Condition books and stories free download online pdf in Gujarati

શરત

શરત

પ્રતીક. ડી. ગોસ્વામી

પાંચ મિત્રો વચ્ચે એક શરત લાગે છે, ' બ્લડી મેરી' નામની એક પ્રેતાત્માને બોલાવવાની. આ શરત તેમના જીવન માટે એક અભિશાપ બનીને આવે છે. આખરે એ નાદાનીનો અંજામ શો આવે છે એ જોવું રસપ્રદ ( અને ડરામણું ) બની રહેશે....

સાહિલ લોહીથી લથબથ હતો, તેનું મોટાભાગનું શરીર દાઝી ચૂક્યું હતું, શ્વાસોચ્છવાસ ઉત્તરોત્તર ઘટી રહ્યા હતાં, સખત વેદના થઇ રહી હતી. મનોમન તે પોતાના કર્યા પર પસ્તાઈ રહ્યો હતો... કાશ તેણે એ દિવસે આ મનહૂસ શરત ન લગાવી હોત ! કાશ... તો આજે આમ કમોતે મરવાનો વારો ન આવત. જોશમાં આવીને તે પોતાની જિંદગીની સૌથી ભયંકર ભૂલ કરી બેઠો હતો.......

એ દિવસે સોમવાર હતો. કોલેજની કેન્ટીનમાં નેહા, દીપ્તિ અને ઉદય, એ ત્રણ જણાં એક ટેબલ ફરતે ગોઠવાયેલા હતા. તેમનો 'વાર્તાકાર' આરવ તેમને પોતાની આગવી શૈલીમાં ભૂતિયા દુનિયાની સૈર કરાવી રહ્યો હતો. તે શિમલાના મોસ્ટ હોન્ટેડ પ્લેસ ' ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ ' વિશે વાત કરી રહ્યો હતો. આસપાસના ટેબલ પર બેઠેલાં લોકોનું ધ્યાન પણ અત્યારે આરવ તરફ મંડાયેલું હતું.

'' વ્હુ......''

દીપ્તિ ચીસ પાડી ઉઠી, કોઈકે અચાનક પાછળથી આવીને તેને ડરાવી હતી. '' શું યાર સાહિલ, તેં તો મારો જીવ જ કાઢી લીધો હોત ! બીજીવાર આમ ન કરજે, નહીંતર થપ્પડ મારી દઈશ.. '' દીપ્તિ ધૂંધવાઈને બોલી. '' અરે યાર જસ્ટ મજાક ! તું તો સાવ ડરપોક નીકળી. ચલો, હવે તમારી આ બકવાસ ભૂતિયા સ્ટોરીઓ બંધ કરો, આપણને લેક્ચરમાં જવાનું છે. હું તમને લોકોને બોલાવવા માટે જ આવ્યો હતો, પણ આવીને જોયું, તો આ તાંત્રિક તમને ડરાવી રહ્યો હતો, એ જોઈને મને પણ થોડું મન થઇ ગયું ! '' દીપ્તિને શાંત પાડતા સાહિલે કહ્યું. '' એ ભાઈ, હું તાંત્રિક નથી, સમજ્યો ! આ શિમલાની સાચી સ્ટોરી છે. ''

'' હા હા જોઈ તારી સાચી સ્ટોરી.... આ બધા વેપલાઈ વેળા છે. ''

'' એ તો ભૂત દેખાયને ત્યારે પેન્ટ ભીની થતાં વાર ન લાગે... '' આરવ હવે બરાબર દલીલ કરવાના મૂડમાં હતો..

'' હું નથી માનતો.. ''

'' ઠીક છે, તો લગાવ શરત ! જો તું ડર્યા વગર આત્માનો સામનો કરી શકે, તો જે કહે તે કરવા તૈયાર છું.. અને જો પોતાની શરત માંથી ફરી જાય તો આખું સેમેસ્ટર અમારી જર્નલ્સ પૂરી કરી દેવી પડશે... બોલ, છે મંજૂર ?'' આરવે સાહિલને પડકાર ફેંક્યો.

'' મંજૂર ! બોલ, કઈ ભૂતિયા જગ્યાએ રાત પસાર કરવાની છે ? ''

'' રાત કયાંય પસાર નથી કરવાની. આજથી બરાબર ત્રણ દિવસ પછી, એટલે કે 15મી જૂને વર્ષનો ' મોસ્ટ હંટેડ ' દિવસ છે. એ દિવસે રાતે બરાબર 3:13 વાગ્યે અરીસા સામે જોઈને ત્રણ વાર ' બ્લડી મેરી ' એવું બોલવાનું છે. સાંભળ્યું છે કે અરીસા સામે જોઈને આમ કરવાથી બ્લડી મેરીની આત્મા આવે છે. બોલી શકીશ ? નહીંતર અત્યારે જ હાર સ્વીકારી લે. ''

'' મંજૂર ! ''

'' ગાયઝ, પ્લીઝ સ્ટોપ ઇટ... આ એક્સપિરિમેન્ટ કરવા જેવો નથી.. મેં સાંભળ્યું છે કે આવું કરનાર ઘણા જણાંને એ આત્માએ નુકસાન પહોંચાડ્યું છે. '' નેહાએ કહ્યું.. તેણે બ્લડી મેરી વિશે થોડું ઘણું સાંભળ્યું હતું.

'' એ ગમે તે હોય, હું મારી શરત માંથી પાછો નહિ પડું. જોઉં તો ખરો કે એ આત્મા મારું શું બગાડી લે છે ! ''

'' ઠીક છે, તો આજથી બરાબર ત્રણ દિવસે... અને યાદ રાખજે, તારે એનું પ્રૂફ પણ આપવું પડશે... '' ઉદયે ટાપશી પૂરાવી.

'' હા, એ પણ મળી જશે. '' સાહિલે વાત કબૂલ કરી...અને શરત લાગી ગઈ.

પાંચેય મિત્રોના જીવનમાં કાળરાત્રી બનીને આવનાર ઘટનાનો પાયો નખાઈ ચૂક્યો હતો.... માત્ર એ નાદાન શરતના પ્રતાપે...

ગુરુવારે રાતે સાડા દસ વાગ્યે સાહિલનો ફોન રણક્યો. સાહિલને ડરાવવા માટે ઉદયે ફોન કર્યો હતો. તેણે ફોન ઉપાડ્યો એટલે સવાલ પુછાયો... '' તૈયાર છો ને સાહિલ ? ''

'' હઓ, એકદમ તૈયાર.. ''

'' ધ્યાન રાખજે હોં, સાંભળ્યું છે કે એ આત્મા બહુ ખતરનાક છે. ''

'' ફિકર નોટ ! '' સાહિલે હાંકવાનું ચાલુ રાખ્યું. આજની ચેલેન્જ પૂરી કરીને તેને પોતાના મિત્રોમાં વટ પાડી દેવો હતો.

'' ઠીક છે, ઓલ ધ બેસ્ટ '' કહીને ઉદયે ફોન મૂક્યો. થોડીવારમાં આરવનો મેસેજ પણ આવી ગયો. બાકીના બે જણાએ આ પ્રયોગથી દૂર રહેવામાં જ સાર માન્યો હતો.

'' ટન.... ટન.... ટન... '' બેડરૂમની ઘડિયાળે ત્રણ વગાડ્યાં. સાહિલ ઉભો થયો. બાથરૂમમાં ગયો અને બાથરૂમની બારીના ટેકે રેકોર્ડિંગ માટે પોતાનો કેમેરો વ્યવસ્થિત ગોઠવ્યો. પાછો બહાર આવ્યો. કબાટમાંથી એક મોટી મીણબત્તી અને લાઇટર કાઢ્યાં. મીણબત્તી સળગાવી, લાઈટ બંધ કરીને બાથરૂમમાં ઉભો રહ્યો. '' બ્લડી મેરી........ બ્લડી મેરી......... બ્લડી મેરી... '' બરાબર 3: 13 થયાં એટલે અરીસા સામે જોઈને તે બોલ્યો. પછી થોડીવાર એમ જ કઈંપણ બોલ્યા વગર ઉભો રહ્યો. કોઈ હલચલ ન થઇ, એટલે કેમેરા પાસે ગયો. જઈને કહ્યું... '' બંદો શરત જીતી ગયો... કાલે મારી પાર્ટી પાક્કી ! '' અને બહાર નીકળી સૂવા માટે બેડ પર આડો પડ્યો...

થોડીવારે એના કાન પાસે કશોક સળવળાટ થયો. સાહિલ ઝબકીને ઉભો થઇ ગયો. આસપાસ કોઈ જ ન હતું. તે ફરી પથારી પર પડ્યો. '' તેં મને બોલાવી હતી ને.... હું આવી ગઈ ! '' તેના કાન પાસે ફરી ઝીણો ગણગણાટ થયો. હવે સાહિલને થોડો ડર લાગ્યો. તે ઉભો થયો, લાઈટ ચાલુ કરી. આજુબાજુ કોઈ નહોતું, પણ એક અજીબ સી વાસ રૂમમાં ફેલાયેલી હતી. એવી કે જે એણે આજ પહેલાં ક્યારેય મહેસૂસ નહોતી કરી. 20 ડિગ્રી પર બેડરૂમમાં એ.સી. ચાલુ હતું, છતાંય સાહિલ પસીનાથી નીતરી રહ્યો હતો. તે મોઢું ધોવા ઉભો થયો અને બાથરૂમમાં જઈને નળની ચકલી ચાલુ કરી. મોઢું ધોઈને અરીસા સામે જોયું અને તેના મોં માંથી એક જોરદાર ચીસ નીકળી ગઈ. તેના ચહેરા પરથી, કપાળ પરથી લોહી ટપકી રહ્યું હતું. નળ સામે જોયું તો તેમાં પાણીને બદલે લોહી વહી રહ્યું હતું. ! હવે તેની હિમ્મત ખૂટી. કાનમાં ફરી ફરીને એ જ અવાજ ઘૂમરાઈ રહ્યો હતો.. '' તેં મને બોલાવી, હું આવી ગઈ... '' ડરના માર્યા તેણે કાન બંધ કરી નાખ્યાં. થોડીવાર પછી અવાજ આવવાનો બંધ થઇ ગયો. સાહિલે આજુબાજુ નજર ફેરવી. જેવું અરીસા સામે જોયું કે જાણે હોશ જ ગુમાવી બેઠો. એક સુંદર સ્ત્રી, ધીમે ધીમે અરીસામાંથી બહાર ડોકાઈ રહી હતી. તેણે કાળો ગાઉન પહેર્યો હતો. રેશમી વાળ, મોટી નીલી આંખો, પ્રદીપ્ત ચહેરો... જાણે સાક્ષાત પરી ! ધીમે ધીમે તે આખી અરીસામાંથી બહાર આવી અને બરાબર સાહિલ સામે ઉભી રહી. બંનેની નજરો મળી. ફરી એ જ વાક્ય સાહિલના કાનમાં ઘૂમરાયું.. '' તેં મને બોલાવી, હું આવી ગઈ '' અને આખા બાથરૂમમાં એક અટ્ટહાસ્ય, ભયાનક અટ્ટહાસ્ય છવાઈ ગયું. પેલી સુંદર સ્ત્રી હવે એક ખૂબ જ ડરાવની ચુડેલમાં પરિવર્તિત થઇ રહી હતી. કાળો, કદરૂપો ચહેરો, જેમાંથી માંસના લોચા લબડી રહ્યા હતાં. નીલી, પણ બિહામણી આંખો, બંને આંખોના ખૂણેથી વહેતું લોહી, હાથ-પગની જગ્યાએ માત્ર હાડકાં દેખાઈ રહ્યાં હતાં. તેનું શરીર ઠેકઠેકાણે દાઝેલું હતું. અર્ધ- બળેલાં વાળ છેક કમર સુધી લંબાઈ રહ્યાં હતાં. લોહી નિતરતાં દાંત, એક વિચિત્ર બદબો અને એ જ ભયાનક અટ્ટહાસ્ય. શું દ્રશ્ય હતું એ.. કોઈ નબળા હૃદયનો જુએ તો ત્યાં જ છળી મરે ! તે આકૃતિ ધીમે ધીમે સાહિલ પાસે આવી. સાહિલ તો પોતાની સુધ-બૂધ ગુમાવીને ત્યાં જ ખોડાયેલો હતો. ન તો તેને ભાગવાનું સૂજ્યું, કે ન તો પોતાના બચાવમાં અન્ય કશી હરકત કરવાનું ! નજીક આવીને પેલી પ્રેતાત્માએ સાહિલના ચહેરા પર હાથ ફેરવ્યો... અને સાહિલનો ચહેરો દાઝવા મંડ્યો, જ્યાં જ્યાં સ્પર્શ થયો, ત્યાં ત્યાં જાણે કોઈએ સળગતાં અંગારા ચાંપ્યા હોય એવું લાગ્યું ! સાહિલને હવે ભયંકર પીડા થઇ રહી હતી પણ ગળામાંથી જાણે અવાજ જ ગાયબ હતો. ચહેરા પર, ડોક પર, હાથ પર... ધીમે ધીમે આખા શરીર પર લાય બળી.... એક બિહામણો અવાજ આવ્યો... અને સાહિલ ઢળી પડ્યો... નિશ્ચેત, નિસ્તેજ. જાણે શરીરમાંનું બધું જ લોહી ચૂસાઈ ગયું હોય.

સવારે સાડા છ વાગે આરવની મેસેજ ટોન વાગી. તેણે મેસેજ જોયો, સાહિલના નંબર પરથી આવ્યો હતો. '' શી ડીડ ઇટ ! '' બસ એટલું જ લખ્યું હતું, અને સાથે એક વિડિઓ હતો. આરવ તે વિડિઓ ડાઉનલોડ કરે એ પહેલાં જ વિડિઓ આપમેળે પ્લે થવાં લાગ્યો... સાહિલની કરપીણ મોતનાં દ્રશ્યો તેમાં ફિલ્માવાયા હતાં. પણ વીડિયોમાં સાહિલ સિવાય બીજું કોઈ જ નહોતું દેખાઈ રહ્યું. આરવ સફાળો ઉભો થયો, અને લગભગ દોડતો જ સાહિલના ઘરે જવા નીકળ્યો. ત્યાં પહોંચીને જોયું... અને જોતો જ રહી ગયો. તેનું હૃદય જાણે એકાદ ક્ષણ માટે ધબકવાનું ચૂકી ગયું. સામે જ સાહિલની લાશ પડી હતી. કોઈ જંગલી જાનવરે તેને ફાડી ખાધો હતો કે આગમાં દાઝીને મર્યો હતો એ નક્કી કરવું અશક્ય હતું. લાશ પર સફેદ કફન ઓઢાડેલું હતું. પણ કાળાં પડી ગયેલાં તેનાં પગ દેખાતાં હતાં. સાહિલનાં મમ્મી- પપ્પા આક્રંદ કરી રહ્યા હતાં. પોલીસ સાહિલના રૂમમાં તપાસ કરી રહી હતી, તેને શંકા હતી કે સાહિલનું ખૂન કરવામાં આવ્યું હતું. હવે પોલીસને કોણ સમજાવે કે સાહિલનો કાતિલ તેમની છાનબીન અને કાયદાથી પરે હતો !

આ દુર્ઘટનાને દસેક દીવસો વીતી ચૂક્યા હતાં. આરવ પોતાના દોસ્તની મોતને લીધે સદમામાં હતો, તેને દિવસ-રાત બસ એક જ વાત કોરી ખાતી હતી, કે તેમની નાદાન શરતે એક નિર્દોષનો જીવ લીધો હતો. આ વાતને લીધે તેનું જીવવું હરામ થઇ ગયું હતું. એક રાતે આરવ ઊંઘવાની કોશિશ કરી રહ્યો હતો. અચાનક કશોક સળવળાટ થયો, '' તેં મને ફસાવ્યો. હું પાછો આવ્યો છું, તને પણ પોતાની સાથે લઇ જવા માટે ! '' આરવે ડરના માર્યા બેડમાંથી રીતસરનો ઠેકડો માર્યો અને તરત લાઈટ ચાલુ કરી. આસપાસ કોઈ જ નહોતું, પણ રૂમમાં એક વિચિત્ર વાસ ફેલાયેલી હતી. ધીમે ધીમે એ વાસ વધતી જતી હતી. થોડીવારમાં તો રૂમમાં રહેવું મુશ્કેલ થઇ પડે એવી હાલત થઇ ગઈ. ફ્રેશ થવા માટે આરવ ઉભો થયો અને બાથરૂમ તરફ વધ્યો. નળની ચકલી ચાલુ કરી..મોઢું ધોઈને અરીસા સામે જોયું. સામે સાહિલ ઉભો હતો... “ સાહિલ ! ‘’ આરવના મોં માંથી ઉદ્ગાર નીકળ્યો. તેણે આંખો ચોળી, પણ સાહિલ ખસ્યો નહીં. ધીમે ધીમે તે અરીસામાંથી બહાર આવ્યો અને.......

બીજા દિવસે આરવની લાશ તેના બેડરૂમમાં મળી આવી. અદ્દલ એવી જ હાલતમાં, જેવી હાલતમાં સાહિલની મળી હતી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED