આંસુડે ચીતર્યા ગગન ૩૩ Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

આંસુડે ચીતર્યા ગગન ૩૩

આંસુડે ચિતર્યા ગગન

(33)

શોક ટ્રીટમેન્ટ આપવા બે એક ન્યુરો સર્જને પણ સલાહ આપી – અર્ચના પણ હવે ઘણી જ સ્પષ્ટ હતી. એ એમ માનતી હતી કે વીજળીક શોટ્સ આપતા પહેલાં કોઈક કૃત્રિમ માનસિક આઘાત એમના સક્રિય મનોમસ્તિષ્કને સ્પન્દિત કરી જાય તો સારું પરિણામ આવી શકે છે.

તે દિવસે ત્રણે જણાએ બેસીને નક્કી કર્યું કે હવે બિંદુભાભીને એમની ઢીંગલી ભૂલાવી જોઇએ. અને એ ઢીંગલી ભૂલાવવા એક કૃત્રિમ અકસ્માત કરાવીએ કે જેથી એમને માનસિક આઘાત લાગે.

સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી કર્યો. કે જ્યારે શેષે ઢીંગલીને રમાડતા રમાડતા બારીમાંથી બહાર ફેંકવી જેના ઉપર અંશ કે અર્ચના કાર ફેરવી દે અને ઢીંગલીનું આકસ્મિક મૃત્યુ નીપજાવે.

‘અર્ચી ! આનું સાઈડ રીએક્શન કેવું હોઈ શકે ?’

‘ત્રણ શક્યતાઓ છે એક તો એ ઢીંગલીના મૃત્યુનો આઘાત તેમને વધુ ગંભીર બનાવી દે. અને એ તબક્કામાં

વીજળીક શોટ્સ સિવાય કોઈ જ ઉપાય બાકી નથી રહેતો. બીજી ઢીંગલીનો આઘાત સ્પર્શ્યા વિના જતો રહે. અને ત્રીજી શક્યતા એ પણ છે કે એ માનસિક આઘાત તેમને સંપૂર્ણ રીકવરી તરફ વાળી દે.’

‘આઈ હોપ કે ત્રીજી શક્યતા સાચી પડે.’ શેષભાઈ બોલ્યા.

‘હા… હું પણ એમ જ ઇચ્છું છું. પરંતુ નાનકડો એક ડર હજી રહ્યા કરે છે કે એ તમને ઓળખવા નથી માંડ્યા તેથી હું માનું છું તેટલી પ્રયોગને સફળતા ન પણ મળે. એમના એક્સાઈટમેન્ટને કેવી રીતે તે પ્રગટ કરે છે તેની ઉપરથી નિર્ણય બંધાય.’

‘અર્ચી ! શેષભાઈને ઓળખવા માટે હજી વધુ સમય ન આપવો જોઇએ ?’

‘હા. જોડે ટોનિક અને ફેરસ પીલ્સ પણ આપવા રહ્યા.’

‘તો પછી આ પ્રયોગ થોડો મોડો કરીએ તો ?’

‘શોક ટ્રીટમેન્ટ માટે આપણને પછી બહુ સમય નહીં રહે અંશ ! She is pregnant too. આપણે એ વાત ન ભૂલી જવી જોઇએ.’

‘Yes, then let us take the chance.’

શેષભાઈ સાથે નક્કી કર્યા મુજબ સાંજે પાંચ વાગે અંશે ગાડી લઈને આવવાનું અને આવતા થોડીક દૂરથી હોર્ન મારવું કે જેથી રમાડતી ઢીંગલીને ફેંકવાનું નક્કી થઈ જાય. અને જેવી ઢીંગલી બહાર પડે કે એ ઢીંગલી ઉપર ગાડી ચલાવી દેવી. આ વખતે અર્ચના એમના રીએક્શન માટે તૈયાર રહે. આ કૃત્રિમ અકસ્માત એક અખતરો છે. તેનો ખતરો શું શું હોઈ શકે તે વસ્તુ ત્રણે ત્રણ જણ સમજતા હતા. તેથી તે પ્રસંગની ગંભીરતા ખૂબ વધી ગઈ.

અર્ચના એકલી સ્વસ્થ રહીને પ્રયત્ન કરતી હતી. કે બંને ભાઈઓ તેમનો ભાગ બરાબર ભજવે. શેષભાઈ થોડું ગભરાતા હતા તેથી અર્ચનાએ અંશ સાથે રહેવાને બદલે શેષભાઈ સાથે રહેવાનું નક્કી કર્યું.

સાંજના પોણા પાંચના સુમારે શેષે ઢીંગલીને હાથમાં લઈને રમાડવી શરૂ કરી. બિંદુ એ વહાલપને માણતી હતી. એને થતું હતું કે મારી દીકરી કેવી મીઠડી છે કે લોકો તેને રમાડે છે. અચાનક એની નજર ઢીંગલીના ગંદા કપડા પર પડી અને એ બોલી – ‘એક મિનિટ…!’

‘કેમ શું થયું ?’

‘અંશી કેટલી ગંદી લાગે છે ?’

‘વાંધો નહીં… છોકરા તો એવા જ હોય. ’

‘ના રે ના – મા ની કિંમત થઈ જાય ને ?’

‘અરે ! કેવી મીઠડી છોકરી છે ? એની માની કંઈ કિંમત નહીં થાય, ઉલટાનું આવી સુંદર દીકરીની મા હોવાનું અભિમાન હોવું જોઇએ. ’

અર્ચનાની આ વાતથી બિંદુ સહેજ ઝંખવાઈ ગઈ પછી કહે – ‘ના – એ તો તમે એમ જ કહો પણ ખરેખર તો મારી જ કિંમત થઈ જાય – લાવો એને સાફ કરી દઉં !’

આ એક સારી નિશાની છે – અર્ચના મનમાં જ બડબડી – ત્યાં હોર્ન વાગ્યું –

અર્ચનાએ બહાર જઈને નિશાની કરી – હજી થોડીક તકલીફ છે. દસ મિનિટ પછી

અંશ ગૂંચવાઈ ગયો – ‘શું વાત છે ?’

અર્ચનાએ એ ઇશારો કર્યો કે બિંદુભાભી ઢીંગલીને નવડાવે છે. અંશ થોડુંક સમજ્યો અને ગાડી રીવર્સમાં લઈ જતો હતો ત્યાં પાછળ એક અવાજ આવ્યો – એણે એક સાયકલવાળાવાને ગબડાવી દીધો હતો.

સાયકલવાળો ધુંઆફુંઆ થતો તેની સાથે લડવા આવ્યો. એક પેશન્ટ વચમાં પડ્યો. પંદરેક રૂપિયાની નુકસાની આપી ત્યારે જીવ છૂટ્યો. દસ મિનિટ કરતા વધુ સમય થઈ ગયો એને ઝગડો પતાવતા. ત્યાં પેલી બાજુ શેષ અને અર્ચના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અંશ કેમ ન આવ્યો ?

ઢીંગલીને સાફ કરીને બિંદુ લઈ આવતી હતી. પહેલા અર્ચના તેને રમાડતી હતી, સહેજ ઊંચે ઉછાળવા જતી તો બિંદુની નજરનો ભાવ તેને રોકી દેતો હતો. અનો શ્વાસ ઉંચો ચડી જતો હતો. એને વહાલથી પપ્પી કરતી અને અર્ચનાને કહેતી એને તમે રમાડો છો તે મને સારું લાગે છે, પણ એને ઉછાળો નહીં – એ પડી જશે તો એને વાગશે.

ડૉક્ટર અર્ચના આ ચિહ્નોને શુભ માનતી હતી. પ્રયોગ સફળ થશે તેવું તે વિચારતી રહી.

શેષે પાછળના રૂમનું બારણું ઉઘાડ્યું અને રોડ ઉપરનો પેસેજ ખુલ્લો કર્યો. દૂરથી અંશની ગાડી આવતી દેખાઈ – એટલે અર્ચના પાસેથી ઢીંગલી લીધી અને પોતે રમાડવા માંડી – બિંદુને કોણ જાણે કેમ તે ન ગમ્યું. એ ઢીંગલીને પાછી લેવા માટે ફરી ત્યાં હોર્ન વાગ્યું અને ત્રાંસમાં ઉભેલા શેષે ઢીંગલીને જોરથી ઉછાળી… બિંદુ એ ઉછળેલી ઢીંગલીને લેવા જોરથી દોડી… ઢીંગલી જમીન ઉપર પછડાઈ – ગાડીનું વ્હીલ તેના ઉપરથી ફરી વળ્યું અને બીજી જ સેકન્ડે બિંદુ મોટરના આગલા વ્હીલ સાથે ટકરાઈ , જોરથી બ્રેક વાગી અને અંશ બહાર નીકળ્યો… પાછળ જ શેષ અને અર્ચના દોડતા આવ્યા… બિંદુની ચકળવકળ નજર અંશીને જોતી હતી – અને એની આંખે અંધારા આવવા માંડ્યા હતા.

‘અંશી… મારી દીકરી…’ કહીને મોટી ચીસ પાડીને એણે ભાન ગુમાવ્યું.

રીએક્શન માટે તો બધા તૈયાર જ હતા. તાબડતોબ માનસિક પરીક્ષણ માટે બિંદુને ઈન્ટેન્સીવ કેર યુનિટમાં ખસેડાઈ. ખોપરીનો એક્સ રે લેવાયો, પાટાપીંડી કરી, બી.પી. મપાયું. બધું જ નોર્મલ હતું. સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ જે રિઝલ્ટની રાહ જોવાતી હતી તે આવ્યું નહોતું.

અંશ મનને કોસતો હતો. શેષભાઈ સ્થિર હતા. અર્ચના તે ભાનમાં આવે તેની રાહ જોઈ રહી હતી. એણે રીએક્શન આવશે તે તો ધાર્યું જ હતું પણ બિંદુ આવી રીતે દોડીને અક્સ્માત કરી બેસશે તેવું નહોતું ધાર્યું. એનું મનોબળ તૂટતું જતું હતું. પોતાના સગા માણસોની ડૉક્ટરો કેમ ટ્રીટમેન્ટ નથી કરતા તે હવે તે સમજી શકતી હતી.

અર્ચનાના અને અંશના મનોમંથનો ચાલતા હતા. શેષ બંનેને સ્થિરતાથી જોતો હતો. બિંદુ ધીમે ધીમે હોશમાં આવતી જણાતી હતી. એણે પડખું બદલ્યું. ત્યાં શેષે ઊભા થઈને તેને પ્રેમથી પંપાળી. અંશ દૂર ઊભો ઊભો જોતો હતો.

બિંદુએ આંખ ખોલી. તેની નજર સામે શેષ ઉભો હતો… એના મનમાં સિંહાનો બિહામણો ડાયલોગ ચાલતો હતો. ફરીથી આંખ મીંચીને તે સૂઈ જતી હતી. ત્યાં અર્ચનાએ એની નાડી જોવા એનો હાથ પકડ્યો… એ સહેજ બી ગઈ. પછી ધીમે રહીને હસી !

અર્ચનાએ પૂછ્યું – ‘ ભાભી કેમ છો ?’

એણે ડોળા ચકળ વકળ ફેરવ્યા… શેષને જોયો… અંશને જોયો… અર્ચનાને જોઈ… એના મનોપટલ પર સિંહાની ધમકીને ન ગણકારતો શેષ… પછી એની પાછળ દોડતો શેષ દેખાતા હતા…

અર્ચનએ ફરી પૂછ્યું – ‘ભાભી કેમ છો ?’ બિંદુ તપ્ત થતી જણાતી હતી. – એનું મગજ સહુને ઓળખવાની કોશિશ કરી રહ્યું હતું…. ત્યાં એને બધું યાદ આવી ગયું – સિંહા અંશીને લઈ ગયો છે… અને એ રડતી હતી – લાભશંકરકાકા પણ પાછળ ગયા છે… એ મુંબઈમાં હતી… અને એકદમ ઊભી થઈ ગઈ…. – ‘અર્ચના, એ આવ્યા ?’

‘કોણ ભાભી ?’ ‘ અંશીને લઈને એ આવ્યા ?’

‘હા – આ ઊભા !’ શેષભાઈ તરફ ઇશારો કરતા અર્ચના બોલી.

‘એઈ… મારી અંશીને લાવ્યા ?’

અંશ ઊભો થયો અને ઢીંગલીની કરચો તેને બતાવી.

‘અંશભાઈ આ ઢીંગલીની કરચો કેમ બતાવો છો ?’

‘આ તો તમારી અંશી છે ને ?’

‘ના રે – આ તો ઢીંગલી છે. મારી અંશીને લેવા તો એ ગયા હતા ને? મુઓ પેલો સિંહા ઉપાડી ગયો હતો ને…?’

શેષની આંખમાંથી આંસુ ડોકાતા હતા…. અર્ચના જોઈ શકતી હતી કે બિંદુની વેદના કરતા આ વેદના ખૂબ મોટી હતી – ‘બિંદુ ! બિંદુ ! તારી અંશી તો ભગવાનને ત્યાં છે. તું એકલી જ મારે માટે બચી છે. આ ભાઈએ અને આ તારી દેરાણીએ તને જતનથી જાળવી છે. નહીંતર તું પણ મને અંશીની જેમ છોડીને ચાલી ગઈ હતી.-’

એના મનમાં હજી ખ્યાલ નહોતો આવતો કે શેષ શું બોલે છે. પણ એ રડતો હતો – તે એ જોઈ શકતી હતી – અને સ્થિત ભાવે તેણે પૂછ્યું – ‘અંશભાઈ અંશીને વાગ્યું છે ?’

અર્ચનાએ બાજી સંભાળી લીધી – ‘હા એ બાજુના વૉર્ડમાં છે. તમે સાજા થઈ જાઓ એટલે જોવા જઈશું. અત્યારે સુઇ જાવ.’

ફરીથી બિંદુભાભીને ઘેનમાં નાખી દઈને અર્ચના જ્યારે બહાર નીકળી ત્યારે એના હૃદયમાં ખૂબ આનંદ હતો. એની પેશન્ટ બચી ગઈ હતી. એની મહેનત સફળ નીવડી હતી.

અંશ અને શેષ પણ આનંદ અને શોકના મિશ્ર પ્રતિભાવો બતાવતા હતા.

‘અંશ ! મને કોંગ્રેચ્યુલેશન નહીં કહે ?’ – અર્ચનાએ પૂછ્યું – આનંદના અતિરેકમાં એ અર્ચનાના હાથને ચૂમી રહ્યો. શેષભાઈ દૂર ઊભા ઉભા તેમના મિલનને જોઈ રહ્યા હતા –

‘અર્ચના હું સોરી કહી દઉં … ?’

‘હા – તમે ભાવાવેશમાં કંઈક કહી બેસતા હતા. પરંતુ તે કુદરતી હતું.’

‘હા ખેર ! અભિનંદન !’

‘થેંક્સ ! અને હા. હજી બિંદુભાભી જે દિવસોમાં આ ઘટના બની હતી તે દિવસોમાં જીવે છે. લાભશંકરકાકા આવી શકે તેમ હોય તો તેમને બોલાવો. બે ત્રણ દિવસ હજી તેઓ મુંબઈમાં છે તેવો ભ્રમ ઊભો કરી રાખવો પડશે. આ છ મહિનાની જિંદગી તેઓ સંપૂર્ણ ભૂલી ગયા છે. યાદ અપાવડાવવું પડશે. અને એ છેલ્લો નાજુક વળાંક હશે.’

***

લાભશંકરકાકા આવ્યા. બિંદુ તેમને ઓળખી શકતી હતી. નાથુ પણ આનંદિત હતો. બિંદુની અંશી માટેની પૃચ્છા ચાલુ હતી. પરંતુ તેના માતૃત્વના ચિહ્નો સ્પષ્ટ થવા માંડ્યા હતા. અર્ચના વિચારતી હતી કે હવે બિંદુભાભીના બે વળાંકો જરૂરી છે. એક તો અંશીનું મૃત્યુ અને બીજું તેનું ગર્ભાધાન – બીજો વળાંક ખતરનાક છે. નજમાની જેમ કદાચ તેને આત્મહત્યા તરફ પણ દોરી જાય. તે દિવસે સાંજે અંશને પૂછ્યું –

-‘અંશ !’

‘હં..!’

‘ડૉક્ટર તરીકે હું એક નિર્ણય કરવા માંગું છું પતિ તરીકે તું સહકાર આપીશ ?’

‘શું ?’

‘મારે બિંદુભાભીની સુવાવડ પહેલા મા નથી બનવું…’

‘કેમ અચાનક આ વિચાર પરિવર્તન ?’

‘બિંદુભાભી માટે આ માતૃત્વ એક પ્રશ્નાર્થ ચિહ્ન બનશે. અને જે ક્ષણે તેઓ જાણશે કે આ ગર્ભાધાન તેમના ગાંડપણથી તારા લીધે થયું છે ત્યારે એ આત્મગ્લાનિથી ભરાઈને કોઈક અજુગતું પગલું ન લઈ બેસે તે માટે મારે તેમને સમજાવવા પડશે. કે એ પગલું ગેરવ્યાજબી ભલે હતું પરંતુ કૌટુંબિક દ્રષ્ટિએ, તબીબીકીય દ્રષ્ટિએ અને સામાજિક દ્રષ્ટિએ યોગ્ય છે.’

‘પણ એ તો એમને એમ પણ સમજાવી શકાય તેમાં તું કેમ આમ નિર્ણય બદલે છે ?’

‘કારણ સ્પષ્ટ છે. મારું સમાંતર માતૃત્વ તેમને સતત રીતે કશુંક છીનવી લીધાની લઘુતા ગ્રંથિથી પ્રેરશે.’

‘હં તો તેનો પ્રત્યુત્તર શું હોય… ?’

‘નાનકડું જૂઠ – જે ક્ષમતા શેષભાઈમાં નથી તે હું પણ ધરાવતી નથી – અને કુટુંબનું વંશજ જરૂરી છે…. જે તમે સજોગોવશાત મેળવી લીધું છે.’

‘કંઈક અજુગતી વાત લાગે છે. પણ તું સાચી પડે છે તેથી ભલે – ડૉક્ટર તરીકે જરૂર કો-ઓપરેટ કરીશ.’

‘તો તારી રજાથી ગર્ભનિરોધક દવા લઉં ?’

‘એટલે ?’

‘એટલે…. સ્પષ્ટ છે. મેં પણ માતૃત્વ ધારણ કરી લીધું છે.’

‘ઓહ … નો… અર્ચી… નો… ’

‘અંશ આ જરૂરી છે.’

‘No… Archana… no… I won’t allow you to do so. હું તને એમ નહીં કરવા દઉં.’

‘ભલે વિચારીને શાંતિથી કહેજે. ’