વેર વિરાસત - 39 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેર વિરાસત - 39

વેર વિરાસત

ભાગ - 39

સમય થંભી ગયો હોય તેમ આરતી ને રિયા કોઈક જુદી દુનિયામાં વહી ગયા હતા.'એટલે સરોજને આ બધી સિધ્ધિઓ હતી ?' રિયાના અવાજમાં કુતુહલતા છતી થતી હતી.'જેને દુનિયા સિદ્ધિ માની લે તે ખરેખર સિદ્ધિ હોય છે ખરી ?' આરતીએ રિયા સામે જોઇ રહી.

'સાચું કહું તો મનેય ત્યારે નહોતી સમજાઈ એ વાત. ' આરતીએ એક ઊંડો શ્વાસ ભર્યો.: નાની હતી હતી ને, અણસમજુ પણ ખરી.. એ વખતે મને તો એમ જ લાગ્યું હતું કે આ વિદ્યા આવડે તો ન્યાલ જવાય, જિંદગીમાં કોઈ અધૂરપ જ ન રહે.

કેટલીય ઘડી એમ જ વીતી ગઈ. આરતી શૂન્ય નજરે સામેની દીવાલ તાકી રહી. નજર દીવાલ પર મગજમાં તો યાદોના ઘોડાપૂર ઉમટ્યા હતા. એ ખેંચાઈ રહી હતી એ કાળમાં જ્યાં એક એક દિવસ ત્રણ દિવસ જેટલો લાંબો લાગતો હતો.

'ક્યારેક ચારેકોરથી ઘેરાઈ જવાની પ્રતીતિ થાય, અંધકાર જ અંધકાર હોય ને માર્ગ ન મળે મને યાદ કરજે આરતી... ' સરોજે સલાહ આપી હતી ને ઉમેર્યું હતું : આ વિદ્યા કોઈને દાનની જેમ ન આપી શકાય, ન કોઈને મોહવશ આપી શકાય. હા, કોઈ એ પામવાની યાચના કે ઈચ્છા કરતું આવે તો જ એને આપી શકાય અન્યથા આપનાર પાપમાં પડે..પણ ખબર નહીં તારી સાથે શું ઋણાનુબંધ હશે કે... ' સરોજ વધુ તો નહોતી બોલી શકી પરંતુ સાધનાનો વારસો આપી જવાની એની ભાવના વ્યક્ત તો સાફ દેખા દેતી હતી.

આ વિદ્યાની સાધના કે નહીં એ વિષે ક્ષણમાં નિર્ણય લેવો કપરું લાગ્યું હતું ને એકવાર આરુષિને પણ પૂછવું રહ્યું એવો વિચાર પણ આરતીને આવી ગયો હતો. બંને બહેનો એક સિક્કાની બે બાજુ જેવી હતી. મામા બાજુના ગામમાં ક્રિયાકાંડ કરવા ગયા હતા ને મામીની પાછાં ફરવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. એ જાણ્યા પછી ફરી એક અજ્ઞાત ભય ઘર કરતો ચાલ્યો હતો.

એવી જ કોઈ ઉદાસ સાંજ હતી ને આરૂષિ કોલેજથી આવી. એની ચાલ ઢીલી પડી ગઈ હતી. નિસ્તેજ આંખોને કારણે ચહેરો ઉતરી ગયો હોય એમ લાગતો હતો. આવી એવી એ રૂમમાં ભરાઈ ગઈ…

'શું થઇ ગયું તને ? કોઈએ કંઇક કહ્યું ? કોલેજમાં કંઇક થયું ? ' એક જ શ્વાસમાં કેટલા પ્રશ્નો પૂછી નાખ્યા હતા.

આરૂષિ બોલ્યા વિના ઓશીકામાં માથું છૂપાવતી હોય તેમ ઢગલો થઈને પડી.

'અરે...બોલ તો ખરી, થયું છે શું ? બોલે તો સમજાય ને !! એની પીઠ પસવારતાં પૂછેલું.

હું શું કરીશ હવે ?? ' આરુષિ માંડ એટલું બોલી શકી હતી. આરુષિની નારાજગીનું કારણ સમજાય એવું નહોતું. 'ક્યાંક વિશ્વજિતે તો.... ?? 'ખ્યાલ તો આવ્યો કે વાત વિશ્વજિતની જ હશે છતાં પૂછી લીધું. 'અરે, ભૂલી ગઈ ? વિશ્વની એક્ઝામ ને ટ્રેઈનીંગ પૂરી થઇ ગઈ છે, હવે પહેલું પોસ્ટીંગ મળશે....'આરુષિની વાતમાં વજન હતું.

આરૂષિથી ઉંમરમાં મોટો વિશ્વજિત સિવિલ સર્વિસની એક્ઝામ આપી ચુક્યો હતો, ટ્રેઈનીંગ પણ સારી રીતે પાર પડી હતી. સારા ક્રમાંકે પાસ થયો હોવાથી ઇન્ડિયન ફોરેન સર્વિસ માટે પોસ્ટીંગ થઇ રહ્યું હતું, વિદેશમાં, પણ આરુષિનું શું ?

આરુષિની પરીક્ષા માથે હતી, એ પતે એટલે આગળ ભણવાનો તો કોઈ અવકાશ જ નહોતો. બંને બેનો માટે માંગા આવવાનું શરૂઆત તો ક્યારની થઇ ચૂકી હતી. આરતીને યાદ આવી ગઈ મામીની પિયર જવા પૂર્વેની વાત.

મામીએ તો મામાને રીતસરની ધમકી જ આપી હતી, ક્યાં સુધી આ બે ભારાઓને મારે વેંઢારવા ? હું પછી આવું પછી વાત.' પણ, મામીને ખબર નહોતી કે એ વાત તો રાત્રે ચાલતી હતી ત્યારે જ સંતાઈને સાંભળી લીધેલી.

સ્વભાવે માયાળુ લાગતાં હતા એ જ મામાના મનમાં ભાણી માટે એક શ્રીમંત વિધુર મનમાં વસી ગયો હતો. પચાસી નજીક પહોંચવા આ ચાર સંતાનના પિતા સાથે પરણવાના વિચાર સાથે આરતીના શરીરમાંથી હળવી કંપારી પસાર થઇ ગઈ હતી. એને માટે મામાએ કોનો વિચાર કર્યો હતો એ તો ન સમજાયું પણ મામામામીની દબાયેલા સ્વરે થતી ગુસપુસ પરથી એટલું તો સમજાયું કે આરુષિનું પ્રેમ પ્રકરણ મામામામીની જાણબહાર નહોતું. કદાચ આ એનું પણ પરિણામ હોય શકે ને !!

એક વાત સાફ હતી મામી આરુષિને જવા દે પણ પોતાને આ કેદમાંથી મુક્ત કરવાના નહોતા. કારણ દીવા જેવું સાફ હતું, મામી વૈદ પાસે સંતાન થાય એ માટે ઈલાજ પણ કરાવતા હતા. એ આ ઘરની મફતની નોકરડી હતી. એવા સંજોગોમાં પેલા વયસ્ક શ્રીમંત સાથે ક્યાંક આરુષિનું ગોઠવી દેવામાં મામા સફળ થયા તો ?

એ વિચાર સાથે જ આરતીની આંખો લાલ થઇ ગઈ. પોતે જ્યાં સુધી છે ત્યાં સુધી આરુષિને ઉની આંચ નહીં આવવા દે. 'પણ, વિશ્વજિતને કહે કે ઘરમાં વાત કરે, આમ ક્યાં સુધી ચાલશે ? '

આરતીને ચીઢ ચડી આવી વિશ્વજિત પર. આરુષિને સ્વપ્ન બતાડવામાં કોઈ કચાશ નહોતી રાખી એને તો.' હવે સમય પાકી ગયો છે, એણે ઘરમાં વાત કરવી જ પડશે.... નહિ તો એ બનશે મોટો સાહેબ ને તું બનજે પેલા પચાસ વર્ષના બુઢ્ઢાની પત્ની. ને હા, પરણશે એટલે સીધી દાદી નાનીની પદવી તો મળી જ જશે, એના ચારેચાર સંતાનો પરણેલાં છે. '

'તું કોની વાત કરે છે ? ' આરુષિ ગભરાઈ ગઈ હતી આ વાતથી.

ન ચાહવા છતાં તમામ વાત કહેવી પડી જે પોતે લપાઈને સાંભળી લીધી હતી. જે સાંભળતા આરુષિના ચહેરાનો રંગ ઉડી ગયો.

બોલી તો કશું નહીં પણ એનું મન સાફ વાંચી રહ્યું હતું : વિશ્વને આ વાત તો કરવી જ પડશે, જેટલી જલ્દી બને એટલી.

***

'મને શીખવી છે આ સાધના.... ' બીજી બપોરે જેવી આરૂષિ બહાર ગઈ એવી આરતી પહોંચી હતી સરોજ પાસે.

'અરે !! અચાનક શું થઇ ગયું ?' સરોજ સમજી ન શકી કે અચાનક એક જ રાતમાં આરતી કેમ સાધના શીખવા તલપાપડ થઇ ગઈ હતી.

' સરુ દી, તમે કહો છો ને કે મનોકામના પૂરી થાય....? ' 'હં તો ? ' 'તો બસ, મારી એક કામના છે, હું ઈચ્છું છું કે એ જલ્દીમાં જલ્દી પૂરી થાય.....'

'આરતી, બેસ અહીં, મારી પાસે આવ. ' કોઈક મા પોતાના બાળકને સોડમાં લે એમ સરોજે આરતીને માથે હાથ ફેરવ્યો.

'હું તને શીખવીશ, ચોક્કસ શીખવીશ... પણ એ માટે થોડાં નિયમો છે. એનું પાલન ચુસ્તરીતે થવું રહ્યું. 'સરોજ કહેતી ગઈ: આ સિધ્ધિઓ માત્ર ને માત્ર સારા કામ માટે વાપરવાની હોય છે. આ કોઈ મંત્ર તંત્ર કે કાટકૂમણ કે જાદુટોના નથી. એ છે એક શુદ્ધ પ્રાર્થના પણ અમુક લોકોએ એનું સ્વરૂપ વિકારથી ભરી દીધું છે....

શરુ થઇ રહ્યો હતો જીવનનો નવો સ્વાધ્યાય.એક શુભ દિવસ જોઇને સરોજે શરૂઆત કરી આરતીને દીક્ષિત કરવાની.

ચાહો તો આ સાધના દિવસના કરી શકાય કે પછી મધરાતે, પણ યાદ રહે વસ્ત્ર લાલ હોવા જોઈએ. લાલ ફૂલ, લાલ રંગની પૂજા સામગ્રી, માટીના કોડિયામાં સરસવના તેલથી પ્રગટાવેલા દીવા અને સૌથી મહત્વની વાત અરીસોસાધના સાવ સરળ છે, જેવી શક્તિ એવી ભક્તિ, એક દીવો કરો કે એકાવન.. સરોજ એટલી ઝીણવટથી સમજાવતી રહી.

ભરબપોરે સરોજે પોતાનો પૂજારૂમ સજાવ્યો હતો. જે સાધના એ રાત્રે કરતી હતી બપોરે માંડી હતી. સુગંધથી આખો ઓરડો તરબતર હતો. ચારે બાજુ મૂકેલા ધૂપદાનમાંથી ઉઠતી ધુમ્રસેરોએ રૂમને અપારદર્શક પરદો રચી આપ્યો હતો. સરસવના તેલથી જલતાં દીવાઓનો પ્રકાશ બહારના પ્રકાશને ઝાંખો પાડી રહ્યો હતો.

' પોતાનું નામ સો વાર લીધા પછી વારો હતો સંકલ્પ લેવાનો. દરેક પૂજા એક સંકલ્પ સાથે શરુ થતી અને પૂર્ણ થતી. સંકલ્પમાં ધારેલું કામ દસથી સાંઠ દિવસમાં પૂરું ન થાય તો ફરી સંકલ્પ દોહરાવવાનો રહેતો. 'આ વિદ્યા કોઈ રીતે નુકશાન નથી કરતી એ વાત સાચી પણ આરતી, એક વાતનું ધ્યાન રહે....' સરોજનો અવાજ એકદમ ગંભીર થઇ ગયો.: આ વિદ્યાનો ઉપયોગ માત્રને માત્ર પરમાર્થ માટે જ કરી શકાય, પોતાના માટે નહીં.... 'આરતી નતમસ્તકે સરોજની ઝીણામાં ઝીણી સૂચના મનમાં ઉતારતી રહી.

એના મનમાં એક જ સંકલ્પ રમી રહ્યો હતો : આરુષિનું સ્વપ્ન સફળ થઇ જાય, એ વિશ્વજિત સાથે સુખી રહે.

'મને મંજૂર છે.... તો શરુ કરીશું ? 'આરતીના સ્વરમાં દ્રઢતા જોઇને સરોજને સંતોષ થયો. કુપાત્રે વિદ્યા નહોતી પડી. અન્ય માટે, પરમાર્થ માટે આ સાધના કરાય એવું સાંભળીને સાધના શીખવા આવનાર મોટાભાગના ઇચ્છુકો રફુચક્કર થઇ જાય એવું જોયું હતું પણ આ છોકરી એવી નીકળી જે એ શરત જાણ્યા પછી પણ શીખવા માટે અણનમ રહી.

પૂજા પૂરી થયા પછી સરોજને પગે લાગી ત્યારે એને હૃદયસરસી ચાંપીને આશીર્વાદ આપ્યા હતા.: તારો સંકલ્પ પૂર્ણ થશે. એનો જવાબ તને દસ થી ત્રીસ દિવસમાં મળશે...

એ પૂજા પછી દિવસો મંથર ગતિએ ચાલી રહ્યા હોય એવું લાગતું હતું. લગભગ ચૌદમો દિવસ હતો ને આરુષિ કોલેજથી ઘરે આવી એવી વળગી પડી હતી.

' આરતી આરતી આરતી....... ચમત્કાર થઇ ગયો...... ચમત્કાર......' આરૂષિ ઘરમાં પ્રવેશતાં બોલી.'શું થયું એ કહીશ ?'

સરોજે કહ્યું જ હતું કે પૂજામાં કોઈક ક્ષતિ રહી ગઈ હોય તો જ, અન્યથા મનોરથ પૂર્ણ ન થાય તો કહેજે.

'અરે !! શું થયું એ કહીશ તો તું માનીશ નહીં, હું હજી નથી માની નથી શકતી.....'આરૂષિ એટલી તો ખુશ હતી કે એનો અવાજ વારે વારે તરડાઇ જતો હતો. 'પહેલા શાંતિથી બેસ ને પછી વાત કર.....'

આરતીએ આરુષિનો હાથ ઝાલી બેસાડી દેવી પડી. ખુશીથી ઝૂમી રહેલી આરુષિના પગ જમીન પર ઠરતાં નહોતા.'અરે શું થયું કે વિશ્વજિતનું જવાનું નક્કી જ હતું ને !! એમાં રોક લાગી, દાદીની તબિયત બગડી.'

'અરે આરુષિ... આ કેવી વાત કરે છે ? વિશ્વજિતની દાદીની તબિયત બગડી એમાં ખુશ થવા જેવી શું વાત થઇ ? કે પછી એમાં વિશ્વજિતનું જવાનું કેન્સલ થઇ ગયું એટલે ? પણ એ તો કોઈ ખુશ થવા જેવી વાત નથી. '

'ના ના, મને બોલવા તો દે...' હર્ષથી અભિભૂત આરુષિએ જે વાત કરી તે સાંભળીને ખરેખર માનવું પડ્યું કે આ ચમત્કાર જ હતો.

વિશ્વજિત એની દાદીનો લાડકો તો હતો જ, અને પાછો ઘરમાં સૌથી નાનો દીકરો પણ ખરો. ખરેખર તો એના લગ્નની તો કોઈ વિચારણા જ નહોતી પણ બગડી જતી તબિયતે દાદીએ જીદ પકડી વિશ્વની વહુને જોઇને જવાની. ઘરમાં કન્યા શોધવાની તજવીજ ચાલી રહી હતી ને દાદીના લાડકા પૌત્રે દાદી પાસે પોતાની પસંદ પર મંજૂરીની મહોર લગાડાવી લીધી હતી.

પોતાની બાજુએ બધું પાકું કરીને વિશ્વજિતે આરુષિને ખુશખબર આપ્યા હતા.'હવે એ બોલ કે તારા મામા ક્યારે વાત કરવા આવી શકે છે? બહારગામ હોય તો હમણાં ને હમણાં તેડાવી લેજે......'

આશ્ચર્યથી ખુલ્લી રહી ગયેલી આરુષિની આંખો જોઇને મજાક પણ કરી લીધી હતી : જો જે, મોડું કરશે તો નાની કાકીના ભાઈની દીકરી તો છે જ....'બંને બહેનો ખુશીથી રડી પડી હતી.

'હું હજી નથી માની શકતી જે થયું તે.....' આરુષિનો ખુશીથી ચમકી રહેલો ચહેરો આરતી મનભરીને જોઈ રહી. સરોજવાળી સાધનાની વાત આરુષિને કરવી કે ન કરવી ?

બે શરીરમાં રહેલા એક આત્મા જેવી એકતાએ જ બંનેને જીવતાં રાખ્યા હતા. વિશ્વજિતના કહેવાથી આરૂષિએ પોતાની અંતરંગ વાત છુપાવી તે, બાકી જીંદગીમાં બંને બહેનો વચ્ચે ક્યારેય કોઈ આવરણ રહ્યું નહોતું.

આરુષિને વાત કરવી તો રહી જ, એ વિચાર સાથે જ ચમત્કાર કઈ રીતે શક્ય બન્યો, સરોજ પાસે શીખેલી સાધના ને એ તમામ વિષે એક એક વિગત કહી દેવી યોગ્ય માની.

આખી વાત સાંભળ્યા પછી આરુષિનો ચહેરો મ્લાન થઇ ગયો હોય એવું લાગ્યું : આરતી, ક્યાંક એવું તો ન બને ને કે આ કોઈ જાદુટોના હોય ? ક્યાંક એમ તો ન થાય ને કે વર્ષો પછી એ કોઈક નેગેટીવ અસર કરે ?'અરે !! પગલી....તને શું મળ્યું છે તે જોવાનું ભૂલીને વર્ષો પછીની ચિંતા કરવા બેઠી ?' એટલા જવાબથી આરુષિને તે વખત પૂરતી તો શાંતિ થઇ પણ મનમાં ઉઠેલો ચચરાટ ન શમ્યો તે ન જ શમ્યો.

મામા તો આવી ગયા પણ આટલા પૈસાપાત્ર કુટુંબના મૂરતિયાની વાત સાંભળી ને મામી પણ દોડી આવ્યા હતા પિયરથી. જેટલી જલ્દી બને લગ્નનો પ્રસંગ આટોપવાનો હતો. વિદેશમાં વિશ્વનું પોસ્ટીંગ રાહ જોતું હતું. દાદીની ઈચ્છા કામ કરી ગઈ હતી.

આરૂષિનું પતી ગયું તો હવે પેલા ઉત્તમબાબુને શું જવાબ આપશો ? મામીના મગજમાં શ્રીમંત મૂરતિયો હાથમાંથી જાય એ વાત જચતી નહોતી. એને ત્યાં છોકરી આપી તો જિંદગી શાંતિથી જાય એક એવી લાલચ ખરી પણ આરુષિની પસંદ સામે પણ ના પાડવાની તાકાત નહોતી.

હવે કરવું શું ? મામીના ફળદ્રુપ મગજને એનો ઉપાય પણ મળી જ ગયો.

'કહું છું એક ખર્ચમાં બંને લગ્નનું પતાવી કાઢો. આરુષિ સાથે આરતીનું ગોઠવી દઈએ, ઉત્તમબાબુ સાથે. લોકો કહેશે કે મામામામીએ કેવા મોટા ઘરે બંનેને પરણાવી ' મામીની દલીલ પાછળ લાલચ હતી ઉત્તમબાબુને ત્યાંથી મળનાર વળતરની. જો આવા મોટે ઘરે દીકરી આપી હોય તો ક્રિયાકાંડ માટે યજમાન પણ આવા નામી મોટા કુટુંબો મળે એ તો ખરું જ પણ ભૂખે મારવાનો વારો કદીય ન આવે ને !!મામા મામીની વાત સાંભળીને કેવી ઠરી ગઈ હતી પોતે.

બપોરે જમીને સહુ આડાઅવળાં થયા કે લાગ શોધીને આરતી પહોંચી હતી સરોજ પાસે.'સરુ દી, થોડી ગરબડ થઇ ગઈ. મેં જે ઈચ્છ્યું એ તો થયું પણ.....'સરોજને સમજતા વાર ન લાગી કે મનોકામના તો પૂર્ણ થઇ છે પણ સાથે સાથે ન ગમતી વાત પણ નસીબ તાણી લાવ્યું છે. 'મારે એ બુઢ્ઢા સાથે લગ્ન નથી કરવા...'

'ઓહ સમજી .....પણ, આ તો પ્રકૃત્તિનો નિયમ છે આરતી. એક હાથ લે એક હાથ દે. કુદરતે તને તારું વાંછિત ફળ આપ્યું પણ એની સામે એ કોઈક હિસાબ તો કરશે ને ?''એટલે ? આ કોઈ ખાતાવહી છે ? જમા ઉધારના હિસાબ મંડાય ?' ' તો બીજું શું ? આ સંસારમાં કશું એમ ને એમ નથી થતું. દરેકની કિંમત ચૂકવવી પડે છે....''ના પણ સરુ દી આ મને હરગીઝ માન્ય નથી. '

સરોજ વિસ્ફારિત આંખોથી જોઈ રહી આરતીને, પોતાની જીદ પર અણનમ રહીને આ છોકરી શું કરવા માંગતી હતી ?

એ વિષે વધુ વિચારવાની જરૂર ન પડી. લગ્નનો દિવસ નજીક આવી રહ્યો હતો. આરુષિ જેટલી ખુશ હતી પણ એ ખુશી ચહેરા પર છલકાઈ ન જાય તેની સતત કાળજી લેવાની હતી. આરતી સાથે થઇ રહેલું વર્તન ભારે ગુનાહિત લાગણી જન્માવતું રહ્યું હતું.

'એક વાર આરુષિના લગ્ન સારી રીતે પતી જાય પછી જ વાત એ જીદ પર અણનમ રહેલી આરતી સામે આખરે મામામામીએ નમતું જોખવું પડયું હતું. લગ્ન પછી પાસપોર્ટ ને જરૂરી ડોક્યુમેન્ટ્સ બને એટલે આરૂષિ વિદેશ જઈ રહી હતી.

પણ એ પહેલા જ બે બહેનો વચ્ચે એક દીવાલ ઉભી થઇ ગઈ.

એનું કારણ બીજું કોઈ નહીં ને આરૂષિ પોતે જ હતી. વિશ્વજિતને સામે શું જોતી એ સઘળું ભૂલી જતી. કેટલીવાર કહ્યું હતું કે કોઈક વાત ખાનગી રાખવી પડે પણ નહીં, એ તો આરતીએ કરેલી સાધનાની વાત વિશ્વજિતની કહી આવી હતી.

એને કરી હતી તો ભાવવશ થઈને પણ એનું પરિણામ બિલકુલ અણધાર્યું આવ્યું હતું. ઉચ્ચ કેળવણી લીધેલા વિશ્વજિતને એ વાત સાંભળીને ભયંકર ચીઢ ચડી હતી. આ બધા કાટકૂમાણ ને ટૂચકા, મંત્ર તંત્ર.... આજે સારા કારણે કરવામાં આવ્યા હોય પણ જો એમાં સફળતા મળી તો કાલે એ કોઈનું અહિત કરવામાં નહીં વપરાય એની શું ખાતરી ?

અને બીજી સવારે જ આરુષિ દોડતી ઘરે આવી હતી. મામામામી તો સમજ્યા કે ઘર યાદ આવ્યું, બેન યાદ આવી હશે પણ આરુષિની વાત જાણ્યાં પછી તો પેટનું પાણી વલોવાઈ ગયું હતું.

જેને માટે આ બધું કર્યું એ બહેન માત્ર લગ્ન કરીને દૂર જતી હતી પણ સાથે સાથે દૂરી વધવાની હતી વિશ્વજિતને કારણે

આપણે આપણી જીંદગીમાં ખુશહાલ રાખવી હોય તો તારી બેન સાથે અંતર રાખવું પડશે.....નહીતર..…

અધૂરું મુકાયેલું વિશ્વજિતનું વાક્ય ગર્ભિત ધમકી હતું : આપણાં લગ્ન ભલે થયા પણ આ જાણ્યા પછી મારા ઘરમાં, મારા કુટુંબમાં તારી બહેન માટે કોઈ જગ્યા નથી. તું એની સાથે વાતનો વ્યવહાર રાખે એ પણ મંજૂર નથી. હવે તારે સુખી પરિણીત જિંદગી જોઈએ છે કે પછી બેન, તું નક્કી કરી શકે છે.....