Sachi hakikat books and stories free download online pdf in Gujarati

સાચી હકીકત

સાચી હકિકત

એક સુશિલ, સંસ્કારી, સમજુ ને આદર્શ માણસ. નામ પણ એનું આદર્શ... નામ પ્રમાણેનું જ એનું વ્યક્તિત્વ. સત્તા-સંપત્તિનો મોહ નહિ ને મારા-તારાનો ભાવ નહિ. મમતા ભર્યું સુખી કુટુંબ. એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મળી છે... સમાજમાં સારુ માન છે. પરિવાર પ્રત્યેની પોતાની ફરજો ને જવાબદારી પુરી નિભાવે છે. હવે કોઇ ચિંતા કે દુ:ખનું કોઇ કારણ નથી. કંપની તરફથી રહેવા માટે ફ્લેટ ને ગાડી પણ મળી છે. એટલે લાઇફ અત્યારે ખુબજ સરસ ચાલે છે...

એક દિવસ સવારે વહેલો જાગ્યો. ઘડિયાળ સામે જોયું... અરે.. ! છ વાગી ગયા...?

ફટાકથી પથારીમાંથી ઉભો થયો. સાત વાગે તો મારે ઓફિસે પહોચવાનું છે... અડધો કલાકનો રસ્તો છે ને તૈયાર થવાનું...!

બ્રશ મોઢામાં મુક્યું એ સાથે જ ચા ની તપેલી પણ ગેસ ઉપર મુકી દીધી. ને બાથરૂમમાં ગિઝર પણ ઓન કરી દીધું. બ્રશ કર્યુ ત્યા ચા તૈયાર, ચા પીધી ત્યાં પાણી ગરમ હતું... નહાઇ લીધું ને ફટાફટ અડધો કલાકમાં તો તૈયાર... હવે વાંધો નથી... ટાઇમે પહોચી જવાશે.. ચાવી લીધી. ગાડી ચાલુ કરી ને નિકળી પડ્યો...

આમ તો પોતે રોજ પાંચ વાગે ઉઠી જતો ને શાંતિથી તૈયાર થઇ ને સમયસર ઓફિસે પહોચી જતો... એનો ઓફિસ ટાઇમ તો 10 થી 3 વાગ્યા સુધીનો હતો. પણ ગઇ કાલે થોડું વધારે કામ હતું એટલે તે રાતે 10 વાગ્યા સુધી રોકાયેલો. પછી ફ્રેન્ડ સાથે જમવા ગયો ને ઘેર પહોચીને ઊંગવા સુધીમાં તો 12 વાગી ગયેલા.. એટલે જ સવારે વહેલા ઉઠી શકાયું નહિ... ને બાકીનું અધુરુ કામ કરવા અત્યારે 7 વાગે પહોચવાનું હતું. બાકીના બીજા સાથી કર્મચારીઓ પણ આવી જવાના હતા...

આમ તો તે ઓફિસે ૭ ના બદલે ૮ વાગે પહોચે તો પણ એને કોઇ પુછે એમ ન હતું. પણ પોતે આજ સુધી ક્યારેય પાંચ મિનિટ પણ મોડો પડ્યો નથી. સમયસર જવું ને નિષ્ઠાથી કામ કરવું એ તેનો નિયમ હતો એટલે આજે મોડા કેવે રીતે જવાય..? એવા વિચારે એક્ષીલેટર ઉપર પગ થોડો વધારે દબાવ્યો.. ને ગાડીની સ્પિડ વધારી...

બસ, હવે પહોચી ગયો... સામેની ચોકડીના ટર્ન ઉપર જ તેની ઓફિસ છે... ઘડિયાળ સામે જોયું... હજુ પાંચ મિનિટ વાર છે એટલામાં ગાડી પાર્ક કરીને પહોચી જવાશે... ને... ઘડિયાળમાંથી સામે જોતાની સાથે જ... ધડામમ...મ.. કરતો મોટો અવાજ આવ્યો... ને એ સાથે જ તેની ગાડીએ ચાર-પાંચ પલટી ખાધી. રોડની રેલીંગને તોડી દૂર ફંગોળાઇ ગઇ... એમાં એ પણ ગાડીમાંથી ફેકાઇ ગયો ને દૂર જઇ ને પડ્યો..

