કિંમત
આખા ઘર માં આજે તો આનંદ અને ઉલ્લાસ નું વાતાવરણ છવાઈ ગયું હતું। ઘર ના બધા જ સભ્યો ખુશખુશાલ હતા. આખરે ઘર નો એક દીકરો આજે ડોક્ટર બની ગયો હતો. હા, ગઈકાલે જ આશુ નું એમ.બી.બી.એસ નું રિઝલ્ટ આવ્યું અને એ ફર્સ્ટક્લાસ સાથે પાસ થઇ ગયો અને દીકરો ડોક્ટર બની ગયો.
સુરેશભાઈ એ પોતાનો દીકરો ડોક્ટર બની ગયો એની ખુશી માં સાંજે ઘેર પાર્ટી રાખી છે.
લાભુ બેન અને દેવ શંકર ને ત્રણ દીકરા। સૌથી મોટો દેવેશ, બીજા નંબર નો સુરેશ અને સૌથી નાનો નરેશ.
'દેવેશ આજે આ દુનિયા માં નથી, પણ જો એ હોત તો સૌથી વધારે ખુશ એજ હોત। ', લાભુ બેન માળા ગણતા ગણતા વિચારી રહયા હતા.
પોતાના જીવતા જીવ એમને જુવાન દીકરો ખોયો હતો એનું દુઃખ એમના હૃદય ને સતત કોરી ખાતું હતું। વચલો દીકરો સુરેશ અને વહુ સુષ્મા, એમને એક દીકરો આશય અને દીકરી આશના. નાના દીકરા વહુ નરેશ અને નલિની ના સંતાનો રાધા અને રિતેશ. આમ, આટલા ભર્યા ભાદરા કુટુંબ માં બે વ્યક્તિ ની ખોટ હતી. વ્હાલસોયો દીકરો દેવેશ અને એના પિતા શંકર લાલ.
'અરે, બધા મહેમાનો નું લીસ્ટ બની ગયું કે નહી ?, જો જો મારી કોઈ બહેનપણી બાકી ના રહી જાય. બધા ને ફટાફટ ફોન કરી ને આમંત્રણ આપી દેજો. આખરે ઘરમાંથી કોઈ પહેલો દીકરો ડોક્ટર બન્યો છે. સુરેશ, જયારે આપણે બહાર જઈશું ત્યારે લોકો કહેશે જુઓ આ ડોક્ટર આશય ના મમ્મી પપ્પા છે. આપણા દીકરા એ તો આપણું નાક ઊંચુ કરી દીધું.' સુષ્મા હરખઘેલી થઇ ને પતિ ને સાંજ ની પાર્ટી માટે ની તૈયારી માં મદદ કરી રહી હતી. અને હા દેવેશ ભાઈ નો ફોટો આજે ડ્રોઈંગ રૂમ માં રાખીશું અને એની ઉપર સુખડ નો નવો હાર ચઢાવીશું। ભાઈ પણ ઉપર બેઠા બેઠા આપણા આશય ને આશીર્વાદ આપશે.
સાસુ લાભુ બેન ને બીજા રુમ માં બેઠા બેઠા વહુ સુષ્મા ની બધી જ વાતો સંભળાતી હતી. એવું ન હતું કે એમને પોતાનો પૌત્ર ડોક્ટર બન્યો એની ખુશી ન હતી પણ એ જાણતા હતા કે ભૂતકાળ ના પાયા પર વર્તમાન ની ઇમારત મજબૂત બની છે અને ભવિષ્ય ની કેટલીક દિશાઓ પણ નક્કી થઇ જશે
છેલ્લા પાંચ વર્ષ માં એક દિવસ પણ એવો ન’તો ઊગ્યો કે એમને પોતાના દીકરા દેવેશ ને યાદ કરી ને આંખ ભીની ના કરી હોય.
આજે પણ હાથ માં માળા અને આંખ માં આંસુ સાથે લાભુ બેન ભૂતકાળ ની યાદો માં સરી પડયા.
પોતે પરણી ને આ ઘર માં આવ્યા ત્યારે શું હતું? શંકરભાઈ ને આછી પાતળી નોકરી હતી. બે નાના દિયરો ભણતા હતા, દેવતા જેવા સાસુ સસરા હતા. શંકરભાઇ સવાર થી સાંજ સુધી નોકરી કરતા અને સાંજ પછી એક બે ટ્યુશન કરતા. પોતે પોતાની હોશિયારી અને કરકસર થી શંકરભાઇ ના આછા પગાર માં આખો મહિનો ચલાવતા. ધીમે ધીમે એમનો પણ વસ્તાર વધતો ગયો.
પહેલા દેવેશ પછી સુરેશ અને પછી નરેશ એમ વારાફરતી ત્રણ દીકરા ની મા બન્યા. સમય જતા દિયરો પણ ભણી ગણી ને વેપાર ધંધે વળગ્યા અને બધા એ પોતપોતાના ઠેકાણા શોધી લીધા.
ઘર માં પૈસા ની હમેંશા તાણ રહેતી. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ માં પણ પોતે ઘર ના બધા જ વ્યવહાર સાચવ્યા. છેલ્લા સમય સુધી ઘરડા સાસુ સસરા ની સેવા કરી.
લાભુ બેન ના ત્રણેય દીકરા ભણવામાં હોશિયાર હતા. એમાંય મોટો દેવેશ તો એકદમ તેજસ્વી.
નાનપણથી જ દેવેશ નો સ્વભાવ સવેંદનશીલ. કોઈ પણ વસ્તુ જલ્દી થી એના મન માં ઘર કરી જાય. સુરેશ અને નરેશ ગામ ને પહોંચી વળે એવા સ્વભાવ ના પણ દેવેશ એટલો જ ભલો અને લાગણીશીલ. બાળપણથી જ એને નક્કી કર્યું હતુ કે મોટો થઇ ને એ ડોક્ટર બનશે, અને એના માટે પોતે ખૂબ મહેનત કરતો હતો. તન-મન લગાવીને એકાગ્રતા થી ભણતો હતો.
ઘર માં સૌથી મોટો દીકરો એટલે બધાની અપેક્ષાઓ પણ એના ઉપર વધારે હતી.
પણ, જયારે બારમા ધોરણ નું રિઝલ્ટ આવ્યું ત્યારે દાક્તરી ના એડમિશન માટે થોડાક જ માર્ક ઓછા પડયા અને એને કોઈ દાક્તરી કોલેજ માં એડમિશન ના મળ્યું। જે સપનું એ નાનપણથી જોતો આવતો હતો એ અધુરુ રહી ગયું
આ વાત એના મગજ પર એટલી બધી હાવી થઇ ગઈ કે એને મગજ પર નું સંતુલન ખોઈ દીધું।.બસ, આખો દિવસ એવું જ બોલ્યા કરે કે ,'આવું કેવી રીતે બને કે મેં આટલી બધી મહેનત કરી તોય મને એડમિશન કેમ ના મળ્યું?..., કેમ ના મળ્યું?'
કયારેક આકાશ તરફ મીટ માંડી કાંઈક વિચાર કરે નહિ તો પછી એકલો એકલો કાંઈ ને કાંઈ બબડાટ કર્યા કરે. પોતે અને એના બાપુજી એ પણ દેવેશ ને ઘણુ સમજાવ્યો કે કાંઈ વાંધો નહિ દીકરા, જીવન માં કાંઈ -કેટલા એવા ક્ષેત્રો છે કે જેમાં તું નામ કમાઈ શકીશ, પણ દેવેશ આ વાત સ્વીકારવા તૈયાર જ ન હતો, તે હાર પચાવી ના શક્યો અને ધીમે ધીમે એના મગજ નું સંતુલન સાવ જ ખોઈ બેઠો.
પોતે દીકરા માટે ઘણી યે દવાઓ કરી, દુઆ ઓ કરી, બાધા -આખડીઓ રાખી પણ દેવેશ ના વર્તન માં અણી સરખોય સુધારો જોવા ના મળ્યો.
પછી તો ઘણીવાર ઘર માં નાના મોટા તોફાન કરતો, ઘર ની વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકી દેતો, ઘર માં નુકસાન કરતો. ઘણીવાર એના બાપુજી આવડા મોટા છોકરા પર હાથ ઉપાડતા ત્યારે પોતાનો જીવ કળી એ કળી એ કપાતો. આખરે એ મા નો જીવ હતો ને!
દીકરા ને ઘણીવાર પોતે પ્રેમ થી સમજાવતા ત્યારે દેવેશ એમને બસ ધારી ધારી ને જોયા જ કરતો, જાણે એની ખુલ્લી આંખો ઘણું બધું કહેવા ઇચ્છતી પણ એ કહી શકતો નહી.
જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ બીજા દીકરા ઓ પણ મોટા થતા ગયા અને ભણી-ગણી ને નોકરી ધંધે વળગ્યા. નાના બે ભાઈ ઓ ને મન તો મોટો ભાઈ ગાંડો જ હતો. પિતા શંકરલાલ ને પણ હવે દેવેશ બોજારૂપ લાગતો.
નાના બે દીકરાઓ થોડું ઘણું કમાઈ ને બાપ ને આપતા એટલે એ દીકરાઓ વ્હાલા લગતા જયારે દેવેશ ખાલી રોટલા તોડતો એટલે એમને મોટો દિકરો નકામો લાગતો.
સમય જતા બે નાના ભાઈઓ ના લગ્ન થયા અને ઘર માં વહુઓ આવી. વહુઓ ને મન તો પોતાનો મોટો જેઠ ઘર નો એક નકામો સામાન જ હતો.
બે નાના ભાઈઓ અને એમની વહુઓ અને શંકરલાલ પણ વાંકે- વગર વાંકે દેવેશ ને વાતવાત માં છણકા છાકોટા કરતા, મહેણા-ટોણા મારતા. વહુઓ તો કયારેક જેઠ ને જમવા પણ વધેલુ -ઘટેલુ જ આપતા.
પોતે બધુ જ જોતા-જાણતા પણ લાચાર હતા. પોતાનો વર જ જયારે પોતાના પક્ષ માં ન હતો ત્યારે દીકરા-વહુ ને તો શું કહેવું? દેવેશ માટે એમને બહુ જીવ બળતો પણ એ બાપડા કાંઈ કરી શકતા નહી. કયારેક તો આટલો મોટો દીકરો પોતાના ખોળા માં માથુ મૂકી ને સૂઈ જાય ત્યારે એમની આંખોમાંથી અશ્રુધારા વહેતી જાય અને હૈયુ છલકાઈ ઊઠે.
પછી તો બીજા દીકરાઓ ના ઘરે ય સંતાનો થયા. વસ્તાર ધીમે-ધીમે વધતો ગયો પણ ઘરની આવક માં ખાસ કાંઈ વધારો થયો ન હતો.એજ રીતે દેવેશ ના વર્તન માં પણ જરા સરખો ય સુધારો થયો ન હતો.
એ અરસામાં બે ત્રણ મહિનાની માંદગી પછી એમના બાપુજી પણ સ્વર્ગે સિધાવી ગયા હતા.
સુરેશ અને નરેશ ના સંતાનો જયારે ભણવા બેસતા ત્યારે દેવુકાકા એમને બસ ધારી ધારી ને જોયા કરતા. એમના મગજ માં શું ચાલી રહ્યું હતું એ તો કોઈ ને ક્યાં ખબર પડે?
કયારેક વળી છોકરાઓ ની ચોપડીઓ ના પાના ય ફાડી નાખતા ત્યારે ઘર માં કાળો કકળાટ મચી જતો. આશય સિવાય ના ત્રણેય બાળકો દેવુકાકા ને રીતસર ધૂત્કારતા.
સુરેશ ના દીકરા આશય નો સ્વભાવ એકદમ એના દેવુકાકા જેવો જ. ખૂબ જ સમજુ અને લાગણીશીલ. એને એવુ જરાય ગમતું નહી કે કોઈ દેવુકાકાની મજાક મશ્કરી કરે કે એમને જેમતેમ કડવા વેણ સંભળાવે.
આશય એના કાકા જેવો જ ભણવામાં હોશિયાર નીકળ્યો. એનું પણ સપનું હતું કે મોટા થઇ ને ડોક્ટર જ બનવું છે. એના માટે એ રાત દિવસ એક કરી ને ભણતો હતો.
'હમણાં કેટલાય વખત થી દેવુકાકા એકદમ ડાહ્યા-ડમરા થઇ ગયા છે, કોઈ જાત નું તોફાન કરતા નથી કે નથી કોઈ ચોપડીઓ ના પાના ફાડતા.' આશય મન માં વિચારી રહ્યો હતો. કેમ ભગવાને એમની સાથે આવું કર્યું?...શું વાંક હતો એમનો?...'કઈ નહી કાકા, તમે જોયેલું સપનું હું પૂરુ કરીશ.', એને મનમાં જ નક્કી કરી લીધું.
અને આશય ની બારમા ધોરણ ની પરીક્ષાઓ પણ પતી ગઈ હવે બસ પરિણામ ની રાહ જોવાની હતી.
લાભુ બેન ને ઘણા વખત થી ઈચ્છા હતી કે ઘર ના બધા સભ્યો એકવાર ચારધામ ની જાત્રા એ જઈએ. પણ કોઇ ને કોઈ કારણ આવી જાય એટલે વાત ત્યાંથી જ અટકે.
પણ, આ વખતે છેવટે નક્કી થયુ કે ઘરના બધા સભ્યો તો નહી પણ આશય, લાભુ બા અને દેવુકાકા ને લઇ ને ચારધામ ની જાત્રા એ જશે. આમે ય હવે આશય ને હવે વેકેશન જ હતું.
વર્ષો પછી લાભુ બા ની અધૂરી ઈચ્છા પૂરી થઇ રહી હતી. દેવેશ ને પણ ટ્રેન માં બેસવા મળશે અને આશય પણ પરીક્ષાનો ભાર ઊતારી વેકેશન માણી રહ્યો હતો એટલે ત્રણે ય જણા એમની રીતે બહુ જ ખુશ હતા.
સુરેશે ત્રણેય જણા ના પ્રવાસ ની બધી જ વ્યવસ્થા કરી દીધી હતી. અને અમે હેમખેમ હરિદ્વાર પહોંચી ગયા. યમનોત્રી, ગંગોત્રી દર્શન થઇ ગયા હતા. પછી બીજા દિવસે કેદારનાથ પહોંચ્યા હતા.
ત્યાં અચાનક આભ ફાટ્યુ અને વરસાદ તૂટી પડયો. આંખ ના પલકારા માં તો આખું શહેર પાણી થી જળબમ્બાકાર થઇ ગયું. કુદરતે કાળો કેર સર્જ્યો. ચારે બાજુ પુર નાં પાણી ધસી આવ્યા. લાખો લોકો ના માલ નું નુકસાન થયું અને હજારો લોકો ની જાન ગઈ.
અને એમાં એક નામ દેવેશ નું હતું. હા, મેં અને આશય બંને એ બે બાજુ દેવેશ ની આંગળી પકડી રાખી હતી પણ પાણી ના ધસમસતા પ્રવાહ સામે અચાનક દેવેશ ની આંગળી છૂટી ગઈ અને પોતાની નજર સામે દીકરો પાણી માં વહી ગયો અને પળવારમાં હતો ન હતો થઇ ગયો.
આજેય પણ દીકરા ને યાદ કરી ને એમનાથી એક મોટું ડૂસકું નંખાઈ ગયું પણ એમનો અવાજ સાંભળવા આજુબાજુ કોઈ ન હતું.
'અરે, બા તમારી માળા પતી કે નહી?', સુષ્મા નો અવાજ સાંભળી ને લાભુ બા એ આંખ ના ભીના ખૂણા સાડલા ના છેડા વડે કોરા કર્યા. 'બા, તમે જલ્દી તૈયાર થઇ જજો, હવે બધા આવતા જ હશે.' વહુ ના અવાજ થી ભૂતકાળ માં થીએ વર્તમાન માં પાછા આવી ગયા.
ધીમે ધીમે એક પછી એક મહેમાનો ના આગમનથી ઘર ભરાવા લાગ્યું. આશય ઉપર અભિનંદન અને ફૂલો નો વરસાદ વરસવા લાગ્યો.
એટલામાં જ સુષ્મા ની ખાસ બહેનપણી સરોજ નું આગમન થયું.
'અલી, સુષ્મા, ..આ તો તારા એ જેઠ નો ફોટો છે ને જે ગાંડો હતો, તો આનો આવડો મોટો ફોટો અહીં કેમ મૂક્યો છે?', ઘર માં આવતા ની સાથે જ સરોજ સુષ્મા ની આગળ પાછળ ગણગણવા માંડી.
'અરે, જરાક ધીમે બોલ, તને કદાચ ખબર નથી પણ દેવેશ ભાઈ જતા જતા અમારી જિંદગી સુધારતા ગયા. બારમા ધોરણ માં આશય ને ગવર્મેન્ટ કોલેજ માં એડમીશન માટે થોડાક ટકા ઓછા પડયા એટલે પેમેન્ટ સીટ પર જ એડમીશન મળે એમ હતું. પણ, તું તો જાણે જ છે ને અમારી સ્થિતિ .અમારું તો કોઈ ગજું હતુ નહી, મેડિકલ માં એડમીશન માટે આટલા પૈસા લાવવા ક્યાંથી એ જ મોટો પ્રશ્ન હતો, પણ અણધારી કુદરતી આફત માં મોટાભાઈ નું મૃત્યુ થયું એમાં સરકારે મૃતક ના પરિવાર ને મદદ કરવાની જાહેરાત કરી. એમાં બે ત્રણ જગ્યા એ થી સરકાર ની મહેરબાની થી થોડા ઘણા રુપિયા મળી ગયા અને અમને આશાનું એક કિરણ દેખાયું. છેવટે દેવેશ ભાઈ ના આયેલા રુપિયા થી આશય નું મેડિકલ માં એડમીશન થયું। જીવતે જીવ તો એ કઈ કામ ના ના હતા પણ એમના મૃત્યુ એ અમારું જીવન સુધારી દીધું અને આજે મારો દીકરો ડોક્ટર બની ગયો.
દેવેશ ભાઈ હોત તો સૌથી વધારે એ જ ખુશ થાત.', છેલ્લુ વાક્ય સુષ્મા જરાક મોટે થી બોલી જેથી બધાને સંભળાય.
'અરે ગાંડી , આજે મારા દીકરા ના પ્રતાપે તો તારો દીકરો ડોક્ટર બની શક્યો છે. જો એ આજે જીવતો હોત તો એના જીવન માં તમારા બધા ના પગ ની ઠોકર જ હોત. જતા જતા પણ મારો દીકરો તમને બધા ને તારી ને ગયો છે .તસવીર માં પ્રાણ નથી હોતા, પણ કેટલીક વાર ઘરમાં ટાંગેલી એક છબી ઘર ના દરેક સભ્યો ને જીવાડે છે...',બંને બહેનપણી ની વાતો સાંભળી ને દીકરા ના ફોટા સામે જોતા જોતા લાભુ બા મનમાં જ ગણગણ્યા.
***