ઉપવાસ Pratik D. Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉપવાસ

ઉપવાસ

પ્રતીક. ડી. ગોસ્વામી

" ઓમ ત્ર્યંબકમ યજામહે, સુગન્ધીમ્...... મૃત્યોર્મૂક્ષીયમામૃતાત્.. " ભગવાનને રીઝવવાનો એક શ્લોક પૂરો થયો ન થયો ત્યાં વળી દિગંબર ગોરના શ્રીમુખે બીજો શ્લોક પ્રગટ થવા માંડ્યો " મૃત્યુંજય મહાદેવ, ત્રાહિમામ્....... પીડિતં કર્મબંધને.. " વળી ત્રીજો અને પછી ચોથો ! જ્યાં સુધી લોટામાં રહેલું બધું દૂધ દિગંબર ગોરે શીવલિંગ પર ચડાવી ન લીધું, ત્યાં સુધી શ્લોકયાત્રા ચાલુ રહી. દૂધ પછી પાણીનો વારો આવ્યો. ભગવાનનો બરાબર અભિષેક કરીને દિગંબર ગોર એક હાથમાં લોટો અને બીજા હાથે ધોતિયું સંભાળતાં બહાર નીકળ્યાં. નિજ મંદિરની ફરતે બે-ત્રણ પ્રદક્ષિણાઓ કરી. કપાળ પર વચ્ચોવચ્ચ મોટું તિલક કર્યું, અને મંદિરની બહાર પગ મૂક્યો.

" આવો આવો ગોર મારાજ ! આવો, બેસો. " પૂજારીએ ઓટલાં પર બેઠાં બેઠાં કહ્યું. દિગંબર ગોર એ તરફ ચાલ્યાં. ખભા પર ટેકવેલી પછેડીથી જરા ઓટલો છાંટયો અને પૂજારીની બાજુમાં આસન જમાવ્યું. પૂજારીએ પત્નીને ગોર મારાજ માટે ચા લાવવાની બૂમ પાડી, પછી દિગંબર ગોર સાથે વાતે વળગ્યાં.

" મારાજ, તમારા મોઢેથી શ્લોક સાંભળીએ એટલે..... આહાહા !... મન પવિત્ર થઇ જાય હોં. જાણે સાક્ષાત્ બાર જ્યોતિર્લિંગ અહીં જ હાજરાહજૂર હોય ! પણ કેમ મારાજ, આજે આવડા મોડા પડ્યા ? તબિયત-પાણી તો બરાબર છે ને ? "

"હઓ, ઉપરવાળાની કૃપાથી બધું બરાબર છે. આ તો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને, એટલે ઘરમાં પૂજા રાખી હતી. બાકી તો સૂર્યોદય પહેલાં મંદિરે ન પહોંચે એનું નામ દિગંબર ગોર નહીં ! "

" હા, હા ગોર મારાજ. તમારી ભક્તિ એટલે કહેવી પડે હોં ! " પૂજારીએ દિગંબર ગોરની હા માં હા મિલાવી. દિગંબર ગોર ગર્વિલું હસ્યાં. થોડીવારમાં ચા આવી. ચા પીને, પૂજારીને રામ રામ કરીને મહિમ્નસ્રોત બોલતાં બોલતાં ગોર મારાજ ઘરે આવવાં નીકળ્યાં. આ એમનો નિત્યક્રમ.

દિગંબર ગોર એટલે વેદ, ઉપનિષદોના જાણકાર. શાસ્ત્રો, વેદાંતના પ્રખર અભ્યાસી. ચાલીસી વટાવી ચૂકેલાં. બેઠી દાડીનું શરીર, ટૂંકું કદ, પેટ થોડું 'કદાવર' અને ચપોચપ ચોંટેલી જનોઈથી સજ્જ. ભરેલા ગોળમટોળ ચહેરા પર સોનેરી ફ્રેમવાળાં ચશ્મા, કપાળની વચ્ચોવચ્ચ સુખડ-ચંદનનું મોટું તિલક અને અડધા વેરાન માથાં પર પાછળના ભાગે ચાર ઇંચની ચોટલી. વ્યવસાયે તેઓ મામલતદાર ઓફિસમાં હેડક્લાર્ક, પણ ક્યારેક ગોરપદું પણ કરી લે.

મંદિરેથી આવીને દિગંબર ગોરે કપડાં બદલ્યાં.

" મેઘા, મારા માટે નાસ્તો ન બનાવતી, આજે મારો ઉપવાસ છે. " કહીને તેઓ ઓસરીમાં હિંચકે બેસીને છાપું વાંચવા માંડ્યા. કોઈ કોઈ સમાચાર વાંચીને તેમના મોઢામાંથી 'શીવ શીવ’ એવા ઉદગારો નીકળી જતાં. " હે પ્રભુ ! આ દુનિયાને સદબુદ્ધિ આપજે. " કહેતા તેઓ હિંચકા પરથી ઉભા થયાં અને તૈયાર થઇ ઓફિસે જવા નીકળ્યાં.

“ ઓહોહો.. શું વાત છે, ચમનલાલ, આજે તમે વહેલાં પધાર્યા ? “ દિગંબર ગોરે ઓફીસે પહોંચતાં જ રોજિંદી ટીખળ શરુ કરી.

“ મારાજ, આજે મોટા સાહેબ આવવાના છે, એટલે આપણાં બૂચ લાગ્યાં છે.. સાલ્લું ....! “

“ શીવ શીવ... સારું બોલો ચમનલાલ, આવી ભાષા આપણને ન શોભે... વધુ બોલવામાં જીભ ઘસાતી હોય તો છો ઘસાતી, પણ આપણે સારું જ બોલવું.. “

“ અરે મારાજ, હું ક્યાં કોઈ ગાળ બોલ્યો !! “

“ ભાઈ, પવિત્ર શ્રાવણ માસ ચાલે છે. આવામાં મન, કર્મ, વચન, કોઈ પણ રીતે પાપ થાય ને, તો તો નરક પણ નસીબ ન થાય. ઘેર જઈને 40 વખત ગાયત્રીમંત્રની માળા કરી લેજો. ઈશ્વર સૌ સારા વાનાં કરશે... “

દિગંબર ગોર સાથે દલીલ કરવાનો કોઈ મતલબ નથી, એમ સમજીને ચમન પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. મોટા સાહેબની આજે બહુ પંચાત હતી. બપોર સુધી સખત કામ રહ્યું. બપોર ઢળ્યાં પછી સાહેબ આરામ ફરમાવવા સિધાવ્યાં, એટલે કર્મચારીઓ થોડાં નવરા પડ્યાં.

" અરે પૂજારી ! શું વાત છે તમે આજે આ તરફ... ? " દિગંબર ગોર શ્રીધર પૂજારીને પોતાની ઓફિસમાં જોઈને બોલ્યાં.

" હા મારાજ, દીકરાનું કોલેજમાં એડમિશન કરાવવાનું છે ને, એટલે મામલતદાર સાહેબની સહી કરાવવા આવ્યો હતો. "

" મોડા પડ્યા પૂજારી. સાહેબ હમણાં જ નીકળી ગયાં. "

" ના ના, મારો ભત્રીજો અહીં જ કામ કરે છે. એને બધાં કાગળિયાં આપી દીધા. હવે કાલે એ સાહેબની સહી કરાવી લેશે. " શ્રીધર પૂજારીએ ગોરની બાજુમાં બેસતાં કહ્યું.

" હમમમ..., બીજું કંઈ કામ હોય તો બોલજો હોં, આપણી બહુ ઓળખાણ છે. " ગોરે હાંકવા માંડ્યું.

“ જી ચોક્કસ. ” પૂજારીએ વિવેક કર્યો.

" બીજું બોલો પૂજારી. ચાનો સમય થઇ ગયો છે. બોલો ચા સાથે શું નાસ્તો લેશો ? "

" મારાજ તમે સાથ પૂરાવો તો કચોરી પર હાથ અજમાવીએ. "

" અરે ના ના.. પૂજારી. તમને ખબર છે ને, આપડે તો ભોળાનાથના ભક્ત. ઉપરથી શ્રાવણ મહિનો, ને એમાંય પાછો સોમવાર. એટલે આજે તો મારો ઉપવાસ છે. અન્નનો એક દાણો પણ આજે પેટમાં ન જાય. “

“ વાહ... વાહ... મારાજ. આવાં હળહળતાં કળિયુગમાં તમારા જેવા માણસો જડવા મુશ્કેલ છે ! “

“ આપણાં પર તો ભગવાનના બારે હાથ છે. બસ, એની જ દયાથી ધરમ કરમ થતાં રહે છે. એ છોડો, તમ તમારે બિન્દાસ બોલી નાખોને, નાસ્તો શું મંગાવું ? "

" ચા સાથે કચોરી ચાલશે મારાજ..! "

“ ઠીક છે. “

પટાવાળાને ચા- નાસ્તાનો ઓર્ડર અપાયો અને ગોર મારાજ શ્રીધર પૂજારી સાથે વાતે વળગ્યાં. ધર્મની, કર્મકાંડની ચર્ચાઓ થવા માંડી. મોટા સાહેબ હવે આજે ફરકવાનાં ન હતા એટલે લાંબી દલીલો કરવામાં વાંધો ન હતો.

" એ આવું ગોરબાપા ? " દિગંબર ગોર અને પૂજારી વાત કરી રહ્યા હતા ત્યારે તેમના કાને એક અવાજ સંભળાયો.

" ઓહો નિલેશભાઈ ! આવો આવો.. " દિગંબર ગોર પોતાની ખુરશી પરથી આગંતુકને આવકારવા માટે ઉભા થઇ ગયાં. શ્રીધર પૂજારીએ પેલાં સામે જોયું. ત્રીસેક વર્ષનો એકવડા બાંધાનો માણસ તેમની સામે ઉભો હતો.

" આ લો ગોરબાપા, મનનભાઈએ આ કાગળિયાં મોકલાવ્યાં છે. જરા જોઈને સહી કરી આપજોને ! "

" અરે મનનભાઈ તો ઘરના માણસ છે. એમણે મોકલાવ્યાં, એટલે આપણે જોવાની કોઈ જરૂર જ ન હોય.. હમણાં સહી કરી આપું.. બસ ? " દિગંબર ગોરે કાગળિયાં પર અછડતીય નજર નાખ્યાં વગર ધડાધડ સહી કરી આપી.

" આ લો, સહી થઇ ગઈ. બોલો બીજું ? "

" ખૂબ ખૂબ આભાર ગોરબાપા ! આ મનનભાઈએ તમારા માટે મીઠાઈ મોકલાવી છે. " આવનારે પોતાની થેલીમાંથી એક બોક્સ કાઢ્યું, અને દિગંબર ગોર જોઈ શકે એમ થોડું ખોલ્યું. શ્રીધર પૂજારીએ એ જોયું. તેઓ બોક્સની અંદરની 'મીઠાઈ' જોઈને છક થઇ ગયાં. અંદર સો-સો ની નોટોના થપ્પાં હતાં. થોડીવાર સુધી તો તેમને માનવામાં ન આવ્યું કે હમણાં સુધી તેઓ જેના ખોબે ખોબે વખાણ કરી રહ્યાં હતાં, એ જ દિગંબર ગોર આવી રીતે ‘પ્રસાદી’ સ્વીકારી રહ્યાં હતાં. પૂજારી આમ તો ગભરુ માણસ ! છતાં તેમણે થોડી ઘણી હિંમત ભેગી કરીને પૂછ્યું.. “ મારાજ તમે આ પાપ સ્વીકારો છો ? “

“ પૂજારી આ પાપ નથી. આ તો મારા મહાદેવે બીજાની મદદ કરવાનો બદલો આપ્યો છે... “ દિગંબર ગોરે જરા મોઢું બગાડતાં કહ્યું. પૂજારી ચૂપ થઇ ગયાં.

" વાહ ! કડક છે.. કેટલાં છે ? " ધીમા અવાજે દિગંબર ગોરે પૂછ્યું.

" પૂરા પંદર છે ગોરબાપા.. ચાલશે ને ? "

" અરે મનનભાઈ આપે તો કંઈ ના પડાય ખરાં ? પણ... હું શ્રાવણ મહિનામાં પૈસાને હાથ નથી લગાડતો... એક કામ કરોને... " ગોર મારાજે થોડું વિચારીને કહ્યું. " આ બોક્સ પૂજારીને આપી દો. " તેમણે શ્રીધર પૂજારી સામે આંગળી ચીંધીને પેલાં માણસને કહ્યું.. હવે શ્રીધર પૂજારી બરાબરના મૂંઝાયા. તેમણે આનાકાની કરવાની કોશિશ કરી " ના, ના ગોર મારાજ ! તમારી અમાનત મારાથી કેમ કરીને લેવાય. !! "

" તમને લેવાનું કોણ કહે છે પૂજારી ! ઘેર જ જાઓ છો ને, તો સાથે લેતાં જજો. મારા ઘરે જઈને ગોરાણીને આપી દેજો, એટલે તમારું કામ પૂરું. આ તો શ્રાવણ માસ ચાલે છે, એટલે મારાથી આને અડી ન શકાય. બોલો, એટલું તો કરી જ શકશોને ? " દિગંબર ગોર કુટિલ રીતે હસ્યાં, સાથે સાથે પેલો માણસ પણ હસ્યો. શ્રીધર પૂજારી થોડાં ઝંખવાણાં પડી ગયાં. તેઓ ના ન પાડી શક્યાં. તેમણે પેલાં માણસ પાસેથી બોક્સ લીધું અને ઘર તરફ પગ ઉપાડ્યા.

" અરે અરે પૂજારી ! ક્યાં ચાલ્યાં ? ચા-નાસ્તો તો કરતા જાઓ... "

" મારાજ, આવડો મોટો ભાર પકડાવી દીધો છે, હવે આને ઠેકાણે પાડ્યાં વગર પાણીનો ઘૂંટડોય ગળે ઉતરે એમ નથી. ચા-નાસ્તો પછી ક્યારેક ! ચલો, રામ રામ. "

" ઠીક છે. રામ રામ. જો જો હોં, તમારા પર ભરોસો મૂકું છું. ઘરે જઈને ગોરાણીને રૂબરૂ આ બોક્સ આપી દેજો.. "

" હા જરૂર.. " કહીને શ્રીધર પૂજારી ઝડપથી બહાર નીકળી ગયાં.

" મૂઓ, ખરેખર 'દિગંબર' નીકળ્યો. પોતે તો પાપ કરે જ છે, ઉપરથી મને પણ ભાગીદાર બનાવી દીધો.. હે ઈશ્વર, માફ કરજે ! " પૂજારી મનોમન બબડી રહ્યાં હતાં. આખા રસ્તે તેમણે દિગંબર ગોરને ગાળો ભાંડયાં કરી.

ગોર મારાજના ઘરે બોક્સ પહોંચાડીને તેઓ ધૂંધવાતા મને ઘરે પહોંચ્યા. ઘરે આવીને સીધા મંદિરે ગયાં. તેમનું ઘર મંદિરની સાવ લગોલગ જ હતું. પોતાના ગુના બદલ ઈશ્વર પાસે માફી માંગી, કેટ કેટલીય વિનવણીઓ કરી..થોડીવારે શ્રીધર પૂજારીનું મન શાંત થયું. બહાર આવીને મંદિરના ઓટલે બેઠાં.

" એ સાંભળો છો ? જરા અહીં આવો તો. " પત્નીએ ઘરમાંથી સાદ દીધો.

" બોલો, શું કામ પડ્યું ? " શ્રીધર પૂજારીએ ઘરમાં જઈને પૂછ્યું.

" સાંભળો, કાલે આપણી સોસાયટીની બધી દીકરીઓ વહેલી સવારે પૂજા કરવાની છે, એટલે વહેલા ઉઠીને બધી તૈયારીઓ કરવી પડશે. "

" એ બધું તો ઠીક છે, પણ પૂજા કરાવશે કોણ ? " પૂજારીએ કહ્યું.

" અરે કોણ શું ? દિગંબર ગોર જેવા વિદ્વાન બ્રાહ્મણ હોય, તો બીજા કોઈ પંડિતને ગોતવા જવાની શી જરૂર છે ? એ તમારા મિત્ર થાય ને, એમનાથી જરા ફોન પર વાત કરી લેજો.. !!! "

" હા, હા બહુ મોટા વિદ્વાન છે. હું તો આજે રૂબરૂ એમની ‘વિદ્વતા’ જોઈ આવ્યો.. " કચવાતાં મને શ્રીધર પૂજારી ધીમું બબડ્યાં...

સમાપ્ત