગઈ અને રાજશ્રી તેમાં ખોવાતી ગઈ અને એક પેજ પર આવીને રાજશ્રી અટકી ગઈ. પેજ પરનું લખાણ કંઈક આવું હતું-
“મોટાભાગની લવ સ્ટોરી સ્કૂલ લાઇફથી શરૂ થતી હોય છે અને આજે હું પણ એમાં સામેલ થઇ ગયો. આજનો દિવસ મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ઘણાં વર્ષોથી દિલમાં કંઇક ભરાયેલું હોય એમ લાગતું હતું આજે ખબર પડી એ પ્રેમ હતો. આ પ્રેમનું બીજ તો છઠ્ઠા ધોરણમાં જ રોપાઈ ગયું હતું પરંતુ એની આજુબાજુ વાંચવાનું, લખવાનું, સારા માર્ક્સ લાવવાનું, કંઈક કરી બતાવવાનું એવું કંઈ કેટલુંય ઘાસ ઊગી નીકળ્યું હતું. એટલે જ પ્રેમ નો છોડ જ્યાં સુધી સંપૂર્ણ વિકસીત ન થયો ત્યાં સુધી ધ્યાનમાં જ ન આવ્યો. આજે લગભગ બે વર્ષ પછી એને જોઈ અને બધું જ સ્પષ્ટ થઈ ગયું. હૃદયની દીવાલ પાર કોતરાયેલા એ નામ પાર મસ્ત રંગ ચઢી ગયો હતો. ઘડીના છઠ્ઠા ભાગમાં જ વર્લ્ડના બેસ્ટ પ્રોસેસર એવા મને પ્રોસેસ કરી લીધી અને આઉટપુટ આપ્યો- હા… આ એ જ ગર્લ છે જેની તલાશ હતી. આ એ જ પૈડું જે જિંદગીના રથને લગાવવાથી જિંદગી જીવી જવાશે, આ એ જ નાવ છે જેનાથી ગમે તેવા કપરા સમયના સાગરને સર કરી શકાશે.આ એ જ સૂર્ય છે જે તારી લાઈફના આકાશને રંગીન પ્રકાશથી ભરી દેશે. હા અભિનવ આચાર્ય..!! આ જ છે તારી લાઇફ-પાર્ટનર.”
આ બાજુ રાજશ્રી ડાયરીના પેજ ફેરવતી ગઈ અને બીજી બાજુ અભિનવ પોતાના ભૂતકાળના પેજ ફેરવી રહ્યો.
બારમું ધોરણ ચાલુ થયા એને હજુ પંદરેક દિવસ થયાં હતાં. દરરોજની જેમ આજે પણ અભિનવ પોતાની સાઇકલ પાર્કીંગમાં મૂકી ને સ્કૂલના મેઇન ગેટ તરફ જઈ રહ્યો હતો અને અચાનક હૉર્ન વાગતા અભિનવે પાછળ ફરીને જોયું. બે છોકરીઓ વ્હાઇટ એક્ટિવા પર હતી. બન્નેએ મોં પર દુપટ્ટો બાંધેલો હતો. અભિનવને ખાલી આંખો જ દેખાતી હતી. ગજબનું આકર્ષણ હતું એ આંખોમાં. જે એને પોતાની પાસે બોલાવી રહી હોય એવું લાગતું હતું. કોણ જાણે કેમ એ આંખો એને પોતીકી લાગી રહી હતી. અને અભિનવે અભાનપણે બાજુમાં ખસી જઈને રસ્તો કરી આપ્યો. પણ આ વખતે પણ અભિનવ નું તેજ દિમાગ પાછળ ન રહ્યું અને ટુ-વ્હીલર નો નંબર યાદ રાખી લીધો. અભિનવે થોડીવાર રોકાઇને તેની આવવાની રાહ જોવા નું વિચાર્યું પણ ત્યાં જ સ્કૂલ બેલ વાગતા એ વિચાર પડતો મૂકીને અંદર ચાલ્યો ગયો. આ હતી એની અવંતિકા સાથેની પ્રથમ મુલાકાત.
જ્યારે બપોરે સ્કૂલ છૂટી ત્યારે અભિનવ જલ્દીથી જઈને ત્યાં ઊભો રહી ગયો કે કાશ… પેલી કામણગારી આંખો પાછળનો ચહેરો દેખાય જાય પણ અફસોસ એ વખતે પણ પેલીએ દુપટ્ટો બાંધેલો હતો. આવું બે- ત્રણ દિવસ ચાલ્યું. અભિનવને બસ પેલી કાજળઘેરી આંખો જ જોવા મળતી જે એને દિવસેને દિવસે ઘાયલ કરતી જતી હતી. અંતે એક દિવસ આ પડદો ઊંચકાયો અને એ સાથે જ અભિનવના દિલ અને દિમાગમાં એક ભયાનક તોફાનો ઊઠયું, હૃદય જોર શોરથી ધબકવા લાગ્યું, મન સુન્ન થઈ ગયું, પાંપણો પલકવાનું ભૂલી ગઈ, સુનામી આવી ગયું હોય એમ શ્વાસોશ્વાસ ઝડપી બની ગયા, આજુબાજુ બધું જ શાંત થઇ ગયું. કારણ વર્ષો પહેલાં હદયની જે દિવાલ પેલું નામ કોતરાયેલું હતું ત્યાં આજે પેલી બે આંખો એ પ્રકાશ ફેલાવી ને મનને બતાવ્યું હતું કે-“હા… અભિનવ આચાર્ય..!! આ જ છે તારો પ્રેમ.. આજ છે તારી લાઈફ પાર્ટનર.” અને પછી તો દરરોજ નો ક્રમ થઈ ગયો. દરરોજ સવારે વહેલા આવી જવાનું, સ્કૂલના ગેટ સામે ઊભા રહીને પોતાનું મનપસંદ ટુ-વ્હીલર આવે એની રાહ જોવાની, ફરીથી પહેલી ઘાયલ કરનારી આંખો દેખાય અને અંતે તેના ચહેરા પરથી પરદો ઊઠે જાણે કે સવારે સૂર્યના બદલે ચંદ્ર ઉગ્યો હોય. અને પછી એની સાથે ડગ માંડતા માંડતા અંદર જવાનું. કોઈ જ વાતચીત નહીં બસ ખાલી ત્રાંસી નજરે જોતા જોતા બે-પાંચ સેકન્ડમાં કલાકો જીવી લેવાની.
અભિનવ વિચારતો હતો કેવો પ્રેમ હતો..!! બંને વચ્ચે કોઈ મુલાકાત નહોતી થઈ કે નહોતી થઈ કંઈ વાતચીત છતા પણ અભિનવ અવંતિકા નો સંગાથ ઝંખતો હતો.એ નો સંગાથ ગમતો હતો. બસ અવંતિકાને જોઈને એને અલગ પ્રકારની ખુશી મળતી. સવારની એક-બે મિનીટ માટે જોવા મળેલી ઝલકને દિલમાં ઉતારી દેતો અને એ લાગણીઓના સહારે જ બીજા દિવસની સવાર ની રાહ જોતો. દરરોજ રાત્રે સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે આવતીકાલે પણ એ જોવા મળે અને પછી એનાં સપનાં જોતા જોતા સૂઈ જવાનું.
ડાયરી વાંચતા વાંચતાં રાજશ્રી અભિનવના પ્રેમ પર મોહિત થતી જતી હતી. રાજશ્રી વિચારતી હતી કે કેવો પવિત્ર હતો અભિનવનો પ્રેમ.! કાશ..!! એને પણ કોઈ અભિનવ જેવો પ્રેમી હોય જે એને ગાંડાની જેમ પ્રેમ કરતો હોય. હવે અભિનયની પ્રેમ કહાની જાણવાની એને ઉતાવળ હતી એટલે આગળ વાંચવાનું ચાલુ કર્યું.
“ક્યારેક ઘણા દિવસો સુધી “A” જોવા ન મળતી. આવા વખતે મન અને દિલ બંને કામ કરવાનું બંધ કરી દેતું. આગળ લેક્ચર ચાલતો હોય અને પાછળ દિલમાં ઉદ્દભવેલી લાગણીઓથી મન કલ્પનાની દુનિયામાં પહોંચી ગયું હોય.જ્યારે જ્યારે એના ક્લાસની બાજુમાંથી પસાર થતો ત્યારે એકાદ ક્ષણ માટે નજર ત્યાં સ્થિર થઇ જતી.એ પહેલી બેંચ પર જ બેસતી.ક્યારેક વાંચતી હોય, ક્યારેક ફ્રેન્ડ્સ જોડે હસી-મજાક ચાલતી હોય તો ક્યારેક સિરિયસ થઈને લેક્ચરમાં ધ્યાન આપતી હોય. એક દિવસ ત્યાંથી પસાર થતી વખતે જોયું તો તે તેની કોઈ ફ્રેન્ડ ને શીખવી રહી હતી અને બસ હું તો તેને જોવામાં એટલો મશગૂલ હતો કે બાજુમાં ક્યારે રાજેશ સર આવીને ઊભા રહી ગયા તેની ખબર પણ ન પડી. સર પણ સમજી ગયેલા અને ઠપકો આપીને છોડી દીધેલો.”
આટલું વાંચીને રાજશ્રી પાણી પીવા માટે ઊભી થઈ. વોલ કલોક પર નજર પડી તો ત્રણ વાગ્યા હતા. ડાયરીને ફરીથી છુપાવીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પણ આજે તેને ઊંઘ નહોતી આવી રહી. રહી રહીને અભિનવ ની કવિતાઓ, શાયરીઓ અને ગઝલ તેની સામે આવી જતી હતી. તે અભિનવની ફેન બની ગઈ હતી. હૃદયમાં અભિનવ માટે કે પછી એના લખાણ માટે સોફ્ટ કોર્નર રચાઈ ગયું હતું. તે શું હતું એ વાતથી તે અજાણ હતી. આજે સવારે ઊઠવા માટે એલાર્મ સેટ કરે એ પહેલા તેણે ફેસબુક ખોલ્યું અને અભિનવ આચાર્યનાં નામ સામે રહેલા એડ ફ્રેન્ડ પર ક્લિક કરી દીધું.
લવની તો હજી શરૂઆત થઇ છે. કેવો હશે LOVE નો અંત? LOVE છે તો મેલોડ્રામા તો હોવાનું જ! શું સ્કૂલ પુરી થયા પહેલાં અભિનવ અવંતિકાને પોતાના દિલની વાત જણાવી શકશે? શું રાજશ્રી એ ફેસબુક પર કરેલું ઍડ ફ્રેન્ડ એના દિલમાં પણ એડ થઈ ચૂક્યું હતું? શું રાજશ્રીને અભિનવ સાથે પ્રેમ થઈ ગયો હતો? પણ અભિનવ નો પ્રેમ તો અવંતિકા હતી..!! શું થશે એ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઈ..!!
પ્રથમ ત્રણ ભાગ વાંચીને ઘણા લોકો એ રીવ્યું આપ્યા.કોઈને ગમ્યું તો કોઈ ને ના ગમ્યું.પણ મને આપનાં નિખાલસ રીવ્યું ગમ્યા.આવી જ રીતે વાંચતા રહો અને રીવ્યું આપતા રહો.વ્યસ્ત હોવાના લીધે ચોથો ભાગ આવવામાં થોડું મોડું થઇ ગયું એના બદલ દિલગીર છું.
***