Sarasbeldi books and stories free download online pdf in Gujarati

સારસબેલડી: એક પ્રણયકથા

સારસ બેલડી

એક પ્રણયકથા

પ્રતીક. ડી. ગોસ્વામી

'' સુમિ.... સુમિ સાંભળે છે ? મારા ચશ્મા નથી મળતાં, ગોતી આપને જરા ! '' ગુણવંતભાઈએ ટેબલ પર ખાંખાખોળાં કરતે કરતે સુમિત્રાબેનને સાદ દીધો.

'' ત્યાં છાપા ઉપર જ પડ્યાં હશે, જુઓ ટેબલ પર.. '' રસોડામાંથી અવાજ આવ્યો.

'' અહીં તો ક્યાંય દેખાતાં નથી, જરા શોધી આપ ને ! "

સુમિત્રાબેન રસોડામાંથી લોટવાળાં હાથે જ બહાર આવ્યાં. '' તમે પણ ભૈશાબ, સાવ એવા ને એવા રહ્યાં. આ જુઓ શું છે, આને ચશ્મા કે'વાય ! '' તેમણે મોટા ડાબલા જેવા ચશ્મા છાપાં પાસેથી ઉપાડીને ગુણવંતભાઈને પકડાવતાં કહ્યું.

'' અરે પણ મને ન દેખાયાં... ''

'' તમારું તો હવે રોજનું થયું.. એક જ ઠેકાણે રાખતા હોવ તો ? ''

'' તું છે ને બધું વ્યવસ્થિત કરવા માટે, તો પછી શેની ચિંતા ! '' સુમિત્રાબેન સામે જોઈને ગુણવંતભાઈ હસ્યાં...સુમિત્રાબેન છણકો કરીને પાછાં રસોડામાં જતાં રહ્યા.

રોજ આવી કોઈક ને કોઈક મીઠી રકઝક સાથે ગુણવંતભાઇ અને સુમિત્રાબેનનો દિવસ શરુ થતો. ગુણવંતભાઈ સચિવાલયમાં સિનિયર ક્લાર્ક હતા અને અત્યારે નિવૃત જીવન ગાળી રહ્યા હતા... ખરી ભાષામાં તો માણી રહ્યા હતાં. પૈસે ટકે સુખ હતું. મહિને પંદર હજારનું પેન્શન મળતું. ગુણવંતભાઈ સમાચારપત્રમાં કટાર લેખક તરીકે અને સુમિત્રાબેન ‘સુગમ સંગીત સાધના કેન્દ્ર’ ના નામે એક નાનકડા, ભાડાના હોલમાં ટ્યુશન ચલાવી સંગીતસાધક તરીકે પ્રવૃત્ત રહેતાં. નાનકડું, પણ સુંદર ઘર હતું. બંને દીકરાઓ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ ચૂક્યા હતાં. દીકરી સાસરું શોભાવી રહી હતી, અને ગુણવંતભાઈ પોતાના પ્રિયપાત્ર સાથે જિંદગીનું ઉત્તરાર્ધ સુખરૂપ પસાર કરી રહ્યાં હતાં. આજના યુવાનોને પણ શરમાવે એવો, ઘોળેલાં કસુંબા જેવો પ્રેમ કર્યો હતો તેમણે. જયારે પણ તેઓ બજારમાં ખરીદી માટે નીકળતાં, સુમિત્રાબેન માટે ગજરો લેવાનું ન ભૂલતાં. ઘરે જઈને પોતાના હાથે જ સુમિત્રાબેનને ગજરો લગાવી આપતાં. સામે પક્ષે સુમિત્રાબેન પણ ક્યાં ઉણા ઉતરે એમ હતાં ! ગુણવંતભાઈનો પડછાયો બનીને દરેક તડકી- છાંયડીમાં હંમેશા તેમણે ગુણવંતભાઈનો સાથ નિભાવ્યો હતો. વગર કહે ગુણવંતભાઈના મનની વાત સમજી જવી એ તેમની ખાસિયત હતી. બંનેની જોડી જાણે સારસ બેલડી... ! ઘણાં ખરાં સંબંધીઓ તો પીઠ પાછળ કહેતાંય ખરા... '' જુઓ તો, ઘડપણમાં કેવાં ગાંડા કાઢે છે... પૌત્ર-પૌત્રી રમાડવાની ઉમરમાં આવું કંઈ શોભે ? '' પણ ગુણવંતભાઈને કે સુમિત્રાબેનને ક્યાં કોઈની પડી હતી ! તેઓ તો બસ એકબીજામાં જ ડૂબેલા રહેતાં.

કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. બીજાની ખબર નથી, પણ કમ સે કમ ગુણવંતભાઈ માટે તો આ કહેવત શત્ પ્રતિશત્ સાચી પડી હતી. ગુણવંતભાઈ સંઘર્ષના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે તેમને સુમિત્રાબેનનો સાથ મળ્યો. બંને એકબીજાના પૂરક બન્યા અને પછી તો જાણે જિંદગીએ ગિયર બદલ્યું. ગુણવંતભાઈ પ્રગતિના એક પછી એક સોપાન સર કરતાં ગયા. બે વર્ષ પછી તેમના જીવનમાં દીકરી અક્ષિતાનો પ્રવેશ થયો અને ઘર નાનકડી કિલકારીઓથી ગૂંજવા માંડ્યું. થોડા વર્ષો પછી આશુતોષ અને અભિજીતનો પણ જન્મ થયો. નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધેલા ગુણવંતભાઈ માટે આ બધું કોઈ સુંદર સ્વપ્નથી ઓછું ન હતું. સુમિત્રાબેને ખૂબ જ કુશળતાથી બધું સંભાળી લીધું હતું.

'હમે તુમસે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.....‘ એક દિવસ અચાનક જ રેડિયો પર પોતાનું મનપસંદ ગીત વાગ્યું અને ગુણવંતભાઈ ઝૂમી ઉઠ્યાં. 'કુદરત' પીચરનું આ ગીત જયારે બહાર પડ્યું ત્યારે તેણે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. ગુણવંતભાઈ પણ તેમાંથી બાકાત ન હતાં. જુવાનીના દિવસોમાં જયારે સુમિત્રાબેન નારાજ થતાં ત્યારે ન જાણે કેટલીય વાર તેમણે સુમિત્રાબેનને મનાવવા માટે આ ગીત ગાયું હતું... પછી ધીમે ધીમે સમયની સાથે એ ભુલાઈ ગયું. આજે વર્ષો પછી ગુણવંતભાઈ આ ગીત સાંભળી રહ્યાં હતાં, ગણગણી રહ્યાં હતાં. જુવાની જાણે જીવંત થઇ ઉઠી !

