અપેક્ષા - Part 1 Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અપેક્ષા - Part 1

અપેક્ષા ( ૧)

દોસ્તો, હું તમને લઈ જાઉં છું રેલ્વે સ્ટેશન પર. જેને આતુરતાનું જંકશન કહીએ તો ચાલે. આ સ્ટેશન એટલે મુંબઈનું સી. એસ. ટી. પ્લેટફ઼ોર્મ ૧૨ ઉપર એક નાનું ટોળું બધાથી અલગ તરી આવે એમ ઊભું છે. કોઈકના હાથમાં હારતોરા, કોઈકનાં હાથમાં કંકાવટી તો કોઈકનાં હાથમાં કેમેરો. વારેઘડીએ મોબાઈલની રીંગ રણકતી હોય છે. જવાબ એક જ .. " ટ્રેન ૧૫ થી ૨૦ મિનિટ લેટ છે. " છ ફૂટ ઊંચા, કાળી ટોપી, ડગલામાં સજ્જ એવા કાન્તીલાલ શેઠ ઊભા છે. એમના ચહેરા પર ફરી વળી છે પુત્રને જોવાની અધીરાઈ. ત્યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોતાં જ ગુસ્સાથી બોલી ઊઠ્યાં, " હા બોલ, .. શું છે? તને કહ્યું ને કે ટ્રેન આવશે

એટલે ફોન કરીશ. જરીયે ધરપત નથી. " " યુ. એસ. એ. થી સીધા આવવાને બદલે .. . " બબડતાં ફોન ખિસ્સામાં મૂક્યો. ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું, " ટ્રેન આવી રહી છે. " સૌનાં ચહેરા પર આનંદની રેખા ફરી વળી.

ટ્રેન ઘીમી ગતિએ ઊભી રહી. થોડી ક્ષણોમાં કંપાર્ટ્મેન્ટ ખાલી થઈ ગયું. પણ આકાશને ન જોતાં સૌનાં પેટમાં ફાળ પડી.

" આકાશ કેમ દેખાતો નથી?" કાન્તીલાલ ઊકળી ઊઠ્યાં.

" બાપુજી, હું અંદર જોઈ આવું?’ મોટા પુત્ર ક્રુષ્ણકાંતએ પૂછ્યૂં.

" અહીં જ ઊભો રહે. અંદર જઈ તું શું કરીશ?"

" ક્રુષ્ણ્કાંતની પત્નીએ હસતાં હસતાં કહ્યું, અંદર જઈને શું કરશો? આવ્યા હોત તો ટ્રેન ઊભી રહે એ પહેલાં જ કૂદીને સૌ પ્રથમ મારાં પગ પૂજત!"

" વહુ બેટા વધુ પડતો હરખ ના કરો.. ક્રુષ્ણ્કાંત તું આગળ જા, અને મોના તું પેલી તરફ જા.. "

" કોઈ એ ક્યાંય જવાની જરુર નથી.. . " કહેતાં આકાશ કૂદકો મારી પિતાને પગે લાગ્યો. ભાભી સામે આંખ મીચકારી.

" અત્યાર સુધી શું કરતાં હતાં અંદર દિયરજી? હસતાં હસતાં મોનાએ પૂછ્યૂં .

" ભાભી ફ્રેશ થવા ગયો હતો ફ્રેશ સમજ્યાં ? અને હં ક્યાં લેટ પડ્યો છું !"

" ના ભાઈ ના તમે ક્યાં લેટ પડ્યાં છો.. ટ્રેન આવ્યાં ને ફક્ત છ મિનિટ થઈ .. અને આ છ મિનિટે અમારા સૌનાં જીવ અધ્ધર કરી નાખ્યાં!"

મોનાની આંખ સામે ફરી વળ્યું સંસ્મરણનું ધુમ્મસિયું વાદળ. જ્યારે જ્યારે અપેક્ષા આકાશ ને મળવા આવે ત્યારે આકાશ ટહુકી ઊઠે " ભાભી, ફ્રેશ થઈને આવું છું હોં કે?"

આ અપેક્ષા એટલે, કાન્તીલાલ શેઠ જ્યારે ભુલેશ્વરની દસબાયદસની ઓરડીમાં રહેતાં હતાં તે વખતનાં પડોશી જીવાભાઈની દીકરી. આકાશ- અપેક્ષાની જોડી સૌનાં આખોમાં ચર્ચાનો વિષય.. ત્યારબાદ ચડતી થતાં કાન્તીભાઈ થઈ ગયાં કાન્તીલાલ શેઠ!.

વાલકેશ્વરમાં સુંદર મઝાનો બંગલો લીધો. જૂના પાડોશી સાથેનો અણગમો હ્ર્દયમાં લાવાની જેમ ઉછળતો. પરંતુ અપેક્ષા વાર તહેવારે આકાશને મળવા જરુર આવતી.

" ચાલો ચાલો જલ્દી કરો, ઘરે સૌ રાહ જોઈ રહ્યાં છે. " કાન્તીલાલે હર્ષાવેશમાં કહ્યું, " તારી મા નો દસ મિનિટમાં પચાસવાર ફોન આવી ગયો. "

" એક મિનિટ ભાઈ.. એક મિનિટ" નાં કોલાહલમા ચાંદલો, હારતોરા, ફોટાની વિધિ પતી ગઈ. સૌનાં ચહેરા પર ઉપર ઉત્સાહ હતો સિવાય આકાશ!

આકાશ આમતેમ નજર ફેરવતો હતો, જાણે કરી રહ્યો ના હોય ઈંતજાર! આ વાત એનાં ભાભીથી છાની ના રહી.

" દિયરજી, ક્યાં ભટકી રહી છે તમારી નજર?"

" જાનતે હો ફિર ભી ભાભીજી નમક ક્યું છીંડક રહે હો.. ?"

" નમક છીંડકે તમારા દુશ્મન .. તમારા દિલનો અંદાજ અમને શી રીતે આવે?"

" ભાભી, તમે છો મદારી અને હું છું બંદર .. સમજ્યાં કે?"

" આ શાની ગપસપ ચાલી રહી છે?" ક્રુષ્ણકાંતે ધીમેથી પૂછ્યું.

" આપસની વાત છે. વર્ષો પછી મળ્યાં છે દિયરજી.. જરા ફિલ્મ ઉતારું ને?"

" ફિલ્મ જરુર ઉતારો પણ હિરોઈનની ખોટ છે એનું શું?"

" એ પણ આવી જશે.. "

" ભાભી સાચું કહેજો તમે અપેક્ષાને જણાવ્યું હતું કે નહીં?"

" ઈંતજાર કરો.. "

"ભાભી એ ઈંતજાર મને અહીં સુધી ખેંચી લાવ્યો છે. પણ તમે મારાં સવાલનો જવાબ ના આપ્યો?"

આકાશની નજરમાં ફરી વળી અપેક્ષા. રુમઝુ રુમઝુમ કરતી જાણે આવી રહી ના હોય.. આકાશનું મન કહેતું જરુર આવશે.. જરુર આવશે.

" ભાભી તમે ચૂપ કેમ છો?"

" ના અપેક્ષા ને ખબર નથી. ફોન કર્યો હતો પણ લાગતો ન હતો. નંબર કદચ બદલાઈ ગયો હશે. છેલ્લાં છ મહિનાથી તે મળી પણ નથી. જૂના ઘરે તેઓ રહેતાં પણ નથી. "

" ઓહ માય ગોડ! પણ તમારી પાસે નંબર હતો ને?"

" મારી પણ એ જ પોઝીશન છે. "

" આકાશે હોઠ ભીડ્યાં. " છટ્ર " કહેતાં કપાળે હાથ મૂક્યો.

" એ પણ એવી છે કે છેલ્લી ઘડીએ આવશે. હંમેશા લેટ પડતી હોય છે. હાથે કરીને મને સતાવવામાં મઝા આવતી હોય છે એને. જાણે કોઈ સરપ્રાઈઝ આપવા માંગતી ન હોય?" આકાશ મનોમન બબડતો રહ્યો.

