પસ્તાવો

પસ્તાવો

જયેશ આજે ફરી પી ને આવ્યો હતો.. તેણે કોકિલાને આજે ફરીથી માર માર્યો.. નિલેશ અને મિતેશ તો રોજ પીધેલા જ હોય છે... બાકી રહ્યો.. વિશાલ..! એ પીતો નથી ને કંઇ કામ પણ કરતો નથી.. ઘરનું વાતવરણ એટલુ તો ખરાબ અને તંગદિલી ભરેલું થઇ ગયું છે કે કોઇ કોઇને વાત પણ નથી કરી શકતું.. એકજ ઘરના સભ્યો ને એક જ પરિવાર હોવા છતા પણ જાણે કે એક-બીજાને ઓળખતા જ ન હોય... ઘરમાં નાના પાંચ બાળકો છે.. એ પણ આવી સ્થિતિમાં ચુપચાપ બેસી ગયા હતા.. રમવાનું ભુલી ને...

આ બધું શું છે...? હે ભગવાન..! તુ જ કોઇ રસ્તો દેખાડ હવે.. એક બાજુ ખુણામાં ખુરશી લઇ ને બેઠેલા મોહનભાઇ વિચારી રહ્યા હતા...

કેટલો સમય વિતી ગયો.. ને એની સાથે સાથે કેટલું બધુ બદલાઇ ગયું.. સાઇઠ વર્ષની ઉમરમાં મેં કેટકેટલું જોયું ને કેટલું અનુભવ્યું.. ઘણા ઉતાર-ચડાવ આવી ગયા આટલા સમયમાં... એ જીવન ભરની યાદો નજર સામે તળવળી રહી...

એક ગરીબ પરિવારમાં મારો જન્મ થયો જ્યાં બે ટાઇમનું પુરુ ખાવાનું પણ નહોતું મળતું... મા-બાપે કાળી મજુરી કરીને ભણાવ્યો.. શાળામાં જવાનું ને રજા હોય ત્યારે મજુરી કરવા પણ જવુ પડતું ને છતાય ઘણી વાર ભુખ્યા રહેવું પડતું... એક એ સમય હતો ને એક આ આજનો સમય છે... એક એ જ્યારે હું નાનો હતો ને ઘણી વાર ભુખ્યો ઉંગી જતો ને આજે આ મારા બાળકો છે કે જે ખાવાનું એમની પસંદનું ન હોય તો થાળી ફેકી દે છે... કેવી વિચિત્રતા છે..?, કેમ આવુ..? કંઇક તો છે..કોઇક કારણ તો છે જે મને હજુ સમજાયું નથી..!

સાંજનો સમય થયો હતો.. દિવસ આથમી રહ્યો હતો. ‘ઘરનું વાતાવરણ ખરાબ છે તો ચાલ એક આંટો મારી આવું’ એમ વિચારીને ખુરશીમાંથી ઉભા થયા.. ચપ્પલ પહેરીને નિકળ્યા ત્યાં તો ‘ દાદા દાદા.. ક્યાં જાઓ છો...? મારે પણ આવવું છે..’ કહેતો દોડતો નાનો હેનીલ પણ સાથે થયો... એની પાછળ મિનલ ને એની પાછળ... એમ પાંચેય બાળકો સાથે થયા.. એ બધાને લઇ ને નિકળ્યા..

‘ચાલો બેટા ક્યાં જઇશું..?’ ‘દાદા દાદા પેલા બગીચામાં... હા દાદા.. બગીચામાં જઇએ..’ નાનકડો હેનીલ પણ બોલી ઉઠ્યો.. ‘ત્યાં મારે પેલી ચકડોળમાં બેસવું છે અને પેલી લપસણી ખાવી છે..’ ‘સારુ સારુ બેટા..! ચાલો..’ હેનીલ આંગળી પકડીને ચાલવા લાગ્યો.. થોડુ ચાલ્યા હશે ને ‘દાદા મારે આઇસક્રિમ ખાવી છે..’ મારે પણ... મારે પણ..’ બધા બાળકોએ આઇસક્રિમ ખાવા માટે જીદ કરી એટલે તેમને બાજુની હોટેલ પર લઇ ગયા ને આઇસક્રિમ લીધી..

કેટલુ સારુ છે..? આ નાના બાળકો પણ ઘરના એ વાતાવરણમાંથી બહાર આવીને હવે ખુલ્લા મોઢે બોલી રહ્યા છે... મોહનભાઇના મનમાં હજુએ ઘરના એ વિચારો જ ચાલતા હતા.. તે બેઠા હતા એની બાજુના ટેબલ પર બેઠેલા ચાર-પાંચ માણસો વાતો કરી રહ્યા હતા એ તરફ એમનું ધ્યાન ગયું..

‘હા યાર... ખોટી રીતે ભેગો કરેલો રૂપિયો એ ક્યારેય ટકતો નથી.. ને જેણે ખોટા રૂપિયા ખાધા હોય.. ભેગા કર્યા હોય એના બાળકો હંમેશા ગાંડા જ પાકે..’

‘૧૦૦% સાચી વાત છે તારી..’ બાજુમાં બેઠેલા બીજા વ્યક્તિએ પહેલાની વાતને સમર્થન આપ્યું.. ‘અને જો બાળકો ગાંડા જ હોય તો રૂપિયા ભેગા કરવાનો અર્થ શો..?’ મારુ તો માનવું છે કે બાળકોને વારસામાં પૈસા તો ક્યારેય ના આપવા જોઇએ.. એના કરતા જરુરી છે કે એમને સારા સંસ્કાર આપો.. આવડત આપો.. એટલે પૈસા તો એ પોતે કમાઇ લેશે..’

‘સાચી વાત છે તમારી’ મોહનભાઇએ પણ એ લોકોની વાત સાંભળી ને મનમાં જ વિચાર્યું ... તેમની વાતો એ મોહનભાઇના માનસ પર કંઇક ખાસ અસર કરી... મેં પણ તો આજ સુધી એ જ કર્યું છે ને.. હું નોકરી લાગ્યો એ પહેલા મારા ઘરની સ્થિતિ બઉ જ ખરાબ હતી.. ને પગાર સાથે વધારાના પૈસા મળતા એ જોઇ ને હું વધારે ને વધારે લાલચુ થતો ગયો.. કોઇનોએ વિચાર કર્યા વગર મેં માત્ર પૈસા જ ભેગા કર્યા... કોના માટે...?, મારા બાળકો માટે.. કેમકે મે જે પરિસ્થિતિ જોઇ છે તે એમને ના જોવી પડે.. એમને ના સહન કરવું પડે... બસ, એટલા જ માટે.. પણ પૈસા ભેગા કરવામાં હું મારા બાળકોને સંસ્કાર આપવાનું ભુલી ગયો..

આજે મારા બાળકો પણ ગાંડા નહિં તો ગાંડા જેવા જ છે ને... ટ્રેક્ટર.. જીપ... દુકાન જેવા કમાવાના સાધનો લાવી આપ્યા છે છતાંય તે અવળા રસ્તે ચડી ગયા... કદાચ આ મારા ખોટી રીતે પૈસા ભેગા કરવાના કારણે જ.. મારા કર્મોના કારણે જ.. જેમ જેમ વિચારતા ગયા તેમ તેમ વિચારો સ્પષ્ટ થતા ગયા.. પણ હવે શું થાય... હે ભગવાન..! શું કોઇ રીતે એ કરેલી ભુલો સુધારી શકાય..?

‘દાદા દાદા... આ જુઓને..!’ હેનીલે બુમ પાડી.. એથી વિચારો તુટી ગયા... ‘હા બેટા.. શું થયું..?’

‘આ પેલો છોકરો જુઓ ને..!’ તેણે જે તરફ આંગળી લાંબી કરી ત્યાં એક છોકરો ઉભો હતો.. કપડા ફાટી ગયેલા.. શર્ટને એક પણ બટણ ન હતું.. એક ભિખારી કરતાં પણ તેની હાલત ખરાબ લાગતી હતી... હોટેલમાં જે કોઇ ખાઇને જાય એમાં જે વધું હોય એ ત્યાં ફેકી દેવાતું હતું અને એ છોકરો.. એમાંથી જે લેવાય એવું લઇ ને દોડતો જતો ને થોડી વારમાં પાછો આવી ને ત્યાં ઉભો રહી જતો..

મોહનભાઇએ બુમ પાડીને તેને બોલાવ્યો... પણ તે ત્યાં જ ઉભો રહ્યો.. તેની દયા આવી.. કદાચ એને ભુખ લાગી હશે.. એમ વિચારીને તેમણે થોડું ખાવાનું લીધું અને તેની પાસે ગયા.. ‘આ લે ખાઇ લેજે..’ છોકરો થોડો ખચકાયો.. પણ વધારે આગ્રહ કર્યો એટલે તેણે પડીકુ લઇ લીધુ..

‘હું ઘેર લઇ જઉ... મારા મા-બાપુજી ને ભાઇ-બેન માટે..’

‘ક્યાં છે તારુ ઘર..?’

‘અહિયાં... પાછળ’.. કહીને તે દોડતો ગયો...

કુતુહલવશ મોહનભાઇ તેની પાછળ ગયા... જઇ ને જુએ છે તો.. પ્લાસ્ટીકનો લાકડાથી તુટેલો ફાટેલો ઓઢો કરેલો હતો ને એમાં એ છોકરાની પાસે બે સુકાયેલા શરીર વાળા તેના મા-બાપ ને બે નાના બાળકો બેઠા પોતે આપેલુ પડીકુ ખોલી ને ખાતા હતા..

સામે જ અનાથાશ્રમનો દરવાજો હતો...ને તેને અડીને બાજુમાં વૃધ્ધાશ્રમનો દરવાજો.. બન્ને દરવાજા વચ્ચે એક બોર્ડ હતું.. જેમાં લખ્યું હતું..

“ અનાથ આશ્રમમાં બાળકો મળે છે ગરીબોના.. ને.. વૃધ્ધાશ્રમમાં મા-બાપ હોય છે અમિરોના”

અને આ પેલો છોકરો ... ના એ છોકરો અનાથ છે.. કે ના એના મા-બાપ વૃધ્ધાશ્રમમાં...

અને તેમણે ઉંચે આકાશ સામે જોયું... હે ભગવાન...! મેં તને પુછ્યું હતું કે શું કોઇ રીતે એ કરેલી ભુલો સુધારી શકાય..?... તો શું આ એનો જવાબ છે..?

રાકેશ રાઠોડ

***

રેટ કરો અને રિવ્યુ આપો

Pratik Modh 2 વર્ષ પહેલા

mitali parekh 2 વર્ષ પહેલા

kishor solanki 2 વર્ષ પહેલા

Janki 2 વર્ષ પહેલા

Sagar Oza 2 વર્ષ પહેલા