'' આ શું ગાઈ રહ્યા છો ? '' સુમિત્રાબેને માળિયું સાફ કરતાં કરતાં પૂછ્યું.

'' આપણું ફેવરિટ ગીત.... ચાલ, આપણે સાથે મળીને ગાઈએ.. ''

'' ના, ના.. તમે જ ગાઓ, મારે બીજા પણ ઘણાં કામ છે ! '' કહીને સુમિત્રાબેન રસોડા તરફ સરકાવી ગયા... એમ કરવા માટે તેમની પાસે વ્યાજબી કારણ હતું. ગુણવંતભાઈનો અવાજ કાગડાને પણ શરમાવે એવો કર્કશ હતો, તેથી સુમિત્રાબેનને તેમના પર હસવું આવી રહ્યું હતું. રખે તેમને ખોટું લાગી જાય એ બીકે તેમણે ગુણવંતભાઈને એકલાં જ 'સંગીત સંધ્યા' ઉજવવા દીધી.

આમને આમ જિંદગીનો ત્રીજો અધ્યાય સુખરૂપ વીતી રહ્યો હતો.. ક્યારેક સુમિત્રાબેન ગુણવંતભાઈને ટોકતાંય ખરાં '' તમે તો સાવ ઓશિયાળા થઇ ગયા છો... મને ચિંતા થાય છે, મારા પછી તમારું શું થશે... ! ''

જવાબમાં ગુણવંતભાઈનો અવાજ જરા ઊંચો થઇ જતો. '' એવું કોણે કહ્યું કે તારા વગર મારી ખરાબ હાલત થશે... એવું કંઈ નહીં થાય, કારણકે તારા વગર જીવવું પડે એવો સમય જ નહીં આવે. આપણાં હૃદય સાથે જ ધબકે છે અને સાથે જ બંધ થશે.. ''

સુમિત્રાબેન આગળ દલીલ કરવા જતાં પણ ગુણવંતભાઈ તેમને ચૂપ કરાવી નાખતાં...

'' કેમ સુમિ ? કંઈ થયું છે તને ? '' એક દિવસ અચાનક ગુણવંતભાઈએ સુમિત્રાબેનને પૂછી લીધું. પાછલાં થોડા દિવસથી તેઓ જોઈ રહ્યા હતાં કે કોઈ જ કારણ વગર સુમિત્રાબેન વ્યગ્ર રહેતાં હતાં. નાની નાની વાતોમાં ચિડાઈ જતાં હતાં.

'' હેં... હા... અરે ના, ના.. કંઈ નથી થયું. કેમ આજે આવું પૂછો છો ? '' જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ સુમિત્રાબેન જરા ઝંખવાણા પડી ગયાં..

'' સાચું બોલ તો ! તને ખબર છે કે તું ગમે એટલી કોશિશ કર, પણ મારાથી કશું છૂપાવી નહિ શકે. ''

'' અરે સાચું જ બોલું છું. મને શું થવાનું હતું.. ! તમે ખોટી ચિંતા ન કરો. ''

'' તો તારા ચેહરા પરથી રોનક કેમ ગાયબ છે ? ''

'' એવું કંઈ નથી, આ તો આજકાલ થોડું કામ વધી ગયું છે એટલે જલ્દી થાક લાગે છે. '' ગુણવંતભાઈ સાથે નજર મેળવ્યા વગર સુમિત્રાબેને જવાબ આપ્યો. ડાઇનિંગ ટેબલ પર પડેલાં એંઠા વાસણો લઈને તેઓ તરત રસોડા તરફ ચાલ્યાં ગયા. તેમના જવાબથી ગુણવંતભાઈને સંતોષ ન થયો. તેમણે જાત તપાસ કરવાનું નક્કી કર્યું.

રવિવાર હતો. બપોરે પરવારીને ગુણવંતભાઈ ગઝલોની સોબતે ચડ્યા હતાં. બરાબરનો રંગ ચડ્યો હતો એવામાં સુમિત્રાબેને રંગમાં ભંગ પાડ્યો.

'' મંદિરે જાઉં છું, કલાકેકમાં આવી જઈશ ! '' કહીને સુમિત્રાબેન બહાર નીકળી ગયા.. ગુણવંતભાઈ સોફા પરથી ઉભા થયાં. તેમને આ જ તક જોઈતી હતી. તેઓ રૂમમાં ગયાં અને ડ્રોઅર, ડ્રેસિંગ ટેબલ, કબાટ વગેરે ફંફોસવા માંડ્યા. કંઈ ન મળ્યું, એક નાનકડી ચીટકી સિવાય.... જેમાં કળતર અને પેટના દુઃખાવાની અમુક ગોળીઓ લખેલી હતી. સદનસીબે ડોક્ટરના અક્ષર સારા હતાં, તેથી ગુણવંતભાઈને વાંચવામાં ખાસ તકલીફ ન પડી. તેમને થોડી હાશ થઇ. કદાચ સુમિત્રાબેન સાચું કે'તા હશે, એમ માનીને તેઓ બધું ગોઠવીને પાછા સોફા પર બેઠા. ક્યારે આંખ મળી ગઈ એની ખબર જ ન પડી.

'' હે ભગવાન ! આમના ભરોસે તો ઘર પણ રેઢું મૂકવા જેવું નથી... એ સાંભળો છો ? કંઈ ખબર પડે છે, આ બખડજંતર ખુલ્લું મૂકીને ઘેરાયા પડ્યા છો તે ! ઉઠો હવે." ઘરમાં પ્રવેશતાં જ સુમિત્રાબેને પત્નીપુરાણ શરુ કર્યું. ઘરના દરવાજા ખુલ્લા પડ્યા હતા અને ગુણવંતભાઈ બિંદાસ ઘોરતાં હતાં. સુમિત્રાબેનનો અવાજ સાંભળીને તેઓ સફાળા જાગ્યાં. સુમિત્રાબેન હજુ બોલ્યે જ જતાં હતાં. જોકે આજે ગુણવંતભાઈએ સામો જવાબ ન આપ્યો. ઘણાં દિવસ પછી તેમની કોયલે 'ટહુકો' કર્યો હતો. તેઓ મનોમન ખુશ થતાં ચૂપચાપ બધું સાંભળી રહ્યાં..

" ચસ્કી તો નથી ગયુંને તમારું ? હું અહીં રામાયણ કરું છું ને તમને હસવું આવે છે ! "

" ના, ના એવું નથી. આ તો આટલા દિવસ પછી તને પોતાના અસલી અવતારમાં જોઈ, એટલે જરા.... બાકી કંઈ નહીં. "

" લો, મને વળી શું થયું હતું ? "

" કંઈ નહીં. છોડ... આજે જમવામાં શું બનાવ્યું છે ? મને તો કકડીને ભૂખ લાગી છે. " ગુણવંતભાઈએ વાત બદલાવી નાખી.

પણ તેમની ખુશી અલ્પજીવી નીકળી. સુમિત્રાબેનની તબિયત હવે વધુ ને વધુ ખરાબ રહેવા માંડી. ગુણવંતભાઈ ડૉક્ટર પાસે જવાની જીદ કરતાં, પણ સુમિત્રાબેન સાધારણ દુઃખાવો છે એમ કહીને વાત ટાળી દેતાં.

એક દિવસ ગુણવંતભાઈ બજારમાં કામ પતાવીને ઘેર પાછા ફરી રહ્યા હતાં.

" કેમ છો ગુણવંતભાઈ ? બધું બરાબર ને ? " ગુણવંતભાઈએ પાછળ ફરીને જોયું. પડોસમાં રહેતાં ગાયત્રીબેન તેમને બોલાવી રહ્યા હતાં. ગુણવંતભાઈ તેમની સામે હસ્યાં અને કહ્યું.. " બસ, એકદમ મજામાં.. તમે કહો, ઘરે કેમ છે બધા ? "

" બધાં જ મજામાં છે. સુમિત્રાબેન કેમ છે ? આજકાલ મંદિરે નથી આવતાં કે શું ? "

" અરે એવું કંઈ હોય ગાયત્રીબેન ! કાલે તમે લોકો સાથે જ કથામાં નહોતા ગયાં ? "

" ના, ના ગુણવંતભાઈ. કથા હમણાં ક્યાંથી હોય ? એ તો આગલા મહિને છે ! ચલો, હવે હું નીકળું. સુમિત્રાબેનને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. "

" હા, હા ચોક્ક્સ. આવજો. જય શ્રી કૃષ્ણ. "

ગાયત્રીબેને વિદાય લીધી, પણ ગુણવંતભાઈ માટે મૂંઝવણ છોડતાં ગયા. '' સુમિ કાલે કથામાં નહોતી ગઈ તો ક્યાં ગઈ હતી ? એ પણ ત્રણ કલાક માટે ! " તેઓ મનોમન વિચારી રહ્યા..

" આવી ગયાં તમે ? શું શું લાવ્યાં ? " ગુણવંતભાઈ ઘરમાં દાખલ થયાં એટલે સુમિત્રાબેને સવાલ કર્યો.

" જાતે જ જોઈ લે. " ગુણવંતભાઈએ સુમિત્રાબેનને થેલી પકડાવી દીધી અને સોફા પર જઈને બેઠાં.

" આ શું છે ? ગજરો ? "

" હા. લાવ નાખી દઉં. "

" હવેથી તમે મારા માટે આ ગજરો ન લાવતાં. આડોશ- પડોશમાં લોકો મજાક ઉડાવશે. " સુમિત્રાબેને કહ્યું.

" ઠીક છે. હવેથી નહીં લઇ આવું. " ગુણવંત ભાઈએ કહ્યું. સુમિત્રાબેનને જરા નવાઈ લાગી, કે આજે તેમના પતિ કોઈ પણ જીદ વગર કેમ માની ગયાં ! તેમણે ગુણવંતભાઈ તરફ જોયું, પણ ગુણવંતભાઈના ચહેરાના હાવ ભાવ ન કળી શક્યાં, છતાં તેમણે મન મનાવ્યું. શાકભાજીની થેલી લઈને તેઓ રસોડામાં ચાલ્યા ગયા....

" જમવાનું તૈયાર છે ! ચલો, જમી લો. " ડાઇનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવતાં ગોઠવતાં સુમિત્રાબેને સાદ દીધો.

" ના મને ભૂખ નથી. તું જમી લે. " ગુણવંતભાઈ વાંચી લીધેલું છાપું પાછું વાળતાં બોલ્યાં.

" વળી શું થયું છે તમને ? તબિયત ખરાબ છે ? "

" ના, બસ એમ જ. ભૂખ નથી લાગી. " ગુણવંતભાઈ ઉભા થઈને પોતાના ઓરડામાં ચાલ્યાં ગયાં. સુમિત્રાબેન મોં વકાસીને તેમને જોઈ રહ્યા. રાતે અને બીજા દિવસે બપોરે પણ જમવા સમયે ગુણવંતભાઈનો જવાબ આવો જ હતો.

" તમને થયું શું છે ? કેમ આમ કરો છો ? મારાથી કોઈ વાતે નારાજ છો ? "

" ના. " ગુણવંતભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો.

" તો ? " સુમિત્રાબેન સોફા પાસે આવ્યાં, પ્રેમથી ગુણવંતભાઈ સામે જોયું અને ધીમેથી બોલ્યા.. " તો શા માટે રીસામણે બેઠાં છો ? "

" રીસામણે નથી બેઠો, સખત કોપભવનમાં બેઠો છું. અને જ્યાં સુધી તને શું થયું છે એ તું નહીં કહે ત્યાં સુધી આમ જ બેઠો રહીશ.... બોલ કહેવું છે ? "

" લો, આ વળી કેવી વાત ? મને કોઈ તકલીફ હોત, તો હું નારાજ હોત ને. તમે શેના થાઓ ? ચલો હવે બધાં નાટક છોડીને ચૂપચાપ જમવા બેસો. આ ઉંમરે બધું સારું લાગે કંઈ ? "

" હા, હા, હવે તો તને મારી દરેક વાતો ખટકવાની જ ને ! કાલે ગજરો લઇ આવ્યો એ પણ તેં ન લીધો, હવે આજે મારી વાત ખરાબ લાગે છે. તું ખરેખર બદલાઈ ગઈ છે સુમિ ! "

" હવે તમારી વેવલાઈ મૂકો.... જમવું હોય તો જમો, નહીંતર બેઠાં રહો. મને જાણે ઘરમાં બીજાં કોઈ કામ જ ન હોય ! " સુમિત્રાબેનને ગુસ્સો આવ્યો. વાસણ જોરથી પટકીને તેઓ પાછા રસોડામાં જતાં રહ્યા.

" ઠીક છે, જો તને શું થયું છે એ ન કહેવું હોય તો મારે નથી જમવું. જ્યાં સુધી મારા સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી બંદા ભૂખ હડતાળ કરશે !! " ગુણવંતભાઈ બોલ્યાં... હવે સુમિત્રાબેનનો સંયમ તૂટ્યો. તેઓ ઝડપથી બહાર આવ્યા, અને ગુણવંતભાઈ સામે પોતાનો ચોટલાનો ઘા કરતાં કહ્યું.. " આના પર તમે ગજરો લગાવશો ? આના પર ? આ નકલી વાળના ચોટલા પર ? તો લો... લગાવો... બોલો, હજી બીજું કંઈ કહેવું છે ? '' સુમિત્રાબેન રીતસરના ધ્રૂજી રહ્યા હતાં. ગુણવંતભાઈએ તેમનું આવું રૂપ તો ક્યારેય નહોતું જોયું... અરે પણ આ શું ? તેમણે સુમિત્રાબેનના માથા પર નજર કરી અને તેઓ જાણે ત્યાં જ ઠરી ગયાં. સુમિત્રાબેનના માથા પર એક પણ વાળ ન હતો... ગુણવંતભાઈ આઘાત પામી ગયાં. ક્યારેક સુમિત્રાબેનના પાણીના તરંગો સમા લહેરાતાં, ઘટ્ટ કોમળ વાળમાં હાથ ફેરવતાં તેમણે કલાકો પસાર કર્યા હતા, અને આજે એ જ માથું પોતાના ઘરેણાં ત્યજીને બેઠું હતું. તેમણે નીચે પડેલ નકલી ચોટલા તરફ નજર કરી, અને પછી દોડીને સુમિત્રાબેનને વળગી પડ્યાં. સુમિત્રાબેન હજુ પણ ધ્રૂજી રહ્યાં હતાં, જોકે અત્યારે તેમનો ગુસ્સો ગાયબ હતો.

" સુમિ, આ બધું શું છે ? તારા વાળ..... ? શું થયું છે તને ? " ગુણવંતભાઈ સુમિત્રાબેનની પીઠ પર હાથ પસવારતાં બોલી રહ્યા હતાં.

" ખરી પડ્યાં, બધા ખરી પડ્યાં.... થોડા મહિનાઓ પછી હુંય....... "

" ચૂપ, એકદમ ચૂપ... તને ખબર પણ છે કે તું શું બોલી રહી છે ? "

" હા મને ખબર છે. હું સાચું જ બોલી રહી છું. " સુમિત્રાબેનનો અવાજ ભાવવિહીન હતો. જાણે જીવનમાંથી રસ જ ઉડી ગયો હોય. ગુણવંતભાઈ તેમનાથી અલગ થયાં. તેમણે સુમિત્રાબેનની આંખોમાં જોયું.

" એય સુમિ.... મારી સામે જો તો. શું થયું છે તને ? બોલી નાખ... " ગુણવંતભાઈ બને એટલાં સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ તેમની અંદર ઘમાસાણ મચ્યું હતું.

" કેન્સર ! પેટનું કેન્સર. "

" શું ? કેન્સર ! " કાનમાં ધગધગતું તેલ રેડાયું હોય એવું ગુણવંતભાઈને લાગ્યું. તેઓ ત્યાં જ ફસડાઈ પડ્યાં. જાણે સર્વસ્વ લૂંટાઈ જવાનું હોય, એમ તેઓ રડવા માંડ્યા. આંખોમાંથી 'ધોધમાર' આંસૂ વરસવાનું શરુ થયું. સુમિત્રાબેન તેમની પાસે નીચે બેઠાં, ખોટી સાંત્વના આપવા માંડ્યા. તેઓ જાણતા હતા કે ગુણવંતભાઈ આ વાત જલ્દી સ્વીકારી નહીં શકે. આમ પણ, ગુણવંતભાઈ જરા ગભરુ માણસ હતાં. તેમનું પ્રિયપાત્ર આમ અચાનક જ તેમને છોડીને જતું રહેવાનું હતું એ વાત તેઓ કેમ સ્વીકારી શકે ? કોઈ પણ હિસાબે ન સ્વીકારી શકે !

સુમિત્રાબેન ગુણવંતભાઈને છાના રાખવાની કોશિશો કરી રહ્યા હતાં, પણ ગુણવંતભાઈના ધ્રૂસ્કા બંધ થવાનું નામ જ નહોતા લેતા. ઘણીવાર થઇ, પણ અશ્રુવર્ષા ન રોકાઈ, એટલે સુમિત્રાબેનની અગનવર્ષાએ વરસવાનું શરુ કર્યું.

" આ શું વેવલાઈ કરો છો ? ક્યારેક તો મારે અને તમારે જવાનું જ છે ને. હશે, જેવી ભગવાનની મરજી. જિંદગીનો વધારે મોહ રાખવો સારો નહીં ! "

" ના, હું તને ક્યાંય જવા નહીં દઉં. "

" હવે ઘેલા ન બનો. જે થવાનું હતું એ થઇ ગયું. કુદરતની ઈચ્છાનો આપણે વિરોધ ન કરી શકીએ. મારે તો બસ હવે ખુશ રહેવું છે. જેટલો સમય પણ જીવું, તમારી સાથે જ જીવવું છે ! બોલો મારી આ ઈચ્છા પૂરી કરશો ને ? "

ગુણવંતભાઈ જરા શાંત થયાં. તેમણે કહ્યું " આવી વાતો ન કર. તને કંઈ નહીં થાય. આપણે સારામાં સારી હોસ્પિટલમાં તારી સારવાર કરાવીશું. હવે તો કેવી નવી નવી દવાઓ શોધાઈ છે, આજકાલ તો કેન્સર પણ મટી શકે છે ! આપણે અમદાવાદ જઈશું, ત્યાં ફરક ન પડે, તો મુંબઇ પણ જઇશું, પણ હું તને કંઈ થવા નહીં દઉં ! " ગુણવંતભાઈનો અવાજ ફરી તરડાયો.

" ના, મને પોતાની હાલતની ખબર છે, છેલ્લાં સ્ટેજનું કેન્સર છે, સારવારનો કોઈ મતલબ નથી. અહીં જેટલી દવા લઇ શકાતી હતી, એટલી લઇ લીધી. સારવારના નામે વધુ પીડા હવે મારાથી સહન નથી થતી. "

" પણ... "

" પણ ને બણ ! તમારે મને પીડાતી જોવી હોય, તો જ દવાની વાત કરજો. મારે હવે છેલ્લાં દિવસો સુખેથી કાઢવા છે ! " ગુણવંતભાઈ કમને સંમત થયાં. બીજો કોઈ આરો પણ ક્યાં હતો ! છેલ્લા સ્ટેજનું કેન્સર અને એ પણ પેટનું, એટલે યમરાજના આગમનની જાણે એડવાન્સ બૂકિંગ કરાવેલી ટિકીટ !! ગમે ત્યારે મોતનો સંદેશો આવી શકે.

ત્રણ મહિના વીત્યા. દરમિયાન સુમિત્રાબેન થોડા દિવસ માટે દીકરીને ઘરે રોકાઈ આવ્યાં. દોહિત્ર-દોહિત્રીને ભરપૂર લાડ લડાવી લીધું. જોકે બિમારીની વાત તેમણે ખાનગી જ રાખી હતી. દીકરાઓ તો ઓસ્ટ્રેલિયા હતાં, એકાદ બે વખત સુમિત્રાબેને ફોન પર તેમને અહીં આવીને મળી જવાનું કહ્યું, પણ એ લોકો પાસે સમય નામની બલાનો અભાવ હતો. સુમિત્રાબેનને જોકે હવે કોઈ ફરક નહોતો પડતો. તેઓ ખુશ રહેવાનો પ્રયત્ન કરતાં. ગીતો મમળાવતાં, જૂની પીચરો જોતાં, ક્યારેક નકલી ચોટલો નાખી મંદિરે પણ જઈ આવતાં ! બાકી મોટાભાગનો સમય ઘરમાં જ વિતાવતાં. આટલી બધી ખુશીઓ સામટી ભોગવવાનો પ્રયત્ન કરીને જિંદગીને રીઝવવાની તેમની કોશિશો જોકે નિષ્ફળ નીવડી રહી હતી. તેમની હાલત ઉત્તરોત્તર બગડતી જ જતી હતી. પેટમાં ક્યારેક સખત દુઃખાવો ઉપડતો, પછી અચાનક મટી જતો. દુઃખાવાને લીધે સંગીત ક્લાસ જવાનું પણ બંધ હતું. દવાઓ હવે ગરમ લાગવા માંડી હતી. તેમના પેટે એ વિચિત્ર રસાયણોને પચાવવા માટે નારાજી દર્શાવી દીધી હતી. નાનકડી ટીકડી પણ ઊલટી સાથે બહાર નીકળી જતી. જમવાનું પણ સાવ ઓછું થઇ ગયું હતું.

ગુણવંતભાઈ માટે તો આ ત્રણ મહિના સુમિત્રાબેનથી પણ વધુ કપરાં વીત્યા. એક-એક દિવસ તેમના માટે ભયનો ઓથાર લઈને ઉગતો. આગલી જ ક્ષણે ક્યાંક સુમિત્રાબેન, એમની સુમિ એમનાથી દૂર ન થઇ જાય ! અંદરથી તેઓ કોચવાઈ રહ્યા હતાં, રડી રહ્યા હતાં, પણ બહારથી તેઓ સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતાં, શું કરે ! એમની અર્ધાંગિનીએ એમની પાસેથી વચન લીધું હતું. આ સમય દરમિયાન તેઓ સુમિત્રાબેનને ખુશ રાખવાના ભરપૂર પ્રયત્નો કરતાં. હવેથી રોજ તેઓ બજારમાં જઈને તાજો, મહેકતો ગજરો લઇ આવતાં, અને સુમિત્રાબેનના કાંડા પર બાંધી આપતાં. પોતાના હાથે નવી નવી વાનગીઓ બનાવીને તેમને જમાડતાં. સુમિત્રાબેનના માથા પર ફરીથી ડોકાઈ રહેલાં બેએક ઇંચ જેટલાં નાનકડાં વાળમાં તેલ નાખી મસ્ત મજાની માલિશ કરી આપતાં. રોજ અવનવાં શણગાર કરી આપતાં ! સુમિત્રાબેન આ બધું મૂંગે મોઢે માણ્યા કરતાં. ક્યારેક ગુણવંતભાઈથી છુપાઈને રડી પણ લેતાં. દુઃખ તો તેમને પણ હતું, પણ મોતનું નહીં. પોતાનાં પતિ કમ ખરા મિત્ર કમ એક સાચા હમરાહીથી દૂર થવાનું !

" જુઓ, હું કેવી લાગું છું ? " એક દિવસ વહેલી સવારે બેડરૂમમાંથી બહાર આવીને સુમિત્રાબેન બોલ્યાં. આજે તેઓ સંપૂર્ણ રીતે સજી ધજીને તૈયાર થયાં હતાં. લગ્નમાં પહેર્યું હતું, એ જ પાનેતર, અડધા હાથ સુધી રંગબેરંગી બંગડીઓ, ગળામાં પાંચ તોલાનો સોનાનો હાર, મંગળસૂત્ર, કપાળમાં લાલ બિંદી, માથામાં સેંથો, અને કાળમુખી બીમારીને લીધે ફિક્કા પડી ગયેલા ચહેરા પર આછું મેકઅપ. જાણે કોઈ નવવધૂ તૈયાર થઇ હોય ! ગુણવંતભાઈ તો મુગ્ધ થઈને જોઈ જ રહ્યાં.

" આમ બાઘા જેમ શું જુઓ છો ? કહો તો ખરા, હું કેવી લાગું છું ? "

" અદભુત ! " ગુણવંતભાઈથી બસ આટલું જ બોલી શકાયું. સુમિત્રાબેનના ગાલ પર શરમના શેરડાં ફૂટ્યાં. પત્નીના રૂપની દુનિયામાં મુસાફરી કરીને ગુણવંતભાઈ હવે જરા તરા હોશમાં આવ્યાં. " આજે અચાનક કેમ સુમિએ પાનેતર પહેર્યું છે ? " ગુણવંતભાઈ વિચારમાં પડ્યાં.

"શું વિચારો છો ? આજે મેં આવા કપડાં કેમ પહેર્યાં છે એ જ વિચારી રહ્યા છો ને. મને ખબર છે કે તમને યાદ નહીં જ હોય..!! બોલો આજે શું છે ? " સુમિત્રાબેને પૂછ્યું. ગુણવંતભાઈ જવાબ આપવાની-ન આપવાની મથામણમાં મૂંઝાઈ રહ્યાં. " આજે શું છે ? કઈંક તો છે જ, પણ યાદ નથી આવતું.... સુમિનો જન્મદિવસ ? ના ના, એ તો કદાચ ( કદાચ ! ) ચોથા મહિનામાં છે. તો ? મારો જન્મદિવસ ? લે મારો આજે ક્યાંથી હોય !! તો શું છે આજે ? " એક સાથે હજ્જારો વિચારોએ ગુણવંતભાઈના દિમાગનો કબ્જો લઇ લીધો.. ઘરડા થઇ રહેલા મગજ પર તેમણે ખૂબ જોર આપ્યું, પણ છેવટે યાદ ન આવ્યું. આખરે ગુણવંતભાઈ થાક્યાં. કંઈ પણ બોલ્યા વગર ચૂપ થઈને ઉભા રહ્યાં. સુમિત્રાબેને મોં બગાડ્યું.

" મને ખબર હતી, કે તમે ભૂલી જ ગયા હશો. આજે આપણાં લગ્નની ચાલીસમી વર્ષગાંઠ છે ! "

હવે ગુણવંતભાઈના ‘દિમાગ કી બત્તી’ ઝળકી.

" હા નઈ, આજના દિવસે તો આપણે પરણ્યાં હતાં. જોકે મને યાદ હતું, બસ તેં આમ અચાનક પૂછ્યું એટલે જરા મૂંઝાઈ ગયો હતો." વર્ષગાંઠે દરેક પતિ દ્વારા અપાતું 'હોલમાર્ક' બહાનું ગુણવંતભાઈએ ચિપકાવી દીધું.

" રહેવા દો, મને બધી ખબર છે ! છોડો એ બધું. આ લો તમારી ભેટ ! “ સુમિત્રાબેને એક મોટી લંબચોરસ ડબ્બી ગુણવંતભાઈને પકડાવતાં કહ્યું. ગુણવંતભાઈએ ડબ્બી ખોલી. અંદર સોનાની, ખોલ બંધ થઇ શકે એવા લોકેટવાળી ચેઇન હતી. તેમણે ચેઇન બહાર કાઢી, લોકેટ ખોલ્યું. ગોળાકાર, રૂપિયાના સિક્કાની સાઈઝ જેટલાં એ લોકેટમાં એક તરફ ગુણવંતભાઈનો નાનકડો ફોટો હતો, અને બીજી તરફ સુમિત્રાબેનનો !!

“ ખૂબ જ સરસ છે ! “ ચેઇનને પાછી ડબ્બીમાં મૂકતાં ગુણવંતભાઈ બોલ્યાં.

“ હા, એ તો છે જ ! બોલો, મને શું આપશો ? આજનો દિવસ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ છે, તો ભેટ પણ એવી જ લઈશ હોં !! "

ગુણવંતભાઈ ઉત્સાહમાં આવી ગયા. આ દિવસની તો તેઓ કેટલાંય મહિનાથી તૈયારી કરી રહ્યા હતાં. અચાનક તેમને યાદ આવ્યું, કે આજે તેઓ સુમિત્રાબેન સાથે છેલ્લી વખત લગ્નની વર્ષગાંઠ ઉજવવાના છે. આગલા વર્ષે તો..... !! ગુણવંતભાઈના ગળે ડૂમો બાઝી ગયો.

તેમણે જરા ગળું ખોંખાર્યું અને બોલ્યાં. " અરે એવી જોરદાર ભેટ આપીશ કે તું માની જ નહીં શકે. એના સામે તારી આ ચેઇન તો પાણી ભરે. ચાલ મારી સાથે ! "

" પણ ક્યાં ? "

" ચાલ તો ખરી, બધી ખબર પડી જશે. "

ઘરને તાળું મારી બંને નીકળી પડ્યાં. સુદર્શન મોલમાં ખરીદી કરી, ચૌધરીની પ્રખ્યાત આઈસ્ક્રીમ ખાઈ, કિશનબાગની હરિયાળી વચ્ચે લાંબી લટાર મારીને ગુણવંતભાઈએ સ્કૂટરને 'સુગમ સંગીત સાધના કેન્દ્ર' તરફ ભગાવી મૂક્યું. સુમિત્રાબેનને છેલ્લે અહીં આવ્યે ત્રણ મહિના ઉપર થઇ ગયા હતાં. બગીચાને વટાવીને તેઓ પગદંડી જેવા રસ્તા પર થઈને નાનકડા હોલમાં પહોંચ્યા. અહીં સુમિત્રાબેન તેમના વિધાર્થીઓને સંગીતની તાલીમ આપતાં. અત્યારે તેમની ગેરહાજરીમાં તેમની શિષ્યા નિલમ અહીં સંગીત શિખવાડતી. આજે આખો હોલ શણગારેલો હતો. અવનવાં-ખૂશ્બોદાર ફૂલો, રંગબેરંગી રિબીનો અને ફૂગ્ગાઓએ દીવાલોને ઢાંકી દીધી હતી. હોલની વચ્ચોવચ્ચ એક ટીપોય પર મોટો કેક મૂકેલો હતો. ટીપોયની આસપાસ સુમિત્રાબેનના શિષ્યો પોતાના ગુરુને આવકારવા ગોઠવાયા હતાં. ગુણવંતભાઈ એ તરફ ચાલ્યાં. સુમિત્રાબેન તો આભા બનીને આ બધું જોઈ રહ્યા હતાં.

" સુમિ, ત્યાં શા માટે ઉભી છો ? અહીં આવ, આ જો, કેક કેવું છે ! " સજાવટ જોવામાં વ્યસ્ત સુમિત્રાબેનનો ધ્યાનભંગ થયો. તેઓ ગુણવંતભાઈ તરફ ચાલ્યાં. બધાને મળ્યા, હાલચાલ પૂછ્યા. થોડી વાતો કરી. પછી કેક તરફ રૂખ કર્યું. એ મોટા, સમચોરસ કેક પર તેમના લગ્ન વખતનો ફોટો હતો. ફોટાની નીચે ચાલીસના આકારમાં નાનકડી મીણબત્તીઓ ગોઠવાયેલી હતી.

" બેગમસાહિબા ! કેકનો દીદાર કરી લીધો હોય, તો મીણબત્તીઓને ફૂંક મારીએ ?" ગુણવંતભાઈએ કહ્યું.

" જો હુકુમ મેરે આકા ! " સુમિત્રાબેને એ જ લહેજામાં જવાબ આપ્યો.

મીણબત્તીઓ બૂઝાવાઈ, કેક કપાયું, અભિનંદનોનો મઘમઘતો ટહુકાર વરસ્યો, બંને જણાં પર ગુણવંતભાઈએ અગાઉથી કરી રાખેલી વ્યવસ્થા મુજબ ' આકાશ' પરથી પુષ્પવર્ષા પણ થઇ ! સુમિત્રાબેન માટે તો આ બધું જાણે કોઈ મનોહર સ્વપ્ન હતું. તેઓ આજની એક એક ક્ષણ ભરપૂર રીતે માણી રહ્યાં હતાં.

" આજનો દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ છે. તમારી આ ભેટ હું ક્યારેય નહીં ભૂલું ! " સુમિત્રાબેને ગળગળા અવાજે કહ્યું.

" આટલી જલ્દી પ્રતિભાવો ન આપતી જા, પિક્ચર આભી બાકી હૈ મેરી જાન ! " કહેતાં કહેતાં ગુણવંતભાઈએ ટીપોય નીચેથી એક ભૂંગળું વાળેલો કાગળ કાઢ્યો અને સુમિત્રાબેનને પકડાવતાં કહ્યું " આ લે, આના પર તારી સહી કર ! "

" શું છે આ ? " સુમિત્રાબેને આશ્ચર્યસભર આંખોએ પૂછ્યું.

" આજથી આ હોલ આપણાં નામે, તારા નામે થઇ ગયો છે. હવેથી અહીં દરરોજ અવિરત સંગીત સાધના થતી રહેશે. તું એવું જ ઇચ્છતી હતી ને ! "

સુમિત્રાબેન એકીટશે એ કાગળ તરફ જોઈ રહ્યાં. અચાનક ક્યાંકથી ભૂલો પડેલો એક અશ્રુબિંદુ તેમની આંખના ખૂણે ડોકાયો, પણ ગુણવંતભાઈની નજર જાય એ પહેલાં સાડીના પાલવથી સુમિત્રાબેને એ લૂછી લીધો.

કેકની મિજબાની પતી એટલે હોલમાં બે શણગારેલી ખુરશીઓ ગોઠવાઈ અને આજની 'સંગીત સંધ્યા' માણવા આવેલું યુગલ તેના પર બેઠું. સુમિત્રાબેનના શિષ્યોએ પોતાની કલા રજૂ કરી. ખાસ ધ્યાન રખાયું હતું કે દરક ગીત સુમિત્રાબેનની પસંદનું હોય ! સૂરોની સરવાણી આગળ વધતી ગઈ તેમ તેમ સુમિત્રાબેન અને ગુણવંતભાઈ પણ એમાં ખોવાતાં ચાલ્યાં. સુમિત્રાબેને ગુણવંતભાઈના ખભા પર પોતાનું માથું ઢાળી દીધું. તેમનો હાથ પોતાના હાથમાં લઈને, આંખો બંધ કરીને તેઓ આ આહલાદક વાતાવરણનો લુત્ફ ઉઠાવી રહ્યાં. આખરે નિલમે છેલ્લું ગીત લલકાર્યુ.... 'હમે તુમસે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે... મગર જી નહીં સકતે, તુમ્હારે બિના....' આહાહા... શું એનો સૂર, શું એનું દર્દ.... ગુણવંતભાઈ સાંભળી રહ્યાં.... બસ સાંભળી જ રહ્યાં.... માત્ર સવા ચાર મિનિટના એ ગીતે ગુણવંતભાઈને ચાર દાયકાના પોતાના લગ્નજીવનની સફર કરાવી દીધી.

ગીત પૂરું થયું, અને સાથે સાથે લગ્નજીવનની સફર પણ પૂરી થઇ. હંમેશ માટે ! સુમિત્રાબેને માથું હજુ ઢાળેલું જ હતું, તેથી તેમને ઉઠાડવા ગુણવંતભાઈએ હળવેકથી તેમના ગાલે ટપલી મારી. કોઈ પ્રતિભાવ ન મળ્યો. તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવતાં (નકલી ચોટલો પડી ન જાય એ રીતે) તેમણે સુમિત્રાબેનને સાદ દીધો, ફરીથી કોઈ જ પ્રતિભાવ નહીં ! ગુણવંતભાઈ જરા ગભરાયા. તેઓએ સુમિત્રાબેનનો હાથ પકડી હલાવ્યો, પણ વ્યર્થ ! નિષ્પ્રાણ દેહ શું જવાબ આપવાનો !! ગુણવંતભાઈના ખભા પર માથું ઢાળીને સુમિત્રાબેને દેહ છોડી દીધો હતો. એક અલગારી, અનંતની સફરે તેઓ નીકળી પડ્યાં હતાં, પતિને એકલાં મૂકીને ! ગુણવંતભાઈ સ્તબ્ધ થઇ ગયા. ન કંઈ બોલે, ન ચાલે. આંખમાં એક પણ આંસુ નહીં. રડવાનું સૂઝે એટલા હોશ જ ક્યાં હતા ? નિલમે જ ફોન કરી એમબ્યુલન્સ બોલાવી, ગુણવંતભાઈના સગાઓને, દીકરાઓ-દીકરીને ફોન કર્યો.

મૃતદેહ લઇ જવાયો, પોસ્ટમોર્ટમ પત્યા પછી અંતિમક્રિયાઓની તૈયારીઓ થવા માંડી, દફનવિધિ પતાવવામાં આવી, સગા સંબંધીઓ ગુણવંતભાઈને સાંત્વના આપીને પોત-પોતાના ઘરે જવા માંડયા. ગુણવંતભાઈ હજી પણ ડઘાયેલા હતાં. સુમિત્રાબેનનું મૃત્યુ નિશ્ચિત હતું, એ તેઓ જાણતા હોવા છતાં પણ એ વાત સ્વીકારવા તૈયાર ન હતાં. વિદેશમાં વ્યસ્ત કામકાજ હોવાને લીધે દિકરાઓએ દસેક દિવસ રહીને પિતા પાસેથી રજા લીધી. અક્ષિતા એકાદ મહિનો સાથે રહી. દરમિયાન તે પિતાને પોતાના સાથે રહેવા આવી જવાનું સમજાવતી રહી. પિતાની હાલત જોઈને તેનું હૃદય દ્રવી ઉઠતું. આખરે દીકરીનો જીવ હતો ને ! સુમિત્રાબેન વગર એ ઘરડા પુરુષનું અહીં બીજું હતું પણ કોણ ? પણ ગુણવંતભાઈ ન માન્યા. હારી-થાકીને અક્ષિતાએ પણ થોડા થોડા દિવસે મળવા આવવાનું વચન આપીને વિદાય લીધી.

ગુણવંતભાઈ માટે જિંદગી નીરસ બની ગઈ. તેઓ મોટાભાગે 'સુગમ સંગીત સાધના કેન્દ્ર' ના બગીચામાં ગૂમસૂમ બનીને બેઠાં રહેતાં. એક પછી એક ફૂલ પરથી મધ ચૂસીને ધમાચકડી મચાવતાં ભમરાઓના વૃંદને, નવી નવી ઉગેલી કળીઓને તેઓ જોઈ રહેતાં. ક્યારેક અપલક નજરે સુમિત્રાબેને ભેટમાં આપેલાં લોકેટ તરફ જોઈ રહેતાં. ક્યારેક સુમિત્રાબેનની કબર પર ચડાવવા માટે ગજરો લઇ સ્મશાનમાં જતાં, કલાકો સુધી ત્યાં બેઠાં રહેતાં. ઘરે તો માત્ર ખાવા-પીવા અને સૂવા પૂરતું જ જતાં. ઘરના દરેક ખૂણાઓ, ઓરડાઓ સુમિત્રાબેનની યાદોથી ભરેલાં હતાં. પળે પળે તેમની 'સુમિ' ની યાદ અપાવતાં રહેતાં. સુમિત્રાબેન વગર એ ઘર હવે ઘર ન હતું, ખોખું હતું. ભાવનાઓ વગરનું, ઈંટ-સિમેન્ટથી બનેલું, એકલતામાં ખાવા ધસે એવું એક નિષ્પ્રાણ ખોખું !

સુમિત્રાબેનને ગયે છ મહિના થવાં આવ્યાં. પણ ગુણવંતભાઈ માટે તો જાણે એ કાલનો જ બનાવ હોય, એમ તેઓ સતત શોકમાં ડૂબેલા રહેતાં. છ મહિના પહેલાં ગુમાવેલા તેમના પ્રિયપાત્રની ખોટ હજુ એટલી જ સાલતી હતી. પડોશીઓએ, અક્ષિતાએ, મિત્રોએ સમજાવવાની કોશિશો કરી જોઈ, પણ ગુણવંતભાઈના દિલો દિમાગમાંથી સુમિત્રાબેન હટવાનું નામ જ નહોતાં લેતાં. હવે તો ઘરે જવાનું સાવ ઓછું થઇ ગયું હતું. જમવાનું મન હોય, તો બહાર લોજમાં જમી લેતાં, નહીંતર હરી ઈચ્છા !

" તારી નારાજગી દૂર થઇ ગઈ હોય, તો ઉપરવાળાને કહે કે મને પણ બોલાવી લે. " એક દિવસ સુમિત્રાબેનની કબર પાસે બેસીને રડમસ અવાજે ગુણવંતભાઈ બોલ્યાં. છેલ્લાં થોડા સમયથી આ તેમનો નિત્યક્રમ બની ચૂક્યો હતો. રોજ સાંજે ગજરો લઇને તેઓ અહીં આવતાં, અને અંધારું થાય ત્યાં સુધી સુમિત્રાબેન પાસે બેસી રહેતાં.

સૂરજને જાણે મોડું થતું હોય એમ વાદળોની ઓથ લઇ તે ઝડપથી ક્ષિતિજની સોડમાં લપાઈ રહ્યો હતો, વાતાવરણમાં હલકી ઠંડક પ્રસરી રહી હતી. વાદળોએ ગરજવાનું શરુ કર્યું. ગુણવંતભાઈ ઉભા થયાં. સ્મશાનની બહાર નીકળવા જતાં હતા, કે એક ખાડામાં તેમનો પગ ભરાયો, સંતુલન ખોરવાયું અને પીઠના બળે તેઓ નીચે પટકાયા. એક મોટા પથ્થર સાથે માથું ભટકાયું અને એ જ ક્ષણે ગુણવંતભાઈનું પ્રાણપંખેરું ઊડી ગયું. ધરતી પર બિછડેલાં ગુણવંતભાઈ અને સુમિત્રાબેન નામના પ્રગાઢ પ્રેમીઓ ઘણાં સમય પછી સ્વર્ગમાં પાછા મળી રહ્યાં હતાં. પુનઃમિલન પામી રહેલી એ 'સારસ બેલડી' સમી જોડીના હર્ષાશ્રૂઓ થોડીવાર પછી વરસાદ બનીને સૂકી ધરતીને પલાળી રહ્યાં....

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો