પુનરાવર્તન ANISH CHAMADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુનરાવર્તન

પુનરાવર્તન

ANISH-CHAMADIYA

પ્રોજેકટ સબમિટ કરવાને ૧ દિવસ બાકી હતો. અને આજે રવિવાર એટલે બધા સાઇબર કાફે પણ બંધ હોય, હવે શું કરવું...? એજ વિચારમાં જયદીપ બેઠો હતો. એણે કાર્તિકને દુર થી જ પોતાની તરફ આવતા જોયો. તેના ચેહરા પર સ્મિત આવી ગયું. તે મનોમન વિચારવા લાગ્યો કે લાવને કાર્તિકની પાસેથી જ લેપટોપ માંગી લવ. મારો પ્રોજેકટ પણ પુરો થઈ જશે અને બદલામાં હું કાર્તિકને તેના પ્રોજેકટમાં મદદ પણ કરી દઇશ.

" શું કરે છે જયદીપ, પ્રોજેકટ તૈયાર થઈ ગયો તારો...?"

" ના, યાર બાકી છે અને આજે રવિવાર છે તો બધા સાઇબર કાફે પણ બંધ છે..." થોડું વિચારીને ફરી જયદીપ બોલ્યો " તારું લેપટોપ મળશે કાર્તિક...? હું તારા પ્રોજેકટમાં પણ તને મદદ કરી દઇશ...."

" મારો પ્રોજેકટ તો મારી બહેને જ સબમિટ કરી દીધો છે, અને તે મામાના ઘરે ગઈ છે તો લેપટોપ સાથે લેતી ગઈ છે..."

જયદીપના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ. તે ફરી વિચારોમાં સરી પડ્યો. બધા છોકરાઓ પાસે પોતાની ગાડી અને લેપટોપ છે, પણ મારી પાસે નથી, ક્યાં સુધી આમ બીજા પાસે વસ્તુ માંગતો રહું...? આ વખતે તો પપ્પાને કેહવું છે કે મને લેપટોપ અપાવો.

***

" ઓહ,, આ રિક્ષાને ચાલુ કરવામાં જ મારી છાતી દુખી જાય છે વર્ષા, અને હવે ઉંમર પણ થઈ, ક્યારે હું નવી રિક્ષા લઇશ...?" સવારમાં રિક્ષાને તીસેક કીક મારતા હાફતા હાફતા દીલીપે તેની પત્નીને કહ્યું.

" એક મહિનાની વાર છે, બસ ! પોસ્ટની ૫૫૦૦૦ ની એફ.ડી પાકે એટલે તમે નવી રિક્ષા લઈ લેજો..." વર્ષા એ કહ્યું.

" હા, પણ એના માટે તો જયદીપ પણ લેપટોપની જીદ કરીને બેઠો છે, લેપટોપ પણ લેવું જરૂરી છે..." દિલીપે કહ્યું.

" જયદીપને હું સમજાવીશ કે તે આવતા વર્ષે લેપટોપ લેવાનું રાખે..." વર્ષા બોલી.

" ના, ના તું કઈ નહીં કહેતી, તેની કોલેજમાં દરેક છોકરા મોંઘી મોંઘી ગાડીઓ અને લેપટોપ લઈને આવે છે, સમય પ્રમાણે તેને લેપટોપ અપાવવું જરૂરી છે..." વર્ષાને સમજાવતા દિલીપે કહ્યું.

" એ બધા પૈસાવાળા છે, તેઓ મોંઘી મોંઘી ગાડીઓ અને લેપટોપ ખરીદી શકે અને આપણે અહિયાં ઘર માંડમાંડ ચલાવતા હોય, એક સાંધીયે ત્યાં તેર તૂટતાં હોય, તેમાં આવા ખર્ચા આપણને ના પોસાય, તમે કશું બોલશો નહીં, હું જયદીપને સમજવીશ અને તે સમજી પણ જશે..." વર્ષા એ કહ્યું.

***

" જયદીપ આજે તું તારા પપ્પા સાથે બેન્કમાં જજે, એફ.ડી પાકી ગઈ છે તેના રૂપિયા લેવા જવાનું છે અને પછી તારા પપ્પા માટે તે રૂપિયાથી ડાઉન-પેમેન્ટ ભરીને હપ્તા પર નવી રિક્ષા લેવાની છે..."

" મારા લેપટોપ નું શું...?" જયદીપ બોલ્યો.

" બેટા તું લેપટોપ આવતા વર્ષે લઈ લેજે, તારા પપ્પા ને રિક્ષા ની રોજ કીકો મારવી પડે છે, તેમને છાતીમાં દુખવા આવે છે, અત્યારે લેપટોપ કરતાં રિક્ષા લેવી વધારે જરૂરી છે..." વર્ષા સમજાવતા બોલી. પણ જયદીપ ના માન્યો અને લેપટોપ લેવાની જીદ પકડીને બેસી ગયો. વર્ષા એ બહુ સમજાવ્યો પણ તે એક નો બે ના થયો.

થોડીવાર પછી દિલીપ અને જયદીપ બેન્ક પર જવા નીકળ્યા. બેન્ક માથી રૂપિયા ઉપાડીને બહાર આવ્યા કે જયદીપ બોલ્યો " પપ્પા મારે લેપટોપ જ જોઈએ..."

" સારું, બેટા તું લેપટોપ લઈ લે, હું અત્યારે રિક્ષા ને રીપેર કરાવીને ચલાવી લઇશ...".

બંન્ને કોમ્પ્યુટર ની દુકાન પર ગયા, ત્યાથી ડેલ કંપની નું લેપટોપ લીધું અને ઘરે આવ્યા. જયદીપ ના હાથમાં લેપટોપ જોઈને વર્ષા ગુસ્સામાં બોલી " તને કહ્યું હતું કે તું લેપટોપ આવતા વર્ષે લેજે, તો પછી કેમ ના માન્યો..."

" કોલેજ માં બધા પાસે લેપટોપ છે મારા સિવાય, ક્યાં સુધી હું બધા પાસે ભીખ માંગતો રહું..."

" બધા પાસે હોય એટલે આપણે પણ લેવું જરૂરી છે...? તે બધા ના પિતા પૈસાવાળા છે, તારા પિતા પાસે એટલો પૈસો નથી.."

" તો એ મારી ભુલ છે...?"

જયદીપ ના એક એક શબ્દો તીર ની જેમ ખુચી રહ્યા હતા. દિલીપ ખુણા માં બેઠો બેઠો માં-બેટા ની તકરાર સાંભળી રહ્યો હતો. જ્યારે જયદીપ બોલ્યો કે "જો તમે મારી જરૂરિયાત પૂરી નથી કરી શકતા તો મને જન્મ શું કામ આપ્યો..?" આ શબ્દો સાંભળતા જ દિલિપને આઘાત લાગ્યો અને તેની છાતીમાં દુખાવો શરૂ થયો, અચાનક તે ઢડી પડ્યો, દવાખાને પોહચે તે પેહલા જ તેણે દમ તોડી દીધો.

પિતાના આ રીતે થયેલ મૃત્યુના લીધે જયદીપ ભાંગી પડ્યો, તે પિતા ના મૃત્યુ માટે પોતાને જવાબદાર સમજતો હતો, તેની જિદે તેના પિતાનો ભોગ લીધો એ વાત તેના મનમાં ઘર કરી ગઈ. તેને અધવચ્ચે જ ભણતર મૂકવું પડ્યું. ઘરની જવાબદારી હવે જયદીપ પર હતી. તે નોકરીની તલાશમાં લાગી ગયો. પણ આજના સમયમાં નોકરી મેળવવી એટલે લોઢાંના ચણા ચાવવા જેટલું મુશ્કેલ કામ હતું. હારી થાકીને તેણે પોતાના પિતાની જેમ રિક્ષા ચલાવવાનું નક્કી કર્યું.

ધીરે ધીરે સમય વિતતો ગયો. જયદીપ ના સ્વાતિ સાથે લગ્ન થયા. બંને એકબીજા સાથે ખુશ હતા. આમને આમ થોડા વર્ષો વીતી ગયા. જયદીપના ઘરે પારણું બંધાણું. સ્વાતિ એ દેખાવે પોતાની જેમ સુંદર અને જયદીપ જેવા નાક-નકશા વાળા બાળકને જન્મ આપ્યો. ઘરમાં ખુશી છવાઈ ગઈ. બાળકનું નામ આકાશ રાખવામા આવ્યું. જયદીપ જ્યારે સાંજે આવે ત્યારે આકાશ સાથે થોડો સમય વિતાવે એટલે તેનો બધો થાક ઉતરી જતો. હવે તેણે એક ટેક્ષી લઈ લીધી હતી. જયદીપની મમ્મી વર્ષાનો આખો દિવસ આકાશ પાછળ જતો રહેતો અને સ્વાતિ નો ઘરના કામ માં.

***

આકાશનું આજે ૧૨ માં ધોરણનું પરિણામ આવવાનું હતું. વર્ષાબહેન અને સ્વાતિ...! આકાશની રાહ જોઈને બેઠા હતા. આકાશે ઘરે આવીને પરિણામ પત્રક તેની માતાના હાથ માં મુક્યું તે ૯૦% ની સાથે પોતાની શાળામાં પ્રથમ નંબરે આવેલ. તેણે બી.બી.એ કરવાનું વિચારેલ. તે તેના પિતાની સાથે કોલેજમાં એડમિશન લેવા ગયો. કોલેજમાં પગ મુક્તા જ જયદીપની સામે જૂની યાદો તાજી થવા લાગી, આજ કોલેજમાં તે અભ્યાસ કરતો અને પોતાની લેપટોપની જીદના લીધેજ તેના પિતાને હાર્ટ-અટેક આવેલો એ વાતનો આજપણ તેને વસવસો હતો. તેની આંખો નમ થઈ ગઈ. આકાશની કોલેજ ફી ભરવા માટે તેણે બેન્ક માંથી લોન લીધી. અને તે લોનના હપ્તા ભરવા તે રાત-દિવસ ટેક્ષી ચલાવતો.

તેના પિતાના મૃત્યુ થયા પછી તેણે મેહનત કરીને જે થોડા-ઘણા પૈસા ભેગા કરેલા તેની તેણે એફ.ડી કરાવી હતી જે આજે પાકવાની હતી. સવારમાં જયદીપ બેન્ક પર જઈને પાકેલી એફ.ડી ના રૂપિયા ઉપાડીને આકાશ માટે એક લેપટોપ ખરીદીને ઘરે આવ્યો. સ્વાતિ પણ જયદીપના આ નિર્ણય થી ખુશ હતી. જ્યારે સાંજે આકાશ ઘરે આવ્યો તો સ્વાતિ તેને લેપટોપ આપતા બોલી " આ તારા પિતા તારા માટે લાવ્યા છે..."

"મમ્મી મારે અત્યારે લેપટોપની જરૂર નથી, હું મારા પ્રોજેકટ સાઇબર કાફેમાં જઈને પૂરા કરી લઇશ, લેપટોપ કરતાં વધારે જરૂર લોનના હપ્તા પુરા કરવાની છે, જેથી પપ્પાને રાત-દિવસ ગાડી ના ચલાવવી પડે.."

આકાશની વાત સાંભળીને જયદીપની આંખો માંથી આસુ વહેવા લાગ્યા, જૂની વાતો આંખો સામે તરવા લાગી. તે તેની માતા વર્ષાબહેનના ખોળામાં માથું નાખીને રોતા રોતા બોલ્યો " પુનરાવર્તન થાય છે એ સાંભળ્યુ છે પણ આ રૂપ માં..? એ નોહતુ વિચાર્યું. એ સમયે જો હું આકાશની જેમ સમજી શકયો હોત તો આજે પપ્પા જીવતા હોત, મારી નાદાની અને જિદના કારણે પપ્પાએ એમનો જીવ ગુમાવ્યો..."

વર્ષાબહેન ની આંખો પણ નમ હતી તે બોલ્યા " રો નહીં બેટા, તે આજે સાબિત કરી દીધું કે તું એક સારો પિતા છો.."

" હું સારો પિતા તો છું, પણ હું સારો પુત્ર ના બની શક્યો 'માં' જેનો મને જિંદગીભર વસવસો રેહશે..."

સમાપ્ત