LOVE ની ભવાઈ Hiren Moghariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LOVE ની ભવાઈ

LOVE ની ભવાઈ

પાર્ટ-૨

આગળ આપણે જોયું કે અભિનવ આચાર્ય મુંબઈ જવા માટે નીકળે છે. અમદાવાદ એરપોર્ટ પર તેની મુલાકાત અવંતિકા અત્તરવાલા સાથે થાય છે. યોગાનુયોગ એ પણ મુંબઇ જતી હોય છે. પ્લેનના ટેક-ઑફ પછી અભિનવ આચાર્ય વિચારોમાં સરી જાય છે.

હવે આગળ.....

મન નામના ટાઈમ મશીને અભિનવને એક દાયકો પાછળ ધકેલી દીધો. બાવીસ વર્ષનો અભિનવ બાર વર્ષનો બનીને સામે આવ્યો. સૌરાષ્ટ્રના એક નાનકડું ગામ કે જ્યાં આઝાદી પછી પણ લોકોને સરકારી બસ ચૂંટણી કે અન્ય સરકારી કાર્યક્રમ કાર્યક્રમો પર જ જોવા મળતી હતી. જ્યાં હજી પણ સ્ત્રીઓ ને માથા પર બેડાં લઈને પાણી ભરવા દુર સુધી જવું પડતું હતું. ગણ્યાગાંઠ્યા દસ-વીસ ટુ-વ્હિલર હતા. કલર ટી. વી હજુ સુધી બે ચાર લોકોના ઘરે જ હતા. બાકીના લોકોને તો બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી. વી માં કંઈક જોવા માટે એન્ટેના આમથી તેમ ફેરવ્યાં સિવાય છૂટકો જ ન હતો. ખેડૂતોને માટે ટેક્ટર નવુંસવું હતું પાણીના સ્ત્રોત તરીકે એકમાત્ર તળાવ હતું. જે પણ ઊનાળામાં એક ખાબોચિયામાં ફેરવાઈ જતું હતુ. આજુબાજુના પાંચ ગામ વચ્ચે એક માત્ર હાઇસ્કુલ હતી.

પણ આ ગામની દરેક સવાર અદ્ભૂત હતી- અનેરી હતી. દરેક નવો સૂર્યોદય કંઈક નવું લઈને આવતો હતો. સવારે પ્રભાત ફેરીની " શ્રી રામ જય રામ જય જય રામ"ની ધૂન સાથે અભિનવની ઊંઘ ઊડતી. ઊઠીને ઘરની બહાર ઓટલે બેસીને બ્રશ કરતા કરતા સવારની દરેક પળ માણવાની. બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં મંદિર ની આરતી સંભળાતી હોય, આવતા-જતા લોકો એકબીજાને "જૈ શ્રી ક્રીષ્ન" કહીને અભિવાદન કરતા હોય, તો કોઈ પોતાનું આંગણું ઊજળું કરવા સાવરણો લઈને મંડ્યુ હોય, કોઈ પોતાના ઢોર-ઢાંખરને ધણમાં છોડવા જતું હોય, અમુક પનિહારીઓ કૂવે પાણી ભરવા જતી હોય, પક્ષીઓના કલરવ નું એલાર્મ બાકીના લોકોને જગાડવા માટે વાગતું હોય એમ કાબર, ચકલી, પોપટ, કોયલનો અવાજ ગુંજતો હોય, ગામમાં જેના ઘરે ઢોર ના હોય તે દૂધ-છાશ લેવા આમતેમ દોડાદોડી કરતા હોય, ખેડૂતો ખેતી તરફ જવા નીકળતા હોય આ બધું જોવામાં અભિનવ ખોવાઈ જતો. જ્યારે અંદરથી મમ્મીની બૂમ આવે કે-" અભિનવ.... શું કરે છે? ત્યાં જ સૂઈ ગયો કે શું... ? જલ્દી કર. ચા-ભાખરી થઈ ગયા છે. " અને અભિનવ મોઢું ધોયું ન ધોયું ભાગે. આ જ એનો રોજનો ક્રમ. ચા-ભાખરી ખાવાની, નહાવાનું અને ખભે સ્કૂલબેગ લગાવીને સ્કૂલે જવાનું.

સ્કૂલે જતા એક-બે મિત્રોનાં ઘર રસ્તામાં આવતાં. દરેક ને બોલાવતા બોલાવતા મિત્રમંડળી સ્કૂલે પહોંચે. સ્કુલમાં દરેકને કંઈક ને કંઈક કામ સોંપેલુ. કોઈને દરેક રૂમના તાળાં ખોલવાનો તો કોઈને પ્રાર્થનાખંડમાં બધુ ગોઠવવાનું, કોઈને સમયે થાય ત્યારે સ્કૂલ નો ઘંટ વગાડવાનો. છોકરીઓને શાળાની સાફ-સફાઈ કરવાની. બરાબર સાતના ટકોરે પ્રાર્થના ચાલુ થાય. પછી ધુન, સુવિચાર, સમાચાર પઠન અને અંતે રાષ્ટ્રગીત ગાઇને બધા છૂટા પડે. આખો દિવસ અલગ-અલગ વિષયો ભણાવાય. છેલ્લો પિરિયડ રમવાનો. ક્રિકેટ,ખો-ખો, કબડ્ડી,ગીલ્લી દંડા જેવી રમતો રમાય અને પછી સ્કૂલ છૂટે.

અભિનવે છઠ્ઠા ધોરણ સુધી તો ગામની સરકારી શાળામાં જ અભ્યાસ કર્યો. અભિનવ બધામાં નંબર વન. ભણવામાં, રમતગમતમાં, વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં બધામાં જ પ્રથમ આવે. પણ ન તો અભિનવને આનાથી સંતોષ હતો ન એના પપ્પા રાજમોહન આચાર્યને. એ બંને જાણતા હતા કે ગામમાં તો અભિનવ પ્રથમ જ હતો પણ અભિનવે તો સર્વશ્રેષ્ઠ બનવાનું હતું. આથી સાતમા ધોરણથી એણે શહેરમાં ભણવા જવાનું નક્કી થયું.

શહેરની સ્કૂલમાં આવતા જ અભિનવને સમજાઈ ગયું કે એના જેવા તો કંઇ કેટલાય અભિનવ આચાર્ય અહીં છે. એને તો એ બધાથી આગળ નીકળવાનું હતું. પ્રથમ દિવસથી જ એ તો લાગી પડ્યો. હોંશિયાર તો હતો જ અને એમાં પણ આ વાતાવરણ મળ્યું. અને જેમ હીરા પર પ્રકાશ પાડતા જ ચમકી ઊઠે તેમ સાચો હિરો ઝળકી ઊઠ્યો. એક મહિનામાં જ દરેક શિક્ષકોની જીભ પર અભિનવ આચાર્યનું નામ રમવા લાગ્યું. સાપ્તાહિક પરીક્ષામાં સૌથી વધારે માર્કસ હોય કે પછી એથ્લેટિક્સમાં સ્કૂલ નું પ્રતિનિધિત્વ કરવાનું હોય, નિબંધલેખન સ્પર્ધા હોય કે વકૃત્વ સ્પર્ધા હોય, એકપાત્રીય અભિનય હોય કે ડાન્સ દરેકમાં અભિનવનું નામ પહેલું જ હોતું.

આવી જ એક સ્પર્ધા ચાલુ હતી - મેચિંગ સ્પર્ધા. દરેક વ્યક્તિએ કોઈ એક કલર પસંદ કરી અને તે રંગની વધારેમાં વધારે વસ્તુઓ પહેરવાની હતી. વારાફરતી બધાના નામ આવતા હતા. જેનું નામ આવે તે વ્યકિત સ્ટેજ પર આવતી. કોઈ કાળા, કોઈ લાલ, કોઈ લીલા રંગના વસ્ત્રો અને સાથે મેચિંગ કલરની વસ્તુઓ લઈને આવતા હતા. અને એક પછી એક નામ બોલતા ગયા. પછી એક નામ બોલાયું અવંતિકા અત્તરવાલા ક્લાસ 6A. નામ સાંભળતા જ અવંતિકાના ક્લાસવાળાઓએ તેનો ઉત્સાહ વધારવા માટે ચીસો પાડી અને અવંતિકા.... અવંતિકા..... ની બૂમો પાડીને સપોર્ટ કરવા લાગ્યા. અને સ્ટેજની બાજુમાં થી કોઈનો પગ દેખાયો અને સમગ્ર પ્રાર્થના ખંડ શાંત. અને પગમાં પહેરેલા રૂપેરી પાયલના ઝણકાર સાથે સફેદ વસ્ત્રોમાં એક પરી સ્ટેજ પર પ્રગટ થઈ. સંપૂર્ણ શ્વેત વસ્ત્રો તેના હંસલી જેવા રૂપાળા શરીરને વધારે શ્વેત બનાવતા હતા. પાછળ શ્વેત પાંખો,હાથમાં છડી, કપાળમાં ચાંલ્લા થી લઈને કાનમાં બાલીઓ, વાળમાં વેણી, નાકમાં નથણી, ડોકમાં ડોકિયુ, કમરમાં કંદોરો, બાવડા પર બાજુબંધ, હાથમાં પહેરેલા કંગન, પગમાં પાયલ, હાથમાં મોજા, પગના પગરખાં બધું જ શ્વેત. સાક્ષાત આકાશેથી ઊતરી આવેલી પરી જોઈ લો. તફાવત ફક્ત એટલો જ હતો કે એ જમીન પર ડગલા માંડી ને ચાલતી હતી જે એને સ્વર્ગની પરીમાંથી મનુષ્યલોકની સ્ત્રી બનાવતી હતી. બસ અભિનય તો એમાં ખોવાઈ જ ગયો. એક પછી એક વસ્તુ ગણાતી ગઈ અને છેલ્લે માઈકમાં જાહેરાત થઇ - ફીફ્ટી થ્રી... અવંતિકા અંતરવાલા ક્લાસ 6A... ટોટલ ફીફ્ટી થ્રી સફેદ રંગની વસ્તુઓ ધારણ કરીને આવેલી છે. અને તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠયો કેમ કે આગળના સ્પર્ધકોમાંથી માંડે એક કે બે જ ત્રીસ સુધી પહોંચી શક્યા હતા. બાકીના સ્પર્ધકો પણ આવી ગયા.

અંતે રીઝલ્ટનો સમય આવી ગયો. દરેકને ખબર હતી પ્રથમ નંબર અવંતિકા નો છે. જેવુ એનું નામ બોલાયું તરત જ ચીચીયારીઓ અને તાળીઓના ગડગડાટથી સભાખંડ ગૂંજી ઉઠ્યો. બધાંની તાળીઓ બંધ થયા પછી પણ અભિનયની તાળીઓ તો ચાલુ જ હતી. બાજુમાં બેઠેલા મિત્રે કોણી મારી ત્યારે ખબર પડીકે અવંતિકા તો કયારની ઈનામ લઈને સ્ટેજ પરથી જતી રહી હતી. આ દિવસે અભિનવે પહેલીવાર અવંતિકાને જોઈ હતી અને ત્યારે જ અભિનવના હૃદયની એક દિવાલ પર ક્યાંક અવંતિકા અત્તરવાલા નામ કોતરાઇ ગયું હતું પણ અભિનવને હજૂ સુધી એનું ભાન ન હતું.

પ્રાથમિક શિક્ષણ તો આમ જ પૂરું થઇ ગયું. અભિનવ આચાર્ય પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો અને સાથે-સાથે "સ્ટુડન્ટ ઓફ ધ યર"નો ખિતાબ પણ જીત્યો હતો. પછી બે વર્ષ તો એમ જ નીકળી ગયા. અભિનવ પણ ભણવામાં લાગી ગયો. માધ્યમિક સ્કૂલ બિલ્ડીંગ અલગ હોવાથી ફરીવાર અવંતિકા ન દેખાઈ. અભિનવ પણ ભણવામાં લાગેલો હોવાથી એને પણ કોઈ વિચાર ન આવ્યો. અભિનયનું ફક્ત એક જ ધ્યેય હતું કે ભણવાનો સમય છે ખૂબ ભણી લેવું. આડી અવળી જગ્યાએ મનને દોડાવવું નહી. જેથી કરીને મમ્મી - પપ્પાની જેમ મજૂરી ન કરવી પડે અને આરામથી જિંદગી જીવી શકાય. અભિનવ આચાર્યના આદર્શ બીજું કોઈ નહિ પણ એના પપ્પા જ હતા. જેમનું એક વાકય અભિનવને હંમેશા ભણી-ગણીને આગળ વધવા પ્રેરિત કરતું હતું. અને એટલે જ અભિનવ આજ સુધીમાં ક્યાંય પાછળ રહ્યો ન હતો. અભિનવના પપ્પા હંમેશા કહેતા કે -"બેટા, અભિનવ.... તારી પાસે બે ઑપ્શન છે એક જીંદગીના પ્રથમ વીસ વર્ષ તનતોડ મહેનત કરવી અને બાકીના ચાલીસ વર્ષ જલસા કરવા અને બીજુ પ્રથમ વીસ વર્ષ જલસા કરવા અને બાકીના ચાલીસ વર્ષ તનતોડ મહેનત કરવી. બેટા... પસંદગી તારે કરવાની છે. તુ પહેલાં ઓપ્શનને પસંદ કરે છે કે બીજા. ”અને અભિનવે પહેલો વિકલ્પ કરીને જ પોતાનું સમગ્ર ધ્યાન ભણવા પર કેન્દ્રિત કરેલું.