" આકાશ દીકરા .. કોની રાહ જોઈ રહ્યો છે? ચાલ, ગાડીમાં બેસ હવે.. "

" પપ્પા એક મિનિટ પ્લીઝ. "

" પણ હવે કોણ આવવાનું છે ? શું કોઈ મહારાણી આવવાની છે?"

" હા પપ્પા.. " આકાશે ગુસ્સાથી કહ્યું.

" બાપુજી તમે બેસી જાવ, અમે બીજી ગાડીમાં આવીએ છીએ. "

" ભાભી, જરા, અહીં આવો તો.. " આકાશે ઘીમેથી કહ્યું, " જુઓ તો પેલું કોણ છે?"

મોનાએ તે તરફ દષ્ટિ કરી. ઝાંખી ઝાંખી તસ્વીર સ્પષ્ટ થવા લાગી. મોનાનાં હ્ર્દયાનાં ધબકારાં વધી ગયાં. શિયાળાની મોસમમાં ફરી વળ્યાં પરસેવાનાં ઝીણાં ઝીણાં બુંદ!

" આ તો અપેક્ષા છે ! હવે આવી બન્યું!" મોનાથી એક નિસાસો નંખાઈ ગયો.

" શું થયું ભાભી?"

" હં.. કશું નહિ.. હા, હા તે અપેક્ષા જ છે. "

ચાર વર્ષની જુદાઈ આકાશની આસપાસ ફરી વળી. અપેક્ષાએ જ આકાશને કહ્યું હતું, " આકાશ લાવ તારો ચહેરો .. આ મારી બે હથેળીમાં ઝીલી લઉં. તારો ચહેરો એટલે ગુલાબનું ફૂલ અને મારી બે હથેળી પાન બનીને કરશે તારા ચહેરાનું રક્ષણ અને આપશે એક અનોખી શોભા. "

" આપણા બે અધરો વચ્ચેનું અંતર જરુર ઓગાળી નાખજે જ્યારે તું પાછો આવે ત્યારે. મારી આંખમાં આંખ પરોવી કહે તું પાછો આવીશ ત્યારે તારા હ્ર્દયમાં મારું અસ્તિત્વ સમાવી લઈશને? પ્રથમ પગલું મુંબઈની ધરતી ઉપર પાડીશ ત્યારે તારી સાથે મારા સિવાય બીજું કોઈ નહીં હોય.. બીજું કોઈ નહીં હોય.. . વચન આપ આકાશ .. મને વચન આપ.. "

" હું વચન આપું છું , મારા જીવનમાં તું જ હશે.. માત્ર તું જ હશે .. તું પણ મારો ઈંતજાર કરજે . મારો ઈંતજાર ખાટો કે ખારો ના કરીશ. "

ક્યાંય સુધી બંને જણ મૌનના સાગરમાં આવનારા ભવિષ્યમાં ઉછળતાં મોજાની જેમ હિલોળાં લેતાં રહ્યાં .

" આકાશ , , " અપેક્ષા એની લગોલગ આવીને બોલી.

" હં.. . હાય અપેક્ષા , કેટલી રાહ જોવ.. ડા.. "

" હું જાણું છું " વચ્ચેથી જ અપેક્ષાએ કહ્યું.

" કેમ છે " કહેતાં આકાશે હાથ લંબાવ્યો. પણ તે એક ડગલું પાછળ હટી ગઈ. પાર્સમાંથી કાઢી એક કવર આપ્યું

" આ શું છે ?" અધીરાઈથી આકાશે પૂછ્યું.

" મારું વેડીંગ કાર્ડ.. "

" વેડીંગ કાર્ડ?"

"હા. મારાં લગ્નમાં જરુર આવજે.. "

" અ.. પે ક્ષા " આકાશ ચીસ પાડી ઊઠ્યો. એ ચીસ અપેક્ષાનાં કાળજાને ચીરી જાય એ પહેલાં અપેક્ષા ત્યાંથી નદીમાં આવેલાં પૂરની જેમ દૂર નીકળી ચૂકી હતી.

" ભાભી આ શું થઈ ગયું.. ? કહેતાં આકાશ મોનાનાં ખભા પર ઢળી પડ્યો.

***

પ્રકરણ ૨

ચારે બાજુ હોય વસંત અને આપણાં ઘરમાં હોય પાનખર ત્યારે યાદ આવી જાય છે કુદરત! આવું જ વાતાવરણ વાલકેશ્વર પર આવેલાં અમ્રુત

કુંજમાં છવાઈ ગયું હતું. બંગલામાં વગર બોલવ્યે ઉત્સવ છવાઈ ગયો હતો; પરંતુ આકાશની રુમમાં છવાઈ ગઈ હતી ગમગીની છાયા! રિસામણાં, મનામણાં માં દિવસો વીતતાં ગયાં, પણ આકાશનો ગુસ્સો લાવાની જેમ ધગધગતો રહ્યો. કાન્તીલાલ ધુઆપુઆ થઈ ગયાં હતા. મા આંસુ સારતી હતી, પણ આકાશ એની રુમમાં ભરાઈને બેઠો હતો. સગાવહાલાં, ઓળખીતા પારખીતા સૌ આવતાં હરખ કરાવવાં, પણ આકાશ, " તબિયત ઠીક નથી " કહી રુમમાં પડ્યો રહેતો.

" દિયરજી, આવું કે?" મોનાએ પ્રવેશ કર્યો. આકાશ તરફથી ધાર્યા મુજબ કશો પ્રતિભાવ ના મળ્યો. બસ એ જોતો રહ્યો મોનાને.. એકઅજનબીની જેમ!

" કંઈક બોલો તો ખરાં. ? બધાનાં ઉત્સાહ પર પાણી ફરી વળ્યું છે તમારા આવા વર્તનથી. સાવ હજી તમે એવા ને એવા રહ્યાં જસ્ટ લાઈક એ ચાઈલ્ડ! મને એમ કે અમેરિકા જઈ આવ્યા છો તો તમે બોલ્ડ થયા હશો પણ, , તમે એક ટીપીકલ દેવદાસની જેમ વર્તી રહ્યાં છો! મેં તમારા તરફથી આવી આશા રાખી ન હતી. "

એકઝેટલી, ભાભી એકઝેટલી! મેં પણ તમારા તરફથી આવી આશા નહોતી રાખી ન હતી સમજ્યાં ? મને જરા પણ ગંધઆવવા દીધી. ટેલીફોનમાં તમે એક જ વાક્ય બોલતાં હતાં અપેક્ષા ભૂખી નથી તરસી નથી , અપેક્ષા સ્વપ્ન સરોવરની પાળે , આંબાની ડાળીએ ઝૂલે છે , ઝૂલતી ખેલતી તારી પ્રતીક્ષા કરી રહી છે કેમ ખરું ને? બોલો ભાભી.. બોલો.. મને અહીં શું મળ્યું? શું મળ્યું ?"

" દિયરજી એમાં મેં ખોટું શું કહ્યું છે?"

" તો આજે શું એ સાચું છે ? "

" મને કશી જ ખબર નથી.. શું થઈ ગયું અને કેમ થઈ ગયું?"

" ઔર એક સફ઼ેદ જૂઠ! ભાભી તમે હવે તો નૌટંકી કરવા લાગ્યા છો. "

" આ .. કાશ " મોનાનો સ્વર ફાટી ગયો. ક્યાંય સુધી તે ચૂપ રહી. ઘણુંબઘું કહેવું હતું પણ મોનાએ હોઠ સીવી લીઘા હતાં, જોતી રહી આકાશને એકીટશે.

" અચ્છા મેં તમને છેતરી છે કેમ ખરું ને? " થોડી ક્ષણો મૌન છવાઈ ગયું.

" તમારે જે સજા મને કરવી હોય તે કરો. "

" હું સજા કરવાવાળો કોણ? સજા તો હું ભોગવી રહ્યો છું તમારા પર વિશ્વાસ કરીને!"

" ભાભી, સાચું કહેજો તમને કશી જ ખબર ન હતી અપેક્ષા અંગેની?"

" અપેક્ષા, અપેક્ષા, અપેક્ષા .. બસ કરો હવે. એકનું એક ગાણું. જરા વાસ્તવિકતા સ્વીકારો . "

આકાશ બારી બહાર જોવા લાગ્યો. જ્યાંથી દેખાતો હતો સફેદ દૂધ જેવો ઉછાળા મારતો સાગર, મોના તેની પાસે ગઈ. હાથ પકડી પલંગ પર બેસાડ્યો. દૂધનો ગ્લાસ ધર્યો , પણ તેને મો, ફેરવી લીધું,

" કહેતાં હો તો તમારે પગે પડું.. પણ એક ગ્લાસ દૂધનો પી લો. ચારચાર દિવસ થયાં , અન્નનો દાણો કોઈએ મોં માં નથી નાખ્યો કોઈએ.. " કહેતાં મોના રડી પડી. તે જાણતો હતો કે ભાભી જરુર ભૂખ્યાં રહ્યાં હશે. તે જરા ઠંડો પડ્યો.

" ભાભી, આ દૂઘ તમારા કાજે પી લાઉં છું, બાકી.. "

" બાકીનું રાખો બાકી.. " રડમસ અવાજે વહાલથી કહ્યું. તેનું માથું ખોળામાં લઈ પંપાળવા લાગી, ત્યારે આકાશ નાના બાળકની જેમ ચોધાર આંસુ એ રડતો રહ્યો.

" મારી એક વાત માનશો? પ્લીઝ , મારા કાજે.. વાત કહું કે?"

" અપેક્ષા વગરની એક પણ વાત નહીં ભાભી.. "

" પપ્પાએ પાર્ટી રાખી છે પરમ દિવસે. તમારે તૈયાર થઈને આવવાનું છે સમજ્યાં કે?"

" બિલકુલ નહીં, મને બિલકુલ રસ નથી. નો મૂડ એટ ઓલ.. "

"ફરી પાછું વટક્યું?" મોના એ પાકીટમાંથી એક કવર કાઢ્યું અને કહ્યું, " આ કવર છે અપેક્ષાનું .. . બોલો હવે.. ?"

આકાશ મૌન રહ્યો.

" શું વિચારી રહ્યાં છો ? બોલો ? છે સોદો મંજૂર ?"

" ભાભી, આ તો તમે બ્લેકમેલ કરી રહ્યાં છો.. "

" તમારે જે માનવું હોય તે માનો.. પાર્ટીમાં આવવાનું છે , રિસ્પોન્સ આપવાનો છે, દેવદાસ બનીને નહીં પણ રાજકુમાર થઈને!"

" જોઈશું. "

" એટલે પાકું કેમ ખરું ને? ખાવ મારા સમ.. "

" નો સમબમ. તમે ખુશ થતાં હો તો જ્યાં કહેશો ત્યાં કૂદવા તૈયાર છું પણ શરત એટલી કે મારી આઈડેન્ટીને આંચ ના આવવી જોઈએ , પણ તો આપો. "

" બહુ, અધીરા થઈ ગયા છો દિયરજી! અને તમારી આઈડેન્ટી પર સવાર થવાનું અમારું ગજું પણ નથી સમજ્યાં?"

" ભાભી, તમને ખોટું લાગ્યું કે?"

" ઓ, કે. દિયરજી, આ લો કવર તમારું . " કહી તે સડસડાટ ત્યાંથી નીકળી ગઈ.

આકાશ ક્યાંય સુધી કવર જોતો રહ્યો. ઊભો થઈ દરવાજો બંધ કરી , કાગળ વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં એની ચારે બાજુ અક્ષરો ફરી વળ્યાં એક ચલચિત્રની જેમ.. .. .

***

" છોકરી મોટી થતી જાય છે કંઈ ચિંતા છે કે નહીં.. " જીવાભાઈની પત્નીએ કહ્યું.

" શું સમાચાર લાવ્યાં છો?" હસતાં હસતાં જીવાભાઈએ પૂછ્યું.

" બે ચાર ઘરેથી માગાં આવ્યાં છે. "

" ઘરબાર સારું હોય, છોકરાછોકરી રાજી થાય તો કરી નાખીએ કંકુનાં. "

"એમાં છોરા છોરી ને શું પૂછવાનું?"

