મારું સ્વપ્ન Gopal Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારું સ્વપ્ન

જે read કરશે, એ જ lead કરશે’ એવું મે મહિનામાં યોજાયેલ અમદાવાદ બુક ફેરમાં GS TV ના એંકરીંગ વખતે જય વસાવડા દ્વારા વારંવાર ઉચ્ચારાયેલ બ્રહ્મવાક્ય દિલમાં ઉતારવા જેવું ચોક્કસ છે. પુસ્તકનો પ્રકાશ સંકુચિત માનસના ખાબોચીયામાંથી ઉપાડીને વિશાળતાના સમંદર સુધીનો પ્રવાસ કરાવી શકે છે.

બુકસ્ટોલમાં સૌથી વધુ વેચાતા પુસ્તકો જો કોઈ હોય તો એ પ્રેરણાત્મક પ્રકારના છે જેમાં તમને કરોડપતી પણ બનાવી શકે છે અથવા તમારામાં અદમ્ય આત્મવિશ્વાસ ભરીને સફળ બનાવી દેવાના દાવા પણ કરવામાં આવતા હોય છે. આમાં મોટાભાગના કિસ્સામાં પ્રકાશકો/લેખકો જ પૈસાદાર બનતા હોય છે. રીયલ ઈંસ્પીરેશન ધરાવતી બુક વાંચવી હોય તો, મારું સ્વપ્ન (I too had a dream) સારો ઓપ્શન બની શકે જે વર્ગીસ કુરિયનની આત્મકથા છે અને સુધા મૂર્તિએ અનુવાદ કર્યો છે.

આ વાત મિલ્કમેન ઓફ ઇન્ડિયા કે જે શ્વેત ક્રાંતિ (વાઈટ રીવોલ્યુશન)ના જનક એવા વર્ગીસ કુરિયનની છે. આપણા જેવા જ સામાન્ય માણસ હતા. એન્જીનીયરિંગ કર્યા બાદ ટાટાની કંપનીમાં જ્હોન મથાઈની ભલામણથી નોકરી મળી હતી. ભલામણની નોકરી ભીખ જેવી લાગવાથી ગુગળાઈને વળતા ઓપ્શન તરીકે સ્કોલરશીપ મેળવીને અમેરીકા જતા રહ્યાં અને જ્હોન મથાઈની નારાજગી છતા નોકરીમાંથી છુટકારો મેળવ્યો.

અમેરિકાથી પાછા આવ્યા ત્યારે આઝાદ દેશ વિચિત્ર રીતે ભાગલામાં વહેચાઈ ગયો હતો. ભારત સરકાર તરફથી સ્કોલરશીપ મેળવીને ગયેલા કુરિયને હવે કરાર મુજબ સરકારી નોકરી કરવાની હતી. આણંદ જવાને બદલે પ્રાઈવેટ કંપનીમાં જઈને વધુ પૈસા કમાવા માંગતા હતા. ઉપરી અધિકારીએ કુરિયનના કોન્ફીડેન્શિયલ રિપોર્ટમાં લખ્યું હતું, “કાર્યક્ષમ ઑફિસર થવાને અસમર્થ.” આવા સી.આર. રિપોર્ટના કારણે બેગ્લોરની ઈમ્પિરિયલ ડેરી રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં ડેરી એન્જિનિયરને બદલે આણંદ જેવા ધુળીયા અને ઊંઘરેટાં શહેરની સરકારી ક્રીમરીમાં ડીપ્લોમાં વાળી જગ્યા પર કામ સોપાયું હતું. ડૉ. કુરિયને આવી અણધારી રીતે ઈચ્છા વિના માત્ર નસીબના વમળમાં અટવાતા અહીં સુધી પહોચી ગયા હતા. જીવનનો મહાન ઉદ્દેશ્ય આગળ રાહ જોઈને બેઠો છે એવી ક્યાં ખબર હતી!

થોડા સમય રહ્યાં બાદ ખબર પડી કે તેઓ મફતનો પગાર લઈ રહ્યાં છે, કામ તો કઈ છે જ નહીં. તરત જ સરકારને પત્ર દ્વારા જાણ કરી કે સરકાર તેને ખોટો પગાર ચૂંકવે છે આથી રાજીનામુ મંજૂર કરવું પરંતુ સરકારે ચાર પાંચ પત્રો પછી કંટાળીને માંડ સ્વીકાર્યું.

આ સમય દરમિયાન એક ઘટનાપ્રવાહ ધીમી ગતિએ સમાંતરે વિસ્તરતો હતો. સરકારી ક્રીમરીની નજીક જ એક નાની મંડળી કટાય ગયેલા મશીનો સાથે અસ્તિત્વની લડાઈ લડતી હતી. ખાનગી પોલસન ડેરીની સ્થાપિત વ્યવસ્થા સામે ભંગાર ઓઝારોથી સ્પર્ધા આપવી એ શેખચલ્લીની વાતો જ હોય એવું સરકારી તંત્ર પણ માનતું હતું. આવા સંઘર્ષોમાં લડતા એ નેતાનું નામ હતું ત્રિભુવનદાસ પટેલ. સ્થાપિત હિતો સામે લડત આપી એકમાત્ર ખાનગી ડેરીના અબાધિત અધિકારોને બદલે મંડળીઓ પણ પોતાનું દૂધ સ્વતંત્ર રીતે વેંચી શકશે એવો નિર્ણય કરાવ્યો હતો. આ લડતની કિંમત કેટલાય લીટર દૂધ રસ્તા ઉપર ઢોળીને ચૂંકવી હતી.

ત્રિભુવનદાસની જર્જરિત મશીનરીના રીપેરીંગ માટે ડૉ. વર્ગીસ કુરિયનને મળવાનું થયું. આ જોડી ભવિષ્યમાં અજોડ નીવડવાની હતી એવો ખ્યાલ કોઈને ય ક્યાં હતો! દેવું કરીને ય નવી મશીનરી ખરીદવાનો નિર્ણય પણ ડૉ. કુરિયનની સલાહથી જ થયો હતો. નવા મશીનનો ઑર્ડર આપ્યા પછી ખબર પડી કે કુરિયનનું રાજીનામુ મંજૂર થઈ ગયું છે. કુરિયન જવાની તૈયારીમાં જ હતા. આ નાજુક ક્ષણે લેવાયેલો નિર્ણય ખેડૂતોના નસીબમાં કેવો ફેરફાર કરવાની તાકાત ધરાવતો હતો એની તો કલ્પના પણ ક્યાંથી હોય! ત્રિભુવનદાસના આગ્રહ આગળ કુરિયને ઝુકવું પડ્યું અને નાનકડી ઓળખ વગરની સહકારી મંડળીના જનરલ મેનેજર તરીકે થોડા સમય માટે સ્વીકારેલી નોકરી કાયમી બનીને ક્રાંતી સર્જી ગઈ. આ જોડીમાં મતભેદો ઘણી વાર સર્જાતા પણ ખેડૂતોનું હિત એ મુખ્ય એજંડા રહેતો.

આવી સહકારી મંડળી સ્થાપવાનો મુખ્ય હેતુ વચેટીયા દૂર કરીને ખેડૂતોને સીધો લાભ મળે એ હતો. ખેડૂત પોતાનું દૂધ ત્રણ રૂપિયા લીટરે વેંચતો પરંતુ જ્યારે માર્કેટમાં લેવા જાય ત્યારે દસ રૂપિયા લીટરે મળતું. વચ્ચેના સાત રૂપિયા વચેટીયાઓ વગર મહેનતે તફડાવી લેતા હતા (રૂપક). જગતના તાતની આવી દારુણ હાલત જોઈને ડૉ. કુરિયનનું દિલ પીગળી ગયું અને સાથોસાથ એ પણ સમજાય ગયું કે સરકારી કે ખાનગી વ્યવસ્થાની જગ્યાએ ખેડૂતો પોતાની માલિકી ધરાવતી સહકારી મંડળીથી જ આર્થિક પ્રગતિ કરી શકશે.

વ્યક્તિગત હિત જનહિત સાથે જોડાય પછી ચમત્કાર સર્જવો અઘરો નથી હોતો. કુરિયન ડેરી પ્રવૃત્તિના નિષ્ણાંત હતા એવું ન હતું પરંતુ ડેરી ક્ષેત્રે અગ્રણી એવા ન્યૂઝીલેન્ડ જેવા દેશોની ડેરીનો અભ્યાસ કરીને આણંદ ડેરીને સતત ટેકનીકલી અપડેટ તો કરી જ હતી પરંતુ સ્વદેશી મશીનરી પણ અપનાવી જેથી તકલીફ વખતે સમયસર મદદ મળી રહે.

આખરે ચમત્કાર સર્જાયો. એક દિવસનો ચમત્કાર ક્યાં હતો! આમાં તો અમુલ્ય એવા કેટલાય વર્ષોનું ઈન્વેસ્ટમેન્ટ થયું હતું. એક નાનકડી મંડળી હવે અમૂલ બ્રાંડ બની હતી. કેટલાય કર્મચારીઓનો પરસેવો રેળાયો હતો. આઝાદી પછીના વર્ષોમાં ડેરીક્ષેત્રે અમૂલની આખા દેશમાં આણ વર્તાતી હતી. સફળતા મળે એટલે ઈર્ષાકેન્દ્રો પણ ઉભા થાય. આ કિસ્સામાં ઈર્ષાકેન્દ્રો હતા મલ્ટીનેશનલ કંપની અને એનાથી પ્રેરિત અમુક અમલદારો. આટલા બધા સંઘર્ષો વચ્ચે પણ ચટ્ટાનની જેમ અડગ રહ્યાં.

આ ચમત્કાર ખરેખર ખેડૂતના ઘરમાં સર્જાયો હતો કારણ કે વચેટીયાઓને જતી આવક પોતાના ઘરે આવતી થઈ હતી. ગામડું મજબુત બન્યું હતું. મહિલા સશક્તિકરણ થયું હતું કારણ કે પશુઓની સારસંભાળ મોટાભાગે મહિલાના કર્મક્ષેત્રમાં આવતી હતી તો આવકનો લાભ પણ મળે જ ને! સરકારનો સહકાર ન મળવા છતાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાપના અમૂલના ખર્ચે કરી, જેનો મુખ્ય ઉદ્દેશ બીજા રાજ્યોમાં અમૂલ જેવી ડેરી ઉત્પન્ન કરી સમગ્ર દેશની ડેરી ક્ષેત્રની માંગ પૂરી કરવાનો અને દૂધ ક્ષેત્રે ક્રાંતિ સર્જવાનો હતો જેને આપણે શ્વેત ક્રાંતિ એવું નામ આપ્યું છે.

ડૉ. કુરિયન જન્મથી ખ્રિસ્તી હતા પણ પોતાને નાસ્તિક ગણાવતા હતા. એમણે ખેડૂતોના ઉત્કર્ષને જીવનભર પોતાનો ધર્મ ગણ્યો હતો. એમની નાસ્તિકતાના કેન્દ્રમાં માનવ સેવા હતી. એનાથી મોટો ધર્મ બીજો કોઈ હોય જ ન શકે. એમની પ્રમાણિકતા અને નિષ્ઠા વિશે કોઈ જ આંગળી ચીંધી શકે નહીં. ખરા દેશભક્તોની વ્યાખ્યા શોધવા નીકળીએ ત્યારે આ મહામાનવને પણ લક્ષમાં રાખવા જેવા ખરા.

ડૉ. વર્ગીસ કુરિયન માનતા હતા કે ખેડૂતોને સમૃદ્ધ કરવા દૂધ મંડળીની જેમ ખેત પેદાશ માટે પણ મંડળીઓ બનાવવી જરૂરી છે, જેમાં રાજકીય પ્રભાવ નહિવત હોય. આજે પણ ખેડૂત ગરીબ હોવાનું કારણ બજાર અને ખેડૂત વચ્ચેના દલાલ એટલે કે વચેટીયાઓ છે, જે વગર મહેનતે કમાય છે. પૈસાની સખત જરૂરીયાતને પહોચી વળવા ખેડૂત ગમે તે ભાવે માલ વેંચવા તૈયાર થઈ જાય છે અને ઓછા વળતરને કારણે વ્યાજનું વિષચક્ર ચાલું થઈ જાય છે અને આખરે હારીને આત્મહનન…..

સરકાર વળતરરૂપે સબસિડી ભલે આપે પણ સાથે સાથે ખેડૂતને ટેકનોલોજીકલ અપગ્રેડ કરી સીધા બજાર ભાવ ઉપલબ્ધ થાય એ દિશામાં વધુ પ્રયાસ કરવા જોઈએ. ડૉ. વર્ગીસ કુરિયનના જીવન વહેણમાં સાથે વહેવાનો અવસર ખરેખર આનંદદાયી રહ્યો.

બર્નીંગ થોટ્સ:

જે ઘરમાં પાંચ છ સારા પુસ્તકો ન હોય એ ઘેરથી દિકરી લાવવી નહીં કે આપવી નહીં. (ગુણવંત શાહ)