દરેક વર્ષમાં સારા પરિણામ સાથે જ અભિનવ ઉત્તીર્ણ થતો. હવે 10 મું ધોરણ હતું. બોર્ડની પરીક્ષાનું વર્ષ. અભિનવ જાન લગાવીને મહેનત કરતો હતો. એક દિવસ રવિવારે વાંચીને કંટાળતા અભિનવે ફ્રેશ થવા માટે થોડે દૂર આવેલા ગાર્ડનમાં જવાનો વિચાર કર્યો. ગાર્ડનમાં એક બાંકડા પર બેસીને અભિનવના મનને ઠંડક મળી હતી. શિયાળાના દિવસો હતા. સૂર્યાસ્ત થવાને થોડી વાર હતી. વાતાવરણમાં ઠંડક વધતી જતી હતી. ગાર્ડનમાંથી ફૂલોની મહેક લઈને આવતો ઠંડો પવન તન અને મનને ઝણઝણાટી આપતો હતો. કેટલાક લોકો જોગિંગ કરી રહ્યા હતા. અમુક બાળકો ગાર્ડનમાં રાખેલા સાધનોથી રમી રહ્યા હતા. અમુક દોડાદોડી કરી રહ્યા હતા , જેમની મમ્મીએ ઠપકો આપતી હતી પરંતુ તેઓ કોઈનું કંઈ સાંભળતાં ન હતાં. તેઓ તો બસ કુદરતનાં સાનિધ્ય ને ગળે લગાવીને જિંદગીની આ અમુલ્ય પળોને જીવી લેવા માંગતા હતા.

અભિનવે તણાવને દૂર કરવા આંખો બંધ કરી તો એને ભૂતકાળ દેખાવા લાગ્યો. ગામડાંની શાળા, મિત્રો,‌ ખેતરમાં મજૂરી કરતા મમ્મી-પપ્પા, શહેરની સ્કૂલ, અલગ-અલગ સ્પર્ધાઓમાં ઈનામ મેળવો તો તે પોતે અને અચાનક એના વિચારોને બ્રેક લાગી. મેચિંગ કોંપિટિશન-સામે ઉભેલી પરી અને પરીને મળતાં ઈનામની ખુશીમાં તાળીઓ વગાડતો તે પોતે. અને અચાનક કંઈક વાગવાથી અભિનવ ઝબકીને જાગી ગયો અને નજર સામેનું દ્રશ્ય જોઇને એકદમ અવાચક થઈ ગયો. થોડી વાર તો થયું તે હજુ વિચારોમાં જ છે બહાર આવ્યો જ નથી. આંખો ચોળીને જોયું તો પણ એ જ દૃશ્ય દેખાયું. પોતે જેને સપનામાં જોઈ રહ્યો હતો તે આંખો સામે હતી. આ એ જ અવસ્થા અત્તરવાલા હતી. જે પોતાની ફ્રેન્ડ્સ સાથે ગાર્ડનમાં આવી હતી અને બેડમિન્ટન રમતી વખતે શટલ અભિનવને વાગ્યું હતું. જ્યાં સુધી સૂર્યના ડરથી છુપાયેલી રાત્રી રાણીએ બહાર નીકળીને ગાર્ડનને અંધકારથી ઘેરી લીધું ત્યાં સુધી અભિનવ તેને જોતો જ રહ્યો. અભિનવના હૃદયની દીવાલ પર કોતરાયેલ એ નામ થોડું વધારે સ્પષ્ટ બન્યું હતું. થોડીવાર બેઠાં પછી અભિનવ પણ પોતાના ઘર તરફ ચાલ્યો.

આ હતી અભિનવની અવંતિકા સાથેની પ્રથમ મુલાકાત. શું અભિનવના હૃદયમાં અવંતિકા માટે કોઈ લાગણી જન્મી હતી? શું આ અભિનવનો અવંતિકા પ્રત્યેનો પ્રેમ હતો? કેવી રીતે અભિનવ અવંતિકાને કરશે પોતાના દિલની વાત? જાણવા માટે વાંચતા રહો LOVE ની ભવાઈ.

તો કેવી લાગી LOVE ની ભવાઈ ? વાર્તા વિશેની ગમતી-નગમતી વાતો આપ મને જણાવી શકો છો. આપના સૂચનો આવકાર્ય છે. Don't forget 3 Rs- Read, Rate and Review.

Email: hirenmoghariya1411@gmail. com

Instagram: https://www. instagram. com/harry_patel_23/?hl=en