" અરે તું ગાંડી થઈ છે કે શું? આ આપણો જમાનો નથી. "

ત્યાં અપેક્ષા આવી. જીવાભાઈની પત્નીએ ઈશારો કર્યો.

" બેટા, બેસ તારાં લગ્ન માટે માગાં આવે છે. એકાદો છોકરો જોઈલે. પસંદ પડે તો.. "

" બાપુજી, એકાદ વરસ પછી , હમણાં નહીં. "

" છોકરાંઓ જોતાં જોતાં વરસ નીકળતાં વાર પણ નહીં લાગે. જો તે કોઈ ગોતી રાખ્યો હોય તો.. "

અપેક્ષા ચૂપ રહી, પણ જીવાભાઈની પત્ની બોલી ઊઠી, " પેલાં આકાશનાં સ્વપ્નાં જોતી હોય તો ભીંત ભૂલે છે. આપણી અને એમની સરખામણી ના થાય . "

" જો, બેટા નાનપણમાં સાથે હરીફરીએ એ અલગ વાત છે. અને ઘર સંસાર માંડવો એ અલગ વાત છે, કાન્તીલાલ શેઠ કરોડપતિ કહેવાય અને તારો બાપ .. .

એની તોલે ના આવે.. . ખોટાં ખ્યાલોમાં રમવાનું છોડી દે, , "

અપેક્ષાએ જીવાભાઈની વાત સાંભળી ના સાંભળી, અંદર જતી રહી. ત્યાં જ જીવાભાઈને પરિચીત અવાજ સંભળાયો.

" શું જિવાભાઈ, આવું કે?"

" કોણ? અરે કાન્તીલાલ શેઠ તમે આ બાજુ? આવો આવો. "

" કેમ ચાલે છે.. "

" ચાલ્યા કરે છે સાહેબ , ઈશ્વરની દયાથી. પણ તમે આ બાજુ?"

" હા જીવાભાઈ. આ બાજુ નીકળ્યો હતો, થયું લાવ જરા મળતો જાઉં.. "

" આવો આવો . "

" જુઓ ભાઈ, ખરાબ ના લગાડતા . પણ એક વાત મારા કાને આવી છે કે તમારી છોડીનો ડોળો મારા દીકરા પર છે. તમે સમજી ગયા હશો કે હુ શું કહેવા માગું છું. "

" હોય નહીં શેઠ. તમે ક્યાં ને અમે ક્યાં.. "

" પણ આ વાત તમારી છોડીને સમજાવો તો સારું. ચાલો ત્યારે હું રજા લઉં.

અપેક્ષા અંદરની રુમમાં ઊભી ઊભી આ બધું સાંભળતી હતી. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. અપેક્ષાએ આવીને પથ્થર જેવું સખત મૌન તોડ્યું.

" બાપુજી, તમે ચિંતા ના કરો. તમને કોઈ બે શબ્દ કહી જાય એ હું સહન ના કરી શકું. તમારી ઈચ્છાને માન આપીશ. " કહી તે અંદર જતી રહી.

***

ત્યાં તો દરવાજો ખટખટ્યો. આકાશ નો દષ્ટિભંગ થયો. તેણે ઊભા થઈને દરવાજો ખોલ્યો. સામે મોના ઊભી હતી. મલકાતાં મલકાતાં પૂછ્યું,

" કેમ વાંચી લીઘો પ્રેમપત્ર?"

" પ્રેમપત્ર નહીં, દાહ પત્ર છે. ઓહ છટ , ભાભી, માફ કરજો. તમને ના કહેવાનાં વેણ કહ્યાં. તમે એનાથી બંધાયાં હતાં કેમ ખરું ને?"

" ચાલો ગઈ ગૂજરી ભૂલી જાવ . પાર્ટી ની તૈયારીમાં લાગી જાવ. કોઈ બીજી અપેક્ષા મળી જશે" કહેતી મોના ત્યાંથી સડસડાટ કરતી નીકળી ગઈ. આકાશના મુખમાંથી ઉદગાર સરી પડ્યાં, " અપેક્ષા, આ તે શું કરી નાખ્યું. "

પ્રકરણ ૨ સમાપ્ત