શું થઇ ગયું...? કંઇ જ ખબર ના પડી... આ ઘડિયાળમાં જોઇ ને સામે જુએ એટલી વારમાં તો કેટલું બધું બની ગયું...

ઓ... બાપ...રે...! આ શું થઇ ગયું..? મારી ગાડી... અરે...! મારુ લેપટૉપ.. મોબાઇલ.. અરે.. મારી.. ઓફિસની ફાઇલો...!

ફટાફટ ઉભો થયો... કપડા ખંખેર્યાને ને દોડતો ગાડી પાસે પહોચી ગયો.. ગાડીના બધા બુરા હાલ હતા. શું કરવું..? એ કંઇ સમજ ના પડી.. એક પળ માટે તો તેનું મગજ ભ્રમિત થઇ ગયું.. વિચાર વિહિન થઇ ગયું. એક પળમાં આટલું બધું બની ગયું...?

આંખો બંધ કરી થોડી વાર ..મનને શાંત કરી.. મગજ ને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો...

આજુ બાજુમાંથી દોડીને આવતા લોકોનો અવાજ તેના કાને પડ્યો... ઝબકી ને તેણી આંખો ખોલી ... અરે ..! હા.. એમાંતો મહેશ, રમેશ, રીના ને એ મારો સ્ટાફ પણ છે...

બાજુમાં જ સામે તેની ઓફિસનો દરવાજો છે... તેનું ધ્યાન ગયું.. હાશ... હવે કોઇ ચિંતા નથી... એના મનને થોડી સાંત્વના મળી, આશ્વાસન મળ્યું. સ્ટાફના બધા દોડીને આવ્યા છે. પોતાની મદદ માટે... હવે એ બધુ સંભાળી લેશે... ને તેણે ફરી આંખો બંધ કરી લીધી... મનની રાહત માટે...

પાંચેક મિનિટ પછી તેણે આંખો ખોલી. ભેગા થયેલા ટોળામાંથી કોઇ તેની ગાડીના ફોટા પાડી રહ્યું હતું. ગાડીમાંથી કોઇક ઓફિસની ફાઇલો, લેપટોપ બધુ કાઢીને તેના સ્ટાફના એક મિત્રને આપતું હતું. પોલીસની જીપ બાજુમાં ઉભી હતી... એ ટોળાને દૂર કરતો હતો... આ જોઇને તે ઝબક્યો... આ શું થઇ રહું છે...? આ બધા લોકો ગાડીની જ આજુબાજુ કેમ થઇ રહ્યા છે...? હું અહિં છું પણ મારી સામે કેમ કોઇ નથી જોતું,...?

રમેશ... એ..ઇ.. રમેશ... લેપટોપ ને ફાઇલો લઇને જતા મિત્રને તેણે બુમ પાડી પણ જાણે તે સાંભળતો જ ન હોય તેમ ચાલતો જ રહ્યો... મહેશ.. ટીના.. રીના.. બધાએને તેણે બુમો પાડી પણ તેને કોઇ સાંભળતું જ ન હતું .. તેને નવાઇ લાગી ને સાથે સાથે ગભરાહટ પણ થયો... આ શું મારુ બોલેલુ કોઇ સાંભળતું કેમ નથી.. ? કે મારી સામે કેમ નથી જોતું...?

આ શું થઇ રહ્યું છે...? કંઇ ખબર નથી પડતી.. તે વ્યાકુળ થતો હતો.. તેણે જોરજોરથી બુમો પાડી પણ કોઇ જાણે સાંભળતુ જ નથી.. પળેપળ તેની બેચેની જાણે વધતી જ જતી હતી. ગભરાટ વધતો જતો હતો. તે રીતસર દોડ્યો. તેની સામેની બાજુ પણ ટોળુ હતું જ્યાં તે ગાડીમાંથી ફેકાઇ ને પડ્યો હતો. ત્યાં તે એ તરફ ગયો અને જઇને જોયું તો ..... આશ્ચર્ય ... નવાઇની સાથે તેની આંખો ફાટી રહી ને મો ખુલી ગયું... આ શું જુએ છે ? તે હજુએ ત્યાં નીચે જમિન પર જ પડ્યો હતો. ... આ શું ? પોતે તો અહિંયા ઉભો છે તો આ નીચે કોણ પડ્યું છે ? નીચે પડેલા તેના માથામાંથી લોહી નિકળતું હતું ને તે હલન-ચલન વગર નિ:શબ્દ થઇ ને પડ્યો હતો....

મગજનો ચકરાવો વધારે ચડ્યો. હવે તેને રીતસર ચક્કર આવવા લાગ્યા. કદાચ તે બેસી નહિં જાય તો નીચે પડી જશે, એટલે તે ઘોટણીએ પડી ને બેસી ગયો. દિડ્મૂઢ બનીને... એમ્બ્યુલંસ આવી નીચે પડેલા તેને એમાં મુકી ને લઇ ગઇ...ત્યાં સુધી...

હવે તેને બધુ સમજાઇ ગયું હતું. પણ શુ.. મોત આને કહેવાય ? જીવનની સાચી હકિકત તે આ છે...? દુનિયા સાથેના તેના હોવાનો આધાર, તેનું શરીર હવે તેનો સાથ છોડી ગયું છે. એના વગર હવે વાસ્તવિકતામાં પોતાનું અસ્તિત્વ જ નથી. આ હજુ હમણા જ કલાક પહેલા તો એનું તે કેટલુ ધ્યાન રાખતો હતો. બ્રશ કરી દાંત સાફ કર્યા, નહાઇ ને પાણીથી શરીર સાફ કર્યું.. ને ચા-નાસ્તો કરી તેને ખોરાક પણ આપ્યો... એ જ શરીર અને હવે એ તેનો સાથ છોડી ગયું હતું...

તો એના માટે તે કેમ લડ્યો નહિં ?, મથ્યો નહિં કે કોઇ ફરીયાદ ન કરી ? એને લઇ જવા દીધું..

કદાચ હવે તેનો કોઇ અર્થ નથી... કુદરતની નરી વાસ્તવિકતા અત્યારે તેની સામેથી પસાર થઇ રહી હતી.. કેટલોયે સમય તે એમનો એમ બેઠો રહ્યો.. વિચારશૂન્ય બની ને...

પછી કંઇક વિચાર આવતા તે ઉભો થયો ને તેની ઓફિસમાં ગયો. આખીએ ઓફિસમાં જોયું.. ચારે બાજુ નજર ફેરવી ... પેલી ડિઝિટલ વોચ, એના પરની wel-come લખેલી ડિસ્પ્લે.. સ્વામિ વિવેકાનંદની છબીનો એ જ ધીર ગંભિર ચહેરો.. તેની ઓફિસની પાછળના દરિયામાંથી મોજાની મીઠી ને ઠંદી હવાની મહેક લાવતી એ બારી, રોજની જેમ જ એના ટેબલની ફૂલદાનીના નવા ને તાજા ફૂલો... બધુ જ એમનું એમ હતું... ને છતાંય બધુ જ બદલાઇ ગયું હતું. પોતાની વ્હિલચેર પર પ્રેમથી હાથ ફેરવ્યો.. એમાં બેઠો... આરામથી...

હવે કોઇ અર્થ નથી.. આ બધું હવે મારે શું કામનું..? કુદરતની સુંદરતા ખરેખર અદ્ભૂત છે... તો તેની વાસ્તવિકતા પણ કેટલી વિચિત્ર છે ? હજુ હમણાં જ તો આ બધુ મારું હતું ને હવે...

ટેબલ ઉપર તેનું લેપટોપ ચાલુ કરેલુ પડ્યું હતું.. એમાં તેનું જ લખેલુ એ વાક્ય ડિસ્પ્લે થઇ રહ્યું હતું..

“ જાત ખર્ચવી છે મારે... મારા માટે... એના પર કોઇનો અધિકાર નથી “

તે જ્યારે નોકરીએ આવ્યો ત્યારે તેણે આ વાક્ય લખ્યું હતું. તે નોકરી કરવા જ માગતો ન હતો. તેને પોતાની મરજી પ્રમાણે જીવવું હતું... ને નોકરી એના માટે પારકી વેઠ હતી. ( જેમાં માણસ પોતાની મરજી પ્રમાણે કંઇ જ નથી કરી શકતો.. ને બીજાના હુકમ પ્રમાણે જ એને કામ કરવું પડે છે.) પણ પરિવારની જવાબદારી, કુટુંબ પ્રત્યેની ફરજો અને આર્થીક જરૂરિયાતોની એ મજબુરીઓને વશ થઇ ને તે નોકરી કરવા આવ્યો હતો. અને આજે દસ વર્શની નોકરીમાંથી જ તેણે કુટુંબની જવાબદારી ને ફરજો બધુ પુરુ કર્યું હતું.. અને હવે તો એ તેની આદત થઇ ગઇ હતી.. એટલે આ વાક્યની છબી તેના મનમાં હવે ઝાંખી પડી ગઇ હતી.. પણ છતાંયે તે રોજ એને વાંચતો.. ને વિચારતો...

તે આખીએ ઓફિસમાં ફર્યો... દોસ્તો તમને ખબર જ છે કે આજે આપણો એક સાથી આપણી વચ્ચે નથી.. ઓફિસની સામે હોલમાંથી પોતાના બોસનો અવાજ તેને સંભળાયો... ને તે એ તરફ ગયો...

તમે બધા જાણો જ છો કે આજે સવારના અકસ્માતમાં તેનું કરુણ મોત થયું છે.. સ્ટાફના ને બીજા અન્ય કર્મચારીઓ સાથે મીટીંગ કરીને તેના બોસ ચર્ચા કરી રહ્યા હતા. ખુબજ કરુણ અને દુ:ખભર્યો એ બનાવ બની ગયો.. તેની ખોટ મને અને તમને બધાએને હંમેશા વર્તાશે... તેની જગા કોઇ ભરી શકે એમ નથી...

પોતાના વિશે આવી વાત સાંભળીને તેને ગર્વ થતો હતો.. હં.. પોતે એક કાબેલ અને કાર્યદક્ષ માણસતો હતો જ... તો કેમ ન થાય ? બોસે આગળ બોલતાં કહ્યું.. ભલે..! હવે જે બનવાનું હતું એ બની ગયું. એને આપણે કોઇ બદલી શકીએ એમ નથી. જેમ કે તમે જાણો જ છો કે અત્યારે આપણે ઇન્ટરનેશનલ લેવલનો એક પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને બે દિવસમાં એને પુરો કરવાનો છે.. એ પ્રેઓજેક્ટ આદર્શ હેન્ડલ કરતો હતો. ને આજે પુરો પણ કદાચ થઇ જાત.. પણ કુદરતની આગળ આપણું કંઇ ચાલતું નથી.. ‘કદાચ આજે જે બન્યું એ બે દિવસ પછી બન્યું હોત તો સારુ હતું... આપણો પ્રોજેક્ટ પુરો થઇ જાત..’

આઘાત લાગ્યો.. બોસના એ જ શબ્દો તેને ફરીથી સંભળાયા. ‘કદાચ આજે જે બન્યું એ બે દિવસ પછી બન્યું હોત તો સારુ હતું... આપણો પ્રોજેક્ટ પુરો થઇ જાત..’ ભણકારા વાગ્યા. તેનું હૃદય દ્રવી ઉઠ્યું. ને એ જ શબ્દોના તેના મનમાં, આજુબાજુ બધે જ પડઘા પડવા લાગ્યા. એ પછી મીટીંગ હોલમાં શું વાત થઇ એ કંઇ જ તેને સંભળાયું નહિં. મનમાં બસ વિચારો ને પેલુ વાક્ય જ ફરતા રહ્યા. તેને એ શબ્દો કંઇક વધારે ને વધારે વાગ્યા. હોલમાં તેના માટે મૌન પડાયું,તેની વાતો થઇ પણ એમાંથી કંઇજ તેને ન સંભળાયું. .. એની જગ્યાએ ઓફિસમાંથી રાઘવ નામના માણસને અધુરો પ્રોજેક્ટ આપવામાં આવ્યો અને તેની જગા હવે રાઘવને સોપાઇ... એ કંઇજ તેને દેખાયું નહિં...

ઓફિસના એ જ લોકોએ આજે આદર્શને શ્રધ્ધાંજલી અને રાઘવને અભિનંદન આપ્યા. મીટીંગ પુરી થઇ ને બધા પોતપોતાના કામે જઇને લાગી ગયા... જાણે કંઇ બન્યું જ નથી.

કુદરતની આજ તો કરામત છે કે ક્યારેય કોઇ જગા ખાલી પડતી નથી. એક જાય એટલે બીજુ આવે.. સમયની સાથે બધુ ચાલ્યા જ કરે છે. નથી સમય અટકતો કે નથી સંસારમાં કંઇ બદલાતું. બસ, તમે છો ત્યાં સુધી જ દુનિયા તમારી છે.. બાકી તમારા વગર પણ એતો ચાલવાની જ છે.. આ સૌથી મોટી હકિકત છે..

તે નિરાશ થયો. હવે શું કરવું ? કંઇ સમજાયું નહી. કંઇ કરવાનો કોઇ અર્થ પણ નથી. આટલી લાચારી, નિરાશા, વિવશતા, એકલતા, અસહયતા ને અશક્તિ તેણે એક સાથે અત્યારે અનુભવી.. જે જીવતાં તેણે ક્યારેય નહોતી અનુભવી...

તેને યાદ આવ્યો : પત્નિનો હસતો ચહેરો. પોતાનો નાનો દિકરો જે હજુ બોલતાં પણ નહોતો શિખ્યો... બે દિવસ પહેલાં તે એમને સ્ટેશને મુકવા ગયો હતો. ત્યારના પત્નિના એ શબ્દો...”જલ્દી આવી જજો.. કામ પુરુ કરીને..! રોઇ રોઇ ને બુમો પાડતો નાનો દિકરો.. પપ્પા... પપ્પા... કરીને રડતો હતો. યાદ આવતાં જ તે વ્યાકુળ બની ગયો. રડી પડ્યો.. દોડીને પત્નિ ને દિકરા પાસે જવાનું મન થઇ આવ્યું... ને નિકળી પડ્યો..

શું લઇ જવું ?, શેમાં જવું ? જેવા પ્રશ્નોનો તો હવે તેના માટે કોઇ અર્થ ન હતો...!

હવે પછીના પંદર દિવસે તો પોતાની નાની બહેનના લગ્ન છે. ઘરે એની તૈયારી ચાલતી હશે. પોતાની પત્નિને એટલા માટે જ તો બે દિવસ પહેલા ઘેર મોકલી છે અને પોતે આજે પ્રોજેક્ટ પુરો કરી ને પછી જવાનો હતો. રજા લઇ લીધી હતી ને બહેનના લગ્ન માટે લોન પણ મળી ગઇ હતી જેના પૈસા તે લઇ ને જવાનો હતો... અને ... આ શું થઇ ગયું ? એ બધા શું કરતા હશે ? શું કરશે ? .. હવે હું નથી રહ્યો તો ?

જેમ જેમ વિચારતો ગયો... તેમ વધારે ને વધારે વિહવળ થતો ગયો... પોતાની પત્નિ, દિકરો ને પરિવારને પણ જોવાની હિંમ્મત ન હતી. કદાચ પોતાના વગર એ રજળી પડશે... નઇ રહી શકે... હવે શું થશે ? પોતે ઇચ્છે તો પણ હવે કંઇ કરી શકે એમ ન હતો.. એ બધાની પાસે જવાની ઇચ્છા તિવ્ર બનતી જતી હતી... જેમ જેમ તે નજીક પહોચતો હતો.

આજુ બાજુ બસ રોવાનો જ અવાજ... ઘેર માણસોનું મોટુ ટોળુ હતું જેમાં મામા, ફુઆ, માસા... જેવા કહી શકાય તેવ લગભગ બધા જ સબંધીઓ હતા. ઘરમાં ને બહાર તો ગામમાં... પણ બસ માતમ છવાયો હતો... ઘરની અંદર તેની પત્નિ, માતા ને નાની બહેન એ બધાની કારમી ચીસોનો અવાજ છેક સુધી સંભળાતો હતો ને સાંભળનારના હૃદયને ધ્રુજાવી મુકતો હતો... બધાએની આંખોમાં આંસુ હતા તેની અસર આખાએ ગામમાં વરતાતી હતી.

દોડીને એ બધાએને વળગી પડવાનું મન થયું. ‘બંધ થઇ જાઓ.. ના રડો’ એવું કહેવાની... ને આ પરિસ્થિતિ બદલી નાખવાની ઇચ્છા થઇ આવી પણ શું થઇ શકે ?

હે ભગવાન.. ? આ તારી કેવી નિર્દયતા..? એક પળમાં તે કેટલું વેર-વિખેર કરી નાખ્યું. એક હસતા ખેલતા પરિવારને તે બરબદ કરી નાખ્યો. ખરેખર કૂદરત કેટલી ક્રૂર છે ? માણસ એક એક પળને સમેટી ને ભેગી કરે છે અને એમાંથી એ સુખ મેળવવા મથે છે તો કુદરત એક જાટકે એ બધુ જ વિખેરી નાખે છે.. કોઇ જ વિચાર વગર... કદાચ પોતાની મહત્તાનો અહમ સંતોષવા કે... “ તુ ગમે તે કર... સંસારમાં ટોચ ઉપર પહોચી જા... પણ અંતે તો એજ થશે જે હું કરીશ”... આ તે કેવી ક્રૂરતા..?

ના એ પત્નિને સ્પર્શિ શકતો હતો, એના આંસુ લુછીને છાની રાખી શકતો હતો કે ના તો એની પાછળ પાછળ રોતા પોતાના નાના દિકરાને લઇ શકતો હતો.. પોતાના મા-બાપ કે બહેનને પણ તે રોકી શકતો ન હતો. તેના મનના એ શબ્દો હવે તેના મનમાં જ ફરતા હતા.. ‘ચિંતા ના કરો.. હું છું ને .. બધુ જ કરી લઇશ’

લાચાર, બેબસ ને વિહ્વળ થઇને તે ફક્ત આ બધુ જોઇ શકતો હતો.. વાસ્તવિકતાના જીવન સાથે હવે તેનો સબંધ તુટી ગયો હતો.. ઘરની ઓસરીના એક ખુણે તેના પિતા નિ:શબ્દ થઇ ને બેઠા હતા... પોતાનો એકનો એક દિકરો.. ને અણધાર્યા આવા બનાવથી એમનું જીવન જાણે લુંટાઇ ગયું... તેમના મનમાં શું ચાલી રહ્યું છે એતો બસ એ જ જાણતા હતા... બસ, માત્ર દિડ્મુઢ થઇને બેઠા હતા.

શું કરી શકાય ? કંઇ નહી... જ્યાં સુધી શરીર હતું ત્યાં સુધી તેનો આ દુનિયા સાથે સબંધ હતો.. હવે આ બધામાં એનું કંઇ નથી... સમય વિતતો ગયો ને એ બસ જોતો રહ્યો... લાચાર બનીને...

એક દિવસ... બે દિવસ... ત્રણ દિવસ... એમ દિવસો વિતતા રહ્યા. ને બહેનના લગ્નનો દિવસ નજીક આવતો રહ્યો. શું કરવુ કંઇ સુજતુ ન હતું.. બહેન અને મા બન્ને બસ નિરાધાર બનીને બેઠા હતા.. તેની પત્નિ ઘરના ખુણામાં ઢગલો થઇને પડી હતી.. જાણે શરીરમાં પ્રાણ તો છે પણ ચેતના ચાલી ગઇ છે... દિવસો બસ નિરવતામાં જ વિતતા હતા.. કોઇ બોલતુ હતું તો એનો નાનો દિકરો.. તેના પિતાના હાર ચડાવેલા ફોટા પાસે જઇને આંગળી કરી બતાવતો હતો... ‘એ.. પાપા... આ..આ... પાપા..’ કેવી કરુણતા..?

સમયને જતા સમય નથી લાગતો એમ બહેનના લગ્નનો દિવસ નજીક આવતો ગયો. ને હવે બસ પાંચ દિવસ બાકી હતા. એની સાસરીમાંથી સમાચાર આવ્યા હતા કે : કોઇ પણ સંજોગે લગ્ન કરવા પડશે નહી તો તેઓ સબંધ તોડી નાખશે... તેના મા-બાપને તો દાજ્યા ઉપર ડામ દેવાયો. એક બાજુ એકના એક દિકરાનું મોત અને બીજી બાજુ દિકરીના લગ્ન.. જો આ સબંધ તુટી જાય તો હવે બીજો સબંધ મળવો મુશ્કેલ હતો. ઘરમાં કમાનાર દોકરો ચાલ્યો ગયો જે બહેનના લગ્ન માટે પૈસા લઇને આવવાનો હતો. એના વગર હવે શું થશે..? પણ કોઇ છુટકો ન હતો.. ને એમાંય તેના મોતને હજુ બાર દિવસ પણ નહોતા થયા.. ત્યારે... જ

છતાંય સાંજે બેસવા આવેલા ગામ લોકો અને કુટુંબમાં લગ્નની ચર્ચા થઇ. સમય,સંજોગોને પરિસ્થિતિ જોતા બધાએ મદદ કરવાની તૈયારી બતાવી... પણ... !

પણ.. એમાં બોલાયેલા એ જ શબ્દો તેને ફરી સંભળાયા ‘આ જે થયું તે લગ્ન પછી થયું હોત તો સારું હતું’ ... એવા જ શબ્દો જે ઓફિસમાં તેના બોસ બોલ્યા હતા... બસ... એ જ સ્વાર્થ.. એ શબ્દો તેના વિચારોમાં ફરી ફરી ને ઘુમરાવા લાગ્યા.

તેના મરણની છેલ્લી ક્રિયાવિધી વહેલા પુરી કરી દેવાઇ અને બીજા દિવસથી લગ્નની તૈયારીઓ ચાલુ થઇ ગઇ. જરૂરી સામાનની ખરીદી, કપડા, ઘરેણા ને રસોઇનો સામાન...

પોતાના વગર પણ આ બધુ થઇ રહ્યું હતું.. દુનિયાની આ સાચી હકિકત તે જોઇ રહ્યો હતો. હજુ તો સ્મશાને તેની રાખ ઠરી પણ નહિ હોય ને... ઘરમાં તેની ગણતરી બાદ થઇ રહી હતી. બધાએના હૃદયમાં શોક ચોક્કસ હતો... છતાંય બધા હવે કામે વળગ્યા હતા. બે દિવસમાં બધી તૈયારી થઇ ગઇ.. ને લગ્નનો દિવસ આવી ગયો.. આટલા દિવસમાં પેલા શબ્દો તેણે ઘણી વાર સાંભળ્યા... : ‘જે થયું એ લગ્ન પછી થયું હોત તો સારું હતું..’

જાન આવી, લગ્ન થયા.. એના તરફની જવાબદારી કાકા-બાપાના દિકરાઓએ નિભાવી... ને વળામણા પણ થયા.. એ જ દિવસે લગ્નમાં આવેલા આદર્શની પત્નિના માતા-પિતા એને પણ સાથે લઇ ગયા... બધુ જ પુરુ થઇ ગયું...

પણ આટલા સમયમાં ઘણું બધું બદલાઇ ગયું હતું.. જીવનની સાચી વાસ્તવિકતા તેને સમજાઇ ગઇ હતી... કુદરત કહેતી નથી પણ કરી બતાવે છે. જે આપણને જ સમજતાં વાર લાગે છે..

તે હસ્યો... પોતાના પર...

“ મારો જ પ્રસંગ હતો ને મારી જ હાજરી નહોતી..

ને છતાંય મારા સ્વજનો ખુશીથી મનાવતા હતા”..

હૃદય, મન.. અને આત્મા એક સાથે કહિ રહ્યા હતા... ‘ ખરેખર આજે મર્યા પછી ફરીથી મરવાનું મન થયું’ ... અને તે ચાલતો થયો... દૂર દૂર સુધી... જ્યાં કુદરત છેલ્લો રસ્તો બતાવે છે...

રાકેશ રાઠોડ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED