Paanch Tunki Vartao books and stories free download online pdf in Gujarati

પાંચ ટૂંકી વાર્તાઓ

પાંચ ટૂંકી વાર્તાઓ

1 પ્રેમમાં ઘાયલ કવિનો જવાબ

ધોધમાર વરસતા વરસાદમાં એક વ્યક્તિ ધાબાના છજા નીચે ઊભો રહી વર્ષાઋતુનું દ્રશ્ય માણી રહ્યો હતો. તાજેતરમાં જ તેની પ્રેમિકાએ તેના હ્રદય પર બ્રેક-અપનો છરકો કરી ઘાયલ કર્યો હતો. ઘવાયેલા પ્રેમની વેદના પેન થકી કાગળ પર ઉતારવા જતો હતો ત્યાં જ....

પાડોશીનો પાંચ વર્ષનો નાનકડો બાબલો નાગડોપુંગડો થઈ દોડતો વરસાદમાં નહાવા ધાબામાં ધસી આવ્યો. એને જોઈને ઘવાયેલા પ્રેમીના હોઠ પર આછું સ્મિત રેલાયું... અને ફરી પાછી હૈયાની ઘવાયેલી લાગણીઓએ તેના મુખભાવ પર વિષાદનો વંટોળ ફૂંક્યો; અને આછું સ્મિત વિલાઈ ગયું.

નાગડાપુંગડા બાબલાએ ઠેકડા મારતા પૂછ્યું, “અંકલ અંકલ... આ વાદળોમાંથી વરસાદ કેમ વરસે છે?”

ઘાયલ કવિએ ઉદાસ ચહેરે આકાશ તરફ નજર ઉઠાવીને કહ્યું, “વરસાદ વરસતો હોય છે, કારણ કે વાદળો તેનું વજન ઝીલી શકતા નથી, બકા...” કહેતા જ પ્રિયેની યાદમાં ધ્રુસકું મુકાઇ ગયું.

ઠેકડા મારતો બાબલો ઘાયલ કવિને રડતો જોઈને ગંભીર થવાને બદલે ઉત્સુક બન્યો... તેણે તાલમાં આવી ભોંય પર આળોટતા પૂછ્યું, “અને આંસુઓ? બહાર આટલો વરસાદ વરસે છે તો પણ આંસુઓનો વરસાદ કેમ આવતો હશે...?”

તાજા જ ઘાયલ હ્રદયના ઘામાં કવિએ કલમ ઝબોળી. આંસુઓનો દડદડ વહેતો પ્રવાહ વરસાદમાં વહાવી દેવા, તે બે ડગલાં આગળ ચાલી વરસાદમાં પલડવા લાગ્યો. તેણે બંને હાથ ફેલાવી કાવ્યાત્મક અંદાજથી જવાબ આપ્યો, “આંસુઓનો વરસાદ વહેવા લાગે છે, કારણ કે તરછોડાયેલા સંબંધનું દુ:ખ હ્રદય વધુ સહન કરવા તૈયાર નથી હોતું...”

કહીને પોક મૂકી રડવા લાગ્યો. જાણે વાદળું ફાટ્યું હોય એવા રુદનના કડાકા અને ધોધમાર આસું સાથે હ્રદય ખાલી કરી દીધું.

***

2 માર છૂટાછેડા જોવ છ, બસ!

“તન પરણ્યો એ મારા જીવનની મોટી ભૂલ કરી મી.” દાદાએ પસ્તાવો કરતાં દાદી પર ગુસ્સો ઠાલવતાં કહ્યું.

“હા હવે, રાડ્યું પાડવાનું રેવાદ્યો! તમાર હગલું બલડ પેસર (બ્લડ પ્રેસર) ચડી જશે ઓવ!” ડર બતાવીને દાદીમાએ દાદાને ઠંડા પાડવા કહ્યું.

“ભલ ચડી જતું મૂઉં...! તું મારા જોડે પરણી જ ચમ? માર છૂટાછેડા જોવ છ!” હાંફતી છાતીએ ઉધરસ ખાતા કહ્યું.

“છૂટાછેડા? અત્યારે? આ ઉંમરે? ચસ્કી ગ્યું સ ક શુ!”

“ઓવ, ચસ્કી ગ્યું સ! તારા જોડ્ય રઇન!! માર છૂટાછેડા જોવ સ બસ !” દાદાએ તેમની જીદ પર અડી રહીને કહ્યું.

“પણ આ ઉંમરે મું ક્યો જોય? કૂણ મન રાખશે??”

“એ બધું મું કશું નો જોણું! માર છૂટાછેડા જોવ એટલ જોવ, બસ! ગળ હુધી આઈ ગ્યો સુ તારાથી તો!” ઉધરસ ખાતા ખાતા કહ્યું.

“ઓસી બીડીયો ફૂંકતા હોવ તો! કફથી બળ્યો ફેફસોયે ભરઈ હેડ્યો સ. હેઠા બેહીન ઉદરો ખો... અમણો ચ્યોક ગડથોલું ખાઈન હેઠા પડશો તો બાપ ઉપાધીના પોટલાં થશી!”

“નહીં બેહવું માર!”

“હારુ તાણ, ઊભા રો, માર હુ? મું તો આ બેહી... હાય રોમ... આ કેડય તો અવ આઈ રઈ સ...” કેડે હાથ મૂકીને દાદીમા ખાટલામાં બેસ્યા, પછી કહ્યું, “...ઊભા છો તે લોબા હાથે પેલા ગોખલામોથી મારી ડાયાબેટીકની ડબલી આલો”

“ચમ તે? આજ હવારમો ભૂલી જઈ ’તી?”

“ઓવ, આજ બળ્યું યાદ જ નો આયુ! અવ પે’લા જેવુ ચ્યો યાદ રે સ...”

“થોડીક ગળી હાહ (થાક) ખા. તાર માટ સૂપ-બુપ હોય તો બનાઇન લાવું સુ...”

દાદા રસોડામાં જઈને ગરમાગરમ ટોમેટો સૂપ બનાઇને લાવ્યા. વરાળ નીકળતા બાઉલમાં ચમચી સૂપ ભરી, ફૂંક મારી, દાદીના લગભગ બોખા જેવા મોંમાં મૂકીને પીવડાવ્યો – સાથે સાથે દાદાનું બોખું મોં પણ જરાક ખૂલી ગયું. દાદીએ હોઠ પર ઊતરતો રેલો લૂછતા સ્નેહપૂર્વક કહ્યું,

“અવ બોલો, તમાર જેટલી હારહંભાળ આ ઉંમરે બળ્યું કુણ રાખ મારી? રહોડાનું અડધુંઅડધ કોમ તો તમે જ કરી આલો સો!” દાદીમાએ મીઠા રોષમાં કહ્યું.

દાદાએ બીજી ચમચી સૂપ ભરી. ફૂંક મારીને દાદીની હડપચી નીચે હથેળી રાખીને સૂપ પીવડાવતા કહ્યું, “કોમ મોડુવેલું થાય તો ચાલ, પણ દવા ટેમ સર લઈ લેવાની. મું નઇ હોવ ત્યાણ કુણ યાદ દેવરાવશે તન?”

“નઇ હોવ ત્યાણ ક્ન! તમાર પેલા મું ઊકલી જઉં તો! હવારો મો ચા પીન તમે બી.પીની ગોળી લીધી?”

દાદાએ ઝીણી આંખો કરીને વિચાર્યું, પછી કહ્યું, “ઉમ્મ... આજ રઈ જઈ સ... અમ્ણો લઉં સુ.”

દાદી બોખું હસી પડ્યા. દાદાએ હવામાં ઊંચકેલી ચમચી પાછી વળતી કરી દાદાના મોંમાં મૂકી તેમને સૂપ પીવડાવ્યો.

દાદા ખડખડ હસી પડ્યા. બોખું જડબું હલાવતા બોલ્યા, “તારા વન્યા મારુંયે કુણ ધ્યોન રાખ?”

“છૂટાછેડા જોવતા ’તાન તમાર? હં...”

“શું... કીધું?”

“અવ બેરા થઈ જ્યા? ચ્યમ? છૂટાછેડા લેવા સન?” દાદીએ જરાક ઊંચા અવાજે કહ્યું.

“ના બાપ! તારા વન્યા મું હુ કરોય? ઝઘળવા હારુ કોક તો જોવક!”

“છૂટાછેડા લેવાનું ભૂત ચડ્યું ’તુંન તે?”

“એતો ઉંમરે થઈ એટ્લે! નકર ચ્યારનાયે લઈ લીધા હોત! ઓવ...”

“ખબર સ બધીયે ઓવ... બીપીની ટીકળી હંભારીન લઈ લો અવ... નકર પાસા ભૂલી જસો...”

(બંને એકબીજા વિના એક પળ જુદા નથી રહી શકતા, છતાં તેમની આવી મીઠી નોકજોક એંસીનો ઉંબરો વટાવી ચૂકી છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ હજુ પણ તેમના ઘરડા હૈયામાં યુવાન બની ધબકે છે.)

***

3 મોંઘા હોવાની ચર્ચા...

“દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ કઈ...? બોલો બોલો...” કોહિનૂર ડાયમંડે કોલર ટાઈટ કરી અહંમનો રણકો ખણકાવતાં અવાજમાં પૂછ્યું.

“અબે ઓય...! સબસે બડી મહેંગી ચીજ અપુન હેં.... સમજા ક્યા?” રાફેલના પેઇન્ટિંગે ચારેય ખૂણા સીધા કરી ચર્ચામાં અભિમાનનો સ્ટ્રોક માર્યો.

“ઓય પેઇન્ટિંગવાલી...! ચલ નિકલ નિકલ યહાં સે...! મેરેસે મહેંગી ચીજ કોઈ હોઇચ નહીં શકતી...” ગોલ્ડન ડિલિસિયસ નામના પર્ફ્યુમે અભિમાનનું અત્તર છાંટતા કહ્યું.

“જી બિલકુલ...” પડદા પાછળથી એકદમ નમ્ર અવાજમાં એક જવાબ આવ્યો. “બેશક! તમે બધા જ મોંઘેરા છો. મારું મૂલ્ય તો આમ જોવા જઈએ તો કશું જ નથી, પણ મને કમાવવા કરોડો કે ખરબોપતિને પણ વર્ષોના વર્ષો લાગે છે....”

ડાયમંડે ઝઘારા મારતો તોબારો ચડાવી ભભૂકતા અવાજે કહ્યું, “કોણ છે તું...? બહાર નિકળ... દેખું તો ખરો કયો માયનો લાલ બકી રહ્યો છે...?! હુંશિયારી ઠોક્યા વિના પડદા પાછળથી બહાર નીકળ...!”

પડદા પર પથરાયેલો પડછાયો સરકીને ત્યાંથી બહાર ચાલવા લાગ્યો.

“ઓય ફટ્ટુ...! જાતા કહા હે.... રુક....! તેરી તો....” કહી પેઇન્ટિંગે તલવારનું રૂપ ધારણ કરી પડદો ચીરી નાંખ્યો.

બહાર ઉભેલા ચોકીદારના કોલર ઝાલીને તેને ઉપર ખેંચ્યો. ખુન્નસ ચડેલા સ્વરે પૂછ્યું. “કોણ હતું એ... ભસ સાલા...“

મરક મરક હસતાં ચોકીદારે કહ્યું : સાહેબ, એતો ‘Trust’ સર હતા....”

“ગુજરાતીમો ભસ...!!”

“વિશ્વાસ સર હતા એ... એમને સાચું જ તો કહ્યું હતું. તમે બધા મોંઘા છો, પણ પૈસાદાર લોકો તો તમને તરત પૈસાથી ખરીદી શકે છે; અને ઈચ્છે ત્યાં ચોંટાડી મૂકે છે. જ્યારે લોકોના દિલમાં બિરાજેલો ‘વિશ્વાસ’ કમાતા વર્ષોના વર્ષો લાગી જતાં હોય છે. ખરું મોઘેરું મૂલ્ય તો એમનું જ કહેવાય ને! ‘વિશ્વાસ’ને લોકોના દિલમાંથી ગુમાવતાં એક ક્ષણેય થતી નથી... તમારા જેવી મોંઘેરી વસ્તુ તો સાહેબ ખરીદાઇ ગઈ પછી થોડા દિવસોમાં એનો કેફ ઉતરી જાય. જ્યારે ‘વિશ્વાસ’માં પ્રામાણિક્તા ભળે એમ એમ એનો કેફ વધતો જાય... મોંઘેરી વસ્તુઓના ભાવ કરતાં લોકોની લાગણીઓનો ભાવ વધુ મૂલ્યવાન હોય છે... તમે આ રીતે મારો કાઠલો ઝાલીને મને ઊંચો કર્યો એ પછી તમે જ વિચારો... તમારી કિંમત મારા દિલમાં કેટલાની થઈ ગઈ હશે...?”

કોડીની કિંમત કરી નાંખતો જવાબ સાંભળીને પેઇન્ટિંગે તરત જ ચોકીદારને હેઠો મૂકી દીધો. ચોકીદારે તેના કોલર સીધા કર્યા.

વીલું મોંઢું થઈ ગયેલા પેઇન્ટિંગે ભોંઠા પડેલા ચહેરે પૂછ્યું, “માફ કરજો.... પણ, તમારી તારીફ...?”

જરાક હસીને ચોકીદારે કહ્યું, “નિખાલસભાઈ.... જે હોય એ ચોખ્ખું કહી દેવું એ તો મારો સ્વભાવ છે... તમારી કિંમત તમને કરાવી એનું ખોટું તો નથી લાગ્યું ને તમને બધાને?”

ત્રણેયે વિલા મોઢે તેને તાકી રહ્યા...

***

4 લવ એટ ફર્સ્ટ સાઇટ!

એમણે મને પૂછ્યું “ડુ યુ બિલિવ ઇન લવ એટ ફર્સ્ટ સાઇટ?”

મનમાં તેનો ચહેરો યાદ આવતા મારા હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું.

હસતાં હોઠે મેં કહ્યું, “યસ... આઈ ડુ. જ્યારે પહેલીવાર આંખો ખોલી ને મોમનો ચહેરો જોયો હતો, ત્યારથી હું તેના પ્રેમમાં છુ. શી ઈઝ મોર ધેન વર્લ્ડ ટુ મી...”

***

5 હેપ્પી એન્ડિંગ ફેન્ટસી

“મહેંક, કેમ તું હંમેશા ‘હેપ્પી એન્ડિંગ’ વાળી જ લવ સ્ટોરીઝ વાંચવાનું પસંદ કરે છે.” ફ્રેન્ડે તેને પૂછ્યું.

“એવા અનુભવમાં હોવાની ફિલિંગ્સ ક્યારેય રિયલ લાઈફમાં શક્ય નથી બની એટ્લે...”

***

લેખક – પાર્થ ટોરોનીલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED